રામપ્રસાદ બક્ષી : નસેનસમાં વિદ્યાપ્રેમ છલકાતો – ધીરુબહેન પટેલ

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક નવેમ્બર-1996 દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર.]

સાન્તાક્રુઝ, પોદાર હાઈસ્કૂલ, હાઈસ્કૂલના મકાન પર કંડારેલી મયૂરવાહિની વીણાવાદિની સરસ્વતીની મૂર્તિ અને અમારા રામભાઈ મારા બાળપણનાં સંભારણાંમાં એવાં ઓતપ્રોત થઈ ગયાં છે કે લગભગ એક સાથે જ – એકાકાર થઈને યાદ આવે.

ત્યારે મારી ઉંમર સાત આઠ વર્ષની હશે. નોટબૂકની એક બાજુએ કોઈ મનગમતું ચિત્ર ચોંટાડવાનું અને બીજી બાજુએ – જમણી બાજુએ એ ચિત્ર વિશે જે મનમાં આવે તે લખવાનું એવું અમને સોંપાતું. વિદ્યાવ્યાસંગી માતાપિતાને કારણે ઘરમાં પુસ્તકો અને સામાયિકોની સમૃદ્ધિ ઘણી અને વાંચવાના અનહદ શોખને કારણે મારો શબ્દભંડોળ પણ સારો એટલે હિન્દી સામયિક ‘હંસ’નું મુખપૃષ્ઠ કાપીને નોટબૂકમાં ચોંટાડી દીધું અને લખી નાખ્યું : ‘આ ચિત્રમાં એક બાલિકા નદીકિનારે ખડક પર બેસીને ચંદ્ર સામે જુએ છે. તેનું મુખાર્વિંદ કેવું સુકુમાર છે !…..’ પાનું તો આખું ભરી દીધું હતું. પણ આપણે વાત કરવાની છે ‘મુખાર્વિંદ’ શબ્દની. એમાં રહેલી જોડણીભૂલ તરફ અમારા વર્ગશિક્ષકનું ધ્યાન નહીં ગયું હોય તેથી તેમણે લાલ લીટી દોરેલી નહીં. ભોગજોગે રામભાઈ ફરતા ફરતા અમારા વર્ગમાં આવી ચડ્યા. એમનો કડપ ભારે એટલે બધા ચડપ દઈને ઊભા થઈ ગયા. એમનો હાથ ઊંચો થયો એટલે પોતપોતાની જગ્યાએ બેસીને શ્વાસ હેઠો મૂક્યો. પણ તે દિવસે કંઈક નવરાશ હશે એટલે જતા રહેવાને બદલે એમણે વર્ગમાં આંટા માર્યા અને વારાફરતી અમારી નોટબૂકમાં નજર કરવા માંડી. મારો વારો આવ્યો એટલે એમણે મારું ચિત્રાવલોકન વાંચીને જરાક સ્મિત કર્યું અને ‘મુખાર્વિંદ’ પર આંગળી મૂકીને કહ્યું : ‘આ ભૂલ છે.’

