મેઘધનુષના રંગ – સંકલિત
[1] બદલ ગયા જમાના – ડૉ. પ્રજ્ઞા પૈ
[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]
‘મમ્મા, મને થોડા પૈસા આપ, પ્લીઝ. આજે રાતે અમે દાંડિયારાસ રમવા જવાનાં છીએ. મારે નવાં ચણિયાચોળી લેવાં છે.’ કૉલેજના પ્રથમ વર્ષમાં ભણતી સોનાલીએ કહ્યું.
‘બેટા, કોણ કોણ આવવાનું છે ?’ કિશોરીએ તેની પુત્રી સોનાલીને પૂછ્યું.
જરાક લાપરવાહી સાથે સોનાલીએ જવાબ આપ્યો, ‘અમે સાત પાસ લીધા છે. શર્લી, રચના, વિભા, હું… બીજાં કોણ આવશે તેની ખબર નથી. ગમે તે આવે, તને કે મને શું ફેર પડવાનો છે ? મારા પાસના પૈસા મેં આપી દીધા છે. તારી પાસે નથી માગ્યા !’
કિશોરીએ ફરી પાછો પ્રશ્ન કર્યો : ‘એમ નહિ, તમે છોકરીઓ જ જશો કે છોકરાઓ પણ સાથે હશે ? સાથે, કોઈ મોટું પણ આવશે ? કોઈની મમ્મી, માસી, ભાઈ કે એવું કોઈ ?’
‘કમ ઓન મમ્મા, કેવો વાહિયાત પ્રશ્ન ? કોઈ મોટું અમારી સાથે હોય તો બધી મજા જ બગાડી નાખે. પૂછપૂછ કરે, બોલબોલ કરે અને સલાહ આપ્યા કરે. ઘેર જવાની ઉતાવળ કરાવે. એટલું જ નહીં, પોતે તો બોર થાય અને અમને પણ બોર કરે. નો…વે, કોઈએ અમારી જાસૂસી શા માટે કરવી જોઈએ ? લેટ અસ એન્જોય. અમને અમારી જવાબદારીનું ભાન છે. ઓ.કે ? મહેરબાની કરીને તું કે પપ્પા પોલીસગીરી કરવા નહિ આવતાં.’ છણકો કરી સોનાલી બોલી.
ગુસ્સો ખાળી કિશોરીએ કહ્યું : ‘તું ઘેર પાછી ક્યારે આવીશ ? મોબાઈલ લઈને જજે.’
‘પ્રોગ્રામ પૂરો થશે ત્યારે હું ઘેર આવીશ. ત્યાર પછી અમે કદાચ કૉફી પીવા કે આઈસ્ક્રીમ ખાવા પણ જઈએ, તો વળી થોડું વધારે મોડું થશે. તારે અર્ધા-અર્ધા કલાકે મોબાઈલ પર ફોન કરવાની જરૂર નથી. બધાં મારી મશ્કરી કરશે. કંઈ હશે તો હું જ ફોન કરીશ.’ સોનાલીએ કહ્યું.
આ વાતચીત ચાલતી હતી ત્યારે ઘઉંનો લોટ ઉછીનો લેવા આવેલાં મંગુકાકીથી બોલ્યા વગર ન રહેવાયું, ‘શિવ, શિવ, શિવ…. શું જમાનો આવ્યો છે. આ નાનડિયાં ફાટીને ધુમલે ગયા છે. હું પયણીને આવી તંઈ માવતરે જાવું હોય તો સાસુજી કે’ તંઈ જ જવાય, ગમે એટલું મન થાય તોયે બોલાય નહિ. મન મારીને બેસી રે’વાનું કે છાનેછાને રોઈ લેવાનું. મારાં જેઠાણીનાં પણ ઈ જ હાલ. થોડાં વરસ પછી નાના દે’ર પયણ્યા. ઈ નાની દેરાણી વસુમતી તો પટ દઈને પૂછતી ‘બા હું જરા બાપુજીને ઘેર જઈ આવું ? ઘણા દિ’ થઈ ગ્યા છે !’ પછી ભત્રીજાની વહુ ઘરમાં આવી. ઈ તો માળીહાળી બનીઠનીને તૈયાર થઈને મારાં જેઠાણીને કહી દે કે ‘બા, હું મમ્મીને મળવા જાઉં છું. સાંજે સાતેક વાગ્યે પાછી આવીશ.’ અને હવે ? મારી વહુની જ વાત કરું છું. હું ખોટું નહિ બોલું હોં ! ઈ બાયડી પોતે ક્યાં જાય છે, કોની હારે જાય છે, પાછી ક્યારે આવશે એવું પૂછી જ ન શકાય. મારો જીતુયે એને પૂછતાં બીયે. પૂછીયે તોયે ઈ જવાબ જ ન દે. ચૂપચાપ નીકળી જાય. ખરાબ સંસ્કાર, બીજું શું ? નાનપણથી જ છોકરીયુંને દાબમાં રાખવી જોઈ નકર વંઠી જાય.’
