માનવતાના મશાલચી – સંકલિત

[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.]

[1] ના પુણ્ય પરવાર્યું નથી – શૈલી પરીખ

થોડા સમય પહેલાંની વાત છે. હું પત્રકારત્વનો અભ્યાસ કરું છું તે સંદર્ભમાં મારે જુદા-જુદા વિસ્તારોની સંસ્થાની મુલાકાત લેવાની હોય છે. તે દિવસે મારે મોટેરા સ્ટેડિયમ પાસે એક સંસ્થાની મુલાકાતે જવાનું હતું. રવિવારનો દિવસ અને મને ક્યારેય બસમાં બેસવાની આદત નહીં, માંડ-માંડ સવારે નવ વાગ્યે સાબરમતી ટોલનાકા સુધી બસમાં અને ત્યારબાદ રિક્ષામાં સંસ્થાએ પહોંચી. ત્યાં વાતચીત કરતાં કરતાં બપોરના બે વાગી ગયા. સખત ગરમી ને બળબળતો તડકો. મારે પાછા જવા માટે રિક્ષા શોધવી પડે તેમ હતું. ત્યાં સંસ્થાના મકાનથી થોડે આગળ માત્ર એક જ રિક્ષા ઊભી હતી. ડાબી બાજુથી વૃદ્ધ દંપતીએ રિક્ષાવાળા ભાઈને બૂમ પાડી, મેં જમણી તરફથી રિક્ષાવાળા ભાઈને રોક્યા. રિક્ષાવાળા ભાઈએ મને કહ્યું : ‘પહેલાં વૃદ્ધ દંપતીએ મને રોક્યો છે તેથી તે પરવાનગી આપે તો હું તમને રિક્ષામાં બેસાડું.’ મેં વૃદ્ધ કાકા સામે જોયું. વૃદ્ધ કાકાએ રિક્ષાવાળા ભાઈને કહ્યું : ‘ભાઈ, બળબળતા તાપમાં આ છોકરી બીજી રિક્ષાની રાહ જોશે તો માંદી પડશે. અમારે શાહીબાગ જવું છે. તું તેને અમારી સાથે લઈ લે અને તેને જે નજીક પડે ત્યાં ઉતારી દેજે.’

સુભાષ બ્રીજ સુધી રિક્ષાવાળા ભાઈ મને મૂકવા તૈયાર થયા. ત્યાં પહોંચી મેં તે વૃદ્ધ દંપતીનો આભાર માન્યો અને રિક્ષાવાળા ભાઈને આપવા વીસ રૂપિયા કાઢ્યા. તો તેમાંથી કંઈ જ લેવાની ના કહી રિક્ષાવાળા ભાઈએ કહ્યું : ‘મારાથી ન લેવાય.’ વળી વૃદ્ધ દાદાએ મને કહ્યું : ‘આજે તને મારે કારણે ફાયદો થયો હોય, તો આવતીકાલે તને કોઈ આવા વૃદ્ધ મળે તેને તું મદદ કરજે.’ તે જોઈ મને ખરેખર અનુભૂતિ થઈ કે ના પુણ્ય હજુ પરવાર્યું નથી.

[2] હીરજી  – કુંદન દવે

1935ની સાલમાં 4 વર્ષની ઉંમરે મેં પોરબંદરમાં પગ મૂક્યો અને 1950માં લગ્ન થતાં એ ગામ છોડ્યું, હંમેશ માટે નહીં, ક્યારેક ક્યારેક જ જવાનું થતું એ પણ પ્રસૂતિ કે કોઈ પ્રસંગોપાત જ. અમારું ઘર સ્ટેશન રોડ અને ભોજેશ્વર પ્લોટના ખૂણા પર. જમણે હાથે લાંબે પટ્ટે સ્ટેશન રોડ ને ડાબે હાથે ભોજેશ્વર પ્લોટનો રસ્તો. સ્ટેશન રોડ સુદામા ચૉકે પૂરો થાય ને ભોજેશ્વર પ્લૉટનો રસ્તો ઠેઠ ખાડીએ !! આ આખું ગામ પાઘડી બને. બે બાજુ વિશાળ ખાડી અને મથાળે અરબી સમુદ્ર ઘૂઘવાટા કરે. જેનાં ચોપાટી ને ચોબારી બે જ ફરવાનાં માત્ર સ્થળો ! બાકી હવેલીઓ ક્યાંય નહીં હોય એટલી આ ગામમાં, મંદિરોનું તો પૂછવું જ શું ?

