ઝરૂખો – વિકાસ નાયક

[ ‘ઈન્ટરનેટ કૉર્નર’ શ્રેણીના ‘મહેક’, ‘કરંડિયો’, ‘કથા કોર્નર’, ‘આભૂષણ’ જેવા પુસ્તકો આપનાર યુવા સર્જક શ્રી વિકાસભાઈ નાયકનું તાજેતરમાં પ્રકાશિત થયેલું આ પુસ્તક છે ‘ઝરૂખો.’ ‘ઈન્ટરનેટ’ના ખજાનામાંથી ગૂંથેલી રસપ્રદ લેખમણકાની માળા જેવું આ પુસ્તક જીવનમાં હકારાત્મક દષ્ટિકોણ કેળવવાનું શીખવી જાય છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. વિકાસભાઈનો આપ આ નંબર પર +91 9870017704 અથવા આ સરનામે vikas.nayak@gmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] એક પ્રેમકથા

બસમાં બેઠેલ દરેક પ્રવાસીએ સહાનુભૂતિપૂર્વક લાકડીના સહારે સભાનતાપૂર્વક દાદરા ચઢી બસમાં પ્રવેશેલી સુંદર યુવતી તરફ જોયું. તેણે ડ્રાઈવરને ટિકિટના પૈસા ચૂકવ્યા અને ત્યાર બાદ તેના બતાવ્યા પ્રમાણેની ખાલી સીટ તરફ પોતાના હાથ હવામાં ફેરવતાં ફેરવતાં એ સીટ પર બેસી ગઈ. પોતાની સાથેનો સામાન તેણે પોતાના ખોળામાં ગોઠવ્યો અને લાકડીને પોતાના પગની બાજુમાં ગોઠવી દીધી. સુઝાને દષ્ટિ ગુમાવ્યાને લગભગ એકાદ વર્ષ થઈ ગયું હતું.

આંખની કોઈક ક્ષતિ નિવારતી વખતે ડૉક્ટર્સની બેદરકારીને કારણે સુઝાને દષ્ટિ ગુમાવી હતી અને અચાનક તે અંધારા, ગુસ્સા, નિરાશા અને લાચારીની એક ગર્તામાં ધકેલાઈ ગઈ હતી. તે રોષપૂર્વક બબડતી, ‘મારી સાથે આવું કઈ રીતે બની શકે ?’ પણ તે એ પીડાદાયક સત્ય જાણતી હતી કે ભલે તે ગમે તેટલું રડે, કકળે કે પ્રાર્થના કરે, પણ તેની દષ્ટિ ક્યારેય પાછી ફરવાની નથી. એક સમયે ખૂબ ઉત્સાહી અને હકારાત્મક અભિગમ ધરાવતી સુઝાન નિરાશાનાં વાદળથી ઘેરાઈ ગઈ હતી. તેનો એક માત્ર સહારો હતો તેનો પતિ માર્ક, જેને તે સતત વીંટળાઈ રહેતી. માર્ક એક હવાઈ દળનો ઑફિસર હતો અને તે હૃદયના ઊંડાણથી સુઝાનને ચાહતો હતો. જ્યારે સુઝાને દષ્ટિ ગુમાવી ત્યારે માર્કે તેને હતાશાની ઊંડી ખીણમાં સરી પડતી જોઈ હતી અને તરત નક્કી કર્યું હતું કે તે પોતાની પત્નીને ફરી પાછી તેના પોતાના પગ પર ઊભી રહી શકે એટલો આત્મવિશ્વાસ તેના વ્યક્તિત્વમાં ઊભો કરશે.

