આ અફીણના બંધાણમાંથી ક્યારે છૂટીશું ? – કાન્તિ શાહ

[‘ભૂમિપુત્ર’ જુલાઈ-2010માંથી સાભાર.]

માર્કસે કહેલું કે ધર્મ અફીણનું કામ કરે છે. આજે ‘વિકાસ’નો એક નવો આધુનિક ધર્મ ઊભો થયો છે, તે પણ એ જ કામ કરી રહ્યો છે. તે આજે અફીણની ગરજ સારે છે ! દેશ-દુનિયામાં આજે બધે વિકાસનો ભૂવો ધૂણી રહ્યો છે. તેણે અફીણ ઘોળી-ઘોળીને પીધું છે અને બીજા સહુનેય પાયું છે. એટલે અફીણની લતે ચઢી ગયેલો માણસ પણ પોતાની સુધબુધ ગુમાવી ભૂવાની સાથે ને સાથે ધૂણી રહ્યો છે. ધૂણવાનો આવેગ વધતો જાય છે, તેમ તેમ માણસની સાનભાન હરાતી જાય છે. બૂંગિયો ઢોલ વાગી રહ્યો છે અને તે બીજું કશું સાંભળવા દેતો નથી. બીજું કશું સાંભળવા-સમજવાની જરૂર પણ શી છે ? બસ, તાનમાં ને તાનમાં ધૂણે રાખો !

છેલ્લાં બસો-ત્રણસો વરસથી વિકાસનો આ નવો ધર્મ બધે પ્રવર્તી રહ્યો છે. બીજી કોઈ વિચારસરણી કરતાં આની જ સર્વત્ર બોલબાલા રહી છે. વિકાસના આ નવા ધર્મની પાયાની શ્રદ્ધા એ છે કે માણસના જીવનનો મુખ્ય ઉદ્દેશ ઈન્દ્રિયસુખ છે. તેથી માણસના મનમાં ઊઠતી દરેક કામનાની ને ઈચ્છાની પૂર્તિ કરવાની છે તથા વધુ ને વધુ ભોગવિલાસથી માણસે સુખ પામવાનું છે. એટલે આપણી સામે પરમ ધ્યેય બસ એક જ છે કે વધુ ને વધુ ભૌતિક ઉત્પાદન અને વધુ ને વધુ ઉપભોગ. જાતજાતની તરકીબો કરી માણસના મનમાં ન હોય એવી પણ નવી નવી કૃત્રિમ માંગો ઊભી કરવાની છે. આમાં જ માણસનો વિકાસ છે, માણસની પ્રગતિ છે. સાદા અને સામાન્ય જીવનનિર્વાહથી સંતોષ માની લેવો અથવા આત્મ-નિર્ભરતાને મૂલ્ય માનવું, એ તો પછાતપણાની નિશાની છે, અને તેને તો આ વિકાસના ધર્મમાં સૌથી મોટું પાતક ગણવામાં આવે છે !

અગાઉ કેલિફોર્નિયાના લૉસ એન્જેલિસથી નીકળતા સુપ્રતિષ્ઠિત ને ચિંતનશીલ સાપ્તાહિક ‘MANAS’માં ત્રીસેક વરસ પહેલાં ઈવાન ઈલિચે એક માર્મિક લેખ લખેલો, જેનું શીર્ષક હતું – ‘વિક્ટિમ્સ ઑફ ડેવલપમેન્ટ’ (વિકાસના શિકાર). દુનિયા આખી વિકાસના એક ખોટા ને વિકૃત મૉડેલની શિકાર બની ગઈ છે. આજે આપણે વિકાસના બલિ બની રહ્યા છીએ ! વિકાસના આ નવા ધર્મના કેન્દ્રમાં જીવતો જાગતો માણસ નથી, ભોગવાદ છે, અમર્યાદિત ને અનિયંત્રિત ભોગવાદ અને પૈસો. માણસ તેનો શિકાર બની ગયો છે. આજની પરિસ્થિતિનું વેધક વિશ્લેષ્ણ કરીને ઈવાન ઈલિચે આ લેખમાં કહ્યું છે : ‘વિકાસના બહાના હેઠળ આજે લોકોની શાંતિ સામે દુનિયાભરમાં એક યુદ્ધ ચાલી રહ્યું છે. વિકાસ અને પ્રગતિના નામે લોકોની શાંતિ હરી લેવામાં આવી છે. જ્યાં સુધી આર્થિક વિકાસ પાછળની આ આંધળી દોટ ઉપર લગામ રાખવામાં નહીં આવે તથા આર્થિક વિકાસની અમુક મર્યાદાઓ સ્વીકારી લેવામાં નહીં આવે, ત્યાં સુધી લોકો પોતાની શાંતિ પાછી મેળવી શકશે નહીં…. આજે તો શાંતિને વિકાસ સાથે જોડી દેવામાં આવી છે. જો કોઈ આર્થિક વિકાસની વિરુદ્ધ બોલે, તો તેને પ્રગતિનો દુશ્મન માનવામાં આવે છે ! વિકાસની આ દોટમાં સામેલ નહીં થઈને જે લોકો બજારના અર્થતંત્રની બહાર રહેવા માગતા હોય, એવા લોકોને વિકાસે હંમેશાં બાજુએ હડસેલી કાઢ્યા છે. આર્થિક વિકાસનો આ નવો ધર્મ સામન્ય લોકો સામેનું એમની શાંતિ હરી લેનારું યુદ્ધ જ છે.’

