જંગલનું અંધારું – દક્ષા પટેલ

[‘અખંડ આનંદ’ જુલાઈ-2010માંથી સાભાર.]

નાનપણમાં મામાને ઘેર ગામડે રાતે આંગણામાં સૂતા સૂતા અંધારાનો ડર લાગતો ત્યારે મારી બા તારાઓ જોવાનું કહેતી. તો શહેરમાં અચાનક વીજળી ચાલી જતાં અંધારાથી ડરવા લાગતી ત્યારે બા ‘રામ રામ’ બોલવાનું કહેતી. મોટા થયા પછી હું મારા પરિવાર સાથે મધ્યપ્રદેશના કાન્હાના જંગલમાં ગઈ અને જંગલનું અંધારું જોઈ રામનામનું બાષ્પીભવન થઈ ગયું !

જંગલમાં આવેલી નાનકડી હોટલ પર પહોંચ્યાં ત્યારે બપોરનો એક વાગ્યો હતો. હોટલ એટલે નાની આઠ દસ રૂમો, રૂમની બહારની દીવાલો પર વાંસની ચોડેલી પટ્ટીઓ. વરસાદથી કાળી પડી ગયેલી પટ્ટીઓવાળા રૂમ કોઈ બાવાની મઢૂલી જેવા લાગતા’તા. પણ અંદર જોયું તો શહેરના રૂમ જેવી અદ્યતન ઝગારા મારતી લાઈટો, એ.સી., ફ્રીજ, ગીઝર બધું જ. રૂમમાં એક બાજુ દીવાલને બદલે મોટી મોટી પારદર્શક કાચની બે બારીઓ. બારીઓ પર સુંદર મજાના પડદા. તેને અડીને આરામદાયક સોફાસેટ. સોફા પર બેસતાં જ પડદા ખોલી નાંખ્યા કે તરત જ પારદર્શક કાચની પરવા કર્યા વગર બહારનું આખેઆખું લીલું જંગલ આંખો વાટે મનમાં ફરી વળ્યું. અમે ખુશખુશાલ થઈ ગયાં. રૂમમાંથી બહાર આવ્યાં.

આછો ઉજાસ, આછું અજવાળું જોતાં જ સમજાયું કે આ ગીચ જંગલ દિવસે પણ અંધારાને સાચવી રાખે છે. એકબીજામાં ગૂંથાયેલાં ઘટાટોપ વૃક્ષો એવી તો કિલ્લેબંધી કરે કે ધોળા દિવસે સૂરજનાં કિરણોને જંગલમાં ઘૂસવાનું મુશ્કેલ બને. મોટાં મોટાં હજારો વૃક્ષો એક મોટી લીલી જાળ બની સૂરજનાં કિરણોને ગૂંગળાવે, હંફાવે. ક્યારેક પવનદેવની મદદ મળે ને વૃક્ષો પવનમાં ડોલવા લાગે ત્યારે છૂટાંછવાયાં કિરણો જંગલમાં ઘૂસી જઈ ક્યાંક ક્યાંક ચાંદરણાં પાડે. આ ચાંદરણાંને જોઈને થાય કે હજુ સંધ્યાકાળ થયો નથી પણ ભરબપોરનો સમય છે. જંગલનો ભેજ ને આછું અજવાળું દિવસરાતના ચક્રને ઉકેલવા ન દે, પણ વધુ ગૂંચવે. ઉકળાટ, બફારો ને ગરમી બપોરનો અનુભવ કરાવે પણ કદીક આવતી પવનની મીઠી લહેર સાંજનો અનુભવ કરાવે ! વૃક્ષોનાં લીલાંછમ પાંદડાંઓની ઘટા, ઊંચે ચઢીને લટકતા વેલા ને ફૂલોનાં ઝૂમખાં, કાળાં જાડાં થડ ને વાંકી-ચૂકી ડાળીઓ અંધારાને સાચવીને ઊભાં હોય એવું લાગે.

