સુખાંત – સુરેશ ગઢવી

[તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘અભિનવ વાર્તાઓ’માંથી સાભાર. આ પુસ્તકનું સંપાદન શ્રી અજયભાઈ ઓઝા તેમજ શ્રી કલ્પેશભાઈ પટેલે કર્યું છે. પુસ્તકમાં નવોદિત વાર્તાકારોની કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ડૉ. રેણુકાબેન પટેલનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

પે’લી વાત, હું કોઈ એવો લેખક-વેખક નથી ને આ કોઈ એવું ઊંચા માંયલું લખાણય નથી. આમાથી તમને મજા આવે એવી કોઈ કલ્પના-ફલ્પના કે પ્રતીક-બતીક કે એવું-તેવું કાંય નંઈ મળે. કેમ કે મને ટાબકટીબક નથી ફાવતી મારી ભાષાની. ઈ તો એવી જ છે, સીધી ને સટ. ને ફરો પત્યે મને મળતી મજૂરી જેવી રોકડેરોકડી. આ આટલી ચોખવટ. જરૂરી છે ઈ. પછી તમે બધાં આને કોઈ લેખકનું લખાણ માનીને એમાંથી વાંકાંધોકાં કાઢ્યાં કરો ઈ આપણને નો પલાવે. હું તો ભાઈ, હાથલારીવાળો છું ને મલકનો ભાર ખેંચ્યા કરું છું દિ’ આખો. હા, એટલું ક્યોં કે મનમાં આવતા સાજા માંદા વિચારોને કાગળ પર ઘસડ્યા કરવાની ટેવ ખરી. ને પેટછૂટી વાત કરું તો, મોટા લેખક થઈ મારી લારીમાં ખડકાતા માલ જેટલી ખડકલો એક વારતાયું લખવાનો શોખય ખરો. પણ અમારા જેવાના શોખ કંઈ પૂરા થવા માટે નથી હોતા એટલું તો તમેય સમજો. પૂરા અમારે થવાનું હોય, અમારા શોખને નંઈ, હે ને ?

હાં, તો વાત વારતાયુંની ચાલતી’તી. એમાં એવું છે કે વારતાયું મને ખૂબ ગમે, પણ શોકાળવાં છેડાંની પેલેથી સૂગ. પે’લવેલી કે અધવચાળે ભલે કાંક ય કઠપ આવતી હોય, પણ અંત તો સમોસૂતરો જ સારો. ને ઈ જ મને ગમે. નાનો હતો તંયે બા ભાતેભાતની વારતાયું કે’તી ને સેલ્લે લટકાળી લઢણે એક વાત અચૂક કે’તી – પછી ખાધું-પીધું ને રાજ કર્યું ! નાનપણે બાના મોઢે આ શબ્દો કેટલીયવાર સાંભળ્યા હશે. ને ઈ હવે જીવ ભેળા એવા તો વણાઈ ગયા છે કે ખાધાં-પીધાં ને રાજ કર્યાં વગરના છેડાંવાળી કોઈ વારતા ગમતી જ નથી હાળી ! મને પે’લથી જ હાથમાં આવે ઈ વાંચવાની ટેવ. ને એમાંય વારતા તો ખાસ.

ઘણી વાર છાપાની પૂર્તિયુંમાં કે ક્યેંક સાંજે નવરાશે પુસ્તકાલયે જઈને વારતાયું વાંચું. હળવીફૂલ ને સુખાંત હોય તો મનને ઠીક રે’ કાંક પણ કોઈ શોગિયા છેડાવાળી વારતાની હડફેટે ચડી જાઉં તો જીવ અણોહરો થઈ જાય. લેખકે ટટળાવીને છોડી દીધેલાં ઈ પાત્રની પીડા છાતી પર ચડી બેસે ને છાતી બોજબોજાં… આખોય દિ’ શેઠિયા લોકના બોઝા વેંઢારી-વેંઢારીને થાક્યાં-પાક્યાં વારતા પાસે આવીએ તો ત્યાંય બોઝા ! અલ્યાવ, આ દુનિયામાં બોઝાનાં બાચકાં કંઈ ઓછાં છે કે તમે તમારા લખાણોમાંય પીડાનાં પોટલાં ઠાલવ્યા-ઠાલવ કરો છો ! આ મારી જ વાત લો ને ! એક માણસ કાળી મજૂરીના કકળાટથી કંટાળીને, કચકચણી બૈરીની રોજે-રોજની ઘબાજાળીને બે હાથ ને ત્રીજું માથુ જોડીને, સાંજની ચાય પીધા વગરનો કાંક હળવો થાવા વારતા પાસે આવે તો ઈ વારતા ય એના પર વિતાડે ! છે ને કઠણાઈ ? આવી વારતાયુંના લખવાવાળાંય હાળાં, શેઠિયાલોક જેવાં. એ બધાં લારીમાં બોઝાના ખડકલાં કરે ને આ બધાં લમણામાં ! પછી સણક્યા કરે લમણાં… માન્યું કે કરુણ એક રસ છે, પણ આપણો એની સાથે મેળ નથી ખાતો ભાઈ !

