સામૂહિક ચેતના – ભાણદેવ

[‘ભૂમિપુત્ર’ સામાયિક ઓગસ્ટ-2010માંથી સાભાર.]

મનોવિજ્ઞાનની એક શાખા છે – પ્રાણી મનોવિજ્ઞાન (Animal Psychology). યુરોપ અને અમેરિકાના પ્રાણી મનોવિજ્ઞાનીઓની એક ટુકડીએ ખૂબ વિશિષ્ટ પ્રયોગ કર્યો. વિશ્વમાં વાંદરાઓની અનેક જાતિઓ છે. આમાંથી ચાર જાતિઓ અન્ય જાતિઓ કરતાં વધુ વિકસિત છે અને માનવથી નજીક છે. આ ચાર જાતિઓ આ પ્રમાણે છે – ચિંપાંઝી, ગોરીલા, ગબ્બન અને ઉરાંગઉટાંગ.

પેસિફીક મહાસાગરમાં અનેક ટાપુઓ છે. આ ટાપુઓમાં ઘોર જંગલો છે અને આ જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં ચિંપાંઝી વાંદરાઓ વસે છે. આમાંના મોટાભાગના ટાપુઓમાં માનવ વસતિ નથી. પ્રાણી મનોવિજ્ઞાનીઓની આ ટુકડી આમાંના એક ટાપુ પર ચિંપાંઝીઓના અભ્યાસ માટે ગઈ. આ પ્રાણીમનોવિજ્ઞાનીઓ આ ટાપુ પર છ મહિના રહ્યા. આ છ માસ દરમિયાન તેઓએ ચિંપાંઝીઓનો એક સમૂહ પસંદ કર્યો અને તેમને અનેક આવડતોનું શિક્ષણ આપ્યું. આ ચિંપાંઝીઓની કક્ષા, તેમનું શિક્ષણ, તેમનો વિકાસ આદિ સર્વ હકીકતોની વ્યવસ્થિત નોંધ તૈયાર કરી.

છ માસ પછી મનોવિજ્ઞાનીઓ અન્ય ટાપુ પર ગયા. આ ટાપુ પહેલા ટાપુથી લગભગ સો કિ.મી. દૂર હતો. તે ટાપુ પર પણ તે જ કક્ષાના ચિંપાંઝીઓની વસતિ હતી. મનોવિજ્ઞાનીઓએ જે આવડતો પ્રથમ ટાપુના ચિંપાંઝીઓની વસતિ હતી, તે જ આવડતો તેઓ આ નવા ટાપુના ચિંપાંઝીઓને શીખવવા માંડ્યા. પ્રથમ ટાપુના ચિંપાંઝીઓને જે આવડતો હસ્તગત કરતાં છ માસ થયા હતા, તે સર્વ આવડતો આ નવા ટાપુના ચિંપાંઝીઓ માત્ર એક માસમાં શીખી ગયા. આ પરિણામ જોઈને પ્રાણીમનોવિજ્ઞાનીઓ હેરત પામી ગયા. એક મહિના પછી આ પ્રાણીમનોવિજ્ઞાનીઓ ત્રીજા ટાપુ પર ગયા. અહીં પણ તેમણે ચિંપાંઝીઓનો એક સમૂહ પસંદ કર્યો. પ્રથમ બે ટાપુઓના ચિંપાંઝીઓને જે આવડતો શીખવી હતી, તે જ અહીંના ચિંપાંઝીઓને શીખવવાનું શરૂ કર્યું. આ તૃતીય ટાપુના વાંદરાઓ તે સર્વ આવડતો માત્ર એક સપ્તાહમાં અર્થાત બહુ ઝડપથી શીખી ગયા. પ્રાણીમનોવિજ્ઞાનીઓ એથી વધુ હેરત પામ્યા. આ શિક્ષણકાર્ય પૂરું થયું પછી પ્રાણીમનોવિજ્ઞાનીઓની એક પરિષદ ભરાઈ. તેમાં આ પ્રયોગનાં પરિણામોની વિગતવાર વિચારણા થઈ.

