કમાણી – અર્જુન કે. રાઉલજી

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

‘આખી જિંદગી માસ્તરી કરી પણ સિદ્ધાંતોનું પૂછડું પકડી પકડીને ફર્યા – પપ્પા તમે. પણ શું કમાયા ? તમારી જિંદગીની કમાણી કેટલી ?’

યુવરાજ – તમારો જ પુત્ર. તમને જાણે કે ગરમ ગરમ તપેલા સળિયાના ડામ દઈ રહ્યો હતો. તમારું અંતર ચચરી રહ્યું હતું. પત્નીને ગઈકાલે રાત્રે જ ઍટેક આવ્યો હતો પણ તમારી નાણાકીય હાલત કાંઈ એટલી બધી સદ્ધર નહોતી કે તમે તમારી પત્નીને કોઈક જાણીતી ખાનગી હાર્ટ હૉસ્પિટલમાં દાખલ કરાવી શકો. એટલે તમે તો 108 ઍમ્બ્યુલન્સ બોલાવી, સરકારી દવાખાનામાં તેને દાખલ કરી દીધી હતી. જ્યારે તમારો પુત્ર યુવરાજ હમણાં જ સરકારી દવાખાનેથી આવ્યો હતો અને તેની ઈચ્છા એવી હતી કે તેની મમ્મીને કાં તો બરોડા હાર્ટ અથવા બૅન્કર્સ હાર્ટમાં જ એડમીટ કરી દેવી જેથી તેની ટ્રીટમેન્ટ તો વ્યવસ્થિત જ થાય ! કોઈ પણ હિસાબે તે તેની મમ્મીને બચાવી લેવા માગતો હતો.

તો તમે પણ ક્યાં પત્નીને મરવા દેવા માગતા હતા મનસુખલાલ સાહેબ ? પણ તમારી પણ એક મજબૂરી હતી ને ? ચાર-ચાર દીકરીઓ પરણાવ્યા પછી – તેમને મોં માગ્યું દહેજ આપ્યા પછી – તમારી પાસે આટલી મોંઘવારીમાં બાકી શું વધે ? અને તેમાંય પાછો યુવરાજને સેલ્ફ ફાયનાન્સ એન્જિનિયરીંગ કૉલેજમાં ડોનેશન આપીને દાખલ કરાવ્યો !

‘તમારા ટીચિંગનો તો જમાનો હતો….પપ્પા. તમારી કૅમેસ્ટ્રી ભણાવવાની પદ્ધતિ તો આલાગ્રાન્ડ હતી. આખું વડોદરા તમારા ટીચિંગનાં વખાણ કરતું હતું પણ તમે એને કેશમાં બદલી શક્યા નહીં.’ યુવરાજનો આક્રોશ હજુ શાંત થયો નહોતો.
‘બેટા, હું શિક્ષણને વેપાર બનાવવા માગતો નહોતો.’ તમે તમારો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો – પણ તમને ખબર જ હતી કે યુવરાજની નજરમાં આ તો લૂલો બચાવ જ છે ! તમને યાદ છે જ કે નોકરીનાં શરૂઆતનાં વર્ષોમાં તમારે ત્યાં ટ્યૂશન રાખવા માટે વિદ્યાર્થીઓનાં ધાડે-ધાડાં આવતાં હતાં. તમારી પત્ની તો કહેતી કે લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોઢું ધોવા ના જવાય. અને આ રીતે મોઢું ધોવા જનારા મૂરખ જ ગણાય. તે વખતે દીકરીઓ તો નાની હતી. છતાં પણ તે બધું જ જાણતી હતી. અરે યુવરાજનો તો જન્મ પણ નહોતો થયો – છતાં યુવરાજ પણ આ હકીકત જાણતો હતો. કારણ કે તમે આજદિન સુધી તમારી આ ગૌરવગાથા કૉલર ઊંચા કરીને બધાની સમક્ષ રજૂ કરતા હતા ને મનસુખલાલ સાહેબ !

