અદ્દ્ભુત ધીરજ, અસીમ ખંત – ડૉ. મોહનભાઈ પંચાલ
[સત્યઘટના પર આધારિત પુસ્તક ‘સાહેબ, મને સાંભળો તો ખરા !’માંથી સાભાર. જાણીતા શિક્ષણવિદ ડૉ. મોહનભાઈ પંચાલ દ્વારા 1972માં લખાયેલ આ પુસ્તકની અત્યાર સુધીમાં છ આવૃત્તિઓ થઈ ચૂકી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે ડૉ. રેણુકાબેન પટેલનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
‘ફક્ત એક રૂપિયો, સાહેબ ! ઓન્લી વન રૂપી, સર !’ જેવી ટ્રેન સ્ટેશનનું પ્લેટફોર્મ છોડી ગતિમાં આવી તેવો જ એક અત્યંત મીઠો, મૃદુ અવાજ સૌના કાને પડ્યો. સૌ ઉતારુઓનું ધ્યાન તે તરફ ખેંચાયું. પુનઃ રણકાર ઊઠ્યો : ‘બાબાને માટે, બેબીને માટે ! આ એક રૂપિયાનું રમકડું, રૂપિયો કંઈ વધારે નથી.’ વાણી એની કેટલી મધુર અને અસરકારક હતી ! એની રજૂઆત પણ કેટલી વેધક અને કાવ્યમય હતી ! મારું ચિત્ત એ કાવ્યસમા નાદની શ્રવણપ્રક્રિયામાં રોકાઈ ગયું. એ તરફ દષ્ટિ કરતાં મારી આંખો સમક્ષ મેં એક અત્યંત કરુણ અને હૃદય હચમચાવી નાખે તેવું ચિત્ર જોયું. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા તે કમ્પાર્ટમેન્ટની લગભગ સૌ વ્યક્તિઓની નજર તેના તરફ સ્થિર થઈ હતી. સૌની આંખોમાં આશ્ચર્ય, કરુણા ને કુતૂહલ રમતાં હતાં. એ વાણી ફરી ફરી ગુંજતી હતી, ‘ફક્ત એક રૂપિયો ભાઈ ! એક રૂપિયો, બહેન !’ એટલી જ મીઠાશ, એ જ અપીલ અને એ જ રજૂઆત.
એ હતો એક ફેરિયો. રમકડાં વેચનારો ફેરિયો. રમકડાં પણ કેવાં ! બધાં એક જ પ્રકારનાં. એની પાસે એક નાનું, સાદું છતાં બહુ જ કરામતવાળું રમકડું હતું. ચકરડી ફેરવવા માટે એની સાથે જ જોડેલી એક દાંતાવાળી પટ્ટી, જેને આગળપાછળ ખસેડવાથી ચકરડી ફરે, અને ફરે ત્યારે તેના પર ગોઠવેલી ફૂલની પાંખડીઓ ખૂલે, જાણે કમળ ખીલ્યું. તે કમળ પર એક નાની-શી, રૂપાળી પરી જેવી ઢીંગલી ! કેટલું સુંદર અને સજાવટભર્યું રમકડું હતું એ ! સૌને માટે આ એક નાવીન્ય હતું. મારું મન તે તરફ ખેંચાયું. પળવાર હું રમકડું જોતો, બીજી પળે એના ડેમોન્સ્ટ્રેશનની છટા જોતો, તો વળી એ ડેમોન્સ્ટ્રેટરની પ્રતિભાનું દર્શન કરતો ત્યારે હું ઊંડા ચિંતનમાં-દુઃખમાં ડૂબી જતો. વાચકોને પ્રશ્ન થશે કે મને એ જોઈ ચિંતન અને દુઃખની લાગણી કેમ થઈ આવી ?
