શીંગડા માંડતાં શીખવશું ! – મનુભાઈ પંચોળી ‘દર્શક’

[ શ્રી નાનાભાઈ ભટ્ટની 80મી જન્મજયંતી પ્રસંગે, એમના જીવનપ્રસંગો મારફત દક્ષિણામૂર્તિ સંસ્થાની કથા કહેતું ‘નાનાભાઈ’ નામનું નાનું પુસ્તક શ્રી ‘દર્શકે’ 1961માં આપેલું. તેનો સંક્ષેપ કરીને શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ ઉપરોક્ત શીર્ષક હેઠળ ખિસ્સાપોથી તૈયાર કરી છે. આજે આ નાનકડી પુસ્તિકામાંથી નાનાભાઈ ભટ્ટના કેટલાક જીવનપ્રસંગો માણીએ. પુસ્તિકા પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] નાનાભાઈનું મૂળ નામ નરસિંહપ્રસાદ. તેમણે બાળપણ છેક ગરીબાઈમાં વિતાવેલું. મા નાનપણમાં જ મૂકીને મરી ગયેલાં. પિતાનો અગ્નિહોત્રી ને કથાકારનો ધંધો હતો. કથા વાંચતી વખતે જો પાટલા પર કાંઈ પૈસા આવ્યા હોય તો ઘરમાં શાક આવે, નહીંતર સૌ લૂખુંપાખું ખાઈ લે એવી સ્થિતિ. પણ આ ગરીબાઈ પિતાને ભાગ્યે જ સાલતી, ને દીકરાને તો કદીયે નથી સાલી. મુંબઈની એલફિન્સ્ટન કૉલેજ તો બાદશાહી કૉલેજ ગણાય. ત્યાં તો બધા અમીરના દીકરા પેઠે રહેનારા. એ બધા વચ્ચે પણ નરસિંહપ્રસાદ એક જ પહેરણે ચલાવે. રોજ રાત્રે પહેરણ ધોઈને સૂકવી નાખે, ને સવારે ઉજળા બાસ્તા જેવું પહેરણ પહેરી કૉલેજમાં જાય. એક જ કોટે ચાર વર્ષ કાઢેલાં.

હા, મુંબઈમાં એક મોજ માણેલી. એ અરસામાં એક અમેરિકન નાટક કંપની આવેલી, તે શેક્સપિયરનાં નાટકો અસાધારણ સુંદર રીતે ભજવે. નરસિંહપ્રસાદે એલિઝાબેથના સમયનાં નાટકોને ઐચ્છિક વિષય તરીકે લીધેલાં. એમણે નક્કી કર્યું કે, આ નાટકો તો જોવાં જ. તપાસ કરી, તો છેલ્લામાં છેલ્લા વર્ગની ફી પણ દસ રૂપિયા. ને દસ રૂપિયા તો નરસિંહપ્રસાદનું આખા મહિનાનું ખર્ચ આવતું. છતાં ત્રણ નાટકો જોયાં; ત્રીસ રૂપિયા ખર્ચ્યા ને છ મહિના એકટાણું જમ્યા. એવું ગાંડપણ !

આ અરસામાં જ, એમને શ્રીમન્નથુરામ શર્માનો પરિચય થયો. એ કાળે એમની જાહોજલાલી હતી. મોટામોટા રાજાઓ એમને પોતાના મહેલમાં હાથીએ બેસાડીને પધરાવતા. સેંકડો સ્ત્રી-પુરુષો એમના ભક્તવૃંદમાં હતાં. એમનું વ્યક્તિત્વ પણ કશાય વાવંટોળ વિનાના એ જમાનામાં સૌને આકર્ષતું. કેવળ આપબળે જ એક ગામડાના માસ્તરથી યોગસિદ્ધ પુરુષની કોટિએ પહોંચેલા મહાત્માશ્રી પ્રત્યે નરસિંહપ્રસાદનું ધ્યાન સહેજે ખેંચાયું. આમેય નાનપણથી સાધુસમાગમ શોધવાની ટેવ પડેલી હતી. વિધવિધ પંથના સાધુઓનો પરિચય પામ્યા પછી નરસિંહપ્રસાદની નજર શ્રીમન્નથુરામ શર્મા પર ઠરી, ને એ જ ઘડીએ તેમને પોતાના મનમાં ગુરુપદે સ્થાપ્યા.

