નદિયા ગહરી, નાવ પુરાની – અમૃતલાલ વેગડ

[વિચાર, વિનોદ અને જુદી જુદી કથાઓ પર આધારિત લેખકના પુસ્તક ‘નદિયા ગહરી, નાવ પુરાની’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિસ્થાનની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] ઘણી ખમ્મા મારા ફ્રિજને !

વર્માજી અહીંની પોલિટેકનિકમાં લેકચરર હતા. ત્યાં જ અમારી આર્ટ-કૉલેજ. એમને કળામાં રસ. એથી જ્યારે નવરા પડે ત્યારે અમારે ત્યાં આવે. આમ અમારી મૈત્રી બંધાઈ. યુનેસ્કોની સ્કૉલરશિપ મળવાથી એક વરસ માટે અમેરિકા ગયા. ત્યાંથી આવ્યા પછી ભોપાલના ટી.ટી.ટી.આઈમાં પ્રોફેસર થયા. મૉરિશશ સરકારના આમંત્રણ થકી મૉરિશસ ગયા અને ત્યાં સાત વર્ષ રહ્યા. હવે ભોપાલમાં રહે છે. જબલપુર આવ્યા તો મળવા આવ્યા. મેં સહેજ પૂછ્યું : ‘વર્માજી, આટલાં વર્ષોથી ભોપાલમાં રહો છો તો અરેરા કૉલોનીમાં મકાન તો બાંધ્યું જ હશે.’
વર્માજીએ હસીને કહ્યું : ‘મકાનની વાત છોડો, ફ્રિજ ખરીદતાં 20 વર્ષ થયાં !’
‘વીસ વર્ષ ? માન્યમાં નથી આવતું.’
‘માંડીને વાત કરું.’ કહીને એમણે બોલવાનું શરૂ કર્યું.

‘લગભગ 45 વર્ષ પહેલાંની વાત છે. નવાં નવાં લગ્ન થયેલાં. પત્નીના પિયરમાં ફ્રિજ હતું. હવે પિયરમાં કોઈ ચીજ હોય અને સાસરામાં ન હોય તો વિકટ પરિસ્થિતિ સર્જાય. તેમાં વળી એક દિવસે પ્રોફેસર સકસેના આવ્યા. સાથે એમનાં પત્ની પણ હતાં. પત્નીની સાડી હજારની તો હશે જ. મારી પત્ની જોતી જ રહી ગઈ. ચા-નાસ્તો કરાવ્યો. પાણી આપ્યું. એમનાં પત્નીએ કહ્યું : ‘ઠંડુ પાણી નથી ?’
મારી પત્નીએ કહ્યું : ‘ઠંડું જ છે. માટલાનું છે.’
એમનાં પત્નીએ કહ્યું : ‘અમે તો ફ્રિજનું જ પાણી લઈએ છીએ. માટલાનું પાણી એટલું ઠંડું નથી થતું.’
હજી સાડીનો ઘા રૂઝાયો નહોતો ત્યાં આ ફ્રિજનો ઘા આવી પડ્યો. મારી પત્ની માટે એ અસહ્ય થઈ પડ્યો. એ લોકો ગયા એટલે એણે ફ્રિજની હઠ પકડી. બાળકોના દોસ્તોને ઘેર પણ ફ્રિજ એથી તેઓ તો પહેલેથી જ એને ફ્રિજ લેવા માટે ઉશ્કેરી રહ્યા હતા. આ ઉશ્કેરણીને લીધે ફ્રિજ વગર ચલાવવું બહુ મુશ્કેલ થઈ ગયું. હું પણ કોઈને ત્યાં જતો તો ગૃહસ્વામી પત્નીને કહેતા, ‘વર્માજી આવ્યા છે, ફ્રિજનું ઠંડું પાણી લાવજે.’ થોડા દિવસ તો સાંભળતો રહ્યો, પણ પછી ફ્રિજના ઠંડા પાણીની વાત સાંભળતા જ તનમનમાં આગ લાગી જતી. કેટલાક તો ડ્રોઈંગરૂમમાં જ ફ્રિજ રાખતા જેથી બધા તેમનો વૈભવ જોઈ શકે. ફ્રિજ વગર અમારા માટે સભ્ય લોકોમાં ખપવું અઘરું થઈ પડ્યું. ફ્રિજ રહેવાથી ઘરધણી સમાજનો ગણનાલાયક અને માનવંતો માણસ ગણાતો. મારો અહં પણ જાગ્યો. હુંયે ગેઝેટેડ ઑફિસર છું. ફ્રિજ ખરીદી શકું છું. ફ્રિજ ખરીદવાનું નક્કી કર્યું.

