રણ તો લીલાંછમ – ગુણવંત શાહ

[‘રણ તો લીલાંછમ’ પુસ્તકમાંથી સાભાર.]

[1] નાનકડું એ રૂપકડું

સુખી લોકોનું એક લક્ષણ હોય છે. તેઓ થાક ન લાગે તોય આરામ કરી શકે છે. ભૂખ ન લાગી હોય તોય તેઓ ખાતાં રહે છે. તરસ ન લાગી હોય ત્યારે પણ શરબત પીવાની ટેવ ખબર ન પડે એમ પડી જાય છે. કોઈ ખાસ આપત્તિ વગર પણ તેમનો મૂડ બગડી જાય છે. ક્યારેક કારણ વગર તાણ રહે છે. પૂરતી ટાઢ ન હોય તોય સ્વેટર પહેરવાનું જરૂરી બને છે. બેડરૂમમાં આરામ માટેની તમામ સગવડો હોય છે. માત્ર એક જ વાતની કમી હોય છે અને તે છે, ઊંઘ. ડાઈનિંગ ટેબલ આંખે ઊડીને વળગે તેવું હોય છે અને તેના પર મૂકેલી વાનગીઓની ડિશમાં સાક્ષાત સ્વાદ યોગ્ય જીભની પ્રતીક્ષા કરતો રહે છે. માત્ર એક જ વાત ખૂટે છે અને તે છે ભૂખ. પ્રશ્ન થાય છે કે સ્વાદનું ઉપસ્થાન વાનગી છે કે જીભ ? ઊંઘનું ઉપસ્થાન શયનખંડ છે કે આપણે પોતે ?

ભૂખ લાગે એ માટે લોકો ઍપિટાઈઝર લે છે. ઊંઘ માટેની જાતજાતની ગોળીઓ બજારમાં વેચાય છે. ભૂખ ન લાગે તે માટે પણ ગોળીઓ હોય છે અને ઊંઘ ન આવે તે માટેની એટલે કે જાગરણને મદદરૂપ થનારી ગોળીઓ પણ છે. આપણી ભૂખ પણ કેટલી બધી અતડી ! આપણી ઊંઘ પણ કેટલી બધી અળગી ! કદાચ કેટલાક સુખી લોકોની અવળચંડાઈને કારણે જ સમાજના કેટલાય લોકોને ભૂખ લાગે ત્યારેય ખાવા મળતું નથી. આરામની ખરેખરી જરૂર હોય ત્યારેય એમણે તો ઢસડબોળો કરવો પડે છે. હાથલારી ખેંચનારને કકડીને ભૂખ લાગે છે પણ અમુક જગ્યાએ માલ પહોંચાડ્યા વગર એ ખાવા ક્યાંથી બેસે ? વળી વાનગી ખરીદવા માટે જરૂરી પૈસા પણ એકઠા થવા જોઈએ ને ? આખો દિવસ કામ કર્યા પછી એ જ્યાં આડો પડે છે ત્યાં સમાધિ લાગી જાય છે.

ક્યારેક નિરાંતની પળોમાં વિચારવા જેવું છે. આપણે પાણીનો બગાડ નથી કરતા ? આપણે થાળીમાં એઠું નથી છાંડતાં ? આપણે જરૂર કરતાં વધારે આરામ નથી કરતા ? ટાળી શકાય એવી મુસાફરી આપણે ટાળીએ છીએ ખરા ? માણસ કેટલું ખાય તેનું નહિ, એ કેટલું પચાવી શકે છે તે વાત મહત્વની છે. તરબૂચ કેટલું મોટું છે તેનું નહિ, એમાં લાલ ભાગ કેટલો છે તે વાત મુદ્દાની છે. સાબુ કેટલો વજનદાર છે તેનું નહિ પણ એ કેટલું ફીણ આપે છે તે અગત્યનું છે. છાણનો ઢગલો કેવડો છે તેનું નહિ પણ તેમાં કેટલો નાઈટ્રોજન રહેલો છે તેનું જ મહત્વ છે. સુખનો ભ્રમ દુઃખ કરતાંય વધારે ખતરનાક બાબત છે. ચશ્માં પહેરીને કોઈ માણસ ઊંઘી જાય ત્યારે થોડું આશ્ચર્ય થાય છે પણ જીવનમાં આપણે આવું લગભગ રોજ કરીએ છીએ, એવું નહિ ?

