સમીપ – વીનેશ અંતાણી

[ ટૂંકીવાર્તાના પુસ્તક ‘રણઝણવું’ માંથી સાભાર. આપ શ્રી વીનેશભાઈનો આ સરનામે vinesh_antani@hotmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

ત્રણ સૂટકેસ ઠાંસી ઠાંસીને ભરી છતાં ચોથી સૂટકેસ પણ કરવી પડે તેટલો સામાન પલંગ પર પડ્યો હતો. મને અચાનક કંટાળો આવી ગયો. અહીંથી જવાનું પંદર દિવસથી નક્કી કર્યું હતું છતાં છેલ્લા દિવસ સુધી કશી તૈયારી ન કરી. કાલ રાતથી બધું એકઠું કરવા માંડ્યું. આજે તો જવાનું છે. કપડાં, પુસ્તકો અને જરૂરી એવી વસ્તુઓ જ લીધી છે. બીજું બધું તો અહીં રાખી જવાનો છું. કલકત્તામાં રહેવાની સગવડ હશે ત્યારે બધું લઈ જઈશ. ઘર વસાવવું અને ઘર ખાલી કરવું – બંને મારા માટે મુશ્કેલ કામ છે !

સવારના દસ વાગી ગયા હતા. ચાર વાગ્યાની ટ્રેન છે. છેવટની ઘડી સુધી બધું ચાલશે. પછી હાંફતો હાંફતો રેલવે સ્ટેશન પર પહોંચીશ. બારી પાસે ગયો અને ટેબલ પર પડેલી સિગારેટ મોંમાં નાખી. લાઈટરથી સળગાવી. બારી બહારના રસ્તા પર જીવન એ જ રફતારમાં ધબકતું હતું. આખું શહેર એ રીતે જ ધબકતું રહેશે. માત્ર ચાર વાગ્યા પછી હું અહીં નહીં હોઉં. શો ફરક પડશે ? બે-ચાર મિત્રો અને કંપનીના સ્ટાફ સિવાય કોઈને ખબર પણ નહીં પડે કે હવે હું આ શહેરમાં નથી. પછી તો ધીરે ધીરે એ લોકો પણ ભૂલી જશે. કલકત્તામાં ગોઠવાઈ જઈશ અને આ ફલૅટ વેચી નાખીશ પછી તો આ શહેર સાથે કશો જ સંબંધ નહીં રહે. ભવિષ્યમાં કોઈ દિવસ આ શહેરમાં કદાચ આવવાનું પણ ન થાય….

જરા જેવી વેદના જેવું થયું, પણ પછી તરત જ રુઝાયેલા ઘા પર સુકાતી ચામડીની જેમ એ વેદના પણ ખરી પડી. માત્ર ખાલીપણું અનુભવતો રહ્યો. સવારે ઊઠ્યો પણ મોડો. કૉફી પણ પીધી નથી. સિગારેટની કડવાશ ગળામાં ખોતરાય છે. અર્ધી પિવાયેલી સિગારેટ બારી બહાર ફેંકી દીધી. ન બુઝાયેલી સિગારેટના ટુકડામાંથી ધુમાડો ઊડતો રહ્યો.
ડોરબેલ વાગ્યો.
નવાઈ લાગી. કોણ આવ્યું હશે ? કદાચ પાડોશીનો છોકરો છાપું લેવા આવ્યો હશે. આવતી કાલથી એ કોનું છાપું વાંચશે ? છાપાવાળાને કહેવાનું રહી ગયું કે આવતી કાલથી હું હવે અહીં નહીં હોઉં, એને કોણ કહેશે કે….

