સ્વજન નામે….. – ડૉ. રેણુકા એચ. પટેલ

[‘નવનીત સમર્પણ’ ઓગસ્ટ-2010માંથી સાભાર. આપ ડૉ. રેણુકાબેનનો (અમદાવાદ) આ નંબર પર +91 79 25460783 સંપર્ક કરી શકો છો.]

‘અને બાળકો ?’ અદિતિએ પ્રશ્નાર્થભરી નજરે રિબેકા સામે જોયું. રિબેકાએ ખભા ઉલાળીને પ્લેટમાં ચમચી પાછી મૂકી. ચિરાગ ચૂપચાપ નીચું માથું કરીને જમી રહ્યો હતો. રિબેકાએ પોતાની ઘેરા લીલા રંગની આંખો અદિતિ સામે સીધી માંડી.
‘વેલ મોમ ! એ કોઈ મોટો પ્રશ્ન નથી. ચિલ્ડ્રનને ચિરાગ પોતાની પાસે રાખવા ઈચ્છે તોય મને વાંધો નથી. અને એ મારી સાથે રહે તોય….’
‘સાથે રાખવાથી બાળકો મોટાં થતાં નથી રિબેકા… બાળકોને તો બન્ને જોઈએ. મા અને બાપ બન્ને… નહીં તો તેમની સાઈકોલોજી….’

રિબેકાનો સપાટ ચહેરો જોઈને એ સહેજ થોથવાઈ ગઈ.
‘એવો કોઈ ડર રાખવાની જરૂર નથી. અહીં તો કેટલાંય સિંગલ પેરેન્ટ્સ બાળકો ઉછેરે છે અને કોઈની સાઈકોલોજી ડિસ્ટર્બ થતી નથી.’ તેનો અવાજ પણ એના ચહેરા જેવો જ સપાટ રહ્યો. અદિતિને શું બોલવું સમજાયું નહીં. થોડી વાર સુધી બધાં મૂંગાં મૂંગાં જમતાં રહ્યાં પછી રિબેકા ઊભી થઈને પોતાની પ્લેટ હાથમાં લઈને રસોડા તરફ જતી રહી. એની પાછળ પાછળ ચિરાગ પણ ઊભો થઈ ગયો…. ટેબલ પર માત્ર અદિતિ બેસી રહી. મૂઢની જેમ.

તદ્દન સાચુ કહીએ તો ક્યારેક આ સંજોગો ઊભા થશે તેવી કલ્પના તો કરી જ હતી. ઈન્ડિયામાં જ્યારે ક્યારેક અડધી રાતે ઊંઘ ઊડી જતી ત્યારે ગભરુ આવો ડર ઊગીને ઊભો થતો હતો. પોતે મનને ટપાર્યુંય હતું અને જોરથી આંખો મીંચીને આશંકાને દૂર પણ હડસેલી હતી. તે છતાંય આજે જ્યારે પરિસ્થિતિ ખરેખર સામે આવીને ઊભી છે ત્યારે હૃદય વલોવાઈ રહ્યું છે. મનમાં ગુસ્સો ઊભરાઈ રહ્યો છે. આ સઘળામાં પોતાની ભૂલ ક્યાં થઈ છે તે પ્રશ્ન ફરી ફરીને જાગી રહ્યો છે. હા, ફરિયાદ કરવાની તો ટેવ જ નથી એટલે કોઈનો વાંક પણ દેખાતો નથી, ન તો ચિરાગનો કે ન તો રિબેકાનો… પરંતુ તેમનાં બે સંતાનો માટે અંતર તો વલોવાઈ જ રહ્યું છે.

એ દિવસે મોડી રાત સુધી તેને ઊંઘ ન આવી. ચોવીસમા માળે આવેલા આ એપાર્ટમેન્ટમાં ખુલ્લી તાજી હવા તો ક્યાંથી આવે પણ સંવેદનાઓ પણ જાણે ઠીંગરાયેલી વાસી હવાની જેમ થીજી ગઈ હતી. અદિતિની આંખો ભરાઈ આવી. તેને તીવ્રતાથી કૃષ્ણકાન્ત યાદ આવી ગયા.
‘નથી જવું ક્યાંય ! શા માટે જવાનું….કહીશ ?’ કૃષ્ણકાન્ત તો અદિતિ અહીં આવે એના વિરોધમાં જ હતા.
‘મુશ્કેલીના સમયમાં આપણું સંતાન આપણને જ યાદ કરેને ? અને એ વખતે આપણે તેની મદદ ન કરીએ તો….’
‘સંતાન…. હંહ…. એણે તને કહ્યું કે મા તું અહીં આવી જા ? તું તારી જાતે બંધબેસતી પાઘડી ના પહેર ! એણે માત્ર આપણને જણાવ્યું અને તું થેલી ભરીને તૈયાર થઈ ગઈ. મારી વાત માન ત્યાં જવામાં માલ નથી…’
‘પણ એ એકલો એકલો કેટલો હિજરાતો હશે….’ અદિતિની આંખો ભરાઈ આવી હતી.
‘તે નસીબ એના… એમાં કોઈ શું કરે ? અને તને એનું બહુ લાગી આવતું હોયને તો તું એની સાથે હિજરાવા જા… આમેય તું માનવાની તો નથી જ. પણ ત્યાં જઈને તું પસ્તાવાની છે યાદ રાખજે.’