રામભાઈ જેવા રામભાઈ કહે કે આ ભૂલ છે પછી આપણે બોલવાનું જ શેનું હોય ? પણ મારા મગજમાં શુંયે આવ્યું હશે તે મેં વકીલની માફક જવાબ દીધો, ‘ભૂલ હોય તો લાલ લીટી હોય ને ? લાલ લીટી નથી એટલે ભૂલ નથી.’ ધર્મસંકટમાં મુકાયેલા રામભાઈને શિક્ષકની આબરૂ પણ સાચવવાની અને મને સાચી જોડણી પણ શીખવવાની ! એમણે મને શિક્ષકના ટેબલ પાસે લઈ જઈને પૂછ્યું : ‘આ શબ્દનો અર્થ શું ?’ મેં તરત જવાબ આપ્યો : ‘જેનું સુંદર મોં હોય ને, એનું મુખાર્વિંદ કહેવાય.’
‘એમ કે ?’ રામભાઈએ હસીને શિક્ષકને કહ્યું : ‘આને તમે સમજાવો કે કયા બે શબ્દો આમાં ભેગા થયા છે.’ પછી તરત મારી તરફ ફરીને સમાસ વિશે વાત કરી અને કોઈ સમવયસ્ક વ્યક્તિ સાથે શબ્દચર્ચા કરતા હોય એટલી ગંભીરતાથી અને ઝીણવટથી મને સમજાવ્યું કે ‘અર’નો અર્થ શું અને ‘વિંદ’નો અર્થ શું. ગાડાના પૈંડાની આકૃતિ અને કમળની આકૃતિના સામ્યને કારણે કમળને અરવિન્દ પણ કહેવાય એ પુરવાર કરીને એ મૂળ મુદ્દા પર આવ્યા, ‘હવે આ ઉપર રેફ મૂકીને તો તમે અરધો ‘ર’ લખ્યો ‘અર’માં ‘ર્’ આખો છે. એનું કેમ કરશું ?’
‘તો તો આખો ‘ર’ લખવો પડે.’ મેં કબૂલ કર્યું. તે સાથે રામભાઈએ શિક્ષકની સંમતિ લઈને હાંસિયામાં ‘મુખારવિંદ’ લખી મારા લખાણમાંના ‘મુખાર્વિંદ’ પર લાલ છેકો માર્યો. પછી હસીને મને કહ્યું, ‘જોજો, શબ્દને પૂરેપૂરો સમજીને વાપરજો – યાદ રહેશે ને ?’

આ પ્રસંગ હજી ભુલાયો નથી. ચોથી ચોપડીમાં ભણતી છોકરીને આવા પ્રકાંડ વિદ્વાન સમાન સ્તરે સ્વીકારીને આટલી સૂક્ષ્મતાથી જોડણીની ભૂલ સુધારીને શબ્દના મૂળ લગી પહોંચવાની જરૂર સમજાવે એ ઘટના વિરલ ન ગણાય ? રામભાઈનું એક વ્યક્તિ તરીકેનું આ મારું પહેલું સંભારણું. બાકી એક અત્યંત કડક અને શિસ્તપ્રિય આચાર્ય તરીકેની એમની ખ્યાતિ એવી કે એમનાં સફેદ કડકડતાં ઈસ્ત્રીબંધ કપડાંની સહેજ કોર દેખાય કે તરત ગમે તેવા તોફાની વિદ્યાર્થીઓનું ટોળું પણ મંત્ર માર્યો હોય એમ મૂર્તિવત થઈ જાય. એમણે કરેલી શિક્ષાઓની દંતકથાઓ પણ એમની ધાક ફેલાવવામાં કારણભૂત ખરી. ઊંચા, ટટ્ટાર, ગોરા, દેખાવડા અને કાયમ સફેદ લોંગ કોટ, વેસ્ટ કોટ, પાટલૂન અને પાઘડીમાં સજ્જ રામભાઈ જોતાંવેંત આદરની લાગણી પ્રેરતા. મિતભાષી પણ ધારદાર સત્યના આગ્રહી રામભાઈથી લગભગ બધાં સહેજ બીતાં. આવા રામભાઈએ મારી સાથે આટલી વાત કરી અને આવી સરસ રીતે વાત કરી એ મારા વિદ્યાર્થીજીવનની એક મોંઘામૂલી સ્મૃતિ. શબ્દો પ્રત્યે આદર કેળવવાની એમની શિખામણ મને જીવનભર કામ લાગી છે.