પ્રથમ ટાપુના ચિંપાંઝીઓ કરતાં દ્વિતીય ટાપુના ચિંપાંઝીઓની શીખવાની ઝડપ ઘણી વધુ જણાઈ અને તૃતીય ટાપુના ચિંપાંઝીઓની શીખવાની ઝડપ તો તેમનાથી પણ ઘણી વધુ જોવા મળી. આમ બનવાનું કારણ શું ? આ ત્રણેય ટાપુઓ વચ્ચે લગભગ 100 કિ.મી.નું અંતર હતું. ચિંપાંઝીઓ વચ્ચે કોઈ ભૌતિક વિનિમય તો શક્ય જ નથી. તો પછી આ શૈક્ષણિક ભિન્નતાનું કારણ શું છે ? ભિન્ન ભિન્ન ટાપુઓ પર ચિંપાંઝીઓ વચ્ચે ભૌતિક વિનિમય તો નથી જ, તો પછી કોઈ આંતરિક વિનિમય હોવો જોઈએ. આ ચિંપાંઝીઓનું એક સામૂહિક મન હોવું જોઈએ. આ સામુહિક મન દ્વારા તેમની વચ્ચે વિનિમય શક્ય બને છે. અનેક કોમ્પ્યુટરને એક સાથે સાંકળી લેવામાં આવે છે. ત્યાર પછી કોઈ એક કમ્પ્યુટરમાં જે કાંઈ કાર્ય કરવામાં આવે તે સર્વ સંબંધિત કમ્પ્યુટર્સમાં આપોઆપ પહોંચી જાય છે. કાંઈક આવું જ આ ચિંપાંઝીઓનાં મનમાં બન્યું. આ સર્વ ચિંપાંઝીઓનાં મન એક સામૂહિક મન દ્વારા અન્યોન્ય સંકળાયેલાં છે. પ્રથમ ટાપુના ચિંપાંઝીઓને જે શીખવવામાં આવ્યું તે આ સામૂહિક મનના માધ્યમથી અન્ય ટાપુ પરના સૌ ચિંપાંઝીઓનાં મન સુધી પહોંચી ગયું. આ સામૂહિક મનરૂપી સંપર્કસૂત્ર હોવાથી જ દ્વિતીય ટાપુના ચિંપાંઝીઓ ઝડપથી શીખી ગયા અને તૃતીય ટાપુના ચિંપાંઝીઓ તો તેથી પણ વધુ ઝડપથી શીખી ગયા.

યંગ એક બહુ મોટા મનોવિજ્ઞાની હતા. પ્રારંભમાં તો યંગ ફ્રોઈડના શિષ્ય હતા, પરંતુ પછી તેઓ તેમનાથી છૂટા પડી ગયા હતા. ફ્રોઈડે અજાગ્રત મનનો સિદ્ધાંત આપ્યો છે. ફ્રોઈડથી આગળ વધીને યંગ એમ કહે છે કે અજાગ્રત મનના બે ભાગ છે – વ્યક્તિગત અજાગ્રત મન અને જાતિગત અજાગ્રત મન. જેમ વ્યક્તિને પોતાનું અજાગ્રત મન હોય છે, તેમ જાતિને પણ પોતાનું અજાગ્રત મન હોય છે. જાતિના સર્વે સભ્યો આ જાતિગત અજાગ્રત મન દ્વારા અન્યોન્ય સંકળાયેલા રહે છે. આ અજાગ્રત મન જાતિના સર્વે સભ્યો વચ્ચેનું સંપર્કસૂત્ર છે. જો ચિંપાંઝીઓમાં જાતિગત અજાગ્રત મનરૂપી સંપર્કસૂત્ર છે, તો માનવજાતિમાં આવું જ કે સંભવતઃ આનાથી પણ વધુ વિકસિત જાતિગત અજાગ્રત મનરૂપી સંપર્કસૂત્ર ન હોય ? હોય જ અને છે જ.