એ સમયે મને કુલ 300 રૂપિયા મળતા અને ફ્રિજ 1500માં આવતું. પાંચ મહિનાનો પગાર ! આથી એક બાજુ કરકસર શરૂ કરી અને બીજી બાજુ વધુ આવક થાય એ માટે પરીક્ષાઓમાં સુપરવિઝનનું કામ કરતો. ઉત્તર પુસ્તિકાઓ તપાસતો અને પેપર પણ સેટ કરતો. વર્ષોની જહેમત બાદ 1500 એકઠા થયા. ઘરમાં ફ્રિજ ક્યાં રાખવું એની ચર્ચા-વિચારણા થઈ. આઈસ્ક્રીમ બનાવવાની વિધિનાં પુસ્તકો વંચાયા. પાડોશીઓને નોતરાં અપાયાં અને બાળકોએ તો ફ્રિજ માટે દેશી નામ પણ વિચારી લીધું : ટાઢું ટબૂકલું ! હું ફ્રિજ લેવા ગયો. દુકાનદાર ઓળખવા લાગ્યો હતો. મનમાં આશા હતી કે ફ્રિજને ઘેર પહોંચાડવાનું ભાડું એ નહીં લે. એને રૂપિયા 1500 રોકડા આપીને ઘરનું સરનામું સમજાવ્યું ત્યાં તો એણે કહ્યું કે ફ્રિજ તો 2500 રૂપિયાનું થઈ ગયું છે ! હું સડક થઈ ગયો. જેમતેમ જાતને સંભાળી લઈ ઘેર પાછો ફર્યો. ઘરમાં સૌ ફ્રિજની રાહ જોતાં બેઠાં હતાં. ત્યાં મને ખાલી હાથે આવેલો જોઈને પત્નીને ફાળ પડી. મારી વાત સાંભળીને પત્નીનું મોં ચડ્યું, દીકરીનું મોં પડ્યું અને દીકરાનું મોં હાંડલા જેવું થઈ ગયું. એમનાં મોં જોઈને મારું મન દુઃખી દુઃખી થઈ ગયું.

ભાગ્યથી થોડા મહિના પછી મારું પ્રમોશન થઈ ગયું. લેકચરરમાંથી પ્રોફેસર થયો અને છેવટે વિભાગાધ્યક્ષ પણ થયો, પગાર પણ વધ્યો. હવે જરૂર ફ્રિજ ખરીદી શકીશ, પરંતુ ફ્રિજ 3000નું થઈ ગયું હતું. જેમ જેમ ફ્રિજની કિંમત વધતી ગઈ, તેમ તેમ મારી જીદે વધતી ગઈ. ગાંડાની જેમ વધુ નોટબુકો તપાસતો ને વધુ ઈનવિજિલેશનનું કાર્ય કરતો, જેમ તેમ કરીને 3000 રૂપિયા એકઠા કર્યા. પરંતુ ત્યાં સુધી તો ફ્રિજ 4500 રૂપિયાનું થઈ ગયું હતું ! હું ભાંગી પડ્યો.