યોગ એવો બન્યો કે રામભાઈ ઉપલા વર્ગોમાં જ ભણાવતા. મારે ભણવાનું આવ્યું ત્યારે નાદુરસ્ત તબિયતને લીધે એમણે વર્ગમાં આવવાનું બંધ કર્યું. એટલે એમના પ્રત્યક્ષ શિક્ષણથી હું વંચિત રહી પણ રામભાઈ એટલે જીવંત વિદ્યાપીઠ. જ્યારે મળે, જ્યાં મળે ત્યાં કંઈક નહીં ને કંઈક જાણવા જેવું, જીવનમાં ઉતારવા જેવું અનાયાસે આપતા જ રહે. એક વખત મેં પૂછ્યું :
‘રામભાઈ, તમે ટાઈમ્સની ક્રોસવર્ડ પઝલ કેમ ભરો છો ? એ તો નવરા માણસોનું કામ.’
એમણે કહ્યું : ‘મને ત્રણ મિનિટ લાગે છે. માણસને માનસિક વ્યાયામ ન જોઈએ ?’ શારીરિક વ્યાયામનું તેમના જીવનમાં ઘણું મહત્વ હતું. બુદ્ધિજીવીઓ બેઠાડુ જીવન ગાળે એ એમને જરાયે પસંદ નહીં. પોતે પણ ક્રિકેટ રમતા – પોદાર સ્કૂલમાં જ્યુડો, લાઠી લેઝિમ, લકડીદાવ, સિંગલ બાર, ડબલ બાર, ડંબેલ્સ, માસ ડ્રિલનું બેડમિંગ્ટન અને ક્રિકેટ જેટલું જ સ્થાન હતું. શાળામાં રઘુભાઈ શાસ્ત્રીના હાથ નીચે ચાલતા વહેલી સવારના વ્યાયામમાં મારે જવું જોઈએ. એ પ્રેરણા રામભાઈની. જેમ ક્રોસવર્ડ ભરતા તેમ દરરોજ સવારે એક સંસ્કૃત શ્લોકની રચના પણ કરતા જ. એ એમની સાહિત્યસાઘના ગણો કે માનસિક વ્યાયામ – એને વિશે મને કહેલું, ‘જુઓ, કસરત વિના સ્નાયુઓ શિથિલ થઈ જાય, શરીર નિરોગી ન રહે, માનો છો ને ?’
‘હા.’
‘એ જ રીતે બૌદ્ધિક કસરત પણ જરૂરી છે. રોજેરોજ, નિયમિત રીતે કરવી જ જોઈએ.’
વાત સાચી હતી. પણ મારામાં આળસ વધારે. વાંચવાનું મળે ત્યાં લગી બીજું કાંઈ ન કરું. સાયકલ પર જુહુના સાગરતટે લાંબે લાંબે ફરવા જાઉં ત્યારે ઘણા વિચારો કરું કે આમ લખીશ ને તેમ લખીશ પણ ઘેર પહોંચ્યા પછી ભલી મારી ચોપડી ને ભલી હું.

પછી એક મહત્વનો પ્રસંગ એવો બન્યો કે ટાગોર રોડ ને સરસ્વતી રોડના નાકા પર રામભાઈ મળી ગયા. ત્યારે મારું કૉલેજનું ભણતર પૂરું થઈ ગયેલું એટલે રામભાઈ પ્રત્યેનો આદર એનો એ, પણ સંકોચ ઓછો થયો હતો. વિષય યાદ નથી પણ સાહિત્યની જ કોઈ બાબત હતી. રામભાઈ સાથે ઊભાં ઊભાં જ લગભગ અડધા કલાકથીયે વધારે ચર્ચા કરી. એકાએક વાતનું વહેણ અટકાવી દઈને રામભાઈ ગંભીરતાથી બોલ્યા : ‘ધીરુબહેન, હવે બસ કરો.’
હું ગભરાઈ ગઈ. કંઈ ખોટું બોલી કે અવિનય કર્યો ? હજુ તો માફી માગું એ પહેલાં એમણે આગળ કહ્યું : ‘મને ડર છે કે તમે વિવેચક થઈ જશો. વાંચવા વિચારવાનું બંધ કરીને હવે લખવા માંડો. તમે સર્જક છો. તમારે લખવાનું છે. હવે જો આ બધી સાહિત્યિક પ્રક્રિયા અંગે વધારે પડતાં સભાન થઈ જશો તો ક્યારેય નહીં લખી શકો. મોકળાશથી લખો, મન ફાવે તે લખો. પછી અમે બધા બેઠા બેઠા વિવેચન કરશું.’