એ રમકડાંવાળો ભાઈ અપંગ હતો. એનો એક હાથ અને એક પગ મૂળમાંથી કપાઈ ગયેલા, છતાં એ જે સ્થિરતા અને સ્વસ્થતાથી ગાડીમાં ઘોડીના ટેકે પ્રવેશ્યો, સ્થાન સ્થિર કરી એક હાથે એક ખભે લટકાવેલા બગલથેલામાંથી રમકડાં કાઢતો, બતાવતો, ચલાવતો, આગળપાછળ ચાલતો અને અસરકારક વાણી દ્વારા સૌનું ધ્યાન ખેંચતો, એટલું જ નહિ, સૌને એનાં રમકડાં પ્રત્યે અને ખુદ એના પ્રત્યે વિચારતા કરી મૂકતો, એ જોઈને મને આશ્ચર્ય અને વેદના ઊપજ્યાં. સૌની સ્થિતિ લગભગ મારા જેવી જ હતી, એમ મને લાગ્યું.
એ અપંગ ફેરિયાના મુખ પર જીવનઝંઝાવાતની ખુમારી હતી, તો એના શરીર-સ્વાસ્થ્ય પર પ્રાકૃતિક સંવાદિતાની સૌરભ હતી. એનાં એકલવયાં અંગો એક પગ અને એક હાથ કેટલી નિશ્ચલતાથી પ્રવૃત્ત બન્યાં હતાં ! વળી તેની રીતભાત, પોશાકની સભ્યતા, વાળની સુઘડતા-આ સૌ તેના વિશિષ્ટ વ્યક્તિત્વનાં દ્યોતક હતાં. અને એનું રમકડું ! જાણે એ એના વ્યક્તિત્વનું પૂરક ન હોય ! એની પ્રતિભાની પ્રતિમા ન હોય ! જીવનનું કાવ્ય ન હોય ! જીવનમથામણોને અંતે પ્રગટેલું કોઈ અદ્દભુત સ્વપ્ન ન હોય ! લાગણીના પ્રવાહમાં ખેંચાઈને અને રમકડાંના કસબથી પ્રભાવિત થઈને મેં એક રૂપિયો આપી એક રમકડું ખરીદ્યું. તે પછી એક વૃદ્ધાએ બે રમકડાં ખરીદ્યાં, ત્યાર બાદ લગભગ આઠ-દસ બીજા મુસાફરોએ પણ રમકડાં ખરીદ્યાં. આમ, રમકડાંનો વેપાર ઠીક થયો. આગલું સ્ટેશન આવવાને હજી દશેક મિનિટ બાકી હોવાથી એ ફેરિયો ઊભો રહ્યો. એના ફેરાનું ફળ આજે મળી ગયાનો એના મુખ પર પૂર્ણ સંતોષ હતો. સૌની નજર વારંવાર એના તરફ જતી. હું પણ વારંવાર તેને જોઈ રહેતો. એ ફેરિયો પણ મને ધારીધારીને જોતો, ત્યારે તેની આંખોમાં કંઈક અકથ્ય પરિવર્તન વર્તાયું.
પળવાર પછી એ ત્યાંથી ખસીને મારી નિકટ આવ્યો. સૌનું ધ્યાન ખેંચાયું. મારી પાસે ઊભા રહી એણે ખિસ્સામાંથી એક રૂપિયો કાઢ્યો ને મારા હાથમાં મૂકવા લાગ્યો. સૌને અને મને આશ્ચર્ય થયું.
‘અરે, ભાઈ ! પણ શેના ?’ મેં પૂછ્યું.
‘ના સાહેબ, એ રૂપિયો મારાથી ન લેવાય.’
‘પણ એનું કારણ કાંઈ ! એ તારો કસબ છે, મહેનત છે.’
‘ના સાહેબ, એ કસબ અને મહેનત પાછળની પ્રેરણારૂપે તમે છો !’ એના છેલ્લા શબ્દો સાંભળીને હું અને અન્ય સૌ ઊંડા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. એની આંખો ભીની થઈ ગઈ. ગદગદ કંઠે બોલતાં એ મારે પગે નમી પડ્યો. આવું કરુણ દશ્ય જોઈ મારી આંખો સજળ બની. સૌને પણ લાગણી થઈ આવી.
