ગાંધી : જેવા જોયા-જાણ્યા વિનોબાએ – સં. કાન્તિ શાહ

[ગાંધીજીના જીવનનું દર્શન, તેમના વિચારો-સિદ્ધાંતો વગેરે વિનોબાજીએ જે રીતે જાણ્યા, સમજ્યા તે વિશે વિનોબાજીના જ શબ્દોમાં તૈયાર થયેલું આ અનોખું પુસ્તક છે. વિનોબાજીનાં અઢીસો-ત્રણસો જેટલાં વક્તવ્યો અને લખાણો પરથી તેનું સંપાદન કરવામાં આવ્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘યજ્ઞ પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] સત્યાગ્રહ એ જીવનનિષ્ઠા છે

સત્યાગ્રહ અસલમાં એક જીવનનિષ્ઠા છે, જીવનપદ્ધતિ છે. આપણા આખાયે જીવનનું ઘડતર સત્યાગ્રહી નિષ્ઠા ઉપર કરવું, ગમે તેટલી મુસીબતો આવે તોયે જેને આપણે સત્ય સમજીએ છીએ તેના ઉપર ટકી રહેવું, એ છે સત્યાગ્રહ. તેને માટે કષ્ટો સહન કરવાં પડે, તે સ્વેચ્છાએ સહન કરી લેવાં; એટલું જ નહીં, પણ તેને માટે આપણે કષ્ટ સહન કરીએ છીએ તેનું ભાન સરખું ન થાય. સત્યનો અમલ કરનારને તેને માટેના પ્રયત્નોમાં જ આનંદ આવે છે. આનંદ સિવાય બીજો કોઈ અનુભવ સત્યાગ્રહીને થતો નથી. આપણી તીર્થયાત્રાએ જઈએ છીએ, તો વચમાં ચઢાવ આવે ત્યારે પગને તકલીફ થાય છે અને ઉતાર આવે ત્યારે સહેલું લાગે છે. પરંતુ યાત્રી તે ચઢાવ-ઉતાર ઉપર ધ્યાન નથી આપતો. તેનું તો બધું જ ધ્યાન એ તીર્થ-સ્થાન ઉપર કેન્દ્રિત રહે છે, જ્યાં તેને પહોંચવું છે. એવી જ રીતે પોતાના જીવનમાં સત્યનિષ્ઠા રાખનારાને તે માટે કષ્ટ સહન કરવાં પડે છે તો પણ તેમાં તેને કોઈ તકલીફ નથી લાગતી.

બીજાને તકલીફ આપ્યા વિના જાતે સહન કરવું અને સમજાવતા રહેવું, એનું જ નામ છે સત્યાગ્રહ. તેમાં મૂળ વાત જાતે આગ્રહપૂર્વક સત્યનું આચરણ કરવાની છે, કે જેથી સામેવાળાનું હૃદય પીગળે અને તે વિચાર કરતો થાય. આને માટે જાતે ગમે તે ગમે તેટલો ત્યાગ કરવાની તૈયારી, એ જ સત્યાગ્રહ. અને હું માનું છું કે જો એક પણ સાચો સત્યાગ્રહી દુનિયામાં હશે, તો એની અસર આખી દુનિયા પર પડશે અને દુનિયાનું હૃદય પીગળશે. પણ એના મનમાં આખી દુનિયા માટે પ્રેમ હોવો જોઈએ. સત્યાગ્રહ એક આત્મશુદ્ધિનો પ્રયત્ન છે, જેનું અનિવાર્ય પરિણામ સામેવાળાની હૃદયશુદ્ધિમાં થાય છે. સત્યાગ્રહ એક અત્યંત શુદ્ધ, રચનાત્મક, પ્રેમમય વિધાયક શક્તિ છે.