એટલામાં સોનાલીએ બહાર આવીને મંગુકાકી સામે કતરાતી નજરે જોયું એટલે એ બોલતાં બંધ થઈ ગયાં. પર્સ લઈને સોનાલી બહાર ગઈ એટલે તેમણે વાતનો દોર હાથમાં લીધો, ‘કહું છું કિશોરી, આમ દીકરીને રાતવરત એકલી મોકલવામાં જોખમ છે, પછી પસ્તાવું પડે.’ કિશોરીનો મત લગભગ એવો જ હતો, પણ તેનાથી પુત્રીનું ઉપરાણું લીધા વગર ન રહેવાયું. ‘મંગુકાકી, તમે લગન પહેલાં મોટા કાકાને જોયા હતા ?’ કિશોરીએ પૂછ્યું.
એંશી વર્ષની વયે પણ શરમાઈ જવાનો ડોળ કરી કાકીએ કહ્યું : ‘હાય હાય, એવું હોય ?’
કિશોરીએ કહ્યું : ‘તમારાથી હું વીસ વરસ નાની છું. મારાં બા-બાપુજી આમ તો સુધરેલા હતાં, જૂનવાણી નહોતાં. એટલે સગાઈ પહેલાં અમે વડીલોની હાજરીમાં એકમેકને જોઈ શક્યાં. સગાઈ થઈ પછી મને ત્રણ વાર એમની સાથે બહાર પણ જવા દીધી.’
કાકીએ આશ્ચર્ય પામીને પૂછ્યું : ‘ખરેખર ?’
કિશોરી બોલી : ‘હા, એક રીતે નસીબદાર ખરા, પણ અમે જ્યારે જ્યારે બહાર જઈએ ત્યારે મારાથી ચાર વર્ષ નાનો ભાઈ સુબોધ પણ સાથે આવે. એ લોકોએ સુબોધને પઢાવી રાખ્યો હશે એટલે એ પણ અમારી બન્નેની વચ્ચે જ ચાલે અને બધી વાતચીત ધ્યાનથી સાંભળે. એકવાર અમે ટૅક્સીમાં ગયાં. કાયમ બારી પાસે જ બેસવાનો આગ્રહ રાખતો સુબોધ પાછળની સીટ પર અમારી વચ્ચે બેઠો !’
મંગુકાકીએ કહ્યું : ‘બરાબર છે, લગ્ન પે’લાં મર્યાદા રાખવી જ પડે. તું તારી દીકરીને પણ ગરબામાં એકલી નહીં જાવા દેતી. નોરતાંના ગરબારાસને નામે કેવું કેવું થાય છે ? બોલતાંયે મને શરમ આવે છે.’
મંગુકાકી ઘેર જવા નીકળ્યાં. બારણું ખોલ્યું ત્યાં તેમના ફલૅટમાંથી ચૌદ વર્ષની પૌત્રી – શીલા બહાર નીકળતા બોલતી સંભળાઈ, ‘મોમ, હું જાઉં છું. રાતે બહુ મોડું નહિ થયું હોય તો ઘેર આવીશ. નહિતર સ્ટ્રે…ટ સવારે આવીશ. તું મોબાઈલ પર ફોન નહીં કરતી. ફોન આવે તો પીન્ટુ ગુસ્સે થાય છે.’ એ ગઈ એટલે કિશોરીએ કહ્યું : ‘કાકી, મારી સોનાલી બીજાં છ જણ સાથે દાંડિયારાસમાં જાય છે. એકલીએકલી બીજા છોકરા સાથે નથી જતી.’ પછી કિશોરી બબડી, ‘ડાહી સાસરે જાય નહિ ને ગાંડીને શિખામણ આપે. પહેલાં લોકો નાતરું કરતાં અને હવે ક્મ્પેનિયન સાથે રહે છે. સમયની બલિહારી.’