પાંચેક મિનિટ પછી મેં સ્વસ્થ થઈ પૂછ્યું : ‘તમારું નામ કહેશો ?’
જવાબમાં એણે પેલો રૂપિયો અને બીજું એક રમકડું મને આપ્યાં અને કહ્યું : ‘ગોરધન !’
હું ‘ગોરધન’ શબ્દ પર વિચારવા લાગ્યો. એ નામના ઘણા છોકરાઓને યાદ કર્યા પણ કંઈ સ્મરણ ન થતાં મેં પુનઃ પૂછ્યું :
‘ગોરધન…. કયો ?’
‘ક્રાફટનો મોનિટર સાહેબ. ગોરધન મોતીલાલ ભટ્ટ !’
‘ઓહો…… ગોરધન.. અલ્યા ગોરધન… તું… તારી આ દશા શી રીતે થઈ ? અરરર…. તારા હાથપગ !’ કહેતાં મારી આંખો ભીની થઈ ગઈ. હું ગળગળો થઈ ગયો. પેલો ગોરધન પણ ત્યાં બેસી દ્રવી ઊઠ્યો. આજુબાજુના ઉતારુઓ આ એકાએક ઊભી થયેલી કરુણ દાસ્તાન સાંભળવામાં એકાગ્ર બની ગયા. મેં ગોરધનને અનેક પ્રશ્નો પૂછીને એના વિદ્યાર્થીજીવન પછીની આ હાલત વિષેનો ઈતિહાસ જાણી લીધો. એ જાણીને હું હર્ષ અને શોકની મિશ્રિત લાગણીઓમાં તરબોળ થઈ ગયો. પછીના સ્ટેશને ગોરધન એક હાથે સલામ કરીને અન્યત્ર રમકડાં વેચવા ચાલ્યો ગયો. એની વિદાય પછી હું સૌ ઉતારુઓની જિજ્ઞાસાવૃત્તિનું કેન્દ્ર બન્યો. સૌ કોઈ એના વિષે વધુ જાણવાને ઉત્સુક હતા. એમના સઘળા પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો તો હું ન આપી શક્યો, પણ ગોરધન વિષે મેં એમને એક કહાણી કહી :
‘1948ની સાલમાં મુંબઈ સરકારની અંગ્રેજી નાબૂદી નીતિના આધારે માધ્યમિક શાળાના પાંચમા ધોરણમાંથી અંગ્રેજી નાબૂદ કરવામાં આવ્યું. એ વિષયની જગ્યાએ મુંબઈ રાજ્યની માધ્યમિક શાળાઓમાં ઉદ્યોગ (Craftwork) નો વિષય શરૂ થયો. તે સમયે હું એક ગ્રામ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરતો હતો. હું ચિત્ર અને ક્રાફટનો કંઈક જાણકાર હોઈ મને નવા શરૂ થતા ક્રાફટના શિક્ષણની જવાબદારી સોંપવામાં આવી, જે મેં અનેરા ઉત્સાહ અને ભારે આત્મવિશ્વાસ સાથે સ્વીકારી લીધી. અમારી શાળામાં કાગળકોતરણી અને પૂંઠાકામનો ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો. પાંચમાં ધોરણના વિદ્યાર્થીઓએ એ વિષય શીખવામાં ભારે રસ દાખવ્યો. મેં એમનાં રસ-અભિરુચિ વધારવામાં પાછી પાની ન કરી. આ ગોરધન એ વર્ગનો વિદ્યાર્થી. ક્રાફટમાં એને ભારે રસ. એનો હાથ પણ એવો બેસી ગયો કે થોડા જ સમયમાં તે પાવરધો થઈ ગયો. પણ બીજી દિશામાં તે સાવ નબળો હતો. ભાષા, વિજ્ઞાન, ગણિત વગેરેમાં તે ઘણો કાચો હતો. મેં એની પરિસ્થિતિ જોઈ ક્રાફટમાં એને આગળ વધવા પ્રેર્યો. છ મહિનામાં તો એણે તૈયાર કરેલા નમૂના અને કૃતિઓનું એક પ્રદર્શન ભરાયું, ત્યારે સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો. ગોરધનને બે ઈનામો એનાયત થયાં. એનાં માતાપિતા રાજી થયાં. સમગ્ર શાળા પરિવારમાં ગોરધન જાણીતો થયો, પ્રકાશમાં આવ્યો.’
