- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

કાળાં પાણીના ટાપુઓનો પ્રવાસ – અશ્વિન શાહ

[‘નવનીત સમર્પણ’ ઓગસ્ટ-2010માંથી સાભાર.]

[પ્રવાસની માહિતી]
આંદમાન નિકોબાર વિશે આપણે ત્યાં માહિતી ઓછી જોવા મળે છે. કેટલાકને તો આંદમાન ભારત દેશનો જ ભાગ છે, એની પણ જાણકારી હોતી નથી. કેટલાક મિત્રોએ ‘કાળાંપાણી’નો પ્રવાસ કરવા જાઓ છો, એવી ગમ્મત પણ કરી હતી. આથી જ આ લેખ દ્વારા સામાન્ય જનતા માટે થોડી માહિતી પ્રસ્તુત કરવાનો આશય છે. પ્રવાસનો આરંભ શુક્રવાર, તારીખ 27મી ફેબ્રુઆરીએ સુરતથી શતાબ્દી એક્સપ્રેસ દ્વારા મુંબઈ પ્રસ્થાન સાથે થયો. મુંબઈ 10:00 વાગ્યે પહોંચીને રાત એરપોર્ટ પર થોડી ઊંઘની ઝલપ સાથે પૂરી કરી. ચેન્નઈનું વિમાન સવારે 6:30 વાગ્યે ઊપડ્યું. અમે ચેન્નઈ 8:30 વાગ્યે પહોંચ્યા.

[પ્રથમ દિવસ]
ચેન્નઈ બે કલાક એરપોર્ટ પર રોકાયા બાદ 10:30 વાગ્યે કિંગફિશર વિમાનમાં મુસાફરી શરૂ કરી. 12:30 વાગ્યે પોર્ટબ્લેર પહોંચ્યા. પોર્ટબ્લેરમાં અગાઉથી બુક કરેલા મેગાપોડ રિસોર્ટમાં ગોઠવાયા. પોર્ટબ્લેર નાનું સરસ શહેર લાગ્યું. આ શહેર આંદમાનનું મુખ્ય શહેર છે. મોટા ભાગની વસ્તી અહીં છે. સરકારી કચેરીઓ આવેલી છે. સાંજે 4:30 વાગ્યે પોર્ટબ્લેરના એક માત્ર બીચ corbyn cave પર ગયા. હોટેલથી અર્ધો કલાકનો કારનો રસ્તો છે. આ બીચ નાનો છે અને રળિયામણો નથી. ત્યાંથી પાછા ફરતાં સાંજે cellularના પરિસરમાં આ જેલનો ઈતિહાસ બતાવતો ઓડિયો વિઝ્યુઅલ શો જોયો. પોર્ટબ્લેરમાં સવાર વહેલી પડે છે અને અંધારું પણ પાંચ વાગ્યે થઈ જાય છે.

[બીજો દિવસ]
સવારે 8:30 વાગ્યે વાંડુર બીચ ઉપર ગયા. પોર્ટબ્લેરથી આ બીચ 30 કિ.મી. દક્ષિણે છે. આ બીચ ખૂબ જ સુંદર છે. દરિયાનો તટ વિશાળ અને રમ્ય છે. ત્યાંથી બોટમાં દરિયાની અંદર કોરલ (પરવાળાં), માછલી તથા દરિયાઈ જીવો જોવા ગયા. આ બોટનું તળિયું કાચનું હતું, જેમાંથી રંગબેરંગી અને વિવિધ આકારના કોરલસમૂહ દેખાતા હતા. આ બીચ પર Snorkeiling એટલે શરીર પર ફલોટિંગ રિંગ પહેરીને, મોં તથા નાક પર માસ્ક અને ચશ્માં પહેરી તથા હવા માટે પાણીની બહાર ટ્યુબ રાખીને ડૂબકી લગાવીને અંદરના કોરલ અને માછલીઓ જોવા માટે લઈ જવામાં આવે છે. દરિયામાં થોડે અંતરે હોડી દ્વારા જઈ એમાંથી ઊતરીને Snorkeiling કરવાની મજા આવી. ત્રણ મિત્રોએ આનો આનંદ માણ્યો. પ્રથમ વાર જ આનો અનુભવ લેવાનો હતો એટલે થોડો ડર અને ભય લાગતા હતા. સાથે એક માણસ રહેતો હોવાથી તથા શરીર પર ફલોટિંગ રિંગ રાખી હોવાથી આમાં કોઈ ડર રાખવાની જરૂર નથી. દરેક જણ આનો અનુભવ કરી શકે છે. દરિયાની અંદર જવાથી ખૂબ જ સુંદર કોરલના સમૂહો તથા વિવિધ રંગવાળી માછલી જોવા મળે છે. ખૂબ જ રોમાંચક અનુભવ રહ્યો.