આપણે તો સુખમાંથી રસ મેળવનારા ને સુખને શોધનારાં ! તમે નહીં માનો, મે ત્રણ રૂપિયાવાળી એક નોટબુક ખરીદી છે કેટલાય વરસથી. ને ક્યારેય પણ, ક્યાંથી પણ મને ચપટી’કય સુખ મળ્યું હોય તો નોંધતો રહું છું એમાં. મજા આવે છે એ નોંધો કરવાની. એનું ય એક સુખ છે. ને સુખના ઈ પાનાં ભલેને ઓછાં હોય ! એનું કાંય દુઃખ નથી. ઊલટાનો ક્યારેક ચારેય કોરથી ભીંસાયેલો હોઉં ત્યારે એ પાનાં પર નજર ફેરવી લઉં છું. સાચું માનજો, છાતી હળવી-ફૂલ થઈ જાય છે. મારે રોવાની જરૂર નથી રે’તી.

કેવાં ઝીણકાં-ઝીણકાં આનંદ મેં આલેખ્યાં છે એમાં ! દાખલો દઉં, એક વાર ધોમધખતા ઉનાળામાં હું હાથલારી ખેંચતો જતો’તો. વઢવાણના ઉતારેથી તે ઠેઠ પાંજરાપોળનો લોઢાની ઈંગલુંનો ફેરો હતો પચ્ચી રૂપિયામાં. મોટો ફેરો મળ્યો એનો મનમાં રાજીપો હતો, પણ બળય બોવ પડતું’તું. એક તો આકરો તાપ, ઝાઝો માલ ને પલો ય લાંબો. ને એમાંય, પગે વધારે બળ પડવાથી ચપ્પલની ડટ્ટીય વારીફેરું નીકળી જતી’તી વાટમાં. દાઝ ચડતી’તી ડટ્ટી પર. સવારમાં ચંદુ મોચીને બે રૂપિયા ગુડી દીધા હોત તો સારું હતું એમ વિચારતો એ ભરચક સડક પર લોઢાની લાંબી-લાંબી ઈંગલું ખેંચતો હું હાલ્યો જાતો’તો મહા-મે’નતે. બોવ કઠપ પડતી’તી અંગને. પગ તૂટતા’તા. ડિલ કળતું’તું. ને એમાં ચીથરેહાલ એક ગાંડો કોણ જાણે ક્યાંથી મારી કને આવ્યો ને ઘડીક વાર જોઈ રહ્યો મારી સામે. કંઈક વાર મારી હાર્યોહાર્ય હાલ્યો ને પછી રામજાણે એને શું સૂઝ્યુ તે લારીને ખેંચી રહ્યો મારી ભેળાંભેળ. મેં એને આઘા જવા ઘણુંય કહ્યું પણ એ ન ખસ્યો. એના શરીરમાંથી ખાટીબહડ વાસ આવતી’તી. પણ એણે મારાં બોઝાને સારી પેઠ ઓછો કરી નાખ્યો. તે ઠેઠ પાંજરાપોળ લગણ એ રાડો પાડતો જાય, ગીત ગાતો જાય ને લારી ખેંચતો જાય. મને પોરો મળ્યો. અંગનું કળતર કાંક ઓછું થયું. જીવને હશકારો થયો. પાંજરાપોળ પોગતા મળેલા પચ્ચીમાંથી પાંચની નોટ એની સામે ધરી. નોટને હાથમાં લઈને થોડીક વાર એણે આમતેમ ફેરવી. પછી એને ગુસ્સાભેર મારા મોં પર મારીને થયો હાલતો. સામે મળતા રાહદારીઓ સામે હાથ લાંબા કરી-કરીને, મોટા ઘાંટે ગાળો બોલતો ઈ તો ગયો વાજોવાજ.