આ કામ ઉપરટપકે ભલે બીજાને સુધારવાનું લાગતું હોય, પરંતુ અસલમાં તો આ પોતાની જાતને જ સુધારવાનું કામ છે. સત્યાગ્રહમાં સતનો આગ્રહ અને અસતનો વિરોધ તો સ્પષ્ટ છે જ. પરંતુ અસત્યનો આ પ્રતિકાર વિશ્વાત્મભાવના અનુશીલન સાથે કરવાનો છે. સામેવાળો પણ મારું જ રૂપ છે, એવું વ્યાપક જ્ઞાન સતત કાયમ રહેવું જોઈએ. પોતાના પગમાં લાગેલો કાંટો આપણે જેવી રીતે બહુ જ સંભાળીને અને હળવા હાથે કાઢીએ છીએ, એવી જ સાવધાનીથી તેમ જ ચિંતાથી બીજાના દોષ કાઢવાનો પ્રયત્ન કરવાનો છે. ક્રોધ નહીં કરીએ. જ્યાં અશુભ દેખાય છે, ત્યાં કંઈક શુભ પણ છે, તેને જોઈશું, ગ્રહણ કરીશું અને તે શુભ મારફત એના હૃદયમાં પ્રવેશ કરીશું. આ રીતે જ આપણે અશુભનો સફળતાપૂર્વક પ્રતિકાર કરી શકીશું. આમ, સત્યાગ્રહ એક જીવનપદ્ધતિ છે. સત્યાગ્રહ એટલે સાતત્ય. જે માત્ર થોડાક વખત માટે ચાલે, તે સત્યાગ્રહ નથી. સત્યાગ્રહ તો નિરંતર ચાલે છે. એ માત્ર એક નૈમિત્તિક વસ્તુ નથી, નિત્ય વસ્તુ છે. એટલે તે પ્રતિક્ષણ ચાલવો જોઈએ. સત્યાગ્રહ એ જીવનની નિષ્ઠા છે. આપણું નિત્યનું જીવન જ સત્યાગ્રહમય હોય, સત્યાગ્રહથી રસાયેલું હોય. તેમાં પ્રવાહવશ અથવા અમુક સંજોગોમાં પ્રતિકાર કરવાનો પ્રસંગ ઊભો થાય, ત્યારે તેનું પ્રતિકાર-પદ્ધતિમાં રૂપાંતર થયેલું દેખાય. ત્યારે નિત્ય જીવન-પદ્ધતિ અને નૈમિત્તિક પ્રતિકાર-પદ્ધતિ બેઉ એકરૂપ થઈ જાય છે. આમ, સત્યાગ્રહ એક જીવન-પદ્ધતિ છે, એક કાર્ય-પદ્ધતિ છે, અને વિશિષ્ટ પ્રસંગોમાં એક ઉપાય-પદ્ધતિ પણ છે, પ્રતિકાર-પદ્ધતિ પણ છે.

[2] સત્યાગ્રહ કાંઈ લડાઈ નથી, પણ વિચારશુદ્ધિ છે

પરંતુ પ્રતિકાર વખતેય આ કાંઈ લડાઈ નથી. સત્યાગ્રહમાંયે ઘણી વાર યુદ્ધની પરિભાષા વપરાય છે. પણ આ યુદ્ધ નથી, એ વાત વિચારશુદ્ધિ ખાતર બરાબર સમજી લેવાની જરૂર છે. હિંસક યુદ્ધનો ઉદ્દેશ હોય છે, શત્રુને તકલીફ આપવી, તેને મજબૂર કરવો, તેને મહાત કરવો, અને તેને શરણે લાવવો. પરંતુ સત્યાગ્રહમાં આપણો આવો કોઈ ઉદ્દેશ હોતો નથી. બલ્કે, આપણે તો આમાં શત્રુને અપમાનિત પણ કરવા નથી માગતા. અરે, તેને ‘શત્રુ’ કહેવો, એ પણ વાસ્તવમાં ખોટું છે. આપણે તેને શત્રુ માનતા જ નથી. બલ્કે, આપણે તો એના હૃદયમાં પ્રવેશ કરવા માગીએ છીએ. માટે લડાઈના પર્યાય રૂપે સત્યાગ્રહ કરીએ છીએ, એવું નથી. સત્યાગ્રહનું સ્વરૂપ લડાઈથી બિલકુલ જ વિપરીત છે. લડાઈમાં એક પક્ષનો વિજય થાય છે અને બીજાનો પરાજય. જ્યારે સત્યાગ્રહમાં બંને પક્ષનો વિજય થાય છે. લડાઈમાં એકબીજાનાં મન મળતાં નથી, જ્યારે સત્યાગ્રહને કારણે બંનેનો મનમેળ સધાય છે. સત્યાગ્રહમાં બુદ્ધિ ઉપરનો પડદો દૂર થઈ જાય છે, અને બુદ્ધિ વિચાર કરવા માટે મુક્ત બની જાય છે. જ્યારે લડાઈમાં બુદ્ધિ કુંઠિત થઈ જાય છે. આખરે સત્યાગ્રહ ત્યારે જ સફળ થયો કહેવાય, જ્યારે સામેવાળાનું મન વિચાર કરવા માટે તૈયાર થાય.