વિકાસની આ ફિલસૂફી તો બસો-ત્રણસો વરસથી પ્રવર્તી રહી હતી, પરંતુ વિકાસના ધર્મની વિધિવત સ્થાપના વિશ્વયુદ્ધ પછી તુરત થઈ. યુદ્ધમાં યુરોપના બધા દેશો તો ખોખરા ને ખોખલા થઈ ગયા હતા, દુનિયાનું સુકાન હવે અમેરિકાના હાથમાં આવ્યું હતું. વિકાસની ફિલસૂફી અમેરિકામાં જ વિશેષ ફૂલી-ફાલી હતી અને ત્યાં તેની ભારે બોલબાલા હતી. અમેરિકાના ત્યારના પ્રમુખ ટ્રુમેને 20 જાન્યુઆરી 1949ના દિવસે અમેરિકાની કૉંગ્રેસ સામે એક શકવર્તી ભાષણ કર્યું. તેમાં એમણે કહી દીધું કે ‘વધુ ને વધુ ઉત્પાદન એ જ સમૃદ્ધિની તેમ જ શાંતિની ચાવી છે. આ માટેનો આદર્શ અમેરિકાએ પૂરો પાડ્યો છે. અમેરિકા ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક વિકાસની ટોચે પહોંચ્યું છે. પરંતુ મોટા ભાગની દુનિયા હજી અવિકસિત કે અર્ધવિકસિત છે. તેને આ દુર્દશામાંથી ઉગારવા અમેરિકાએ આગેવાની લઈને મદદ કરવાની છે. વિકાસ સિવાય કોઈ બીજો આરો-ઉગારો નથી.’ આમ તો સામ્રાજ્યવાદના દિવસોથી ગોરી પ્રજાઓ કાળી પ્રજાઓને પોતાના જેવી સભ્ય ને સુસંસ્કૃત બનાવવાની પોતાની ‘દૈવી જવાબદારી’ની વાત કરતી જ આવી હતી. પરંતુ હવે ‘વિકાસના ધર્મ’ની આણ દુનિયા આખીમાં ફેલાવી દેવાની જેહાદ શરૂ થઈ, અને અમેરિકા તેમાં પ્રધાન પુરોહિત બન્યું. હવે માત્ર એક જ મિશન – ‘આર્થિક વિકાસ.’ કોઈ પણ દેશ કેટલો સભ્ય છે અને કેટલો વિકસિત છે, તેનું એક માત્ર માપ – તેનું ઉત્પાદનનું ને ઉપભોગનું સ્તર કેટલું છે ? તેનું આર્થિક જીવનધોરણ કેટલું ઊંચું છે ?

આમ, વિકાસ જ હવે બધાનો આરાધ્ય દેવ બન્યો તથા દુનિયા ‘વિકસિત અને અવિકસિત’ એવા બે ભાગમાં વહેંચાઈ ગઈ ! દુનિયામાં વિવિધ પ્રજાઓ છે, એમની વિવિધ સંસ્કૃતિઓ છે, એમની અપાર વૈવિધ્ય ધરાવતી અપરંપાર જીવનપદ્ધતિઓ છે – આ બધું જ હવે ભુલાવી દેવામાં આવ્યું. કોણ કેટલો વિકસિત ને પ્રગતિશીલ છે, તે પશ્ચિમના વિકાસના ઔદ્યોગિક મોડેલ સાથે સરખામણી કરીને જ નક્કી કરાશે. નવાં નવાં સ્વતંત્ર થયેલાં રાષ્ટ્રો આ વાતથી અંજાઈ ગયાં. એમણે બધાંએ પોતાનાં રાષ્ટ્રો ‘અવિકસિત’ છે, એવી અમેરિકાની વ્યાખ્યા સ્વીકારી લીધી. પશ્ચિમનું વિકાસ મોડેલ એમને માટે આદર્શ રૂપ બની ગયું.

‘વિકાસ’ કહેતાં જ એક દોટની કલ્પના નજર સામે આવે છે. કેટલાક આગળ નીકળી ગયા છે, તેને આપણે ઝટ ઝટ આંબી જવાના છે. આપણે પાછળ રહી ગયા છીએ, આપણે અવિકસિત છીએ. પછાત છીએ. કોઈને એવો ખ્યાલ ન આવ્યો કે ‘વિકાસ’નો આ માપદંડ જ ખોટો છે. જેને આ ઔદ્યોગિક દેશોએ વિકાસ માની લીધો છે, તેના કરતાં સાવ જુદી જીવનશૈલી પણ હોઈ શકે. અમુક પ્રજા ‘વધુ ને વધુ (હેવમોર)’ ની દોટમાં સામેલ હોવાને બદલે ‘પર્યાપ્ત (જસ્ટ ઈનફ)’ની સંસ્કૃતિને વરેલી હોય અને તેને લીધે તેની આર્થિક આવક ઓછી હોય. અમુક પ્રજા પોતાની સાધન-સામગ્રી અને શક્તિ માત્ર આર્થિક ધ્યેય પાછળ જોતરી દેવાને બદલે જીવનનાં અન્ય ક્ષેત્રોમાં પ્રયોજવા માગતી હોય, સાદું જીવન અને ઉચ્ચ ચિંતનમાં માનતી હોય, તેને લીધે પણ તેની આર્થિક આવક ઓછી હોય. અને તો તમે કોણ અમને ‘અવિકસિત’ ઠેરવી દેનારા ? અમે મૂળમાં તમારી આ દોટમાં સામેલ છીએ જ નહીં ને ! – આવું કહેનારો ગાંધી નીકળ્યો. આજથી સો વરસ પહેલાં તેણે આ જ કહી દીધું. તેણે પશ્ચિમના વિકાસના મોડેલને સ્વીકારવાની ધરાર ના પાડી દીધી. તેની તેણે સખતમાં સખત આલોચના કરી. તેની વેધક સમીક્ષા કરીને તેમાં રહેલાં અનિષ્ટકારક તત્વો અને તેની અંતર્ગત રહેલી ભારોભાર હિંસા તેણે દીવા જેવી સ્પષ્ટ કરી બતાવી તથા આર્તતાપૂર્વક કહ્યું કે હિંદુસ્તાન આની નકલ કરવા જશે, તો પાયમાલ થઈ જશે.

દુર્ભાગ્યે સ્વતંત્ર હિંદુસ્તાન ગાંધીને કોરાણે મૂકી દઈને પશ્ચિમના દેશોને જ નજર સામે રાખીને ચાલ્યું. ત્યારે એ વિચારવાની સુધબુધેય ન રહી કે વિકાસના આ મૉડેલની અંતર્ગત ખામીઓ તો બાજુએ રહી, પણ તે મૉડેલ એમને માટે કારગર નીવડ્યું ત્યારે તે દેશોની જે સ્થિતિ હતી અને હવે આપણે ત્યાં અત્યારે જે સ્થિતિ છે, તે બે વચ્ચે આસમાન-જમીનનું અંતર હતું. તે વખતે ઔદ્યોગિક બનવા લાગેલા યુરોપના એ બધા નાના નાના દેશોના કબજામાં પોતાના દેશ કરતાં અનેક ગણાં મોટાં સંસ્થાનો હતાં. ત્યાંથી તેઓ પોતાના ઉદ્યોગો માટે કાચો માલ સાવ સસ્તી કીમતે લૂંટી લાવી શકતા અને પોતાને ત્યાં બનેલો પાકો માલ મન ફાવે તે કીમતે વેચી શકતા. એમના માલ માટે તૈયાર વિશાળ બજાર હતું તથા પોતાને ત્યાં ઉદ્યોગીકરણને કારણે ઊભા થતા બેકારોને પણ આ સંસ્થાનોમાં મોકલી શકાતા. આવી કોઈ જ અનુકૂળતા આપણા જેવા દેશોને ત્યારે બિલકુલ નહોતી. અત્યારે પણ આપણે ત્યાંથી ઘણા બીજા દેશોમાં ગયા ખરા, પણ તે બેકારી-નિવારણના ઉપાય તરીકે નહીં, ઊલટાનું તેનાથી તો દેશમાં બુદ્ધિનું ધોવાણ (brain drain) થતું ગયું ! આવા સંજોગોમાં, જ્યારે બહારનું શોષણ કરવાનું શક્ય નહોતું, ત્યારે ઘરનું જ શોષણ કરવામાં આવ્યું, અને તેના રક્તરંજિત પાયા ઉપર આપણે ત્યાંનું ઉદ્યોગીકરણ ઊભું થયું. દેશના અમુક વર્ગ અને અમુક વિસ્તારો પોતાના જ દેશના અન્ય વર્ગો ને વિસ્તારોનું શોષણ કરીને વિકાસની દોટમાં પશ્ચિમને આંબી જવાના ધમપછાડા કરતા રહ્યા.

