મેઘદૂત : સચિત્ર સમશ્લોકી ગુજરાતી અનુવાદ સાથે – સં. રજનીકુમાર પંડ્યા

meghdut

[વિષય પ્રવેશ : ‘अषाढस्य प्रथम दिवसे’ શબ્દ વિચારીએ કે તરત ‘મેઘદૂત’નું સ્મરણ થઈ આવે. મહાકવિ કાલિદાસે રચેલું એક અપ્રતિમ કાવ્ય કે જેના વિશે કોઈ પણ શબ્દો ઓછા પડે. ‘મેઘદૂત’ એ મંદાક્રાન્તા છંદમાં રચાયેલું વિરહશૃંગારનું મર્મસ્પર્શી કાવ્ય છે. કવિ ઉમાશંકર કહે છે કે ‘મેઘદૂત’ એ વિરહના તાર પર છેડેલી પ્રેમની મહારાગિણી છે, જેમાં એક વિરહી યુગલની વીતકકથા સંસ્કૃતિકથા બની રહે છે. અષાઢસ્ય પ્રથમ દિવસે આકાશમાં એક રમતિયાળ મેઘને જોતાં જ કુબેરના શાપથી પ્રિયતમાથી વિખૂટો પડેલો એક યક્ષ વ્યાકુળ બની જાય છે અને દક્ષિણેથી ઉત્તરે અલકાનગરી તરફ ગતિ કરતા મેઘને પોતાનો પત્રદૂત-સંદેશવાહક-બનાવી વિરહિણી પ્રિયાને સંદેશો મોકલવા તત્પર થાય છે – એ દૂત એ જ મેઘદૂત. મૂળ આ સંસ્કૃત કાવ્યના ગુજરાતીમાં અનેક અનુવાદ થયા છે જેમાં સ્વ. કિલાભાઈ ઘનશ્યામનો અનુવાદ માન્ય ગણાય છે. તાજેતરમાં આ કાવ્યને પંડિતોની પોથીમાંથી બહાર કાઢીને લોકહૃદય સુધી પહોંચાડવાના એક નમ્ર પ્રયાસરૂપે જાણીતા સાહિત્યકાર શ્રી રજનીકુમાર પંડ્યાએ ‘મેઘદૂત’ને નવા સ્વરૂપે ગુજરાતી વાચકો સમક્ષ મૂક્યું છે. આ પુસ્તકમાં સ્વ. કિલાભાઈએ કરેલો ગુજરાતી અનુવાદ સચિત્ર વિવરણ સાથે પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ સાથે સંપૂર્ણ મેઘદૂતને ‘ઑડિયો’ રૂપ આપીને ‘પૂર્વમેઘ’ અને ‘ઉત્તરમેઘ’ – એમ બે સીડીમાં સંગીતબદ્ધ કરવામાં આવ્યું છે. આ સંગીત આવૃત્તિમાં સ્વર શ્રી પ્રફુલ્લ દવેએ આપ્યો છે તેમજ સંગીત શ્રી આશિત દેસાઈનું છે. આજે આપણે આ વિશિષ્ટ પુસ્તકમાંથી મેઘદૂતના રચનાસ્થળ અને મહાકવિ કાલિદાસના જીવન વિશે થોડી વિગતો જાણીશું. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી રજનીકુમારભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9898015545 અથવા આ સરનામે rajnikumarp@gmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી, રીડગુજરાતી.]

[1] રામટેક : મેઘદૂતનું રચનાસ્થળ

ઘણા ઓછાને ખબર હશે કે કાલિદાસે મેઘદૂતની રચના નાગપુર પાસેના એક રામટેક નામના ટેકરા ઉપર રહીને કરી હતી. કાલિદાસનાં સ્થળકાળ વિશે ભલે ચોક્કસપણે એકમત સાધી શકાતો ન હોય, પણ મેઘદૂતની રચના અંગે મોટે ભાગે એકમત પ્રવર્તે છે. મેઘદૂતનો આરંભ રામગિરિ પર્વતથી થાય છે. આ નામની ગેરસમજણ દક્ષિણ ભારતમાં આવેલ રામેશ્વરમ સાથે મોટે ભાગે થાય છે. એમ માનવું સરળ પડે કે કાલિદાસે છેક દક્ષિણ છેડાથી ઉત્તરની ટોચ સુધીની યાત્રા આવરી લીધી છે. પણ વાસ્તવિકતા થોડી જુદી છે. રામગિરિ પર્વત ખરેખર તો હાલ મહારાષ્ટ્રમાં નાગપુરથી ઈશાન ખૂણે ચોપન કિ.મી. દૂર, નાગપુર-જબલપુર હાઈવે પર અને મુંબઈ-નાગપુર-હાવડા રેલવે લાઈન પર આવેલા રામટેક ગામ પાસે આવેલો છે. તેને પર્વત પણ શી રીતે કહેવાય ? તેની ઊંચાઈ માંડ પાંચસો ફીટ છે.