અમારા ઘરથી ચોથો બંગલો હેમી માસીનો. તેમના બે આઉટહાઉસ. જેમાં એકમાં ભોજો માળી રહે ને બીજામાં ડાહીમા. વિધવા, બે દીકરા. મોટો દયાળ ને નાનો હીરજી. ડાહીમા હેમી માસીનું બધું ઘરકામ કરે ને દળણાં તેનાં જ દળે, પણ અમારે ઘરોબો સારો એટલે એક અમારું દળણું દળી આપે. તે જમાનામાં દળવાની ચક્કીઓ નહોતી. હેમી માસીની જશુ મારા બાના વર્ગમાં ભણે, એથી ડાહીમા અમને નજીકમાં મળી ગયાં, બાકી તો દૂર-દૂર ઘરઘરાઉ ઘંટીએ જવું પડે. દયાળ ડાહ્યો, સમજણો તે નાનપણથી મજૂરીએ જાય. બે પૈસા કમાઈને માને આપે. હીરજી નાનો, કંઈક લાડકો હશે તે માનું કોઈ કામ ન કરે કે ભણવામાં ય દિ નો વાળે. નાપાસ થયા કરે. હા, કસરત કરતો હોય. આઠમના મેળામાં ઊંચો કૂદકો તો હીરજીનો જ. પોરબંદરના રાણા સાહેબને હાથે દર વર્ષે ઈનામો મેળવે, બાકી હરિહરિ. મારાં બા તરફથી અમને બંને બહેનોને ખાસ સૂચના કે ડાહીમાને ત્યાં દળણું લેવા-મૂકવા બપોરે ના જવું. સવારે કે સાંજે જવું જ્યારે હીરજી ઘરમાં ન હોય. આ સૂચનાને કારણે મારું બાળમાનસ હીરજીના નામમાત્રથી ભડકતું, તે હું મેટ્રિકમાં આવી ત્યાં સુધી ભડકેલું રહ્યું ! મારાં કડવાં-મીઠાં સંભારણામાં આ હીરજી પલાંઠી વાળીને બેઠો છે. આજે એ ક્યાં હશે, શું કરતો હશે – ભગવાન જાણે ! પરંતુ પોરબંદર છોડવા ટાણે તેને જોવા-મળવા કે વાત કરવાનો મોકો ના મળ્યો તેનો રંજ આજે પણ છે. કેમ ? માંડીને વાત કરું.

હું મેટ્રિકમાં હતી (1947) ત્યારે મારા કાકા (પપ્પા)નું અવસાન થયું. માત્ર 45 વર્ષની ઉંમરે ! ધ્રાંગધ્રાંથી ઘણાં સગાંઓ કાકા-કાકી આવેલાં. તેરમાની વિધિ-સરવણિ થઈ. બધાં પિંડ ને પૂજાપો દૂર ખાડીમાં કાકા સાથે હું પધરાવવા ગઈ ને નિશાળે જવાનું મોડું થયું. ઘરમાં આવું વાતાવરણ ને પરીક્ષા આવતી હોવાથી નિશાળે જવું જરૂરી હતું. હું બરાબર બારના ટકોરે જવા નીકળી. ફુવારો વટાવ્યા પછી ભાવસિંહજી હાઈસ્કૂલનો રસ્તો આવે. દરિયા સુધી કોઈ ચકલુંય ના દેખાય.