[2] મારો પ્રથમ ઈન્ટરવ્યૂ – સોહમ રાવલ
[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે સોહમભાઈનો (મોડાસા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે sohamnraval@yahoo.com અથવા આ નંબર પર +91 9275158797 સંપર્ક કરી શકો છો.]
એ દિવસે મારો પહેલો ઈન્ટરવ્યૂ હતો. મનમાં તો ઘણીયે બીક હતી પરંતુ મુખમુદ્રા પ્રસન્ન રાખવાની કલા મિત્રો પાસેથી શીખી લીધી હતી. આગલી રાત્રે મોડે સુધી વાંચેલું પરંતુ ઊંઘને લીધે બધું બાષ્પીભવન થઈ ગયેલું. એથી ગભરાટમાં રોજની જેમ એફ.એમ. રેડીયો ચાલુ કરવાને બદલે સવારે આરતીની કેસેટ મૂકી. પરવારીને હું મારા મિત્રને ત્યાં ગયો. બરાબર એક વાગ્યે અમે બંને જે કંપનીમાં અમારો ઈન્ટરવ્યૂ હતો ત્યાં જઈ પહોંચ્યા.
સૌથી પહેલાં વૈકલ્પિક પ્રશ્નોત્તરીનું પેપર હતું જેમાં 30 મિનિટમાં 30 પ્રશ્નોના જવાબ આપવાના હતાં. એમાં તો જાણે રામભરોસે જ પાસ થઈ ગયો ! એ પછી બીજા એક ટેસ્ટમાં 30 મિનિટમાં 25 પ્રશ્નોના જવાબ વ્યવસ્થિત રીતે આપવાના હતાં. એમાંય સમજો ને કે ભૂલથી પાસ થઈ ગયો ! પરંતુ ખરી કઠીણાઈ તો હવે હતી. કારણ કે એ પછી વ્યક્તિગત ઈન્ટરવ્યૂ હતો. સદભાગ્યે એમાં મારા મિત્રનો વારો પહેલો હતો. જેવો એ પોતાનો ઈન્ટરવ્યૂ આપીને બહાર આવ્યો કે તરત મેં કૂતરો બિલાડીને ઝડપે એમ ઝડપી લીધો : ‘અલ્યા… બોલ બોલ… જલ્દી… શું પૂછે છે અંદર ?’
‘કંઈ નહિ યાર…’ એણે હળવાશથી કહ્યું : ‘બસ, સાવ સામાન્ય પ્રશ્નો. થોડોક આપણો પરિચય, થોડુક આપણે જે ક્ષેત્રમાં કામ કરવાનું છે એની બે-ચાર વિગતો અને છેલ્લે એમ પૂછ્યું કે તમારી કેટલાની આશા છે ? એટલે મેં કહી દીધું કે લગભગ 6000 થી 7000 ખરા.’
મારો ડર થોડો ઓછો થયો. મનમાં થયું કે ચાલો, આટલું તો બોલતા બરાબર ફાવશે. મારા એ મિત્રના 67% હતા અને મારા 81% હતા એટલે એની વાત સાંભળીને મારો આત્મવિશ્વાસ વધ્યો કે જો એને ફાવ્યું તો મને પણ ફાવશે જ. વળી, સામેવાળાને બાટલીમાં કેમ ઉતારવો એ પણ મને થોડું ઘણું ફાવે ! એટલે મારો વારો આવતાં હું હિંમતપૂર્વક અંદર ધસ્યો.
અંદર ઈન્ટરવ્યૂ લેનાર મેડમ ગંભીર મોં રાખીને બેઠા હતા. એમણે મારી માર્કશીટ જોઈએ. પછી મને પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો ? મેં કહ્યું, મોડાસાથી. એકાદ મિનિટ તેઓ ફાઈલમાં નજર ફેરવતા રહ્યાં. પછી મને કહ્યું કે તમારા વિશે જણાવો. તમારો પરિવાર, શોખ વગેરે… મેં બધા જ પ્રશ્નોના વ્યવસ્થિત જવાબ આપ્યાં. મારો આત્મવિશ્વાસ આસમાનને સ્પર્શી ગયો હતો. એ પછી એમણે ધીમે રહીને મને પૂછ્યું :
‘હમણાં છેલ્લા સેમીસ્ટરની પરીક્ષા કેવી ગઈ ?’