સારાંશ કે, કોઈની વિરુદ્ધ સત્યાગ્રહ કરવો એવી પરિભાષા આજકાલ ભલે રૂઢ થઈ ગઈ હોય, તે એક બોલવાની રીત જ છે. સત્યાગ્રહમાં વિરુદ્ધ-બિરુદ્ધ કાંઈ નથી. ખરું જોતાં, કોઈની આગળ સત્યાગ્રહ, કોઈની સાથે સત્યાગ્રહ, એમ કહેવું એ સાચું છે. સત્યાગ્રહમાં મુખ્ય વાત સામેના માણસનો વિચાર ફેરવવાની છે. પોતે શુદ્ધ વિચાર કરવો, સામેના માણસને બરાબર સમજાવીને શુદ્ધ વિચાર એને ગળે ઉતારવો, એની સાથે વિચાર-વિનિમય કરતાં આપણા વિચારમાં કાંઈ દોષ દેખાય તો તેનું શોધન કરવું, એ જ ખરા સત્યાગ્રહનું સ્વરૂપ છે. સામેનો માણસ કાલ્પનિક સ્વાર્થને કારણે અથવા ક્રોધ-મોહાદિ વિકારોને વશ થઈને સાંભળવા કે સમજવા જ તૈયાર ન થાય, એમ ઘણી વાર બને છે. તેથી ‘દુઃખ સહન’ વગેરે અહિંસાના પ્રયોગને કે તપસ્યાને વચગાળામાં અવકાશ મળે છે. પણ તેને લીધે અથવા તેના વિના પણ એ વિચાર સાંભળવાની મનઃસ્થિતિમાં આવ્યો, ત્યાર પછીનું કામ વિચારનું જ છે. માટે વિચાર પર જાતે અમલ કરી તે સતત સંભળાવતા રહેવું, અને બીજાનો વિચાર સમજવા સારુ સદા તૈયાર રહેવું, એ જ સત્યાગ્રહનું મુખ્ય સ્વરૂપ છે. આદિમાં વિચાર, અંતે વિચાર અને મધ્યે વિચાર, એ સત્યાગ્રહનો નિત્ય ધર્મ છે. આદિમાં વિચાર, અંતે વિચાર અને મધ્યે અહિંસાની તપસ્યા, એ સત્યાગ્રહનો આપદ ધર્મ ગણો. આમ, ગાંધીજીએ સત્યાગ્રહની જે કલ્પના આપણી સામે મૂકી છે, તે સંપૂર્ણપણે એક વિધાયક કલ્પના જ છે, નકારાત્મક બિલકુલ નહીં. એમણે તો passive resistance શબ્દનોય અસ્વીકાર કર્યો હતો – એમ કહીને કે એ શબ્દ એવો નથી જેમાં પૂર્ણ પ્રેમનું દર્શન થાય. મતલબ કે, સત્યાગ્રહમાં તો પૂર્ણ પ્રેમનું દર્શન થવું જોઈએ.

