- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

ઉત્તર-પૂર્વ દિશા – ઈલા આરબ મહેતા

[આદરણીય ધીરુબહેન પટેલ દ્વારા સંપાદિત ‘ઈલા આરબ મહેતાનો વાર્તાવૈભવ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’ (અમદાવાદ)નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

આમ તો હુંય જાણતો હતો કે આ ઘર કાઢવું મુશ્કેલ તો ખરું. થોડું મુશ્કેલ. અમથાં આ લાઈનમાં પચ્ચીસ વર્ષ કાઢ્યાં હશે ! ઘર જોઉં ને ખબર પડે કે કેટલા દિવસમાં કે કેટલા મહિનામાં વેચાશે ! આ ઘરની લાઈન બરાબર હાથ પર ચડી ગઈ છે. મારા શેઠ નાનજીભાઈ કહેતા કે ધંધો એવો કરીએ કે ધંધો જવાબ દે. એટલે, હાથ પર બેસી જવો જોઈએ. આ મારેય એવું થયું એમ કહેવાય.

જો કે સાચું પૂછો તો મને કો’કવાર થાય કે માળા આ ઘરનેય જીવ હશે ?! નહિતર આમ કો’કવાર ઘર બોલતાં કેમ લાગે છે ? જેવી મને ખબર પડે કે ફલાણા ફલાણાને ઘર કાઢવું છે કે હું તો જઈને પૂછી આવું. ધંધામાં શરમ રાખ્યે નો પાલવે. જે ટકો-અર્ધો ટકો છૂટ્યો તે. જેવા માલિક પાસે જઈએ કે માલિક ઘર બતાવે. હું જોકે વાત ઘરધણી જોડે કરતો હોઉં ને તોપણ મારા કાન સરવા રાખું. તો ઘણીવાર થાય કે ઘરને જબાન છે ને એ મને કહે છે કે એને કેવા માલિક જોઈએ છે. જોકે, આ વાત તમને હું હવે કહું છું. પહેલી વાર કો’ક બીજાને કહી હતી. માંડીને જ કહું.

આ ઘરનું ક્યાંક અચાનક સલાડું થયું. એક વાર હું પાન ખાવા માવજીની દુકાને ઊભો રહ્યો. માવજી બોલ્યો : ‘કેમ પાનાચંદભાઈ ? ધંધો કેમ ચાલે છે ?’
‘ઠીક અવે, રોટલાપાણી નીકળે છે. બીજું શું ?’ બીજું કહેવાય શું ? એમ થોડું કહેવાય કે બૅન્કમાં સોલિડ ડિપોઝિટો મૂકી છે.
‘તમારે, પાનાભાઈ, સારા સારા ઘરાકો આવતા હશે, તો મારાં ફોઈબાનું ઘર વેચાવી દ્યો ને ?’ માવજીએ પાન મારા હાથમાં મૂકતાં કહ્યું.
‘એમ ? અલ્યા, તારે ફોઈ છે એ જ આજે ખબર પડી. મને એમ કે તુંય મારી જેમ ફક્કડ ગિરધારી હોઈશ.’ માવજી ખી ખી હસ્યો. આમ મને આવી જોક કહેવાની ટેવ નહિ પણ થઈ જાય કો’ક દિવસ વળી.
‘ફક્કડ ગિરધારી તો છીએ જ. આ ફોઈ છે તે હવે ઠીક મારા ભાઈ, લોહીનું સગપણ થાય તે કરી છૂટીએ.’ માવજીએ કહ્યું.
‘ક્યાં છે તારી ફોઈનું ઘર ?’
‘આમ આઘે, કલેક્ટરની ઑફિસથી આગળ, મેન રોડ પર છે. બારી પાસે ઊભા રહો તો ટાઈમ પાસ થઈ જાય. પણ ડોશીમાને ઘર કાઢવું છે. કે’છે, મારા જીવતાં રોકડ કરી લઉં.’
‘ધન્ય ! ધન્ય !’ એક ધંધાદારી જેમ બીજા ધંધાદારીને ઓળખી જાય તેમ માવજીનાં ફોઈની રોકડપ્રીતિ હું ઓળખી ગયો. હશે મારે શું ?’
‘ઠીક, તો કાલે લઈ જજે મને.’