‘તો સાહેબ, ગોરધન જેવા બીજા વિદ્યાર્થીઓ ખરા કે નહિ ?’ એક ઉતારુએ પ્રશ્ન કર્યો.
‘હા, એની કક્ષાના બીજા ચાર વિદ્યાર્થીઓએ પણ આ વિષયમાં સારી પ્રગતિ કરી હતી. એ બધાની એક સુંદર ટુકડી હતી. ગોરધન એ ટુકડીનો નેતા હતો. ગોરધન ત્યારે પણ નવી નવી કૃતિઓ રચવામાં ને નવા નવા વિચારો રજૂ કરવામાં આગળ રહેતો. એનાં કલા અને કૌશલ્ય નોંધપાત્ર હતાં.
‘એ ભણવામાં કેવો હતો સાહેબ, પાસ થતો ખરો કે નહિ ?’ એક બહેને પ્રશ્ન કર્યો.
‘હા, ભણવામાં તો એ સાવ નબળો હતો. એને અન્ય વિષયો પ્રત્યે અભિરૂચિ નહિ. તેથી અભ્યાસ પ્રત્યે ધૃણા હતી. એનાં માબાપ એની ક્રાફટની પ્રગતિ જોઈ રાજી જરૂર થતાં પણ સાથે તેનું વાર્ષિક પરિણામ જોઈ તેઓ ચિડાતાં. હું એની ગમગીન મુખમુદ્રા જોઈને પૂછતો : ‘કેમ ગોરધન, બેચેન દેખાય છે ?’
‘સાહેબ, હવે મારે ભણવું નથી.’ ગોરધન સ્પષ્ટ વાત કરી દેતો.
‘તો, તારે હવે શું કરવું છે ?’
‘બસ, હવે હું રમકડાં બનાવીશ.’
‘પછી ?’
‘વેચીશ…’
‘એનાથી તારું જીવન ચાલશે, ગોરધન ?’
‘ચાલશે થોડુંઘણું, ને સાથે મને મઝા તો પડશે ને ? મારા રમકડાં વડે રમીને બાળકો રાજી થશે એટલું બહુ છે, સાહેબ.’ ગોરધનના આ વિચારો જાણી હું ખરેખર ખુશ થયો. મેં એને કહ્યું :
‘ગોરધન, પણ તારા માબાપને દુઃખ નહિ થાય ?’
‘સાહેબ, થશે, પણ હું શું કરું ? મને આ ભણવાનું મુદ્દલ ગમતું નથી. મને પરાણે ભણાવે છે, હવે તો હું ખૂબ કંટાળ્યો છું.’
ગોરધનને મેં સલાહ આપી : ‘ભલે ભણવાનું ન ગમે પણ તું અભ્યાસ ચાલુ રાખ. તારો શોખ, કલા અને કસબાનો વિકાસ કર. એક દિવસ તને એ ઉપયોગી થઈ પડશે. પણ જોજે ગોરધન, તું નકલ ન કરતો. હંમેશા ખૂબ વિચાર કરજે. નવા નવા વિચારોનો અમલ કરજે.’ ગોરધન દિનપ્રતિદિન પ્રગતિ સાધવા લાગ્યો. સાતમા ધોરણને અંતે એ મહામુસીબતે ઉત્તીર્ણ તો થયો, પણ પછી તો એણે નિશાળે આવવાનું જ બંધ કરી દીધું. એટલામાં એના પિતાજીની નોકરીનું સ્થળ બદલાઈ જવાથી, ગોરધન શાળા છોડી ગયો. મેં ગોરધનને ગુમાવ્યો. ગોરધનને જતાં જતાં મેં કહ્યું :
‘ગોરધન, તું આપકર્મી છે, સ્વતંત્ર પ્રકૃતિનો માણસ છે. તું કદી બેસી નહિ રહે.’
