સ્મરણયાત્રા – કાકા કાલેલકર

[નાનપણનાં કેટલાંક સંસ્મરણો પર આધારિત પુસ્તક ‘સ્મરણયાત્રા’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] સીતાફળનું બી

સાતારામાં અમારા ઘર પાછળ સીતાફળીનું એક ઝાડ હતું. ફળ આવવાની મોસમ શરૂ થઈ; એટલે રોજ જઈને અમે ફળ તપાસીએ. ફળ તોડવા જઈએ એટલે દાદી કહે, ‘આ ફળ હજી આંધળાં છે. એને તોડો મા. એની આંખો જરા મોટી થવા દો. આંખો ખૂલે એટલે ફળ પાકે.’ ગોંદુનું મન નાનપણથી યાંત્રિક શોધો કરવા તરફ દોડતું. તેથી જ આગળ જતાં તે રસાયણ, પદાર્થવિજ્ઞાન અને ફોટોગ્રાફીમાં પ્રવીણ થયો. એક દિવસ ગોંદુ કહે, ‘આપણી આંખો સારી નથી. એ હાલે છે. એ કાઢી નાખીને તેને ઠેકાણે સીતાફળીની આંખો બેસાડવી જોઈએ !’ પિતાશ્રીએ તસવીરનું યંત્ર (કૅમેરા) ઊભું કર્યું કે તરત જ ગોંદુ કહે, ‘આપણા પગ સારા નથી. વાંકાચૂકા છે. એ કાપી નાખીએ ને એને બદલે કૅમેરાના સીધાસટ પગ બેસાડી દઈએ, પછી ચાલવાની બહુ મજા આવશે !’

એક દહાડો સીતાફળ ખાતાં ખાતાં એક બી મારા પેટમાં ગયું ! મેં જઈને કેશુને કહ્યું : ‘હું સીતાફળીનું બી ગળી ગયો. હવે શું થશે ?’ વાત વિષ્ણુએ સાંભળી. મશ્કરી કરવાની આવી સુંદર તક એ છોડે ? એણે મોઢું વીલું કરી કહ્યું : ‘અરેરે ! આ શો ગજબ કર્યો ? હવે તારી ડૂંટીમાંથી ઝાડ ઊગશે ! અને પછી અમે….’ કેશુએ ઉમેર્યું, ‘એ ઝાડ પર ચડીને સીતાફળ ખાઈશું. અને જેમ જેમ અમે ફળ તોડીશું તેમ તેમ તારા પેટમાં વેદના થશે. અમે ખાતા હોઈશું અને તું રોતો હોઈશ !’

હું સારી પેઠે ડરી ગયો અને રોવા જેવો થઈ ગયો. મેં મનમાં વિચાર કર્યો, ‘શું આવું કોઈ કાળે બનતું હશે ?’ અંદરથી જવાબ મળ્યો, ‘હા, હા, એમાં કંઈ શક છે ? પેલું ચિત્રશાળાવાળું ચિત્ર છે એમાં સાપની પથારી પર સૂતેલા વિષ્ણુની ડૂંટીમાંથી પણ કમળનું ઝાડ ઊગ્યું છે.’ વધુ ખાતરી કરી લેવા માટે ચૂપચાપ દાદી પાસે જઈને મેં પૂછ્યું, ‘આજી, કમળનાં બિયાં હોય ખરાં ?’ આજીએ કહ્યું : ‘હાસ્તો, એને કમળકાકડી કહે છે. ઉપવાસને દિવસે એની લાપસી કરીને ખવાય છે.’ હવે મારી સોળે આના ખાતરી થઈ ગઈ કે, આપણા પેટમાંથી સીતાફળીનું ઝાડ ઊગવાનું ને ગમે ત્યારે કેશુ એનાં ફળ તોડીને ખાવાનો. ત્યાર પછી કેટલાયે દિવસ સુધી હું રોજ મારું પેટ તપાસતો કે ક્યાંયે અંકુર તો ઊગ્યો નથી ?