‘ખૂબ જ સરસ.’ મેં છાતી ફુલાવીને કહ્યું.
‘તમારી કેટલાની આશા છે ?’ એમણે ફરી એકવાર ફાઈલમાં નજર દોડાવતાં પૂછ્યું.
બસ, હવે સ્વર્ગ હાથવેંત જ હતું. મને ખાત્રી જ હતી કે મારા 81% છે એટલે મને જ પસંદ કરશે. પહેલા જ ધડાકે નિશાન પાર પડી રહ્યું હતું. એમણે પસંદગીનો કળશ મારી પર ઢોળી જ દીધો છે એમ સમજીને મેં ધડ દઈને જવાબ આપ્યો :
‘લગભગ 8000 થી 10,000.’ મનમાં વિચાર્યું કે એટલા તો કહેવા જ જોઈએ ને યાર, ટકા વધારે છે તો !
પરંતુ એ મેડમ તો મારી વાત સાંભળી ખડખડાટ હસવા લાગ્યાં. પછી મને કહે :
‘અરે, હું એમ નથી પૂછતી. મારો પૂછવાનો અર્થ હતો કેટલા ટકાની આશા છે ? કેટલા ટકા આવશે ?’
હું ગભરાઈ ગયો. અરેરે…. આ તો બફાઈ ગયું. પ્રથમ ગ્રાસે મક્ષિકા. એ પછી મેં પરિસ્થિતિ સંભાળી લીધી પરંતુ મનમાં થયું કે આ નોકરી તો હાથમાંથી ગઈ, ભાઈ ! છેલ્લે મેડમ તો કંઈ બોલ્યાં નહીં, ફક્ત એટલું જ કહ્યું કે તમને કૉલ કરીને જણાવીશું. હવે, તમે જ કહો. એમ કંઈ કોઈ કૉલ કરે છે ખરું ?
[3] જો કોઈ શીખશે તો ? – ધીરુભાઈ શાહ
[ રીડગુજરાતીને આ નાનકડો પ્રસંગ મોકલવા માટે 89 વર્ષીય વડીલ શ્રી ધીરુભાઈ શાહનો (ટેક્સાસ, અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +1 281 242 8454 પર સંપર્ક કરી શકો છો.]
જાપાનમાં એક વખત એક મોટો ભયંકર ધરતીકંપ થયો અને તેના કારણે બધે અંધકાર છવાઈ ગયો. વેપારીઓ આ તકનો લાભ લઈને પોતાનો માલ જે કિંમતે વેચતા હતા તેનાથી ચાર ગણા ભાવે વેચવા લાગ્યા. પરંતુ એક વૃદ્ધ સ્ત્રી જે બેટરીઓ અને તેના પાવર વેચતી હતી, તે સ્ત્રીએ પોતાનો માલ જૂના ભાવે વેચવાનું ચાલુ રાખતાં, એક પત્રકારને આશ્ચર્ય થયું અને તે સ્ત્રીને પૂછ્યું, ‘મા ! તમે કેમ તમારો માલ બીજા વેપારીની જેમ ઊંચા ભાવે વેચતા નથી ?’
તે વૃદ્ધ માતાએ કહ્યું : ‘જ્યારે લોકો દુઃખમાં સપડાયા હોય ત્યારે હું શા માટે વધુ નફો લઈને પેટ પર પાટુ મારીને પાપ કરું ?’ આપણા દેશના વેપારીઓ આ જાપાનીસ સ્ત્રીના વર્તનમાંથી કાંઈક બોધપાઠ લેશે કે શીખશે અને તે પ્રમાણે વર્તશે, તો તેમને ધર્મહિતનું અને દેશહિતનું એમ બેવડું સત્કર્મ કર્યું ગણાશે.
[4] આ વિસ્તાર તેનો છે – અજ્ઞાત
એક સદગૃહસ્થ ચાલ્યા જતા હતા. રસ્તામાં તે છાપું ખરીદવા ઊભા રહ્યા. છાપાંવાળા છોકરાએ કહ્યું : ‘હું તમને છાપું નહી આપી શકું, સાહેબ !’
‘કેમ ? શા માટે નહીં ? થોડા વખત પહેલાં તો તું જ છાપાં વેચવાની બૂમ પાડતો જતો હતો !’
‘હા, પણ એ તો પેલા નાકા સુધી જ.’
‘રહેવા દે પંચાત; ચાલ, મારે ઉતાવળ છે; જલદી એક છાપું આપી દે.’