બીજે દિવસે બપોરે ત્રણ વાગ્યે દુકાન કો’કને ભળાવી આવી પહોંચ્યો. મારા સ્કૂટર પર ઊપડ્યા. ફોઈના ઘરે પહોંચ્યા. આહા ! આ ઘર કોણે બાંધ્યું હશે ? અલ્યા ભૈ, એ તે આર્કિટેક્ટ હતો કે કડિયો ? ઘર તો મોટું ને મેન રોડ પર, પણ દિશાઓ જ ખોટી. ઉત્તર-પૂર્વની દિશાવાળું. પૂર્વમાં બારણું ને બે ઓરડાની બારીઓ ઉત્તરમાં. પશ્ચિમ બાજુ દીવાલ, દક્ષિણ બાજુ દીવાલ, ડ્રોઈંગરૂમનો એરિયો લગભગ બાવીસ બાય બાવીસ. મજાની ટાઈલ્સ, ઊભું રસોડું. દીવાનખંડની સમાંતર એક પેસેજ તેમાં બે ઓરડાઓ, અસલના રાજાશાહી કારપેટ એરિયાવાળા. સીલિંગ પણ રાજાશાહી. પણ પશ્ચિમની બારીમાંથી સૂરજનો તાપ નહિ ને દક્ષિણનો પવન નહિ. ઘર, આમ બાદશાહી ને આમ જુઓ તો બાપડું લાગે.

માવજી ઉત્સાહમાં હતો : ‘કાં ? કેવું ફર્સ્ટકલાસ મકાન છે ને ?’
‘છે તો મોટું.’ મેં કહ્યું. ઝાઝું શું કહેવું એને ? આ કંઈ પાનમાં કાથો ચૂનો ચોપડવાની વાત હતી કાંઈ ? નાખી દેતાંય બેએક લાખનો સોદો થાય.
‘અસલનું છે, પણ બાંધકામ મજબૂત છે.’ માવજીનાં ફોઈ તીક્ષ્ણ નજરે ને ધારદાર અવાજે મને શારી નાખતાં બોલ્યાં.
‘હા, હા. હવે તો દિવાસળીનાં ખોખા જોઈ લ્યો.’ માવજીએ ટપકું મૂક્યું.
‘બસ ત્યારે, ને જુઓ, જેને ઘર દેખાડો ને જેની હારે પાકી વાતચીત કરો તે મારી સામે જ કરવાનું બધું. પાછળથી લાપસીલોચા ન જોઈએ.’
‘ના બા, ના એવું કંઈ હોય ?’ મેં મીઠાશ રેડતાં હાથ જોડ્યા.
‘શું ભાવ છે આજકાલ ?’ માજીએ મીઠાશ ઝીલવા તૈયારી ન બતાવી.
‘હું ખબર કાઢીને કહીશ.’
‘ઠીક છે. મેંય બે-ચાર જણને કહી મૂક્યું છે. જેનો ભાવ ઊંચો તેને આપવાનું.’ માજી રણકતા અવાજે બોલ્યાં. ફરી મારા મોંમાંથી ‘ધન્ય’ ‘ધન્ય’ નીકળી પડત, પણ હું સંયમ રાખી ચૂપ રહ્યો. તોય ઉપર જોવાઈ ગયું. ધંધાદારીના ક્યા દેવ તેમના પર અત્યારે પુષ્પવૃષ્ટિ કરતા હશે ?