બારણું ઉઘાડ્યું. સામે વિભા ઊભી હતી. એક ક્ષણ તો મને થયું કે કશોક ભ્રમ થયો છે. વિભા શા માટે હોય ? પણ વિભા હતી અને એના હોઠ પર સ્મિત હતું.
‘અંદર આવું ને ?’ વિભાએ પૂછ્યું.
હું દરવાજાની વચ્ચેથી ખસી ગયો. વિભા અંદર આવી. અહીં એ પહેલી જ વાર આવતી હોય તે રીતે કમરાને જોઈ રહી છે. હું દરવાજો પકડીને ત્યાં જ ઊભો રહ્યો. એક જ જગ્યાએ ખોડાઈ ગયો હોઉં તેમ વિભાની પીઠને જોતો રહ્યો. મને કોઈ મળવા આવશે તેવી અપેક્ષા જ નહોતી – વિભાની તો નહીં જ ! એને તો કદાચ ખબર પણ નહીં હોય કે હું જાઉં છું.
‘આજે જ જાય છે ?’ વિભાએ પીઠ વાળ્યા વિના પૂછ્યું. મેં દરવાજો બંધ કર્યો. પલંગ પર જગા કરી. વિભા ખુરશી પર બેઠી. એણે પૂછેલા પ્રશ્નોનો મેં જવાબ આપ્યો નહોતો. એણે પણ જાણે જવાબ મેળવવા પ્રશ્ન પૂછ્યો નહોતો. વિભા ઊભી થઈ. રસોડામાં જઈને પાણી પી આવી. મારા માટે પણ એક ગ્લાસ લાવી. હું પાણી પી ગયો ત્યારે જ મને ખબર પડી કે મને પણ તરસ લાગી હતી.

વિભા કમરામાં ફરવા લાગી. બાજુના કમરામાં પણ ગઈ. ત્યાંની બાલ્કનીમાં ઊભી રહી. એ આવી છે તે વાત ભૂલવા માટે મેં ચોથી સૂટકેસમાં વસ્તુઓ નાખવા માંડી. વિભા બાલ્કનીમાંથી આ કમરામાં આવી. જરા દૂર ઊભી રહી. મેં એની સામે જોયું. એની મોટી આંખો મારી તરફ મંડાયેલી હતી. એના સુક્કા વાળ જરા ઊડી ગયા હતા. કદાચ આજે જ એણે વાળ ધોયા છે. અર્ધી સળગેલી સિગારેટના ધુમાડા જેવું કશુંક મારી અંદરથી ઊઠ્યું અને પછી ફેફસામાં ભરાઈ ગયું.
‘કલકત્તા ?’ વિભાએ પૂછ્યું.
‘હા…..’
‘ટ્રાન્સફર ?’
‘હા.’
‘પણ તારી કંપનીમાં તો સામાન્ય રીતે ટ્રાન્સફર થતી નથી….’ હું એક શર્ટની ઘડી કરતો હતો, પણ તે બરાબર થતી નહોતી. વિભા નજીક આવી અને મારા હાથમાંથી શર્ટ ખેંચી લીધો. પલંગ પર ગોઠવીને તેની ઘડી કરવા લાગી.
‘આ બે વર્ષોમાં શર્ટની ઘડી કરતાં પણ ન શીખ્યો ?’ વિભા હસતાં હસતાં બોલી. મને પણ જરા હસવું આવી ગયું.
‘તેં જવાબ ન આપ્યો – ટ્રાન્સફર વિશે…’
‘સામાન્ય રીતે બદલી થતી નથી, પણ આ તો મેં સામેથી માગી…. બહુ પ્રયત્નો કરવા પડ્યા…’ મેં કહ્યું. વિભા મારા સામે જોઈ રહી. પછી મારા શર્ટના કૉલર પર આંગળી ફેરવવા લાગી.
‘કેમ ?’ એણે પૂછ્યું.
‘શું કેમ ?’
‘એક તો ટ્રાન્સફર શા માટે માગી અને તે પણ આટલે દૂર !’
‘ખબર નહીં…..! એવી ઈચ્છા થઈ આવી !’
‘આ શહેરને છોડીને જતાં….’ પછી એનું વાક્ય અધૂરું રહ્યું. કદાચ એ આગળ બોલી તો હશે, પણ એનો અવાજ ગળી ગયો હોય તેમ શબ્દો સંભળાયા નહીં. વિભાએ ખોંખારો ખાધો અને પલંગ પર બેસી ગઈ.