ભારતીય અધ્યાત્મવિદ્યા, ભારતીય તત્વજ્ઞાન અને તદનુસાર ભારતીય મનોવિજ્ઞાનમાં આ સત્યનો વધુ વિશદ સ્વરૂપે વધુ સ્પષ્ટ સ્વરૂપે સ્વીકાર થયો છે. ‘પિંડે સો બ્રહ્માંડે’ આ સિદ્ધાંત દ્વારા આ જ સત્ય અભિવ્યક્ત થાય છે. વ્યક્તિગત શરીર (Individual body) વૈશ્વિક શરીર (Cosmic body) સાથે અને તે રીતે સર્વ વ્યક્તિગત શરીર સાથે સંલગ્ન છે. વ્યક્તિગત પ્રાણ (Individual Vital) વૈશ્વિક પ્રાણ (Cosmic Vital) સાથે સંલગ્ન છે. અને તેના દ્વારા સર્વ વ્યક્તિગત પ્રાણ સાથે સંલગ્ન છે. વ્યક્તિગત મન (Individual Mind) વૈશ્વિક મન (Cosmic Mind) સાથે સંલગ્ન છે અને તેના દ્વારા સર્વ વ્યક્તિગત મન સાથે સંલગ્ન છે. વ્યક્તિગત આત્મા (Individual Soul) વૈશ્વિક આત્મા (Cosmic Soul) અર્થાત પરમાત્મા સાથે સંલગ્ન છે અને તેના દ્વારા સર્વ વ્યક્તિગત આત્મા સાથે સંલગ્ન છે. આનો અર્થ એમ થયો કે આપણાં સૌની વ્યક્તિગત ચેતના મહાન સામૂહિક ચેતના સાથે સંલગ્ન છે અને તે સંબંધ દ્વારા આપણી વ્યક્તિગત ચેતના સર્વ વ્યક્તિગત ચેતના સાથે સંલગ્ન છે. આ સમગ્ર અસ્તિત્વમાં સંપૂર્ણ અલાયદું એવું કશું જ નથી. અહીં સૌ અન્યોન્ય જોડાયેલાં જ છીએ.

આપણે એક સદવિચાર દ્વારા કે એક સતકર્મ દ્વારા સમગ્ર વૈશ્વિક ચેતનાને અને અનેક વ્યક્તિગત ચેતનાને પ્રભાવિત કરીએ છીએ. અને અનેક વ્યક્તિગત ચેતનાઓ અને સમગ્ર વૈશ્વિક ચેતના આપણી ચેતનાને પ્રભાવિત કરે છે. એક સરોવરમાં એક નાનો પથ્થર ફેંકીએ તો તેના પરિણામરૂપે તરંગો ઊઠે છે અને આ તરંગાવલી દૂરદૂર સુધી ફેલાતી રહે છે, તે રીતે આપણે સૌને અને સૌ આપણને પ્રભાવિત કરે છે. સભાનપણે કે અભાનપણે આ પ્રભાવ-પ્રક્રિયા સતત ચાલુ જ છે.

એક વનસ્પતિશાસ્ત્રીએ થોરની એક કાંટા વિનાની જાત બનાવી છે. તેનો ઈતિહાસ સમજવા જેવો છે. એક કૂંડામાં કાંટાવાળા થોરનો એક છોડ હતો. આ વનસ્પતિશાસ્ત્રી ખૂબ પ્રેમથી તે છોડ પર હાથ ફેરવતા અને સાથે કહેતા : ‘ભાઈ, તારે તારા રક્ષણ માટે હવે કાંટાની જરૂર નથી. તારા પર કોઈ જોખમ નથી. હું તારી રક્ષા કરીશ. તારે હવે કાંટાની કોઈ જરૂર નથી. તું કાંટાને છોડી દે. તું કાંટા વિના પણ સલામત જ છે.’ વનસ્પતિશાસ્ત્રીએ પોતાની આ વાત હૃદયપૂર્વક અને નિત્ય કહેવાનું ચાલુ રાખ્યું અને સૌના આશ્ચર્ય વચ્ચે એક દિવસે તે થોરના છોડે પોતાના કાંટા છોડવાનું ચાલુ કરી દીધું અને આખરે તે છોડ કાંટાથી મુક્ત થયો. આશ્રમમાં એક વૃક્ષ કાપવું પડે તેમ હતું. કાપનાર ભાઈઓ આવ્યા. તેમણે જોયું, તો વૃક્ષની એક ડાળી પર મધપૂડો છે. તેમણે કહ્યું, ‘આવતીકાલે અમે એક મધ પાડનાર ભાઈને લઈ આવશું. તે ભાઈ આ મધપૂડો પાડી નાખે, પછી અમે આ વૃક્ષ કાપી શકીશું.’ બીજે દિવસે વૃક્ષ કાપનાર ભાઈઓ એક મધ પાડનાર ભાઈને લઈને આવ્યા. તેમણે જોયું તો મધ ઊડી ગયું છે. બધી જ મધમાખીઓ બાજુના એક બીજા વૃક્ષ પર નવો મધપૂડો બનાવવામાં સંલગ્ન છે. આવતી કાલે આ મધપૂડો અહીંથી પાડવાનો છે – અમારા આ નિર્ણયનો સંદેશ આ મધમાખીઓ સુધી પહોંચ્યો કેવી રીતે ? કોઈક અજ્ઞાત સ્વરૂપનો ચેતનાગત સંપર્કસેતુ છે જ !