‘અહીં હું આપને છાપું નહીં આપી શકું, કારણ કે આ વિસ્તાર લિંપીનો છે. અત્યારે તે પેલે છેડે છે, ત્યાંથી તેની પાસેથી છાપું લઈ લેજો.’
‘લિંપી વળી કોણ છે ? અને આ વિસ્તાર તેનો છે એટલે વળી શું ?’
‘એટલે એમ, સાહેબ, કે અમે બધા છોકરાઓએ મળીને નક્કી કર્યું છે કે આટલો વિસ્તાર લિંપી માટે રાખવો. એ બિચારા લંગડાથી અમારી જેમ ઝટ બધાં મકાનોમાં પહોંચી શકાતું નથી; એટલે અમે નક્કી કર્યું કે આટલા ભાગમાં તેને એકલાને જ છાપાં વેચવા દેવાં. સમજ્યા ?’
‘હા, સમજ્યો. તમારું અહીં યુનિયન જેવું લાગે છે !’
‘યુનિયન-બુનિયન તો ઠીક; પણ એ છોકરો લંગડો છે, એટલે અમે અંદરોઅંદર આવી ગોઠવણ કરી લીધી છે… જુઓ, પેલો આવે લિંપી !’
પેલા ગૃહસ્થે લિંપી પાસેથી બે છાપાં ખરીદ્યાં અને ચાલતાં ચાલતાં એમના મનમાં વિચાર આવ્યો કે પોતાના વર્ગના જ નબળા પડેલા કોઈ વેપારીને આ રીતે તક આપવા માટે પોતાનો માલ વેચવાનું કેટલા વેપારી જતું કરે ? (‘અરધી સદીની વાચનયાત્રા’માંથી સાભાર.)
Print This Article
·
Save this article As PDF
સુંદર સંકલન.
૩ અને ૪ પ્રસંગ સૌથી સરસ.
દરેક પ્રસંગ સરસ.
૧. આજના દરેક ટીનએજ ના મા-બાપ ને સતાવતો પ્રશ્ન.
૨. આજ ની યુવા પેઢી ટકા-વારી મા જીવે છે. તેમની હોશિયારી ને માપવાનુ માપ દંડ એટલે કોને કેટલા % આવ્યા.
૩.આપણા દેશ નો સળગતો પ્રશ્ન્ ખરાબ સિટ્યુએસન નો ફાયદો કેમ લેવો તે તો કોઈ આપણા દેશવાસિ થી શિખે. જ્યારે ધોધમાર વરસાદ વરસતો હોય અને મુંબઈની લોકલ ટ્રેનો જવાદ દઈ દે ત્યારે રિક્ષા અને ટેક્ષી વાળા જે રિતે મુંબઈગરા ને લુંટે છે તે તો જેને અનુભવ્યુ હોય તે જ જાણે. સરકાર કોઈ વસ્તુ ની અછત જાહેર કરે એટલે વેપારિઓતે વસ્તુઓ પોતાના ગોદામભેર કરી દે અને થોડા વખત મા તેના બમણા ભાવ ઉપજાવે. આવ તો ઘણા કિસ્સાઓ અહીં થતા હોય છે.
૪. ગરિબો ને પોતાના હક્ક માટે યુનિયન ઉભુ કરવાની જરુર પડતી નથી. તેઓ એક બિજા ને એવા પૂરક સાબિત થાય છે કે ધનવાનમા ધનવાન માણસ પણ તેમની સામે ગરિબ અને વામણૉ સાબિત થાય.
એક ક્થા અહીં પ્રસ્તુત કરવા માંગુ છુ જે મે ગિરિષભાઈ ગણાત્રા ની એક કથા માળામા મે હમણાજ વાંચી.
