- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

ઊઘડવાની અવસ્થા – રીના મહેતા

[‘ખરી પડે છે પીંછું’માંથી સાભાર.]

વર્ષો પછી આ રીતે તરબોળ ભીંજાઉં છું, બલ્કે ભીંજાવું પડે છે. પહેલાં તો ભીંજાવા માટેનાં અનેક બહાનાં હતાં. જેમ કે, છત્રી ભૂલી જવાતી, રેઈનકોટ ન જડતો, કશેક પહોંચવામાં મોડું થઈ જતું. વરસાદ ત્રાંસો આવતો, છત્રી કાગડો થઈ જતી…. હવે ન ભીંજાવાનાં અનેક કારણ અથવા બહાનાં છે. પણ, આજે પહેલા નહિ તો બીજા વરસાદે મને બહાના કાઢતી પ્રિયતમાની જેમ ઝડપી જ લીધી.

રસોડા ઉપરના ગળતાં નાનાં છાપરાં ઉપર પ્લાસ્ટિક ઢાંકવા અગાસીમાં છેલ્લી ઘડીએ જાઉં છું અને ઝીણી ઝરમર મોટાં ફોરાં બનવા માંડે છે. પળ-બે પળમાં તો વરસાદ એકદમ ધોધમાર તૂટી પડે છે. હવે ન તો આમ જવાય એમ છે કે ન તો તેમ. અગાસી વળોટી, લાંબો દાદર ઊતરી નીચે જવુંયે સહેલું નથી અને આ સૂસવાતા પવનમાં સ્થિર રહેવું તો એથીયે મુશ્કેલ છે. વળી, અગાસી ઉપર તો કેવળ ને કેવળ આકાશ છે. કશાની નીચે ઊભા રહી વરસાદથી બચવું તો શી રીતે ?

વરસાદ પહેલા ફુંકાતો વંટોળિયો હવે મંદ પડી ગયો છે. પણ આ ઠંડો પવન મારાં શરીરને છેક અંદરથી ધ્રુજાવી દે છે. ઘડીક વારમાં તો હું આખેઆખી ભીંજાઈ જાઉં છું. આખેઆખ્ખી ભીંજાઈ ગઈ હોવા છતાં વરસાદના બાહુપાશમાંથી છૂટવા આમતેમ મથું છું. મારા માથાના વાળ ટપકવા લાગે છે. મારું એ રૂપ હું જોઈ શકતી હોત તો કેવું સારું ! મારા હાથમાંનું મોટું-ભૂરું પ્લાસ્ટિક ફડ-ફડ અવાજ કરતું ઊડી જવા જેવું થાય છે. આવો સરસ વરસાદ હોવા છતાંયે કોણ જાણે કે મારાથી ભીંજાવાની સુખદ અનુભૂતિ સહન થતી નથી. હું અંદર-બહારથી થરથર થથરું છું. જેમતેમ પાથરેલાં પેલાં પ્લાસ્ટિક ઉપર ઈંટો ગોઠવું છું ને મારી અંદરથી કંઈક ઊડી જતું અટકી જાય છે.

મારું કામ પૂરું થયું છે અને હું વરસાદનો હાથ છોડાવીને નીચે જવા દોડું છું. પણ, પાણીથી લથબથ થયેલાં કપડાં મને સરખાં પગલાં પણ ભરવાં દેતાં નથી. દાદર ઊતરતાં બાવળની ઝાડીઓમાં, તેના કાંટાઓમાં પરોવાઈ ગયેલાં ટીપાં મને દેખાય છે. હું એને જોઉં, ન જોઉં તે પહેલાં તો મારાં પગ પગથિયાં ઊતરી જાય છે. જેમતેમ કરી હું બાથરૂમ પાસે પહોંચું છું. ટુવાલ હાથમાં લઉં છું. બધું ઝટ-ઝટ લૂછી કાઢું છું ત્યારે હાશ થાય છે. મને કડકડાવતી ધ્રુજારી શમવા માંડે છે.

વીજળીના એક કડાકા સાથે જ મને થાય છે – ભીંજાવાની વય વીતી ગઈ છે. બાકી, વરસાદને, તેનાં દરેક રૂપને મેં હંમેશાં ચાહ્યાં છે. ઝરમર, ઝરમર દિવસો સુધી વરસતો વરસાદ, ધોધની માફક ધોધમાર ઝીંકાતો વરસાદ, કડાકા-ભડાકા અને વીજઝબકાર સાથે ડરાવતો વરસાદ, મોસમનો પહેલો વરસાદ, છેલ્લો વરસાદ, સોળ વર્ષની કન્યકા જેવો વરસાદ, બીમાર બુઢ્ઢા જેવો ગમગીન-ઉદાસ વરસાદ…. વરસાદના જળ-પરદાની પારથી આ વિશ્વને જોવું હંમેશાં ગમ્યું છે. વરસાદમાં ઝાંખી દેખાતી નદી, બાગના પલળતા બાંકડાઓ, મકાનોનાં છાપરાંઓ, દોડી જતાં બાળકો, નાગુફટ્ટ નહાતું તળાવ, વાંકા વળી જતાં વૃક્ષો અને આ બધાંમાં કોઈ ને કોઈ રૂપે પલળતી હું – પણ, આજે કોણ જાણે કઈ રીતે વરસાદથી આઘાં ચાલ્યા જવાનું એકદમ પ્રગટ થઈ ગયું ! વરસાદને ન અડકાય એમ દૂરથી જોતી હું ક્યારથી થઈ ગઈ ? બાકી, આજે હું ઈચ્છતે તો ખૂબ ભીંજાઈ શકતે. મારી ઈચ્છાથી ભીંજાઈ શકતે. મને ના પાડનારું, મીઠી રોકટોક કરનારું પણ કોઈ ક્યાં હતું ? હું ધારતે તો પૂર્વમાં ઘેરાયેલા-ગોરંભાયેલા આકાશને આનંદની કિલકારીથી ભર્યો-ભર્યો સાદ પાડી શકતે. ઝાડી-ઝાંખરાં, ડાળ-પાન-ફૂલોના દેહ ઉપર વરસતાં બૂંદ મારાં દેહ ઉપર પણ જોઈ શકતે. મારા ધ્રૂજતાં શરીરમાં પારેવડાંનું કંપન સર્જી શકતે.