અંતે ઘણા સંઘર્ષ બાદ એક દિવસ સુઝાને ફરી પાછી પોતાની નોકરીએ જોડાવા જેટલી હિંમત મેળવી. પણ તે ઑફિસ પહોંચે શી રીતે ? પહેલાં તો તે ઑફિસે જવા નિયમિત બસ પકડતી, પણ હવે તે એકલી ભીડભર્યા શહેરના રસ્તાઓ પર ફરવામાં ડર અનુભવી રહી હતી. માર્કની ઑફિસ સુઝાનની ઑફિસથી તદ્દન બીજે છેડે હોવા છતાં માર્કે સુઝાનને રોજ તેની ઑફિસ મૂકી આવવાનું નક્કી કર્યું. પહેલાં તો સુઝાનને ખૂબ સારું લાગ્યું અને માર્કની પણ પોતાની ચક્ષુહીન પત્નીને રક્ષણ પૂરું પાડવાની અને તેનામાં આત્મવિશ્વાસ જગાવવાની ઈચ્છા પૂરી થઈ. પણ થોડા સમય બાદ માર્કને ખૂબ થાક લાગવા માંડ્યો. અને આર્થિક રીતે પણ આ વ્યવસ્થા મોંઘી હતી. સુઝાને પોતે જ બસ પકડી ઑફિસ જવાનું શરૂ કરવું જોઈએ એવો વિચાર માર્કને આવ્યો, પણ આ વાત તેને કહેવી શી રીતે એ વિચારમાત્રથી માર્ક કંપી ઊઠ્યો. તે હજી ખૂબ નાજુક સ્થિતિમાંથી પસાર થઈ રહી હતી.

પોતે જો તેને જાતે બસ પકડી ઑફિસ જવા કહે તો તે કેવી પ્રતિક્રિયા આપશે ? પણ છેવટે માર્કે હિંમત એકઠી કરી સુઝાન સમક્ષ પોતાનો વિચાર વ્યક્ત કરી જ દીધો. માર્કના ધાર્યા પ્રમાણે જ બસ જાતે પકડવાના વિચારમાત્રથી સુઝાન ફફડી ઊઠી. તેણે કડવાશથી કહ્યું, ‘હું અંધ છું. મને કેવી રીતે ખબર પડશે મારે ક્યાં ઊતરવું ? મને લાગે છે, તું હવે મારાથી કંટાળી ગયો છે અને મને તારાથી દૂર રાખવાનો પ્રયત્ન કરી રહ્યો છે.’ માર્કનું હૃદય દ્રવી ઊઠ્યું. પણ તેને ખબર હતી, તેણે શું કરવાનું છે. તેણે સુઝાનને વચન આપ્યું કે તે પોતે રોજ સુઝાનની સાથે બસમાં પ્રવાસ કરશે, જ્યાં સુધી તેને બસમાં જવાની આદત ન પડી જાય અને તે સંપૂર્ણ સુરક્ષિત મહેસૂસ ન કરે. અને એ પ્રમાણે થયું. પૂરાં બે અઠવાડિયાં સુધી માર્ક તેના મિલિટરી યુનિફૉર્મમાં સુઝાનને લેવા ને મૂકવા આવતો જતો. તેણે તેને શીખવ્યું કે કેવી રીતે તે પોતાની બીજી ઈન્દ્રિયોની શક્તિનો ઉપયોગ કરી આજુબાજુના પરિસર સાથે અનુકૂલન સાધીને પોતાની જગા વિશે સભાન થઈ શકે. તેણે તેની બસ ડ્રાઈવર સાથે પણ મૈત્રી કરાવી દીધી હતી, જેથી તે તેનું ધ્યાન રાખી શકે અને તેના માટે જગા રોકી રાખી શકે.

છેવટે સુઝાનને બસમાં પોતાની મેળે આવવું-જવું ફાવી જશે એમ લાગ્યું. એક સોમવારની સવારે પોતે ઑફિસે જવા નીકળતાં પહેલાં તેણે માર્કને આલિંગન આપ્યું. માર્ક તેનો બસનો સહપ્રવાસી તો બની જ રહ્યો હતો, પણ એ તેનો પતિ હતો, પ્રેમી હતો, દોસ્ત હતો. તેણે માર્ક સમક્ષ પોતે એકલાં પોતાની ઑફિસ જવાની ઈચ્છા વ્યક્ત કરી. સુઝાનની આંખો માર્કની વફાદારી, ધીરજ અને પ્રેમને લીધે ઉપકારવશ થઈ રડું-રડું થઈ રહી હતી. તેણે માર્કને વહાલથી ‘આવજો’ કર્યું અને પ્રથમ વાર તેઓ અલગઅલગ દિશામાં પોતપોતાની ઑફિસે જવા નીકળ્યાં.