એક બિખારી દરોજ એક ચોક્કસ સમયે સોસાયટીના બગલાઓ મા બિખ માંગવા જાય અને જોડે રાખેલા થેલા મા સુક્કી સામગ્રી અને ડોલચા મા ભીની સામગ્રી જેવિ કે દાળ કઠી કે રસા વાળા શાક ભેગી કરે.ઈ એક બંગલે થી ભિખ મળી જાય એટલે બીજે અને પછિ ત્રીજે અને આમ આગળ જતો જાય. કોઈ આખાબોલા બહેન તેને ઘણી વાર પૂછે પણ ખરા કે ભાઈ તુ આટલો ઘરડો અને આટલુ બધુ ખાવાનુ ભેગુ કરી ને શુંકરે છે? કેટલુ ખાય છે? વિ….. પેલો ભિખારી જવાબ મા ફક્ત હસે અને આગળ વધે. એક દિવસ એક બ.ગલા ના માલિક તેમના મિત્ર ને ત્યાં બેઠા હોય છે અને ત્યાં પણ તેન ભિખારી ભિખ માંગવા આવ્યો. પેલા ભાઈ ને જરા નવાઈ જેવુ લાગ્યુ અને તેમના મિત્ર ને પ્રશ્ન કર્યો કે અરે આ બિખારી તમારે ત્યાં પણ આવે છે, તે અમારી કોલોની મા પણા આવે છે. તેમને સવાલ થયો કે તે આટલા બધા ખાવાનાનુ કરે છે શુ? મિત્ર ને તેમનુ આ બિખારી પુરાણ ન ગમ્યુ. પણ પેલા ભાઈ ને તે જાણવાની તાલાવાલી થઈ. તેનો જવાબ તેમને થોડા દિવસ મા મળી ગયો. એક દિવસ તેઓ એક અંધારી એવી જગ્યા એથી પસાર થઈ રહ્યા હતા અને તેમને પેલા બિખારી ને જોયો, જે લાઈન ભેર બેઠેલા ભિખારી ઓ ને લોકોને ત્યાંથી ભેગુ કરેલુ ખાવાનુ પિરસી રહ્યો હતો. પેલા ભાઈ એ નજીક જઈને વસ્તુ સ્થિતી જાણવાની કોશિષ કરી ને તેમને જાણવા મળ્યુ કે પેલો ભિખારી લોકો ને ત્યાંથી ખાવાનૂ ભેગુ કરી ચાલવાને અસમર્થ અને ધરડા લોકેને ખાવાનુ પુરુ કરતો હતો.
તૃપ્તિબેન, ભિખારીવાળો પ્રસંગ જણાવવા બદલ ખૂબ આભાર. તમારા એક ફકરાએ દિવસ સુધારી દીધો.
Thank you so much for sharing this Ms. Trupti. Awesome example of humanity.
વાહ, ભિખારીઓ પણ આખરે માનવ જ છે ને? એમના અંદર પણ માનવતા તો હોય જ ને? પણ હા, આ માનવતા તો લોહીમા જ આવેલી હોય હો ભાઇ,
ખુબ સરસ વાત તૃપ્તિબેન….
નયનભાઈ, વૈશાલિબહેન અને સોહમ ભાઈ,
આભાર. ભિખારી સૌજન્યતા નો આજે જીવતો દાખલો-
મારા દરોજ ના જવાને રસ્તે અંધેરિના ઓવર બ્રિજની નિચે ઘણા ભિખારીઓ અને મજુર વર્ગ ના લોકે દારુણ ગરિબીમા રહે છે. ઘરે થી રિક્ષા મા જતા દરોજ તેમના રહેઠાણ આગળથી પસાર થવાનુ થાય. ઘરમા કાંઈપણ વધ્યુ હોય તે હું મારી જોડે લઈ આવુ ને રિક્ષા ત્યાં ધીમી કરાવિ ત્યાં રહેતા નાના છોકરાઓ ને આપુ. આજે પણ થોડુ ખાવાનુ જોડે લિધુ હતુ તે નિત્યક્રમ પ્રમાણે રિક્ષા ધીરી કરાવીને નાનિ એવિ છોકરી ના હાથ મા આપ્યુ. અને તે છોકરી જે સૌજન્યાથી મને ઠેંક્યુ કહ્યુ તે સાંભળિ ને હું ગદગદ થઈ ગઈ. જે રિતે તે બાળા એ આભાર માન્યો તે રિતે તો આપણા ઉંચી શાળ મા ભણતા છોકરાઓ પણ ન માની શક્તા હોત.
સંસ્કારનો ઈજારો ખાલી મોટા મહેલાતો મા રહેનારાઓ નો જ નથી, તે ક્દી શાળાનુ પગથીયુ ન ચઢેલા ભિખારી કે મજુરના અશિક્ષિત બાળક મા પણ સંસ્કાર જેવુ હોય છે.
This is so nice to know Ms. Trupti. I am sure you would be getting so much satisfaction and internal happiness by satisfying hunger of such poor people. I wish all of us should never loose such opportunities of helping poor people. Keep going!
સરસ લેખ.