બીજો મોટો ફરક એ હતો કે આપણો દેશ ખેતીપ્રધાન દેશ હતો. મોટા ભાગની જનતા ખેતી ઉપર નિર્ભર હતી. એટલે અહીં જે ઉદ્યોગીકરણ થાય તે ખેતીને માટે હાનિકારક અને ખેતી ઉપર નભનારા બહુજન સમાજને રૂંધી નાખનારું ન હોવું જોઈએ. તે સમાજમાં મોટી ઊથલપાથલ અથવા કોઈ પણ જાતની પ્રગટ કે પ્રચ્છન્ન હિંસક અસરો જન્માવનારું ન હોવું જોઈએ. ખરું જોતાં, ખેતીની સાથે તેમ જ ખેતીને પૂરક એવા ગ્રામોદ્યોગો જ આપણા ઉદ્યોગીકરણની મુખ્ય તાસીર હોવી જોઈએ. ખેતી અને ઉદ્યોગોનું એક સુચારુ સંતુલન જળવાય. આની સાથે દેશમાં મધ્યમ ને મોટા ઉદ્યોગોનું વિવેકપૂર્વકનું સમુચિત સ્થાન હોય. પરંતુ આવી કોઈ તળપદી સૂઝ-સમજ વિના જ પશ્ચિમના વિકાસના મૉડેલની આરતી ઉતારતાં-ઉતારતાં દેશને એ દિશામાં ઘસડી જવાયો. પરિણામે, બેકારીના, ખેતીની તબાહીના તેમ જ ગ્રામપ્રદેશના ધોવાણના પ્રશ્નો અનિવાર્યપણે ઊભા થયા. ઘણા બધા લોકોના ઘણા બધા કામધંધા જ એમના હાથમાંથી ઝૂંટવાઈ ગયા. ખેતી એક બિચારો-બાપડો વ્યવસાય બની રહ્યો. લોકો મોટી સંખ્યામાં ગામડાં છોડીને શહેરોમાં ઠલવાવા લાગ્યાં. તેને લીધે શહેરીકરણનીયે જાતજાતની સમસ્યાઓ વિકરાળ બનતી ચાલી.

જો કે પશ્ચિમથી અંજાઈને પશ્ચિમના વિકાસના ધર્મમાં વટલાઈ ચૂકેલો દેશનો બોલકો ને કર્તાહર્તા અગ્રવર્ગ આને જ તો ‘વિકાસ’ માનતો ને મનાવતો રહ્યો છે ! એ વિકાસના ભૂવાની તાનમાં ને તાનમાં ધૂણી રહ્યો છે. આવી જ તાનમાં આવી જઈને હમણાં આપણા માનનીય (ત્યારે) નાણાંપ્રધાન ચિદંબરમસાહેબ એક વાર બોલી પડેલા : ‘મારું ભાવિ ગરીબીમુક્ત ભારતનું દર્શન એવું છે, જ્યાં 85 ટકા જેટલી બહુસંખ્ય પ્રજા શહેરોમાં જીવતી હોય…. લોકોને પાણી, વીજળી, શિક્ષણ, રસ્તા વગેરે સુખસગવડ પૂરાં પાડવાં હોય, તો તે છ લાખ ગામડાઓમાં નહીં, શહેરોમાં જ વધારે સહેલાઈથી ને વધારે ચોકસાઈથી પૂરાં પાડી શકાય.’ – કહેતા ભી દીવાના ને સુનતા ભી દીવાના ! ગામડાંમાંથી મૂળસોતાં ઊખડી જઈને શહેરોમાં ઊભરાતા લોકોમાંથી મોટા ભાગના લોકો આજે શહેરોમાં કેવી હાલતમાં જીવતા હોય છે અને આમાંની કેટલી સુખસગવડ ભોગવી શકતા હોય છે, તેની આવા મહાનુભાવોને કશી ગતાગમ નહીં હોય ?! એમને ખબર નહીં હોય કે મુંબઈ જેવા શહેરમાં તેની 55 ટકા વસ્તી આજે ઝૂંપડપટ્ટીમાં અને તેમાંની 25 ટકા તો ફૂટપાથ ઉપર જીવે છે ? એમને સ્વચ્છતા, આરોગ્ય, પાણી, મળ-વિસર્જન વગેરેની પ્રાથમિક સુવિધા પહોંચાડવાનુંયે મ્યુનિસિપાલિટી માટે ગજા બહારનું બની ગયું છે. દરેકે દરેક શહેરમાં આ સ્થિતિ છે. પરંતુ આ તો વિકાસના ભૂવા ઉપરની આંધળી શ્રદ્ધા આમ બોલે છે. વિકાસનો ભૂવો કહે છે કે આ બધાં ગામડાં તો નર્યા પછાતપણાની નિશાની છે. તેમાંથી છૂટ્યા વિના વિકાસ કેવી રીતે સધાય ? આ બધું ‘વિકાસ’ના નામે દેશને સાવ ઊંધી દિશામાં ઘસડી જઈ રહ્યું છે.