અદિતિ નહોતી જ માની. પોતે એકલી મુંબઈ જઈને વિઝા લઈ આવી અને વિમાનમાંય બેસી જ ગઈ પણ બેઠા પછી કોઈ અજાણ્યા ભયથી હૃદય ધડકી રહ્યું હતું. ગમે તેમ તોય ચિરાગની આ અંગત વાત….. તેમાં પોતે માથું મારવા છેક અહીં સુધી આવી પહોંચી છે એ પેલા બન્નેને ગમશે ખરું ? રિબેકા સાથે લગ્ન કરવા બદલ કૃષ્ણકાન્ત હૃદયથી ચિરાગને હજીય માફ નથી કરી શક્યા. અમેરિકામાં જન્મેલી અને ત્યાં જ ઊછરેલી ગોરી છોકરીના કુટુંબજીવન વિશેના વિચારો કેવાય હશે તેના માટે એ હંમેશાં આશંકિત રહેતા. વળી રિબેકા ભાંગેલા લગ્નજીવનનું સંતાન હતી. તેના પિતા તો રિબેકાના જન્મ પહેલાં જ તેની માતાને છોડી ગયેલા. અસંખ્ય અભાવો અને પૂર્વગ્રહોથી ગ્રસ્ત બાળપણમાંથી પસાર થયેલી રિબેકાનાં પોતાનાં સત્યો હશે અને પોતાની જ માન્યતાઓ પણ હશે. અદિતિ ઝાઝું જાણતી નથી એ વિશે…. પણ સમજે તો છે. જ્યારે ચિરાગે ફોન કરીને રિબેકાથી છૂટા પડવાના પોતાના નિર્ણય વિશે જણાવ્યું ત્યારે એ જ સમજણના ન જાણે ક્યા તંતુના આધારે એ અહીં સુધી આવી તો ગઈ પણ અહીં આવીને હવે ખરેખર બીક લાગી રહી હતી. અહીં તો બધું જ ગૂંચવાઈ ગયેલું હતું. ક્યાંથી શરૂ કરવું કંઈ ખબર પડતી ન હતી. અહીં આવ્યાને સાત દિવસ થઈ ગયા પણ પરિસ્થિતિમાં કોઈ ફેર ન હતો. ચિરાગને જોઈને ઘણી વાર થતું કે પોતાનો જ પુત્ર હતો ? બાહ્ય સંજોગો અને વાતાવરણ કોઈ વ્યક્તિને આટલી હદે બદલી શકે છે ? રિબેકાને જોઈને થતું કે આ પુત્રવધૂ છે ? ચિરાગનાં સંતાનોની માતા ? મા વિશેની સહજ સંવેદનાઓથી પણ પર એવું આ વ્યક્તિત્વ ? ગમે તેમ પણ બન્નેએ છૂટાં પડવાનો નિર્ણય લઈ લીધો હતો. ચોવીસમા માળે આવેલા આ વૈભવી એપાર્ટમેન્ટમાં બન્નેના બેડરૂમ જુદા થઈ ગયા હતા. બાળકો પોતાના નાનકડા ઓરડામાં ચુમાઈને જુદાં સૂઈ જતાં હતાં. જોકે અદિતિ આવી હતી ત્યારથી બાળકોની સ્થિતિ કંઈક સુધરી હતી. તે પોતે બાળકોના ઓરડામાં જ સૂઈ રહેતી. નાનકડી વાર્તાઓ અને નાનાં નાનાં અંગ્રેજી બાળગીતોથી તેમનાં દુઃસ્વપ્નોથી ભરેલી દુનિયાને થોડી રસાળ બનાવવા પ્રયત્ન કરતી.

તેણે ડોક ફેરવીને બાળકો તરફ નજર નાખી. પોતાના જીવનમાં આવી રહેલા વંટોળથી બેખબર એવાં બન્ને અદિતિએ હમણાં જ સંભળાવેલી કોઈ વાર્તાના ઘેનમાં સૂઈ રહ્યાં હતાં. અદિતિએ બારીનો પડદો પાડી દીધો. ટમટમતા પ્રકાશથી સજ્જ એવું ન્યુયોર્ક બારીની બહાર રહી ગયું અને ઓરડાને અંધકારે ભરડો લીધો.