[2] સભા

કારવારની વાત છે. એક દિવસ પિતાશ્રીએ કહ્યું, ‘આજે સાંજે મારે સભામાં જવું છે.’ ‘સભા’ શબ્દ જ મારે માટે નવો હતો. પૂછ્યું, ‘સભા એટલે શું ?’ પિતાશ્રીએ કહ્યું, ‘મોટા મોટા લોકો ભેગા થાય છે અને ભાષણો કરે છે, બધા તે સાંભળે છે.’
‘ભાષણો એટલે શું ?’
‘ભાષણો એટલે માણસ ઊભા થઈને મનમાં જે કાંઈ આવે તે બોલી નાખે, અને લોકો બેઠા બેઠા સાંભળે છે.’
‘ગમે તે બોલી નાખે ?’
‘હાસ્તો, મનમાં આવે તે જ બોલે ને ?’
‘તો મારા મનમાં જે આવે તે હું સભામાં બોલી શકું ખરો ? ગમે તે બોલું અને તે ભાષણ કહેવાય ?’
‘હા હા. પણ તું નાનો છે.’
મેં કહ્યું : ‘મારે સભા જોવા આવવું છે.’

સાંજ પડી અને અમે સભામાં ગયા. જોયું તો સભા અમારી નિશાળમાં જ હતી. માત્ર બેસવા માટે અમારી નિશાળના ટાટની જગ્યાએ ખુરશીઓ અને બાંકડા ગોઠવેલાં હતાં. પિતાશ્રી આગળ જઈ ખુરશી પર બેઠા, મને ઈશારો કરી દૂર બાંકડા પર બેસવાનું કહ્યું. નાનપણની અમારી માન્યતા એવી કે, અંગ્રેજી ભણે તે જ બાંકડા પર બેસે; ગામઠી ભણતર તો ટાટ પર જ થાય. એટલે, બાંકડા પર બેસતાં કાંઈ હક વગર અસાધારણ અધિકાર મળ્યો હોય એમ મનમાં થયું. મારા હરખનો પાર ન રહ્યો. હું બાંકડા પર બેઠો છું એ કોણ કોણ જુએ છે એ જોવા માટે હું આસપાસ જોવા લાગ્યો.

એટલામાં સભા શરૂ થઈ. એક જણ ઊભો થાય, કંઈક બોલે અને બેસી જાય. એ બોલતો હોય ત્યાં સુધી બીજા કશું બોલે જ નહીં. દેવોની પેઠે બેઠા જ રહે ! અને પેલો બેસે કે તરત જ બધા તાળીઓ પાડે. મને થયું, આ મોટેરાઓને થયું છે શું કે આવી રીતે વર્તે છે ? એક જણ બોલ બોલ કર્યા કરે, અને બીજા એમાં કશું ઉમેરે નહીં ! અને વળી તાળીઓ શા માટે પાડતા હશે ? ભેગા થયેલા લોકોમાં અમારા હેડમાસ્તર તો છેક એક ખૂણામાં ઉંદરની જેમ ભરાઈ રહ્યા હતા. નિશાળના સમ્રાટ આજે ચોરની માફક આમ ગુપચુપ કેમ ઊભા છે ? પેલા પટાવાળા કરતાં પણ વધારે શરમાળ ! વક્તાઓમાં જેમને હું ઓળખું એવા તો એક લક્ષ્મણરાવ શિરગાંવકર જ હતા. તેઓ તો આકાશ તરફ જોઈને જ બોલવા લાગ્યા. શું બોલતા હતા તે તે વખતે જ નહોતો સમજ્યો, તો આજે યાદ ક્યાંથી હોય ? થોડોક વખત ગયો ને હું કંટાળ્યો. ઊઠીને આમતેમ આંટા મારવાનું મન થયું. પણ બીજા કોઈ ઊઠે નહીં, એટલે અસ્વસ્થ થઈને હું બેઠો. એક આસને બેસવાની મોટા લોકોની ધીરજ જોઈને મનમાં કંઈક કૌતુક પણ થયું.