‘મને કહેવરાવ્યું નહીં ?’ નવો પ્રશ્ન.
‘શો ફરક પડે છે ? તને ખબર તો પડી ગઈ !’
‘હું પણ મારા જ જાસૂસો રાખું છું !’ વિભાએ હસવાનો પ્રયત્ન કર્યો. એના કપાળમાં સળ પડ્યા હતા. ‘મને પણ કશો જ ફરક નથી પડતો છતાં પણ !’ એ ઊભી થઈ. રસોડામાં ગઈ. ત્યાંથી મને પૂછ્યું :
‘હું મારા માટે કૉફી બનાવું છું. તારે પીવી છે ?’
‘હા… મેં સવારે ઊઠીને પણ પીધી નથી…. બનાવ… દૂધ ત્યાં જ પડ્યું હશે….’
એને મદદ કરવા હું રસોડામાં ગયો. પણ એ પહેલાં તો વિભાએ ગૅસ પર દૂધ ગરમ કરવા મૂકી દીધું હતું. અહીંથી કદી પણ ગઈ જ ન હોય તે રીતે એ ઊભી છે. હું ખસી ગયો. કામમાં પરોવાયો. વિભાને મારી બદલીના સમાચાર આપવાનો વિચાર મને આવ્યો હતો, છતાં મેં એવું કર્યું નહોતું. મારી કંપનીનો કોઈ માણસ એને મળ્યો હશે અને વાત કરી હશે. પણ વિભા અહીં આવી તે વાતનું આશ્ચર્ય ઓછું થતું નહોતું.

વિભા ટ્રેમાં કૉફીના બે કપ લાવી.
‘બિસ્કિટ જોઈએ તો હશે ત્યાં….’ મેં કહ્યું.
‘ના… તને જોઈએ તો લાવું….’
‘ના… મને નહીં જોઈએ. સવારની કૉફી સાથે હું ક્યાં કશું ખાઉં જ છું !’
કૉફીના પ્યાલામાંથી ઊઠતી વરાળ વિભાની આંખ સુધી પહોંચી. ‘મને યાદ છે….’
તે પછી કૉફી લઈને જ એ કમરામાં ફરવા લાગી. કબાટ ઉઘાડ્યો. ત્યાં ખાલી હેંગરો લટકતાં હતાં.
‘આખો કબાટ ખાલી કરી નાખ્યો !’
‘અર્ધો-અર્ધો કબાટ….! અર્ધો કબાટ તો બે વર્ષ પહેલાં જ ખાલી થઈ ગયો હતો – તું ગઈ ત્યારે જ !’
વિભાએ ખાલી હેંગરો પર હાથ ફેરવ્યો. હેંગર ડોલવા લાગ્યાં. કબાટમાં બેબીનો ફોટો પડ્યો હતો. એની પહેલી વર્ષગાંઠને દિવસે પડાવેલો ફોટો. વિભા તે ફોટો જોવા લાગી.
‘આ ફોટો સાથે નથી લઈ જવાનો ?’
‘રહી ગયો છે…. લાવ…’
ફોટો લઈને વિભા નજીક આવી. ‘બેબીને સાથે ન લાવી ?’ મેં પૂછ્યું.
‘ના… એ તને સવાલો પૂછત અને તું કદાચ…’