અરે ! એ વિદ્યાર્થીઓને તમે ના પાડ્યા પછી તેમના વાલીઓએ મૅનેજમેન્ટ દ્વારા પણ તમારા ઉપર તેમનું ટ્યૂશન રાખવા માટે દબાણ કરાવ્યું હતું. પણ કેળવણીમંડળના પ્રમુખને પણ તમે ચોખ્ખું જ સંભળાવી દીધું હતું કે તમે શિક્ષણના વ્યાપારી નથી જ. અને કોઈ પણ સંજોગોમાં તમે શિક્ષણ વેચવાના નથી જ. સામે એવી દલીલ કરવામાં આવી હતી કે – ધો. 11 અને ધો. 12 વિદ્યાર્થીઓના જીવનમાં અગત્યનાં વર્ષ છે. આ વર્ષોમાં બોર્ડની પરીક્ષામાં સારા માર્ક આવે તો જ તેમનું ભાવિ સારું ઘડાય – તો જ તે ડૉક્ટર કે એન્જિનિયર થઈ શકે ને ? પણ તમે એ દલીલ પણ ફગાવી દીધી હતી ને ? તમે કહ્યું હતું કે, મારા વિદ્યાર્થીના સારા માર્ક્સ લાવવાની જવાબદારી મારી…. તેને સમજ ના પડે તો હું ચાર વખત સમજાવીશ. જરૂર પડશે તો એકસ્ટ્રા પિરિયડ લઈશ…. સ્કૂલ છૂટ્યા પછી બેસાડીશ….. પણ મારે તેનો પૈસો ના જોઈએ. સરકાર મને ભણાવવાનો જ પગાર આપે છે ને ?

તમને યાદ છે મનસુખભાઈ તમારા સ્ટાફના મિત્રો પણ વેદિયો, બોચીયો અને સિદ્ધાંતોનું પૂછડુંના વિશેષણોથી તમને નવાજતા હતા. પણ તમે ટયૂશન તો ના રાખ્યું તે ના જ રાખ્યું. એક વખત રાજકીય દબાણ પણ આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી સાહેબે જાતે તમને બોલાવી ટ્યૂશન રાખવા કહ્યું હતું – પણ તમે વિનયપૂર્વક ઘસીને ના પાડી દીધી હતી. તમારી મમ્મી પણ તમને કહેતી હતી કે – ‘આ હસમુખ અને અવિનાશ પણ તારી સાથે જ નોકરીમાં જોડાયા હતા ને ? તારી જેમ મોટા છોકરાઓને જ ભણાવે છે ને ? પણ કેટલાં બધાં છોકરાં એમને ત્યાં ટ્યૂશન આવે છે ? અવિનાશે તો ત્રણ માળનો બંગલો બનાવી દીધો અને હસમુખનું તો પોતાનું મકાન છે. હસમુખ પાસે તો મોટર પણ છે. તો તું ય ટ્યૂશન કરને. બે પૈસે તો થવાય.’ તમે તમારી માને પણ ગૌરવથી સમજાવ્યું હતું કે તમે શિક્ષણનો વેપાર કરવા નથી માગતા. સરકાર જે પગાર આપે છે તેમાં જ તમને સંતોષ છે !