જ્યાં ઘર જોવા જાઉં ત્યાં મકાનમાલિક શરૂ કરે, આ ઘર કેવું શુકનવંતું છે, ને ઘર સાથે તેમની કેવી માયા છે ને ઘરમાં કોણ કોણ હતા, કોણ રહ્યા તે સર્વેનો ઈતિહાસ અમને મકાનદલાલોને વારંવાર સાંભળવો પડે. પણ અહીં વાત જુદી હતી. માજી જબરાં હતાં. સીધી તેમણે રોકડાની રોકડી વાત જ કહી હતી. ઠીક છે. મારે શું ? માજીની રજા લઈ અમે નીકળ્યા. ધડધડાટ જતા સ્કૂટર પર તો કંઈ વાત થાય નહિ. સ્કૂટર મારી ઑફિસ તરફ લીધું. ઑફિસ કહો કે ઘર કહો – આપણને એકલપંડ માટે નાનો આશરો હતો. સ્કૂટર પાર્ક કરી ઑફિસમાં આવ્યો. પાછળ માવજી ઑફિસ પર મારું નામ વાંચવા ઊભો રહ્યો. ‘પાનાચંદ દલાલ – સુખશાંતિ રીઅલ એસ્ટેટ એજન્સી.’
મોટેથી મારા નામનું પાટિયું વાંચી ખીખી હસતાં તે અંદર આવ્યો. ખુરશી પર બેસતાં કહે :
‘આ કામ ભારી હોં !’
‘કયું કામ ?’
‘આ તમારા ધંધાનું નામ, સુખશાંતિ, સાવ સાચું નામ. માણહ પાંહે પૈસો હોય ને સુખશાંતિ ન હોય લ્યો ! આ અમારાં ફોઈની જેમ.’
‘આ મકાન વેંચવાના છે તે ? કાં ? શું થ્યું ?’
‘થાય શું ? ફોઈ કકળાટવાળા, ફૂઆ તો ક્યુના ગુજરી ગયા. દીકરો ને વહૂ હતા.’
‘હતાં ?’ મારાથી પૂછાઈ ગયું.
‘નઈ ત્યારે ? પણ ફોઈનો જીવ ! બચાડી વહુને વાંહે ને વાંહે લાગ્યા રે ! મેણાં ટોણાં મારે ! કામ તે કંઈ કામ ! થયું એમાં. એક દી’ સળગી મરી બાપડી ! દીકરોય તે ત્રાસીને નોકરીમાં બદલી કરાવી ક્યાંક આઘે જતો રહ્યો છે. જુઓ ! હવે આ ઘરના પૈસાને શું બાફી ખાવાના ?’ તો એમ બાબત હતી ! એટલે આ ઘર એવું બિચારું ને દામણું લાગતું હતું ! લાગે જ ને ? રસોડામાં જ્યાં જુવાન બાઈનું બળેલું શરીર પડેલું હોય ત્યાં શું થાય બીજું ? હશે ! મારે શું. ઘર કાઢવા ટ્રાય તો બહુ કરી. એક ડૉક્ટર બહેનને ય બતાવ્યું. એમણે તો મારો જ ઉઘડો લીધો ! ‘આવા હવાઉજાસ વિનાનાં ઘર બતાવો છો ?’ ત્યારે દૂરની સોસાયટીમાં તેમને એક બંગલો અપાવ્યો. બીજા ય બે ત્રણને બતાવ્યું.

એમ કરતાં છ મહિના થવા આવ્યા.
ત્યાં એક દિવસ દસેકના સુમારે તે બાપ-દીકરી આવ્યાં. ઝાંખાં પડેલાં તોય ચાંદીનાં વાસણ જેમ ઓળખાઈ આવે તેમ મેં તેમને અસલના ખાનદાન માણસો ઓળખી કાઢ્યા. માનભેર બેસાડ્યા.
‘એક ઘર લેવું છે.’ વૃદ્ધે કહ્યું.
‘બહુ મોંઘું નહિ. હમણાં છે તે ભાડૂત ખરીદી લેવા માગે છે. અમને પોષાય તેવું.’ તે સ્ત્રીએ ઉમેર્યું. શાંતિથી બધી હકીકત પહેલાં કહી દેવાથી એક જાતની મોકળાશ અનુભવાતી હોય તેમ તેઓ સ્વસ્થપણે બેઠાં ને મારી સામે જોવા લાગ્યાં. હાશ ! હે ભગવાન ! આ પેલા ઉત્તર-પૂર્વ માટે તેં ઘરાક મોકલી આપ્યા છે ! થેન્ક યૂ.
‘જરૂર જરૂર સાહેબ.’ ઉત્સાહ બહુ ઢોળાઈ ન જાય તેની કાળજી રાખી તોય મારો અવાજ જરા ઊંચે ચડી ગયો, ‘છે ને. ઘર છે. બધા બજેટને સૂટ થાય તેવાં ઘર છે આપણી પાસે.’
‘તો કાલે લઈ જશો અમને ?’ તે સ્ત્રીએ મારા પર નજર ઠેરવી. આ ધંધામાં – આ શું, કોઈ પણ ધંધામાં માણસને લાગણીવાળું થવું પોષાય નહિ. પણ કોને ખબર, આ બાપ-દીકરીને જોતાં મનમાં થયું, ‘કોક દા’ડો ભલે થઈ જાય પાનાચંદ ! માજીને જરા દબડાવીને પણ સોદો પાર ઉતારી દઉં.’ દિવસ નક્કી કરી હું ઘર બતાવવા લઈ ગયો.