[3] સત્યાગ્રહ આવો મીઠો હોય

સત્યાગ્રહીનો આવો પ્રેમનો વ્યવહાર કેવો હોય, તેનું દર્શન આપણને ગાંધીજી અને કસ્તુરબાના એક પ્રસંગમાં થાય છે. એક વાર કસ્તુરબાની તબિયત સારી નહોતી. ઘણા ઉપચાર કર્યા, પણ કોઈ ફરક ન પડ્યો. ત્યારે ગાંધીજીએ એમને મીઠું ને કઠોળ છોડવા કહ્યું. બહુ મનાવ્યાં, છતાં બા કાંઈ માન્યાં નહીં. છેવટે બાએ કહ્યું, ‘કઠોળ ને મીઠું છોડવાનું જો તમને કોઈ કહે તો તમે પણ ન છોડો !’ ત્યારે બાપુ લખે છે : ‘એ સાંભળીને મને દુઃખ થયું ને હર્ષ પણ થયો. મારો પ્રેમ ઠાલવવાનો મને પ્રસંગ સાંપડ્યો. તે હર્ષમાં મેં તુરત જ કહ્યું કે જો, મેં તો એક વર્ષને સારુ કઠોળ ને મીઠું બંને છોડ્યાં, તું છોડે કે ન છોડે.’ કસ્તુરબા એકદમ બોલી ઊઠ્યાં, ‘મને માફ કરો. તમારો સ્વભાવ જાણવા છતાં મારાથી કહેતાં કહેવાઈ ગયું. હવે હું તો કઠોળ ને મીઠું નહીં ખાઉં, પણ તમે તમારું વેણ પાછું ખેંચી લો !’
ગાંધીજી કહે છે : ‘આને હું સત્યાગ્રહને નામે ઓળખાવવા માંગું છું.’

સત્યાગ્રહના પાયામાં પ્રેમ હોય, એ વાત આ પ્રસંગ ઉપરથી ખૂબ સ્પષ્ટ થાય છે. સત્યાગ્રહ આવો મીઠો હોય. આવો મીઠો સત્યાગ્રહ એ પ્રેમનો પ્રકર્ષ છે. સત્યાગ્રહથી વાત્સલ્યનું ચિત્ર પ્રગટ થવું જોઈએ. એક માતા પોતાના બાળકને વાત્સલ્યથી ધવડાવી રહી છે એ જોઈને દરેકને આનંદ થાય છે, દરેકના મનમાં પ્રસન્નતા થાય છે. કરુણા, પ્રેમ, દયાનું કોઈ કાર્ય થયું એમ જોઈએ કે સાંભળીએ છીએ, ત્યારે સાંભળતાંવેંત જ કાનને અમૃતરસ ચાખ્યા જેવો આનંદ થાય છે. જેમ કે ‘ખૂન થયું’ – એવું સાંભળીને કોઈનાય કાનને સારું લાગતું નથી, સાંભળતાં જ અરૂચિ પેદા થાય છે. પછી પાછળથી ભલે એવા વિચારો પણ આવી શકે કે આનો બચાવ થઈ શકે તેમ છે કે નહીં, પોતાના રક્ષણ ખાતર તેને એમ કરવું પડ્યું, વગેરે. પરંતુ આ બધું પાછળથી વિચારાય છે. પ્રથમ શ્રવણમાં તો બધાંને જ થાય છે કે ખોટું થયું. એ જ રીતે જ્યારે પ્રેમકાર્ય થાય છે, ત્યારે પ્રથમ શ્રવણે જ બધાંને લાગે છે કે સારું થયું. એવી જ રીતે ફલાણી જગ્યાએ સત્યાગ્રહ થઈ રહ્યો છે, એ સાંભળીને સર્વસામાન્ય અનુભવ માધુર્યનો, પ્રસન્નતાનો થવો જોઈએ. સત્યાગ્રહ શબ્દ સાંભળતાં જ મીઠો લાગવો જોઈએ, શ્રવણસુંદર હોવો જોઈએ. શ્રવણમાત્રની આવી અસર થાય, પછી એની કૃતિથી, એના અમલથી વધુ ચડિયાતાં પરિણામો આવે. હવે, એકએકને આમ થાય એમ નહીં કહું, કેમ કે ચિત્ત જાતજાતનાં હોય છે અને કોઈ એવું મોહગ્રસ્ત ચિત્ત પણ હોઈ શકે, જેમાં પરમ મંગલ કાર્યનો પણ ઊલટો જ પ્રત્યાઘાત પડે. પરંતુ સર્વસામાન્ય રીતે સત્યાગ્રહની વાત સાંભળતાં ઠંડક પહોંચવી જોઈએ. સત્યાગ્રહનું અસલ સ્વરૂપ આવું હોય.