એલ્વિન ટૉફલરે પોતાના સુપ્રસિદ્ધ પુસ્તક ‘ધ થર્ડ વેવ’ (ત્રીજું મોજું)માં એક આખું પ્રકરણ ‘ગાંધી વિથ સેટેલાઈટ’ (ગાંધી અને ઉપગ્રહો સાથોસાથ) નામે આપ્યું છે. તેમાં તેણે લખ્યું છે – ‘વિજ્ઞાન અને ટેકનોલોજીની અદ્યતનમાં અદ્યતન દેણો સાથે ગાંધીના ગ્રામ-પ્રજાસત્તાકોના દર્શનનું એક નવું સંતુલન સાધવાની દિશામાં આપણે આજે આગળ વધી રહ્યા છીએ… વિકેન્દ્રિત ઉત્પાદન, માફકસરની ટેકનોલોજી, ફરી ફરી વાપરી શકાય એવી ઊર્જા, મોટાં શહેરોથી વિરુદ્ધનું વલણ, ઘરમાં રહીને કામકાજ કરવાનું વલણ વગેરે આ ત્રીજા મોજાની સંસ્કૃતિનાં લક્ષણ છે.’ આજે એક અણઘડ, અભદ્ર ભૌતિકવાદ ને ભોગવાદ ચારેકોર ફેલાયેલો છે. ટોફલરના શબ્દોમાં : ‘ઈતિહાસમાં સૌથી વધારે હિસાબી, લોભી, ફક્ત વેપારી માનસવાળી અને પૈસા પાછળ પાગલ એવી સભ્યતા આજના બજારના અર્થતંત્રે ઊભી કરી છે. માણસ-માણસ વચ્ચે નગ્ન સ્વાર્થ સિવાય, નિર્મમ રોકડ ચૂકવણી સિવાય બીજો કોઈ સંબંધ રહ્યો નહીં. અંગત સંબંધો, કૌટુંબિક નાતા, પ્રેમ, મૈત્રી, પડોશી અને સામુદાયિક સંબંધો, બધા જ વેપારી સ્વાર્થને કારણે ખંડિત ને ભ્રષ્ટ બન્યા.’ આની સાથે સદંતર અસંમત થતાં ટૉફલરે એ વાત ઘૂંટી છે કે, ‘હવે જે નવી માનવ-સંસ્કૃતિ ઊભી થશે, તે બજારને અતિક્રમી જતી સંસ્કૃતિ હશે. બજાર હવે માણસના માથે નહીં ચઢી બેઠું હોય. માણસની શ્રેષ્ઠ શક્તિ અન્ય માનવીય હેતુઓ પાર પાડવા તરફ વળશે. સમગ્ર જીવનની સર્વાંગી દષ્ટિએ જ બધો વિચાર થવો જોઈએ. આર્થિક દષ્ટિકોણને જરૂર કરતાં વધારે સ્થાન આપી શકાય નહીં. માટે બજાર બાબતમાંયે એક નવું સંતુલન ઊભું થશે.’

ગરીબી અને બેકારીના પ્રશ્નની છણાવટ કરીને તથા સ્વ-નિર્ભરતા અને બજાર વચ્ચેના ગજગ્રાહની વેધક સમીક્ષા કરીને ટૉફલર જણાવે છે : ‘મૂળમાં, સવાલ આ ગરીબોના બિન-ઉત્પાદક, બિન-લાભદાયી કામનો છે. પશ્ચિમના ઉદ્યોગીકરણની નકલ કરીને એ બધાને પોતાના જાત-ઉપયોગ માટે કામ કરવાને બદલે બજાર માટે કામ કરતા કરી દેવામાં આનો ઉકેલ નથી. માટે મૂળમાં જરૂર એ વાતની છે કે આ કરોડો લોકો પોતાના જાત-ઉપયોગ માટે જે કામો કરે છે, તેને વધુ ‘ઉત્પાદક’ બનાવવાં તથા થોડી પૂરક રોજી માટે એમને કાંઈક ને કાંઈક પાર્ટ-ટાઈમ કામો પૂરાં પાડવાં. દુનિયાનાં કરોડો ગરીબોને નોકરી નહીં, ‘અન્ન અને છાપરું’ જોઈએ છે. માણસ પોતે પોતાનું અન્ન પકવી શકે અને છાપરું બાંધી શકે, અથવા કમ સે કમ તે પ્રક્રિયામાં મદદ કરી શકે. સરકારે તેમ જ બીજાઓએ એમને આ માટે બનતી અનુકૂળતા કરી આપવાની છે. માણસોને આવી રીતે સ્વાવલંબી બનાવવા, પગભર કરવા એ કુલ રાષ્ટ્રીય પેદાશ (GNP-GDP) વધારવા જેટલું જ મહત્વનું કામ છે. તેથી મૂળ વાત સમજવાની એ છે કે પરસેવો પાડીને સ્વાવલંબન માટે કામ કરવું, એ લાચારીની વસ્તુ નથી, પણ ત્રીજા મોજાની નૂતન સંસ્કૃતિનું એક આગવું લક્ષણ છે. આજે તો પ્રચાર-માધ્યમોએ ઠેઠ દૂર-દૂરનાં ગામડાંઓ સુધી એવી છાપ રૂઢ કરી દીધી છે કે તેઓ જાતે જે કાંઈ ઉત્પન્ન કરે છે, તે કારખાનાંની પેદાશો કરતાં ઊતરતી કક્ષાનું છે. લોક-માનસમાંથી આ ખોટી છાપ ભૂંસી નાખવી પડશે. પોતે જે કરે છે, તે કારખાનાંની પેદાશો કરતાં હીણું નથી, એવો આત્મવિશ્વાસ એમનામાં જન્માવવો પડશે.’

ટૉફલરના આ આખાયે વિવરણમાં ગાંધી-વિચારનો પ્રતિધ્વનિ ઠેર ઠેર સંભળાય છે. ટૉફલરે ગાંધીનું નામ એક નવી વિચારસરણીના, એક નવી જીવનદષ્ટિના, જીવનપદ્ધતિના, ‘વિકાસ’ની એક નવી તરાહના પ્રતીક રૂપે લીધું છે. આ નવી જીવનદષ્ટિ તેમ જ વિકાસની સ્વસ્થ નરવી નવી તરાહમાંથી નવી સંસ્કૃતિ ઊભી થશે.