અંધારું થવા આવ્યું હતું. દિવસરાતની સંધિની એ ગંભીર પળે રામભાઈના એવા જ ગંભીર શબ્દો હૃદયના ઊંડાણમાં જઈને બરાબર એ રીતે ઘર કરી ગયા જે રીતે નાનપણમાં ‘અરવિન્દ’ શબ્દની વ્યુત્પત્તિ ઘર કરી ગઈ હતી. લખવાનું બહુ વહેલેથી શરૂ કરેલું-એની મેળે થઈ ગયેલું, અવારનવાર કંઈક છપાતું પણ ખરું; પરંતુ રામભાઈના આ શબ્દોથી જાણે અંદર કંઈક જાગ્રત થયું. આડીઅવળી રમત મૂકી દઈને લેખનમાં બરાબર જીવ પરોવ્યો. પછી તો હું લખું, ધત્તુભાઈ (ધનસુખલાલ મહેતા) વાંચે અને એમને ગમે તો જ હું રામભાઈને વાંચવા આપું. રામભાઈનો સમય ન બગાડાય, ધત્તુભાઈનો બગડે તો વાંધો નહીં એવી મારી માન્યતા. ધત્તુભાઈ વધારે મોટા, તોયે તેમની સાથે મૈત્રી, જ્યારે રામભાઈની અદબ જાળવવાની એટલે વિચારીને જ વાતો કરતી. એ ગાળાનાં અનેકાનેક સ્મરણો છે પણ બીજું બધું કેટલુંયે લખવા જેવું રહી જાય એટલે સાહિત્યની વાતો હવે બંધ.

રામભાઈ નિવૃત્ત થયા પછી શાળાના જૂના વિદ્યાર્થીઓને તેમનું સન્માન (રામભાઈ તો ‘સંમાન’ જોડણી જ પસંદ કરે !) કરવા ઈચ્છતા પણ રામભાઈ હા પાડે તો ને ? આખરે બાબુભાઈ ચિનાઈથી માંડીને મારા લગીના નાનામોટા અનેક વિદ્યાર્થીઓના સતત સ્નેહભર્યા આગ્રહ સામે રામભાઈ ઝૂક્યા. પણ થેલી લેવાની સાફ ના ! અમે સૌ એમના નિર્લોભી અને અપરિગ્રહી જીવનથી પરિચિત એટલે અમારો ખાસ ભાર એ વાત પર જ હતો. અંતે એવું ઠરાવ્યું કે રામભાઈને થેલી અડકાડીને તરત પાછી લઈ લેવી અને એનું ટ્રસ્ટ કરી દેવું જેથી રામભાઈ દાન ન કરી શકે અને ભવિષ્યમાં જરૂર પડતાં એમના પરિવારને કામ લાગે. રામભાઈ આ વાતથી અજાણ માંડમાંડ સમારંભમાં આવવા તૈયાર થયેલા.