‘તું પ્રેમ નથી કરતો એને ?’ બીજા દિવસે અદિતિએ ચિરાગને પૂછ્યું. સવારનો સમય હતો. ચિરાગ પોતાના ખંડમાં નીચે બેસીને પોતાના બૂટને પૉલિશ કરી રહ્યો હતો. આજે તેનો ઑફ હતો. રિબેકા સવારે તૈયાર થઈને ઑફિસે જતી રહી હતી. બાળકો હજી સૂઈ રહ્યાં હતાં. ઘરમાં મા-દીકરો એકલાં હતાં.
‘કરું છુંને. નથી કેમ કરતો ?’ ચિરાગ નીચું જોઈને બૂટને ઘસતો બેસી રહ્યો. અદિતિ ધીમેથી તેની પાસે બેસી ગઈ.
‘તો પછી છૂટા કેમ પડવું છે ? તું જાણે છે, પહેલેથી જાણતો હતો કે તે અહીં જન્મેલી છે. અહીં ઊછરેલી છે. તેના સંસ્કાર અહીંના છે…. પછી તારાં બાળકો માટેય થોડી બાંધછોડ કરવી એ તારો ધર્મ છે બેટા… ગમે તેમ તોય એ તેમની મા…..’
‘નહીં કરી હોય ? નહીં કરી હોય મેં ? એટલું તો સમજું છું. પણ જ્યારે કોઈ તમારી સાથે રહેવા જ ન ઈચ્છતું હોય… કોઈને તમારી હાજરી સુદ્ધાં ન ગમતી હોય…. જુદા બેડરૂમ કરી નાખ્યા એણે. જુએ છે ને તું ? પછી પરાણે એને મારી સાથે બાંધી રાખવાનો શો મતલબ છે ?’ ચિરાગનો સ્વર આર્દ્ર બની ગયો. અદિતિનું હૃદય પણ ભીનું થઈ ગયું. સાવ સાચી વાત…. કોઈને પરાણે બાંધી રાખવાનો શું મતલબ હતો ? રિબેકાને ન જ રહેવું હોય ત્યારે ?….. ભિન્ન ભિન્ન પ્રકૃતિ ધરાવતી, ભિન્ન ભિન્ન સંસ્કારો વચ્ચે ઊછરેલી બે વ્યક્તિના કોઈ અકળ સંજોગોમાં થયેલા મિલનનો કદાચ આ જ સ્વાભાવિક અંત હતો. અને ચિરાગની મા હોવાના સ્વરૂપે તેણે સ્વીકારવાનો હતો.

એપાર્ટમેન્ટમાં નીચે કંપાઉન્ડમાં ચિલ્ડ્રનપાર્ક હતો. અદિતિ સાંજે બન્ને બાળકોને ત્યાં રમવા લઈ ગઈ. પાર્કમાં ઘણાં બાળકો ભેગાં થયાં હતાં. ગોરાં, કાળાં, મેક્સિકન…. બેત્રણ ઈન્ડિયન પણ હતાં. બધાં ભેગાં મળીને જાત જાતની રમતો રમી રહ્યાં હતાં. ચિરાગનાં બન્ને બાળકો પણ રમવા લાગ્યાં. અદિતિ ત્યાં બેસીને જોઈ રહી. દિવસોથી ક્ષુબ્ધ અને અશાંત મનને બાળકોની કિલકારીઓ અને ઘોંઘાટથી થોડી શાંતિ મળી. પોતાના સંતાનના ભગ્ન સંસારનો કાટમાળ જાણે કે તેની સામે પડ્યો હતો અને તેની વચ્ચેથી, તેને ખસેડતાં ખસેડતાં, રસ્તો કરતાં કરતાં કઈ રીતે તે પાછી ઈન્ડિયા પહોંચશે, કૃષ્ણકાન્તને શું કહેશે, બીજાં સગાંવહાલાંઓની પ્રતિક્રિયા કેવી હશે તે વિશે વિચારવા લાગી. જો પોતે ત્યાં ઈન્ડિયામાં હોત તો ? તો શું રિબેકા માટે ચિરાગને છોડવું આટલું સહેલું હોત ? અહીં તો એ રિબેકા સાથે સીધી રીતે વાત પણ નથી કરી શકતી…. ત્યાં તો આવી વાત સાંભળીને કેટલાં બધાં ભેગાં થયાં હોત ? મામા, કાકી, માસી, ફોઈ, મોટા ભાઈ…. રિબેકાને તો બધાંએ ખખડાવી જ નાખી હોત…. અને મોટા ભાઈ તો ખાસ્સા ઠરેલ…. ચોક્કસ કોઈ રસ્તો સુઝાડ્યો હોત…. આરામખુરશીમાં બેસીને ચાનો કપ હાથમાં લઈને કહેત…
‘બેસ બેસ છૂટાછેડાવાળી… ગોવિંદશંકર ઓચ્છવલાલની સાત પેઢીમાં કોઈએ છૂટાછેડા લીધા છે ?’ સ્વજનોની યાદથી અદિતિના ગળે ડૂમો ભરાયો. તેણે ઘડિયાળ સામે જોયું. ચિરાગ પોતાની નોકરીના કામે અઠવાડિયું બહારગામ જવાનો હતો અને આજે રાત્રે નીકળી જવાનો હતો. વળી રિબેકા પણ આવી જ ગઈ હશે. ડિનર માટે મોડું થશે એમ વિચારી તે બાળકોને લઈને લિફટ પાસે આવી અને બટન દબાવ્યું. પોતાની પાસેની ચાવીથી એપાર્ટમેન્ટનું બારણું ખોલતાં જ તેના કાને કાચની ડિશ પછડાઈને ફૂટવાનો અવાજ પડ્યો. તેણે જોયું રસોડાના બારણા પાસે ગુસ્સામાં લાલચોળ રિબેકા ઊભી હતી અને ડાઈનિંગ ટેબલ પાસે ચિરાગ… ચિરાગના પગ પાસે ફૂટેલી ડિશની કરચો વેરાયેલી હતી. અદિતિને જોઈને બન્ને સ્તબ્ધ થઈ ગયાં. અદિતિ બન્ને બાળકોને લઈને ઝડપથી બાળકોના ઓરડામાં જતી રહી.