પરંતુ એ પછી મને યુનેસ્કોની સ્કૉલરશિપ મળી અને એક વર્ષ માટે હું અમેરિકા ગયો. ત્યાંથી સારા પૈસા લાવ્યો. હવે કોઈ પણ કિંમતે ફ્રિજ ખરીદી શકું એમ હતું. પણ એની કિંમત નહોતી વધી, 4500 જ હતી ! હું નિરાશ થયો. જે વાતનો આનંદ થવો જોઈતો હતો, એ વાત પર દુઃખ થયું. ખેર, આ વેળા ગઢ જીતી લીધો. ફ્રિજરૂપી મંગળ ઘટની ઘરમાં પધરામણી થઈ. પરંતુ 20 વર્ષ પહેલાં મનમાં ફ્રિજ અંગે જે ઘેલછા હતી, એ હવે ન રહી. દીકરી પરણીને સાસરે ચાલી ગઈ હતી. દીકરો અમેરિકા ચાલ્યો ગયો હતો. મને અસ્થમા છે. ઉકાળેલું નવશેકું પાણી પીવું પડે છે. આમ ફ્રિજ આવ્યું ત્યારે એની ખાસ ઉપયોગિતા ન રહી. તેમ છતાં ‘ઘણી ખમ્મા મારા ફ્રિજને !’ કહીને પત્નીએ એને આવકાર્યું. પિયર ભાભીને કાગળ લખ્યો, અમારે ઘેર પણ ફ્રિજ આવી ગયું છે ! હવે તમે જ વિચાર કરો – ફ્રિજ ખરીદતાં મને 20 વર્ષ થયાં તો મકાન બાંધતાં કેટલાં વર્ષ થયાં હોત ! તેમ છતાં, મકાન ન બાંધવાના મારા કારણ સાંભળવાં હોય તો એ પણ કહું.’ આટલું કહીને, નવશેકું પાણી પીને વર્માજીએ પોતાની કથાનો બીજો ભાગ સંભળાવવો શરૂ કર્યો.

[2] ન બાંધવું, ન વેચાતું લેવું, બસ ભાડેથી રહેવું !

‘મારા પિતાને મકાન બાંધવા જતાં એક જ વરસમાં દસ વરસ ઘરડાં થઈ જતાં મેં જોયા છે. પોતાની કલાર્કની નોકરીમાંથી પૈસા બચાવીને, મારી માનાં ઘરેણાં વેચીને, પૈસા વ્યાજે ઉપાડીને જ્યારે એમણે મકાન બાંધ્યું, ત્યારે આખા ઘર પર વિષાદની કાળી છાયા અનેક વર્ષો સુધી ફરી વળેલી. પૈસાની ખેંચના લીધે ઈંટ જો ઈશાન ખૂણે સસ્તી મળતી તો ત્યાંથી લાવતા. લાકડું આગ્નેય દિશામાં સોંઘું મળતું તો ત્યાં જતા, વાંસ વાયવ્યમાં ને નળિયાં નૈઋત્યમાં સસ્તાં મળતાં તો ત્યાં જતા. સસ્તા સામાન માટે દશે દિશામાં ચાલી નીકળતા. પોતાના ઉપર અત્યાચાર જ કરતા. આના લીધે હંમેશા હસતા રહેતા પિતાજી દુર્વાસા બની ગયા. કાયમ ગુસ્સામાં રહેતા. ઘરમાં શાકપાંદડું આવતું લગભગ બંધ થઈ ગયું. દૂધ અડધું થઈ ગયું. મહિનાના છેલ્લા દિવસોમાં જો મંજન ખતમ થઈ જતું તો ચાર-પાંચ દિવસ સુધી કોલસાની ભૂકી અને મીઠાથી કામ ચલાવવું પડતું. ભાડૂત રાખવાની વાત પહેલેથી જ વિચારી લેવામાં આવી હતી. મકાનમાં વધુમાં વધુ ભાડૂત રાખી શકાય એથી ઓરડા નાના ને નાના થતા ગયા અને અમારે તો પાછળની નાની ખોલીઓમાં જ રહેવું પડેલું. પિતાએ પહેલાં બાઉન્ડ્રી વૉલ કરવાનું વિચારેલું, પરંતુ પૈસા ખૂટી જતાં મેંદીની વાડથી સંતોષ કરવો પડેલો. મકાન બની ગયા પછી શરૂ થયા મકાનમાલિક અને ભાડૂતો વચ્ચેના ઝઘડા ! એ દિવસોને યાદ ન કરવા જ સારા.’