ગીતાના બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો વર્ણવવામાં આવ્યાં છે. ગાંધીજીએ આ શ્લોકોને આગવું મહત્વ આપ્યું અને આશ્રમોની પ્રાર્થનામાં એને ખાસ સ્થાન આપ્યું. શરૂઆત કેવી સામાન્ય છે ! અર્જુન પૂછે છે કે જેની પ્રજ્ઞા સ્થિર થઈ હોત તે કેમ બોલે, બેસે અને ફરે ? (કિમાસિતવ્રજેતકિમ). આવી સ્થૂળ શરૂઆત કરી ભગવાન થોડાક જ શ્લોકોમાં એને બ્રાહ્મી સ્થિતિ સુધીની યાત્રા કરાવે છે. એક જીવનદષ્ટિ આ રીતે રજૂ થાય છે. ‘બોલે, બેસે, ફરે કેમ’ જેવી સ્થૂળ વાતથી શરૂ થતી અને બ્રાહ્મી સ્થિતિમાં પૂરી થતી યાત્રા પર અનાસક્તિ અને પ્રસન્નતા (પ્રસાદ) જેવાં મોટાં સ્ટેશનો પણ આવી જાય છે. આમ જીવન અનેક નાનીનાની બાબતોનું બનેલું છે; છતાંય તે સ્વયં નાની બાબત નથી. ચીનમાં એક કહેવત છે કે, હજારો માઈલની મુસાફરી એક પગલું ભરવાથી શરૂ થતી હોય છે.

પાણીના એક જ ટીપામાં મહાસાગર સંકોડાઈને બેઠો છે. એક કોડિયું સૂર્યના એકાદ અંશને પોતાની જ્યોતમાં ઝીલી લે છે અને પ્રકાશ પાથરતું રહે છે. કદાચ ઈશ્વર નામની ચીજ આપણા જેવા અસંખ્ય સામાન્ય માણસો દ્વારા જ વ્યક્ત થતી રહે છે. શુમાકર કહે છે : Small is beautiful (નાનકડું એ રૂપકડું).

[2] ખેતરને ઍરપોર્ટ નથી બનવું

દાંતના ચોકઠામાં દાડમની કળી જેવા દાંત શિસ્તબદ્ધ ગોઠવાઈને બેસી રહે છે. પ્રત્યેક દાંત ટિનોપોલથી ધોવાયો હોય એવો સફેદ હોય છે. માણસ હસે ત્યારે એની બત્રીશી કેટલી સજ્જ છે તેનો ખ્યાલ સામા માણસને આવે છે. સ્મિતનો પ્રભાવ બત્રીશી નક્કી કરે છે. દાંતના દાક્તરો કહે છે કે કુદરતી દેખાય તે માટે ઓછી સફેદીવાળા દાંત પણ અમે લોકોને બતાવીએ છીએ પરંતુ સૌને સંપૂર્ણ સફેદ દાંતનું ચોકઠું ગમે છે. એક મિત્ર લગભગ પંચાવન વર્ષે પણ બત્રીશીનો એવો વૈભવ ધરાવે છે કે એમણે ચોકઠું પહેર્યું હોય એવો વહેમ અચૂક પડે. સંપૂર્ણતા પણ ક્યારેક સૌંદર્ય પર તરાપ મારે છે.

પતિને પત્ની સામે અનેક ફરિયાદો હોય છે. ફરિયાદનો રસ્તો કદી એકમાર્ગી નથી હોતો. પત્નીને પણ પતિ અંગે ઘણું કહેવાનું હોય છે. કહે છે કે પચ્ચીસ પુરુષો ભેગા મળે તેને ધર્મશાળા કહે છે અને એક પુરુષ તથા એક સ્ત્રી મળે તેને ઘર કહે છે. ઘરની દીવાલો સાથે ફરિયાદો અથડાયા કરે છે. દીવાલો જ્યારે બધી ફરિયાદોને જાળવી નથી શકતી ત્યારે પોપડી ખરતી રહે છે.