તે રાત્રે ચિરાગ તો નીકળી ગયો. બન્ને બાળકો પણ સૂઈ ગયાં. અદિતિએ જોયું કે રિબેકાના ઓરડાની લાઈટ ચાલુ હતી. સાંજે પોતાની સગી આંખે પોતાના દીકરાની જોયેલી અસહાયતા અને તેના અપમાનનો ભાર હજી હૃદય પર લદાયેલો હતો. રિબેકા પર રહી રહીને ગુસ્સો આવી રહ્યો હતો. તદ્દન જંગલી માણસો અને જંગલી વાતાવરણ વચ્ચે ઊછરેલી આ છોકરી તેના મગજમાં શું સમજતી હશે ? શું તે છોડી દેશે તો મારો ચિરાગ એકલો પડી જશે ? શું તેનાં બાળકો અનાથ બની જશે ? હજી તે મને ઓળખતી નથી…. મને…. અદિતિને…. એને તો હું…. ન જાણે શું વિચારીને તેના પગ રિબેકાના ઓરડા તરફ વળ્યા. બારણું ખુલ્લું જ હતું. બેડ પર બેસીને તે લેપટોપ પર કંઈક કામ કરી રહી હતી. અદિતિ ત્યાં જઈને ઊભી રહી. રિબેકાએ તેની સામે જોયું. અત્યાર સુધી દબાવી રાખેલો ગુસ્સો રિબેકાની સામે જોતાં જ છૂટી પડ્યો. આવેગથી તેનું શરીર ધ્રૂજી રહ્યું…. ત્યાં ઊભાં ઊભાં ક્યાંય સુધી એ રિબેકાને ન જાણે શુંનું શું કહેતી રહી…. શુંનું શું સંભળાવતી રહી…. રિબેકા ચૂપચાપ શાંતિથી સાંભળી રહી. થોડી વાર બોલ્યા પછી અદિતિ થાકી. સમય અને સંજોગોને આધીન એવી એ આજે કેટલા નીચલા સ્તર સુધી પહોંચી ગઈ છે કે મોટે મોટેથી ઘાંટા પાડીને બોલી રહી છે તેવું ભાન આવતાં આત્મગ્લાનિથી હૃદય ભરાઈ ગયું. તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. રિબેકાએ ઊભા થઈને અદિતિને પકડીને પોતાના બેડ પર બેસાડી. પાસેના જગમાંથી પાણીનો પ્યાલો ભરીને તેને આપ્યો.
‘રડો છો કેમ ? રડવાથી શું થશે ?’
‘પણ છોકરી, તને ચિરાગથી તકલીફ શું છે કહીશ ? કેવી મા છે તું ? તને તારાં બાળકોનીય પડી નથી ? પોતાના પિતા વિના એ કેવા…..’
‘મારા વિના એ કોણ વધારે સારી રીતે જાણી શકશે મોમ ? કોણ ? કહેશો મને ?’ રિબેકાની આંખોમાં આંસુ તગતગી ગયાં. અદિતિ સહેજ વિચલિત થઈ ગઈ. પોતાનાથી કોઈ ભૂલ તો નથી થઈ રહીને ?

રિબેકાએ તેની પાસેથી ઊભા થઈને મોટી કાચની બારી ઉપરનો પડદો ખસેડી દીધો. અસંખ્ય ઝીણી રોશનીનો ઝગમગાટ નજર સામે ફેલાઈ ગયો. સામે એક મોટા હોર્ડિંગ પર કોઈ પરફ્યુમની જાહેરાત ઝગમગી રહી હતી. રિબેકા થોડી વાર બારી બહાર જોતી ઊભી રહી.
‘ચિરાગને હું કેમ પરણી હતી જાણો છો ?’ તે અચાનક જ અદિતિ તરફ ફરી. અદિતિ તેની સામે જ જોઈ રહી હતી. રિબેકાની બન્ને આંખો આંસુથી છલોછલ હતી. રુદનને રોકવા માટે તે ભરપૂર પ્રયત્ન કરી રહી હતી. અદિતિ કંઈક બોલવા ગઈ પણ રિબેકાએ હાથ ઊંચો કરીને તેને રોકી લીધી. અને પોતે બારી પાસેના સોફા પર બેસી ગઈ.
‘બોલવા દો મને… ખબર નહીં પણ મને લાગે છે કદાચ તમે મને સમજી શકશો અથવા તો મને લાગે છે કે તમારી સામે મારે બધુંય બોલી લેવું જોઈએ…. હૃદયમાં સંધરાયેલું સઘળુંય….’ તેણે સામે પડેલા ગ્લાસમાંથી થોડું પાણી પીધું. ગળું ખોખાર્યું અને અદિતિ સામે સીધું જોયું.