ઘાસિયા મેદાનનું હાથી ડૂબે તેવું ઊંચું ઘાસ અંધારાને ગાંઠે બાંધીને જ રાખે. સૂરજ પશ્ચિમ તરફ પ્રયાણ કરે કે ગાંઠ છોડી અંધારાને આસપાસ છલકાવી દે. જેમ આપણું મન ઉદ્વેગો, ચિંતાઓ ને આશંકા સાચવીને રાખે છે. નબળું કારણ પોતીકું કે પારકાનું મળે તો તરત જ મન ચિંતા ને આશંકાની પોટલી છોડી દે છે. આછો ઉજાસ અંધારામાં પલટાઈ જાય તે પહેલાં અમે અમારા રૂમથી 500 મીટર દૂર આવેલા ડાઈનિંગ રૂમમાં જમવા જતા. બધે ભેજ ભરેલો ભીનો-ભીનો ઉજાસ અને દૂર દૂર સુધી ઘેરો લીલોછમ રંગ જોવા મળે. ત્યાં કેડી પરનાં પાણીનાં ખાબોચિયામાં હરણનાં મોટાં ટોળાને પાણી પીતું જોઈ આનંદમાં આવી જવાય. સાવ પાસે, સાવ મુક્ત આટલાં બધાં હરણાંઓને એકસાથે જોવાનો અનન્ય લહાવો હતો. પાણી પીતાં હરણાં સહેજ અવાજ આવતાં ડોક ઊંચી કરીને જોઈ લેતાં અને પાછાં પાણી પીવા લાગતાં. અમે મન ભરીને આ બધું જોઈ રહ્યાં હતાં ને હોટલના ચોકીદારે કહ્યું કે અહીં ક્યારેક વાઘ પણ પાણી પીવા આવે છે. આ સાંભળી અમે એવાં તો ડર્યાં કે ઝડપથી રૂમ પર આવી ગયાં. બારીના પડદા બંધ કરી વાતોએ વળગ્યાં. રૂમની લાઈટમાં રાત ક્યારે પડી ગઈ તેનો અંદાજ ન આવ્યો. કુદરતને આ મંજૂર ન હોય તેમ અચાનક બત્તી રિસાઈ ગઈ. અજવાળાની તલપમાં બારીના પડદા ખોલ્યા તો અંદર ને બહાર બધું એકાકાર થઈ ગયું. અંધારામાં અંદર-બહારનો કોઈ ભેદ ન રહ્યો. ચારે બાજુ નિબિડ અંધકાર. શબ્દકોશમાં જોયેલા શબ્દનો અર્થ અનુભવે સમજાયો. પણ અંધારાનો દરિયો જોઈ ગાત્રો શિથિલ થઈ ગયાં. કાળજીપૂર્વક રૂમમાંથી બહાર આવ્યાં.

ડાઈનિંગ રૂમ પર જમવા જવાનું હતું. પણ દિશાનું ભાન પણ ન રહે તેવું ગાઢ અંધારું હતું. ચોકીદારને બૂમ પાડી પણ અંધારું જાણે અમારો અવાજ ગળી ગયું. મનના હોકાયંત્રની મદદથી સાચી દિશા નક્કી કરી ચાલવા લાગ્યાં. કાળામેશ અંધારામાં કંઈ સૂઝતું ન હતું. પણ ઉપર જોયું, અને ? ઓહો….. તારાઓથી ખીચોખીચ ભરેલું આકાશ ! કાળા-કાળા આભમાં ચમકતા અસંખ્ય નાના-મોટા તારાઓ જોઈ અમીર ખુસરોનું ઉખાણું યાદ આવી ગયું :
એક થાલ મોતી સે ભરા
સબકે સિર પર ઔંધા ધરા;
ચારોં ઓર વહ થાલી ફિરે
મોતી ઉસસે એક ન ગિરે.

ધરતી પર અંધારાનું એકચક્રી શાસન તો આકાશમાં તારાઓનું. તારાખચિત આકાશમાં તારાઓની વચ્ચે પણ અંધારું તો ખરું જ ! ગામડામાં ઘણી વાર આંગણામાં ખાટલામાં સૂતાં સૂતાં અંધારિયા પક્ષની કોઈ રાતે આકાશમાં ટમટમતાં અસંખ્ય તારાઓ જોવાનો લહાવો માણ્યો હતો, પણ જંગલની નિઃશબ્દ રાત્રે વાઘના અભયારણ્યમાં તારા જોવાનો અનુભવ કાળજુ કંપાવે તેવો હતો. તારાઓમાં પણ વાઘની ટમટમતી આંખો દેખાતી હતી. ‘રામરામ’ ને બદલે ‘રામ નામ સત્ય હૈ’ના ભણકારા વાગવા લાગ્યા. વાઘનો કોળિયો બનવાની બીક લાગી ગઈ. ઘડીક ઝીણી આંખ કરીને તો ઘડીક આંખો ફાડીને અંધારાને ભેદવાના પ્રયત્નો કર્યા. પણ સર્વથા નિરર્થક. મને યાદ આવ્યું કે દશરથ રાજાએ પાણીનો બુડબુડ અવાજ સાંભળી શબ્દવેધી બાણ ચલાવ્યું હતું પણ આ નીરવ અંધારામાં ક્યાં દષ્ટિનું બાણ ચલાવવું તેની સૂઝ પડતી નહોતી. અંધારાને પામવા એકલી આંખોથી ચાલે તેમ ન હતું. એટલે હાથ-પગ ને કાન પણ સરવા થઈ જોવા લાગ્યા. સાચું કહું તો કોઈને પોતાનો હાથ કે પગ કંઈ દેખાતું ના હતું. ખાલી અનુભવાતું હતું.