એ ફરી બાલ્કનીમાં ચાલી ગઈ. હું એની પાછળ પાછળ ગયો. બાલ્કનીમાંથી નીચે જરા દૂર સુકાયેલી નદીનો પટ દેખાતો હતો. નદીની રેતીના કાંઠે ઝૂંપડાં બંધાઈ ગયાં હતાં. મેં કેટલીયે વાર મોડી રાતે અહીં ઊભાં રહેતાં અને નદીની રેતી પર છવાયેલા અંધકારને જોતા.
‘આ ઘર બંધ રહેશે ?’ વિભાએ પૂછ્યું.
‘હા…. આમ પણ ફલૅટ વેચી નાખવાનો છું….’ મેં કહ્યું. એ સાંભળીને વિભા ચમકી ઊઠી. એની તીવ્ર પ્રતિક્રિયા મારા સુધી પહોંચી.
‘તું… આ ફલૅટ વેચી નાખવાનો છે ?’
‘તો બીજું શું કરું ? હવે ભવિષ્યમાં આ શહેરમાં પાછા આવવાની ઈચ્છા નથી…. અહીંના બધાં જ વળગણો એક પછી એક છૂટતાં જાય છે….’
એ ક્ષણે જ હું ફલૅટ વેચી નાખતો હોઉં અને મને તેમ કરતો અટકાવતી હોય તેમ વિભા અંદર દોડી ગઈ. હું એની પાછળ ગયો. એ બેડરૂમની વચ્ચે ઊભી હતી. એના બંને હાથ જરા લંબાવેલા હતા. કોઈની સાથે પ્રતિવાદ કરી રહી હોય તેવી એની મુદ્રા હતી.
‘શું થયું, વિભા ?’
એ મારી તરફ ઝડપથી ફરી.
‘આ કમરામાં તેં મને કેટલીયે વાર પ્રેમ કર્યો છે…..’
‘હા…. આ કમરામાં આપણે કેટલીયે વાર ઝઘડ્યાં છીએ… મને તો એ પણ યાદ આવે છે.’
‘એ જ યાદ રહ્યું છે તને ? બેબી આ કમરામાં – આ ફલૅટમાં પહેલી વાર ચાલતાં શીખી હતી તે….તે…’
‘એ બધી વાતોનો કશો જ અર્થ નથી, વિભા… આપણે છૂટાં થઈ ગયાં છીએ તે વાતને બે વર્ષો વીતી ગયાં છે અને… અને હું હવે આ શહેર પણ છોડી રહ્યો છું…. પાછળ વળીને હું કશું પણ જોવા માગતો નથી….’
‘જોવા માટે પાછળ વળવું ન પડે…. કદાચ તું કલકત્તા જેવા શહેરમાં ખૂબ દૂર જવાનો પ્રયત્ન કરે છે… પણ જેનાથી તું છૂટવા માગે છે તે કદાચ તારી સાથે જ રહે… તું-’
‘એ બધી વાતોનો કશો જ અર્થ નથી…. હું બધું ભૂલી ચૂક્યો છું.’
વિભા હસવા લાગી.

‘કેટલા વાગ્યાની ટ્રેન છે ?’
‘ચાર….’
‘હજી કેટલું કામ બાકી છે – જો તો ! ચાલ, હું તને મદદ કરું….’
‘હું કરી લઈશ બધું. તું જા હવે…. ત્યાં બેબી એકલી હશે…’
‘એ પણ હવે એકલી રહી શકે છે… ડોન્ટ વરી ! જમવાનું શું કરવાનો છે ?’
‘ક્યાંક બહાર જઈ આવીશ….’
‘ફ્રીજમાં કંઈ નથી પડ્યું ?’
‘ના…. ફ્રીજ પણ ખાલી કરી નાખ્યું છે….’
‘હું કશુંક બહારથી લઈ આવું….’ વિભા ચાલવા લાગી. મેં તેને અટકાવી નહીં. એ બહાર ગઈ. થોડો સમય હું કશું જ કર્યા વિના ઊભો રહ્યો. પછી વિભા અહીં આવી જ ન હોય તેમ ઝડપથી સામાન ભરવા લાગ્યો. કશું સૂઝતું નહોતું. વિભા આવી અને સમય બરબાદ થયો કે શું ?

અર્ધા કલાક પછી વિભા આવી. એ પરોઠા અને સબજી લાવી હતી. અમે ખાઈ લીધું. પછી હું નહાવા ચાલ્યો ગયો. વિભા બેસી રહી. હું નહાઈને બહાર આવ્યો ત્યારે એ પલંગ પર ઊંધી સૂતી હતી.
‘વિભા, બાથરૂમમાં મને એક વિચાર આવ્યો….’
‘હં….’
‘તું એક કામ ન કરે ? એક નાનકડા કમરામાં રહે છે તે કરતાં આ ફલૅટમાં જ રહેવા આવી જા…’
એ બેઠી થઈ. ‘કેટલું ભાડું લેવું છે ?’
મારા ફેફસામાં ધુમાડો સળવળ્યો.
‘તારે જે ભાડું આપવું હોય તે આપજે….’ મેં હસવાનો પ્રયત્ન કર્યો.
‘થેંક્યુ…. મને ત્યાં કશી જ તકલીફ નથી… આમ પણ વેચવા રાખેલા ફલૅટમાં ભાડવાત રાખવો સારો નહીં… ખાલી ન કરે તો !’
‘તું અને બેબી રહેતાં હોય તો વેચવાનો વિચાર માંડી વાળું…!’
‘પણ તું ક્યાં હવે અહીં પાછો આવવાનો છે ? તું તો આ શહેરને અને – અને આ શહેરની સ્મૃતિઓને ઉખેડી નાખવા માટે તો કલકત્તા જઈ રહ્યો છે ! સામે ચાલીને ટ્રાન્સફર માગી છે ને તેં ?’