રામટેક આમ તો નાનકડું ગામ છે, તેને નાનકડું એવું રેલવેસ્ટેશન પણ છે. તેનો ભૂતકાળ વિસ્તૃત છે. તેના નામનો અર્થ થાય છે રામની ટેકરી. ભગવાન રામે આ સ્થળે શંબૂકનો વધ કર્યો હોવાનું મનાય છે. આ વિસ્તારનાં પુરાણા નામ છે સિંદૂરગિરિ અને તપોગિરિ. ભગવાન વિષ્ણુએ નરસિંહાવતાર દરમ્યાન હિરણ્યકશ્યપને આ જ પર્વત પર હણ્યો હોવાની પણ વાયકા છે. કહેવાય છે કે તેના રક્તના છાંટા ઠેરઠેર ઉડ્યા હોવાથી આ વિસ્તારના ખડકો આજેય લાલ રંગના છે. બસ અહીં જ ગોળાકાર બાંધકામ ધરાવતા કાલિદાસ સ્મારકની સ્થાપના થયેલી છે, જેને સાદું રંગકામ કરવામાં આવ્યું છે. જેની દીવાલો પર શાકુંતલના તેમ જ મેઘદૂતના પ્રસંગોનાં ચિત્રો દોરાયેલાં છે. દર વર્ષે નવેમ્બરમાં અહીં કાલિદાસ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવે છે. કાલિદાસ ક્યારેક અહીંના તળાવોના કિનારે વિહર્યા હશે, રામગિરિનાં ચડાણો ચડ્યાઉતર્યા હશે અને મેઘદૂતની કલ્પના આ જ વિસ્તારમાં ફરતાં ફરતાં કરી હશે એ કલ્પના જ કેટલી રોમાંચકારી છે !

પણ કાલિદાસ ઉજ્જૈનથી અહીં શા માટે આવ્યા ? એક મોટો વર્ગ માને છે કે શાપિત યક્ષ બીજું કોઈ નહીં, ખુદ કાલિદાસ હતા અને તેઓ પોતાની પ્રિયાના વિરહમાં ઝૂરતા હતા. ઈતિહાસની નોંધ મુજબ, હાલ વિદર્ભ તરીકે ઓળખાતો નાગપુર અને તેની આસપાસનો વિસ્તાર વાકતક વંશની હકૂમત હેઠળ હતો અને આજે નાગર્ધન તરીકે ઓળખાતા નંદીવર્ધન નગરમાં રૂદ્રસેનનું શાસન હતું. ઈ.સ. 395માં ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યની પુત્રી પ્રભાવતીનાં લગ્ન રૂદ્રસેન સાથે થયાં. ઉજ્જૈનમાં ઉજવાયેલા આ શુભ પ્રસંગે કાલિદાસનું નાટક ‘માલવિકાગ્નિમિત્રમ’ પહેલીવહેલી વાર ભજવાયું હતું. ત્યાર પછી ઈ.સ. 405માં રૂદ્રસેન માર્યા ગયા. રાણી પ્રભાવતીએ પોતાના બન્ને પુત્રો પુખ્ત થાય ત્યાં સુધી પોતે જ રાજ સંભાળવાનું નક્કી કર્યું. સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે પોતાને ત્યાંથી કેટલાક અનુભવી અને શાણા પુરુષોને પોતાની પુત્રી પ્રભાવતીની મદદે મોકલ્યા, જેમાંના એક હતા કાલિદાસ.