ત્યાંથી ફરતાં રસ્તામાં રબર બનાવવાની ફેક્ટરીની મુલાકાત લીધી. ત્યાર બાદ બપોરે સેલ્યુલર જેલ જોઈ. સેલ્યુલર જેલ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. જેલમાં 903 કોટડીઓ છે. આઝાદીનું આંદોલન કચડી નાખવા, ભારતના ક્રાંતિકારીઓને ‘કાળાંપાણીની સજા’ થતી. એમને આ જેલમાં પૂરવામાં આવતા અને અમાનુષી વર્તન કરવામાં આવતું હતું. કેટલાયે ક્રાંતિવીરો જેલમાં મરણ પામ્યા હતા. 1906માં એ જેલ બાંધવામાં આવી હતી. હાલમાં જેલનો થોડો ભાગ રાખવામાં આવ્યો છે. વીર સાવરકરને રખાયેલા તે કોટડીનું મહત્વ વધારે છે, કારણ કે આમજનતામાં તેઓ પ્રખ્યાત છે. સામે સરસ બગીચો છે. ત્યાં એકાદ કલાકની મુલાકાત બાદ હોટેલમાં વિરામ માટે ગયા.

[ત્રીજો દિવસ]
આજે અમારે પ્રખ્યાત હેવલોક ટાપુ પર જવાનું હતું. એક રાત ત્યાં જ રહેવાનું હતું. હેવલોક ટાપુ પોર્ટબ્લેરથી 54 કિ.મી. પૂર્વમાં છે. સવારે 6:30 વાગે શિપમાં ગયા. ત્યાં જતાં 4 કલાક લાગે છે. હેવલોક નાનું ગામ છે. કિનારા પર જરૂરી સામાન માટે થોડી દુકાનો છે. ડોલ્ફિન રિસોર્ટમાં અમારો ઉતારો હતો. આ રિસોર્ટ દરિયાકિનારે જ છે, રૂમમાંથી ખૂબ સુંદર શાંત દરિયાનાં દર્શન થતાં હતાં. બપોરે જમીને આરામ કરીને ત્યાંથી રાધાનગર બીચ ગયા. રાધાનગર બીચ દુનિયામાં ખૂબ સુંદર બીચોમાંથી એક છે. અહીં દરિયાનું પાણી ખૂબ જ ચોખ્ખું છે. નાહવાની મજા આવે એવો દરિયાકિનારો છે. બે કલાક દરિયાના પાણીમાં મજા કર્યા બાદ સૂર્યાસ્ત જોયો. અહીં સૂર્યાસ્ત ખૂબ સુંદર દેખાય છે. 5:30 વાગ્યે સૂર્ય અસ્ત થાય છે. ડોલ્ફિન રિસોર્ટમાં પાછા ફરીને વિરામ લીધો. રિસોર્ટની સામે દરિયામાં મળસકે 5:30 વાગ્યે સૂર્યોદય સરસ દેખાય છે. સવારે થોડા મિત્રોએ આ મજા માણી.

સવારે 9:30 વાગ્યે Elephant બીચ પર ગયા. બોટ દ્વારા એક કલાકનો રસ્તો છે. આ પણ ખૂબ સુંદર કોરલ બીચ છે. અહીં પણ Snorkeiling કરવાની મજા આવી. અહીં દરિયાની અંદરના કોરલસમૂહો તથા વિવિધ રંગ તથા પ્રકારની માછલીઓ જોવાની ખૂબ મજા આવી. આ અદ્દભુત અનુભવ હતો. 4:50 વાગ્યે પોર્ટબ્લેર જવા શિપમાં નીકળ્યા. શિપમાં વધુ પડતી ગરમીને લીધે થાક લાગ્યો. બે કલાકમાં પોર્ટબ્લેર પહોંચી હોટેલમાં આરામ લીધો.

[ચોથો દિવસ]
આ દિવસનો અનુભવ અલગ હતો. સવારે હોટેલથી 9:30 વાગ્યે માઉન્ટ હેરિયટ પર જવા કારમાં નીકળ્યા. માઉન્ટ હેરિયટ દરિયાની સપાટીથી 1183 ફીટ ઊંચો છે. અહીં અગાઉ બ્રિટિશ કમિશનરનો ગ્રીષ્મ આવાસ રહેતો હતો. પોર્ટબ્લેરથી 30 કિ.મી. દૂર છે. ફેરી બોટથી 20 મિનિટમાં પહોંચી જવાય છે. પહાડ પરથી આસપાસના ટાપુઓ જોવા ટાવર બનાવવામાં આવ્યા છે. નીચે પોર્ટબ્લેર તથા નજીકના ટાપુઓ અને દરિયાનાં સુંદર દશ્યો જોવા મળે છે. ત્યાં ટ્રેકિંગ માટે સગવડ છે. લગભગ 15 કિ.મી. જેટલું ટ્રેકિંગ જંગલમાં થઈ શકે છે. અમે થોડા મિત્રોએ સખત ગરમી હોવા છતાં 3 કિ.મી. જેટલા ટ્રેકિંગનો આનંદ માણ્યો હતો.

