વાટકી – બકુલ ત્રિપાઠી
[ શ્રી વિનોદ ભટ્ટ દ્વારા સંપાદિત ‘અમર હાસ્યનિબંધો’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
તમને પહેલાં મારી ઓળખાણ કરાવી દઉં. મારું નામ છે તારિણીબહેન. અમે જે બ્લૉકમાં રહીએ છીએ તેમાં ચાર ફલૅટ છે. અમારી સામેના ફલૅટમાં રહે છે તે માલિનીબહેન. અને અમારી સામેના ફલૅટમાં નીચેની બાજુએ એટલે કે અમારી નીચેના ફલૅટની સામેના બ્લૉકમાં રહે છે, સુહાસિનીબહેન.
હા, અમારે એક બેબી છે. એનું નામ રંજના. અમારા એ…. એમનું નામ… પણ જવા દો. એમનું કાંઈ આજની વાતમાં કામ નથી. એટલે એમની અને માલિનીબહેનના હસબન્ડ તથા સુહાસિનીબહેનના હસબન્ડની ઓળખાણ તમને નથી કરાવતી. શાલિનીબહેનના હસબન્ડનું નામ મુકુલભાઈ. હવે હું તમને પેલી વાટકીની વાર્તા કહું.
બન્યું એવું કે હમણાં બે-ત્રણ દિવસ પર જ અમારું રસોડાનું કબાટ સાફ કર્યું. તો એમાંથી છેક અંદરના ખૂણામાંથી એક વાટકી નીકળી. વાટકી તો હતી નાનકડી, ભગવાનને પ્રસાદ ધરાવાય એવડી કે છોકરાંને બાળાગોળી પાવી હોય તો કામ આવે એવડી કે… ટૂંકમાં નાની. જાડા મજબૂત સ્ટેનલેસ સ્ટીલની. પહેલાં તો ઝબકતી ચમકારા મારતી હતી. પણ હવે જરા જૂની થઈ ગયેલી. ડિટર્જનથી માંજો તો ઊજળી થાય. વાટકી તો કબાટમાંથી જડી પણ મને થયું આ વાટકી મારી ન હોય. અમારે ત્યાં સ્ટેનલેસ સ્ટીલનાં જ વાસણો છે. ખાસ્સા સેટ છે. પણ વાટકીઓ આના કરતાં મોટી. હું નાની વાટકીઓ રાખું જ નહીં. કોઈને પીરસવું તો પછી મોકળાશથી જ પીરસવું. નાનો જીવ રાખવો મને પહેલેથી જ ના ગમે. અમારે ત્યાં આવી નાની વાટકી હોય…જ નહીં ને. મને થયું કોઈની આવી ગઈ હશે લાવને પૂછું.
….એટલે પછી મેં એક દિવસ માલિનીબહેનને કહેવાનું નક્કી કર્યું : ‘માલિનીબહેન, ઓ માલિનીબહેન…!’ આમ, અવાજ દેતી હું એમના ઘરમાં ઘૂસી.
‘શું કરો છો ? હું એમ પૂછતી’તી કે…..’
‘કરવાનું તો શું હોય ?’ માલિનીબહેને કહ્યું, ‘આ રોજના ઢસરડા. કામનો તે કાંઈ પાર છે ભૈ ? આ જુવોને પેલો પાજી હજી નથી આવ્યો અને આ નળ તો જઉં જઉં કરે છે. ઘડીનીયે નિરાંત ક્યાં છે ? અરે હાં, કાંઈ કામ હતું ?’
‘ના, ખાસ કાંઈ નહીં.’ મેં કહ્યું, ‘પછી આવીશ.’
‘ના, ના. કો’તો ખરા ? કાંઈ ખાસ હતું ?’ એમનું કુતૂહલ જાગ્યું.
‘પછી આવીશ…. તમે હમણાં બહુ કામમાં લાગો છો.’
‘અરે, કામ તો રોજનું છે. પેલા પાજીને મેં હજી કાઢી નથી મૂક્યો ને ? ત્યાં સુધી તો દાદાગીરી કરે છે ! એક વાર કાઢી મૂકીશને પછી…. કહો, શું હતું ?’