જરા આગળ જઈ જ્યાં મેં પાછળ જોયું તો હીરજી દેખાણો. બાપ રે, તેની બીક તો નાનપણથી લાગતી હતી. આગળ ડગલું ભરવાની હામ ના રહી. પગ ઊપડે નહીં. માગશર મહિનો હતો ને હું પરસેવે રેબઝેબ ! ધીમા ડગલે ચાલતી રહી, ત્યાં જમણે હાથે કલબના ઝાંપેથી એક યુવાન સાયકલ લઈને નીકળ્યો. થોડો આગળ ગયો ને ઊભો રહી ગયો. ચાળા કરવા લાગ્યો, કહે : ‘ચાલ સાયકલ પર બેસાડી દઉં, ફરવા લઈ જાઉં.’ ત્યાં તો ચિત્તાની ઝડપે હીરજી કૂદ્યો. પેલાની સાયકલ ઝૂંટવી, પછાડી કલબના ઝાંપે ઊભો રાખ્યો. મારા તરફ ફરીને કહે, ‘ચાલ બેન તું લલિતા બેનની દીકરી છો, મારી નાની બેન છો, હું તને હાઈસ્કૂલ મૂકી જાઉં.’ પેલા તરફ મોં કરી કહ્યું : ‘ગામની બેન-દીકરી તારે શું થાય ? હમણાં અહીં ઊભો રહે, આ મારી બેનને મૂકી આવું પછી તને સાયકલ ને મેથીપાક બેય આપું છું.’ કહી સાયકલ તેણે પોતાના હાથે ચલાવવા માંડી. હું શાળાના મેદાનમાં દાખલ થઈ કે હીરજી પાછો વળી ગયો. હાશ, લેડીઝરૂમમાં જઈ હું ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. હીરજીની સામે જોઈ આભારના બે શબ્દો બોલી ના શકી. એની તો તાકાત જ ક્યાં હતી ? આજે એ દશ્ય, એ માનવતા, એ ઊંચી સંસ્કારિતા મને અકળાવે છે. તેથી જ હીરજી સંભારણામાં એવો ને એવો બેઠો છે !!

[3] તમને ફાળ પડે છે ? – રેવતુભા રાયજાદા

અમારી શાળામાં જાણીતા લેખક શ્રી ધ્રુવ ભટ્ટ પધારેલા. બાળકો સાથે થયેલ ગોષ્ઠિમાં તેઓએ કહેલ એક પ્રસંગ આપણી આંખો ખોલી નાખનારો છે. ધ્રુવભાઈ અને તેઓના કેટલાક મિત્રો રોજ બર્ડ વૉચિંગ (પક્ષીદર્શન) માટે જતા. તેઓની પાસે પક્ષી અંગેનાં પુસ્તકો, નોંધપોથી, કૅમેરા અને બાઈનોક્યૂલર વગેરે હોય. તેઓ જ્યાંથી જતા તે રસ્તામાં એક વાડીએ એક વૃદ્ધ અભણ ખેડૂત રોજ આ લોકોને ઠઠરા સાથે આવતા કે જતા જુએ.

એક દિવસ આ ખેડૂતે ધ્રુવભાઈ અને તેના મિત્રોને બોલાવ્યા અને પૂછ્યું :
‘તમે બધાય રોજ આમ સીમમાં ક્યાં જાવ છો ?’
એક જણે ઉત્તર આપ્યો : ‘અમે બધા પક્ષી જોવા જઈએ છીએ.’
‘તી પક્ષી જોઈને શું કરો ?’
‘અમારી નોંધપોથીમાં લખીએ. ઓળખીએ.’
‘એમ ? તો તો તમે પંખીમાં ઘણું સમજતા હશો, ખરું ને ?’
‘હા.’
‘હું એક સવાલ પૂછું ?’
‘પૂછો.’
‘મને કો’ જોઈ કે પરોઢિયે સીમમાં પ્રથમ કયું પક્ષી બોલે ?’
પક્ષીદર્શકો અવાક !!!
‘નથી ખબર ને ? બીજું કયું બોલે ? ત્રીજું કયું બોલે ? ખબર છે ?’
‘ના, નથી ખબર.’
‘તો હું કહું.’
‘હા, કહો ને.’
‘પ્રથમ બોલે રણહોલો, બીજું બોલે….’