‘મારા બાળપણ વિશે તમને થોડો તો ખ્યાલ હશે જ. ખૂબ અભાવો વચ્ચે જીવી છું હું…ના, પૈસાનો અભાવ નહીં… એ અભાવ તો અહીં કોઈ અમેરિકનને ખાસ હોતો નથી અને મને જો કદાચ હશે તો મને એ નડ્યો પણ નથી. પરંતુ મારા જીવનમાં જે ખાલીપો મને નડ્યો છે એ મારા પિતાનો હતો….. ખૂબ એકલતા વચ્ચે ઊછરી છું હું…. પેરેન્ટ્સ ડે પર મારા મિત્રોના પિતાને જોઈને મેં મારી જાતે જ મને પ્રશ્નો પૂછ્યા છે અને જવાબ પણ જાતે જ આપ્યા છે. મારા ઘરના ડ્રોઈંગરૂમમાં કલાકો સુધી એકલી એકલી બેસીને રડી છું હું…. મારા પિતાના ફોટા સાથે મોડી રાત્રે ઊંઘમાંથી ઊઠીને હું વાતો કરતી….. મને હંમેશાં થતું કે મારી નાની નાની સફળતાઓ પર કોઈ મારી પીઠ થાબડીને પોતે ગર્વ અનુભવે…. કોઈ તો હોય કે જે મારી મા સવારે મોડે સુધી સૂતી હોય તો મારું લંચબોક્સ ભરી આપે, મને ડ્રાઈવ કરીને સ્કૂલે મૂકવા આવે, મારે કઈ યુનિવર્સિટીમાં જવું એની ઉપર હું ઝઘડી પડું એ હદ સુધી ચર્ચાઓ કરે, મારા બોયફ્રેન્ડને લઈને ખોટી ચિંતાઓ કરે, હું રાત્રે મોડી ઘેર આવું તો જાગતું રહે….. પણ એવું કદી થયું નહીં. હું મારા પિતાને ક્યારેય મળી નથી કે ક્યારેય એમને જોયા પણ નથી તે છતાંય એમની ગેરહાજરીથી એવો તો એક શૂન્યાવકાશ મારા હૃદયમાં જડાઈ ગયેલો કે…. ના, આમાં મારી માનો કોઈ વાંક નથી….. એ ખાસ ભણેલી ન હતી…. એટલે અમારું જીવન સરળતાપૂર્વક ચાલે એટલું કમાવામાં જ તેનું તો જીવન ખર્ચાઈ ગયું. હા, મારામાં જાગેલો શૂન્યાવકાશ એની નજર બહાર જ હતો. એ શૂન્યાવકાશ ભરવા એણે પ્રયત્નો તો બહુ કર્યા પણ એ નિષ્ફળ જ રહેલી. તેના એ ઘાંઘા વાંઝિયા પ્રયત્નો હું જોઈ રહેતી, મનમાં અપરાધબોધ અનુભવતી. મારા પિતાને નવેસરથી મારા હૃદયમાંથી કાઢીને ફેંકી દેવા તત્પર બનતી અને નવેસરથી નિષ્ફળ જતી. એક જબરજસ્ત માનસિક તાણ વચ્ચે મેં મારાં એ વર્ષો પસાર કર્યાં.’ રિબેકા બે મિનિટ માટે મૌન થઈ ગઈ. ઓરડામાં અકથ્ય મૌનનો ભાર તોળાઈ રહ્યો. અદિતિ ચૂપચાપ સાંભળી રહી હતી.

‘અને એટલે મોમ જ્યારે હું યુવાન થઈ મેં નક્કી કર્યું કે મારાં બાળકોને મેં જે અભાવ કે તાણ વેઠ્યાં છે તે તો હું નહીં જ આપું. તેમને હું સુંદર અને સ્વસ્થ બાળપણ આપીશ. સારી ફેમિલી લાઈફ આપીશ. ચિરાગને પણ હું એટલે જ પરણી. ઈન્ડિયન માણસોના ફેમિલી વિશેના વિચારો માટે મારા મગજમાં ઊંચો અભિપ્રાય હતો. હું માનતી હતી ચિરાગ સારો પતિ પુરવાર થશે અને મારાં બાળકોને હું એક સારો પિતા આપી શકીશ. પણ હું ખોટી ઠરી, મોમ, અમારાં લગ્નનાં છ વર્ષ પછી, અમારાં બે બાળકોના જન્મ પછી…. ચિરાગ નવેસરથી પ્રેમમાં પડ્યો. તેની સાથે કામ કરતી સોનિયાના પ્રેમમાં…. મોમ, તમે જાણો છો ? તમારો દીકરો સોનિયા નામની એક સ્ત્રીના પ્રેમમાં છે ?’
અદિતિને આંચકો લાગ્યો. તેને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો. એક ક્ષણ માટે તો એને આ રિબેકાનું તરકટ લાગ્યું પણ રિબેકાની સુંદર સ્વચ્છ આંખોમાં તેને સત્ય જ દેખાયું. અદિતિના હાથપગ ઠંડા પડી ગયા. તેના ગળામાંથી માંડ માંડ અવાજ નીકળ્યો.