સત્યાગ્રહનું અસલ સ્વરૂપ તો એ છે કે કોઈએ સત્યાગ્રહ શરૂ કર્યો છે એમ સાંભળીએ, ત્યારે ઠંડક પહોંચવી જોઈએ, દિલને એકદમ આનંદ થવો જોઈએ. પરંતુ આજે તો આનાથી બિલકુલ પ્રતિકૂળ પ્રતિક્રિયા થાય છે. આજે તો સત્યાગ્રહ જાહેર થતાં લોકોને ભય લાગે છે, અને કોઈક તો એના પ્રતિકારનો પણ વિચાર કરે છે. જેવી લડાઈની પ્રતિક્રિયા થાય તેવી સત્યાગ્રહની પણ થાય છે ! પણ સત્યાગ્રહનું સ્વરૂપ તેવું નથી. સત્યાગ્રહનું સ્વરૂપ તો લડાઈથી તદ્દન ઊલટું છે. લડાઈમાં એક પક્ષની હાર થાય છે અને બીજા પક્ષની જીત; જ્યારે સત્યાગ્રહમાં બંને પક્ષોની જીત જ થાય છે. લડાઈમાં એકબીજાનાં મન એકબીજાની વિરુદ્ધ ઊભાં થાય છે; ત્યારે સત્યાગ્રહમાં એકબીજાનાં મન ધીરે ધીરે મળતાં જાય છે.

[4] સત્યાગ્રહ એટલે અડંગો લગાવવો એમ નહીં

સત્યાગ્રહથી એકબીજાની બુદ્ધિના પડદા ખૂલી જાય છે, અને વિચાર કરવા માટે બુદ્ધિ પ્રેરિત થાય છે. લડાઈમાં તો વિચાર કુંઠિત થાય છે. સત્યાગ્રહમાં ધીરજપૂર્વક આપણે વિચાર સમજાવતા રહેવાનો છે. એક રીતે ન સમજે તો જુદી રીતે સમજાવવો, વળી જુદી રીતે સમજાવવો. જે રીતે સમજી શકે તે રીતે કુશળતાપૂર્વક વિચાર સમજાવવો. આ જ સત્યાગ્રહનું સર્વોત્તમ, શુદ્ધ સ્વરૂપ છે. આ જે જ્ઞાનશક્તિ પર વિશ્વાસ છે, વિચારશક્તિ પર વિશ્વાસ છે, તેનું નામ જ સત્યાગ્રહ છે. સત્યાગ્રહ એટલે કાંઈ અડંગો લગાવવાની કે દબાણ લાવવાની વાત નથી. સત્યાગ્રહનો પ્રભાવ પડવો જોઈએ, દબાવ નહીં. પ્રભાવ એક ચીજ છે, દબાવ બીજી ચીજ છે.