‘હું એમ પૂછતી’તી કે તમારું કાંઈ ખોવાય છે ?’ મેં માલિનીબહેનને પૂછ્યું. આ સાંભળીને માલિનીબહેન તો ખૂબ ઉત્સાહમાં આવી ગયાં.
‘અમારું કશું તમારે ત્યાં આવી ગયું છે ? હું મૂઈ છું એવી દાઘારંગી કે કોઈ ચીજનું ઠેકાણું નથી. અમારું કોઈ વાસણ આવી ગયું છે, તમારે ત્યાં ? મારી આડણી નથી જડતી.’
‘આડણી તો નથી…. આ એક વાટકી….’ મેં સંકોચથી કહ્યું.
‘મારી જ હશે, લાવોને.’ એમણે ઉમંગ દાખવ્યો.
‘તમારી છે ?’ મેં પૂછ્યું.
‘હાસ્તો, મારી જ હોય ને ? ક્યાં છે વાટકી ?’ એ ઊછળ્યાં.
‘આ મારા રસોડાના કબાટમાંથી નીકળી. એના પર મારું કે બેબીના પપ્પાનું નામ નહોતું, એટલે મને થયું કોઈની હશે. એટલે પહેલું તમને પૂછ્યું, કદાચ તમારી હોય.’
‘તે મારી જ હોય ને ?’ માલિનીબહેન બોલ્યાં : ‘હાય, હાય ! આ તો ઠાકોરજીની દૂધ ધરાવવાની વાટકી ! કેટલાય વખતથી નહોતી જડતી. તે તમારે ત્યાં ક્યાંથી આવી ગઈ ?’
‘કોણ જાણે આ તો અચાનક નીકળી….’ મેં કહ્યું.
‘આજે જડી ?’
‘હમણાં જ જડી છે ને તરત તમને પૂછ્યું.’
‘પણ ખોવાઈ’તી તો બેત્રણ મહિનાથી. તે તમને છેક આજે જડી ?’
‘હમણાં જ જડી એટલે તરત….’
‘પણ મને થાય છે કે મારી વાટકી તમારે ત્યાં આવી કેવી રીતે ?’ એમણે વિશ્લેષણ કરવાનું ચાલું રાખ્યું.
‘કોણ જાણે, ચાલો, પણ છે તો તમારી ને ? માલિક મળી ગયું એટલે બસ !’ મેં કહ્યું.
‘મને થયાં જ કરતું હતું કે કાંઈક ખોવાયું છે, કાંઈક ખોવાયું છે. પણ શું ખોવાયું છે, તે યાદ ન આવે.’
‘હવે તો આવ્યું ને ?’
‘હાસ્તો, એ તો સારું થયું કે મને યાદ આવ્યું કે વાટકી ખોવાઈ છે. નહીંતર તો તમારે ત્યાં જ રહી ગઈ હોત ને ?’ માલિનીબહેન ઉપરથી વળગ્યા.
‘મને તો જડી એટલે તરત તે આપી દીધી.’
‘તે તારિણીબહેન…..’
‘હં…’
‘હું એમ પૂછતી’તી….’
‘શું માલિનીબહેન ?’
‘કે અમારું બીજું કશું તો તમારે ત્યાં રહી ગયું નથી ને ?’ એમણે ધડાકો કર્યો.
છે ને માણસો ! પણ એક રીતે મને શાંતિ થઈ કે ચાલો, વાટકી એના માલિકને ત્યાં પહોંચી ગઈ. વાત પૂરી થઈ. પણ ના, વાત અહીં પૂરી નહોતી થતી ! બેએક દિવસ થયા હશે. હું ગૅલેરીમાં કપડાં સૂકવતી હતી. ત્યાં નીચેથી શાલિનીબહેન (શાલિનીબહેન અમારી નીચેના ફલૅટવાળા) અને માલિનીબહેનનો સંવાદ સંભળાયો.