તે દિ’ રાતે જ આ વાતે મેં મારી નોટમાં નોંધી વાળી. આવી જ નાની-નાની વાતુંથી મેં મઢ્યાં છે મારી નોટનાં પાનાં. ઘણીય વાર મોજીલી આ વાતુંએ મારાં બળ્યા-ઝળ્યો જીવને એવો તે ઠાર્યો છે ને ! ક્યેંક તો આ ગાંડું મન એવા ઓરતા કરે છે કે મારાં આ ચાંગળુક સુખને ભેળાં કરીને એમાંથી સુખથી છલોછલ એક વારતા માંડું તો કેવું ? દુઃખી માણસ છું, મને ધખારો છે એક સુખી વારતાનો. એક એવી વારતા કે જેમાં મારું જીવન ધબકતું હોય. એ સુખાળવી હોય, ને સાચુકલીય હોય. મન તલસે છે એવી વારતા લખવા માટે પણ, મોકાણ ઈ છે કે જો સાચી વારતા કરવા જાઉં તો ઈ સુખદ નંઈ બને, ને ખોટી વારતા મારે કરવી નથી. મારે તો મારી સામે રહેલી ડામરની કાળી સડક જેવી નક્કર હકીકતમાંથી જ વારતા જોઈએ. મારા જીવતરની સચ્ચાઈમાંથી જ મારે શોધવી છે સુખની વારતા. બોઝા વગરની એક સુખાંત વારતા….. પણ કેમ કરીને ? હકીકત તો સાવ વેગળી છે. મારું સુખ તો વેરાઈ ગયેલા ઝીણા-ઝીણા કચૂકાં જેવું સાવ નજીવું. ભેળું કરવાં જાઉં તો બે ચપટી ખાંડ જેટલુંય નો થાય. હવે એમાંથી સુખથી ભરીભરી વારતાનો પિંડ બાંધવો કેમ કરીને ? જાણું છું હું, વારતા તો આરંભ, મધ્ય અને અંતમાં ગૂંથાયેલી હોય ને જો મારા આ લગરીક સુખને એક વારતા માટે તંતોતંત ગૂંથવા બેસું તો એમાંથી કાંક સુખભર્યો ઉપાડ મળે ને બોવ ખેંચુ-તાણું તો જરાક આગળય હાલે કદાચ. પણ નિરાંતવો અંત તો…. કોઈ કાળે મેળ નો ખાય.

હમણાં-હમણાંથી મને સુખાંત વારતાનું ઘેલું લાગ્યું છે હાળું ! જકાતનાકે નવરા બેઠા ચારભાઈ ફૂંકતો કસ્યા જ કરું છું મગજને. આ જીવતરમાંથી કઈ રીતે નીકળે એક સુખાંત વારતા ? એક એવી વારતા કે જેના છેડે, હાલોને, રાજ કર્યું નો આવે તો કાંય નંઈ પણ નિરાંતે ખાધું-પીધું તો આવે ! પણ નથી સરેડે ચડતું કશુંય… તમે વિચાર કરો, આ જીવનમાંથી મને એક પણ સુખ એવું નથી મળતું કે જેની ઉપર એક માત્ર મોજભરી વારતા માંડી શકાય ! મથી-મથીને થાકું ત્યારે ગાળો ભાંડું છું ભગવાનને કે તેં મને આ તે કેવું આયખું દીધું કે એમાંથી ગોતી-ગોતીને મરી જાવ તોય એક સુખાંત વારતા ન જડે ? એક વાર તો ધૂન ચડી તે એકે-એક દિ’ને ઝીણી-ઝીણી નજરે તપાસ્યાં ઉપરથી તે ઠેઠ હેઠે લગણ. એકેય વારતાવગું સુખ છટકી તો નથી જાતું ને ? બરોબર જોયું પણ એ જ નજીવાં-નજીવાં સુખ. બાકી કાંય નંઈ….