‘પણ વર્માજી, તમારી આર્થિક સ્થિતિ તો ખૂબ સારી છે. સહેલાઈથી મકાન બાંધી શકો છો. વળી આજકાલ તો બૅન્કો પણ મકાન બાંધવા માટે લોન આપે છે. તેમ છતાં કાં ન બાંધ્યું ?’
‘મારી આર્થિક સ્થિતિ સારી છે. પણ થયું કે જો મકાન બાંધવા જઈશ તો મારી માનસિક સ્થિતિ બગડી જશે. ધારો કે મેં મકાન બાંધવું શરૂ કર્યું. હવે એક પરગજુ મિત્ર આવશે ને કહેશે કે મકાન વાસ્તુશાસ્ત્ર મુજબ બનાવી રહ્યા છો કે નહીં ? નહીં તો દુઃખી થઈ જશો. ત્યાં બીજો મિત્ર કહેશે કે વાસ્તુશાસ્ત્ર એ પેટ ભરવાના ધંધા સિવાય બીજું કાંઈ જ નથી. તમે એમના ચક્કરમાં ન પડતા. ત્રીજો મિત્ર કહેશે, આજકાલ બજારમાં નકલી સિમેન્ટની ભરમાર છે. જોઈને જ લેજો નહીં તો મકાન બેસી જશે. ચોથો કહેશે કે બારીબારણાં માટે સ્ટૉપર, નકૂચા વગેરે દિલ્હીથી લાવજો. ત્યાં સસ્તાં ને સારાં મળશે. બીજો કહેશે કે ભૂલેચૂકેય દિલ્હી ન જતા, ત્યાં જશો તો ઠગાઈ જશો. એ તો મુંબઈથી જ લેજો. આમ મારું સલાહકાર મંડળ દિવસોદિવસ વિસ્તરતું જશે. વળી કોઈક અનુભવી સ્નેહી આવીને કહેશે કે મકાન શરૂ કરવું તો સહેલું છે પણ પૂરું કરવું બહુ મુશ્કેલ છે. શાનદાર મકાન બાંધવાની હોંશમાં આપણે બજેટ કરતાં ઝાઝું વેતરીએ છીએ અને પછી પૈસા ખૂટી જાય છે ત્યારે આપણો મકાન બાંધવાનો ઉત્સાહ ઓસરવા લાગે. એવું લાગશે જાણે અધૂરું મકાન કોઈક દાનવની જેમ એની ક્રૂર આંખો ફાડી આપણી તરફ જોઈ રહ્યું છે !’

વર્માજીની વાત હું રસપૂર્વક સાંભળી રહ્યો હતો. ‘જે મિત્રો મકાન બાંધી ચૂક્યા છે એમના અનુભવ પરથી કહું છું કે મકાન પૂરું થતા સુધીમાં આપણી હાલત અધમૂઆ જેવી થઈ જાય છે. અને બીજે જ વરસે આપણે જોઈએ છીએ કે કોઈક દીવાલ ફસકી ગઈ છે, કોઈકમાં તિરાડ પડી ગઈ છે, ક્યાંકથી પ્લાસ્ટર ઊખડી ગયું છે, કોઈક દીવાલને પડખેથી પાણી ચૂઈને ટપકે છે તો કોઈક દીવાલમાંથી ભેજ ઝમે છે ! પછી તો મરામત કરાવવા જેટલીય હામ નથી રહેતી ! વળી મકાન બની જતાં જ ટેક્સોનો તો જાણે રાફડો ફાટશે ! હમણાં ઈન્કમટેક્સથી જ પરેશાન છું. કેમ આ જાણે ઓછો હોય તેમ આવશે પ્રોપર્ટી ટેક્સ, કોર્પોરેશન ટેક્સ, મેઈન્ટેનન્સનું ખર્ચ ! રકમ જો વ્યાજે લીધી હોય તો એના હપ્તા ! ત્યારે થાય કે આના કરતાં તો ભાડાનું મકાન શું ખોટું હતું !’