આખરે અંધારું થવા આવ્યું. દીવાની કશી વ્યવસ્થા હતી જ નહીં. સારી પેઠે કંટાળેલો પણ વ્યવહારકુશળ કોક માણસ હશે, એણે વચમાં જ ઊઠીને દીવાની માગણી કરી. થયું, બધાનું ધ્યાન ગયું કે, આપણે લાંબા વખતથી ભાષણો કરીએ છીએ. જામેલો રંગ ભાંગ્યો. સૌ ઊઠ્યા. કંઈક થોડું બોલીને બહાર ચાલ્યા. મને થયું, આપણે છૂટ્યા ! ફરી કોઈ કાળે સભામાં આવીએ નહીં !
મારી જિંદગીની એ પહેલી સભા હતી.

[3] તમાચો

અંગ્રેજી પહેલીમાં ભણતો ત્યારે વિષ્ણુ કરીને મારો એક દોસ્ત હતો; અથવા હું એનો દોસ્ત હતો એમ કહીએ તો વધારે સાચું ગણાય. અવળે રસ્તે ચડેલા એ છોકરાને કોઈ મિત્ર ન હતો. એનો આખો દિવસ કલ્પના-તરંગોમાં જતો. એણે મારી દોસ્તી શોધી. એનાં કાંતેલાં મનોરાજ્ય હું ધીરજથી સાંભળતો, એટલે હું એનો મોટો આશ્રય થઈ પડ્યો. અમે બંને જણે મળીને ‘કલૃપ્તિવિજય’ કરીને એક નાટક લખવાનું ઠરાવ્યું. પણ પ્રવેશો અને પાત્રો નક્કી કરવા ઉપરાંત એ આગળ વધ્યું જ નહીં.

વિષ્ણુ પોતાના મામાને ત્યાં રહેતો. ગાંધીને ત્યાં જઈ મામાને નામે તે ગુલકંદ, બદામ, કિસમિસ વગેરે વસ્તુઓ ઉધાર લાવી ખાઈ જતો. એમાંથી ભાગ પડાવવા એ મને નોતરતો. પહેલે દિવસે મેં એનો ગુલકંદ ખાધો. પણ પછી જ્યારે ખબર પડી કે એ ચોરીને ખાય છે, ત્યારે મેં એની પાસેથી કશું લેવાની ના પાડી. એ વખતે પ્રામાણિકપણાનો કંઈ ખાસ ઊંચો આદર્શ મેં કેળવ્યો હતો એમ નહીં, પણ મને એ ગંદું લાગતું. ઘરના લોકો વિશ્વાસ રાખે ત્યાં જ એ છોકરો ચોરી કરે એમાં ઈમાનદારી પણ ન હતી ને બહાદુરી પણ ન હતી. વિષ્ણુ વિશે એકબે ખરાબ વાતો વર્ગમાં બોલાતી. કેટલાક છોકરાઓ કહેતા કે, એ સાચી ન હોય, કોકે નાહક જોડી કાઢી છે. અને કેટલાક કહેતા કે, એ છોકરા વિશે એ સાચું પણ હોઈ શકે, એ શું ન કરે ?

એક દિવસ, કોણ જાણે શાથી, અમે બંને લડી પડ્યા. મેં એની સાથે વેર બાંધ્યું. મનમાં નક્કી કર્યું કે, એ નાલાયકને બદનામ કરવો જ જોઈએ. વર્ગમાં શિક્ષક ન હતા. પહેલે નંબરે પટવેકર બેઠો હતો. મેં એની પાસે જઈ કહ્યું, ‘વિષ્ણુ વિશે છોકરાઓ જે વાત બોલે છે તે સાચી છે.’ બીજે નંબરે કોણ બેઠો હતો તે અત્યારે યાદ નથી. એને પણ મેં એ જ વાત કહી. વિષ્ણુ તો મારા પર ચિડાઈને રાતોચોળ – ના, ના, એનું મોઢું સાવ ફિક્કું પડી ગયું હતું. એની પાતળી ચામડી પર લોહી ભાગ્યે જ દેખાતું. ત્રીજો નંબરે મોને બેઠો હતો. એને પણ મેં કહ્યું, ‘વિષ્ણુ વિશેની વાત સાચી છે.’ મોને ભલો છોકરો હતો. એને મારી આ પ્રવૃત્તિ ગમી નહીં. મારી તરફ તિરસ્કારથી જોઈ એણે કહ્યું : ‘સાચી હોય તોયે શું ? દરેક જણને કહેતા ફરતાં તમને શરમ નથી આવતી ? મિત્ર ધારીને જ એણે પેટની વાત તમારી પાસે કરી હશે ને ? આમ ખાનદાની ભૂલો મા. પોતાની જગ્યાએ જઈને બેસો.’