ક્યેંક શેઠિયાએ રાજી થઈને ચાના વધારાના બે આપ્યા હોય. હું રોજ બપોરે બેની આસપાસ મજૂરીના પૈસામાંથી અડધી ચા પીઉં. પણ આ રીતે ચાના વધારાના બે રૂપિયા મળે તયેં એ અડધી ચા મને વધારે મીઠી લાગે. એ ચાને હું ચાવી-ચાવીને પીઉં. ચાના સ્વાદમાં બે દોકડા બચ્યાનોય કડક-મીઠો સ્વાદ ભળે. મજા આવે. વધારાના બે રૂપિયાની ચા પીતાં મને કાયમ વધારે વાર લાગે. ને ક્યેંક ક્યાંકનો ફેરો મળે ને ઈ ઠેકાણે પોગવાના વાંકાંધોકાંવાળા, ટૂંકા મારગની મને ખબર હોય તંયે તો જામો પડી જાય ! ક્યેંક તો દહ મિનિટમાં લારીને ઘાલી દઉં ઠેકાણે ! દહ મિનિટના દહ રૂપિયા ને કાં તો પંદર ! ને પછી ઠાલી લારીને ગબડાવતો હાલ્યો આઉં ટેશથી ! એવા ફેરાની તો મોજ જ કાંક ઓર હોય. તૂટવાનું ઓછું ને વળતર અદકું. એટલે બોજો વેંઢારવાનોય મજો પડે.

રોજ મારી બૈરી મને ના’વા હારું તાતું પાણી નોદ્યે. ઈ બળતણની ગણતરી કરે. રોજરોજ તાતું પાણી માંગું તો સીધી જ ચોંટે, ‘દરોજય તાતાં પાણીયે ના’વ તો પછી રાંધવું હેનાથી ? મારાં હાડકાંથી ?’ ને એની વાતય મુદ્દાની. શે’ર પાદર બળતણ કાંય મફત નથી મળતાં. એટલે તણ-ચાર દિ’ એ માંડ એક વાર વારો આવે તાતે પાણીયે ના’વાનો. પણ જયેં વારો હોય તયેં તો મોજ પડી જાય. અગાઉથી જ હરખાતો હોઉ કે આજ્ય તો તાતું પાણી ! દિ’ આખાયની મજૂરીથી કળતા હાથ, પગ ને વાંહો ઊનું પાણી અડતાં જ ફારાં ફૂલડાં જેવા થઈ જાય. હૂંફાળું ઈ પાણી થાક બધોય લઈ લે. ડિલને સારું લાગે. મજા આવે… ને બધુય કે’વા જ બેઠો છુ તો ભેળાંભેળ ઈ ય કય જ દઉં. થાકનું માર્યું રોજે-રોજ તો મનેય મન નથી થાતું ભેળાં થવાનું. ને જ્યેં મને મન થાય, તયેં ઈ ના પાડે. ઈ ય બિચારી ચાર-પાંચ ઘરના ઢસરડાં ઢસડી-ઢસડીને થાકીને ટેં થઈ ગઈ હોય ને ઝટપટ હૂવા કરતી હોય, પણ આઠ-દશ દા’ડે જ્યેં ઈ ય ખરેખરી રંગમાં હોય તયેં તો જલસી પડી જાય અમારી ફાટલ ગોદડાંની પથારીમાં. ઈ ઘડી-બેઘડીની સુંવાળી મોજ… હવે મને પાછું બોવ વર્ણન કરતાં નંઈ ફાવે એનું. પણ તમેય સમજી શકો છો શરીરના ઈ સુખને.