એક કુશળ ચિત્રકારની જેમ વર્માજી એક ભયાનક ચિત્ર દોરી રહ્યા હતા. ‘ધારો કે પાડોશીનું મકાન મારા મકાન કરતાં ઘણું સારું બન્યું તો મારા તનમનમાં આગ લાગી જશે ! મનમાં ને મનમાં વિચારીશ કે એના મકાન પર વીજળી પડે ! અથવા ધરતી મારગ આપે ને એ એમાં સમાઈ જાય ! ખેર, આપણે ગમે તેટલું સારું મકાન કાં ન બાંધીએ, આવનાર પેઢીને કઢંગું જ લાગવાનું. એને એમાં કેટલીય ખોડખાંપણ દેખાશે. સૌ પ્રથમ તો એમને મકાનની ડિઝાઈન જ નહીં ગમે. કહેશે, કિચન કેટલું નાનું છે, આવડા મોટા આંગણાની શી જરૂર હતી, છત આવડું ઊંચું શા માટે, બાથરૂમ આટલે દૂર શા માટે ! ફરસ તો નહીં જ ગમે. મકાન એમને તબેલા જેવું લાગશે. આ તો બકરાનો જાન ગયો અને ખાનારને મજા ન આવી એના જેવું થયું ! વળી, ભાગ્યે જ કોઈ કુટુંબ હશે જેમાં વંશપરંપરાની મિલકતને લઈને ભાઈભાઈ વચ્ચે ઝઘડા ન થયા હોય. ભાગ્યે જ કોઈ મકાન હશે જે ભાગલા થકી નાના નાના ટુકડાઓમાં વહેંચાઈને વિરૂપ ન થયું હોય.’

મને લાગ્યું કે વર્માજીની વાતમાં પૂરી સચ્ચાઈ ભલે ન હોય, પણ આંશિક સચ્ચાઈ તો છે. પોતાની વાતનું સમાપન કરતાં એમણે કહ્યું : ‘આ બધું જોતાં મકાન બાંધવાનો વિચાર મારા મનમાં ક્યારેય ન આવ્યો. હિંદીમાં એક કહેવત છે – મકાન બનાકે દેખો. બેટી બ્યાહકે દેખો. હું આ કહેવતથી પૂરેપૂરો સંમત છું. બંને કપરાં ચઢાણ છે. આની સાથે અંગ્રેજીની કહેવત પણ યાદ આવે છે જેનો અર્થ છે મૂર્ખાઓ મકાન બાંધે, ડાહ્યાઓ રહે. હું આ કહેવત જોડે જરા પણ સંમત નથી. મકાન બાંધનાર મૂર્ખ નહીં પણ બહાદુર મરદો હોય છે. મકાન બાંધીને આપણને કેટલી બધી યાતનામાંથી ઉગારી લે છે ! આમાં એક જ ગરબડ છે. મકાન વેચાતું લેવા જતાં ખુદ આપણે વેચાઈ જઈએ છીએ ! લક્ષ્મીનો મંગળઘટ ખાલી થઈ જાય છે. એથી ભાઈ, ન મકાન બાંધવું, ન ખરીદવું, બસ ભાડેથી રહેવું ! જ્ઞાનીઓનું કહેવું છે કે આપણા આત્માએ આપણા શરીરને ભાડેથી લીધું છે. એણે નથી બાંધ્યું, નથી ખરીદ્યું, બસ ભાડેથી લીધું છે. હવે જો આત્મા જેવો આત્મા-અજર, અમર, અવિનાશી આત્મા-ભાડાના મકાનમાં રહી શકે, તો આપણે કાં ન રહી શકીએ ?

[કુલ પાન : 184. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : આર.આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’ રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ-380001. ફોન : +91 79 25506573. ઈ-મઈલ : sales@rrsheth.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મોટા કહે તેમ કરીએ, કરે તેમ નહિ – મંજરી ગાંધી
કાળાં પાણીના ટાપુઓનો પ્રવાસ – અશ્વિન શાહ Next »   

17 પ્રતિભાવો : નદિયા ગહરી, નાવ પુરાની – અમૃતલાલ વેગડ

 1. મધ્યમવર્ગનાં મનોરાગો નું મસ્ત વર્ણન!