આજકાલ ઉપવાસ-બુપવાસને સત્યાગ્રહ માની લેવાય છે, જેમ તાલ કૂટવા અને બરાડા પાડવાને ભક્તિ માની લેવાય છે તેમ. ઝાંઝ વગાડવી એ ભક્તિનું લક્ષણ નથી થઈ શકતું; ઊલટાનું આસપાસના લોકોને ઉપદ્રવ રૂપ બનતું હોય, તો તે ભક્તિનું વિરોધી થઈ શકે છે. તેવી જ રીતે ઉપવાસ-બુપવાસ અને કલેશસહન પણ રાજસ-તામસ વૃત્તિથી પ્રેરાયાં હોય, તો તે સત્યાગ્રહને બદલે દુરાગ્રહનાં લક્ષણ થઈ શકે છે. એ કોઈની સામે તાકેલી પિસ્તોલ જેવાં થઈ પડે છે. આપણા આવડા મોટા દેશમાં, જ્યાં અનેક પ્રાંતો, અનેક ભાષાઓ, અનેક જાતિઓ, પંથો ને ધર્મો છે, જ્યાં અસંખ્ય સવાલો સળવળ્યા જ કરે છે, અને જનતાની તરેહવાર મુસીબતોનો પાર નથી, ત્યાં એકએક સવાલ ઉપાડીને એક એક જણ જો સરકારની સામે ઉપવાસ માંડી બેસે, તો તો ભારે અનવસ્થા ઊભી થાય. અને સરકાર પણ જો આવા એકએક ઉપવાસ સામે ઝૂકતી જાય, તો તો સરકાર નાલાયક સાબિત થાય.

આજે દેશ સ્વતંત્ર થયો છે. લોકશાહી પદ્ધતિથી દેશનો કારભાર ચાલે છે. જનતા પાસે જઈ, પોતાના મતનો પ્રચાર કરી, લોકમતને પોતાના મત સાથે મળતો કરવાની દરેકને સ્વતંત્રતા છે, તેનો ઉપયોગ કરવાનું પડતું મૂકીને ઉપવાસ આદરવા, એ બરાબર નથી. લોકોને તમારો વિચાર સમજાવવો, પછી સરકાર પાસે જનતા તે પ્રમાણે કરાવશે. પરંતુ હિંસક શક્તિ હાથમાં નથી, તો આ ઉપવાસનું હથિયાર ઠીક છે એમ માનીને ઉપવાસ વગેરે ચાલે છે, તે સાવ અનુચિત છે. ઉપવાસથી દબાણ થાય, તો એ સત્યાગ્રહ નથી, એ ખોટું કામ છે. સત્યાગ્રહ એટલે ધાકધમકી નહીં, એ તો પ્રેમની પરાકાષ્ઠા છે. પ્રેમનો પ્રકર્ષ હોય ત્યાં જ ઉપવાસ થઈ શકે. સામેનાને મારવા-કૂટવાનું બને તેમ નથી, માટે ચાલો ઉપવાસ કરીએ, એવું ન થાય. એ સત્યાગ્રહ જ નથી.

[કુલ પાન : 150. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : યજ્ઞ પ્રકાશન સમિતિ, હિંગળાજ માતાની વાડીમાં, હુજરાતપાગા, વડોદરા-390001. ફોન : +91 265 2437957.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સ્વજન નામે….. – ડૉ. રેણુકા એચ. પટેલ
સ્મરણયાત્રા – કાકા કાલેલકર Next »   

6 પ્રતિભાવો : ગાંધી : જેવા જોયા-જાણ્યા વિનોબાએ – સં. કાન્તિ શાહ

 1. Margesh says:

  Vinoba Bhave’s Articles are always extra ordinary…nice article explaining the meaning of ‘ Satyagrah’

 2. વિકટોર-મેન ૧૫૭૫૩ says:

  ખરેખર ખુબ જ સારી રીતે સમજાવ્યુ છે.

 3. જગત દવે says:

  સત્યાગ્રહની પહેલી શરત સત્યની કોઈ એક પક્ષે રહેલી હાજરી છે અને પછીની શરત એ વિરોધી પક્ષની એ સત્યને પચાવવાની નિખાલસતા અથવા પોતાના પક્ષે રહેલા સત્યને ને સમજાવવાની તત્પરતા છે.