આ કથાનું બીજું વૃત્તાંત એવું પણ છે કે માલવિકા પ્રત્યેનાં કાલિદાસના પ્રેમથી ઈર્ષ્યાભાવ અનુભવતા વિક્રમાદિત્યે કાલિદાસને હદપાર કરીને રામગિરિ મોકલી આપ્યા. સત્ય જે હોય તે, પણ કાલિદાસ આ વિસ્તારમાં આવેલા અને મેઘદૂત પણ તેમણે અહીં જ રચ્યું એ વિષે ભાગ્યે જ કોઈ શંકાને સ્થાન છે. રામટેકથી માત્ર પાંચ કિ.મી.ના અંતરે નંદીવર્ધન આવેલું છે. એકલવાયા કાલિદાસ અવારનવાર આ ડુંગર પર આવતા હશે, ત્યાંનું પ્રાકૃતિક સૌંદર્ય માણતા હશે અને તેમને મેઘદૂત સ્ફુર્યું હશે.

આપણા મનમાં એ સવાલ થાય કે કાલિદાસ ચોક્કસપણે આ જ સ્થળે હતા એની શી સાબિતી ? આવું જ નામ ધરાવતું કોઈ અન્ય સ્થળ ન હોય એની શી ખાતરી ? આનો જવાબ પણ મળી રહે છે. આ વિસ્તારની એક જાતિ કૈકડીનાં લોકગીતોમાં કાલિ નામની વ્યક્તિનો ઉલ્લેખ છે, જેણે રામટેક પર ઊભા રહીને વાદળને પોતાની વ્યથા એટલી સચોટ રીતે કહી હતી કે પર્વતો પણ આંસુ વહાવવા લાગ્યા હતા. સ્વાભાવિકપણે અહીં વરસાદનો નિર્દેશ છે. આ લોકગીતની અન્ય પંક્તિનો અર્થ છે, ‘રામના રામટેક પર્વત પર કાલિએ પોતાના આંસુની શાહીને, આંખના ખડિયામાં ઝબોળીને પોતાની વ્યથાકથા લખી, જેની આ ટેકરીઓ સાક્ષી છે.’ (ઉષા બન્દેના અહેવાલના આધારે).

[2] કવિ કાલિદાસ : કથની અને કિંવદંતી

ઉપમા કાલિદાસસ્ય ! કવિકુલગુરુ, મહાકવિ વગેરે વિશેષણો જેમના વિષે વપરાયાં છે એ કાલિદાસ વિષે સ્વાભાવિકપણે જ આપણને વધુ જાણવાની જિજ્ઞાસા થાય. પણ મેઘદૂત, કુમારસંભવ, માલવિકાગ્નિમિત્ર, વિક્રમોર્વશીય, શાકુન્તલ, રઘુવંશ જેવી સદાકાલીન કૃતિઓ થકી મહાકવિ, કવિકુલગુરુ જેવાં બિરુદ પામનાર કાલિદાસના જીવન વિષે ભાગ્યે જ કશી નક્કર માહિતી મળી રહે છે. પોતાની કૃતિઓમાં જવલ્લે જ તેમણે પોતાના વિષે કંઈ કહ્યું છે, એ તેમની નર્યા કવિત્વ પ્રત્યેની વફાદારી અને નિષ્ઠા સૂચવે છે. દરેક રચનાઓમાં તેઓ પોતાના વિષયને વફાદાર રહ્યા છે, એટલું જ નહીં, તેનો એટલો અભ્યાસ કર્યો છે કે કાલિદાસની સાચી ઓળખ કઈ એ અંગે અવઢવ થાય અને છતાંય તેમના વિષે કંઈ જે કંઈ માહિતી હાથ લાગે તેનાથી આપણી જિજ્ઞાસા સંતોષવાને બદલે ઓર વધે.