પછી મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર…. રોજ સુઝાન એકલી જ ઑફિસ જવા લાગી. સુઝાનને ખૂબ સારું લાગતું. શનિવારે સવારે સુઝાને બસ પકડી. જેવી તે પોતાનું ભાડું ચૂકવી બસમાંથી ઊતરવા જતી હતી ત્યાં ડ્રાઈવરે તેને કહ્યું, ‘મને તમારી ઈર્ષા આવે છે.’ સુઝાનને ખ્યાલ ન આવ્યો કે ડ્રાઈવર તેની સાથે જ વાત કરતો હતો કે કોઈ બીજા સાથે. ભલા કોને એક અંધ સ્ત્રીની ઈર્ષા આવવાની હોય, જેણે બસમાં પ્રવાસ કરવાની હિંમત પણ હજી થોડા દિવસ પહેલા જ પ્રાપ્ત કરી હતી ! તેણે ડ્રાઈવરને પૂછ્યું, ‘તમે મારી સાથે વાત કરી રહ્યા છો ? મારી ઈર્ષા તમને ? શા માટે ?’ ડ્રાઈવરે કહ્યું, ‘તમારી જે રીતે દરકાર લેવાઈ રહી છે તેનાથી તમને કેટલું બધું સારું લાગતું હશે !’ સુઝાનને ડ્રાઈવરે શું કહેતો હતો તેમાં કંઈ સમજ પડી નહિ. તેણે તેને ફોડ પાડવા કહ્યું. ડ્રાઈવરે જણાવ્યું, ‘તમે જાણો છો, પાછલા એક અઠવાડિયાથી રોજ સવારે એક મિલિટરી યુનિફૉર્મમાં સજ્જ એક ફૂટડો યુવાન રોજ તમારી પાછળ બસમાં ચડે છે અને તમે ઊતરી ન જાઓ ત્યાં સુધી તમારું પ્રેમથી ધ્યાન રાખે છે. તમે ઊતરી જાઓ ત્યારે તે પણ તમારી સાથે જ ઊતરી તમે રસ્તો ઓળંગી ન લો ત્યાં સુધી અહીં જ ઊભો રહી તમે તમારી ઑફિસના મકાનમાં પ્રવેશો એ પછી જ ફરી પાછા જવા સામેની બસ પકડે છે. તમે ઑફિસના મકાનમાં પ્રવેશી જાઓ ત્યારે તમને એક મીઠું પ્રેમભર્યું ચુંબન હવામાં ઉડાડી પછી જ પાછા જવા સામેથી બસ પકડે છે. તમે ખૂબ નસીબદાર સ્ત્રી છો !’

સુઝાનની આંખોમાં હર્ષનાં ઝળઝળિયાં આવી ગયાં. ભલે તે માર્કને જોઈ શકતી ન હતી, પણ તે સતત તેની હાજરી, તેની હૂંફ પોતાની આસપાસ અનુભવતી. તેના પર ખરેખર ઈશ્વરની કૃપા અવતરી હતી. માર્કે તેને દષ્ટિ કરતાંયે વધુ મહામૂલ્ય ભેટ આપી હતી – એક એવી ભેટ જેનો અનુભવ કરવા તેણે તેને જોવાની જરૂર ન હતી – પ્રેમની ભેટ. એક એવી સોગાદ જે ગમે તેવા અંધારાને દૂર કરી પ્રકાશ રેલાવી દઈ શકે છે !

[2] શાંતિપૂર્વક ઊંઘી શકો છો ખરા ?

વર્ષો પહેલાં, એક ખેડૂત એટલાન્ટિક સમુદ્રને કાંઠે થોડી જમીન ધરાવતો હતો. તેણે ઘણી વાર પોતાની આ જમીન પર ખેતી કરી શકે એ માટે યુવાનો શોધવા જાહેરખબરો આપી હતી પણ એટલાન્ટિક સમુદ્રને કાંઠે આવેલી તે જમીન પર કામ કરવામાં કોઈ રસ બતાવતું નહોતું. કારણ એટલાન્ટિક સમુદ્રમાં વારંવાર ભયંકર તોફાનો આવતાં અને કાંઠા પરનાં ઘરો અને ખેતરોમાં ઊતરેલા પાકને નુકશાન પહોંચાડતાં.