એક કલ્પના કરવા જેવી છે. પત્નીને કહેવામાં આવે છે કે પોતાના પતિની નાનીમોટી તમામ મર્યાદાઓની એક યાદી બનાવે. આવી યાદીને સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવે અને પત્નીને પંદર દિવસ માટે પિયર મોકલવામાં આવે. આ પંદર દિવસ દરમિયાન પતિદેવ પેલી મર્યાદાઓ દૂર કરવાનો જબરજસ્ત પુરુષાર્થ કરે. પત્ની જ્યારે પાછી આવે ત્યારે પેલી તમામ મર્યાદાઓ ગાયબ ! એની કલ્પના પ્રમાણેનો, એની અપેક્ષાઓ પૂરી કરતો, એક નવો અવતાર ધારણ કરીને હરતોફરતો પતિ હાજર થાય છે. થોડા જ વખતમાં પત્ની આવા ફેરફારથી કંટાળી જાય એવો પૂરો સંભવ છે. કહેવાતો સંપૂર્ણ પતિ ભારે કંટાળાજનક સાબિત થશે. સંપૂર્ણ સાથે પ્રેમ કરવાનું મુશ્કેલ છે. ભગવાન સાથે આપણી દોસ્તી નથી જામતી તેનું કારણ પણ આ જ છે. સીતા દુઃખી થઈ કારણ કે એ પુરુષોત્તમને પરણી હતી, અપૂર્ણતાથી ભરેલા માણસને નહીં !

સંપૂર્ણતા પ્રત્યેનો આપણો અણગમો નજર ન લાગે એ માટેની આપણી કાળજીમાં વ્યક્ત થાય છે. રૂપાળા, ગોરા ગાલ પર મેશનું ટપકું મૂકવામાં આવે છે. બધું બિલકુલ ટિપટૉપ હોય તો અતડુંઅતડું લાગે છે. ક્યારેક માણસને અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોવા કરતાં પોતાનો ફોટો જોવાનું વધારે ગમે છે કારણ કે ફોટામાં મોં પરના ખીલ જોવા નથી મળતા. અરીસો નિખાલસ હોય છે અને રોકડું પરખાવે છે. માણસને એ જેવો છે તેવો ધરી દે છે. ફોટા સાથેનો પ્રેમ ટૂંકા આયુષ્યનો હોય છે, જ્યારે અરીસાની પાછળ ઊભેલી આપણી જાત સાથેની દોસ્તી જીવનભર ટકે છે. ઘરડો થાય પછી પણ માણસ અરીસાની નિખાલસતાને સહન કરે છે.

એક સંપૂર્ણપણે સીધી સડક, અમુક અંતર કાપ્યા પછી કંટાળો ઉપજાવે છે. વિશાળ રણમાં જોવા મળતી સંપૂર્ણ સ્વચ્છતા થોડા જ સમયમાં કંટાળાજનક લાગે છે. બે સમાંતર કાંઠે એકધારી વહેતી નદી જોવા નથી મળતી. નહેર અને નદીમાં આ એક મોટો તફાવત જોવા મળે છે. લંડનમાં વેસ્ટમિન્સ્ટર આગળ બંને કાંઠે સિમેન્ટના ચણતરથી બંધાયેલી વ્યવસ્થિત થેમ્સ નદી એનું નદીપણું ગુમાવીને વહેતી હોય એવી લાગણી થાય છે. પર્વતો આડાઅવળા, ઊંચાનીચા પથરાઈને પડ્યા રહે છે કારણ કે એમનું સર્જન કોઈ આર્કિટેક્ટ દ્વારા થયું નથી હોતું. ભૂમિતિના નિયમો જાળવીને હજી સુધી કોઈ વૃક્ષ ઊગ્યું નથી. સૂર્ય ક્યારેય કોઈ ચિત્રકારના લાભાર્થે પોતાનો વન-મૅન શો ગોઠવતો નથી. તેથી જ સૂર્યોદય અને સૂર્યાસ્ત સુંદર લાગે છે. કોઈ ફૂલ હજી સાબુ કે ટૅલ્કમની જાહેરાતમાં મદદરૂપ થવા માટે ઠાવકાઈથી પાંગર્યું નથી. સંપૂર્ણપણે ડાહ્યો છોકરો માબાપની ચિંતાનો વિષય બની શકે છે. સંપૂર્ણપણે કહ્યાગરી સ્ત્રી પોતાનું આકર્ષણ ગુમાવીને જ તેવી રહી શકે છે. ત્રણ કલાકને અંતે વાર્તાને વિદ્યુત ચકરાવાની માફક પૂરી કરતું ચલચિત્ર પોતાનું સૌંદર્ય ખોઈ બેસે છે. બધું જ બરાબર સમજાવી દેતો શિક્ષક વિદ્યાર્થીઓ માટે કશું જ છોડતો નથી. એ જે નોટ્સ આપે છે તે એટલી તો પૂર્ણ હોય છે કે, વિદ્યાર્થીઓની વિચારશક્તિ જાણે લકવો મારી જાય છે.