બપોરનો સમય હોવાથી દરેકને કડકડતી ભૂખ લાગી હતી. માઉન્ટ હેરિયટ પર ફોરેસ્ટ ગેસ્ટરૂમ છે. તેના રસોઈયાઓએ તરત જ ભોજન બનાવી આપ્યું, જેને લીધે પહાડ પર જંગલમાં આકસ્મિક પિકનિકનો આનંદ પ્રાપ્ત થયો. માઉન્ટ હેરિયટથી વળતાં પોર્ટબ્લેરમાં બજારમાંથી દરિયાઈ તથા હેન્ડિક્રાફટની ચીજો ખરીદી. સરકારના ખાદીગ્રામોદ્યોગના બે સ્ટોર છે, જ્યાં આવી ચીજો મળે છે. ખાસ કરીને મોતી, શંખો વગેરે લેવામાં લોકોને રસ રહે છે.

[પાંચમો દિવસ]
આ દિવસે સવારે 4:45 વાગ્યે મડ વોલ્કેનો તથા લાઈમ સ્ટોન કેવ્સ (ગુફાઓ) જોવા નીકળ્યા. આ માટે 4 કલાકની બસની મુસાફરી હતી. રસ્તામાં જંગલ અને જારવા આદિવાસીના વિસ્તારમાંથી જવાનું હતું. આ વિસ્તારમાંથી 8-10 ગાડીઓના કાફલાને સાથે જ જવા દે છે. એકલદોકલ જવું જોખમ છે. સવારે 6:00 વાગ્યે જંગલના દરવાજા ખૂલે છે. ત્યાંથી બધી ગાડીઓને સાથે જવા દે છે.

ત્રણ કલાક ફેરીબોટમાં ચૂનાની પથ્થરની ગુફાઓ જોવા માટે બારટંગા ટાપુ પર લઈ જવામાં આવે છે. ત્યાંથી બે હોડીમાં 12-12 જણને સામે કિનારે લઈ જવામાં આવે છે. અમે ત્યાં ગયા, ત્યાં પૂરી-શાકનો નાસ્તો આપવામાં આવ્યો. હોડીમાં 20 મિનિટમાં સામે કિનારે જઈને આ ગુફાઓ જોવા ગયા. કિનારાથી 1.6 કિ.મી ચાલવાની પગદંડી છે. વર્ષો પહેલાં ધરતીકંપથી દરિયાનું પાણી આ પહાડોની અંદર ઘૂસી જવાથી ગુફામાં ઉપરથી પાણી પડે છે તેથી ઝાડનાં મૂળિયાં પર ચૂનાના સ્ફટિકો જામીને જુદા જુદા આકાર દરિયાના પાણીથી થયેલા ઘસારાના લીધે બની ગયા છે. અંધારામાં ગુફામાં જતાં આરસ જેવા ચૂનાના પહાડો પર ગણપતિ, વાઘના પંજા અને નખ જેવા વિવિધ કલાત્મક આકારો જોવા મળે છે. અંદર અંધારું અને હવાનું ભ્રમણ ઓછું હોવાથી હૃદયરોગવાળા દર્દીઓએ આ ગુફા જોવા જવું હિતાવહ નથી.

વળતાં કિનારા પર આવી કાદવનો જ્વાળામુખી (Mud Volcano) જોવા ગયા. પૃથ્વી પર બે જાતના જ્વાળામુખી છે. એક લાવાઓના બનેલા અને બીજા કાદવ/માટીઓના બનેલા હોય છે. આ જ્વાળામુખી ઠંડા હોય છે, આથી લાવા જેટલા ભયજનક નથી. પરંતુ આસપાસની વનસ્પતિને નુકશાન કરે છે તથા ઘણી વાર ઝેરી ગેસો પણ નીકળે છે. હાલમાં જ્વાળામુખી જીવંત નથી. આથી નજીક જઈ શકાય છે. અર્ધો કલાક એ જોઈને બસમાં હોટેલ પર સાંજે પહોંચ્યા. મળસકે ખૂબ વહેલા ઊઠીને આખા દિવસનો પ્રવાસ ખૂબ થકવનારો રહ્યો. રસ્તામાં જારવા આદિવાસીઓ જોવા મળ્યા. અર્ધનગ્ન, નગ્ન અને ઠીંગણા, ચળકતી કાળી ચામડીવાળી હાલતમાં તેઓ હતા. આ આપણા દેશની આદિવાસી પ્રજા છે. વર્ષોથી આ જ હાલતમાં રહે છે. દરેકની પાસે તીરકામઠાં હોય છે અને તેઓ રખડુ જીવન જીવે છે. હુમલો કરી બેસે એવો ભય રહે છે. આ આદિવાસીઓને ખોરાક કે કંઈ પણ આપવાની સખત મનાઈ છે તથા રસ્તામાં જોવા માટે બસ ઊભી રાખવાની અને વિડિયો/ફોટાની મનાઈ છે. આથી એમનો વધુ સંપર્ક થઈ શક્યો નહીં.