કાલિદાસનાં ત્રણ નાટકોમાં વિદૂષકનું પાત્ર આવે છે અને વિદૂષક જ્ઞાતિએ બ્રાહ્મણ હોય છે. આથી ઘણા માને છે કે કાલિદાસ જ્ઞાતિએ બ્રાહ્મણ નહીં હોય, કેમ કે વિદૂષકના પાત્ર થકી તો બ્રાહ્મણગૌરવનું અપમાન થાય છે. પણ વિક્રમોર્વશીયમાં તેમણે બ્રાહ્મણધર્મની ઉદારતા અને ઉજ્જ્વલતાનાં યશોગાન ગાયાં છે તેમ જ વેદ, ઉપનિષદ અને બ્રાહ્મણગ્રંથોનું ઊંડું જ્ઞાન પ્રગટ કર્યું છે તેના પરથી લાગે કે બ્રાહ્મણ સિવાય અન્ય કોઈ આ કરી શકે નહીં. તેમના નામની પાછળ આવતા દાસ શબ્દને આધારે ઘણા માને છે કે તે વૈશ્ય હતા, કેમ કે સ્મૃતિઓના નિયમ મુજબ દાસ શબ્દ વૈશ્યોના નામ પાછળ જ લગાડાતો. તેમણે કરેલી શિવની સ્તુતિ પરથી ઘણા તેમના શૈવધર્મી હોવાનું અનુમાન કરે છે, તો રઘુવંશ કાવ્યમાં તેમણે ગાયેલા રામના ગુણગાન તેમણે રામભક્ત માનવા પ્રેરે છે. જો કે, અન્ય શ્લોકોમાં બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવોની આરાધના પણ તેમણે કરી છે, તેથી એમ લાગે છે કે કોઈ દેવવિશેષ પ્રત્યે તેમને પક્ષપાત નથી. આ થઈ કાલિદાસની જ્ઞાતિ કે કુળ ઓળખવાની કવાયત. અગિયારમી સદીમાં ધારાપતિ ભોજના સભાકવિ બલ્લાલે રચેલા ભોજપ્રબન્ધમાં તેમ જ ચૌદમી સદીમાં મેરુતુંગના પ્રબન્ધચિન્તામણીમાં કાલિદાસની કાવ્યચાતુરી, ઉદારતા, બુદ્ધિમત્તા તેમ જ અન્ય કવિઓ સાથેના રસપ્રદ પ્રસંગો વર્ણવાયેલા છે. મોટા ભાગના લોકો માને છે કે આમાં મનોરંજક કલ્પના સિવાય કંઈ નથી. રાજા ભોજના સમયમાં થયેલા એક કાલિદાસ વિષેની આ વાતો છે, જેનું મૂલ્ય અકબર-બિરબલની લોકરંજક વાતો જેટલું જ ગણાવી શકાય.

જે ડાળ પર પોતે બેઠેલા હતા એ જ ઝાડની ડાળી કાપી રહ્યા હોવાથી કથામાં પણ વાર્તારસ વધુ અને તથ્ય ઓછું હોવાનું મનાય છે. દેખાવે અત્યંત રૂપાળા, પણ અક્કલમાં સાવ ઓછા એવા ગરીબ બ્રાહ્મણના પુત્ર કાલિદાસનું લગ્ન એક રાજકુમારી સાથે કરાવી દેવામાં આવે છે, કેમ કે રાજકુમારી માટે યોગ્ય મુરતિયો શોધાવની જવાબદારી જેને સોંપવામાં આવી હતી એ રાજપુરોહિતને રાજકુમારી પર વેર હતું અને તેનો બદલો લેવાની તક તે શોધતો હતો. તેની નજરમાં મહામૂર્ખ કાલિદાસ વસી જાય છે અને તેને સુંદર વસ્ત્રો પહેરાવીને રાજકુમારી સમક્ષ રજૂ કરવામાં આવે છે અને ધાર્યા મુજબ રાજકુમારી તેના રૂપ પર મોહીને લગ્ન કરી લે છે. લગ્ન પછી રાજકુમારીને અસલિયતનો ખ્યાલ આવે છે અને તે કાલિદાસને કાલિદેવીની ઉપાસના કરીને જ્ઞાની થવાનું વરદાન માગવા કહે છે. કાલિદેવીની ઉગ્ર તપશ્ચર્યા કરીને તેમની કૃપાથી સર્વ શાસ્ત્રોમાં પારંગત થઈને કાલિદાસ પાછા આવે છે ત્યારે રાજકુમારી પૂછે છે : ‘अस्ति कश्चित वाग्विशेषः ?’ (વાણીમાં કંઈ વિશેષતા આવી ?) આ પ્રશ્નના જવાબમાં કાલિદાસ ત્રણ અમર સાહિત્યકૃતિઓ રચે છે, જેનો આરંભ રાજકુમારીએ પૂછેલા પ્રશ્નના એક એક શબ્દથી થાય છે. મહાકાવ્ય કુમારસંભવની શરૂઆત થાય છે अस्ति શબ્દથી अस्ति उतरस्याम दिशि देवतात्मा हिमालयोनाम नगाधिराजः, पूर्वापरोतोय निधिम अगाह्य: स्थितः पृथ्वीव्यायाम इवमानंदडः । ખંડકાવ્ય મેઘદૂત આરંભાય છે અને कश्चित શબ્દથી (कश्चित्कान्ताविरहगुरुणा स्वाधिकारप्रमत्तः, शापेनास्तंगमितमहिमा वर्षभोग्येण भर्तुः।), તો મહાકાવ્ય રઘુવંશનો પ્રારંભ वाग શબ્દથી થાય છે. (वागर्था संपृक्तो वागर्थ प्रतिपत्तये, जगतः पितरौ वंदे पार्वती परमेश्वरशै ।), જો કે, કાલિદાસે પોતાની કોઈ પણ કૃતિઓમાં કાલિવંદના કરી નથી, તેથી આ હકીકતને સ્વીકારવી મુશ્કેલ લાગે છે.