છેવટે એક દિવસ ઠીંગણો જાડિયો મધ્યમ વય પસાર કરી ચૂકેલો એક માણસ ખેડૂત પાસે આવ્યો અને એણે ખેડૂતના ખેતરમાં કામ કરવાની ઈચ્છા દર્શાવી. ખેડૂતે તેને પૂછ્યું, ‘શું તને ખેતરમાં કામ કરવાનો કોઈ અનુભવ છે ? તારામાં શી ખાસિયત છે ?’ એ માણસ બોલ્યો, ‘સમુદ્રકાંઠે જ્યારે તોફાની પવન વાતો હોય છે ત્યારે મને સરસ ઊંઘ આવે છે.’ તેના જવાબથી ખેડૂતને ખૂબ આશ્ચર્ય થયું પણ તેને ખેતરમાં કામ કરવા કોઈ માણસ મળતો નહોતો આથી તેણે એ માણસને કામ પર રાખી લીધો. એ ખૂબ મહેનતુ નીકળ્યો અને દિવસરાત ખેતરમાં મજૂરી કરી તેણે ખેડૂતનું દિલ જીતી લીધું.

એક રાતે ભયંકર વંટોળ આવ્યો. સૂસવાટાભેર પવન ફૂંકાઈ રહ્યો હતો. ખાટલેથી ઊભા થઈ જઈ ખેડૂતે ફાનસ હાથમાં લીધું અને ઝડપથી તે પેલા માણસના ઝૂંપડા પાસે આવ્યો. તેણે હાંફળાફાંફળા થઈ તેને ઉઠાડ્યો અને મોટેથી સાદ પાડી કહ્યું, ‘ઊભો થા ! ભયંકર તોફાન આવવાનું છે. બધી વસ્તુઓ ચુસ્ત રીતે બાંધી દે જેથી તે ઊડી ના જાય.’ પેલા માણસે બેફિકરાઈપૂર્વક પડખું ફેરવ્યું અને મક્કમતાથી કહ્યું, ‘ના માલિક. એની કોઈ જરૂર નથી. મેં તમને નહોતું કહ્યું કે તોફાની પવન વાય ત્યારે મને સરસ ઊંઘ આવે છે.’ તેનો જવાબ સાંભળી ખેડૂતને ગુસ્સો તો એવો આવ્યો કે તે હમણાં ને હમણાં જ તેને ધક્કો મારીને કાઢી મૂકે પણ તેણે ખેતર અને પોતાનાં માલસામાનને તોફાનથી બચાવવાનું એ ઘડીએ વધારે યોગ્ય લાગ્યું આથી તે દોડીને પોતાના ખેતરમાં આવ્યો.

પણ તેણે ત્યાં જે જોયું તેનાથી એના આશ્ચર્યનો પાર ન રહ્યો. બધાં ઘાસના પૂળા પાણીથી રક્ષણ આપે તેવા મજબૂત કંતાન વડે ઢંકાયેલા હતા. ગાયો-ભેંસો વ્યવસ્થિત રીતે ગમાણમાં બાંધેલી હતી. મરઘાં અને તેમનાં બચ્ચાં બરાબર તેમના માટે બનાવેલા આવાસમાં સુરક્ષિત હતાં. વાડ મજબૂત રીતે બાંધેલી હતી અને દરવાજા સજ્જડ રીતે બંધ કરેલા હતા. બધું જ વ્યવસ્થિત ગોઠવાયેલું અને સુરક્ષિત હતું. તોફાની પવન કશાને નુકશાન પહોંચાડી શકે એમ નહોતો. ખેડૂતને હવે સમજાયું તેના કામે રાખેલા માણસે શું કહ્યું હતું અને અત્યારે તે શા માટે શાંતિથી સૂઈ રહ્યો હતો. તે પણ પોતાના ખાટલે પાછો ફર્યો અને પવન જોરથી વાઈ રહ્યો હતો ત્યારે શાંતિથી ઊંઘી ગયો.

સાર એ છે કે જ્યારે તમે ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા આત્મિક રીતે, માનસિક રીતે અને શારીરિક રીતે તૈયાર હોવ છો ત્યારે તમને કોઈ વસ્તુનો ડર રહેતો નથી, કોઈ જાતની ચિંતા હેરાન કરતી નથી. તમારા જીવનમાં જ્યારે તોફાની પવન વાતો હોય શું તમે ત્યારે શાંતિપૂર્વક ઊંઘી શકો છો ખરાં ?