મતલબ કે, આજના કહેવાતા વિકસિત દેશોમાંયે એવો અવાજ ઊઠવા લાગ્યો છે કે, વિકાસના નામે આપણે સાવ ખોટી દિશામાં તો નથી દોડી રહ્યા ને ? ત્યાં નવી દિશાની ખોજ માટે વિચાર-વલોણું ચાલી રહ્યું છે. આપણી એ મોટી કમનસીબી છે કે પશ્ચિમના રવાડે ચઢી ગયેલો આપણો કર્તાહર્તા વર્ગ તેમ જ બુદ્ધિજીવી વર્ગ પશ્ચિમના જ આવા નવોન્મેષો વિશે તદ્દન અજાણ છે અને બેખબર છે ! એટલે તેઓ હજી ‘વિકાસ’ના જૂના જર્જરિત ખ્યાલોમાં રાચે છે. એમને મન વિકાસ એટલે જી.એન.પી., જી.ડી.પી. ને વૃદ્ધિ-દર ને સેન્સેક્ષ ને મોટા ઉદ્યોગો ને મોટાં શહેરો. આમાં જે કાંઈ ને જે કોઈ વિક્ષેપ રૂપ હોય, આડખીલી રૂપ હોય તે વિકાસદ્રોહી, પ્રગતિનું વિરોધી, વિકાસના ધર્મને અભડાવી મૂકનારું. વિકાસની કૂચને વણથંભી ચાલુ રાખવા માટે તે બધાં જ કાંટા માર્ગમાંથી દૂર કરી નાખવા, એ વિકાસધર્મીનું પરમ કર્તવ્ય. આવી એક ‘જેહાદ’ આજે ચાલી રહી છે ! થોડા વખત પહેલાં આશિષ નંદીએ સાચું જ કહેલું કે વિકાસની આજની ભમરાળી ભાતથી અભિભૂત થઈ ગયેલા આજના આપણા ભદ્ર વર્ગને મન આ બધો ગ્રામસમાજ તેમ જ સમાજનો સૌથી નીચેનો 25-30 ટકા વંચિત વર્ગ આજની વિકાસની દોટમાં સૌથી મોટી આડખીલી રૂપ છે. તેઓ આના ડેડવેઈટ – મડાભારથી સદંતર મુક્ત થઈ જવા માગે છે, પોતાનો જાન છોડાવવા માગે છે !

આ વલણ ને આ અભિગમ વિકાસના નામે ચાલતી તેમ જ નવી નવી ઉપાડાતી એકેએક યોજનામાં આબેહૂબ જોવા મળે છે. પછી તે મોટા બંધો હોય, મોટાં કારખાનાં હોય, સેઝ હોય, અણુમથક કે નિરમાના કારખાના માટે જમીન જોઈતી હોય, ખાણ-ખોદાણની યોજના હોય ! માણસને ખદેડી મૂકવામાં આવે છે, માણસને મૂળસોતો ઉખેડી નાખવામાં આવે છે. ગરીબો, વંચિતો, આદિવાસીઓ, સામાન્ય જનો પ્રત્યે – પોતાના જ માનવ બંધુઓ પ્રત્યે માણસ જેવો માણસ વિકાસના નામે માની ન શકાય એવો ને એટલો બધો અમાનુષી વહેવાર-વર્તાવ અનેકવિધ પ્રકારે આજે કરી રહ્યો છે ! અગાઉ ધર્મ-સંપ્રદાયોએ જેમ પશુબલિ લીધેલા, તેમ આજના આ તથાકથિત પ્રગતિ-વિકાસના નવા ધર્મ-સંપ્રદાયે માનવબલિ લીધા છે ! એક ચિંતકે વેધક રીતે આને ‘મોડર્ન કેનિબાલિઝમ’ – આધુનિક નરમાંસભક્ષિતા કહી છે ! સમાજમાં ગરીબ ને તવંગર વચ્ચેની ખાઈ વધુ ને વધુ પહોળી ને ઊંડી થતી જાય છે. ‘ખાઈ’ શબ્દ પણ હવે અસ્થાને થતો જાય છે. હવે તો બંને વચ્ચે એટલાન્ટિક મહાસાગર ઘૂઘવી રહ્યો છે !

આજના આપણા મોડર્ન જમાનાની સૌથી મોટી વિડંબના ને કરુણાંતિકા એ છે કે આજે લોકશાહી વ્યવસ્થા છે, તેમ છતાં લોકોના નામે રાજ કરતા રાજપુરુષો ને સરકારો પોતાની જ પ્રજાના રક્ષકોને બદલે ભક્ષકો બની ગયા છે તથા આ આખાયે પ્રજાદ્રોહી કારસ્તાનમાં સામેલ છે, સ્થાપિત હિતોના હાથમાંની કઠપૂતળી સમા બની ગયા છે ! અને આજે માણસ વિકાસના નામે ચારે કોર જે વિનાશ વેરી રહ્યો છે, સૃષ્ટિને અને પર્યાવરણને જે જફા પહોંચાડી રહ્યો છે, તેનો તો પૂરતો અંદાજ હજી આવી શકે તેમ નથી. બસ, વિકાસનો ભૂવો ધૂણે છે ! ‘ભૂવા’નો બીજો અર્થ થાય છે, પાણીમાં વમળોથી પડેલો ઊંડો ખાડો. તેમાં ફસાઈ પડેલાને તે ભરખી જાય છે. વિકાસનાં વમળો આજે માણસજાતને વિનાશની ઊંડી અતલ ગર્તામાં વધુ ને વધુ ધકેલી રહ્યાં છે.

ઈતિ અલમ ! આ બધા માટે જવાબદાર કોણ ? તહોમતદારોની યાદી કરવા બેસીશું તો ખાસ્સી લાંબી થશે; અને અંતર્મુખ થઈને નિખાલસતાથી વિચારીશું, તો આપણું પોતાનું નામ પણ તેમાં ક્યાંક ને ક્યાંક આમે જ હશે.

[1] આને માટે જવાબદાર છે, ધનિકો, નવધનિકો, ઉચ્ચવર્ગમાં સામેલ થતા જતા ઉચ્ચ-ભ્રૂ-નવશિક્ષિતો, આખોયે ઊજળિયાત ભદ્ર વર્ગ, જે સમાજના વંચિતોને છેવાડે રહી ગયેલાઓની ઘોર ઉપેક્ષા કરીને પોતાની જ આળપંપાળમાં રાચતો રહ્યો છે, અમર્યાદ ભોગવાદની પાછળ નાચતો રહ્યો છે !

[2] આને માટે જવાબદાર છે, પૈસો જ પરમેશ્વર છે એવી હીન પામર મનોદશા. તે મનોદશામાં પૈસા ખાતર અનર્ગળ અનર્થો કરવા, પોતાની જાતને સુદ્ધાં વેચી દેવા માણસ આજે તૈયાર છે !

[3] આને માટે જવાબદાર છે, ટૂંકનજરિયા ને માટીપગા રાજનેતાઓ જેઓ આ આખીયે અમંગળ, અમાનુષી સિસ્ટમને જડબેસલાક કરી દેવા જાતે હાથારૂપ બની રહ્યા છે, હોંશે-હોંશે તેના તરફદાર, પુરસ્કર્તા ને રક્ષણહાર બની રહ્યા છે.