‘શાલિનીબહેન, એ કહું છું સહેજ મેળવણ છે ? મૂઈ અમારે ત્યાં બિલાડી બધુંય દહીં ખાઈ ગઈ.’ માલિનીએ વિનંતીથી પૂછ્યું.
‘મેળવણ ? છે સ્તો !’ માલિનીએ કહ્યું, ‘હું તો હંમેશાં મેળવણનું દહીં જુદું કાઢીને પછી જ દહીં વાપરવા કાઢું છું, કેમ ? જે પછી જોઈએ ત્યારે બીજે લેવા જવું ન પડે !… વાટકી છે ? કે મારી વાટકીમાં આપું ?’
‘તમારી લઉં તો પછી મારે યાદ રાખીને પાછી આપવાની ઉપાધિ ! અને મને કોઈની વસ્તુ મારા ઘરમાં પડી રહે એ ના ગમે લો. આ લઈને જ આવી છું.’ માલિનીબહેને નીતિવિષયક નિર્ણય જાહેર કર્યો.
‘આ વાટકી….’ શાલિનીબહેન વાટકી જોઈને ચમક્યા : ‘આ વાટકી તો માલિનીબહેન….. આ ગોબોય છે નીચે ! હાય, હાય. આ તો મારી છે !’
‘ના હોય !’ માલિનીબહેન ઉશ્કેરાયાં.
‘વાટકી મારી જ છે ! તમારે ત્યાં કેવી રીતે આવી ? તમારો બાબો અમારે ત્યાં રમવા આવે છે તે જાત જાતની વસ્તુઓ લઈ જાય છે.’ શાલિનીબહેને આક્ષેપ કર્યો.
‘મારા બાબાનું નામ ન લેશો.’ માલિનીબહેન ઊકળી ઊઠ્યાં.
‘પણ વાટકી તો તમારે ત્યાંથી જ મળી એ વાત તો ખરી ને ?’
‘મારે ત્યાંથી નથી નીકળી. ઉપરવાળા તારિણીબહેનને ત્યાંથી નીકળી છે. કારતક મહિને કથા કહેવડાવી તે વખતે મેં શીરો ભરીને મોકલેલી. તે પછી પાછી ના જ આવી. તે છેક ઊઠીને કાલે મને આપી ગયાં.’ માલિનીબહેન બોલ્યાં.
‘પણ આ વાટકી મારે ત્યાંથી જ એમને ત્યાં ગયેલી. મેં એમને ત્યાં સમોસા મોકલેલા. નવી સ્ટાઈલના બનાવેલા. તેની જોડે ચટણી ભરીને મોકલેલી – આ જ વાટકીમાં.’
‘ક્યારે ?’
‘વખત થયો.’ શાલિનીબહેનને સમય યાદ ન આવ્યો એટલે અંદાજ નાખ્યો.
‘પણ મને તો તારિણીબહેને કહ્યું હતું, માલિનીબહેન આ વાટકી તમારી જ છે.’ માલિનીબહેને પોતાનો બચાવ કર્યો.
‘તે તારિણીની ભૂલ થતી હશે. એ છે જ એવી દાઘારંગી….’
આ બેઉના સંવાદો હું સાંભળતી હતી.
પણ આ તબક્કે મનમાં વિચારતી રહી કે દેખવુંય નહીં અને દાઝવુંય નહીં. જેની વાટકી હોય તેની… મારે તો બલા ગઈ, પણ એમ કાંઈ વાત પૂરી થાય ? આ તો સ્ટેનલેસ સ્ટીલની વાટકીની વાત છે, એમ ટૂંકમાં ના પતે.
બે દિવસ રહીને માલિનીબહેન મારે ત્યાં આવ્યાં.
‘તારિણીબહેન, શું કરો છો ? પરવાર્યાં ?’ માલિનીબહેને બારણેથી ટહુકો કર્યો.
‘આવોને, નવરી જ છું.’ મેં કહ્યું.
‘મારે તો પેલો પાજી આજેય હજી આવ્યો નથી. એટલે વાસણનો ઢગલો પડ્યો છે. પણ મેં કું પહેલાં જરા વાત કરી આવું.’