આપણે સૌ એક મહાન સામૂહિક ચેતનાના સાગરના તરંગો છીએ. પ્રત્યેક તરંગ સાગર અને અન્ય તરંગો સાથે સંલગ્ન છે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હવાના ટકોરા – મોહંમદ અલવી
સ્વજન નામે….. – ડૉ. રેણુકા એચ. પટેલ Next »   

15 પ્રતિભાવો : સામૂહિક ચેતના – ભાણદેવ

 1. Viren Shah says:

  Very nice

 2. જગત દવે says:

  ખરેખર ઈશ્વરે બધા જ તત્વો વચ્ચે એક અકલ્પનીય શુક્ષ્મ ચેતનાઓ ની જાળ રચેલી છે જેને વિજ્ઞાનથી માપવા કરતાં સંવેદનાઓ થી મહેસુસ કરવા જેવી છે. ( ફિલ્મ ‘અવતાર’ માં આ જોડાણને સરસ રીતે વણી લીધું છે)

  નાના હતાં ત્યારે ગલુડીયાઓ, કુતરાઓ, ગાય, વાછરડાં પર હાથ ફેરવીને ને રમાડીને એ ચેતનાનો અનુભવ કર્યો છે. વરસાદનાં પાણીમાં વહી જતાં કીડી મકોડાં જેવા જંતુઓ ને બચાવી ને મોટું બચાવ કાર્ય કર્યું હોય તેવો ભોળો ગર્વ લીધો છે. કરમાય જતાં છોડ-ઝાડને નિયમિત પાણી પાઈ ને તેને લીલુંછમ થતું જોઈ ને દિલ બાગ બાગ થયું છે. ઝાડની ડાળીઓ પર ઊનાળાની બપોરમાં આરામ ફરમાવતી વખતે દાદા-દાદીનાં ખોળામાં બેઠાં હોઈએ તેવો અનુભવ થયો છે. ઈલેક્ટ્રીક કરંટ લાગવાથી મૃત્યું શૈયા પર પડેલા કબુતર, કાગડો કે કાબર ને પાણી પાઈ ને છાંટીને તેની પીડા શમાવવાનો ભોળો પ્રયત્ન કરેલો છે. તેની ખરી અને કરૂણા સભર સ્મશાન યાત્રા પણ કાઢેલી છે. આ સંવેદના-ધડતર ને કારણે જ આજે હું સમગ્ર બ્રહ્માંડનાં ચેતના-જગતનો હિસ્સો હોઊ તેવું લાગે છે.

  માટે જ રશિયાનાં જંગલોમાં લાગેલી આગ મને દઝાડે છે…….સ્પેનમાં બુલ-ફાઈટમાં બુલ પર થતાં અત્યાચાર મને અકળાવે છે……મેકસિકોની ખાડીમાં રેલાયેલા તેલમાં મરી રહેલાં જળચરો, પક્ષીઓ જોઈને પીડા થાય છે. ચકલીઓ ની ઘટતી સંખ્યા જાણે સ્વજનની વિદાયની વેદના આપે છે…..વાઘનાં અસ્તિત્વની ચિંતા પણ થાય છે.