નરસિંહપ્રસાદે ઠેઠ બાર વર્ષની ઉંમરથી મનમાં શિક્ષકનો ધંધો નક્કી કરી લીધો હતો. એટલે ભણી રહ્યા પછી એમણે ભાવનગર રાજ્યમાં નોકરી માગી. પણ તે અંગ્રેજી હાઈસ્કૂલ કે કૉલેજમાં નહીં, પણ ગુજરાતી પ્રાથમિક શાળામાં. એમણે સામે ચાલીને નિશાળના માસ્તર થવાનું પસંદ કર્યું. રાજ્ય પણ સહેજ વિચારમાં પડ્યું. બી.એ.માં જે પ્રથમ શ્રેણીમાં ઉંચા ગુણ લઈને પાસ થયેલ છે, એ ગુજરાતી નિશાળમાં એકડિયા ભણાવવાનું શા માટે પસંદ કરે છે ? નરસિંહપ્રસાદ રાજ્યને કહે છે કે, મારે ખરેખર શિક્ષણનું કામ કરવું હોય તો આ બાળપોથી ને એકડિયાનાં ધોરણો જ લેવાં જોઈએ. જેનો પાયો જ પોલો ખોદાયો છે, એના પર હું કઈ રીતે મોટી ઈમારત ચણવાનો હતો ? મારે પાયામાં જ પૂરણી કરવી છે.

રાજ્યને વાત સમજાઈ, પણ ગુજરાતી કેળવણી ખાતામાં ઉહાપોહ થઈ પડ્યો. કેટલાક સિનિયર શિક્ષકોએ વાંધો ઉઠાવ્યો કે, આ પ્રમાણે વધુ અંગ્રેજી ભણેલાને ગુજરાતી નિશાળમાં દાખલ કરશો તો બીજા સિનિયર કદાચ ઉંચા નહીં આવી શકે. એમાંના એક દયાશંકર મહેતાજી તો પહોંચ્યા નાનાભાઈના પિતાની પાસે ને તેમને સમજાવ્યું કે, નરસિંહપ્રસાદ તો અમારા પેટ પર પગ મૂકે છે. એને જગ્યાઓનો ક્યાં તોટો છે તે ગુજરાતી શાળામાં દાખલ થાય છે ? એને તો અંગ્રેજી નિશાળમાં ગમે ત્યાં દાખલ કરશે. પણ જો તે અહીં દાખલ થશે તો અમે આગળ નહીં વધી શકીએ. પિતાના અતિશય આગ્રહથી છેવટે એમણે એ વિચાર પડતો મૂક્યો ને 50 રૂપિયાના પગારથી મહુવાના હેડમાસ્તર તરીકે નોકરીમાં જોડાયા. હાઈસ્કૂલમાંથી પછી કોલેજમાં પ્રોફેસર તરીકે નિમાયા. પગાર પણ સારો એવો વધ્યો. બધું સુખશાંતિથી ચાલતું હતું. પણ મનને સુખશાંતિ નહોતી. તેઓ જોતા કે કૉલેજના વિદ્યાર્થીઓ એમની પાસે આવતા, પણ એ તો કેમ પાસ થવું એની ચાવીઓ જ શીખવા; કેમ જીવન જીવવું તે શીખવા નહીં. જાણે એમની ને વિદ્યાર્થીઓની વચ્ચે એક વ્યાપારી સંબંધ હતો, એકબીજાના જીવનમાં પ્રવેશવાનાં બારણાં બંધ હતાં. તેઓ જોતા કે વિદ્યાર્થીઓ કૉલેજમાં ચાર વર્ષ રહ્યા પછી પણ એટલા જ દિશાશૂન્ય ને ઉપલકિયા રહેતા.

આ સ્થિતિ કરુણ હતી. પૃથ્વીનાં દ્રવ્યોમાંનું સૌથી મૂલ્યવાન દ્રવ્ય યૌવન, નિરર્થક વેડફાયે જતું હતું. એમને થાય છે કે આવી અર્થશૂન્ય કેળવણીનો હું કેમ ભાગીદાર થાઉં ? અહીં તો અધ્યાપકો મહાલયો બાંધે છે, પણ ઈંટ-ચૂના વિના જ. અહીં જે બધા વિદ્યાર્થીઓ આવે છે એ ધોવાઈ ગયેલાં ખેતરો જેવા, ઘઈડાવાળી પાટી જેવા; એમાં કશું ઝિલાય તેમ નથી, કશું સર્જાય તેમ પણ નથી. 1910ના એક શુભ દિવસે એ કૉલેજમાંથી રાજીનામું આપી દે છે. ગુજરાતના કેળવણીના ઈતિહાસમાં એ દિવસ યાદ રહેશે. કારણ કે તે દિવસે ગુજરાતમાં શિક્ષણવિદ્યાનો પુર્નજન્મ થયો. શારદાની વીણાનો બંધ પડેલ ઝંકાર ફરી શરૂ થયો. તે દિવસે એમને આ માર્ગે ન જવાની સલાહ આપનાર સંખ્યાબંધ નીકળેલા. ઘણાએ કહેલું કે, ‘રોટલા વિના રઝળશો, ને પછી વારે વારે આ કૉલેજની જગ્યા નથી મળવાની.’
પણ એમણે એક જ જવાબ આપેલો કે : ‘એવું થશે તો મારું દુર્ભાગ્ય સમજીશ.’