ધ્રુવભાઈ અને મિત્રો નોંધવા લાગ્યા. વૃદ્ધ ખેડૂતે લખવાનું રોકતાં કહ્યું, ‘આ વાત લખવાની નથી. સમજવાની છે, આથી એક પક્ષી સવારે ન બોલે તો તમને ફાળ પડે છે ?’
પક્ષીદર્શકો શું બોલે ?
ભાભો કહે : ‘જો ફાળ ન પડતી હોય તો આ ભૂંગળાં ગળામાં લટકાવવામાં કે લખવામાં કોઈ માલ નથી.’
ધ્રુવભાઈ અને મિત્રો સ્તબ્ધ. એક અભણ માણસની વાત ધ્રુજાવી ગઈ. વિચારતા કરી ગઈ કે કઈ યુનિવર્સિટી આ શીખવે ? આજે શોધો, સંશોધનો થાય છે, પક્ષીદર્શકોનાં ચેકલિસ્ટ મોટા થતાં જાય છે પણ…. આ ફાળ નથી પડતી તેથી લુપ્ત થનારાનું લિસ્ટ પણ મોટું થતું જાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હવે ? – હિમાંશી શેલત
અદ્દ્ભુત ધીરજ, અસીમ ખંત – ડૉ. મોહનભાઈ પંચાલ Next »   

21 પ્રતિભાવો : માનવતાના મશાલચી – સંકલિત

 1. જગત દવે says:

  (૧) સૌજન્ય ચેપી હોય છે…..પહેલ તો કરી જુઓ……જીવન ‘જીવ્ય’ લાગશે…..મને ખરાબ કરતાં સારા માણસો વધુ મળ્યા છે.

  (૨) બહેન -દિકરીઓ માટે દરેક ગામમાં હિરજી જેવાં “વિરજી” હોવા જ જોઈએ.

  (૩) હા મને ફાળ પડે છે…….તા. ૩ એપ્રિલ નાં “ચકલી દુર્લભ કેમ બની” નાં મારા પ્રતિભાવમાં મે લખ્યું છે…….”વડોદરા જાઊં તો જાણે દર વર્ષે પક્ષીઓ નું પ્રમાણમાં ભયજનક રીતે ઘટતુ જતું હોય તેમ લાગે છે……ને મારા હદયમાં ફાળ પડે છે.”

 2. તમને ફાળ પડે છે ? – રેવતુભા રાયજાદા

  પ્રકૃતિ સાથે આટલું બધું તાદાત્મ્ય! એક પક્ષી ન બોલે તો દિલમાં ફાળ પડે? કે આજે એને શું થયું હશે? એ બિમાર હશે? અહિંથી જતું રહ્યું હશે? એનો વિયોગ તો મારા નસીબમાં નથી ને?

  ભાગ્યશાળીને આવું જીવન જીવવા મળે છે.

 3. Mahendrasinh says:

  બહેન -દિકરીઓ માટે દરેક ગામમાં હિરજી જેવાં “વિરજી” હોવા જ જોઈએ ભાગ્યશાળીને આવું જોવા મળે છે

 4. Kamlesh pandya says:

  Beautiful Description…

 5. hiral says:

  નાની નાની પણ સરસ વાતો.
  ૧. પહેલી વાત જેવા અનુભવો અમદાવાદમાં મને પણ ઘણી વાર થયા છે.અમદાવાદના રિક્ષાવાળાઓનું તો બહુમાન કરવું જોઇએ એવો મારો મત છે. ખાસ કરીને જ્યારે મેં પુના અને બૅંગલોરના રિક્ષા અનુભવો કર્યા છે એ પછી જ્યારે પણ અમદાવાદ જવાનું થાય તો દિલથી બધા રિક્ષાવાળા માટે દુઆ નીકળે જ નીકળે. ભાગ્યે જ કોઇ રિક્ષાવાળો મીટર વગર ઉપરથી પૈસા લે. એક રિક્ષાવાળાએ તો ૧૯ રુ. ભાડુ થતું હતું તો મારી આપેલી ૨૦ રુ ની નોટમાંથી ૧ રુ પાછો આપ્યો. મને તો માન્યામાં જ નહોતું આવતું કે કોઇ આજના જમાનામાં ૧ રુપિયો પાછો આપે. બીજો એક રિક્ષાવાળો ૭ રુ મીટરનું ભાડુ હતું ત્યારે ૭ રુપિયામાં જ આવેલો. મને એમ કે છુટ્ટા નથી કહીને ૩ રુ પાછા નહિં આપે.