‘શું હતું ?’ મેં પૂછ્યું.
‘તમે જ કહો, તારિણીબહેન, પેલી વાટકી મારી નહોતી ?’
‘કઈ વાટકી ?’
‘પેલી મારી હતીને, તમે બહુ વખતથી રાખી લીધેલી. તે અને પરમ દહાડે પાછી આપી….તે !’
‘પેલી મારા કબાટમાંથી મળેલી તે ને ?’ મેં પૂછ્યું.
માલિનીબહેને પુરાવા સાથે કહ્યું : ‘હા, તે શાલિની કહે છે એમની જ છે ! વાટકીમાં ગોબો છે ને ? તે શાલિની કહે છે કે, એની વાટકીને આવો જ ગોબો હતો.’
‘એમ ?’ મેં કહ્યું.
‘હા, એટલે શાલિની કહે છે વાટકી એની છે !’
‘તો એમ હશે, કદાચ એની હશે,’ મેં કહ્યું, ‘મારે શું આની હોય કે તેની હોય !’
‘હાય હાય ! જુઓ તો હવે તારિણીબહેન, તમે ફરી જાઓ છો ! કે તે દહાડે કહૈતા હતા કે વાટકી મારી છે ને હવે કહો છો એની છે.’
‘હું તો કોની છે તે જાણતી નથી ! તમે સામે બારણે રહો અને આપણે લેવા-મૂકવાનો વ્યવહાર વધારે તે મેં તમને પહેલું પૂછ્યું’ મેં સ્પષ્ટતા કરી.
‘તે પેલી તો કહે છે, એમણે તમને સમોસા ચટણી ભરીને મોકલેલી.’
‘કોણ જાણે બહેન, મને તો કંઈ યાદ નથી, કે વાટકી કોની છે ? હું એટલું જાણું કે મારી નથી.’
‘જુઓ તારિણીબહેન, એમ ફરી ન જાઓ ! ઘડીકમાં આમ બોલો છો ને ઘડીકમાં તેમ બોલો છો ! એમ કહોને તમને એની બીક લાગે છે ! એટલે ખરું કહેતા નથી ! મારે શું ? મેં તો આપી દીધી. એને કહ્યું, લે રાખ તારી વાટકી. મારે કાંઈ ખોટ નથી, પણ સાચા-ખોટાનો હિસાબ થવો જોઈએ ને ? એની કામવાળી કહેતી હતી કે એ પોતાના ઘરમાંથી તડ પડેલી રકાબીયે ઘર બહાર જવા દેતી નથી. કામવાળી લઈ જતી હતી તે પકડેલી. અને એ તમારે ત્યાં વાટકી મોકલે ? ને મોકલે તો રહેવા દે આટલા દા’ડા ?’ માલિનીબહેને એક પછી એક પુરાવાનો ઢગલો કર્યો.
‘હશે. માલિનીબહેન, તમે શાલિનીને વાટકી આપી દીધી ને ? છૂટ્યા. હવે મને પેલું કહો. તમે એક સોયાનું સ્વેટર ગૂંથતા’તા પેલું, એ કેટલે આવ્યું ?’ મેં વાત બદલતાં કહ્યું.
‘એ તો પડ્યું રહ્યું. એમને કલર ના ગમ્યો.’ એમણે તાત્કાલિક વાત પતાવી.
આમ વાત અટકી. માલિનીબહેન તો તે વખતે વિદાય થયાં, પણ સાંજે જ હું બહારથી આવતી’તી, ત્યાં શાલિનીબહેને મને બોલાવી.
‘તારિણીબહેન, જરા આમ આવોને, કામ છે. એમ હોય તો શાકની થેલી ઉપર મૂકીને પછી આવો.’
‘ના, ના કહી જ દોને.’ મેં ઉતાવળ કરી.
‘તમે મારી વાટકી માલિનીબહેનને આપી દીધેલી !’ શાલિનીબહેને સ્પષ્ટ પૂછ્યું.