આ તાતું વચન તો તમાચા કરતાં પણ મને વધારે વાગ્યું. મારો પ્રચાર રદ કરી હું મારે ઠેકાણે જઈ બેઠો. મારા કાન ગરમ ગરમ થઈ ગયા હતા. ઘડીકમાં ઠંડા પડે ને ફરી ગરમ થાય. લોહી સાથે વિચારો પણ ખૂબ જોરથી ફરતા હતા. મોને પર મને જરાયે ચીડ ન ચડી. એણે તો મને જીવન માટે સારી શિખામણ આપી હતી. માણસ ગમે તેટલો ચિડાયો હોય તોપણ પોતાનું કૃત્ય હીન છે એ ઓળખવા જેટલું ભાન એને હોય જ છે. વિષ્ણુ તો મારી પડખે જ બેઠો હતો. પણ દુશ્મન સાથે બોલાય કેમ ? મેં કાગળના કટકા પર એક વાક્ય લખ્યું : ‘મારી ભૂલ થઈ’ અને એના ખોળામાં ફેંક્યું. એટલેથી એ રાજી થયો અને અમે ફરી મિત્ર થયા.

એ છોકરા જોડે મારે ચારેક મહિના દોસ્તી રહી હશે. પછી તો હું સાવંતવાડી ગયો. એ છોકરો ખરાબ છે એ હું પહેલેથી જાણતો હતો. એને મારો આધાર જોઈએ છે એટલું જોઈને જ મેં એને મારી સાથે દોસ્તી બાંધવા દીધેલી. છતાં કોઈ પણ રીતે એનો ચેપ મને ન લાગ્યો. એની પાસેથી મેં ગંદીમાં ગંદી વસ્તુઓ સાંભળેલી પણ એ વખતે મારા મન ઉપર એની કશી અસર ન થઈ. પણ, આગળ જતાં, એ વાતોના સ્મરણથી મારી કલ્પનાશક્તિ જરાયે ગંદી થઈ નહીં એમ જો હું કહી શકત તો કેવું સારું ! મિત્રાચારી ખોળતાં એણે વેરીનું કામ કર્યું. એણે મારી કલ્પનામાં જે ગંદવાડ નાખ્યો તે ધોઈ કાઢતાં મને વરસોની મહેનત પડી છે. સાંભળેલી વાતો એક કાનેથી પ્રવેશ કરી બીજે કાનેથી નીકળી નથી જતી. મગજની જબરદસ્ત વાદળી એને ચૂસી લે છે. શિલાલેખ ભૂંસાઈ જાય છે, પણ સ્મરણલેખ ભૂંસાતા નથી.

કબીરે એક ઠેકાણે કહ્યું છે : ‘મન ગયા તો જાને દો, મત જાને દો શરીર.’ એ સિદ્ધાંતમાં માની મેં ઘણું વેઠ્યું છે. સાચવવા જેવું હોય તો મુખ્ય મન જ છે.

[કુલ પાન : 256. કિંમત રૂ. 40. પ્રકાશક : જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ, નવજીવન પ્રકાશન મંદિર. અમદાવાદ-380 014.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગાંધી : જેવા જોયા-જાણ્યા વિનોબાએ – સં. કાન્તિ શાહ
વાતવાતમાં તોફાની જોક્સ – મન્નુ શેખચલ્લી Next »   

9 પ્રતિભાવો : સ્મરણયાત્રા – કાકા કાલેલકર

 1. સુંદર…આખુ પુસ્તક સરસ છે. બાળપણ ની માન્યતાઓ અને નાની નાની વાતો માંથી ઘડાયેલા કાકા કાલેલકરનું વ્યકતિત્વ એમાં ઉપસે છે.