અને અત્યારે યુવરાજ પૂછતો હતો કે, તમારી જિંદગીની કમાણી કેટલી ?
પત્ની હૉસ્પિટલમાં પડી હતી….સરકારી હૉસ્પિટલમાં અને જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતી હતી. દીકરાની હઠ હતી કે તેને ખાનગી હૉસ્પિટલમાં લઈ જઈએ તો યોગ્ય સારવાર થાય, પણ તે માટે જરૂર હતી દોઢથી બે લાખ રૂપિયાની. ક્યાંથી લાવવા ? જાણ્યે-અજાણ્યે તમે પણ મનોમન જીવનનું સરવૈયું મેળવવા બેસી ગયા. શું કમાયા તમે ? સિદ્ધાંતવાદી થઈને કેટલી કમાણી કરી ? આખી જિંદગી સાઈકલ જ ફેરવીને ? પુત્રને પણ હજુ સુધી બાઈક અપાવી શક્યા નહીં. રિટાયર્ડ થયા તો પણ પત્નીને સારી સારવાર પણ અપાવી શક્યા નથી. પુત્ર તમારી સામે આશાભરી નજર નાખતો બેઠો છે. તેને સમજાવવો જરૂરી છે. તમે લૂલો બચાવ કરતાં બોલ્યા, ‘બેટા, સરકારી દવાખાનાં પણ હવે તો અદ્યતન બનાવી દેવાયાં છે. બધી જ સગવડ હોય છે. કેટલીક વખત તો ખાનગી દવાખાનાં કરતાં પણ સારી સગવડ હોય છે, સારી ટ્રીટમેન્ટ થતી હોય છે…..’
‘એ તો ઓળખાણ હોય તો જ પપ્પા…..’ યુવરાજે સહેજ ગુસ્સામાં કહ્યું.
‘ચાલ, હું તારી સાથે આવું છું. આપણે કાર્ડિયોલોજી વિભાગના વડાને મળીએ એટલે ખબર પડે.’ તમે ચંપલ પહેરી યુવરાજ સાથે દવાખાને પહોંચી ગયા.

કાર્ડિયોલોજી વિભાગના હેડની ઑફિસ પાસે પહોંચ્યા. બહાર બોર્ડ મારેલું હતું : ડૉ. આર. પી. શાહ, એમ.ડી. અને એક પટાવાળો બહાર બેઠો હતો. તમે એક કાગળમાં તમારું નામ લખ્યું અને નીચે દરદી તરીકે તમારી પત્નીનું નામ લખ્યું. પટાવાળાને આપીને કહ્યું, ‘સાહેબને કહેજો અમે મળવા માગીએ છીએ.’ પટાવાળો તરત જ બહાર આવ્યો, સાહેબ બોલાવે છે કહ્યું, એટલે તમે યુવરાજ સાથે સાહેબની કૅબિનમાં પ્રવેશ કર્યો. હજુ તમે પૂરેપૂરા અંદર પ્રવેશ્યા પણ નહોતા કે સાહેબ તેમની ખુરશી ઉપરથી ઊભા થઈ ગયા, તમારી પાસે આવ્યા, નીચા નમી તમારાં ચરણસ્પર્શ કર્યાં અને બોલ્યા, ‘મને ઓળખ્યો સાહેબ, હું તમારો રમલો…. રમાકાન્ત.. મને ઈલેકટ્રોન રચના નહોતી આવડતી તે તમે સમજાવી હતી. મેં કેમેસ્ટ્રીનું ટ્યૂશન પણ નહોતું રાખ્યું – તમે જે ભણાવેલું એના કારણે જ મને બોર્ડમાં 92 માર્ક મળ્યા હતા.’

તમારી આંખમાં આંસુ આવી ગયાં. ડૉક્ટરે તમારા બરડે હાથ ફેરવતાં કહ્યું, ‘સાહેબ, મારા ઉપર વિશ્વાસ રાખજો. બહેનને હું ઊની આંચ પણ નહીં આવવા દઉં. કોઈપણ ખાનગી દવાખાના કરતાં વધારે સારી ટ્રીટમેન્ટ થશે અહીં.’
તમે યુવરાજ સામે જોયું અને મનોમન બબડ્યા પણ ખરા કે ‘જોયું ને ? આ છે મારી કમાણી !’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બે સીટવાળી સાયકલ – રમેશ શાહ
ગઝલ – આબિદ ભટ્ટ Next »   

30 પ્રતિભાવો : કમાણી – અર્જુન કે. રાઉલજી

 1. trupti says:

  સામાન્ય વિષય ની પણ સુંદર રીતે લખેલી સુંદર ને લાગણી સભર વાર્તા.

 2. Mahendrasinh says:

  ખુબ જ સરસ વાર્તા

 3. kumar says:

  awesome……….ખુબ સરસ લેખ

 4. ખુબ સુંદર.