કાલિદાસના મૃત્યુ અંગે પણ એક પ્રચલિત દંતકથા છે. આ કથા મુજબ કાલિદાસ સિલોનના મહારાજા કુમારદાસનો ગાઢ મિત્ર હતો. મહારાજા કુમારદાસ એટલે ‘જાનકીહરણ’ મહાકાવ્યના રચાયિતા. કાલિદાસ વિલાસી પ્રકૃતિના હોવાથી વારાંગનાઓ તેમ જ નર્તકીઓનો સંગ તેમને ગમતો. લંકામાં જતા ત્યારે તેઓ પોતાની પ્રિય રાજનર્તકીને ત્યાં જ ઉતરતા. એક વખત કુમારદાસે એક કાવ્યપંક્તિની પાદપૂર્તિની સ્પર્ધા રાખી અને कमले कमलोत्पत्तिः श्रृयते न तु द्रश्यते (કમળમાં કમળની ઉત્પત્તિ સાંભળીને) તેમણે તેની પૂર્તિ કરતું બીજું ચરણ તત્ક્ષણ રચી દીધું, જે આ મુજબ હતું : बाले तव मुखाम्भोजे द्रष्टमीन्दीवरद्वयम (હે બાળા ! તારા મુખરૂપી કમલમાં આ નયનરૂપી બે નીલકમલો અમે જોયાં છે.) આટલી સુંદર પાદપૂર્તિ જોઈને નર્તકીને ઈનામનો લોભ જાગ્યો અને રાતના પહોરે તેણે સૂતેલા કાલિદાસનું ખૂન કરાવ્યું. બીજે દિવસે સવારે તેણે રાજદરબારમાં પાદપૂર્તિ રજૂ કરી. કુમારદાસ પામી ગયા કે કાલિદાસ સિવાય બીજું કોઈ આવી કલ્પના કરી ન શકે. આથી તેમણે નર્તકીને ધમકાવી અને હકીકત પૂછી. નર્તકીએ ગભરાઈને બધું સાચેસાચું જણાવી દીધું. કુમારદાસને આ સાંભળીને ખૂબ જ આઘાત લાગ્યો. પોતાના પ્રિય મિત્ર કાલિદાસનો કાયમી વિયોગ સહન નહીં થઈ શકે એમ લાગવાથી કાલિદાસની જલતી ચિતામાં તેણે ઝંપલાવ્યું અને જાન આપ્યો. ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણના જણાવ્યા મુજબ સિંહલદ્વીપના માટર નામના દક્ષિણ પ્રાંતમાં કિરીન્દી નદીના કિનારે હજી પણ કાલિદાસની ચિતાનું સ્થાન બતાવવામાં આવે છે.

આ આખી કથા પણ છે રસપ્રદ. છતાં તેના તથ્ય અંગે મતભેદ છે. કેમ કે જાનકીહરણના રચાયિતા કુમારદાસ લંકાના રાજા નહીં પણ, ઈ.સ. 700 થી 725 દરમ્યાન થયેલા કવિ હતા. આ હકીકત ડૉ. કીથે સાબિત કરેલી છે. તેથી આપોઆપ જ કાલિદાસ અને કુમારદાસના કાળ વચ્ચે મોટો ગાળો પડી જાય છે. આમ, કાલિદાસના જીવન વિષે વધુ વિગતો જાણવાની જિજ્ઞાસા વણસંતોષાયેલી જ રહી જાય છે. કાલિદાસની કૃતિઓનો અભ્યાસ કરતાં આ જિજ્ઞાસા ઉત્તરોત્તર વધતી જ રહે છે કે તેઓ ક્યાં, કેટલું ફર્યા હશે, કેટલો અભ્યાસ કર્યો હશે અને કેટકેટલી કળાઓનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હશે. એક સજ્જ સર્જકને છાજે એ રીતે તેમણે પોતાની કૃતિઓમાં જે પણ વર્ણન કર્યાં છે, તે ખૂબ જ ઊંડાણપૂર્વક કર્યાં છે. અલંકારશાસ્ત્ર અને વ્યાકરણ ઉપરાંત કામશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ધનુર્વિદ્યા, આયુર્વેદ જેવી વિદ્યાઓના તે પ્રખર અભ્યાસી જણાય છે, તેમ તેમની પહેલાં થઈ ગયેલા નાટ્યકારો ભાસ, સૌમિલ્લ, કવિપુત્રનાં નાટકોના તેમ જ રામાયણ, મહાભારત, શ્રુતિ અને સ્મૃતિઓના પણ તેઓ ઊંડા જ્ઞાતા જણાય છે. સંગીત, નૃત્ય, ચિત્ર જેવી લલિતકલાઓનો તેમણે કરેલો ઉલ્લેખ વાંચીને એમ લાગે કે તેઓ તેમાં પણ નિપુણ હશે. આશ્રમજીવનનું તેમણે કરેલું ઝીણવટભર્યું વર્ણન વાંચતા લાગે કે જાતઅનુભવ વિના આવું લખી શકાય જ નહીં. એક સાચા સર્જક હોવાની આ જ નિશાની છે. તે જે પણ વિષયમાં ઉતરે તેને પૂરેપૂરો આત્મસાત કરીને જ જંપે.