  “હવે કોઈ પણ કિંમતે ફ્રિજ ખરીદી શકું એમ હતું. પણ એની કિંમત નહોતી વધી, 4500 જ હતી ! હું નિરાશ થયો. જે વાતનો આનંદ થવો જોઈતો હતો, એ વાત પર દુઃખ થયું.” – માલગુડી days કે લાપતાગંજ જોતા હોઈએ તેમ લાગ્યું!

  “પૈસાની ખેંચના લીધે ઈંટ જો ઈશાન ખૂણે સસ્તી મળતી તો ત્યાંથી લાવતા. લાકડું આગ્નેય દિશામાં સોંઘું મળતું તો ત્યાં જતા, વાંસ વાયવ્યમાં ને નળિયાં નૈઋત્યમાં સસ્તાં મળતાં તો ત્યાં જતા.” – અદ્ભૂત

  હવે ઘર બનાવવાનો સમય આવ્યો છે ત્યારે આવું કેમ વાંચવા મળે છે?

 2. સાવ સાચી વાત.

  કોઇ વસ્તુ માટે ની સરખામણી વિનાશ નોતરે છે.

 3. જગત દવે says:

  મધ્યમ-વર્ગ અને મોંઘવારી ને ચોલી-દામન જેવો સાથ છે. મારા પિતાજી પણ શિક્ષણ વ્યવસાય જોડે સંકળાયેલા હતાં. અને માટે આવા અનેક અનુભવોનો હું ભાગીદાર રહ્યો છું.

  ૧. પિતાજીએ નવી સાયકલ લીધેલી ત્યારે પડોશીઓ ને આઈસક્રીમ પાર્ટી આપેલી. જે હવે કાર લીધા પછી પણ નથી અપાતી.
  ૨. મિક્સચર સરકારી કર્મચારીનાં ક્વોટામાં નોંધાવેલું અને નોંધાવ્યા પછી ૬ મહીને આવેલું. (ત્યારે મિક્સચરની પણ હોમ ડીલિવરી થતી)
  ૩. કલર ટી. વી. લીધું તો ખરું પણ કલર જોવાં રાત્રે ૧૦ વાગ્યા સુધી રાહ જોવી પડતી. અગાસી પર ચઢીને હું એન્ટેના ફેરવતા ફેરવતાં હું બુમો પાડીને પુછતો “કલર આવ્યા?”

  એ દુઃખો હતાં કે આનંદ હતો? કહે છે…… કે ભુતકાળ ને યાદ કરવો તો સારો લાગે પણ તે પરીસ્થિતીમાં ફરી મુકાવું કદાચ કોઈ પસંદ ન કરે. 🙂

  આ લેખ વાંચીને એ દિવસો યાદ આવી ગયા. લેખક ને ધન્યવાદ અને મૃગેશભાઈ નો આભાર.

 4. Vipul Panchal says:

  બહુજ મજા આવી.

 5. nayan panchal says:

  આજની પેઢી જો મોબાઈલ બંધ થઈ જાય કે ઇન્ટરનેટ ન ચાલતુ હોય તો જાણે તેમને કાળાપાણીની સજા થઈ ગઈ હોય તે રીતે મંદ ડીપ્રેશનમાં જતા રહે છે. ફ્રીઝ વગર ૨૦ વર્ષ કાઢી શકાય તે વાત તેઓ કેવી રીતે માનશે અને સમજશે?