‘ના ભૈ, એ વાટકી પર તો કોઈનું નામ નહોતું.’
‘પણ એ મારી જ હતી.’ શાલિનીબહેને હક્કદાવો દોહરાવ્યો.
‘તો સારું, તમે રાખી લો.’
‘પણ માલિની બધે કહેતી ફરે છે કે વાટકી એની હતી ને મેં લઈ લીધી છે. મેં તો મુકુલને કહ્યુંય ખરું કે આ તે કંઈ રીત છે ?’
મુકુલ એટલે શાલિનીબહેનના પતિદેવ. એમને શાલિનીબહેન ‘એ’ નથી કહેતા, મુકુલ કહે છે. અને મુકુલ શબ્દ શાલિનીબહેનને મોંએથી સંભળાય એટલે મુકુલભાઈ ગમે ત્યાંથી પ્રગટ થઈ આવે જ…. અને આજે પણ મુકુલભાઈ પ્રગટ થયા !
‘પાછી એ વાટકીની વાત આવી ? ચાલો, હું પોતે જઈને માલિનીબહેનને ત્યાંથી વાટકી લઈ આવું.’
‘પણ તમે સાંભળો તો ખરા…..’ શાલિનીએ એમને શાંત પાડવા પ્રયત્ન કર્યો.
‘ના, ના. પણ એમ કાંઈ વાટકી જવા દેવાય ? આજે વાટકી છે કાલે તપેલી છે ! પરમ દહાડે વળી ખુરશી-ટેબલ કે જાજમ ઉઠાવી જાય ! ન ચાલે, એ ન જ ચલાવી લેવાય. હું નિકાલ આણું છું…. માલિનીબહેન… મોહનભાઈ… માલિનીબહેન….’ મુકુલભાઈએ તો ગર્જના કરવા માંડી. સદભાગ્યે માલિનીબહેન સહકુટુંબ સિનેમા જોવા ગયેલા એટલે એમણે સાંભળ્યું નહીં ! નહીં તો વળી શુંનું શું થાત ?
શાલિનીએ મુકુલભાઈને વાર્યા :
‘પણ બૂમાબૂમ કરતાં પહેલાં સાંભળો તો ખરા, વાટકી માલિનીબહેન નથી લઈ ગયા. વાટકી તો આપણે ઘેર જ છે, પણ આ તો હું તારિણીબહેનને પૂછું છું કે….’
‘મારે કોઈ લાંબી વાત નહીં જોઈએ !’ મુકુલભાઈ ફતવો કાઢ્યો, ‘આજથી નિયમ – તમારે આ બધા વાટકી-વહેવાર બંધ. આજે દૂધીનો હલવો મોકલ્યો, ને કાલે ઢોંસાની ચટણી મોકલી ને પરમ દિવસે સત્યનારાયણનો શીરો…. બધું બંધ ! નો એક્ષ્સપોર્ટ, નો ઈમ્પોર્ટ !’
મુકુલભાઈનો ઓર્ડિનન્સ સાંભળીને હું તો ઉપર આવતી રહી. અને માલિનીબહેન સિનેમામાંથી રાત્રે મોડાં આવ્યાં, એટલે વાત તે દિવસે તો આગળ ન વધી. પણ પછીના સાત દિવસમાં પેલી અદ્દ્ભુત વાટકીએ અદ્દભુત વાતાવરણ ઊભું કરી દીધું. અમારા વિસ્તારમાં અબોલાં માલિનીબહેન-વિરુદ્ધ શાલિનીબહેન ! તેથી બીજાં અબોલાં સરલાબહેન-વિરુદ્ધ વર્ષાબહેન ! વર્ષાબહેન એમનાં પાડોશીબહેનો જોડે માલિનીબહેનને પક્ષે. હર્ષાબહેન એમની ચાર સખીઓ જોડે શાલિનીબહેનને પક્ષે !…ચકચાર ચકચાર, ચર્ચા ચર્ચા, ગૂસપૂસ, વિવાદ….વિવાદ… અને એક દિવસ…..