  એથી ઉલટું,
  એકવાર મને બૅંગલોરમાં તાવ હતો, હું ઓફીસની બહાર રિક્ષા માટે ઉભી હતી. ૧૨ રુ. નું ડિસ્ટન્સ હતું. પણ ત્યાં સહેજે મીનીમમ ડિસ્ટ્ંસ માટે પણ ૩૦ કે ૪૦ રુ. વગર કોઇ ક્યારેય આવે જ નહિ. મારી ઇચ્છા નહોતી કે હું વગર મફતના ૪૦ રુ આપું. આવું મેં ખાલી એક જ વાર મારી ફ્લાઇટ ના છુટી જાય એટલા માટે કરેલું. પણ પુરી ૧૫ રિક્ષાવાળાઓને પુછ્યું તાવલા શરીરે , એ લોકોને પણ સાફ દેખાતું હતું કે હું તાવથી ધ્રુજુ છું, છતાં કોઇ ૪૦ રુ થી ઓછામાં આવવા તૈયાર નહિ. છેવટે હું ઓફીસમાં પાછી જતી રહી અને ઓફીસની કેબમાં ઘેર ગઇ.


  એકવાર હું આવી જ રીતે(અહિં બતાવ્યું છે એવા જ કોઇ સંજોગોમાં) શેરિંગમાં રિક્ષામાં બેઠી. . મારી પહેલા જે ભાઇ ઉતર્યા એમણે ૫૦રુ આપ્યા, તો છુટ્ટા નહિં હૈ સાબ કરીને એણે રિક્ષા મારી મુકી. (હકીકતે એમને ૨૫ અને મારે ૩૫ રુપિયા આપવાનું થતું હતું. પેલા ભાઇ મને કહે તમે ૨૦ રુ થી વધારે ના આપશો. મારી પાસે પણ છુટ્ટા નહોતા અને એ ભાઇ ઘણી ઉતાવળમાં હતા)

  બે સ્ટોપ પછી હું ઉતરી તો રિક્ષાવાળાએ ૭૦ રુ. માંગ્યા. મેં પુછ્યું પેલા ભઐએ અડધા રુ તો આપ્યા છે તો મને કહે મુરખ હૈ ક્યા? મીટર ફેરવી ને કહે, પૈસા નીકાલ નહિં તો પુલીસ સ્ટેશન ચલ અને ગાળ પણ બોલ્યો. મેં ૧૦૦ રુ ની નોટ આપી તો પૈસા પાછા આપ્યા વગર જ છુટા નહિં હૈ કહી ને રાતના ૯ વાગ્યે રિક્ષા મારી મુકી. અને હું જોતી જ રહી ગઇ.

  એકવાર મારી ફ્રેન્ડને એના જન્મદિવસે મંદિર થઇને ઓફિસ જવું હતું. એણે એ પ્રમાણે ઘેરથી રિક્ષા કરી. મંદિર જવાનો રસ્તો થોડો વગડા જેવો હતો. રિક્ષાવાળાએ ત્યાં રિક્ષા ઉભી રાખી, કોઇ ચરકલું પણ નહોતું. દૂર રોડ પર ગાડીઓ સડસડાટ જતી હતી. રિક્ષાવાળાએ જબરજસ્તી એનું આખું પાકીટ ખાલી કરાવ્યું અને નાસી છુટ્યો. સવરના ૧૦ વાગ્યે પણ આવું બની શકે છે એ વિચારે એ એક અઠવાડીયા સુધી અવાક થઇ ગયેલી.

  આવી તો બીજી પણ ઘણી કડવી યાદો છે પૂના-બૅંગલોરના રિક્ષાવાળાઓની. એટલે જ મને થાય કે ગુજરાતના પ્રામાણિક રિક્ષાવાળાઓનું બહુમાન કરવું જ જોઇએ.
  અને થાય એટલી પ્રસિધ્ધિ આવા સારા માણસોને મળવી જોઇએ.

  • Dipti Trivedi says:

   આ ઘટનાઓ અહી આપવા બદલ અને વહેંચવા બદલ ઘણો આભાર. ગુજરાત ની સારપનુ એક નવુ પાસુ.

 6. hiral says:

  બાકી જગતભાઇએ કહ્યું તેમ સૌજન્ય ચેપી હોય જ છે. મને પણ સારા માણસો વધારે મળે છે એટલે કોઇ કડવી યાદને ગળી જવું સહેલું બને છે.