[4] આને માટે જવાબદાર છે, મોટા ભાગના બૌદ્ધિકો, જેઓ આજના વિકાસના સંપ્રદાયનાં ઊભાં થઈ ગયેલાં ભમરાળાં શાસ્ત્રો ને થિયરીઓ, મૂલ્યાંકનો ને માપદંડોનું અનેક તર્કવિતર્કોથી સમર્થન કરવામાં જ પોતાની બધી બુદ્ધિશક્તિ વાપરી રહ્યા છે તથા જેઓ નૂતન અદ્યતન વિશ્વ-પ્રવાહો તેમ જ અનુ-આધુનિક નવોન્મેષો વિશે સાવ બેખબર અને બેતમા છે.

[5] આને માટે જવાબદાર છે, આજની સિસ્ટમના વૈચારિક ને વ્યાવહારિક સકંજામાંથી મુક્ત ન થઈ શકેલા એવા મોટા ભાગના સમાજસેવકો, જેઓ નાનાં-મોટાં સેવાકાર્યો કરીને છીછરી આત્મતુષ્ટિમાં રાચે છે.

[6] આને માટે જવાબદાર છે, અનેક બાબાઓ અને બાપુઓ, જેઓ કથાઓ ને ધર્મ-સંપ્રદાયના સીમિત દાયરામાં જ રમતા રહીને સામાજિક સમસ્યાઓ બાબત મોટે ભાગે મૌન રહેવાનું અને અળગા રહેવાનું જ પસંદ કરે છે.

[7] આને માટે જવાબદાર છે, સાધકો ને ભક્તો ને આત્માર્થી સજ્જનો, જેઓ નિજ સાધનામાં રત રહી સમાજ-વિમુખ થઈને અધ્યાત્મની ગુફામાં ધ્યાન ધરીને બેસી ગયા છે. અધ્યાત્મથી બિલકુલ ઊલટી દિશામાં ધસી જઈ રહેલી વર્તમાન સમાજ-વ્યવસ્થાને પડકારવાની ને તેને પલટાવવા માટે કાંઈક ને કાંઈક કરી છૂટવાની એમની ભૂમિકા નથી.

આમાં આપણે દરેક જાણ્યે-અજાણ્યે, કમિશનથી કે ઓમિશનથી પણ ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈક સ્વરૂપે સામેલ છીએ. દેશ અને દુનિયાને આજની સ્થિતિમાં લાવી મૂકવા માટે આપણે બધાં જ જવાબદાર છીએ. એક બાજુ આપણે વિશ્વીકરણની બાંગો પોકારીએ છીએ અને બીજી બાજુ વિશ્વની ખાસ્સી વસ્તી (તેની ટકાવારી વિશે વાદવિવાદ કર્યા કરીશું !) હજી આજેય ગરીબી, કંગાલિયત, કુપોષણ, ભૂખમરામાં સબડી રહી છે. તેના વિશેની માનવીય સંવેદનશીલતા આપણે ગુમાવી બેઠા છીએ. વિશ્વમાનુષ બની દરેકે દરેકને આપણા વિશ્વકુટુંબમાં સમાવી લેવાની તૈયારી આપણી ક્યાં છે ? પેલા અમેરિકાના પ્રમુખ બુશ (સિનિયર) રિયો પરિષદમાં બોલી ગયેલા કે, ‘અવર લાઈફ સ્ટાઈલ ઈઝ નોટ નેગોશિએબલ’ (અમારી જીવનશૈલી વિશે અમે કોઈ વાત કરવા તૈયાર નથી. અમારી જીવનશૈલીમાં કોઈ તડજોડ નહીં, કોઈ મીનમેખ નહીં.). આપણે દરેક પણ જાણ્યે-અજાણ્યે ઓછેવત્તે અંશે આવું જ વિચાર-વર્તન દાખવી રહ્યા છીએ ! આપણે આપણામાં મશગુલ છીએ. ‘વિકાસ’ના અફીણે આપણી સંવેદનશીલતાને બધીર ને બુઠ્ઠી બનાવી દીધી છે, આપણી સુધબુધ હરી લીધી છે. ગાંધીજીનું નામ લેવાનું આપણે છોડી દેવું જોઈએ. ગાંધી તો સિંહણનું દૂધ છે, આપણને નહીં પચે. ગાંધી ખરે જ એક મહાન આત્મા હતા. એમણે કહેલું, ‘મને આપણા સૌની અંદર એક જ આત્માનાં દર્શન ન થાય, તો આ ધરતી પર મને મારું જીવન અકારું થઈ પડે. આવા જીવન કરતાં તો હું મરવાનું પસંદ કરું.’

‘વિકાસ’ના અફીણના બંધાણમાંથી છૂટ્યા વિના આ અસલ ગાંધી નહીં સમજાય, નહીં જીરવાય. ગાંધીએ ‘હિંદ સ્વરાજ’માં વિકાસ-પ્રગતિના ખોટા ને છીછરા ખ્યાલો સામે અવાજ ઉઠાવેલો. આજે પણ ‘વિકાસ’ના આવા રૂઢ થઈ ગયેલા ખ્યાલોને ધરમૂળથી પડકારવાની ને પલટાવવાની તાતી જરૂર છે. આટલાં વરસોથી એક સૌથી મોટો જાગતિક ભ્રમ ચાલ્યો આવે છે. એ ભ્રમમાંથી બહાર નીકળી જવાની જરૂર છે. આ વિકસિત કહેવાતા દેશોએ અપનાવેલી જીવનપદ્ધતિ અને ઉદ્યોગપદ્ધતિ એ ‘વિકાસ’ની રીત છે, એ નર્યો ભ્રમ છે. વિકાસના આ મૉડેલનો સાફ-સાફ અસ્વીકાર કરવો પડશે. આ તે કેવો વિકાસ કે જેમાં ગરીબી ને ભૂખમરો કાયમ જ રહે ! આ તે કેવો વિકાસ કે જેમાં સૌથી પહેલાં જેને મદદ કરવાની જરૂર છે, તેને જ મદદ ના પહોંચે ! આ તે કેવો વિકાસ જેમાં અસમાનતા ને વિષમતા રોજબરોજ વધતી જ જાય ! આ તે કેવો વિકાસ જેમાં સમાજની દરેક વ્યક્તિને અર્થપૂર્ણ કામ ન મળી શકે અને ગૌરવપ્રદ સ્થાન ન મળી શકે ! આ તે કેવો વિકાસ કે જેમાં માણસના પોતાના અંતરમાં ‘યહ દિલ માંગે મોર’નો અસંતોષ ને અસમાધાન જ કાયમ રહ્યા કરે અને માણસ-માણસ વચ્ચે સતત ખેંચાખેંચ જ રહ્યા કરે ! આ તે કેવો વિકાસ જે પ્રકૃતિ ઉપર અત્યાચાર જ અત્યાચાર કરતો રહે અને પર્યાવરણીય ભીષણ સમસ્યાઓ ઊભી કરીને આ પૃથ્વી પર જીવનનું અસ્તિત્વ સુદ્ધાં જોખમમાં મૂકી દે ! અને છતાં અફીણના નશામાં ને નશામાં છેલ્લે કોપનહેગનમાં પોતાની બુદ્ધિનું દેવાળું ફૂંકી દઈ ‘પીએ જા, ઔર પીએ જા !’ના આત્મઘાતક તાનમાં જ હજીયે રાચતો રહે !!