‘માલિનીબહેન, લો આ તમારી વાટકી ! તારિણીબહેન, અહીં આવો, જુઓ આ વાટકી. મેં માલિનીબહેનને સોંપી દીધી એટલે બસ.’ શાલિનીબહેને જાહેર કર્યું.
‘પણ, એ વાટકી મારી ક્યાં છે ? તમે રાખી લીધી એટલે હવે એ તમારી.’
‘ના રે, તમે બધાંને કહેતા ફરો છો કે હું તમારી વાટકી ઉઠાવી ગઈ. તે લો આ તમને સોંપી. હવે મારું નામ ના દેશો. જુઓ, તારિણીબહેન, તમે સાક્ષી છો !’ શાલિનીબહેન તાડૂક્યાં.
‘તે પહેલેથી આપી દીધી હોત તો ? હવે આપવાં આવ્યાં છો તે !’ માલિનીબહેન વરસ્યાં.
‘તે મારી હતી તે શું કામ આપું ?’
‘તો તમારી જ છે તો પાછી રાખોને તમે ! પાછી આપવા શું કામ આવ્યાં ?’
‘મુકુલ કહે છે આપણે કજિયાનું કારણ ઘરમાં ના જોઈએ.’
‘ત્યારે મારે કજિયાનું કારણ ઘરમાં રાખવાનું કાંઈ કારણ ? ગામ આખામાં તમે કહી વળ્યાં છો.’
‘તે તમેય ક્યાં મૂંગા બેઠા’તા ? મારે હવે આ વાટકી ધોળે ધરમેય ના ખપે !’ શાલિનીબહેન ગરજ્યાં.
‘તમે આપવા આવ્યા છો તો લઈ લઉં છું. પણ એક શરત કે પછી ખોટો હક્ક કરતાં ના આવશો તમે ! હા…’ માલિનીબહેને છેલ્લી શરત મૂકી.
માલિનીબહેન વાટકી લઈ લેવા જતાં હતાં, ત્યાં મારી બેબી રંજન બહારથી આવી :
‘મમ્મી, ઘરમાં ચાલને, કામ છે.’
‘શું છે ? પછી કહેજે. આ વાટકીનો ઝઘડો પતાવી લેવા દેને બહેન.’
‘વાટકીની જ વાત છે, મમ્મી, મમ્મી ! એ વાટકી આપણી જ છે.’ રંજને કહ્યું.
‘ના, માલિનીમાશીની છે.’ મેં કહ્યું.
‘પણ મમ્મી, બે વરસ પહેલાં દક્ષામાશીને ત્યાં નવરાત્ર બેસાડેલા ને ? તે વખતે ગરબામાં લહાણી નહોતી મળી ? મોટાઓને પ્યાલો આપેલો અને અમને નાની છોકરીઓને આ વાટકીઓ આપેલી…..’ રંજને યાદ કરાવ્યું.
‘તમારી હોય તો તારિણીબહેન, તમે રાખી લો.’ શાલિની બબડી.
‘મને બરાબર યાદ છે મમ્મી, આપણી જ છે આ વાટકી. લહાણીમાં મળેલી.’
‘તમારી હોય તો તમે રાખી લો, અમારે શું ?’ માલિની તાડૂકી.
‘અમારી જ છે, લાવો. તુંય શું મમ્મી ? ગોટાળેગોટાળા જ કરશ ? થેંક યુ, શાલિની માશી, થેંક યુ માલિની માશી, થેંક યુ હોં !’ રંજને માર્ગ કાઢ્યો.
….ને બાઈ બાઈ ચાળણી ઈસકે ઘર, કરતી વાટકી વિશ્વ પ્રવાસ કરીને પાછી આવી, અમારે ત્યાં ! મનેય થયું કે માલિનીબહેન અને શાલિનીબહેન વચ્ચે આટલો મોટો ઝઘડો થાય, એના કરતાં વાટકી ભલે અમારી પાસે રહી… અમે તો વાટકી લઈને ઘરમાં આવ્યાં. સ્ટેન્ડ પર ગોઠવી. આજે પણ ત્યાં પડી છે. ભલે પડી ત્યારે….