એક ભણેલી છોકરીએ પ્રેમલગ્ન કર્યાં. માબાપે સંમતિ આપી અને બધું બરાબર પતી ગયું. એક-બે મહિને એ જ્યારે પિયર આવી ત્યારે બાપે એને પૂછ્યું : ‘દીકરી, તું સુખી તો છે ને ?’ દીકરી મૂડમાં હતી એટલે શરૂઆતમાં તો શું કહેવું તે એને સમજાયું નહિ. થોડી વારે ગંભીર થઈને એણે પિતાજીને પતિ વિશે એક જ વાક્ય કહ્યું : ‘His limitations are more loveable than his virtues.’ (એની મર્યાદાઓ એના સદગુણો કરતાંય વધારે વહાલ ઉપજાવે તેવી છે.) જગત પર પ્રેમ નામની ચીજ ટકી રહી છે તેનો સઘળો યશ આપણી નાનીમોટી અપૂર્ણતાઓને જાય છે. ખાડાટેકરા વગરની બિલકુલ સમથળ જમીન પર એરપોર્ટ ભલે બનતું. પ્રેમનું ઉપસ્થાન તો ઠોકર વાગી શકે એવું ખેતર જ હોઈ શકે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આ અફીણના બંધાણમાંથી ક્યારે છૂટીશું ? – કાન્તિ શાહ
રામપ્રસાદ બક્ષી : નસેનસમાં વિદ્યાપ્રેમ છલકાતો – ધીરુબહેન પટેલ Next »   

20 પ્રતિભાવો : રણ તો લીલાંછમ – ગુણવંત શાહ

 1. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ સરસ. હંમેશ મુજબ.

 2. dhiraj says:

  પ્રથમ લેખ અદભૂત
  બીજો લેખ પચાવવો થોડો અઘરો પડ્યો
  સીતા દુખી થયા કે એમના લગ્ન પુરુષોત્તમ સાથે થયા ?
  તો પછી સીતા એવું કેમ માંગે કે હર જનમ પુરુષોત્તમ જ તેમના પતિ થાય .

  પૂર્ણતાની પ્રાપ્તિ એ સંવેદનાહીન કે ઉત્સાહહીન પ્રસંગ કેમ હોઈ શકે ?

  • Ramesh Shah says:

   Good Point Dhiraj!

  • જગત દવે says:

   ધીરજભાઈઃ

   આપણાં આદર્શો, રીત-રિવાજો અને રામાયણમાં પણ પુરુષનું જ દ્રષ્ટીબિંદુ ધ્યાનમાં રખાયું છે અને તેથી સીતાજીનું દ્રષ્ટીબિંદુ અને મનો-વેદના ધ્યાનમાં જ નથી લેવાઈ. મારા ખ્યાલ પ્રમાણે રામાયણમાં સીતાજી સાથે રામ દ્રારા અમુક પ્રસંગોમાં અન્યાય થયો છે. ખાસ કરીને તેનો ત્યાગ, અગ્નિ-પરીક્ષા વિ. પ્રસંગો દ્વારા એક ખોટો આદર્શ રજુ કરાયો જો તે પ્રસંગો જુદી રીતે લખાયા હોત તો સ્ત્રીઓ સાથે થયેલાં અનેક અત્યાચારો ટાળી શકાયા હોત. સીતાજીનાં દ્રષ્ટીબિંદુથી વિચારવાનો પ્રયત્ન કરવા જેવો છે.

   સ્ત્રી ને ત્યાગ કરવાની વસ્તુ માનવાનાં એક ખોટા આદર્શની આ શરુઆત હતી જે ભગવાન બુધ્ધનાં દ્રારા તેમનાં પત્ની અને પુત્રને અંધારામાં રાખીને રાત્રીનાં અંધકારમાં કરેલાં પલાયન સાથે ચરમસીમા પર પહોંચી. આવો જ આદર્શ જો કોઈ સ્ત્રીએ રજુ કર્યો હોત તો?