લ્યો ! આ ને આવાં મારાં સુખ. ઝીણાં ઝરફરાંટ જેવાં. તમે જ ક્યો, હવે એમાંથી થોડી કાંય સાંબેલાધાર સુખ વરસાવતી આનંદી અંતવાળી વારતા મળે ? બોવ-બોવ તો ટીપુંક-ટીપુંક સુખવાળી ને અંતે તો ઈ ટીપાં માટે ય તલસતી વારતા મળે, મળવી હોય તો. ના, મારે મારા વાચકને કોઈ વલખતો અંત નથી આપવો. કોઈ કરુણાંત વારતા વાંચ્યા પછી કાયમ મારા મનમાં એક ચચરાટ રહ્યો છે દિવસો લગણ. એનો વેદનાભર્યો ઈ છેડો… પછી છટપટ્યા જ કરે માંયલાંમાં. એ છટપટાહટ, એ ચચરાટ મારે નથી આપવો બીજા કોઈને પણ શું કરું ? મારી પાસે છટપટતાં આ જીવતર અને ચચરતી આ હયાતી સિવાય બીજું છે ય શું ? સુખાંત ગોતું તો કઈ રીતે ગોતું એમાંથી ? કઈ રીતે ?? છતાંય, શોધું છું સતત….

છેલ્લા કેટલાય દિ’થી તો સુખાંત વારતાના આ વિચારોએ જીવને ઘૂમરડીયે ચડાવ્યો છે એકધારો. ધંધામાંય ધ્યાન નથી રે’તુ બરોબર, કે નથી આવતી રાતે સરખી નીંદરય. આ જીવતરમાંથી મને એક સુખાંત વારતા ય ન મળે – એ બળતરાં મને બાળ્યાં જ કરે છે રાત-દા’ડો. હું તો કંટાળ્યો છું હવે. પૂર્તિયું ય વાંચવાની બંધ કરી દીધી છે ને નથી જતો પુસ્તકાલયે ય હવે, તો પણ તોય… સુખાંત વારતાનું હરાડું આ મન સખણું રે’તું જ નથીને ! અંદરથી ધક્કા માર્યાં-માર્ય કરે છે ઊઠતાં ને બેસતાં. રઈ-રઈને એમ જ થયા કરે છે કે બસ ! આ આયખાનો એક માત્ર સુખાંત વારતા જેટલોય ખપ નંઈ ? સાવ ઢેફેથી ગયું આ જીવતર ! શું નંઈજ મળે સુખાંત ?

હવે ન મળે તો જાય તેલ લેવા ! શો ફેર પડવાનો છે ? મન થાય છે એવી વારતા નંઈ લખાય કે બીજું કાંય ? કાંય નંઈ નો લખાય તો. ઘોળ્યું, બીજું શું ? સુખાંત વારતા લખાશે તો જ જિવાશે એવું થોડું છે ? મેલને લપ બધીય મારાં ભાઈ ! – આવું આવું તો કેટલુંય સમજાવીને વાળવા કરું છું મનને. પણ એમ પાછું વળે તો એને મન કેમ કે’વું ? હું ય સમજું છું આ અમથેઅમથી ઘૂરી છે મનની. પણ છે, એનું શું ? એક વાર રાતે બૈરીયે મને ભરનીંદરમાંથી હડબડાવીને જગાડ્યો, ‘આ હું સુખાંત-સુખાંત ચોંટી પડ્યા છો કયુંના ? કાલ્ય ય આવું જ કાંક ઝખતા’તા. હું છે આ સુખાંત ?’
મેં કહ્યું : ‘કાંય નંઈ. હૂઈ જા છાનીમાની.’
એક તો માંડ-માંડ નીંદર આવે ને નીંદરમાં ય ઈ ના ઈ જ લોયઉકાળા !

