વાતવાતમાં તોફાની જોક્સ – મન્નુ શેખચલ્લી

[ ‘ગુજરાત સમાચાર’ અખબારમાં મન્નુ શેખચલ્લી ઉપનામથી ‘વાતવાતમાં’ કૉલમ લખતા શ્રી લલિત લાડના હાસ્યલેખોના પુસ્તક ‘વાતવાતમાં તોફાની જોક્સ’માંથી સાભાર. આપ શ્રી લલિતભાઈનો (અમદાવાદ) આ નંબર પર +91 79 26826526 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] ભાષણ-સંહિતા

એક ગામમાં ખેડૂતોની એક સભા ભરાવાની હતી. અને એક મિનિસ્ટર સાહેબ ત્યાં ભાષણ આપવા આવવાના હતા. પણ બન્યું એવું કે એ વિસ્તારમાં આગલે દિવસે એટલો બધો વરસાદ પડી ગયો કે બધા રસ્તા બંધ થઈ ગયા. મિનિસ્ટર કહે, ‘મારે તો ગમે તેમ કરીને સભામાં ભાષણ આપવા જવું જ છે. કાર ના જાય તો હેલિકોપ્ટરની વ્યવસ્થા કરો.’

છેવટે મિનિસ્ટર સાહેબ હેલિકોપ્ટરમાં બેસીને સભાના સ્થળે પહોંચ્યા. પણ અહીં જુએ તો આખા મેદાનમાં ખાલી બે જ ખેડૂત આવેલા !
મિનિસ્ટર મૂંઝાયા : ‘શું કરું ? બે જણા આગળ ભાષણ કરું કે ના કરું ?’
ખેડૂતો કહે : ‘સાહેબ, અમે તમારી જેમ ભણેલા નથી અને તમારા જેટલા હોશિયાર પણ નથી. પણ એક વાત છે. જો અમારાં સો ઢોર હોય એમાંથી બે જ ઢોર આવે તો પણ અમે એમને ઘાસ તો ખવડાવીએ જ.’
આ સાંભળી મિનિસ્ટરે કહ્યું : ‘ઓકે. તો હું ભાષણ કરું છું.’ એમ કહીને મિનિસ્ટર સાહેબ ભાષણ કરવા લાગ્યા. પંદર મિનિટ થઈ, વીસ મિનિટ થઈ, અડધો કલાક થયો, પોણો કલાક થયો…. ભાષણ પૂરું થાય જ નહિ.

છેવટે બરાબર સવા કલાકે મિનિસ્ટર સાહેબે ભાષણ પૂરું કર્યું. પછી પેલા ખેડૂતોને પૂછે, ‘કેવું લાગ્યું મારું ભાષણ ?’
ખેડૂતો કહે : ‘સાહેબ, અમે તમારી જેમ ભણેલા નથી અને તમારા જેટલા હોશિયાર પણ નથી. પણ એટલી તો સમજ પડે છે કે સો ઢોરનું ઘાસ બે ઢોરને ના ખવડાવી દેવાય !’

[2] ભિખારીઓનો લોચો

એક નાનકડા શહેરના એસ.ટી. ડેપો મૅનેજરને ઉપરી અધિકારીનો પત્ર મળ્યો કે તરત તેઓ સજાગ થઈ ગયા. ઘંટડી મારીને કહ્યું, ‘જુઓને, આપણા બસ-સ્ટેન્ડ આગળ ડ્યૂટી બજાવતા જમાદાર સાહેબને બોલાવી લાવોને ?’ જમાદાર આવ્યા કે તરત ડેપો મેનેજરે કહ્યું, ‘જમાદાર સાહેબ, આ એસ.ટી.સ્ટેન્ડની આસપાસ જેટલા ભિખારી હોય એમને પકડી લાવો. ઉપરથી ઑર્ડર આવ્યો છે. એમનાં નામ-સરનામાંની યાદી બનાવવાની છે.’

જમાદાર તો ફરી વળ્યા. થોડી વારમાં પાછા આવીને કહે, ‘બે જ ભિખારીઓ હાથ લાગ્યા. બાકીના ભાગી ગયા !’
ડેપો મૅનેજરે કપાળ કૂટતાં કહ્યું : ‘અરે યાર, એ ભિખારીઓને એસ.ટી. તરફથી નવાં કપડાં આપવાનાં છે.’
‘એવું છે ?’ જમાદાર ફરી બહાર ગયા.
પાછા આવ્યા ત્યારે પૂરા પાંત્રીસ ભિખારીઓ એમની સાથે હતા. ડેપો મૅનેજર કહે, ‘આટલા બધા ભિખારીઓ ? આ બધા એસ.ટી. સ્ટેન્ડ પાસે જ ભીખ માંગે છે ?’
જમાદાર કહે : ‘તમે નવાં કપડાં આપવાની વાત કરીને, એટલે આખા ગામના ભિખારી આવી પહોંચ્યા છે !’