‘ના….ના… ચિરાગ એવું ન કરે, હું ઓળખું છું એને, મારો દીકરો છે એ…. તારી કોઈ સમજફેર થતી હશે.’ રિબેકા અદિતિ સામે જોઈને ફિક્કું હસી. તે ઊભી થઈને પાછી બેડ પર આવી. પોતાના લેપટોપના કી-બોર્ડ પર આંગળીઓ ચલાવી અને લેપટોપ અદિતિ તરફ ફેરવ્યું. અદિતિની સામે ચિરાગના બીજી કોઈ યુવતી સાથેના અસભ્ય કહી શકાય તેવા ફોટા નાચી રહ્યા. અદિતિએ બન્ને હાથે આંખો ઢાંકી દીધી અને માથું પકડી લીધું.
‘આજે અત્યારે પણ તેની સાથે જ છે. બન્ને નાયગરા ગયાં છે.’ તેના કાને અવાજ અથડાયો. ‘સાંજે હું એટલે જ ગુસ્સે થયેલી. મેં તેને કહ્યું કે મોમ આવ્યાં છે એટલા દિવસ તો શાંતિ રાખ…. પણ…’ અદિતિની આંખ સામે સાંજે તૂટેલી ડિશના ટુકડા તરવરી રહ્યા.

ઓહ ! તો આમ વાત હતી. માનો કે ન માનો પણ સત્ય આ જ હતું. પોતાના સગા પુત્રને ઓળખવામાં પોતે જ થાપ ખાધી હતી. તદ્દન નિર્લજ્જ અને નફફટ બનીને એ પોતાની માને જ મૂરખ બનાવી રહ્યો હતો. અને પોતાના દોષનો ટોપલો આરામથી આ નિર્દોષ યુવતી પર ઓઢાડી રહ્યો હતો. સામેની બારીના મોટા કાચમાંથી ન્યુયોર્ક શહેરની રોશની દેખાઈ રહી હતી. લાંબી મોટી ચમચમાતી ગાડીઓ, આકાશને આંબે તેવાં બિલ્ડિંગ, મોટાં મોટાં હોર્ડિંગ્સ અને લીલી નોટોની માયા….. આ સઘળાં મળીને ચિરાગને ગળી ગયાં હતાં અને અદિતિનું મન પણ જાણે ભાવનાશૂન્ય બની ગયું હતું. અત્યારે આ ક્ષણે એવું લાગી રહ્યું હતું કે ચિરાગે જાણે કે તેની કૂખે જન્મ લીધો જ નથી…. એના જન્મની પીડા પોતે વેઠી જ નથી કે એને કદી પોતાની છાતીએ લગાવ્યો જ નથી…. શું એ પુત્ર હતો ? પોતે સેંકડો માઈલ દૂરથી તેનો સંસાર બચાવવા પોતાના પતિની ઈચ્છા વિરુદ્ધ અહીં દોડી આવી હતી અને એ ? એ કોઈ બીજી સ્ત્રી સાથે પોતાની પત્ની અને બાળકોને છોડીને વ્યભિચાર…… અદિતિને શરમ આવી, પણ હા, સાચો શબ્દ તો આ જ હતો… વ્યભિચાર….

તેણે રિબેકાના બન્ને હાથ પકડી લીધા.
‘માફ કર બેટા, માફ કર મને….. અમેરિકન પ્રજા વિશેના મનમાં રહેલા થોડા પૂર્વગ્રહોને લીધે તને મેં ઘણો અન્યાય કર્યો છે. તને સમજવામાં થાપ ખાધી છે. હું ખરેખર….’
‘ના મોમ ! ના….. મારા મનમાં તમારા માટે કાંઈ નથી. તમારો પ્રતિભાવ તો સ્વાભાવિક હતો. તમારી જગ્યાએ હું હોઉં તો હું પણ આમ જ વિચારું. હું તો ચિરાગને પણ માફ કરવા તૈયાર છું. મેં તો એને બધું જ ભૂલીને પાછા નવેસરથી જીવન શરૂ કરવા કહ્યું. મારાં બાળકો માટે હું બધું ભૂલવા તૈયાર છું પણ એ સોનિયાને છોડવા તૈયાર નથી…. એને કોઈ પણ ભોગે સોનિયા સાથે લગ્ન કરવાં છે. એ માત્ર તમે આવવાનાં હતાં એટલે જ રોકાયો છે. તમે જશો એટલે બીજા જ દિવસે એ આ ફલેટ છોડી દેશે….’