‘હા સાહેબ, હું કંઈક તો કરીશ જ.’
એના ગયા પછી મને કોઈ સમાચાર ન મળ્યા. આજે એ વાતને ઓગણીસ વર્ષ થઈ ગયાં. છેલ્લાં બાર વર્ષથી તો ગોરધન ભુલાઈ પણ ગયેલો.
પણ આજે ટ્રેનમાં અકસ્માત એનો ભેટો થયો, એ તમે સૌ જાણો છો. ગોરધને મને આજે કહ્યું તે પ્રમાણે તે અભ્યાસ છોડીને અમદાવાદની એક મિલમાં શિખાઉ ઉમેદવાર તરીકે જોડાયો. ત્યાં શીખતાં એક ગોઝારા દિને તેનો એક પગ અને એક હાથ અકસ્માત યંત્રમાં આવી જતાં કપાઈ ગયા. ગોરધનની પાંખો જાણે કપાઈ ગઈ ! તાત્કાલિક દાકતરી સારવારને પરિણામે ગોરધનનું પ્રાણપંખેરું બચી ગયું. એ સાજો તો થયો. પણ બિચારો અપંગ બની ગયો. થોડા જ સમયમાં એના પિતા મૃત્યુ પામ્યા. માતા માંદી પડી. એણે પણ બિચારીએ પતિવિયોગ અને પુત્ર દુઃખે કલ્પાંત કરીને પ્રાણ છોડ્યા.
ગોરધન નિરાધાર બની ગયો. પડોશીઓની સહાનુભૂતિ અને ઈશ્વરકૃપાથી એને ખાવાનું મળતું પણ ગોરધનનો સર્જનશીલ આત્મા શાંત ન રહી શક્યો. એણે પ્રયત્નો કર્યા. ઈશ્વરે એના એક હાથ-પગ લઈ લીધા તો એના બીજા હાથ-પગમાં બમણી શક્તિ આપી. ગોરધન ગડમથલ કરવા લાગ્યો. ઉત્તરોત્તર તે કંઈક રચવા લાગ્યો. એણે રમકડાં બનાવવાં શરૂ કર્યાં. એની ડિઝાઈન પ્રમાણે કામ કરે એવો એક નવયુવાન એને મળી ગયો. બંનેએ નવાં નવાં રમકડાં બનાવવા માંડ્યાં. આજે વેચવા લાવેલ ચકરડી એની જ સર્જનશક્તિનું પરિણામ હતું. ગોરધન જાતે જ એ વેચે છે અને ખાસ કરીને ટ્રેનમાં ફરી ફરીને.’
ટ્રેનમાં મુસાફરી કરી રહેલા સૌ સ્ત્રીપુરુષના હૃદયમાંથી જો કોઈ એકાદ લાગણીભર્યો ઉદ્દગાર ચૂંટી લઈએ તો તે આ પ્રમાણે હતો : ‘અદ્દભુત ધીરજ અને અસીમ ખંત !’
[કુલ પાન : 185. કિંમત રૂ. 140. પ્રાપ્તિસ્થાન : રન્નાદે પ્રકાશન. 58/2, બીજે માળ, દેરાસર સામે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22110081. ઈ-મેઈલ : rannade_2002@yahoo.com ]
Print This Article
·
Save this article As PDF
ખુબજ હ્રુદય સ્પર્શિ વાત
જીવન અપાર શક્યતાઓથી ભરેલું છે,તે બતાવતી આ સત્યઘટના એકીસાથે સુખદ અને દુઃખદ છે. આવું તથ્ય અહીં વાંચવા મળે છે, તે માટે મ્રુગેશભાઈનો આભાર.
સાવ સાચી વાત. ભગવાન કંઇક છીનવી લે છે તો સામે કંઇક આપે પણ છે.
ખૂબ હ્રદયસ્પર્શીં
બહુજ સરસ.મરિ આખ માથી આસુ આવિ ગયા
અદ્દભુત સંધર્ષ અને અસીમ ખુમારી !!!!