સમગ્રપણે કાલિદાસની કૃતિઓના અભ્યાસ પછી એમ અવશ્ય લાગે છે કે તેઓ મૂળભૂત રીતે સૌંદર્યના પ્રેમી હતા. સંસારમાં તો શુભ અને અશુભ, સુંદર અને વિકરાળ એમ બન્ને પ્રકારનાં તત્વો છે, પણ કાલિદાસે તો હંમેશા સુંદરતાનો જ મહિમા કર્યો છે. તેમની રચનાઓને તે ચિરંતન બનાવે છે. મેઘદૂતના અનેકાનેક ભાષામાં થયેલા અનુવાદો પછી એકવીસમી સદીમાં પણ તૈયાર થયેલી તેની સાંગીતિક રજૂઆત આ હકીકતનો પુરાવો છે. (ડૉ. મનસુખભાઈ સાવલિયાના અભ્યાસલેખને આધારે)

[કુલ પાન : 80 (મોટી સાઈઝ, મલ્ટીકલર, પાકુંપૂઠું). કિંમત : 595. (સીડી સાથે). રૂ. 295 (સીડી વગર). પ્રાપ્તિસ્થાન : રજનીકુમાર પંડ્યા. ડી-8, રાજદીપ પાર્ક, મીરા ચાર રસ્તા, બળિયાકાકા રોડ, મણિનગર, અમદાવાદ-380028. ફોન : +91 9898015545. ઈ-મેઈલ : rajnikumarp@gmail.com અમેરિકામાં આ પુસ્તક મેળવવા માટે : Tatsat Mehta-Phone No-Resi-(704)542-6939 and Cell No-(704)780-8572 / Email-trmehta@hotmail.com]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગુજરાતી મોરી મોરી રે….. – વર્ષા અડાલજા
મળશું – હર્ષદ ત્રિવેદી Next »   

5 પ્રતિભાવો : મેઘદૂત : સચિત્ર સમશ્લોકી ગુજરાતી અનુવાદ સાથે – સં. રજનીકુમાર પંડ્યા

 1. Kiri Hemal says:

  અતિ ઉતમ લેખ!!!!!!!! મહાકવિ કાલિદાસના જીવનની આટલી મહિતી આપવા બદલ રીડગુજરાતીનો ખુબ ખુબ આભાર.

 2. Jigar Bhatt says:

  અતિ ઉત્તમ..

 3. અશોક જાની 'આનંદ' says:

  મહાકવિ કાલિદાસ વિષેની ઘણી રસપ્રદ માહિતી આ લેખમાથી મળી, તેમના વિષેના મતમતાંતર છતાં લેખ માહિતીસભર રહ્યો..

 4. ANKIT BHUPTANI says:

  ખુબ ખુબ સુન્દર્………….

  મહાકવિ કાલિદા ની અતિ જ્ઞાનસભર માહિતી આ લેખમાથી મળી.

  ધન્યવદ્….ખુબ ખુબ આભાર………………………………

 5. Vraj Dave says:

  શ્રીપંડ્યાસાહેબ આપ પાલીતાણાના પંડ્યાપરિવારના છો?
  વ્રજ દવે
  જામખંભાલીઆ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.