  તમને થાય છે??????? જો હા તો તમારી-મારી અને આપણી ચેતનાં દ્વારા આપણે સૌ જોડાયેલાં છીએ અને પછી……નામ, જાતિ, ધર્મ, દેશ, ગરીબ, અમીર જેવી ‘સ્થૂળ’ ઓળખાણ ગૌણ બની જાય છે. ખરું ને????

  ઈ-મેઈલઃ ja_bha@yahoo.co.in

  લેખક અને મૃગેશભાઈનો આભાર.

  • trupti says:

   જગતભાઈ,

   બહુજ સરસ વાત કહી તમે. તમે ખરેખર ખુબજ ઉંડાણથી વિચારો છો અને તમારા અભિપ્રાયો વાચવાનુ જાણે વ્યસન થઈ ગયુ છે.

   સરસ લેખ ને સરસ અભિપ્રાય બદલ મ્રુગેશભાઈ અને તમારો ખુબ આભાર.

 3. Sonia says:

  જગત ભાઈ, તમે સરસ વાત કરી. હું પણ તમારી સાથે જોડાયેલી છું. આવા સાદો છતાં સુંદર લેખ માટે આપ નો આભાર!

 4. Bhavesh Merja says:

  વ્યક્તિગત આત્મા (Individual Soul) અને વૈશ્વિક આત્મા (Cosmic Soul) અર્થાત પરમાત્મા – આ બે ચેતન સત્તાઓ છે. પરમાત્મા સર્વત્ર વ્યાપક છે, જ્યારે જીવાત્મા સૂક્ષ્મ એકદેશી છે. બંને સ્વભાવથી જ આવા છે. પરમાત્મા (ઈશ્વર) કદાપિ જીવાત્મા (આત્મા, જીવ) બનતા નથી કે જીવાત્મા (આત્મા, જીવ) ક્યારેય પરમાત્મા (ઈશ્વર) બનતો નથી. બંનેમાં સ્વભાવગત નિત્ય ભેદ છે. ઋગ્વેદમાં “દ્વા સુપર્ણા સયુજા સખાયા….” મન્ત્રમાં આ વિશેનું વર્ણન કરવામાં આવ્યું છે.
  = ભાવેશ મેરજા

 5. nayan panchal says:

  આ લેખ કાર્લ જંગની સામૂહિક ચેતનમનની માન્યતાને પૂરી પાડે છે. દરેક વિચારને એક પોતાની ફ્રીકવન્સી હોય છે, વાઈબ્રેશન હોય છે. અમુક આદિવાસીઓ એવા હોય છે કે જેઓ સામેવાળાના મનના વિચારો જાણી જાય છે. દરેક મનુષ્યમાં આ માટેની ક્ષમતા હશે, માત્ર તેને નિખારવાની જરૂર છે.

  જગતભાઈએ કહ્યુ તેમ આ બાબતને ‘અવતાર’ ફિલ્મમાં સારી રીતે સાંકળી લીધી છે. આ જ વાતને ‘ઈન્સેપ્શન’માં પણ આડકતરી રીતે દર્શાવી છે. આ બાબત વિશે વધુ સંશોધનની ખાસ જરૂર છે.

  આભાર, મૃગેશભાઈ.
  નયન

 6. Gajanan Raval says:

  It’s a fact that cosmic mind can play a vital role in development or destruction of the universe. Man’s power to think
  -act and react can form harmony among vegetable & animal kingdom but it’s regrettable that through his selfish
  ego man is on the verge of Pralay-doom’sday….. Only and only through noble love, behaviour and other spiritual
  virtues RUTA (universal code of Truth) can be restored to save our world from today’s grave picture….
  Love & Best wishes to Bhandev & Mrugeshbhai…
  —Gajanan Raval
  Greenville-SC, U S A

 7. hareshbhai vyas says:

  First of all let me congratulate you for launching such a superb site..These days, when reading habits are nomore getting its importance due to fast life and TV culture, your efforts are praiseworthy.To select good articles from various well/reputed magazines is not an easy thing.I have just come to know about your site 2 days back but really I am impressed with your countless efforts and love for mother tounge.Thanks.