તૃપ્તિબેન તમે પણ ખૂબ જ સરસ કામ કરો છો.
હમણાં મેં એક નાળિયેરપાણીવાળા પાસેથી એક નાળિયેર ખરીદીને ત્યાં જ લારી પાસે ઉભા રહીને નાળિયેર પાણી પીધું. પાણી પીધા છતાંય મને હજુ વધારે તરસ લાગી હતી, કદાચ ગરમી વધારે હતી. એટલે મેં એને પૈસા આપતા આપતા કીધું, કેટલું ઓછું પાણી હતું?,
એણે તરત જ બીજું નાનું નાળિયેર ફોડીને મને આપ્યું, મેં ઘણી ના કહી તો મને કહે આપકો કમ પાની મિલે એસા મૈં કૈસે સોચ શકતા હૂં? આપ કા યે દૂસરે નારિયેલ પે હક હૈં, એટલે મેં કીધું બટ મૈં મુફ્ત મેં કૈસે લે સકતી હૂં? તો મને કહે નહિં, પર આપકો કમ પાનીવાલા નારિયેલ આ ગયા તો યે અબ આપકો લેના હી પડેગા. છેવટે મેં એને કીધું પાછળ પેલા મજૂર ભાઇઓ કામ કરી રહ્યા છે એમને આપી દેજો તમારા તરફથી.
તો એણે આભાર માન્યો અને આપી પણ દીધું.
હું તો આ ગરીબ માણસની નૈતિકતા અને મોટું મન બસ જોતી જ રહી ગઇ.
બધાજ પ્રસંગ બહુ સરસ, પણ છેલ્લો પ્રસંગ મારા હૃદય ને સ્પર્શિ ગયો. આભાર.
3 અને ૪ નંબર ના પ્રસંગ હૃદયસ્પર્શી
બધ જ પ્રસંગો બહુ સરસ, મને પણ છેલ્લો પ્રસંગ હ્રદયને સ્પર્શી ગયો.
આભાર
ભર્યા ચોમાસે આજે મેઘધનુષના રંગો ખૂબ ખીલ્યા.
દરિદ્રનારાયણ ધનથી દરિદ્ર જરૂર હશે પણ લાગણીની અમિરાત તેને હૈયે વસી હોય છે.
વિકલાંગ બંધુની વ્હારે આવેલા સમતાના ધની સાથી ફેરિયાઓને સલામ.
આભાર.
ખુબ જ પ્રેરણાદાયી પ્રસંગો એટલાંજ હ્રદયસ્પર્શી…!!!!
આજે જ આવો પ્રસન્ગ મે અનુભવ્યો. મારી કાર નુ ટાયર પન્ક્ચર થયુ એત્લે, કાર ટો કરાવવી પડી, કારણ કે AAA થી પણ કાર ફીક્સ ના થઈ શકી. કાલે રાત્રે મારી કાર મે ગુડ યર ના પાર્કીન્ગ મા મૂકી અને આજે સવારે હુ ત્યા ગયો, એટ્લે શોપ ખુલી ગયી હતી. તેમણે, ટાયર રીપેર કરવા ના વીસ ડોલર કહ્યા એટ્લે, મે એને ક્રેડીટ કાર્ડ આપ્યુ, પણ્ દૂકાન દારે મને કહ્યુ કે એક કામ કર્ મને દસ ડોલર આપ્ “i need to put gas in my truck”
મારૂ કામ પણ કર્યુ અને મારી લાખ વીનન્તી, પર પણ એણે દસ ડોલર ના લીધા. મુસીબાત ના સમય મા ક્યારેક કોઇ એ કરેલુ ઘણુ નાનુ કામ પણ ઘણો મોટો પ્રભાવ મુકી જાય્.
આભાર્.
પ્રથમ લેખ એવો વિષય છે કે જેમાં બે પેઢી વચ્ચે નિરંતર સંઘર્ષ ચાલ્યા જ કરવાનો છે. બંને પેઢીએ એકબીજાના દ્રષ્ટિકોણને સમજવાની જરૂર છે. નવી પેઢીએ વધુ વિચારવાની જરૂર છે કારણ કે જૂની પેઢી પાસે અનુભવનુ ભાથું છે.
ગરજ હોય તો ઇન્ટરવ્યુ ખરાબ જાય તો ય કોલ આવશે.