  • Kalakar says:

   સાચી વાત છે. જ્યારે પણ સારા માણસોનો સાથ મળે છે ત્યારે બીજાના કડવા અનુભવો ભુલી જઈએ છે. એ જ જીવનમાં સચ્ચાઈને ઈમાનદારીને વળગી રહેવાનુ બળ આપે છે.

 7. trupti says:

  મુંબઈ મા રીક્ષા વાળા ના સારા નરસા અનુભવો થતાજ રહે છે.
  હાલ મા જે રીતે તેમને ભાડા વધાર્યા તે પછિ જયાં ચાલી ને જઈ શકાતુ હોય ત્યાં ચાલી ને જવાનો અભિગમ ઘણાએ અપનાવી લીધો છે. જોકે મે આ અભિગમ વરસોથી અપનાવેલો છે પણ ઘણીવાર ન છુટકાની રીક્ષા કરવી પડે છે. સવારે ઓફિસની બસ પકડવા બસ સ્ટોપ સુધી ની રિક્ષા કરવી પડે છે. અંતર છે ૨૦ મિનિટ નુ વોક. સવારે એટલો વખત નથી હોતો માટે જવુ પડે. વર જો મુંબઈ મા હોય ને વખત હોય તો ગાડી માં મુકી જાય. સાંજે ચાલી ને જાઉ એ બહાને કસરત પણ થાય ને બે પૈસા પણ બચે અને તાજી હવા પણ મળે.
  મારા ઘરની સામે લક્ષ્મી-નારાયણ નુ મંદિર આવેલુ છે. પ્રુષ્ટી માર્ગીય હવેલી પાર્લા મા ન હોવા ને કારણે ઘણા ખરા વૈષ્ણવો આજ મંદિર મા આવે. એક માજી જે મારાજ દરોજ ના રસ્તા પર કશેક રહે. દરોજ તેમને જોઉ મંદિરે થી દર્શન કરી શાક-ફળ વિ. ઘરની જરુરિયાત ની વસ્તુઓ ખરીદી ડગુમગુ ચાલતા ચાલતા જાય. એક દિવસ રસ્તામા જ્યાંથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યાં રિક્ષા થોડી ધિરી પડી ગઈ મને માજી ની દયા આવી અને તેમને લિફ્ટ ની ઓફર કરી. માજી તો બેસી ગયા અને મને અમુક ઠેકાણે ઉતારવાનુ કહ્યુ. મે રીક્ષા વાળા ને પ્રમાણે ની ઈન્સટ્ક્શન આપી. તેમનૂ ઠેકાણૂ નજીક આવ્યુ એટલે રીક્ષાવાળા એ રિક્ષા ધીરી કરી તો તરત માજી બોલ્યા ભાઈ જરા આબાજુ લઈ લે ને, (જેમારા રસ્તા મા નહોતુ આવતુ) રિક્ષા વાળા એ દયા ખાઈ જરાક તે બાજુ થી લીધી તો વળિ પાછો તેને રોક્યો અને છેવટે પોતાના બીજા કોઈ કામસર તેમને જયાં જવુ હતુ ત્યાં ઉતર્યા. તેમેને લીધે થઈ ને મને મોડુ થઈ ગયુ અને જરાક માટે મારી કંપની બસ ચુકાય જતા રહી ગઈ. ત્યાર થી મે તે માજી ને રિક્ષા મા બેસાડવા ના બંધ ક્રર્યા. કોઈ હાથ આપે તો પહોંચો ન પકડો.

  આથી ઊલટુ હમણા જ ગયા અઠવાડીયે મારા પગમા ઈજા હોવાને લીધે સાંજે પણ રિક્ષા મા જવાનુ રાખ્યુ છે. સાંજના સમયે રિક્ષા મળવી મુશ્કીલ હોય છે. મને નસિબ જોગે મળી અને મારી સહકર્મચારી ને અડધે સુધી ઉતારી મારે ટર્ન લેવાનો હતો ત્યાં એક માજી રિક્ષા માટે ઉભા હતા તેમને થયુ રિક્ષા ખાલી થાય છે માટે તેઓ મારી રિક્ષા આગળ ઉભા રહ્યા. મે તેમને ક્યા જવુ છે તે પુછ્યુ અને નસિબ જોગે તેમેને મારા ઘર આગળ જવુ હતુ માટે તેમને મારી જોડે બેસાડ્યા. જેવુ તેમનુ ઠેકાણુ આવ્યુ તેવુ તરત તેમેને મને રૂ.૧૧/- આપવા માડ્યા (મિનીમમ ફેર રૂ.૧૧/- છે અને તેમના ઠેકાણા સુધી એટલા જ થાય) મે લીધા નહીં પણ તેમનો જેસ્ટર ટચ કરી ગયો. આવ તો ઘણા કિસ્સાઓ છે લખવા બેસીએ તો આખી કથા લખાય જાય.