બર્ટ્રાન્ડ રસલે કહ્યું છે : ‘જીવનમાં બિનઆર્થિક બાબતો મૂલ્યવાન ગણાતી હશે અને તે સિદ્ધ કરવાનો સભાન પ્રયાસ થતો હશે, તો એવી જ વ્યવસ્થા લાભદાયી અને ઉપકારક સાબિત થશે, અન્યથા નહીં…. બાકી, આર્થિક પાસાને જ સર્વસ્વ ગણીને ચાલનારી આજની દુનિયા પોતાની જ આગમાં ભસ્મીભૂત થવા નિર્માયેલી છે.’ માટે ‘વિકાસ’ની આજની ભ્રમજાળને સદંતર કાપી નાખવાની છે. આપણે ‘અવિકસિત’ છીએ અને પેલા આગળ નીકળી ગયેલાઓને આપણે આંબી જવાના છે, એવી મનોદશામાંથી બિલકુલ નીકળી જવાનું છે. ‘વિકાસ’નું એમનું મૉડેલ સાવ ખોટી ફિલસૂફી, ખોટા ઉદ્દેશ, ખોટાં મૂલ્યો, ખોટાં શાસ્ત્રો, ખોટા માપદંડો ને પદ્ધતિઓ ઉપર રચાયેલું છે. આપણને તે હરગિજ ન ખપે. આપણે આપણો આગવો ‘વિકાસ’ સાધીશું, જે આપણા આગવા વિશ્વદર્શન ને જીવનદર્શન ઉપર, આપણાં આગવાં સાંસ્કૃતિક ને માનવીય મૂલ્યો ને જીવનપ્રણાલી ઉપર, આપણી તળપદી પરંપરાઓ ને પદ્ધતિઓ ઉપર રચાયેલો હશે.

આવા નવપ્રયાણ માટે સૌથી પહેલી શરત છે, આજના આ અફીણના બંધાણમાંથી છૂટી જવાની. આ અફીણના બંધાણમાંથી ક્યારે છૂટીશું ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઊઘડવાની અવસ્થા – રીના મહેતા
રણ તો લીલાંછમ – ગુણવંત શાહ Next »   

13 પ્રતિભાવો : આ અફીણના બંધાણમાંથી ક્યારે છૂટીશું ? – કાન્તિ શાહ

 1. gopal says:

  આ અઁગે ગઁભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે,જેટલુઁ મોડુઁ થાય તેટલુઁ નુકશાન જ છે.

 2. preeti dave says:

  “….જો કે પશ્ચિમથી અંજાઈને પશ્ચિમના વિકાસના ધર્મમાં વટલાઈ ચૂકેલો દેશનો બોલકો ને કર્તાહર્તા અગ્રવર્ગ આને જ તો ‘વિકાસ’ માનતો ને મનાવતો રહ્યો છે ! એ વિકાસના ભૂવાની તાનમાં ને તાનમાં ધૂણી રહ્યો છે..આ બધા માટે જવાબદાર કોણ ? ….‘વિકાસ’ના અફીણના બંધાણમાંથી છૂટ્યા વિના આ અસલ ગાંધી નહીં સમજાય, નહીં જીરવાય…”

  અત્યઁત ગહન્, વિચારણા માંગી લે તેવો ખૂબ સરસ-સમય સરનો લેખ. સવારના ફોરમાં જ બ્રેકફાસ્ટ ફોર બ્રેઈન મળ્યો હોય એવું લાગ્યું.

  શ્રી કાંતિ ભાઈ ને નમસ્તે અને અભિનંદન અને મ્રુગેશ ભાઈ નો આભાર…આટલો સરસ લેખ વાંચકો સુધી પહોંચાડવા બદલ.

 3. harikrishna patel says:

  why in every article they oppose america and its policies ?he has written that all countries adopted american model.so what is a fault of american model? if a good thing and good system is there every one will follow themselves. like i am giving one example. in our india ,men were wearing dhoti,loongi and pajama.but they all adopted pant by themselves.because pant has advantages like it is comfortable in walking and running.also heat and cold protection and looks good.so automatically it spreaded all over india.they did not tell anybody to wear that.a south indian will never wear dhoti but will wear pant.same for north indian.then we blame westernization. i have toured extensively in u.k. i did not found slums and beggers were also negligible.not a single child labour.is nt is good? and most of the production is being done in china and india.europian countries are not manufacturing more things.so to tell that europe needs world to sell their product is utter nonsense.today more than 75% of manufacturing is done in china only.why this western bashing is ?

 4. ખૂબ કડવી પણ સાચી વાસ્તવિકતાનું આવું નિદર્શન કરાવવા બદલ શ્રી કાંતિભાઈ ખરેખર અભિનંદનને પાત્ર છે.

  વિકાસનું મોડેલ નક્કી કરવું એ કોઈ એક દેશ કે વર્ગવિશેષની જવાબદારી નથી, પરંતુ દેખાવ અને કામનાઓના આશરે બંધાઈ ગયેલા / અંજાઈ ગયેલા આપણે બધાં એ ધ્યેયને આપણું માની લીધેલું છે…..

  સમયસરનો અને ખૂબ સચોટ લેખ.

 5. Jigar Bhatt says:

  ધ્યેય ને નજર સમક્ષ રાખ્યા વગર થતી ભાગદોડ એ વિકાસ નથી અને આજે માણસ સુખશાંતિ મેળવવા, પૈસા ભેગા કરવા આખી જીંદગી ભાગદોડ કરીને અંતે થાકીને બોલે છે “જીવનમાં કાંઈ મજા નથી.”. પૈસા કમાવવાએ કાંઈ ખોટુ નથી પણ ક્યાં અટકવુ એ સવાલ છે. ઘણીવાર સુખશાંતિ માટે વસાવેલાં સાધન પણ દિવસો સુધી વપરાતાં નથી. તો એ વસાવવા કરેલી ભાગદોડ શાં કામની? માણસે ક્યારે અને ક્યાં અટકવુએ બહુ જ અગત્યનું છે.