ખેર, પછી તો ઉપરથી આવેલા હુકમ મુજબ બધાને લાઈનમાં બેસાડીને પહેલાં તો નવડાવ્યા. પછી બધાની વ્યવસ્થિત રીતે હજામત કરાવડાવી અને છેલ્લે બધાને બબ્બે જોડી નવાં કપડાં આપવામાં આવ્યાં. ચાર દિવસ પછી ડેપો મૅનેજરને યાદ આવ્યું કે, ‘અરે એક સૂચનાનું પાલન કરવાનું તો રહી જ ગયું ! આપણે એમની સાથે વાત કરીને એમની વાજબી મુશ્કેલી દૂર કરવાની છે.’
ડેપો મૅનેજર બહાર નીકળીને બે-ચાર ભિખારીઓને મળ્યા, ‘તમારી કોઈ મુશ્કેલીઓ છે ?’
‘મુશ્કેલીઓના ઢગલા છે સાહેબ !’ ભિખારીઓ બોલી ઊઠ્યા, ‘જ્યારથી તમે અમારી હજામત કરાવીને નવાં કપડાં પહેરાવ્યાં છે ત્યારથી અમને કોઈ ભીખ જ નથી આપતું !’

[3] છૂટાછેડાના વકીલ

થોડા વખત પહેલાં એક વકીલ મળી ગયા. એ છૂટાછેડાના સ્પેશિયાલીસ્ટ હતા. ગમે તેવો અટપટો કેસ હોય, પણ એ વકીલ કેસ હાથમાં લે એટલે તમને છૂટાછેડા મળી જ જાય. અમે એમને પૂછ્યું :
‘તમારી પાસે તો જાતજાતના કેસ આવતા હશે નહિ ?’
મને કહે, ‘વાત જ ના પૂછશો. હમણાં જ એક રસોઈયાનો કેસ મારી પાસે આવ્યો છે. તમને ખબર છે એને શા માટે છૂટાછેડા જોઈએ છે ?’
‘શા માટે ?’
‘એની પત્ની ઘરમાં રસોઈ બનાવવાની ના પાડે છે એટલે !’
‘ઓત્તારી ભલી થાય ! એ પોતે તો રસોઈયો છે. પછી વાંધો શું છે ?’
‘બસ, એ જ વાંધો છે ને ? એ રસોઈયો કહે છે કે હું આખો દા’ડો કામ કરીને ઘરે આવું ત્યારે મને ગરમાગરમ ભોજન ના મળે તો લગ્ન કરવાનો મતલબ શો ?’
‘વાત તો સાચી છે.’
‘બીજા એક ટ્રાફિક પોલીસમેનનો કેસ છે. એ કહે છે કે હું મારી બૈરીથી ત્રાસી ગયો છું.’
‘કેમ ?’
‘કહે છે કે આખો દિવસ ઘરમાં ટ્રાફિક કંટ્રોલ જ કર્યા કરે છે.’
‘એમ ? શી રીતે ?’
‘કોઈ વાર કહે છે આ રૂમમાં ‘નો એન્ટ્રી’ છે, આવતા જ નહિ, કારણ કે હમણાં જ પોતું કર્યું છે ! હું આરામથી પાટ ઉપર આડો પડ્યો હોઉં તો સાવરણી હલાવતી આવી પહોંચે છે. કહે છે કે ઊઠો, અહીં ‘નો પાર્કિંગ’ છે ! અને મારે હાથખર્ચીના પૈસા જોઈતા હોય તો એ આપતી જ નથી. કહે છે કે આ ઘરમાં પૈસા માટે ‘વન-વે’ છે !’

અમે હસી પડ્યા, ‘કમાલ છે. પણ તમારી પાસે કોઈ વકીલનો કેસ આવ્યો છે કદી ?’
વકીલ સાહેબનો આખો મૂડ ઊતરી ગયો. ‘જવા દો ને ? મારી વાઈફને જ છૂટાછેડા જોઈએ છે ! પાછી ઉપરથી કહે છે કે તમે જ મારો કેસ લડી આપો !’
‘અરે બાપ રે !’
‘મારી હાલત તો સાપે છછૂંદર ગળ્યા જેવી થઈ ગઈ છે.’
‘કેમ ?’
‘કેસ હારી જાઉં તો ફી જાય અને જીતી જાઉં તો વાઈફ જાય !’

[4] 2023ની એક બપોરે….