  બીજા કિસ્સા જેવુ ઘણિવાર બનતુ હોય છે. ઘણિવાર મા-બાપ ઓવર રિએક્ટ કરી ને છોકરી ઓને ગભરાવી દેતા હોય છે કારણ જે પ્રમાણેનુ તે પાત્રનુ બિહેવિયર હોય છે તે જોતા માઓ ઘણિવાર પાણી પહેલા પાળ બાંધી દેતા હોય છે.આ પ્રમાણે નુ છોકરાઓ વિરિદ્ધ ઉકસાવવાનનુ કામ ગર્લસ કોનવેંટ સ્કુલો મા વરસો પહેલા થતુ. તેમને શિખડાવવા મા આવતુ કે કોઈ પણ છોકરા જોડે વાત ન કરવિ તેને પરિણામે જ્યારે ગર્લસ કોનવેટ મા ભણેલી છોકરીઓ કો એડ્યુકેસન કોલેજમા દાખલ થતી ત્યારે તેમેને છોકરાઓ નુ આકર્ષણ સૌથી વધુ જોવા મળે. અહીંની કથાનો ભાવાર્થ ભેલે જુદો હોય પણ સિક્કાની બે બાજુ હોય છે અને મને લાગે છે ત્યાં સુધી મે બિજી બાજુ જોવાનો પ્રયત્ન કર્યો છે.

  • hiral says:

   તૃપ્તિબેન તમે મુંબઇ રહો છો તો તમને આ રિક્ષાવાળા વિશે જાણવું ગમશે. દરેક ક્ષેત્રોમાં દરેક માણસ આવા સારા માણસ બને તો કેવું સારું?

   http://hirals.wordpress.com/2010/04/22/examplary-life/

   મૃગેશભાઇ, મેં લિંક આપી છે પણ એ કોઇ ખરેખર સારા માણસના ઉમદા કાર્ય વિશે જણાવવાના અભિગમથી આપી છે. રીડગુજરાતીનો નિયમ ભંગ થયો હોય તો માફી આપશો. પણ ખરેખર વખાણવા લાયક વાત લાગી રિક્ષાવાળા સંબંધી એટલે હું મારી જાતને રોકી ના શકી. અગ્યોગ્ય લાગે તો કમેન્ટ ડીલીટ કરી દેશો.

   • trupti says:

    Hiralben,

    Thanks for sharing the wonderful link. Yes, there are all kinds of people, good, bad and mixture of both. In the beginning of my comments, only I have specified that મુંબઈ મા રીક્ષા વાળા ના સારા નરસા અનુભવો થતાજ રહે છે.
    I have also come across many good experiences of them but majority of them are not pleasant. They ride the richaw to the destination they would like to go and not where the passengers want to travel. Many of them have manipulated the meter with the result we end up in fighting with them if we are regular traveler to the destination and know what the actual meter should come to or else shell out the extra money. If you are new to the city, they will take thru round the city ride before dropping you at your final destination.
    The way not all five fingers are alike not all humans are equal.