‘કેવડો મોટો દીવાનખંડ છે સાહેબ ! જુઓ.’ મેં પેલા ઘરનો દીવાનખંડ બતાવતાં કહ્યું.
‘હા….આ…. છે તો મોટો. અત્યારના લોકોને મોટો લાગે. બાકી અમારે રાજગઢમાં આવડો તો બાથરૂમ હતો.’
‘હશે બાપુ. હવે એને સંભારીને શો ફાયદો ?’
‘બરાબર કહે છે બેન.’ મેં ઉમેર્યું. આ બાપાજી જો ગયા જમાનામાં સરી પડ્યા તો પાછી ઉપાધિ થશે એની મને બીક હતી.
‘હા… બેટા હવે શું ?’
‘પણ તોય દીવાનખંડ મોટો છે. એમાંય જો મજાનો ફર્નિશ કરો તો તો અફલાતૂન લાગે.’
‘હા. છે તો મોટો… પણ…. અમારે શો કામનો ?’ તે જાણે મનમાં બોલી.
‘કેમ ? મઈમહેમાન આવે, તમારાં સગાંસંબંધી આવે, પાંચ-દશ જણને જમાડવા પડે….’ અમારા ધંધામાં આવું બોલતાં શીખવું પડે. એ હસી. એનું ફિક્કું હાસ્ય જોઈ કોને ખબર મારાથી દક્ષિણ દિશાની દીવાલ તરફ જોવાઈ ગયું, જે પવનનો માર્ગ રોકીને અડીખમ ખડી હતી.
‘અમારે ત્યાં કોણ આવે ? કોને જમાડવાનાં ?’
‘કેમ ? અરે, એવું હોય ? ઘરબાર માંડીને બેઠાં હોઈએ તો કોઈકોઈની આવનજાવન તો હોય જ.’ શું થાય ? ઘરાકને પાનો ચડાવવો પડે ! પણ બોલ્યા પછી મને થયું, ‘અલ્યા પાનાચંદ, વેવલાઈ કરે છે તે તું જ બોલને, તારે કોને જમાડવાના હોય છે ? કોણ આવે જાય છે તારે ત્યાં ?’

હું ચોંકી ગયો. મારાથી આગળ ન બોલાયું. મૂંગા મૂંગા રસોડું જોયું. પાછી જાતને સાબદી કરી. બેડરૂમ બતાવતાં પહેલાં એમને શીશામાં ઉતારી લેવા જોઈએ. મેં કહેવા માંડ્યું, ‘જુઓ સાહેબ, અત્યારે બપોરે બે વાગ્યા છે; પણ ઘરમાં કેટલી ઠંડક છે ! આ સીધો તડકો ઘરમાં આવે ને તો ઘર ગરમ ગરમ થઈ જાય. બાકી સવારે આ બારણામાંથી તડકો આવે હોં ! બે-ત્રણ કૂંડાં મૂકી દો, વળી લીલુંછમ લાગશે…. ને આમ જુઓ તો ઘરમાં કેવું શાંત વાતાવરણ છે !’
પિતાએ ડોકું હલાવ્યું, ‘શાંતિ….? હા, શાંતિ જ છે ને ભાઈ ! અમે બે જણાં. બધું શાંત છે ઘરમાં. ટી.વી. તે છે નહિ.’
‘અમને રેડિયાનો શોખ નથી.’ તેણે ઉમેર્યું. પછી મારી તરફ જોઈ કહ્યું, ‘ઘર સારું છે. ખૂબ તડકો નહિ, હવા નહિ, હૂંફાળું લાગે. જીવી કાઢવાનું, બીજું શું ?’ કહી તેમણે હળવો નિસાસો નાખ્યો.
‘બસ….બસ… સો ટચની વાત કરી તમે. આ પશ્ચિમની બારી હોય તો બપોર ઢળતાં ઘર ગરમગરમ થઈ જાય. દક્ષિણની હવાથી ઘર થરથર ધ્રૂજી ઊઠે. વરસાદની ઝડીઓય ઝીંકાય. ના ચાલે. તડકો ને વરસાદ ત્રાસ આપે. થકવી નાખે. ઘરમાં તો ફર્સ્ટકલાસ શાંતિ જોઈએ.’
આમ હું બોલત-
પણ ના બોલાયું મારાથી.
ઊલટું રડવું આવી ગયા જેવું થયું. અરે તડકો નહિ ? હવા કે વરસાદ નહિ ? આ ગુફામાં જીવવાનું…. આ ઘર સાલું બરાબર આપણા જીવતર જેવું…. ન હસવાનું, ન રડવાનું, ન અવાજ, ન છણકા, ન રીસ….!! ઉત્તર-પૂર્વની બારીબારણાંવાળું ઘર ને અમે…. સરખાં !
‘રહેવા દો હું તમને બીજાં ઘર બતાવીશ.’ મેં કહ્યું. પણ તે મારા તરફ જોઈ, મ્લાન હસીને બોલી, ‘બાપુજીને આ ઘર ગમે છે, તો ભલે આ જ ઘર રહેતું.’
એ બોલી અને હું ઓળખી શક્યો તેને. આ બાઈ જીવી ગઈ છે બીજા માટે. જીવી કાઢશે બીજા માટે.’ મેં એને પૂછ્યું :
‘તમને આ ઘર ગમે છે ?’
‘મને ?’
‘હા, તમને પણ ગમવું જોઈએ ને ?’
‘ના…..ના…. એવું હોય ? એવું તે હોય ?’
‘કેમ ન હોય ?’ હું જાણે એને નહિ, મારી જાતને કહેતો હતો.