બીજી જ રાતે મેં એક સપનું જોયું. સપનામાં ખરો બપોર હતો. કુવાડવા રાડથી ખાટકી ચોક લગીનો પૂરા ત્રીસ રૂપિયાનો ફેરો પતાવીને હું જકાતનાકે આવ્યો. પલો કાંક ટૂંકો હતો, પણ બોજો ઘણોય હતો સિમેન્ટની કોથળિયુંનો. હાંફ ચડ્યો’તો ખરેખરો. ને છાતીનું ડાબું પડખું ય દુઃખતું-તું જરાતરા. પણ આખ્ખા ત્રીસ રૂપિયાથી ગજવું ગરમ હતું ને મન રાજી. હું ‘મુસ્કાન’ કટલેરીવાળા સલીમભાઈને ‘સલામમાલેકુમ’ કરીને એની દુકાનના છાંયે બેઠો થાકોડો ખાવા. થોડીવારે હાંફ કાંક હેઠો બેઠો. છાતી હજીય દુઃખતી’તી. પણ મને એની ફિકર નો’તી. હું દૂલા કાગના દૂવા ગણગણતો બેઠો’તો નિરાંતવો. હજુ બે નો’તા વાગ્યા. તોય આજે ચાની તલપ થઈ આવી. ચાની લારીયે જઈ બાબુડાને અડધીનો ઓર્ડર દીધો. ને બાંકડે બેઠો. ભીંતને અઢેલીને નિરાંતે ચાના સબડકા ભરતો’તો ત્યાં તો ‘ભારત’ જીનવાળો એકીહાર્યે બબ્બે ફેરાંનું નક્કી કરતો ગયો. એક જકાતનાકાથી હાથીખાનાને બીજો જકાતનાકાથી લાલ દરવાજા. બેયના પંદર-પંદર. કુલ ત્રીસ ! ને ત્રીસ ને ત્રીસ સાઠ !! શું વાત છે ! કઈ બાજુ સૂરજ ઊગ્યો છે આજ ! પેલ્લીવાર પૂરા સાઠનો ધંધો ! ચડતું પાનું લાગે છે આજ તો… મને મારી ટીનુડી યાદ આવી ગઈ. બિચારી કેદુની ચોપડાં-ચોપડાં ઝખ્યાં કરે છે. આજ મેળ પડી જાશે. ભેળાંભેળ જલેબીય બાંધતો જઈશ થોડીક. હું ગેલમાં આવી ગયો. ને એકાએક છાતીનો દુઃખાવો વધી પડ્યો. પણ ઈ મારી મોજને અસર કરી શક્યો નંઈ. મેં છાતી ચોળી નાખી. ને મોજમાં ને મોજમાં બીજીય અડધી ઠઠાડી. ને પછી ચારભાઈ જેગવીને એય ટેશથી ધુમાડા કાઢી રહ્યો ધીમા ધીમા. પણ બીડીનો છેડો હજુ તો ઘણોય છેટો હતો ત્યાં છાતીના ડાબા પડખે એક જોરદાર સબાકો આવ્યો. બસ, બે-ચાર પળ…. અને મોજમાં ને મોજમાં હું….

એ સવારે મને મળી ગયો મારાં જીવતરની વારતાનો સુખાંત.

[કુલ પાન : 204. કિંમત રૂ. 140. પ્રાપ્તિસ્થાન : ડિવાઈન પબ્લિકેશન : 30, ત્રીજે માળ, કૃષ્ણ કૉમ્પ્લેક્સ, જૂનું મોડલ સિનેમા, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22167200 ઈ-મેઈલ : divinebooks@mail.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઉત્તર-પૂર્વ દિશા – ઈલા આરબ મહેતા
ઊઘડતી દિશાઓ – સોનલ પરીખ Next »   

16 પ્રતિભાવો : સુખાંત – સુરેશ ગઢવી

 1. Trupti says:

  સચોટ વર્ણન.

 2. ખુબ સુંદર…

  એક શ્રમિક વર્ગની વ્યથા, પીડા, નાની નાની જરુરિયાતો, ઇચ્છાઓ કેટલુ બધું અને એમાં’ય સતત સુખાંત ની શોધ.

 3. harikrishna patel says:

  very heart touching story.this is very real.

 4. hiral says:

  સ્પીચલેસ. આવું અઘરું જીવન ભગવાન કેમ આપે છે? શું કામ? છેક છેલ્લે સુધી મને એમ કે ખરેખર કોઇક સુખની પળો માણી શકીશ. દરેકનું મન વાર્તાઓમાં હંમેશા સુખાંત જ શોધતું હોય છે. રોકકળ વાળી વાર્તાઓથી કોઇપણ વ્યથિત થઇ જાય, વાર્તાના નાયકની જેમ જ કદાચ. હ્રદય હચમચાવી મુકે એવી વાર્તા.