માણસનુ સાચુ સ્વરૂપ ખરાબ સમયમાં જ ખબર પડે છે. સારા સમયમાં તો બધા સારી રીતે જ વર્તશે, તેમાં કંઈ નવાઈની વાત નથી.
કર ભલા સો હો ભલા. આ વાતને બધા અનુસરવા માંડે તો પૂછવુ જ શું!
ખૂબ આભાર,
નયન
Nice articles- 1) again women are only concerned (or more concerned) about their daughters only, but if they teach their sons also then he will not ruin someone else’s’ daughter’s life, if he knows how he should behave. Most parents take option of restricting their daughter but not their boy. With today’s modern and technology advanced world- teenage issues are going to rise more and more and solution is to educated and advice both genders and not like old days- keep on pressuring girl and/or her family only.
2) first interview- nice one- but they may or not may call the guy- not necessarily they have to hire him there and then- I don’t think so that one misunderstanding in answering the question means- you are rejected.
3) Mera bharat mahan- In the time of any crisis- (everyone seems to forget about their moral and sanskars)
4) touchy story- many a times people who don’t have anything ( or have limited income) are overly nice and make us ashamed of having all kind of health, wealth and name and what not.
5) Truptiben’s story is also very nice and heart touching.
હેતલ ના આભીપ્રાય થી સંમ્ંત થઊ છું. અગર દરેક છોકરાને પણ સંસ્કાર તથા બંધનો વીશે કોઈ વિચારતું હોતેતો આજ જુદી હોય શકત.
છેલ્લો પ્રસંગ સારો છે….જે વાત આજ-કાલના મોટા વેપારીઓમાં જોવા નથી મળતી એ વાત એક સામાન્ય પેપર વેચવાવાળામા જોવા મળી…
દરેક પ્રસંગો પ્રેરક છે. પહેલા પ્રસંગના પ્રતિભાવો થોડા એક તરફી લાગે છે. “સોચ અપની અપની”.
આભર.
વ્રજ દવે
આભાર.
વ્રજ દવે
If character is lost everything is lost.
માણસાઇના દિવા તો ગમે ત્યાં પ્રગટતા જ હોય છે. બેટરી વેચતી જાપાનીસ સ્ત્રી કે છાપા વેચતો છોકરો. દરેક સંજોગોમાં પાપનો ડર અને ઇશ્વર પ્રત્યે પ્રેમ રાખવાનો સુંદર બોધપાઠ આપી જાય છે.સુંદર બોધપાઠ આપતા પ્રસંગો બદલ આભાર.
સરસ દિલ ને સ્પર્સિ ગઇ એવિ
આભાર
રાકેશ
બધી જ લઘુ કથા બહુજ સરસ…..
જિવન મા ઉતારવા જેવિ….
હિતેશ મહેતા
ભારતિ વિધાલય – મોરબિ
મારો પ્રથમ ઈન્ટરવ્યૂ – સોહમ રાવલ
સરસ ખુલ્લા મને જણાવેલ ઇન્ટરવ્યું છે . તેમની નવલિકા એટલીજ વાંચવી ગમે તેવી હોય છે http://soham.wordpress.com/
પ્રથમ પ્રયત્ને સફળતા જેવું બહુ ઓછુ જોવા મળે છે. કુહાડીના પહેલા ફટકે ઝાડ કપાઈ જતુ નથી. પહેલા કોળીયે ભુખ ભાંગતી નથી. પહેલુ ડગલું ભરવાથી આપણું ગંતવ્ય સ્થાન આવતું નથી. એમ સોહમભાઈ, આપનો પ્રથમ પ્રયત્ન નિષ્ફળ જરુર છે, પણ વ્યર્થ નથી. પહેલો પ્રયત્ન સફળતા ભલે ન અપાવે પણ એ સફળતાની નજીક જરુર લઈ જાય છે. ઘણા બધા પ્રયત્નોનો સરવાળો એટલે ઝાડનું કપાવું, ભુખનું ભાંગવુ અને આપનું ઇંટરવ્યુમાં પાસ થઈને આપને યોગ્ય કામ મળવું. બોર્ડની પરીક્ષામાં નાપાસ થઈ નાસીપાસ થનારા અને આત્મઘાતી પગલું ભરનારા કિશોરોને આપનો અનુભવ પ્રેરક છે. આપ નિષ્ફળ ગયા છતાં હિંમતથી કબુલ કરો છો, એ બહુ મોટી વાત છે.
સરસ લેખ અને ઓહમને અભિનંદન..