[કુલ પાન : 102. કિંમત રૂ. 70. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઝલક નવરંગ – સુરેશ દલાલ
એરકન્ડિશન સોસાયટી – ગિરીશ ગણાત્રા Next »   

21 પ્રતિભાવો : ઝરૂખો – વિકાસ નાયક

 1. trupti says:

  બન્ને સુંદર પ્રેરણાત્મક કથા

 2. Vipul Panchal says:

  Nice & wonderful stories.

 3. Manisha Dodia says:

  Increase Confident Level in any situation 🙂

  Really many thanks

  Regards
  Manisha

 4. trupti says:

  પહેલી કથા ના સંદર્ભ મા મે એક પ્રસંગ કસે વાંચ્યો હતો તે પ્રસ્તુત કરુ છું.

  એક દિવસ એક વ્રુધ્ધ વ્યક્તિ સવારના ૮.૩૦ વાગે ડોકટર પાસે તેમને જે ઈજા થઈ હતી તેના ટાંકા તોડાવવા આવે છે અને આવી ને ડો. ને વિનંતી કરે છે કે તેઓ તેમનુ કામ જરા જલદી પતાવે કારણ તેમને ૯.૦૦ વાગે કસે પંહોચવાનુ હોય છે. જે ડો. તેમના ટાંક તોડવાના હો છે તેઓ બિજે કસે વ્યસ્ત હોયછે અને ૧.૫૦ કલાક વગર આવી શકે તેમ નથી. બીજા ડો.જે થોડા ફ્રી હોયછે તે પેલા વ્રુધ્ધ ના ઘાવ ને તપાસે છે અને તેની મલમ પટ્ટિ કરવાનિ શરુઆત કરે છે. તમેનો ઘાવ સાફ કરતા કરતા તેઓ પેલા વ્રુધ્ધ ને તેમનિ ઉતાવળનુ કારણ પુછે છે. વ્રુધ્ધ જણાવે છે કે તમને તમેની પત્ની જોડે સવારનો નાસ્તો કરવા નર્સીંગહોમ પહૉંચવુ છે. ડો. તેમને તેમની પત્ની ના ખબર પુછે. વ્રુધ્ધ જણાવે છે તે માનસિકરોગી છે અને છેલ્લા પાંચ વરસથી તેમને ઓળખતી પણ નથી. ડો. ને નવાઈ લાગે છે અને તે વ્રુધ્ધ ને સવાલ કરે છે કે તો પછિ તેઓ શામાટે દરોજ સવારે ત્યાં નાસ્તો કરવા જાય છે? તેનો વ્રુધ્ધ જવાબ આપે છે કે,” ભલે તે મને નથી ઓળખતી પણ હું તો તેને ઓળખુ છું ને?” ડો. ગદગદ થઈ જાય છે.

  TRUE LOVE IS NEITHER SEXUAL, PHYSICAL, NOR ROMANTIC.
  TRUE LOVE IS AN ACCEPTANCE OF ALL THAT IS, HAS BEEN, WILL BE, AND WILL NOT BE.

  માણસ ને સુખી કહેવડાવવા માટે જરુરી નથી કે તેની પાસે દુનિયાની બધી જ સુખસગવડતા હોય, પણ જરુરી હોય છે કે તેની પાસે જે છે તેમા તે કઈ રીતે સુખી રહી શકે છે.

  LIFE IS NOT ABOUT HOW TO SURVIVE THE STROM,
  BUT HOW TO DANCE IN THE RAIN.

  • Heena Dave says:

   Truptiji,

   Are you from Kingston, Canada?

   • trupti says:

    હિના બહેન,

    ના હું તો બમ્બયા છોકરી છુ અને આજ મારૂ જન્મ અને કર્મ સ્થળ છે.

  • Manisha says:

   Thanks…. 🙂

  • Ashish Dave, Sunnyvale, California says:

   Very well said Truptibahen…

   RUE LOVE IS NEITHER SEXUAL, PHYSICAL, NOR ROMANTIC.
   TRUE LOVE IS AN ACCEPTANCE OF ALL THAT IS, HAS BEEN, WILL BE, AND WILL NOT BE.

   માણસ ને સુખી કહેવડાવવા માટે જરુરી નથી કે તેની પાસે દુનિયાની બધી જ સુખસગવડતા હોય, પણ જરુરી હોય છે કે તેની પાસે જે છે તેમા તે કઈ રીતે સુખી રહી શકે છે.