મેં કંઈ જવાબ ન આપ્યો. ત્રણ વાગતા હતા. હવે નીકળવું જોઈએ. પોણાચાર વાગે ટ્રેન આવી જાય છે. મેં બારીઓ અને બાલ્કનીનું બારણું બંધ કરવા માંડ્યાં. વિભા સામે ન જોયું. હવે દિવસો સુધી ફલૅટ બંધ રહેશે. પાછો આવીશ ત્યારે હવડ વાસ આવશે.
‘તારે રેલવે સ્ટેશન પર આવવાની જરૂર નથી…..’
‘મારે તો અહીં આવવાની પણ જરૂર નહોતી…’
‘ના વિભા… તું આજે અહીં બે વર્ષોમાં પહેલી વાર પણ આવી તે સારું થયું….’ એ કંઈ બોલી નહીં. મેં એક પછી એક ચારે સૂટકેસ બહાર મૂકી. વિભા પણ બહાર આવી. મેં દરવાજો બંધ કર્યો. તાળું મારી દીધું. રિક્ષા લેવા નીચે ઊતરતો હતો ત્યાં જ ઊભો રહી ગયો. કશુંક રહી જતું હતું ફલૅટમાં. શું રહી જતું હતું તે યાદ ન આવ્યું.
‘શું થયું ?’ વિભાએ પૂછ્યું.
મેં જવાબ ન આપ્યો. તાળું ઉઘાડીને અંદર ગયો. ફલૅટના બંને કમરામાં ફરી આવ્યો. રસોડાનો નળ ટપકતો હતો તેના અવાજ સિવાય આખો ફલૅટ નીરવ હતો. શું શોધી રહ્યો છું હું ? વિદાયની આ ક્ષણે હું શું મૂકીને જાઉં છું આ ખાલી ફલૅટમાં ? મારી થોડી વસ્તુઓ પડી છે છતાં એ વસ્તુઓ સિવાય પણ બીજું કશુંક હું ભૂલી ગયો છું….

‘વિભા….!’ મેં બૂમ પાડી.
વિભા અંદર આવી. હું એની સામે જોઈ રહ્યો. પછી એકીટશે જોઈ રહ્યો. બેબીની વર્ષગાંઠ હોય અને ચારે તરફ ફુગ્ગા બાંધ્યા હોય તેવો આભાસ થયો. મેં ઝડપથી દરવાજો અંદરથી બંધ કર્યો.
‘શું થયું ?’ વિભાએ પૂછ્યું.
‘શું થયું છે તેની તને ખબર નથી, વિભા ? બોલ… શા માટે ? શા માટે આપણે આવું કર્યું ?’ વિભાએ જવાબ ન આપ્યો. એના હોઠ ધ્રૂજવા લાગ્યા. મેં એના બંને હાથ પકડ્યા અને કહ્યું :
‘આ કમરામાં પહેલી વાર મેં તને ચુંબન કર્યું હતું, વિભા….!’ વિભાના ધ્રૂજતા હોઠ પર મેં મારા હોઠ મૂકી દીધા.
‘આ ફલૅટમાં આવતી કાલ જ તું અને બેબી રહેવા આવી જજો…. તું ના ન પાડજે, વિભા…. પ્લીઝ…!’