   • hiral says:

    ૧૦૦% સહમત.
    ખાસ કરીને રામાયણ અને મહાભારત બંને માં સ્ત્રીને વસ્તુ તરીકે બતાવીને જ આપણા સમાજમાં ખોટા આદર્શો બેસાડાયા છે. જે હજુ ક્યાં સુધી લોકો અંધશ્રદ્ધાથી ઢ્સેડ્યા કરશે ખબર નંઇ.

   • indeed true, even buddha told his wife that it was never necessary to go to jungle and get moksha, people can do at any place, place does not matter.

    few things you can not justify or never justify, “agni pariksha” why is it so, no one can justify?

    so no body is perfect, and that is the beauty of life.

   • dhiraj says:

    એક રામ અને એક ગાંધી
    એક સત્ય સ્વરૂપ અને એક સત્ય ના પુજારી
    અતિ ઉચ્ચ આદર્શ જીવન જીવ્યા પરંતુ કોણ જાણે કેમ તેમના ટીકાકારો નો આદેશ માં દુકાળ પડતોજ નથી
    વધુ ચર્ચા માં ઉતારીશ તો વિષય પરિવર્તન નો દોષ લાગશે. તેથી ટૂંક સમય માં મારા બ્લોગ ની મુલાકાત લેજો
    યથા યોગ્ય સમાધાન કરવાનો પ્રયત્ન કરીશ

    • hardik says:

     That’s the difference between Gold and Copper buddy.
     And that’s why one is valued more than the other..

     • જગત દવે says:

      શ્રી અવિનાશ વ્યાસજીએ આ બાબત બહું જ સરસ ભજન લખ્યું છે. જે અહીં અન્ય વાંચકોનાં અભિપ્રાયનાં આદર સહ પ્રસ્તુત છે.

      મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

      દયાના સાગર થઇ ને, કૃપા રે નિધાન થઇ ને
      છોને ભગવાન કહેવડાવો
      પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
      સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
      ફૂલ ને ચંદનથી છો પૂજાઓ
      પણ રામ તમે સીતાજીની તોલે ન આવો

      કાચા રે કાનના તમે, ક્યાંના ભગવાન તમે
      અગ્નિ પરીક્ષા કોની કીધી
      તમારો પડછાયો થઇ ને
      વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી

      પતિ થઇ ને પત્નીને પારખતાં ન આવડી
      છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફૂલાઓ
      મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

      તમથીયે પહેલા અશોક વનમાં
      સીતાજીએ રાવણને હરાવ્યો
      દૈત્યોના વચ્ચમાં નિરાધાર નારી તો યે
      દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો

      મરેલાને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ
      અમથો વિજયનો લૂટ્યો લ્હાવો
      મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
      – અવિનાશ વ્યાસ

  • કલ્પેશ says:

   “સીતા દુઃખી થઈ કારણ કે એ પુરુષોત્તમને પરણી હતી”

   સીતા અગર સાધારણ માણસને પરણ્યા હોત તો એક રાણી તરીકે પ્રજાના સવાલનો જ્વાબ ન આપવો પડત.
   અને રામ જેવા ન્યાયપાલક રાજને પરણ્યા એટલે પ્રજા તરફની જવાબદારી રુપે, રાજાની પત્નિ તરીકે એમને ઘણુ સહન કરવુ પડ્યુ.

   જેમ મારા જેવા સાધારણ લોકોની પત્નિ કહે છે “તમને પરણીને દુઃખી થઇ” એમ નહી 🙂
   ના, મારા લગ્ન થયા નથી, પણ ઘણા પરણેલાઓને મોઢે સાંભળ્યુ છે, સ્ત્રીઓના મોઢેથી

   કદાચ, આ અર્થ છે લેખમાના વાક્યનો.

  • જય પટેલ says:

   શ્રી ધીરજભાઈ

   સીતા દુઃખી થયા કે…પ્રશ્નનો ઉત્તર આપે જ આપી દીધો.
   એક રામ અને એક ગાંધી.
   એક સત્ય સ્વરૂપ અને એક સત્યના પુજારી.