અજવાળા માટે લાખ લાખ તારાઓની મદદ માંગવા ઊંચે જોયું, પણ જેવી નજર આકાશ પરથી હટાવી તો અંધારામાં અટવાઈ. કંઈ સૂઝે નહીં. કોઈ અજાણ્યા અંધારિયા ગ્રહ પર ઊતરી પડ્યાં હોઈએ તેવું લાગ્યું. આમ તો ડર કબજો જમાવે શરીર પર એટલે શરીરમાં ધ્રુજારી થવા લાગી. જાણે સ્વિચ ઑફ થતાં ધરતી પરથી સૂરજગોળો ગૂમ થઈ ગયો ને બધે અંધારું ધબ્બ થઈ ગયું. તે સાથે મગજની પણ સ્વિચ ઑફ થઈ ગઈ ! અથડાવાની બીકે એકબીજાના હાથ પકડી ઘસડાતા પગે ડાઈનિંગ હૉલ તરફ આગળ વધ્યાં. માંડ ચાર છ ફૂટ ચાલ્યાં હોઈશું પણ લાગ્યું એવું કે જાણે ચારસો પાંચસો મીટર ચાલી નાખ્યું છે ! થોડુંક આગળ વધ્યા જ હોઈશું ને નાની દીકરીએ ચીસ પાડી ‘વાઘ’ !

સામેથી લાલાશ પડતી ચળકતી દસ-બાર આંખો અમારી તરફ આવતી હતી. ધબકારા વધી ગયા. ડરના માર્યા ઘડી વાર આંખો બંધ થઈ ગઈ. ટમટમતી આંખો હવે ચાર-પાંચ ફૂટ જ દૂર હતી. બ્લડપ્રેશર વધતું જતું હતું. જાણે હમણાં ધડાકા સાથે માથાના ફૂરચાં ઊડી જશે ! આ વિચારથી આંખો બંધ થઈ ગઈ. પંદર-વીસ-પચીસ સેકન્ડ પસાર થઈ ગઈ. મને લાગ્યું વાઘ ધીમે ધીમે ડગ ભરતો અમારી તરફ આવી રહ્યો છે. અમારી અને મોતની વચ્ચે લાંબું અંતર ન હતું. આવા કપરા સમયે પણ મને વાઘ અને કેદીની વાર્તા યાદ આવી ગઈ. કેદીએ એક વાર જંગલમાં વાઘના પગમાંથી કાંટો કાઢી, તેને ઝાડના પાંદડાં બાંધી આપેલાં. પાંજરામાં કેદીને ફાડી ખાવા ધસેલો વાઘ કેદીને ઓળખી ગયો. તેને મારવાને બદલે વહાલ કરવા લાગ્યો. કદાચ એ કેદી અમે જ હોઈશું એવા વિચારથી આંખો ખૂલી ગઈ. બધે જ અંધારું. આંખની અંદર અને બહાર ડોકું ફેરવીને પાછળ જોયું તો ટમટમતી આંખો આગળ ને આગળ જઈ રહી હતી. તરત જ સમજાયું કે આ તો દેવદૂત સમા આગિયા અમારી પાસે આવ્યા હતા ! જાણે પોતાનો નાનકો પ્રકાશ આપીને અંધારાને હડસેલવા મથતા હતા. પછી તો આકાશમાં તારલા ને અવકાશમાં આગિયા. અંધારામાં ભાત પાડતા આગિયા અંધારાને શણગારતા હતા. ધીમે ધીમે આગિયાનું ઝુંડ ઊડતું ઊડતું પસાર થઈ ગયું કે ફરી સ્થળકાળનો ભેદ ભૂલવતો ઘેરો અંધકાર અમને વળગી પડ્યો. અમને આખે આખા પોતાનામાં ડુબાડી દીધા. મેં વાંચેલું અને સાંભળેલું ‘બ્રહ્મ સત્ય જગત મિથ્યા’ પણ અહીં તો અંધારું સત્ય અને જગત મિથ્યાનો અનુભવ થયો. પાછું અંધારું પણ બ્રહ્મની જેમ નિરાકાર, અકળ ને અમાપ. જંગલના અંધારાની એક જ ઓળખ ડર, ભય. અવળચંડું આપણું મન પણ ઉદ્યમ કરીને વાઘની આકૃતિ બનાવી ડરાવે. અનાયાસે મન બોલી ઊઠ્યું : ‘ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા.’