આમ તો જાણે વાટકીની વાત અહીં પૂરી થવી જોઈએ, પણ એક સવાલ જરા મૂંઝવ્યા કરે છે ખરો. સમજ નથી પડતી શું કરવું ? બાબત એમ છે કે અમારી સામેના ફલૅટની નીચેવાળા ફલૅટમાં એટલે કે નીચેની સામે સુહાસિનીબહેન રહે છે. હમણાં બે દિવસ પહેલાં સુહાસિનીબહેન એમની બેબીના સ્કૂલ યુનિફોર્મનું પૂછવા આવેલા. કઈ દુકાને મળે છે ને એવું બધું. ત્યારે કે’તા’તા, તારિણીબહેન, તમારે ત્યાં સહેજ જાડા સ્ટેનલેસ સ્ટીલની કાના વિનાની અમારી નાની સરખી વાટકી આવી ગઈ છે કાંઈ ? અમારી એવી વાટકી ખોવાય છે બે-ત્રણ મહિનાથી…. વાટકી નાની હતી ને બાજુમાં સહેજ સરખો ગોબો હતો !’
[કુલ પાન : 156. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : 91-79-25506573.]
Print This Article
·
Save this article As PDF
નક્કી એ વાટકી સુહાસિનીબહેન ની જ હશે મને તો ખાતરી છે
વાટકી નુ મહાભારત વાંચવાની મજા આવી ગઈ.
સરસ લેખ……
આ તો રાજકીય પક્ષોની વાત……વર્ષોથી બધા જ આપસમાં લડે રાખે છે……વાટકીનાં કબજેદારો બદલાયા કરે છે પણ “ગોબા વાળી વાટકી (જનતા)” તેમની તેમ જ પડી છે. (ગોબા વધતાં જાય છે 🙂 )
વાટકીની વાત વાંચવાની મજા પડી………..
Wonderful.
ખુબ જ સરસ લેખ છે.
Awesome…I really had lots of fun reading “vataki yudhha”
હા હા, ખૂબ જ સરસ.
ઘણાં વખતે આટલો સુંદર લેખ વાંચવા મળ્યો.
વાટકી વ્યવહારમાં મિઠાસ ત્યારે જ રહે જ્યારે મન સંકુચિત ના હોય અને હ્રદય વિશાળ હોય.
વાટકી બેબી રંજનની જ હશે.
ગરબાની લ્હાણીમાં મળેલી ભેટ દિકરીઓ કેમ ભુલે ?
Very Nice! Reminded me of my childhood when Ghati(servant/Ramo) mixed everyones pots and Vatki or Pots were missing! (By the way I was living in Mumbai at that time!)
બહુ મજ આવિ
વાટકી.માં ટોપ જેટલું હસ્યા.
આ વાટકી તો મારી છે!!!!
Such a small stainless steel “વાટકી” created wonderful humorous scenes.
Enjoyed reading these funny incidences.
Thank you Mr. Bakul Tripathi.
excellent reading! I am glad my ‘Vatki’ came in handy!!!!
I will read it to our Elderly Group, I am sure they will enjoy it.
એ ભ એ વતકિ તો અમારિ હતિ હો…………………………
ખુબ જ જબરદસ્ત વાટકી પુરાણ થઇ ગયું
મજા આવી. – અનિકેત તેલંગ
ખુબ જ જબરદસ્ત વાટકી પુરાણ થઇ ગયું
આ ઉપરથી મને યાદ આવ્યું, કાલે જ ગણેશ ચતુર્થી નિમિત્તે અમારી બાજુવાળા કાકી એક નાની વાટકી માં ચાર મોદક આપી ગયા છે, અને બીક લાગે એવી વાત છે કે મને રસોડા ની કોઈ પણ વાત માં ગતાગમ પડતી નથી. મારે આજે ને આજે જ એમને વાટકી આપી દેવી પડશે નહિ તર. . .
આહા ……….અરે આ તો દરેક ઘર નિ વાત. મજા આવિ ગઈ.