બસ મારે કશું કહેવું નથી આભાર મૃગેશભાઇ,
ખુબજ હ્ર્દય સ્પર્શી વાર્તા. આંખમા પાણી આવી ગયા.
ખુબજ હ્ર્દય સ્પર્શી વાર્તા. સંધર્ષ અને ખુમારી ભરેી અદ્દભુત વાર્તા
‘અદ્દભુત ધીરજ અને અસીમ ખંત !’
very nice and touching story. i have the oldest edision of this book. all the stories are touching and teaches us many things.
પ્રેરણાદાયી વાત. ૩ ઈડિયટ અત્યારે બની પણ એવા લોકો ૧૯૫૦માં પણ હતા. જે પોતાના રસ રુચિ પારખીને આગળ વધે.—‘ગોરધન, તું આપકર્મી છે, સ્વતંત્ર પ્રકૃતિનો માણસ છે. તું કદી બેસી નહિ રહે— એના શિક્ષકની વાણી સાચી પડી./ પાડી..
આ વાત વાંચીને બીજો એક ફેરિયો યાદ આવી ગયો. જે ભરુચ અંકલેશ્વર પાસે ખારી સીંગનો મોટો ટોપલો લઈ એક હાથે ટ્રેનમાં વેચવા આવતો., જેનો બીજો હાથ કોણી સુધીનો જ હતો.
આ પુસ્તક્માંથી અન્ય વાતો પણ આપશો તો મજા આવશે , આભાર .
જે પોતાના જીવન માં સંઘર્ષ કરવાથી ગભરાતો નથી અને પોતાના ઉપર ભરોષો રાખી ને આગળ વધે છે ત્યારે તેના મન ની મક્કમતા ને ભગવાન પણ બિરદાવતા હોય છે
Very nice Article
very touchy story.
” DHIRAJ ANE KHANTTHI MOTA PARVATO PAN SIR THAYA CHHE”
khub sars vali satya ghatna jethi ankho bhini thaya ja ne.
“patience” most valuable thing to have in life
ગોરધન જીવનના ભારરૂપી ગોવર્ધનને પોતાના એક હાથના બાવળાથી ઉપાડી સાચા અર્થમાં
ગોવર્ધન ગિરીધારી ગોરધન થયો.
આજના નવયુવાનો માટે પ્રેરણાદાયી સત્યઘટના.
અપંગ એ નથી કે જેને એક હાથ અને એક પગ નથી. અપંગ તો એ છે કે જેની પાસે બે હાથ અને બે પગ હોવા છતા તેનો તે ઉપયોગ નથી કરતો. ગોરધનભાઈને સલામ, તમારી વાત વાંચીને હું પોતાને ખૂબ જ નાનો, તુચ્છ અનુભવુ છું.
હ્રદયસ્પર્શી વાત. આભાર, મૃગેશભાઈ.
નયન
આજે જ સવારે છાપા માં વાંચ્યું એક યુવાને કોલેજ માં નાપાસ થવાથી આત્મા હત્યા કરી અને રીડગુજરાતી પર “અદ્દ્ભુત ધીરજ, અસીમ ખંત” વાંચ્યું.
આત્મા હત્યા ના બનાવો વધતા જાય છે ત્યારે આવા લેખ જીવાદોરી જેવા સાબિત થાય છે
કળા ડીબાંગ વાદળો ની કિનાર પણ સોનેરી હોય છે
અજે વિદ્યાર્થીઓ માં આત્મહત્યા નુ પ્રમાણ વધતુ જાય છે તે જોતા આ લેખ ઘણો સાંપ્રત લાગ્યો… ખૂબ સરસ…
This thing rarely happned
really good……no other words are required!!!!
ખુબ જ પ્રેરના દાયક ઉદાહરન……. sache avu vachvathi negative thinking nathi avta… ane life ma kaik kari ne agad vadhvanu man thay che….
Wonderful! Hard-work and determination helped Gordhan to come out of all difficulties of life and survive. Thank you for writing this Dr. Mohanbhai Panchal.
VERY NICE…..