પણ, એવું ન બન્યું. મેં કંઈ ન જોયું. વરસાદનાં વરસતાં ફોરાંએ મારી આંખો નીચી ઢાળી દીધી. પાણીનો શીતળ સ્પર્શ પણ મારી ત્વચાને ન ગમ્યો. વરસાદને ઝીલવા માટે મારું સકળ અસ્તિત્વ ખૂલવાને બદલે સંકોચાઈને કોકડું વળી ગયું. શરીરની સાથે મન પણ કશીક આડશ શોધવા માંડ્યું. જાણે કશું માથે ઢાંકી દઉં, કશુંક વીંટી લઉં, કશાંક નીચે ઊભી રહી જાઉં….. પણ આ વરસાદ, આ આકાશ બસ મને આજે પ્રેમાતુર પ્રિયતમની માફક ભીંજવી દેવા જ બેઠાં હતાં, તે ભીંજવીને જ રહ્યો. પણ, મન જ્યારે ભીંજવા માટે તત્પર કે તૈયાર ન હોય ત્યારે શરીર ભીંજાય છે છતાંયે નથી ભીંજાતું. શરીર જાણે છત્રી બની જાય છે. એની અંદરની સપાટીને પલાળ્યાં વગર બધું પાણી ઉપરથી દડ-દડ દદડી જાય છે. શરીર અને મન કંઈ હંમેશાં વૃક્ષ જેવી સહજ અવસ્થા નથી ધરાવતાં કે વરસાદની તમામ ક્ષણોની તમામ ઝડીઓને ઝીલી શકે અથવા ઘટ-ઘટ-ઘટ તમામ બૂંદોને પી શકે. આ વરસાદની ઝડીથી મધુમાલતી તેનાં ગુલાબી પુષ્પોથી ખીલેલા ચહેરે નવવધૂની માફક શરમાઈને ઝૂકી ગઈ છે. એ ઝૂકી ગઈ છે પણ એનું સમગ્ર રોમ-રોમ, એનાં સકળ છિદ્રો વરસાદને પીવાં ખૂલી ગયાં છે.

કશુંક ઝીલવું, એ પછી પાણી હોય કે પ્રેમ – એ માટે રોમ-રોમથી ઊઘડી જવું બહુ મોટી વાત છે. ઊઘડવાની અવસ્થા હોય છે. બહાર જ નહિ, પણ અંદરથીયે ભીંજાઈ શકવાની પણ એક અવસ્થા હોય છે. ક્યારેક આપણે આ અવસ્થાથી સભાન હોઈએ છીએ, તો ક્યારેક અભાન. તમે કોઈવાર કોઈ ફૂલને ખૂબ ચોક્કસ ક્ષણે ટપ દઈ ઊઘડતું જોયું છે ? હા, મેં જોયું છે. સાંજ ટાણે, મધુમાલતીની વેલમાંથી એકાએક સુગંધ પ્રસરી જાય છે. હું એક વાર ધ્યાનથી ધોળા બિડાયેલા ફૂલને જોતી જ રહું છું. જોતી જ રહું છું ને એ પટ્ટ દઈ અચાનક એની પાંખડી ઉઘાડે છે. ધીમે ધીમે એ પાંખડી આખી ઊઘડી જાય છે. આ નાનકડી વાત શોધ્યાંનો આનંદ હું આખેઆખી સાંજને શોધી-શોધી કહી વળું છું. કંઈ કેટલીયે વાર આમ ટપ્પ દઈ ઊઘડતી કળીઓને મેં જોઈ. મેં જોઈ એ પહેલાં પણ કળીઓ તો ખીલતી જ હતી. હું ન જોઉં ત્યારેય તે ઊઘડતી જ હોય છે. પણ, મારી કળીને જોવાની અને કળીના ઊઘડવાની ક્ષણ એક સાથે સંયોગ પામે તો કળીની જોડે હું પણ ઊઘડી જાઉં.

ભીંજાવાની અને ઊઘડવાની એક ક્ષણ એક સાથે સંયોગ પામે તો જ પૂર્ણ ભીંજાવું, પૂર્ણ ઊઘડવું સાર્થક બને. જે ક્ષણે વરસાદ વરસતો હતો તે ક્ષણ હું માટી બની રોમ-રોમથી ખૂલી જાઉં તો મારી અંદર અનેક બીજ ફણગી શકે. પણ, માટીને બદલે હું પથ્થર બનું તો બધો વરસાદ મારી ત્વચા ઉપરથી વહી જાય. વરસાદ મને પલળવાં છતાં પલળાવી ન શકે.

બસ, તે સવારે એમ જ થયું. હું વાડાની માટી ન બની. અગાસીનો પથ્થર બની ગઈ.