જે કોકડું ગૂંચવાયું હતું એનો છેડો તો મળી ગયો હતો પણ રેશમની એ દોરીના બધા જ તાર સડેલા હતા. સહેજ સ્પર્શ થાય ત્યાં તો…. બન્ને સ્ત્રીઓ થોડી વાર સુધી એકબીજાના હાથ હાથમાં લઈને બેસી રહી.
‘હવે ?’ થોડી વારે અદિતિએ માથું ઊંચક્યું.
‘હવે ? હવે શું મોમ ?’ રિબેકા તેની સામે જ જોઈ રહી હતી, ‘હવે કશું જ નહીં. બધું જ ખતમ થઈ ગયું. હું, ચિરાગ અને મારું લગ્નજીવન…. મેં મારી જાતને જે પ્રોમિસ આપ્યું હતું તે નિષ્ફળ ગયું. મારાં બાળકો પણ મારી જેમ જ એક ભયાનક બાળપણ….’ તેનો અવાજ ગળગળો થઈ ગયો.
‘મારી વાત માનીશ ? બોલ, મને મોમ કહે છે ને તું ? મારી વાત માનીશ ?’
રિબેકાએ ભરેલી આંખે હકારમાં ડોકું ધુણાવ્યું.
‘મારી સાથે ઈન્ડિયા આવીશ ?’
રિબેકાની ભરેલી આંખમાંથી બે બૂંદ સરી પડ્યાં. તે બે ક્ષણ વિચારી રહી પછી બોલી, ‘ના મોમ, મને ખબર છે, પપ્પાને નહીં ગમે. એમને મારાથી બહુ ફરિયાદો છે. તમારી પરિસ્થિતિ વિચિત્ર થઈ જાય….’
અદિતિના હોઠ પર સ્મિત આવી ગયું, ‘પપ્પાને નહીં ગમે ? અરે ગાંડી છોકરી….! પપ્પા તો તને બહુ પ્રેમ કરશે….. તું હજી એમને ઓળખતી નથી. એ તો તને એટલા પ્રેમથી રાખશે કે તને લાગશે કે તારા બાળપણમાં ખોવાયેલા પપ્પા તને પાછા મળી ગયા. અને તારાં બાળકો ? એમની તો વાત જ ન કરીશ…. એમને તો વળી એવું બાળપણ મળશે કે…. જો, બે તો મમ્મી, એક તું અને એક હું…. એમના પપ્પાથી ચાર ચાસણી ચડે એવા એમના દાદાજી…. અને સ્વજનો તો કેટલાં બધાં… ટીનુ મામા, મીતા મામી, કીકી માસી, પૂર્વી ફોઈ, વેણુ ફુઆ, મોટા ભાઈ…. અદિતિ બોલતી ગઈ અને રિબેકા બાધાની જેમ તેની સામે તાકી રહી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સામૂહિક ચેતના – ભાણદેવ
ગાંધી : જેવા જોયા-જાણ્યા વિનોબાએ – સં. કાન્તિ શાહ Next »   

34 પ્રતિભાવો : સ્વજન નામે….. – ડૉ. રેણુકા એચ. પટેલ

 1. nikita says:

  Different, excellent and catching ! Nice One.

 2. ખુબ જ હ્રદયસ્પરશી.

 3. trupti says:

  ખુબજ સુંદર અને ભાવવાહક કથા.

  ઘણી વાર આપણે કોઈ ચોક્ક્સ વ્યક્તિ કે પ્રજા પ્રત્યે એક પુર્વગ્રહ બાંધી દેતા હોયએ છીએ અને કાંઈ ખરાબ થાય તો આપણને લાગે છે કે ખરાબ તે ચોક્ક્સ પ્રજા કે વ્યક્તિ ને લીધે જ થયુ પણ હકિકત તો કાંઈ જુદીજ હોય છે. કસ્સે પણ તોફાન થાય કે દંગલ થાય એટલે આપણે તરત દોશ નો ટોપલો મુસલમાનઓ પર ને પાકિસ્તાન પર નાખી દઈ એ છીએ. મુંબઈ મા ધમાલ થાય એટલે શિવસેના ને મ.ન્.સે.(રાજ ઠાકરેનિ પાર્ટી) ને દોશીત ઠરાવિ દઈ એ કારણ તેમની મથરાટી મેલિ છે એવો તેમના નામ પર સિક્કો પડી ગયો છે, પરંતુ હકિકત મા તે દંગલ કે તોફાન મા તમનો ફાળૉ ફક્ત ૧૦-૧૫% નો જ હોય છે જ્યારે બાકી નુ કામ લોકલ ટપોરીઓ તે પાર્ટી નુ નામ દઈને કરતી હોય છે. અમેરિકનો માટે પણ આપણને પુર્વગ્રહ છે કે ત્યાંના લોકોમા સંસ્કાર જેવુ કંઈ હોતુ નથી. અમુક અંશે કદાચ એ ખરુ પણ હોય પણ પાંચે આંગળીઓ સરખી નથી હોતી તેમ દરેક અમેરિકનો અસંસ્કારી નથી હોતા તેનુ સરસ ઉદાહરણ આ કથા દ્વરા લેખિકા બહેને આપ્યુ છે.

 4. Sonia says:

  મારી પાસે શબ્દો નથી….આંખો છલકાઈ ગઈ!! આ વાર્તા પર થી એટ્લું તો સમજી શકાયું કે આ દુનિયા જેમ વિશાળ છે…તેમ આપણી દ્રષ્ટિ અને બીજા ને સમજવાની શકિત પણ વિશાળ રાખવી પડે છે.

 5. Paresh says:

  અતિ સુંદર. ખૂબ જ ભાવવાહિ વાર્તા. આભાર

 6. kumar says:

  ખરેખર ખુબ સરસ …બહુજ સરસ

 7. tilumati says:

  ખુબ જ સંવેદનશીલ વાર્તા છે.