આ સમગ્ર પ્રવાસમાં વારંવાર સુનામીને લીધે તારાજી જોવા મળતી હતી. કેટલું ભયાનક નુકશાન થયું હતું તે સાથેના ડ્રાઈવર દેખાડતા હતા, હજી પણ કેટલીયે જગ્યાએ ઘરો તૂટેલાં હતાં. પાણી ભરેલું હતું. આંદામાન ટાપુઓમાં એક ખાસ અને મહત્વની વાત ધ્યાનમાં આવી. દરેક બીચ અને જોવાલાયક કુદરતી સ્થળો Eco friendly રાખવા માટે કાયદાનું પાલન સખતાઈથી કરવામાં આવે છે. કોઈ પણ જગ્યાએ પ્લાસ્ટિકની બોટલ કે કચરો ફેંકવા દેવામાં આવતો નથી. દરિયાના પાણીમાં પણ પ્લાસ્ટિક વગેરે ફેંકવાની મનાઈ છે. જંગલોમાં આવા પ્રદૂષિત રસ્તાઓ દેખાતા ન હતા. જો આ કાળજી કાયમ રખાશે તો આ બીચો ભવિષ્યમાં પ્રવાસ માટે સ્વચ્છ અને રમ્ય રહેશે.

[છઠ્ઠો અને છેલ્લો દિવસ]
આજે ફરી ઘરે આવવા નીકળવાનું હતું. પ્રવાસ પૂરો થયો હતો. આંદમાનના પ્રવાસથી બધા ખુશ હતા, છતાં ઘરે આવવાની તાલાવેલી પણ દરેકના ચહેરા પર દેખાતી હતી. હોટેલ સવારે 5:30 વાગ્યે છોડી એરપોર્ટ આવ્યા. વિમાન 7:15 વાગ્યાનું હતું, ત્યાંથી ચેન્નઈ 9:30 વાગે આવ્યા. ચેન્નઈથી વિમાન સાંજે 7:00 વાગ્યાનું હતું. આથી ટેક્સી કરીને ચેન્નઈના એક મોલમાં થોડી ખરીદી કરી અને પ્રખ્યાત વુડલેન્ડમાં બપોરનું સાઉથ ઈન્ડિયન થાળીનું ભોજન લીધું. સાંજે પ્લેનમાં મુંબઈ 9:00 વાગ્યે આવી, મુંબઈ સેન્ટ્રલથી બરોડા એક્સપ્રેસ ટ્રેનમાં સવારે 4:00 વાગ્યા સુધીમાં પહોંચી ગયા. આખા પ્રવાસનું આયોજન અમારા સાથી મિત્ર શ્રી અશોકભાઈ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું જે ખૂબ જ ચોકસાઈભર્યું થયું હોવાથી અમારો પ્રવાસ ખૂબ સુખરૂપ સંપન્ન થયો.

આંદમાન નિકોબાર પ્રવાસ માટે પાંચ દિવસ ઓછા પડે છે. અમારે વધુ સમય ન હોવાથી અંગ્રેજોની જૂની રાજધાની રોઝ આઈલેન્ડ તથા અન્ય નાના ટાપુઓ ન જોઈ શકાયા. પોર્ટબ્લેર શહેરમાં એન્થ્રોપોલોજિકલ, માછલીઓનું મ્યુઝિયમ વગેરે જોવાલાયક સ્થળો હોવા છતાં સમયના અભાવે ન જોઈ શકાયા. નિકોબાર ટાપુ જોવા માટે પ્રતિબંધ છે, પરંતુ ભારત દેશના છેક છેવટના, દક્ષિણના પોઈન્ટે (ઈન્દિરા પોઈન્ટ) જઈ શકાય છે એવી માહિતી મળી. જોકે એ માટે વધુ દિવસની જરૂર પડે છે. આથી અમારે આ પાંચ દિવસના પ્રવાસનો આનંદ માણીને સંતોષ માનવો પડ્યો.