  પણ હવે મોટાભાગે સત્ય, નિખાલસતા અને સમજાવટ જ ગેરહાજર હોય છે ત્યાં “સત્યાગ્રહ” કેવો?

  ગાંધીજી અને અંગ્રેજો સાથે સાથે એ પણ ગયો….હવે તો મારે તેની ભેંસ જેવો ઘાટ છે……(આંતરરાષ્ટ્રીય સ્તરે પણ) ખાસ કરીને રાજકીય ક્ષેત્રમાં. અને તેને કારણે પ્રજામાં પણ…..અને હવે જે કુવામાં છે તે જ હવેડામાં આવી રહ્યું છે. થોડા રાષ્ટ્રીય ઊદાહરણો…….

  ૧. કાશ્મીર
  ૨. ગુજરાત
  ૩. રાજસ્થાન-હરિયાણા- ખાપ પંચાયતો નાં ન્યાય (?) અને અનામત માટે દિલ્હીને બાનમાં લેવાનો ‘સત્યાગ્રહ’ (?)
  ૪. દિલ્હી – ભ્રષ્ટાચારનાં અનેક કેસમાં છુટી ગયેલાં નેતાઓ, મહિલા અનામત બિલ વિ.
  ૫. દરેક સ્તરે ન્યાયમાં થતો વિલંબ.
  ૬. રસ્તા પર મારામારી, લૂંટનાં સામાન્ય બનતા જતાં બનાવો
  ૭. નકસલવાદ

  આ માહોલ વચ્ચે સત્યની સ્થાપના કરી શકે તેવો એક “ગાંધી” અને એક “અંગ્રેજ” દેખાડો.

  ભારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ માહોલમાં આ લેખ “પોથીમાંના રીંગણા” થી વિષેશ મહત્વ પામી શકે તેમ નથી.

 4. Rajni Gohil says:

  વિનોબાજીનો આ લેખ ખૂબ જ સમજવા અને તેનું ચુસ્તપણે પાલન કરવા માટે ઉત્તમ છે. આપણા મનમાં સત્યાગ્રહની જે ખોટી છાપ પડી હોય તેને સમુળગી દૂર કરનાર છે. આંધળું અનુકરણ સત્યથી દૂર લઇ જનારું બની રહે. આશા રાખીએ કે આ લેખની આપણા બધાના મન પર કાયમ અસર રહે અને દરેક બાબતમાં સત્ય શોધી તેનો અમલ કરવાની મનોબળ, ધીરજ અને શક્તિ ભગવાન બધાને આપે સુંદર પ્રેરણાદાયક લેખ બદલ આભાર,

 5. સુભાષ says:

  સત્યાગ્રહ ફક્ત ગાંધીજી જેવા જ કરી શકે બાકી જાજા ભાગના માણસો દુરાગ્રહ અથવા સ્વાર્થાગ્રહ જ કરી શકે. ‘સત્ય એ જ ઇશ્વર છે’ એમ ગાંધીજીએ સમજાવ્યું એટ્લે સત્યાગ્રહ એ ઇશ્વરાગ્રહ થયો. હવે આપણાંમાંના કેટલા જણ ‘સત્ય એ જ ઇશ્વર છે’ તેનો ગાંધીઅભિપ્રેત અર્થ સમજી શકે છે? સામાન્ય રીતે પ્રાર્થના-માગણી પુરી કરે તે ઇશ્વર એવો અર્થ મોટાભાગના માણસો અંદરખાને કરતા હોય છે.

 6. Dipti Trivedi says:

  અને હું માનું છું કે જો એક પણ સાચો સત્યાગ્રહી દુનિયામાં હશે, તો એની અસર આખી દુનિયા પર પડશે અને દુનિયાનું હૃદય પીગળશે. પણ એના મનમાં આખી દુનિયા માટે પ્રેમ હોવો જોઈએ. સત્યાગ્રહ એક આત્મશુદ્ધિનો પ્રયત્ન છે, ——ગાંધીજીના વ્યક્તિત્વ અને જીવનનો સાર.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.