શૅરબજારનો એક સટોડિયો એક વાર રસ્તા પર જતો હતો ત્યાં અચાનક તેને એક્સિડન્ટ થઈ ગયો. વાહનની ટક્કરથી એ તરત જ બેહોશ થઈ ગયો. તરત જ તેને કોઈએ હૉસ્પિટલ પહોંચાડ્યો. હૉસ્પિટલમાં અનેક પ્રયત્નો કરવા છતાં તે હોશમાં જ ન આવ્યો. ઊલટો તે કોમામાં સરી ગયો. આમ પૂરાં 20 વરસ લગી તે કોમામાં રહ્યો. છેવટે સન 2023ની એક બપોરે તે અચાનક ભાનમાં આવી ગયો !

હૉસ્પિટલમાંથી છૂટીને તે સીધો જ સામેના ટેલિફોન બૂથ પર ગયો. ત્યાંથી તેણે શૅરબજારમાં ફોન લગાડ્યો હતો.
‘રિલાયન્સ ? દસ હજાર રૂપિયા !’
‘વાહ વાહ !’ સટોડિયો ખુશ થઈ ગયો, ‘હું તો લાખ રૂપિયા કમાઈ ગયો !’
પછી તેણે પૂછ્યું : ‘ઈન્ફોસિસ શું ભાવ છે ?’
‘ઈન્ફોસિસ પંદર હજાર.’
સટોડિયો તો નાચવા લાગ્યો, ‘વાહ ભઈ વાહ ! હું તો બીજા લાખ રૂપિયા કમાઈ ગયો ! અચ્છા, હલો, હિન્દુસ્તાન લિવરનો શું ભાવ છે ?’
‘હિન્દુસ્તાન લિવર પાંચ હજાર.’
‘પાંચ હજાર ?!’ સટોડિયો હવે કૂદવા લાગ્યો, ‘અને હલો…. વિપ્રો શું ભાવ છે ?’
‘વિપ્રો બાર બજાર.’
‘ક્યા બાત હૈ !’ સટોડિયો ગેલમાં આવી ગયો.
‘વાહ, શું મારાં નસીબ છે ! આજે તો હું ચાર લાખ રૂપિયા કમાઈ ગયો !’

છેવટે તેણે ફોન મૂકીને પી.સી.ઓ બૂથવાળાને પૂછ્યું : ‘કેટલા પૈસા થયા ?’
ફોનવાળો કહે : ‘કેટલા ફોન કર્યા ?’
‘બસ એક જ. અને એ પણ લોકલ.’
‘તો ચાર લાખ રૂપિયા લાવો.’
‘ચાર લાખ ?’ સટોડિયાની તો આંખો ફાટી ગઈ, ‘અલ્યા ભઈ, એક લોકલ ફોનના તો બે રૂપિયા હતા ને ?’
‘એ 2003માં હતા. આ 2023 છે !’

[5] શંકાસ્પદ સામાન

મુંબઈમાં બોમ્બ ધડાકો થયો પછી ઠેર ઠેર કડક ચેકિંગ ચાલી રહ્યું હતું. એવામાં એક પોલીસ સ્ટેશનના વાયરલેસ પર અરજન્ટ સંદેશો સંભળાયો :
‘ઈન્સ્પેક્ટર સાહેબ, અહીં એક માણસ શંકાસ્પદ સામાન સાથે પકડાયો છે !’
‘એમ !’
‘એનો દેખાવ પણ બહુ વિચિત્ર છે. એના અડધા વાળ ભૂરા રંગના છે અને અડધા લાલ રંગના ! કાનમાં લટકણિયાં પહેરેલાં છે અને સીધો ટટ્ટાર તો ઊભો જ નથી રહેતો !’

‘અચ્છા ! અને એના સામાનમાં શું છે ?’
‘બહુ જ વિચિત્ર સામાન છે સાહેબ, એની પાસે આઠ-દસ બેગો છે. એકમાં કબૂતરનાં પીંછાં, કાગડાનાં પીંછાં, મરઘીનાં પીંછાં એવાં જાતજાતનાં પીછાં ભર્યાં છે. તો બીજી બેગમાં જાતજાતની સૂતળીઓ, દોરડીઓ, દોરડાં, પ્લાસ્ટિકની રંગીન દોરીઓ અને એવું બધું ભર્યું છે !’
‘આ તો વિચિત્ર કહેવાય !’
‘હાસ્તો ! એની પાસે બે બેગો ભરીને જાતજાતના ફેંટાઓ, પાઘડીઓ, ટોપીઓ, સાફાઓ અને નાની મોટી સાઈઝની હેટ છે.’
‘અચ્છા !’
‘અને બીજી બેગોમાં લોખંડની સાંકળો, એલ્યુમિનિયમની ચેઈનો, તાંબાના વાયરો અને ચમકતા રંગીન વાયરો ભર્યા છે.’
‘કમાલ છે ! આ બધી ચીજોનું એ શું કરવાનો હશે ?’
‘ભગવાન જાણે ? આમ તો મારો બેટો બહુ પૈસાદાર હોય એવો લાગે છે. બબ્બે મોબાઈલો છે, ત્રણ-ચાર ક્રેડિટ કાર્ડો છે…. પણ સાહેબ એની ત્રણ બેગોમાં તો ફાટેલાં કાપડની નકરી ચીંદરડીઓ ભરેલી છે !’
‘સમજી ગયો…. એને છોડી દો !’
‘કેમ ?’
‘એ ફેશન ડિઝાઈનર લાગે છે !’