દરિયાકિનારે રાતના બાર વાગ્યા પછીનો બોલતો અંધકાર જોયો છે ને સાંભળ્યો પણ છે. પણ જંગલનો મૌનના દરિયા જેવો અંધકાર સાવ અજાણ્યો લાગ્યો. હિમાલયના ઊંચા ઊંચા પહાડોમાં અંધારું જોયું છે. પણ છેક દૂર દૂર તળેટીમાં વસેલાં નાનાં ગામોમાં બળતા દીવાબત્તીઓનાં ટપકાં જેવાં અજવાળાં અંધારાને બોલતું કરી દેતાં, તો જોરથી સમ સમ કરતાં ફૂંકાતો ઠંડો પવન અંધારાને ડહોળી નાંખતો. પણ જંગલનું નિષ્પ્રાણ અંધારું વાઘની ગર્જનાથી કે પંખીઓની ઊડાઊડથી ક્યારેક પ્રાણવાન બનતું ત્યારે યમરાજાનાં ડાકલાં વાગતાં હોય તેવા આભાસથી ડરી જવાતું. દિવસના આછા અજવાળામાં દેખાતું રળિયામણું કુદરતી દશ્ય, વૃક્ષો, વેલાઓ, ફૂલડાં, હરણાં, લીલું લીલું ઘાસ, ઝીણાં ઝીણાં ફૂલોથી મઢેલા નાના છોડવા, રંગોની વિવિધ ઝાંયવાળાં વૃક્ષોનાં જાડાં-પાતળાં થડ, ઊડતાં પંખીઓ, પંખીઓના ટહુકા બધું જ સાંજ પડતાં ઊતરી આવતા અંધારામાં ઝાંખું ઝાંખું થતાં થતાં અલોપ થઈ જતું. અંધારું બધું હડપ કરી જતું. જંગલ ગાઢ અંધારાનું જંગલ બની જતું. અમે પણ શરીર વગરના – અશરીરી હોઈએ તેવી અનુભૂતિ થતી. અંધારાના ધાબળા નીચે અમે ઢબુરાતાં ત્યારે કેવળ અમારો અવાજ જ અમારી ઓળખ બનીને હૂંફ આપતો.

પોતાના અવાજને ધ્યાનથી સાંભળીને અનુસરવાનો જુદો જ અનુભવ થયો. ઘેર પાછાં ફર્યાં ને રોજિંદા જીવનવ્યવહારમાં હું ફરી ગોઠવાઈ ગઈ. પણ જ્યારે જ્યારે મુશ્કેલી આવે છે, કંઈ સૂઝતું નથી, મન ડરી જાય છે ને અંધારું છવાઈ જાય છે ત્યારે ત્યારે પોતાનો અવાજ સંભળાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મેઘધનુષના રંગ – સંકલિત
રામુ – લતા હિરાણી Next »   

13 પ્રતિભાવો : જંગલનું અંધારું – દક્ષા પટેલ

 1. Kiri Hemal says:

  અતિ ઉત્તમ લેખ!!!!!!!!
  લેખિકાએ કરેલુ વરણન એટલુ સરસ છે કે આખું દશ્ય આંખ સમક્ષ ઊભું થઈ ગયું……………..!!!!!!!!!!!!
  ખરેખર કુદરતની લીલા અદ્ભુત છે….. સુરજદેવના આગમનની સાથે જ કુદરતની રમ્ય રચના જોવા મળે છે જેમ કે પહાડો,પહાડોમાંથી ખળખળ વેહતા ઝરણાંઓ,ગાઢ જંગલો,પંખીઓનો કલરવ…… અને કુદરતની રચના પણ એટલી અનેરી છે કે ચાંદામામા પણ પોતાના આગમનની સાથે તારલાની અનોખી સુંદરતા લઈને આવે છે……. પણ આજકાલના જીવનમા પૈસાની પાછળ દોડતા માનવી પાસે કુદરતનું સાનિધ્ય મેળવવાનો સમય જ નથી પણ સમય મળતા આવા સ્થળની મુલાકાત અવશ્ય લેવા જેવી છે!!!!!!!!!!