 8. Dipti Trivedi says:

  ઝાઝી વાતે ગાડાં ભરાય , પણ અહી લખેલી વાત મુજબ નાનકડી ઘટના જીવનમાં મોટો પાઠ શીખવાડી જાય .
  ૧. સામાને સગવડ આપવામાં આપણને અગવડ ના હોય તો અને ક્યારેક થોડી અગવડ વેઠીનેય સહકાર આપનારા એવા લોકો અનુસરણને પાત્ર . વ્ળી , રીક્ષામાં શટલ સિસ્ટમ લાવનારનો પણ આભાર માનવો રહ્યો.
  ૨. કહેવત છે કે– don”t judge a book by it”s cover. ( કોઈ આવા સમાન અર્થવાળી ગુજરાતી કહેવત જાણતા હોય તો લખશો?)બેફિકર અને બદમાશ વચ્ચે ફેર હોય .
  ૩. ભાભો કહે : ‘જો ફાળ ન પડતી હોય તો આ ભૂંગળાં ગળામાં લટકાવવામાં કે લખવામાં કોઈ માલ નથી—–સચોટ વાત . દરેક સુધારણા માટે સમારંભ અને મિટિંગમાં ( દા. ત. ગ્લોબલ વૉર્મિંગ ) જેટલા ખર્ચ થતા હોય છે એટલા એ સુધારણા કરવા પાછળ થતા નથી.

 9. ૩ જુદી જુદી વાત મન ઉપર જુદી જુદી ભાત પાડી ગઈ. પ્રભુકૃપાથી એવા વાતાવરણમાં રહેવા મળ્યું છે કે જ્યાં સવારના કોયલના ટહુકા જગાડે છે. હમણાં રાણાવાવ શિબિરમાં ગયો હતો તો એટલા બધા પક્ષીઓના કલરવ સાંભળવા મળ્યા કે મન પ્રસન્નતાથી ભરાઈ ગયું. ખરેખર પ્રકૃતિને માણવી અને પ્રકૃતિનું વર્ણન કરવું તેમાં જમીન-આસમાન જેટલો ફેર છે.

 10. જય પટેલ says:

  પ્રેરણાત્મ્કહા

 11. જય પટેલ says:

  આજની ત્રણેય કણિકાઓ પ્રેરણાત્મક.

  ગુજરાતમાં મોટેભાગે રીક્ષાવાળા પ્રામાણિક હોય છે.
  ગુજરાતની વિચારધારાથી રીક્ષાવાળા અળગા શી રીતે હોઈ શકે ?
  ઘણા સમય પહેલાં શ્રી ગિરીશ ગણાત્રાની લઘુવાર્તા રીક્ષાવાળો અત્રે રજૂ થઈ હતી
  જેને સારો પ્રતિભાવ મળ્યો હતો.

  શ્રી ધૃવ ભટ્ટનો પક્ષીપ્રેમ આજે જાણ્યો.
  કરમસદમાં વર્ષો પહેલાં તેઓ નચિકેતા ફાઉંડેશન…નોન-પ્રોફિટ સંસ્થા બાળકોના વિકાસ અર્થે કાર્યરત હતા.

  વડિલની બોલીમાં ગ્રામ્ય બોલીનો નિખાલસ રણકો સંભળાય છે.
  એક પક્ષી સવારે ના બોલે તો ફાળ પડે છે ?
  કુદરત સાથે અનહદ તાદામ્ય હોય તો જ આટલી ઉંચાઈ પહોંચી શકાય.

 12. dhiraj says:

  ત્રીજો પ્રસગ હૃદય સ્પર્શી
  ફક્ત પક્ષીદર્શન સુધી વાત સીમિત નથી આપનું દરેક નું એજ્યુકેશન શું આવી રિતે થિએરેટીકલ નથી થઈ ગયુ ને તે પણ વિચારવાનુ છે

  ૧. ઈલેક્ટ્રિકલ ઈજનેર હોય ને ફ્યુઝ બાંધતા ના આવડતુ હોય
  ૨. પર્યાવરણ શાસ્ત્રિ હોય ને જ્યાં ને ત્યાં પિચકારી મારતો હોય
  ૩. ડોક્ટર હોય ને લારી નિ પાણી પુરી ખાતો હોય

  ……………………… વગેરે વગેરે

 13. maitri vayeda says:

  ખૂબ સુંદર સંકલન…

 14. Vaishali Maheshwari says:

  All the three incidences are very inspiring.
  It was interesting to read all the comments too.
  Thanks for sharing.

 15. nayan panchal says:

  પ્રેરણાદાયક લેખ. ધ્રુવ ભટ્ટજી વાળો પ્રસંગ વિચારતા કરી દે એવો છે.

  ખૂબ આભાર,
  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.