ઘર જોયાને થોડા દિવસો થઈ ગયા. એ દરમિયાન હું ત્રણેકવાર એમના જૂના ઘરે જઈ આવ્યો. એ લોકોય મારે ત્યાં આવી ગયાં. મેં માન્યું હતું એમ જ હતું. દાદા કોઈ દેશી રાજ્યમાં દીવાન હતા. પિતા નિવૃત્ત જજ હતા. ભાઈઓ ભણીને રવાના થઈ ગયા હતા. નાની બહેન કમળાના રોગમાં ગુજરી ગઈ હતી. ઘરની દક્ષિણ ને પશ્ચિમની બારીઓ બંધ થઈ ગઈ હતી જાણે. રહી ગયા યશવંતરાય અને સુમિત્રા બંધ દિશાઓમાં.
પછી બીજાં બે-ત્રણ ઘરો બતાવ્યાં. પણ જામ્યું નહિ.
‘પેલું….પેલું…. બરાબર છે.’ બાપુએ કહ્યું. મારી ને સુમિત્રાની નજર મળી. તે ધીમા સ્વરે ગણગણી, ‘ત્યાં જ જઈએ.’ સાલું આ સોદામાં દલાલીનો વિચાર ન આવ્યો. ઊલટું કંઈક ઓછું થઈ જશે તેવું થયા કર્યું. માજી જોડે કસકસાવીને સોદો કર્યો. થોડા પૈસા આપ્યા. થોડા બીજા દિવસે આપવાનું ઠેરાવ્યું.

તે સાંજે તે આવી. ખુરશી પર બેઠી. હું ચૂપ થઈ ગયો. કાંઈ બોલવાનું ન સૂઝ્યું. ત્યાં પર્સ ખોલી તેણે એક બૉક્સ કાઢ્યું. ધીમેથી ખોલ્યું. જોતાં હું છક થઈ ગયો. આ તો અસ્સલનો રજવાડી સોનાની ગીનીઓનો હાર હતો !
‘પચાસેક હજાર ખૂટે છે. મારી સાથે આવશો ? તો આને વહેંચી દઈએ.’
‘શું વાત કરો છો ? આ તે વહેંચાય ?’
‘કોને માટે રાખવાનો ? ભાભીઓથી માંડ છુપાવ્યો છે. જતી ઉંમરે બાપુને ઘરમાં શાંતિથી જીવવાનું મળે તો બસ ને ?’
‘તમે…તમે પહેરો…’
એ હસી પડી. ‘હું ? ના…. ગયું બધું હવે શું ?’ અમે ઝવેરી બજાર ગયા.

બીજે દિવસે અમે ઘરે પહોંચ્યાં ત્યારે માજી સામાન બાંધી તૈયાર હતાં. માજીના હાથમાં ડિમાન્ડ ડ્રાફટ મૂકી, મેં મજૂરોને કહ્યું : ‘બસ, આજથી કામ શરૂ કરો.’
હા જી, એ ઉત્તર-પૂર્વ દિશાવાળું ઘર અમારું હતું, પણ અમે એમાં રહેવાનાં ન હતાં. મેં તો તેની ઉપર દક્ષિણ-પશ્ચિમની બારીઓવાળો માળ ચણાવ્યો. નીચે મારી ઑફિસ. પેલા બે હૂંફાળાં અંધારિયાં શયનગૃહોમાં મારી પત્ની સુમિત્રાએ એક બાલમંદિર ખોલ્યું છે. ઘરમાં હવે જરાય શાંતિ લાગતી નથી. વારતહેવારે જમણવાર થાય ત્યારે દીવાનખંડમાં મારી પત્ની પેલો ઝગઝગતો હાર પહેરી ઘૂમી રહે છે. બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં ગળાનો હાર સારો. માવજી કહે છે : ‘સા……લા, અર્ધા ટકાની દલાલીને બદલે તને તો લાડી ને વાડી બેઉ મળ્યાં.’
માવજીને હું કહું છું કે મને આ ઘરે જ એવું કરવાનું કહ્યું. એને અમારા જેવા જ માલિક જોઈતા હતા. પણ એ માનતો નથી.

[કુલ પાન : 272. કિંમત રૂ. 160. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]