 8. જય પટેલ says:

  સામુહિક ચેતનાનો વિચાર પચાવવો અઘરો છે.

  ત્રણસો કિલોમીટરના દાયરામાં રહેતા વાંદરા સામુહિક ચેતનાના પ્રભાવ હેઠળ ત્વરિત ગતિએ શીખી ગયા ?
  સામુહિક ચેતનાનો વિચાર વાસ્તવિક ઓછો અને કાલ્પનિક…ફેરી ટેલ વધુ લાગે છે.

  વાંદરાની સામુહિક ચેતનાનો સિધ્ધાંત વાંદરા કરતાં વધુ બુધ્ધિશાળી માનવીઓને કેમ લાગુ પડતો નથી ?. એક વર્ગમાં ૪૦ વિદ્યાર્થીઓ હોય અને તેમાં ૧૦ વિદ્યાર્થીઓ તેજસ્વી, ૨૦ એવરેજ અને ૧૦ ઠોઠ નિશાળીયા હોય તો એક જ વર્ગમાં આવેલી સામુહિક વૈશ્વિક ચેતનાનો સિધ્ધાંત ૧૦ ઠોઠ નિશાળીયા પર લાગુ થવો જોઈએ. ૧૦ તેજસ્વી વિદ્યાર્થીઓની સામુહિક ચેતનાની અસર ૧૦ ઠોઠ વિદ્યાર્થીઓ પર પણ થવી જોઈએ. સામુહિક ચેતનાની અસર કદાચ થાય તો પછી શિક્ષકની જરૂર ઓછી પડવી જોઈએ. એક વિદ્યાર્થી ડોકટર કે એંજીનીયર થાય તો બધા જ થવા જોઈએ..!!

  મહાભારતમાં ભિષ્મ પિતામહ, ગુરૂ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, જેવા ઘણા શાણા માણસો હતા, તેમની સામુહિક ચેતનાની અસર દૂર્યોધન પર ના થઈ અને દૂર્યોધનની ચેતનાની અસર શાણા માણસો પર ના થઈ.

  ટેલી પથી…પ્લાઝમા ફિઝીક્સ જેવી થિયરી છે પણ દરેક માનવી તેમાં કાબેલ હોય તે જરૂરી નથી.
  માનવીના મનનો તાગ બૉડી લેગ્વેજ પરથી તારી શકાય પણ આ વિજ્ઞાન સંપૂર્ણ નથી…ખાસ કરીને
  જ્યારે ભૂ.અમેરિકન પ્રમુખે આંગળી ચિંધીને કહ્યું હતું કે તે સ્ત્રી સાથે મારા કોઈ શારિરીક સંબધ નથી અને
  દૂનિયા આખીએ જાણ્યું કે સચ્ચાઈ શું હતી…!!

  લાઈ ડિટેકટર ટેસ્ટ, નાર્કો એનાલિસીસ, બ્રેઈન મેપીંગ ટેસ્ટ સહાય જરૂર કરે છે પણ સંપૂર્ણ નથી અને
  તેથી જ ન્યાયાલયમાં તેને સર્વ સ્વીકૃતિ મળી નથી.

  આંખ મનનો આઈનો છે વિધાન કંઈક અંશે સાચુ છે પણ સંપૂર્ણ નથી
  માનવીના મનનો તાગ મેળવવો અઘરો છે.

  • જગત દવે says:

   શ્રી જયભાઈઃ

   અહિં ચેતના એટલે કુદરતી તત્વો અને વ્યવસ્થા સાથે તાદામ્યતાનાં અનુભવ દરમ્યાન પેદા થતાં અદ્રશ્ય તરંગો ની શક્તિ. વિજ્ઞાન ફક્ત એવા સ્થૂળ તત્વો અને સત્યોનું વિશ્લેષણ કરી શકે છે જેનો અનુભવ આપણે આપણી ઈન્દ્રીયો દ્વારા કરી શકીએ છીએ. એ જરૂરી નથી કે ચેતના હંમેશા કોઈ કાર્યમાં કે અનુભવ કરી શકાય તેવી સ્થિતીમાં જ પરિવર્તિત થાય.