જાહેર કામકાજ બાવળિયાની ઝાડી જેવું છે. કાંટા ન વાગે તો જ નવાઈ. રામભાઈનો પ્રસંગ હતો એટલે મારે ઘરેથી આરંભ કરીને છેક લગી બધી પ્રવૃત્તિઓમાં હું ગળાડૂબ રહેલી. બાબુભાઈ ચિનાઈના આગ્રહને લીધે મારે માથે ટ્રેઝરરની કપરી કામગીરી આવી પડી. હિસાબની ચોકસાઈ માટે ઑડિટરે સૂચવેલા નિયમોના પાલનમાં બાંધછોડ કરવાની મારી સહેજે તૈયારી નહીં એટલે કેટલાક સાથીદારોનાં મન કચવાયાં તે એટલે લગી કે સમારંભને દિવસે મને તદ્દન બહિષ્કૃત કરવાનું કોકડું ગોઠવાયું. જાણ થઈ એટલે એક વાર તો એવો ગુસ્સો ચડ્યો કે બધું ફેંકી જ દઉં અને સભામાં પગ ના મૂકું. પણ રામભાઈનો પ્રસંગ બગાડાય નહીં માટે કડવો ઘૂંટડો ગળી ગઈ અને સ્ટેજ પર પગ મૂકવાનો નહોતો તો કંઈ નહીં, દરવાજો તો હતો જ ને ! ત્યાં ઊભા રહીને મહેમાનોનું સ્વાગત કર્યું. શાંતિથી ભાષણો સાંભળ્યાં ને બધું પત્યા પછી ઘરે જઈને નક્કી કર્યું કે ભવિષ્યમાં આવાં કામ માથે લેવાં નહીં. રામભાઈને આ વાતની ગંધસુદ્ધાં ન આવે તેની તકેદારી રાખેલી, છતાં એ કોને ખબર ક્યાંથી જાણી ગયા. બીજે દિવસે મને મળવા આવીને કહે : ‘ધીરુબહેન, તમે આ શું કર્યું ?’
‘કેમ ?’
‘મને જરાક ખ્યાલ આવ્યો હોત તો હું પોતે જ ગેરહાજર રહેત !’
‘મને એ જ ડર હતો.’
‘પણ મને જણાવ્યું કેમ નહીં ? રામભાઈને પારકો ગણ્યો ?’ બોલતાં બોલતાં એમનો સદાયે સ્વસ્થ રહેતો ચહેરો વેદનાથી ઘેરાઈ ગયો. એ એમની પીડા એ મારું ત્રીજું સુભગ સ્મરણ. પછી તો અમે ઘણી ઘણી વાતો કરી. છેલ્લે કહ્યું, ‘આટલું બધું સહન કર્યું ને મને જરાયે અણસાર ન આવવા દીધો ? ગજબ કર્યો તમે.’
‘રામભાઈ, તમારી વિદ્યાર્થીની છું ને ? ખુરશી પરથી ઊઠતાં ન આવડે ?’
વાતાવરણ હળવું થઈ ગયું. રામભાઈના જીવનમાં એવા કેટલાયે પ્રસંગો આવેલા. લેશ પણ વિલંબ વિના, જરાકે કડવાશ વિના એમણે ભલભલી પદવીઓને માનપાન જતાં કરેલાં. સાહિત્યપરિષદના પ્રમુખપદની વાત હોય કે બીજું કોઈ સ્થાન હોય, સ્પર્ધા એમને કદી ગમી નહોતી. ગૌરવભેર પોતાનો હદ છોડી દેતાં એમને આવડતું હતું. આ ઉલ્લેખથી એ હસી પડ્યા અને પૂછ્યું, ‘બસ, મારો આટલો જ વારસો લેવો છે ?’
‘આ કંઈ જેવોતેવો છે, રામભાઈ ?’