 2. Nimesh says:

  કાકા કાલેકર ની સ્મરણયાત્રા, ઘણીજ સુંદર રચના,
  વાર્તા – ૩ તો મારા જીવન ની સાચી ઘટના કહી chhe.
  Hats off to kaka kalekar.

  Thanks,
  Nimesh

 3. Dipti Trivedi says:

  એક જણ બોલ બોલ કર્યા કરે, અને બીજા એમાં કશું ઉમેરે નહીં !—કાકાના આ વાક્ય પરથી લાગે કે કંઈક નક્કર કરવું હોય તો એમાં બધાનો સૂર હોય્,મત હોય સહકાર હોય , ફક્ત છેલ્લે તાળીઓ પાડવાથી કંઈ ના થા .અંતે સભા વિખેરાઈ જાય .
  ‘સાચી હોય તોયે શું ? દરેક જણને કહેતા ફરતાં તમને શરમ નથી આવતી ? મિત્ર ધારીને જ એણે પેટની વાત તમારી પાસે કરી હશે ને ? આમ ખાનદાની ભૂલો મા. પોતાની જગ્યાએ જઈને બેસો.——સાચી સલાહ.
  જીવન સંસ્મરણ વાંચવાની હંમેશા મજા આવે છે. લેખકની શૈલી, એ જૂનો જમાનો( ક્યારેક અમારા જન્મ પહેલાંનો ), ત્યારના મૂલ્યો વગેરે તો ખરું જ ,પણ જોડે જોડે બીજાના જીવનમાં ડોકિયું કરવાની માનવસહજ ટેવ પણ કારણભૂત હશે કે?

 4. Veena Dave. USA says:

  મિત્ર ધારીને એણે પેટની વાતની વાત તમારી પાસે કરી હશેને? આમ ખાનદાની ભુલો મા…. કેટલી મોટ અને સાચી વાત્ નાના મુખમા .
  સરસ લેખ્.

 5. Hetal says:

  very impressive stories- એણે મારી કલ્પનામાં જે ગંદવાડ નાખ્યો તે ધોઈ કાઢતાં મને વરસોની મહેનત પડી છે. સાંભળેલી વાતો એક કાનેથી પ્રવેશ કરી બીજે કાનેથી નીકળી નથી જતી. મગજની જબરદસ્ત વાદળી એને ચૂસી લે છે. શિલાલેખ ભૂંસાઈ જાય છે, પણ સ્મરણલેખ ભૂંસાતા નથી.- so true!!

 6. ઈન્દ્રેશ વદન says:

  Mrugeshbhai,

  Was wondering if you can introduce rating system for each article.

  So, if users want to read only the top rated articles in last one month, six months or so, they can easily find the best material.

  Rating mechanism is available on many sites. Most notably Amazon.com

  Thanks for keeping up the good work.

 7. nayan panchal says:

  ખૂબ સારો લેખ. કાકા કાલેલકર જેવા મહાનુભાવોને પણ નાનપણમાં તો મારા-તમારા જેવા જ અનુભવો થયા હતા એ જાણીને નવાઈની લાગણી થાય છે. વિચાર એ આવે છે કે પછીથી તેઓ આટલી ઊંચાઈએ કઈ રીતે પહોંચ્યા.

  દરેક પ્રસંગ ખૂબ સુંદર. છેલ્લો પ્રસંગ તો મોટાઓને પણ એટલો જ લાગુ પડે છે.

  ખૂબ આભાર,
  નયન

 8. કાકા કાલેલકર લેખક તરીકે મને પહેલીથી જ પસંદ હતા એનું જીવન ચરિત્ર મને બોવ ગમે

 9. aniket telang says:

  સરસ લેખ્.
  thanks

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.