  આપનો ખુબ ખુબ આભાર,
  હેમલ

 2. અશોક જાની 'આનંદ' says:

  ખૂબ સુંદર વર્ણનાત્મક લેખ, અને અદભૂત શૈલી.. લેખિકા ની પ્રવાસ વર્ણનની હથોટી દેખાઇ આવે છે. ઉંચુ ભાષાકર્મ….!!!! અભિનંદન્…!!!!

 3. ખુબ સુંદર વર્ણન……. અંધારાનું જે વર્ણન છે તે વાંચીને પણ ધ્રૂજારી આવી જાય.

  જયારે આપણે અંધકાર થી એકાકાર થઇ જઇએ છીએ ત્યારે જ અંદરનો અવાજ આપણી મદદે આવે છે. કદાચ એટલે જ પ્રજ્ઞાચક્ષુ લોકો મનની આંખોથી દુનિયા નિહાળતા હશે અને અંદરના અવાજને જ અનુસરતા હશે.

 4. જય પટેલ says:

  શબ્દોના શણગારથી મઠ્યું જંગલનું અદભુત વર્ણન વાંચી શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું..!!

  લેખિકાએ આંખો સમક્ષ જંગલ ઉભું કરી દીધું.
  શ્રી ગુણવંત શાહની માર્મિક શૈલી અને શ્રી મણિલાલ પટેલની તળપદી શૈલીનો ભગીરથ સરવાળો એટલે સુશ્રી દક્ષા પટેલ.
  જંગલમાં મંગલ જેવા સ્થળો વિકસીત કરી શાળાઓનાં ભૂલકાંઓને કુદરતનું સામિપ્ય માણવાની તક એટલે જીવનભરનાં સંભારણાં.

  જંગલમાં વિચરણ કરવા માટે આંખ અને કાન સરવા જોઈએ.
  આભાર.

 5. Manu Bhatt says:

  ઘનોજ સુન્દર લેખ ચ્હે. ખુબ આનન્દ થયો.

 6. nayan panchal says:

  ખૂબ જ સુંદર, ભયાવહ લેખ. લેખિકાએ શબ્દદેહે જંગલ નજર સમક્ષ લાવી દીધુ અને મને અંધકારમાં ઉભો કરી દીધો.
  હું ઘણીવાર મધ્યરાત્રિએ બહાર ફરવા નીકળું છું, સૂઈ ગયેલુ શહેર સંપૂર્ણ સૂતેલુ નથી હોતું પરંતુ તંદ્રાવસ્થામાં હોય છે. જંગલ તો જાણે ગાઢ નિંદ્રામા પોઢી ગયુ હોય તેવુ વર્ણન છે. આવા વાતાવરણમાં જ મનુષ્યને પોતાનો અવાજ કદાચ વધુ સારી રીતે સંભળાતો હશે.

  લેખ વાંચીને અદભૂત ઈટાલીયન ફિલ્મ “ન્યુવો સિનેમા પેરેડિસો”નો સંવાદ યાદ આવી ગયો. “હવે હું અંધ છું તેથી દુનિયાને વધુ સારી રીતે જોઈ શકું છું”.

  ખૂબ આભાર,
  નયન

 7. Hetal says:

  nice but scary article. for light herated person like me, jungles and tigers ( or any wild animal) scares the hell out of me. I can only enjoy reading such articles but experiencing is far away from reality for me..

 8. Vraj Dave says:

  ખુબ સરસ શબ્દોથી સજાવટ કરી છે.
  આભાર.
  વ્રજ દવે

 9. સારા સબ્દો મા લખાયેલિ તથ સારા સમજ્વા લાયક હતિ

 10. Ashish Dave, Sunnyvale, California says:

  Reminded my days at Sasan Gir…

  Ashish Dave

 11. chauhanbipin06@yahoo.co.in says:

  Very Very nice.
  Jungle is created for the peace by the god.
  i believe that everybody has to visit jungle at night & see/feel its purpose.
  i assured all of you that i will surely visit the jungle at night as soon as possible.
  Thanks to writer as well as publisher also.
  Please keeep it rolling.
  Regards,
  Bipin Chauhan
  Ahemdabad

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.