   અહિં આપની એ વાત સાથે સહમત છું કે ઊપરના લેખમાં તેને વિજ્ઞાનનું સ્વરુપ આપીને સાબિત કરવા પ્રયત્ન કરાયો છે જે મારા વિચાર પ્રમાણે શક્ય નથી.

   જેમ ઈશ્વરની હાજરીની આજસુધી કોઈ સ્થૂળ સાબિતી ન મળવા છતાં સમગ્ર માનવ-જગત ઈશ્વરનાં અસ્તિત્વ પર શંકા નથી કરતું તેવું જ ચેતનાનું પણ કહી શકાય.

   દરેક જીવમાં એવું ક્યું તત્વ છે જે તેને ચેતના-મય (Active) રાખે છે? મૃત્યુ દરમ્યાન એ જીવોમાંથી ચેતના ક્યાં જાય છે? તેને ફરી શરીરમાં દાખલ કેમ નથી કરી શકાતી? જેવા અનેક પ્રશ્નોનાં ઊતરો કદાચ ક્યારેય નહી મળે.

   નેશનલ જીયોગ્રાફીકની એક ડોક્યુમેન્ટરી “Journey to the Edge of the Universe” જોવા ભલામણ કરું છું. માનવ-જાતની અસીમ મહત્વાકાંક્ષા ને સલામ કરવાનું મન થશે અને સાથે સાથે તેની પામરતાનો પણ અહેસાસ થશે.

   મૃગેશભાઈઃ વિષયને અનુરૂપ ચર્ચાને કારણે આ અભિપ્રાય આપવા લલચાયો છું.

   • જય પટેલ says:

    શ્રી જગતભાઈ,

    આધ્યાત્મિક ચેતનાના મૂળમાં શ્રધ્ધા રહેલી છે અને જ્યાં શ્રધ્ધા હોય ત્યાં સાબિતીઓ અપ્રસ્તુત બન.
    પ્રસ્તુત લેખ કહેવાતી રિસર્ચ પર આધારિત છે.

    પશ્ચિમના વિજ્ઞાની જે કહે તે બધું જ સાચું તેવી ગુલામી માનસિકતામાંથી બહાર નિકળવાની જરૂર છે. આજે જ સમાચાર છે કે નેસ્ડેક લિસ્ટેડ કંપની ચાઈનામાં દૂધ પાઉડર વેચે છે જે પિવાથી નાની દિકરીઓના બ્રેસ્ટ જલ્દીથી વિકસીત થતાં ચાઈનાની સરકારે તપાસનો આદેશ આપ્યો છે…!!

    • જગત દવે says:

     મારા હિસાબે ચેતનાને ‘આધ્યાત્મિક’ , ‘વિજ્ઞાનીક’, ‘શ્રધ્ધા’ કે ‘અ-શ્રધ્ધા’ માં બાંધી ન શકાય કેમ કે તેનું અસ્તિત્વ આપણી બુધ્ધિ અને ઈન્દ્રીયો નુ મોહતાજ નથી. કેમ કે……..

     “हमने देखी है उन आँखों की महकती ख़ुशबू
     हाथ से छू के इसे रिश्तों का इल्ज़ाम न दो”

 9. ghanshyam kothari says:

  The article is interesting and also the comments particularly of Mr. Jagat Dave are interesting.
  Thanks Mrigesh for presenting nice article.
  Ghanshyam Kothari

 10. Dipti Trivedi says:

  પ્રથમ ટાપુના ચિંપાંઝીઓને જે શીખવવામાં આવ્યું તે આ સામૂહિક મનના માધ્યમથી અન્ય ટાપુ પરના સૌ ચિંપાંઝીઓનાં મન સુધી પહોંચી ગયું. ———-એક મૂંઝવણ છે. જો આમ હોય તો પછી એક જ શિક્ષક એક જ વર્ગના ૪૫ વિદ્યાર્થીઓને એક સાથે ભણાવે , એક સાથે પરીક્ષા લે અને છતાં સરખી ગ્રહણશક્તિ કે પરિણામ કેમ નહી આવતું હોય?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.