જોકે એમની પાસેથી બીજુંયે ઘણું મેળવવા જેવું હતું. આહારવિહારમાં એમનો સહજ સંયમ. પોતે વ્રત, એકટાણાં ઉપવાસ જેવું કશું કરતા નહીં. જ્યારે મને એ બધાનું જોર વિશેષ. એક વખત કહે, ‘તમે આ આવું બધું શા માટે કરો છો ? હું તો નથી કરતો.’
‘તમે સ્વાભાવિક સંયમ સિદ્ધ કર્યો છે, રામભાઈ ! મેં હજુ નથી કર્યો. થશે ત્યારે આ બધાની જરૂર નહીં રહે.’ બીજી એક નવાઈની વાત એ કે એમને બ્રહ્મત્વનો, પોતાના નાગરપણાનો ખ્યાલ હતો. પોતાનાં નામાંકિત સગાંવહાલાં કે વડીલોની વાત કરતાં પોરસાતા. છતાં જ્ઞાતિભેદની સંકુચિતતા જરા પણ નહીં. આખા સાન્તાક્રુઝના વડીલ જેવા, વિદ્યાર્થીઓની બબ્બે ત્રણ ત્રણ પેઢીઓ એમના હાથ નીચેથી પસાર થઈ ગયેલી એટલે ઘણીવાર સંતાનોના પ્રેમપ્રકરણ વિશે ચિંતાતુર વાલીઓ રામભાઈને મળવા અને માર્ગદર્શન લેવા આવતા. બીજું બધું બરાબર હોય તો ન્યાતજાત ભાષા કે ધર્મના વાંધાને જરાયે લેખામાં લીધા વિના પૂછતા : ‘વારુ, પણ માણસ તો છે ને ? એક માથું, બે હાથ, બે પગ બધું બરાબર છે ને ? પછી શેનો વાંધો આવે છે તમને ?’ કહેવાનું અભિપ્રેત એ કે જાનવર તો નથી ને ? છે તો માણસ ! આ હળવાશથી બોલવાની ટેવ પાછળ રહેલી વિનોદની વૃત્તિ ક્યારેક અતિરેક પર પહોંચી જતી.

એક વખત બહુ માંદા પડેલા. હું ખબર કાઢવા ગઈ પછી ગંભીર ચહેરે કહે, ‘આનો અકસીર ઈલાજ છે. પણ કોઈ કરતું નથી.’
‘શું ઈલાજ છે ? લાવો ને, હું કરું !’
‘કરશો ? શેક કરવાનો છે.’
‘ઓહો, એમાં શું ?’ કહીને કંચનબહેનના રસોડા તરફ મેં ચાલવા માંડેલું. મને અટકાવીને પોતે બોલ્યા, ‘લાકડાંનો શેક ! પૂરા સાડાત્રણ મણનાં લાકડાનો. રોગ મૂળમાંથી જાય.’ એક ક્ષણ તો ધ્યાનમાં ન આવ્યું. પછી સમજાયું કે રામભાઈ શું કહેવા માગે છે. હું નારાજ થઈ ગઈ. રામભાઈ હસતા હતા. એમના હસવમાં સાથ પુરાવાને બદલે મેં કહ્યું : ‘તમારી આવી morbid humour મને જરાય ન ગમી, હોં રામભાઈ !’ એમણે તરત જ કહ્યું : ‘સૉરી !’ ઘણી વાર માંદા પડતા, હાલત નાજુક થઈ જતી પણ વળી પાછા બરાબર થઈ જતા. મરણની મશ્કરીઓ કરતા. જીવનને ભરપૂર માણતા. સાગરનાં મોજાંની પેઠે એક પછી એક યાદગીરીઓ આવે છે અને મનને ભીંજવે છે. એમાંથી કઈને પકડવી, કઈને જવા દેવી ? માત્ર બી.એ. થયેલા, છતાં પી.એચ.ડીના ગાઈડ થવાની ક્ષમતાવાળા આચાર્ય, પ્રાધ્યાપક, વિદ્યાપીઠનાં સર્વોચ્ચ સ્થાન શોભાવે એવા, સંસ્કૃતના મહામહોપાધ્યાય અને શુદ્ધ, પ્રાસાદિક અંગ્રેજીના જાણકાર અમારા રામભાઈના વિદ્યાપ્રેમની, નિયમિતતાની, અભ્યાસમાં સતત રત રહેવાની આદતની કઈ વાત યાદ કરું ?