[2] એક વાર મને કહેતા હતા : ‘પ્રામાણિકતા, ન્યાય ને સત્યના આટલા બધા ઉપદેશો થવા છતાં એ સાંભળનારાનાં હૃદયમાં નથી ઉતરતાં તેનું એક કારણ એ હોય છે કે, આપણી જીભ જ્યારે એક ઉપદેશ આપી રહી હોય છે તે જ વેળાએ આપણું જીવન અનેક મોઢાં વડે બીજો જ ઉપદેશ કરી રહ્યું હોય છે; ને આખરે તો જીવન જે ઉપદેશ કરે એ ચિરંજીવ હોય છે.’ એમના પોતાના માટે તો જાણે એમણે એક નિયમ જ કર્યો લાગે છે : ‘જે જીવનમાં ન હોય તેના ઉપર જાહેરમાં કદી બોલવું નહીં.’

પાટણમાં છાત્રાલય સંમેલન ભરાયેલું ત્યારનો કિસ્સો મને યાદ આવે છે. છાત્રાલયના વિદ્યાર્થીઓને બ્રહ્મચર્યનો મહિમા સમજાવીને ઉપદેશ આપવો કે નહીં એની ચર્ચા થતી હતી. બન્ને પક્ષે જુદા જુદા વક્તાઓ બોલી રહ્યા હતા. પછી સભાપતિ તરીકે પોતાના વિચારો આપવાનું એમને માથે આવ્યું. એ શું બોલ્યા તે મને સ્પષ્ટ યાદ છે. ‘આપણે તે શું જોઈને બ્રહ્મચર્યની વાત કરતા હશું ? મારે ને મારા સહકાર્યકરોને ઘેર સવાસુરિયાં છોકરાં આવે છે, એ શું વિદ્યાર્થીઓ નથી જાણતા ? આપણે મિથ્યાચારી થયા સિવાય એટલું જ કહીએ કે બ્રહ્મચર્ય વિશે અમારો કશો અનુભવ નથી. પણ તમારા સ્વાસ્થ્યને ખાતર તમે ઈન્દ્રિયસંયમ કેળવતાં શીખો એ જરૂરી છે.’

[3] એમના પરિચયમાં આવ્યા પછી મને સૌથી મોટું આશ્ચર્ય થતું તે એમના ગૃહસ્થાશ્રમનું. પહેલી જ વાર હું એમને ઘેર ગયો ત્યારે એ મંજુને હીંચોળતા હીંચોળતા જેઠાલાલના હિસાબના ચોપડામાં સહી કરતા હતા ને તેમને હિસાબની ગૂંચો બતાવતા હતા. પછી જ્યારે જાઉં ત્યારે હીંચોળતા હોય, કાં તો ખાટલો પાથરતા હોય, કોઈવાર બાથરૂમમાં બેસી બધાંનાં લૂગડાંને સાબુ દેતા હોય, કોઈવાર રસોડામાં બેસી અજવાળીબેનને કાંઈક વાંચી સંભળાવતા હોય. વચમાં વાંચવાનું અટકી પડે ને ઘરની વાતો ચાલે. આ પહેલા મેં આમ કોઈ નેતાને તૂટેલી માંચી પર બેસી છોકરાંને હીંચોળતા જોયેલ નહીં. અહીં હું એક વિદ્વાનને, એક મોટી સંસ્થાના નિયામકને પથારી પાથરતો ને થાળી-વાટકા મૂકતો જોઉં છું. મારા આશ્ચર્યની કોઈ સીમા રહેતી નથી.