 5. Hetal says:

  really ..really detail oriented story- i was really enjyoing the funny language but was not expecting this end- very heart touching- soemtimes just like the writer said-after reading end like this ” man chachrya kare che , ghana diwas sudhi” and then i feel so bad that i couldnt concentrate, even though I know that it is just a story but then feels like somewhere this is happening with someone for real..anyways good story..many thanks to writer

 6. Jayesh says:

  નાનપણમાં આવા એક શ્રમિક ને ઓળખતો હતો. અમારી દુકાને માલની ડીલીવરી આપવા આવતો. પહેલા બે ભાઈઓ આવતા, પછી મોટા ભાઈના અચાનક ગૂજરી ગયા બાદ તે એકલો જ લારી ખેંચતો અને બન્ને કુટુંબોનું ગુજરાન ચલાવતો. નામ યાદ નથી પણ ચહેરો યાદ આવી ગયો આ વારતા વાંચીને. તે વખતે પણ તેને જોઈને ઘણો જીવ બળતો. પપ્પા ન હોય તો ગલ્લામાંથી મજૂરીના વધારે પૈસા આપી દેતો. આવા લોકોના વિચાર અહિં અમેરિકામાં બેઠા ઘણીવાર આવી જાય છે ને મન ને ઊદાસ કરી નાખે છે.

 7. Punit says:

  After reading the story, I thought this person enjoys bath with hot water so much which he gets once in a while and here in US, we do it everyday but I have never experience that joy ever.. Again for Rs.60 per day he thinks he is a king of this world for that day and want to fultil all his family’s wishes…Really good story..

 8. after a long time came on site and read the story —i came back fron us –there were lot of pending works in india –repairing of house –meeting of relatives –friends –went to all places in gujarat where i had friends
  and was tired –so accessed read gijarati for fun –and this story !!!!!!!!
  offcourse not that much hard but similar life !!!!!–i was not knowing that so many relatives and friends like
  and were taking interest in all detils —and i was thinking them to be not phoning me when i was in us so
  they forgot me —but i was wrong !!!!!!!
  i liked story coming from heart –and in us i saw literally students doing hard work –especially phd students
  work for 18 hours and do not see tv -theatre –going on vacation etc — a white color mazdoor !!!!!!!!!
  ansd one day one has to leave this ==it is only happy end !!!!!!!! peace for ever !!!!!!!!

 9. Hitesh Mehta says:

  બહુજ સરસ રજુઆત્….. સુખની શોધમા આયખુ ટૂકાવિ.. ગરિબાય નો ચિતાર સારિ રિતે રજુ ક્ર્યો…
  વાહ…. વાહ્….

 10. maitri vayeda says:

  બહુ જ સરસ વાર્તા… ખરેખર સુખાંત ….

 11. જગત દવે says:

  અનોખી શૈલી… વાસ્તવિક વાર્તા(?)…..

  ખબર નહિ કેમ? પણ આવનારી ફિલ્મ ‘પિંપરી’ Live નાં દ્રશ્યો નજર સામે આવી ગયા.

 12. Dipti Trivedi says:

  ગઢવીએ ભારે કરી. . સુખાંતની આવડીક મોટીમસ આસએસ જગાડી ને વાચકને છેલ્લે ભેખડે ભેરવી દીધો કાં?———-જોરદાર જમાવટ.જુદી જ તરાહ. અને આ હાથ્લારીવાળો એ પાત્ર જ છે કે જીવંત માણસ ? અનોખી વાર્તા માટે આભાર.
  ભરેલી લારી જેવા જીવતરના બોજ, લારીના પૈડાંની ધરીના કદના સુખના સહારે જીવાઈ જાય છે.

 13. Ashish Dave, Sunnyvale, California says:

  Fantastic story… awsome details… really heart touching.

  Ashish Dave

 14. JALPA B. GONDALIA says:

  ઍક અનોખી વાર્તા..કઈક નવુ જ વાચયુ તેવુ અનુભવ્યુ..ખાસ એક પેલો સુખ નોટ મા નોધવાનુ ખુબ જ ગમયુ..
  અને પેલુ સપનુ.પણ ..ધણુ સમજાવી દીધુ….

 15. Vaishali Maheshwari says:

  Good one. Enjoyed reading.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.