….પછી ધીરે ધીરે આખા ફલૅટમાં એ બધા જ જૂના અવાજો ઊભરાવા લાગ્યા. હાસ્યના, ઝઘડાના, ફુસફુસાહટભર્યા અવાજો. તે પછી વ્યાપેલી નીરવતાની વચ્ચે ટપકતાં પાણીના બુંદનો અવાજ….

[કુલ પાન : 178. કિંમત રૂ. 115. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ-380001. ફોન : +91 79 25506573. ઈ-મેઈલ : sales@rrsheth.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગાયમાતાને પત્ર – સોનલ ર. પંડ્યા
હવે ? – હિમાંશી શેલત Next »   

20 પ્રતિભાવો : સમીપ – વીનેશ અંતાણી

 1. જગત દવે says:

  કાશ આવું સમજણપુર્વકનું “Happy Ending” બધાં જ જુદા પડેલાં યુગલોનું થતું હોત.

  ખાસ કરી ને બાળક/બાળકો ધરાવતાં યુગલોનું. કા. કે. આ બધાં માં બાળક કારણ વગરનું દંડાઈ જાય છે.

  • trupti says:

   હમણાજ એક વાર્તા નવનિત મા વાંચી. તેમા પતિ પત્નિ કુતરા બિલાડા જેમ ઝગડતા હોય છે. તેની અસર તેમના બાળક પર કેવિ પડે છે તેનુ સરસ વર્ણન લેખકે કર્યુ છે. બાળક નુ ભણવામા મન લાગતુ નથી અકસ્માત કરી હોસ્પીટલ ભેગા થઈ મા-બાપ ન ધ્યાન દોરવા માંગે છે પણ તેનો જીવ નથી ચાલતો. પછી તો ભગવાને થોડી અક્ક્લ આપિ ને ભણવામા મન પોરવ્યુ ને મા-બાપ જુદા થયા. તે આ બધાથી અલિપ્ત રહ્યો અને લાગણી ઓ સુકાય ગઈ. અંત મા તેના મામા અને બાપા ના ભાગિદારે મા-બાપ નુ પેચ-અપ કરાવ્યુ પણ તે તેના મા-બાપ ને માફ ન કરી શક્યો એટલી હદ સુધી કે બાપા એના માટે કોમ્પ્યુટર લાવ્યા હતા અને તેની એને જરુરત હતિ છતા તેના ખોખા ને લાત મારી પોતાની રુમ મા ભરાય જાય છે. અહીં વાર્તા તો પુરી થઈ જાય છે પણ વાચક વર્ગ ને વિચારવા નુ છે કે મા-બાપ ના ઝગડા મા બાળક કેટલે સુધી સફર થાય છે. વાર્તા મા બાળક ના મિત્ર ની બહેન ના લગ્ન જીવનને પણ ખોરંભે ચઢેલુ બતાવવા મા આવ્યુ છે અને તેનુ મન વધુ વ્યગ્ર થઈ જાય છે. મા-બાપ ના છુટા થયા પછી તે તેના એ જીગરી દોસ્તને પણ અવોઈડ કરે છે કારણ તે પુરી દુનિયા ને નફરત કરવા માંડ્યો હોય છે.

   • જગત દવે says:

    તૃપ્તિબેનઃ

    ૯ લીટીમાં તમે બીજી વાર્તા જે ક્ષમતાથી સમેટી લીધી તે જોતાં તમે લધુ-કથાઓ તો લખી જ શકો. આપને એ ક્ષમતા મળેલી છે અને આપની ટિપ્પ્ણીઓમાં હંમેશા કોઈ ‘કથા-વસ્તુ’ રહેલી હોય છે તો વાંચકો ને તેનો લાભ આપવા જેવો છે. 🙂

    આજે વડોદરામાં લઘુ-ફિલ્મ ઊત્સવ હતો તે સંદર્ભમાં વાંચ્યુ કે ફિલ્મ ને હંમેશા ૩ કલાકની જ બનાવવી જરુરી નથી. તેવું જ વાર્તાઓનું છે.

 2. Mahendrasinh says:

  કાશ બધા જ વિખરાતા સબધો મા આવુ થતુ હોત ખુબ સરસ વાર્તા

 3. tilumati says:

  ખુબ સરસ વાર્તા છે.