એવું જ મને બીજું આશ્ચર્ય થાય છે કે અજવાળીબેન સાથે એમને કેમ ફાવ્યું હશે ? અજવાળીબેન બિચારાં લગભગ અભણ, બ્રાહ્મણની દીકરી તરીકે છૂતાછૂતનો પાર નહીં; ઘરમાં પેસતાં જ એમ થયા કરે કે રખે ક્યાંક અડી તો નહીં જવાય ને ! એમનું પાણિયારું-રસોડું, પૂજાઘર અને ચારે બાજુ મરજાદની વાડ ઊભી કરેલી. મને તો આશ્ચર્ય કે, આ તે કેમ નભે ! વારંવાર એક સવાલ થયા કરે : ‘કેવું જબરજસ્ત છે આ બન્ને વચ્ચેનું અંતર ! ક્યાં નાનાભાઈની વિદ્વત્તા, યશ, સ્થાન, ત્યાગ – ને ક્યાં અજવાળીબેન ! એ કેટલુંક ભણ્યાં હશે ? બે-પાંચ ચોપડી. કેમ ચાલ્યો હશે એમનો સંસાર ! આજ સુધી તો અનેકને મોંએ સાંભળ્યું છે કે જે બન્નેમાં સમાન આદર્શ, સમાન શીલવ્યસન ન હોય, એક અભણ ને બીજું ભણેલું હોય, ત્યાં સંસારના રથનાં ચક્કરો ચૂંચૂં ચૂંચૂં કરવાનાં જ ને કદાચ અધવચ્ચે જ ખૂંચી જવાનાં. અહીં તો એ ઉણપ, એ કલેશ, ક્ષુદ્રતા, એ કરુણપટુ વાદવિવાદની છાયા પણ દેખાતી નથી. કઈ અદશ્ય વસ્તુએ આવડા મોટા અંતરને ભેદીને એમને નિકટ આણ્યાં હશે ?’

એક રાત્રે કંઈક કામે ગયો હતો. પોતે મંજુને હીંચોળતા હીંચોળતા હાલરડું ગાતા હતા. મને કહે : ‘હમણાં તો નવરાશ મળે છે, પણ શરૂઆતમાં તો દિવસોમાં પા કલાક પણ બચુની બા સાથે બેસવાનો વખત ન મળે મને. પણ ઘણીવાર થાય કે હું તે બચુની બાને પરણ્યો છું કે છાત્રાલયને ? પછી તો મન સાથે નક્કી કર્યું કે, દિવસનો અમુક સમય તો આપવો જ – પછી ભલે ગમે તેવું કામ હોય. આજ સુધી એ નિયમ અતૂટ ચાલ્યો આવે છે, ને એમાં હું ઘણું કમાયો છું. મંજુ કે બેબીને હીંચોળતાં, એમની પથારી કરતાં, એમને પંપાળતાં, રાતમાં એ થાકી ગઈ હોય ત્યારે ઉઠીને ગોદડું સમું કરતાં મને આનંદ ને કૃતાર્થતા મળે છે. મારા સંસારનો સમસ્ત ભાર એના પર નાખી દીધો છે, એનું થોડુંક પ્રાયશ્ચિત કરતો હોઉં એમ લાગે છે.’
‘એ જ આપની મોટાઈ.’
‘ઘણા લોકો આમ કહે છે ત્યારે મને લાગે છે કે આપણી દષ્ટિમાં કોઈક દોષ પેસી ગયો છે. જીવનમાં જે મોટાં કારભારાં ડોળે એ જ મોટાં ? બીજા ગુણોની કિંમત નહીં ? સાદામાં સાદા માનવીમાં પણ એક એની પોતાની મહત્તા પડી હોય છે. એ આપણે ભૂલી ગયા છીએ ? કહે છે કે, મારી બા ખડ વાઢવા જતી ત્યારે ઝોળીમાં મને સાથે લઈ જતી. વાંસા પરની ઝોળીમાં મને સુવાડ્યો હોય ને ખડ વાઢતી જાય. આ ત્યાગ, આ સંભાળની તોલે શું મારો આ થોડોક બુદ્ધિવૈભવ મૂકી શકાય તેમ છે ?’

એક વાર મેં પૂછ્યું, ‘મારી બા ખાદી કેમ નથી પહેરતાં ?’ એ હસીને કહે, ‘ભાઈ, મારી એક મૂંઝવણ છે. મેં ખાદી ને સ્ત્રી-સ્વાતંત્ર્ય, બંનેની હિમાયત સાથે ઉપાડી છે. કહેતા હો તો ખાદી પરાણે પહેરાવું, ને સ્ત્રી-સ્વાતંત્ર્યનો ઝંડો હેઠો મેલી દઉં. પણ જ્યાં સુધી એ ધજાગરો પણ ઝાલ્યો છે, ત્યાં સુધી તો ખાદી પહેરાવવાનું નહીં બને. મારે મનથી ખાદી એ કેવળ રાજકીય પોશાક નથી. એ બાપુની અહિંસાનું પ્રતીક છે. પ્રેમમૂર્તિ ઈશુ ને કારુણ્યમૂર્તિ બુદ્ધની મૂર્તિ માટે લોકો તલવાર ઉપાડે છે, એ ક્ષણે જ બુદ્ધ ને ઈશુ મરી જાય છે. હું રાહ જોઈ શકીશ, પણ તલવાર નહિ ઉઠાવી શકું. ખાદી પહેરવાની વસ્તુ છે, પહેરાવવાની નહીં.’