  મકાનવાળો પ્રસંગ પણ એકદમ પ્રસ્તુત. મારા પિતાજી સરકારી કર્મચારી, ઉપરની આવક ન કરતા હોવાથી તેમને પોતાનુ ઘર બનાવવાનુ સાહસ માંડતા ઘણો સમય લાગ્યો. પરંતુ તેમના આયોજનના લીધે સાહ્સને સારી રીતે પાર પાડ્યુ. હું જ્યારે નાનો હતો ત્યારે તેમની અન્યો સાથે સરખામણી કરતો કે ફલાણા આ પોસ્ટ પર છે, આ રીતે વધુ કમાય છે, તમે પણ આવુ કંઈક કરતા હો તો. ત્યારે તેઓ વાતને હસીને ટાળી દેતા કે તેમનો મત સમજાવતા. મને સમજ ન પડતી. મને થતુ કે જે સુખ વસ્તુઓ (કાર, એસી) કે વધુ પૈસા આપી શકે તે આવા નિતીનિયમો કેવી રીતે આપી શકે. હવે થોડું થોડું સમજાય છે.

  અમારી પેઢી તો રીતસરની રેટરેસમાં લાગેલી છે. બહુ ઓછા એવા હોય છે કે જેઓ અસલામતીની લાગણીથી પીડાતા નથી. અસલામતીની લાગણીથી પીડાવુ ખોટું નથી, મહત્વનુ એ છે કે તમે શાના માટે અસલામતીની લાગણીથી પીડાઓ છો.

  જ્યારે કોઈક ભૌતિક વસ્તુ ન હોવાનો વસવસો ઘેરી વળે ત્યારે આ લેખ વાંચી લેવુ હિતાવહ છે.
  ખૂબ આભાર.

  નયન

  • જગત દવે says:

   નયનભાઈ, ખુબ કહ્યું!!!

   ફ્રીઝ બાબતે અમારા ઘરે ઊલટી ગંગા વહેલી…..મારા પિતાજી ફ્રીઝ ખરીદવા દબાણ કરતાં અને પરીવારનાં બાકીનાં લોકો ફ્રીઝની વિરુધ્ધમાં હતાં. નાનું ગામ….સુકો પ્રદેશ એટલે ૨-૩ દિવસ સુધી વસ્તુઓ ન બગડે. વાસી રસોઈ તો ખાવાની તો આદત જ નહી (Thanks to Mom). બધી જ વસ્તુઓ તાજી ને માગો ત્યારે મળે. હવા પણ એટલી કે માટલાનું પાણી પણ ખુબ ઠંડુ થાય. છેવટે આસપાસનાં ઘરે ફ્રીઝ આવવા લાગ્યા….પાડોશીઓ પણ આશ્ચર્ય વ્યકત કરવા લાગ્યા ત્યારે મારા પિતાજી કહે હવે તો હા પાડો…..છેવટે હા પાડી ને ફ્રીઝ આવ્યું પણ ધરમાં આજે પણ કોઈને ફ્રીઝ પ્રત્યે લગાવ/મોહ નથી તેથી ત્યાર બાદ ધરમાં ત્રણ ટીવી તો બદલાઈ ગયા પણ ફ્રીઝ હજુ પણ એ જ રહ્યું છે. (વોલ્ટાસ) 🙂

 6. અશોક જાની 'આનંદ' says:

  લગભગ આવી જ પરિસ્થિતિમાં મોટા ભાગના મધ્યમવર્ગી જીવે છે, મનની ઇચ્છાઓને ઢબૂરી જીવન પુરું કરી દેતાં હોય છે. ધનિકોની સાહ્યબી એમને સ્વપ્નવત હોય છે. વાસ્તવિકતાનું સચોટ નિરૂપણ……

 7. DHIREN SHAH says:

  ABSOLUTELY STUNNING AND SPEECHLESS STORIES…AND LESSONS GIVEN WHAT IS LIFE…AND HOW TO BE SOLVED OUT…………

  BIG CONGRATS FOR SELECTING SUCH ARTICLES ON THE READ GUJARATI.

 8. hiral says:

  ઘણીખરી ફરિયાદોનું નિરાકરણ થઇ ગયું. મમ્મી-પપ્પા(સાસુ-સસરા)નો પ્રામાણિક સંઘર્ષ વધારે સારી રીતે સમજવાની પુષ્ટિ મળી આ લેખ વાંચીને એવું કહીશ તો જરાયે ખોટું નથી.
  યોગ્ય સમયે યોગ્ય લેખ વાંચ્યો. મૃગેશભાઇનો અને અમૃતલાલભાઇનો આભાર.