 4. Hetal says:

  ખુબ જ સરસ વાર્તા. આન્ખો મા પાણી આવી ગયુ…

 5. dhiraj says:

  શ્રી ચંદ્રકાંત બક્ષી ની યાદ આવી ગઈ.
  વાર્તા ના મૂળ પ્રવાહ ને મદદ કરતા અને કૈક વાચકોની સંવેદના ઉપર છોડતા કેટલાક માસ્ટર પીસ
  ૧. બારી બહારના રસ્તા પર જીવન એ જ રફતારમાં ધબકતું હતું.
  ૨. રુઝાયેલા ઘા પર સુકાતી ચામડીની જેમ એ વેદના પણ ખરી પડી
  ૩. ન બુઝાયેલી સિગારેટના ટુકડામાંથી ધુમાડો ઊડતો રહ્યો.
  ૪. એણે પણ જાણે જવાબ મેળવવા પ્રશ્ન પૂછ્યો નહોતો.
  ૫. . હું પાણી પી ગયો ત્યારે જ મને ખબર પડી કે મને પણ તરસ લાગી હતી.
  ૬. તે પછી વ્યાપેલી નીરવતાની વચ્ચે ટપકતાં પાણીના બુંદનો અવાજ

  બિજા પણ ઘણા બધા

 6. heeral says:

  બહુજ સુન્દેર

 7. Nilesh says:

  કૉફીના પ્યાલામાંથી ઊઠતી વરાળ વિભાની આંખ સુધી પહોંચી.
  વાહ!

 8. fine વર્તા મા ન કહેવાએલુ ગનુ સમજવાનુ

 9. khushali says:

  really touchy story….!

 10. Good story. Very good understanding on depart.
  Could have been applied to their married life.
  In some cases, friendly divorce are more painfull than bitter one !
  I,am witnessed of my best friends such friendly divorce.

 11. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ જ સરસ.

 12. PINAKIN PATEL saudi arabia says:

  VERY GOOD…I ENJOY THIS STORY…THE FLOW WAS EXCELLENT.

 13. Hetal says:

  This story’s ending is good but why they were separated is not mentioned. 2 years is a long time for not keeping any kind of contact. Vibha’s behavior shows that the reason for marriage may not be a bigger issue and so it did not leave grudges in their minds. So, it could be a friendly divorce like Karshan Bhakta has mentioned in their comment.
  Sometimes I look at friendly divorces with amazement. There are marriages that go on for life on hope that some day their partner will change their mind, behavior, end extra marital relationships,
  will give up the bad habit, will not ask for dowry, will not bit or torture and such. On the other hand there are couples- who feel they need to separate because they feel that their wavelengths match after some time in married life- wow!! What an explanation to end the divorce and without thinking about their own kids- fruit of their relationship when they think their wavelength was matching..LOL
  As a woman, of course I don’t like divorces but at the same time I do not agree to carry on in a marriage where girl is bitten, tortured, asked for money ( any kind) and husbands openly live with extra marital affairs- in those situations woman should speak up and get divorced- either way when her kids grow up- they are not going to get any good “sanskar” from living in such families- the best option is to get separted and raise the kid with pride. It is really hard thing to do but if woman gives carriage to the other then it can help tremendously.

 14. maheshkant vasavada says:

  સ્દાય યાદ રહ ે તેવિ વારતા મહેશકાન્ત વસાવડા

 15. Nilesh Shah says:

  Very good story.VInesh Aantani is my one of the most favorite author.

 16. Sandhya Bhatt says:

  એકેઍક ક્ષણ જીવતી અનુભવાય છે,આ વાર્તામાં. તેમની ખૂબીને કારણે તેઓ મારા પ્રિય વાર્તાકારોમાના એક છે.

 17. Vaishali Maheshwari says:

  I could feel each and every moment, as if I was present there watching all this happen.
  Wonderfully described story!
  Thank you Mr. Vinesh.
  Very good effort.

 18. Ashish Dave, Sunnyvale, California says:

  Very well written story… I always like the happy ending. The worst sufferers are the children when they see their parent’s relationship not going any where…

  Ashish Dave

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.