 6. જગત દવે says:

  આ લેખ વાંચીને વિકાસ શબ્દ સાથે વેર બાંધવું જરૂરી નથી. માત્ર તહોમતનામું બનાવી દેવાથી કે ધૃણાત્મક વિચારોથી વિકાસમાર્ગ નહી પણ વિનાશમાર્ગ પર ભટકી જવાશે. કાર્લ માર્ક્સ એ કાંઈક આવું જ વિચારી ને સામ્યવાદની રચના કરેલી પણ તે એક નિષ્ફળ આદર્શવાદ સાબિત થયો અને એનાં પાછળ કરોડો લોકોનું લોહી રેડાયું અને હજુ પણ રેડાય છે.

  સાચા વિકાસનાં ઊપાયો માટે મૌલિક ચિંતન પણ જરુરી છે……..જે કામ આપણે લગભગ બંધ જ કરી દીધું છે……ઊપરનાં લેખમાં ધ્યાનથી જોવામાં આવે તો લેખકે જેટલાં પુસ્તકોનો ઉલ્લેખ કર્યો છે તે બધાં જ પશ્ચિમી લેખકો છે. જો અમેરીકન મોડેલ ને ટક્કર આપવી હોય તો પહેલાં આપણાં ગઢને મજબુત બનાવવો પડશે અને તેમાં વિચારોની આવી ઊધારી નહિ ચાલે.

  વિકાસ માટેનાં પશ્ચિમી સિધ્ધાંતો કે મોડેલ્સ બેઠાં ઊપાડી ન લેવાય તે તાજેતરની મંદી પછી સમગ્ર વિશ્વને સમજાયું છે. ભારત તેની મારક અસરોથી થી મોટા પ્રમાણમાં અળગું રહ્યું તેનો યશ પણ આયોજન-કારો ને આપવો જ રહ્યો. જરા વિચારી જુઓ આજે અમેરીકામાં લગભગ ૨૩૦ જેટલી બેંક્સ બંધ થઈ ગઈ છે. (ભલું થજો ઈન્દીરા ગાંધીનું જેણે બેંક્સને રાષ્ટ્રીયકૃત કરી… નેતાઓ ને માત્ર ટુંક-નજરીયા કહેવા યોગ્ય નથી). ધનિકોને ગરીબ બનાવી દેવાથી જે લોકો બેકાર બનશે તેને ક્યો રોજગાર આપીશું?

  વિશ્વની છ અબજની વસ્તીને સાચા અર્થમાં ‘સુખી’ બનાવવા મારા ખ્યાલ પ્રમાણે આપણું વૈદિક ચિંતન સમગ્ર વિશ્વને દિશા નિર્દેશ કરી શકે તેમ છે. પણ તે પહેલાં આપણે તેની અગત્યતા અને તેનું હાર્દ સમજવું જોઈશે. એક મોટી ક્રાંતિ કરવી પડશે.

 7. dhiraj says:

  ગુઢ ગહન વિષય
  આટલું નકારાત્મક થવાની પણ જરૂર નથી
  ભૌતિક વિકાસ થી ફક્ત નુકશાનજ નુકશાન છે તે વાત ખોટી.
  વિકાસ ની સાથે વિવેક ની લગામ હોય તો કઈ વાંધો નથી પરંતુ દુર્ભાગ્યે વિવેક ની લગામ જવ્વલે જોવા મળે છે
  એક હાથ લાંબો થાય ને એક ટૂંકો રહે તે વિકાસ નથી વિકૃતિ છે માટે ભૌતિક વિકાસ ની સાથે આધ્યાત્મિક અને સામાજિક વિકાસ પણ જરૂરી છે

 8. અશોક જાની 'આનંદ' says:

  આપણે વિકાસને માત્ર ભૌતિક બનાવી દીધો છે ત્યાં જ ખોટું થયું છે, આત્મિક અને આધ્યત્મિક વિકાસ ને બહુ ઓછું મહત્વ અપાયું છે. જે ખરો વિકાસ છે અને માણસને ઉન્નતિના મર્ગે લઇ જઇ શકે……..

 9. anandseta says:

  ત્યકતેન ભુ’જિથા …..વગર વિકાસ નથી આ વાત ક્યારે સમજશે…..?

 10. Vijay says:

  આ અફીણના બંધાણમાંથી ક્યારે છૂટીશું ?

  પણ અમારે છુટવુ જ નથી. (દિલથી)
  Good luck.

 11. કલ્પેશ says:

  આપણો ભૌતિકવાદ કેમ ભૂલી જઇએ છીએ?

  ભગવાને આપણને આપેલા ૧૦-૧૨ બાળકો, વસ્તિવધારો, ધર્મને નામે ગાંડપણ, ચોપડીનો ધર્મ અલગ અને બહાર અલગ?
  આપણે પશ્ચિમનુ મોડલ ઉપાડીએ છીએ કારણ આપણુ પોતાનુ કોઇ મોડલ નથી. છે?

  અધ્યાત્મથી આપણે શુ કર્યુ? આજે જે સાધનો (ટ્રેન, વિમાન, ઇન્ટરનેટ) વાપરીએ છીએ એ બધા માટે કોને યશ આપશુ?
  મૂળમા આપણે બીજાને દોષ આપવામા ૧લા ક્રમે છીએ. આપણી ભૂલો ક્યારે જોઇશુ?

 12. લેખ મુદાસર અને વિચારવા અને અમલ કરવા જેવો છે.
  વિકાસ તો જરુરી જ છે,પણ તેનો લાભ દરેકને મલવો જોઇએ નહીં કે મુઠીભર લોકોને.
  વ્રજ દવે

 13. Jayesh says:

  ખૂબ જ સરસ લેખ. શ્રી કાન્તિભાઈને અભિન્ંદન.
  ભૌતિક વિકાસ ( Mind/brain) અને આધ્યાત્મિક વિકાસ ( heart/soul) વચ્ચે સમતોલન જળવાય તે જરુરી છે. પણ વહેવારમાં સાંપ્રત પ્રવાહોથી અલિપ્ત રહેવું ખૂબ જ મુશ્કેલ છે. વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર્ વધતા ઓછા અંશે તેનાથી પ્રભાવિત થયા વગર રહી ન શકે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.