  મારી મમ્મી એક શિક્ષિકા હતી, હમણાં જ રિટાયર્ડ થઇ. એના હાથ નીચે ભણેલા ઘણા વિધ્યાર્થી ઓ સારી સારી જગ્યાએ છે. ક્યારેક અમેરિકા કે લંડનથી આવતો વિધ્યાર્થી એના મેડમ માટે યાદ કરી ને કંઇક લઇ આવે છે. ત્યારે થાય છે કે એની જગ્યા માત્ર શાળામાં નહિ વિધ્યાર્થી ઓના હ્રદયમાં પણ છે.

 5. Kiri Hemal says:

  ખુબ જ ઉત્તમ!!!!!!!!!
  આજકાલ તો શિક્ષણ એક વેપાર થઈ ગયો છે…………. મુંબઈમા તો ૧૦માની પરીક્ષા આપ્યા પછી તરત જ મા-બાપ ૧૧ અને ૧૨ બન્ને ધોરણનુ એડમીશન ખાનગી ક્લાસમા લેવા માટે સાથે જ બે વરસની ફી ભરી લે છે અને તે પણ મો માંગી કિમત આપવા માટે વાલી તૈયાર હોય છે પોતાના બાળકને ડોક્ટર કે એન્જિનીયર બનાવવા માટે……………….

 6. સુભાષ says:

  ઘણા વખત પહેલા readgujarati પર એક વાર્તા વાંચી હતી ‘નીરણ’. તેમાં સિદ્ધાન્તવાદી ઓફીસર છેવટે સૈધાન્તિક રીતે ઝુકી ગયો હતો. આમાં ઉલ્ટું છે. બન્ને વાર્તાઓ હકીકત હોય શકે. એટલે વાર્તાઓ પરથી માણસે ક્યો રસ્તો સાચો તે નક્કી કરવું અઘરું પડે. એટલે જ કદાચ આવી વાર્તાઓ ‘સત્યના પ્રયોગો’ની જેમ અમર નથી થતી.

 7. Janakbhai says:

  I met with an accident and hospitalized for three years at the age of 11 years. I got the treatment from the doctory whose two children were studying under my mother in K. G. I always say that teacher’s work can not be weight in AANA – PAI (MONEY) I am now happy and well-to-do due to my mother. Her treatment to the children in the BALMANDIR is remembered even today. Teaacher’s profession is the holiest and purest profession and the result of that profession cannot be measured in money but more than that. Thank you Mrugeshbhai for taking me to my childhood through this story.

 8. hirva says:

  good story. Now days this type of teacher is like a dream.

 9. Swapnil Desai says:

  Fantastic

 10. m.s.p says:

  ખુબજ સરસ

 11. mohit chauhan says:

  if u r on d way of ethics,possibaly u cnt get what U want..BUT WHATEVER U GET IS MORE THAN A LL LUXURIES OF D WORLD. the SATISFACTION

 12. nayan panchal says:

  સિધ્ધાંતવાદીઓને આ લેખ ખૂબ સારો લાગશે. લેખ સારો પણ છે. પરંતુ તેનાથી આપણે જરૂરી મનોમંથનમાંથી છટકી ન જઈ શકીએ.

  શિક્ષકે શા માટે ટ્યુશન તરફ વળવુ જોઈએ? શા માટે સરકારી શાળાના શિક્ષકોને પૂરતુ વળતર આપવામાં નથી આવતુ? હકીકત એ છે કે ભારત દેશ તેના ખરા હીરાઓની કદર નથી કરતો. સૈનિકોને મળનારા વેતન, અરે પરમવીર – મહાવીર ચક્ર વિજેતાઓને મળતા વળતર વિશે જાણો, તમે મોંમા આંગળા નાંખી જશો.

  માણસના લોભની કોઈ સીમા નથી. પરંતુ શિક્ષકો, સૈનિકો, સરકારી અમલદારોને યોગ્ય વળતર આપવુ એ પણ સરકારની ફરજ છે.

  વાર્તામાં લેખક મનચાહ્યો અંત લાવી શકે છે. જો દાક્તર મનસુખલાલનો વિદ્ય્રાર્થી ન હોત તો?