એક વખત મુંબઈના ટી.વી.વાળાઓને તાન ચડ્યું. રામભાઈને ઘેર જઈને મારે અને સિતાંશુ યશશ્ચંદ્રે મુલાકાત લેવી એવું ગોઠવ્યું. કંચનબહેન અને રામભાઈ બન્ને વૃદ્ધ, અશક્ત તોયે ઘણી સમતા રાખીને ત્રણ ચાર કલાકનો ઉપદ્રવ સહન કર્યો. કદાચ તેથીયે વધારે સમય થયો હશે – લગભગ આખો દિવસ બગડ્યો એમ જ કહેવાય. પરિણામ ? ભગવાન જાણે ! એડિટ કરવાનું છે, ટેપ તૈયાર થઈ નથી વગેરે વગેરે કારણ સાંભળવા મળતાં. ટેલીકાસ્ટ થાય ત્યારે; ટ્રાયલ પણ જોવા ન મળી. હું અવારનવાર તપાસ કરતી, ક્યારેક અકળાઈ જતી ત્યારે કંચનબહેન મને ટેકો આપે પણ રામભાઈ મને શાંત પાડતાં કહે : ‘ટેલિકાસ્ટ માટે કોઈ પ્રસંગ તો જોઈએ ને ? હવે તમારા રામભાઈને માટે ‘રામ બોલો ભાઈ રામ’ સિવાય બીજો કયો પ્રસંગ આવવાનો છે ? મને તો જોવા નહીં મળે, તમે લોકો જોજો.’ પણ એ ટેપનું તો કોને ખબર શું થયું, કોઈ જોઈ શક્યું નહીં. ક્યાંક અટવાઈ ગઈ કે ખોવાઈ ગઈ – શાંત ભાવે, સ્મિત સાથે અમને ધીરજ રાખવા સમજાવતા રામભાઈનો ચહેરો જ યાદ રાખવાનો રહ્યો.

કલકત્તાની મુસાફરી, પોરબંદરનો સહનિવાસ એ બધું સાહિત્યપરિષદને લીધે માણ્યું. પાઘડી અને પાંડિત્ય ઘડીભર વેગળાં રાખીને આનંદ કિલ્લોલ કરતા રામભાઈને જોયા. એમના ‘શારદવૃન્દ’માં મને આમંત્રણ મળ્યું ત્યારે મોટું માનઅકરામ મળ્યું હોય એવો આનંદ થયો હતો…. પણ એ બધા કરતાં કીમતી અને તીવ્ર સ્મૃતિ એમના છેલ્લા દિવસોની. નેવું ઉપરની વય હતી, સ્મૃતિ દોષ વારંવાર થાય. ક્યારેક માણસને ઓળખે નહીં, અસંબદ્ધ વાત પણ કરે એવી હાલતમાં હું મળવા ગઈ. કોઈએ કહ્યું, ‘રામભાઈ, ધીરુબહેન આવ્યાં છે !’ પરાણે આંખો ખોલી, થોડુંક બોલ્યા, પછી સાહિત્યની કોઈ વાત સંભારીને એકદમ નવે અવતાર આવ્યા હોય એમ બેઠા થયા અને સરસ તલસ્પર્શી, મર્મગામી વાતો કરી. મને ડર કે એ થાકી જશે પણ એ તો પ્રફુલ્લિત ! છેલ્લે મેં રજા માગી ત્યારે કહે, ‘એ આવજો ! આ તમે આવ્યાં અને અમે જીવતા થયા !’

જેમની નસેનસમાં વિદ્યાપ્રેમ છલકાતો હતો તે રામભાઈનું આ અંતિમ સ્મરણ…..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રણ તો લીલાંછમ – ગુણવંત શાહ
ઉત્તર-પૂર્વ દિશા – ઈલા આરબ મહેતા Next »   

7 પ્રતિભાવો : રામપ્રસાદ બક્ષી : નસેનસમાં વિદ્યાપ્રેમ છલકાતો – ધીરુબહેન પટેલ

 1. જગત દવે says:

  શિક્ષક કરતાં “ઋષિ” કહેવા યોગ્ય ચરિત્ર. જે શાળાઓને અને વિદ્યાર્થીઓને આવા શિક્ષક મળ્યાં હોય તે ધન્ય થઈ જતાં હોય છે.