  • આ કહીને તમે આ લેખની સાર્થકતા બતાવી છે. “ખૂબ સરસ” કે “મજા આવી ગઈ” પ્રકારની comments કરતાં આવી comments ને મૃગેશભાઈ શોધી શોધીને વાંચતા હશે, મને ખાતરી છે! આપણી comments જ આવી સુંદર websites ને હામ પૂરી પાડે છે.

 9. જય પટેલ says:

  વીસ-પચ્ચીસ વર્ષ પહેલાં મધ્યમ વર્ગ માટે ફ્રીઝ અને કલર ટીવી ખ્વાબ જેવાં હતાં.

  સામાન્ય માણસ માટે સપનાનું ઘર પણ સપનામાં જ રહેતું…અસ્તિત્વની ધરા પર ક્યારેય ઉતરતું નહિ. આજની ૪૫-૪૮ ડિગ્રી ગરમીમાં ફ્રીઝ એક જરૂરિયાત બની ગઈ છે…અને હવે તો સ્પ્લિટ એસી પણ ઠેરઠેર જોવા મળે છે. આજે તો કામવાળી બાઈ સહજતાથી મોબાઈલ પર આતંકરૂપી સંદેશો મોકલે છે…આજે કામ પર આવી નહિ શકાય…ખૂબ તાવ છે અને આ લાઈટિગ મેસેજ પછી શ્રીમતીજીને તાવ ના આવે તો જ નવાઈ..!!

  આજના અલ્ટ્રા-કેપિટાલિઝમમાં ખાવા-પીવાનું ખ્વાબ જેવું થતું જાય છે અને
  ગૃહઉપકરણો હાથવગાં થતાં જાય છે….થેંક ટૂ સરદારજી..!!

  ફીરા ભી મેરા ભારત મહાન.

 10. dhiraj says:

  ઘણી બધી નેશનલ અને ઇન્ટરનેશનલ બેંકો ખૂલવાથી અને લોન સરળતાથી મળવાથી આવા પ્રશ્નો નથી રહ્યા
  હું જયારે sentro લાવ્યો ત્યારે મારી પાસે ફક્ત ૧૫૦૦૦/- હતા પરંતુ લોન મળી અને આજે સાડા ચાર વરસ થી હપ્તા ભરું છું
  પણ તોય મારી જરૂરિયાત તો પૂરી થઇ. (તગડું વ્યાજ ભરવું પડશે તે તો ખરુજ)

  હમણાજ ક્યાંક વાંચવામાં આવ્યું
  “જે જોઈએ તે મળી જાય તે સુખ, પરંતુ જે મળી શકે તેને પણ પ્રાપ્ત કરવાની લાલચ ના રહે તે આનંદ “

  • trupti says:

   ધિરજભાઈ,
   આ લોન અને ક્રેડિટ કાર્ડ (પ્લાસ્ટીક મની) એ તો અમેરીકા ના અર્થશાસ્ત્ર ને ખેદાન મેદાન કરી નાખ્યુ અને તેની સજા આજે તેઓ તો ભોગવી રહ્યા છે પણ અમુક અંશે વિશ્વ ના ઘણા દેશો અને લોકો પણ ભોગવી રહ્યા છે.

   • dhiraj says:

    ભવિષ્ય નિ તો ખબર નથી ત્રુપ્તિ બેન પણ અત્યારે તો લાઈફ સરળ થઈ છે

    વર્માજી ની જેમ હુ પણ જો santro ની કીંમત ભેગી કરવા જઉ તો ૨૦ વષે પણ પાર ના આવે

 11. Vaishali Maheshwari says:

  Good article and interesting comments.
  Thank you Mr. Amrutlal.

 12. Ashish Dave, Sunnyvale, California says:

  વરસો પહેલા પડોશીને ત્યા બરફ લેવા જતા તે યાદ આવી ગયુ…

  Ashish Dave

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.