   LIFE IS NOT ABOUT HOW TO SURVIVE THE STROM,
   BUT HOW TO DANCE IN THE RAIN.

   Ashish Dave

 5. payal says:

  Great article. Truptiben, I enjoy reading your comments. One on this article is also very nice. You should submit your writing here. I would really like that. You sound very much like my elder sister.

  • trupti says:

   Payalben.

   Thanks for the concern and your appreciation.

   I received sugessations from many about me writing something and publish the same here. Yet, I feel I do not deserve the same. I mean, I put my views on the paper and give my comments on what I have seen, what I have read and what I have experienced, but still I am not capable to write something. I am very much thankful first to Mrugeshbhai, due to whom I started reading regularly in our language and the facility provide by him for giving our comments. I would also like to thank all the fellow readers who have enjoyed reading my comments and who have appreciated my comments writing. Still, I feel there is something lacking in me, for e.g. I am still making mistakes in JODANIS. However, I will definitely keep your suggestion in my mind and will try to implement the same in future, whenever the time permits and is free from my responsibilities, which I have on my shoulder at present.

 6. PAYAL SONI says:

  એક પ્રેમ્કથા એ ખુબ જ સુન્દર પ્રેરનાદાયક કથા છે.

 7. nayan panchal says:

  પ્રથમ વાર્તા હ્રદયસ્પર્શી.

  બીજી વાર્તા મગજસ્પર્શી.

  આભાર, મૃગેશભાઈ.

  નયન

 8. Rajni Gohil says:

  લાભાલાભના વિચાર વગરનો પ્રેમ જ સાચો પ્રેમ છે અને તેની શક્તિ તો અમાપ છે. ફક્ત હકારાત્મક વિચારો કરવાથી કેટલું સુંદર પરિણામ મેળવી શકાય છે તે વિકાસભઇ નાયકે સુંદર પ્રેરણાત્મક રીતે એક પ્રેમકથા રજુ કરી છે. Love is the only Law of Life.

  જીવનમાં સાચી શાંતિ દ્રઢ આત્મવિશ્વાસ અને ભગવાન પરના સંપૂર્ણ વિશ્વાસથી મેળવી શકાય છે તે ઉદાહરણ પણ આપણને શાંતિની ઉંઘ મેળવવાનો સરસ મઝાનો રસ્તો બતાવે છે. વિકાસભઇએ તો આપણામાં સાચો પ્રેમ અને સાચી શાંતિનો વિકાસ થાય તે માટેનો માર્ગ મોકળો કરી આપ્યો છે. પ્રયત્ન તો આપણે જ કરવાનો હોય ને!

 9. Hitesh Mehta says:

  બન્ને વારતા બહુજ સરસ .. પ્રેમ અને શાન્તિ…

 10. બન્ને વાર્તાઓ ખુબ સુંદર.

  પ્રેમ એટલે આપણે જેવા છીએ તેવા આપણને કોઇ સ્વીકારે તે.

  માનસિકરીતે સજ્જ્જ માણસ ગમે તેવી પરિસ્થિતિમાં પણ ડગતા નથી.

  “સાર એ છે કે જ્યારે તમે ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા આત્મિક રીતે, માનસિક રીતે અને શારીરિક રીતે તૈયાર હોવ છો ત્યારે તમને કોઈ વસ્તુનો ડર રહેતો નથી, કોઈ જાતની ચિંતા હેરાન કરતી નથી. તમારા જીવનમાં જ્યારે તોફાની પવન વાતો હોય શું તમે ત્યારે શાંતિપૂર્વક ઊંઘી શકો છો ખરાં ?”

 11. jalpa says:

  banne story khub j fine che jivan ma inspiration ape tevi che i like it.

 12. sapana says:

  ttrue love has no words………

 13. Vibhavari says:

  હ્રદય ગદગદ થઈ જાય અને મન આત્મવિસ્વાસ થી છલકઈ જાય એવી વાર્તા ઓ છે ……ખરેખર ખુબ સરસ…..

 14. Ashish Dave, Sunnyvale, California says:

  Nice articles… it is said that the luck is when the prepared mind meets the opportunity…

  Ashish Dave

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.