 2. dhiraj says:

  બે વાક્યો બહુ ગમ્યા
  ૧. “ટાગોર રોડ ને સરસ્વતી રોડના નાકા પર રામભાઈ મળી ગયા”

  આને ત્રિવેણી સંગમ કેમ ના કહેવાય?

  ૨.” માત્ર બી.એ. થયેલા, છતાં પી.એચ.ડીના ગાઈડ થવાની ક્ષમતાવાળા ”

  તો પણ આવા સાચા અર્થ મા highly qualified વ્યકતિ હકિકત મા ગાઈડ ના થઈ શકે.

  આને આપણુ દુર્ભાગ્ય કેમ ના કહેવાય?

 3. Ankit Malpani says:

  વાહ ખુબ મજા પડિ ગઇ. મારેી જોડણેી માં ભુલ ચુક માફ્ મારેી શાળા ના શિક્ષક યાદ આવેી ગયા.

 4. hiral says:

  સરસ હ્રદયસ્પર્શી લેખ. ધીરુબેન અને રામભાઇ બંનેમાં એક સામ્યતા છે., “નિર્મળ હ્રદય”.
  કદાચ એટલે જ આવો સરસ ગુરુ-શિષ્યનો લેખ આપણને વાંચવા મળ્યો.

 5. Tushar says:

  પૂજ્ય ધીરુબેન,

  રામભાઈ બક્ષી વિષે નો લેખ વાંચવા ની ખુબ જ મજા આવી. હું તો ઉંમર માં તમારાથી ઘણો નાનો છું, પણ મારા દાદા ‘નારણજી દેસાઈ (N.N.Desai)’ પણ એ વખતે જ પોદાર હાઇસ્કૂલ માં શિક્ષક હતા. તેમની પાસે બક્ષી-સાહેબ વિષે ઘણી વાતો સાંભળેલી તે યાદ આવી ગયું. મ્રુગેશભઐ, ધિરુબેન નુ ઇમેઇલ એડ્રેસ હોય તો જણાવજો.

  -તુષાર દેસાઈ, હ્યુસ્ટ્ન, ટેક્ષાસ

 6. Dipti Trivedi says:

  વાંચીને ઘણું સારુ લાગ્યું. ધીરુ બહેન ભાગ્યશાળી કે એમના આવા આચાર્યશ્રીની સાથે એમનો નાતો જીવનપર્યંત જોડાયેલો રહ્યો. આવા શિક્ષકોના હાથ નીચે પેઢી દર પેઢી તૈયાર થાય અને એ પેઢી પોતે શિક્ષક થાય તે છતાં શિક્ષકો હવે એવા રહ્યા જ નથી. . આ વાંચીને અફસોસ થયો કે હું એ સમયમાં ના જન્મી..
  આની પછીના ગુણવંતભાઈના લેખમાં છે એવું—બધું જ બરાબર સમજાવી દેતો શિક્ષક વિદ્યાર્થીઓ માટે કશું જ છોડતો નથી. એ જે નોટ્સ આપે છે તે એટલી તો પૂર્ણ હોય છે કે, વિદ્યાર્થીઓની વિચારશક્તિ જાણે લકવો મારી જાય છે—-અત્યારે છે.
  મેં એવા શિક્ષક વિશે સાંભળ્યું છે કે શાળા શરુ થાય એ પહેલાં તેઓ એક પાનું ચોપડીનું અને એક પાનું ગાઈડનું એવું બુક બાઈન્ડીંગ કરવી લેતા, વર્ગમા ભણાવવા માટે.
  કમળના બીજા નામના અર્થની ખબર હતી પણ રામભાઈના પરોક્ષ શિક્ષણથી આજે આ જાણવા મળ્યું–ગાડાના પૈંડાની આકૃતિ અને કમળની આકૃતિના સામ્યને કારણે કમળને અરવિન્દ પણ કહેવાય .

 7. maitri vayeda says:

  ગુરુ-શિષ્ય ના સંબંધો ને સુંદર રીતે રજૂ કરતો લેખ….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.