  ખૂબ આભાર,
  નયન

 13. Deval Nakshiwala says:

  સારી વાર્તા. આજના ભ્રષ્ટ જમાનામાઁ સિધ્ધાંતવાદી વ્યક્તિઓ જુદી તરી આવે છે. અને આવી વ્યક્તિઓની સમાજમાં જરુર પણ છે.

 14. Hetal says:

  very nice story- One should not be that stubborn like Manskhulal. But if chose to not to take tuition and make more money then that is his choice. Taking tuition should be individual teacher’s choice. As far as they are doing their profession with moral at school and at tuition class then no one should object. Paying enough and appropriately to government officials applies to everyone who works for government not just teachers and army. We don’t have any right to say anyone how they should make money. Other professions such as businesses and all are run by people who were taught by teachers who may or may not be pure as Mr. Mansukhlal. No one tells them that he should not cheat or should not do over mark the product price and such. Its his way of doing business and making money. How many of us sincerely respect good did of our teachers? So, the story is good but we should not expect much from them and expect them do things the way we want it.

 15. અત્યારે તો કલ્પના જ લાગે, પણ એ એક સમય હતો ત્યારે ટ્યુશનમાં જાવું સરમ લાગે તેવું હતું અરે ટ્યુશન ક્લાસ હતા જ નહી. હા મારા હજુ બે ગુરુ હયાત છે અને જ્યારે પણ મલે ચરણસ્પર્શ કરવાજ પડે છે.
  મારા પત્નીને નિવ્રત થયે ૧૨ વરસ થય ગયા તેમના પાસે ભણેલ હજુ સામા મળેતો ખુબજ સન્માન કરે છે.
  આભાર.
  વ્રજ દવે

 16. Jatin says:

  AAP NU LKHAN KHUBA J SUNDAR CHE MANE VANCHI NE KHUBA J ANAND THAYO
  ANE MARI JIVAN NA MARA TEACHER MANE YAAD AVI GAY NE MARI AANKHO MA THI TAM NI YAAD NA ANSU SARI PADYA.
  THE GRATE WRITING.
  JATIN BHATT

 17. Ketan Halpati says:

  ખુબ ગમી…..દરેક શિક્ષકોએ વાચવા જેવી….

 18. Divyesh says:

  સરસ હ્રદય સ્પર્શી વાર્તા.

 19. kalpesh says:

  very very nice.

 20. Niral says:

  ખુબ જ સરસ વાર્તા.

 21. Kalakar says:

  when I was reading, I was thinking, this story end should be happy only. I am believing in honesty and doing my work honestly has created enemies for me at work place but I always saying myself one day it will be pay back.

 22. Chemistry teacher says:

  I migrated to USA to be devotee of Godess Laxmi. When I was doing PHD in chemistry, my professor got very sick. He was given a trial medicine and it saved his life. On researching, he found out that it was developed by his former student working in New Jersey Pharmaceutical. That incident made me devotee of Sarswati and I am teaching chemistry for last thirty years!!!

 23. ketan shah says:

  I THINK THIS IS MY STORY IN DIFFRENT STAGE.
  I WAS PASS FROM THIS TYPE OF PROBLEM SINCE THAN I FELL NEVER UNDERSTMANT FATHERS.
  I AM JAIN AND IN OUR VAAKHAYAN OUR GURU ALWAYES SAYS
  “MAA NU RADAY NAJUK HOI CHA AA ANO PREM VATAV CHA PAN PITA NU RADAY SHREEFAL JAVU HOI CHA
  BAHAR THE KADAK NA ANDER THE NARAM”
  I LOVE MY DAD

 24. Ashish Dave, Sunnyvale, California says:

  Well written, but kind of predictable end.

  Ashish Dave

 25. chirag says:

  બહુ સરસ …..

 26. Vaishali Maheshwari says:

  Good story, but the end could be different also. I also feel it has become important to give proper compensation to the teachers too.

  Overall, very well written. Thank you Mr. Arjun K. Raulji.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.