 8. Nimesh says:

  ખુબ જ હ્રદયસ્પરશી, સુંદર રચના

 9. અશોક જાની 'આનંદ' says:

  તદ્દન અણ્ધાર્યો અંત્ આપણે ભારતિયો જ સંસ્કારી અને પરિવાર પ્રેમી છીએ એવી માન્યતાનો પૂર્ણ છેદ ઉડાડતુ. કથાનક…, આપણી આ પોલી માન્યતાને બદલવી પડે એવા દિવસો આવી ગયા છે.

 10. DInesh says:

  બહુજ સરસ …

 11. Deval Nakshiwala says:

  ખુબ જ સુઁદર વાર્તા. હ્રદયસ્પર્શેી રચના.

 12. nayan panchal says:

  ખૂબ જ સુંદર વાર્તા. પાંચેય આંગળીઓ ક્યારેય સરખી નથી હોતી. માણસને અન્ય કોઈ ગ્રહ નડે કે નહીં તેની ખબર નથી પરંતુ પૂર્વગ્રહ જરૂર નડે છે.

  આભાર,
  નયન

 13. હેમીશા પટેલ says:

  ખૂબ જ સુંદર વાર્તા.

 14. Veena Dave. USA says:

  ખુબ સરસ.
  વાર્તા છે પણ આવી સત્ય ઘટના પણ સાંભળવા મળે છે.

 15. Hetal says:

  Very touchy story- nice and happy ending- I hope though Rebecca does go to India and lives with he in-laws.
  But as time passes, if Chirag decided to come back to her and his parents then they should not forgive him and leave him alone and away from his kids. He does not deserve to be forgiven and nice behavior from anyone.

 16. Hitesh says:

  Where shall i start from? It is indeed catching, the myth about NRI for common indian person and all.

  But truely stating I don’t like it, coz its like story which one can predict more like movie… Sorry if my words hurts you Madam.

  My expectation from the current writters are bitt more, I would like to see something new comes up..

  Yet Thanking you for writting this, hoping to see some more new and better story from you.

 17. Sujata says:

  ખુબ જ સરસ વાર્તા . Excellent

 18. જય પટેલ says:

  ભારતીયો જ સંસ્કારના ઠેકેદાર છે તેવી જરી પુરાણી માન્યતાનું ખંડન કરતી સુંદર વાર્તા.

  પ્રસ્તુત ઘરના ચિરાગની લંપટગીરીનો અહેસાસ તો અડધી વાર્તાએ જ આવી ગયેલો.
  રીબેકાએ રીબેલિયસ થઈ ભારત સ્વગૃહે પરત ફરી જિંદગી આખી ચિરાગને તડકે મૂકવો જોઈએ.
  સોનિયાદેવી મજ્જા કરી ચિરાગને તડકે મૂકે તો પણ…!!

  જિંદગીમાં ઘણી વાર અનિચ્છાએ આકરા નિર્ણયો લેવા પડતા હોય છે.

 19. piyush shah says:

  સરસ્

 20. Mital Parmar says:

  ખરેખર જોરદાર…..

 21. sima shah says:

  ખૂબ જ સુંદર,હ્રદયસ્પર્શી અને અત્યંત ભાવવાહી વાર્તા….
  વાર્તામાં સાવ જ અણધાર્યો વળાંક,

 22. Nimesh says:

  Very sensitive.
  hats off to Dr Renuka H. Patel.

  Nimesh

 23. Shivaji Solanki says:

  Varta khub j saras 6.

 24. Dipti Trivedi says:

  અમેરિકા આવીને ઘનાં લોકો બધી સ્વતંત્રતા કહેતા ખોટી છૂટ્છાટ લેવા માંડે છે. રિબેકાના બાળપણનો ઈતિહાસ તેના બાળકોમા પુનરાવર્તિત ન થાય તેનો હલ અદિતિએ શોધ્યો પણ પેલા પડઘી વગરના લોટાનુ શું ? એના કરતા સાસુ-વહુએ ભેગા થઈને એનેય ઈન્ડિયા ખેંચીજવો જોઈએ અથવા બીજો કંઈક રસ્તો.

 25. Vaishali Maheshwari says:

  Very heart-touching story. Could not stop my tears. Thank you Dr. Renuka for this wonderful story.

 26. રેણુભાભી…….ખુબ સુન્દર વાર્તા……..અમેરીકન સંસ્ક્રુતિમા પણ કેટલાક મનુષ્યો કુટુમ્બ વત્સલ હોય છે…..રિબેકાના પાત્રની માતા છવાઈ જાય છે….ત્યારે સચ્ચાઈ સામે આવ્યા પછીની ભારતિય માતા અદિતી પણ કમ નથી……સામ્પ્રતયુગની સચ્ચાઈ નિરુપતી અને સમ્બન્ધોના નવા જ સમીકરણો રચતી આપની આ ક્રુતિ ખુ બ ભાવવાહી છે……અભિનન્દન…….વાર્તાપ્રવાહ અવિરત ચાલ્યા જ કરે…અને બધા વાંચકો એમા વહ્યા કરે એવી અંતરથી શુભેચ્છા……….

 27. Chhaya says:

  Very good story.

 28. Ruchita says:

  Very nice…very different end….capturing story…

 29. Dipak says:

  Dr.Renukaben,
  Many thanks for this touchy & inspirational story.After read this many NRI will inspire.Keep continue to give like this stories.

 30. Gunjan says:

  very touchy… thnx

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.