   અર્વાચીન ઋષિ શ્રી ગુણવંતભાઈના સીતાજી બાબતના વિધાન સાથે સંપૂર્ણ સંમત છું.
   આપણા દેશમાં લોકશાહીના મૂળિયાં નાખવામાં સીતાજીએ અનાયાસે ઘણું વેઠવું પડ્યું.
   રાજાનું ઉત્તરદાયિત્વ રામે ખૂબ નિભાવ્યું પણ આપણી સમજ ટૂંકી પડી. કસ્તુરબાનો પક્ષ લઈ
   આપણે છાશવારે ગાંધીજી પર માછલાં ધોવામાં ક્યારેય ઉણા ઉતરતા નથી પણ આપણે ભૂલી જઈએ છીએ કે
   કસ્તુરબા ગાંધીજીના અર્ધાંગિની છે. ગાંધીજી પોતાના ઘોર વિરોધીને પણ ૫૫ કરોડ આપવા માટે
   પોતાના જ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન શ્રી સરદાર પટેલ સામે ઉપવાસ
   પર ઉતર્યા હતા અને તેથી જ ઈતિહાસમાં મહાત્મા ગાંધી નામથી અમર થઈ ગયા.

   લોકશાહીમાં પ્રજાનો અવાજ જ સર્વોપરી હોય છે. રાજારામ રૂઢીચુસ્ત પ્રજાથી ઉપર હોત તો ઈતિહાસના
   હાંસિયામાં હોત…સામાન્ય સરમુખ્ત્યારોની જેમ…!!

   ભારતવર્ષમાં રામ અને ગાંધી પ્રજાના હૈયે વસે છે….જેમના માટે દેશ જ પરિવારનો પર્યાય હતો.
   આપના બ્લૉગ માટે શુભેચ્છાઓ……ગુજરાતની વિચારધારા વિશ્વના ખૂણે ખૂણે વિખરાય.

 3. ખુબ સુંદર.

  “ખાડાટેકરા વગરની બિલકુલ સમથળ જમીન પર એરપોર્ટ ભલે બનતું. પ્રેમનું ઉપસ્થાન તો ઠોકર વાગી શકે એવું ખેતર જ હોઈ શકે.”

 4. HEMANT says:

  સુન્દર લેખ ગુણવન્ત શાહ ના બીજા લેખ મુક્તા રહેશો .

 5. Ramesh Shah says:

  Made my day…
  Mind blowing…
  As usual… typical Gunwant Bhai…. Mrugesh bhai please post as much as of his articles.
  Many Thanks…!!!

 6. ખુબજ સરસ. શ્રીગુણવંત શાહના લેખો અદભુત હોય છે.
  પ્રતિભાવો પણ શુંદર આપ્યા.
  વ્રજ દવે

 7. Dipti Trivedi says:

  લેખકના લેખ હંમેશા ચિંતનાત્મક હોય છે પણ અહીં ” નાનકડું એ રૂપકડું ” માં સુખી શબ્દને બદલે ધનિક વધુ યોગ્ય , બંધબેસતો થઈ શકે, કારણ જેને ભૂખ , ઊંઘ , તરસ કુદરતી રીતે લાગે નહિ તે સુખી ના હોઈ શકે. વર્ણન પ્રમાણે એમની પાસે સગવડ હોય છે, જે સુખની ભ્રમણા આપી શકે છે, સુખ નહી . બીજા લેખમાં કુદરતિ હોવાપણા અને યાંત્રિક હોવાપણા વચ્ચેનો તફાવત સુંદર રીતે નિરુપાયેલો છે.માણસ બીજા માણસને તેની ખામી અને ખૂબી સાથે સ્વીકારવો જોઈએ.

 8. Dipti Trivedi says:

  બીજા લેખમાં કુદરતી હોવાપણા અને યાંત્રિક હોવાપણા વચ્ચેનો તફાવત સુંદર રીતે નિરુપાયેલો છે.માણસે બીજા માણસને તેની ખામી અને ખૂબી સાથે સ્વીકારવો જોઈએ.

 9. Jayesh says:

  ગુણ્ંવતભાઈ ના લૅખો તેમના નામ વગર પણ ખબર પડી જાય કે આ તેમણે લખેલ છે. જીવન ના સત્યોને ટૂંકા વાક્યો દ્વારા, કોઈપણ જાતના વાણિ વિલાસ વગર અસરકારક રીતે રજુ કરવાની તેમની આવડત કાબિલે દાદ છે.

 10. Bhalchandra, USA says:

  Excellent article! If man would have been perfect, who would pray God?

 11. umaben sheth says:

  બસ , ગુણવંત શાહ નું નામ વાંચીએ ને તેમના લખે લા લેખ વાંચવાજ પડે … એટલા સુન્દર કે કૈક જાણવા જેવું…..
  હોય છે. સરસ લેખ છે.

  ઉમાબેન શેઠ્.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.