[કુલ પાન : 126. કિંમત રૂ. 65. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ઈ-મેઈલ : info@navbharatonline.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સ્મરણયાત્રા – કાકા કાલેલકર
જીવન-ઉપનિષદ – સં. બબાભાઈ પટેલ Next »   

21 પ્રતિભાવો : વાતવાતમાં તોફાની જોક્સ – મન્નુ શેખચલ્લી

 1. જય પટેલ says:

  મન્નુ શેખચલ્લી, ગણપત હુરતી જેવાં પાત્રો ટપુડાની જેમ અમર થઈ ગયાં છે.

  શ્રી લલિતભાઈના શેખચલ્લી જેવા દિમાગમાંથી અવનવું નિકળ્યા જ કરે છે..!!
  આનંદ મંગલ થયો.
  આભાર.

 2. Vaishali Maheshwari says:

  Good ones. Enjoyed reading. Thank you author.

 3. 😀

  ૧/ ‘સાહેબ, અમે તમારી જેમ ભણેલા નથી અને તમારા જેટલા હોશિયાર પણ નથી. પણ એટલી તો સમજ પડે છે કે સો ઢોરનું ઘાસ બે ઢોરને ના ખવડાવી દેવાય !’………….

  ૨/ ભિખારીઓ બોલી ઊઠ્યા, ‘જ્યારથી તમે અમારી હજામત કરાવીને નવાં કપડાં પહેરાવ્યાં છે ત્યારથી અમને કોઈ ભીખ જ નથી આપતું !’

  ૩/ ‘કેસ હારી જાઉં તો ફી જાય અને જીતી જાઉં તો વાઈફ જાય !’

  ૪/ ‘એ 2003માં હતા. આ 2023 છે !’ ……….. મોંધવારી ની માયા જાળામાં થી એટલી જલદી થી છૂટી શકાય તેમ નથી.

  ૫/ ‘એ ફેશન ડિઝાઈનર લાગે છે !’ …………… ફેશનના નામ પર કંઇ પણ ચાલી શકે છે…..

 4. Sandip kotecha says:

  Good collection… but lalit bhai was unmatchable in ‘aya badha alright chhe’ in rediff gujarati. i have never written to him and missing his articles. thanks lalitbhai for good smilies

 5. Nimesh says:

  હશે તેનું ઘર વસે
  લલિત ભાઈ એ ઘણું હસાવ્યા, ઘર વસે કે નાં વસે પણ
  તબિયત ફીટ થઈ ગઈ.
  નિમેશ

 6. બધા ટૂચકા વાંચવાની મજા પડી, ખાસ કરીને “એ 2003માં હતા. આ 2023 છે!”

 7. Dipti Trivedi says:

  બધા જ નવીન વિષય , નેતા વાળો તો ખરેખર મજેદાર.

 8. Deval Nakshiwala says:

  સારા જોક્સ છે. પણ સૌથી વધુ મજા ‘2023ની એક બપોરે’ માં આવી.

 9. Tarun Patel says:

  ‘કેસ હારી જાઉં તો ફી જાય અને જીતી જાઉં તો વાઈફ જાય !’

  વાહ ભાઈ વાહ. મઝા પડી ગઈ.

 10. Parul says:

  બધાજ જોકસ સરસ. હુ પન આય બધા all right che. miss karu chu.

 11. Dhruti says:

  મજા પડી ગઇ!!

 12. nayan panchal says:

  હવામા ગોળીબાર… મન્નુભાઈના જોક્સે હસાવ્યા હા હા હા…
  આભાર,
  નયન

 13. Ketan says:

  ખુબ જ સરસ

 14. nitin says:

  bahu sundar,suruchivaala jokes manya.majaaavi

 15. Harshad says:

  મને ખુબ ગમી.

 16. Fantesh says:

  It’s really good for general knolage.

 17. Sunil Bhimani says:

  ખુબ સરસ જોક

 18. munjal desai says:

  nice lalitbhai, as always we laughed lot.. how you can think instantly on current topics in guj.sama. vat vatma.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.