[કુલ પાન : 46 (નાની સાઈઝ). કિંમત રૂ. 5. પ્રાપ્તિસ્થાન : લોકમિલાપ. પો.બો. 23 (સરદારનગર), ભાવનગર-364001. ફોન : +91 278 2566402. ઈ-મેઈલ : lokmilap@gmail.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મોબાઈલની મોંકાણ – પરાગ ત્રિવેદી
ઊઘડવાની અવસ્થા – રીના મહેતા Next »   

8 પ્રતિભાવો : શીંગડા માંડતાં શીખવશું ! – મનુભાઈ પંચોળી ‘દર્શક’

 1. સુંદર વાતો…. મોટા માંણસ થવું એટલે માત્ર પદથી નહિ….પોતાની સમજ અને કાર્યો થી

 2. harikrishna patel says:

  truely he was a legend.

 3. અશોક જાની 'આનંદ' says:

  ” આવી અર્થશૂન્ય કેળવણીનો હું કેમ ભાગીદાર થાઉં ? ” આ એ મહામાનવની વિચારસરણી અને આજના કેળવણીકારો સદંતર અર્થશૂન્ય, પણ અર્થલક્ષી માત્ર પરીક્ષાલક્ષી અને કહેવાતી કેળવણી પાછળ પડેલા છે, ક્યાંથી ભલીવાર આવે આજના ભણતરમાં..???

 4. જગત દવે says:

  નીચેનાં બે ખુબ ચોટદાર સુવાક્યો શ્રી નાનાભાઈ ભટ્ટનાં મુખેથી કહેવાયા છે જે જીવનભર યાદ રાખવા જેવાં છેઃ

  ૧. આપણી દષ્ટિમાં કોઈક દોષ પેસી ગયો છે. જીવનમાં જે મોટાં કારભારાં ડોળે એ જ મોટાં? બીજા ગુણોની કિંમત નહીં? સાદામાં સાદા માનવીમાં પણ એક એની પોતાની મહત્તા પડી હોય છે.

  ૨.પ્રેમમૂર્તિ ઈશુ ને કારુણ્યમૂર્તિ બુદ્ધની મૂર્તિ માટે લોકો તલવાર ઉપાડે છે, એ ક્ષણે જ બુદ્ધ ને ઈશુ મરી જાય છે. હું રાહ જોઈ શકીશ, પણ તલવાર નહિ ઉઠાવી શકું.

 5. dhiraj says:

  “ખાદી પહેરવાની વસ્તુ છે, પહેરાવવાની નહીં.”

  આમાં ખાદી ની જગ્યાએ વિચારો, માન્યતાઓ, વગેરે પણ મૂકી શકાય

  • Navin N Modi says:

   શ્રી ધીરજભાઈ,
   આપની વાત સાવ સાચી છે. આપણે સારા વિચારો વાંચવા આતુર હોઈએ છીએ. પરંતુ દુર્ભાગ્ય એ છે કે પ્રથમ એને આંતરિક પચાવવાનો પ્રયત્ન કરવાને બદલે ચર્ચા દ્વારા તેના પ્રસાર કાર્યમાં (જોકે એ કાર્ય પણ કંઈ ખોટું તો નથી જ!) લાગી જતાં મૂળ હેતુ ભુલાઈ જાય છે. પરિણામે મહાત્મા ગાંધીજી તથા નાનાભાઈ જેવા ચિંતકોના અથાગ પ્રયત્નો છતાં સમાજમાં જોઈએ તેવો સુધારો આવ્યો નથી. વધુ દુર્ભાગ્યપૂર્ણ એ છે કે ખાદી અને કહેવાતી ‘ગાંધીગિરી’ આજે દંભ અને મમતના પ્રતિક માત્ર બનીને રહી ગય છે.

 6. maitri vayeda says:

  સુંદર વાતો…

 7. chetan says:

  ખુબ જ સારિ વાર્તા લાગિ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.