એરકન્ડિશન સોસાયટી – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.]

બળબળતા ઉનાળાની એક બપોરે ટ્રેનમાંથી ઉતરી સ્ટેશનની બહાર ઊભેલી રીક્ષાઓમાંથી એક આગળ ઊભાં રહી અંદર બેગ ગોઠવી કે પેસેન્જરની રાહ જોતાં રીક્ષાવાળાએ મીટરનો ફલેગ ડાઉન કરતાં પૂછ્યું :
‘ક્યાં જવાનું ?’
‘સાકેત સોસાયટીમાં.’
‘સાકેત સોસાયટી ? એ ક્યાં આવી ?’ રીક્ષાવાળાએ મારી સામે જોતાં પૂછ્યું.
મેં ગજવામાંથી ડૉ. હર્ષદ ભટ્ટીનું વિઝિટીંગ કાર્ડ કાઢ્યું. એમાંથી સરનામું વાંચતાં બોલ્યો : ‘જવાહર રોડ’ અને પછી, એ સ્થળે એક વખત આવી ગયો હોવાથી ઉમેર્યું, ‘નેરોગેજ રેલવે સ્ટેશનના પાટા પાછળ જે ઢાળવાળું ફાટક આવે છે ને, બસ, એ ફાટક ક્રોસ કરો તો સામે જ સાકેત સોસાયટી આવે છે…..’ આટલી બધી નિશાનીઓ આપ્યા છતાંય રીક્ષાવાળાએ મારી સામે મૂંઝવણભર્યું જોયાં કર્યું.

મને નવાઈ લાગી. આ નાનકડું શહેર એટલું બધું વિસ્તરેલું નહોતું કે આટલું સરનામું અને આટઆટલી નિશાનીઓ આપ્યા પછીય રીક્ષાવાળાને મૂંઝાવું પડે. આ નાનકડા શહેરની વસતિ વધી વધીને બહુ બહુ તો એક-સવા લાખ જેટલી થઈ હશે. શહેર પણ કંઈ એટલું પહોળે પટે વિસ્તરેલું પણ નહીં. અને છતાંય આ રીક્ષાવાળાને વળી સરનામાની શી મૂંઝવણ પડી હશે ? કદાચ આ શહેરમાં કોઈ સગાને સહારે આવી નવો નવો ધંધો શરૂ કર્યો હશે એટલે મૂંઝાયો હશે. મેં ફરી વખત, વર્ષો પહેલાં જોયેલી આ જગાનું વર્ણન કરવા માંડ્યું ત્યાં બાજુમાં ઊભેલા એક બીજા રીક્ષાવાળાએ પૂછ્યું :
‘કોને ત્યાં જવું છે ?’
‘ડૉ. હર્ષદ ભટ્ટીને ઘેર.’
‘મગન, સાહેબને લીલીછમ સોસાયટીમાં મૂકી આવ.’
તુરત જ મારા રીક્ષાવાળાએ પગ આગળનું હેન્ડલ ખેંચતા કહ્યું : ‘ત્યારે સાહેબ એમ બોલોને કે લીલીછમમાં જવાનું છે.’

શહેરના ઊછળકૂદ રસ્તેથી રીક્ષા ગબડાવતો ગબડાવતો એ જેવો નેરોગેજ રેલવેના ઊંચા ઢોળાવવાળા ફાટક રસ્તે ચડ્યો કે સામે લીલીછમ વનરાઈ પથરાઈ હોય એવું દ્રશ્ય નજરે ચડ્યું. રેલવેના પાટા ક્રોસ કરી જેવી રીક્ષા સાકેત સોસાયટીમાં વળી કે શીળો શીળો છાંયડો પ્રસરાવતી બંને બાજુ વૃક્ષોની હારમાળા દેખાઈ. એ હારમાળા વટાવતી અમારી રીક્ષા નાનકડા બંગલાઓની છેડે આવેલા એક ઘર આગળ ઊભી રહી ગઈ. બંગલાના ઝાંપે નાનકડું બોર્ડ લાગેલું હતું : ‘ડૉ. હર્ષદ ભટ્ટી.’ રીક્ષાવાળાને ભાડું ચૂકવી, એક મિનિટ બંગલીના ઝાંપા પાસે જ ઊભો રહી ગયો – થાક ખાવા. ધમધોખતો ઉનાળો ધરતીને મકાઈના દાણાની જેમ શેકી રહ્યો હતો. આ દિવસોમાં ગરમીનો પારો ખૂબ ઊંચો પહોંચી જતો હતો. એમાંય બપોરના અઢી વાગ્યા હોવાથી ગરમી અસહ્ય અને અકળામણભરી હતી. પણ અહીં આ સોસાયટીમાં આવ્યા પછી, શીતળ વાયરામાં ન્હાતાં ન્હાતાં એક હાશકારો લઈ લીધો. થોડી રાહત વળી. એ પછી એના ઘરના આંગણામાં પ્રવેશ કરતાં પહેલાં હર્ષદ અત્યારે રસ-રોટલી ખાઈ નિરાંતે સૂતો હશે અને મારે એની બીચારાની ઊંઘ બગાડવી પડશે.

ઝાંપો ખોલી અંદર પ્રવેશ્યો. કમ્પાઉન્ડની વચ્ચોવચ લીમડાનું ઝાડ હતું. એની ફરતે સિમેન્ટનો એક ગોળ ઓટલો ચણ્યો હતો. ઘડીભર આ છાંયડે બેસી વિરામ લેવાનું મન થઈ ગયું. બેઠો પણ ખરો. ચારેબાજુ વા’તા ઊના-સૂક્કા વાયરાની વચ્ચે ઝાડપાનમાંથી ચળાઈને આવતી શીતળ લહેરો લહેરાતી હતી. કમ્પાઉન્ડના બગીચામાં ઊગેલા છોડ-પાનમાંથી માત્ર ચળાઈ ચળાઈને આવતી હવા શીળી લાગતી હતી. આ ઘર અને ચારેબાજુ ઊભેલાં ઘરો પર ઊંચા ઊંચા આંબા-આંબલી અને લીમડાનાં વૃક્ષો ઘેઘૂર છાંયડો ફેલાવી ઉનાળાના ઉકળાટને શાંત પાડી રહ્યા હતા. આંખોમાં આ લીલીછમ હરિયાળી ભરી હર્ષદના ઘરની ઘંટડી વગાડી. થોડી વાર પછી હર્ષદે બારણું ખોલ્યું અને મને જોઈને આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું :
‘અરે તું ? તું અહીંયાં ક્યાંથી ?’
‘ઓળખી કાઢ્યો ખરો ! મને તો એમ હતું કે આટલાં વર્ષે મળ્યા એટલે….. એટલે…..’
‘અરે ભાઈ ! ભલેને વર્ષો પછી મળતાં હોઈએ, પણ શાળા-કૉલેજમાં આટલાં વરસ સાથે ભણ્યા એટલે એમ ભૂલી જવાય થોડું ? અને તું તો…. તને તો…. દર અઠવાડિયે છાપામાં વાંચું છું. એટલે ભૂલવાનો પ્રશ્ન જ ઊભો નથી થતો…. આવ, આવ. અંદર આવ…. બહાર ગરમી લાગશે.’
‘સાચું પૂછો તો હર્ષદ, અંદર આવવાનું મન જ નથી થતું. આ બહાર ઓશરીના હીંચકે બેસીએ તો પણ પ્રવાસનો થાક ઊતરી જાય. સરસ મજાની સોસાયટી બની ગઈ છે. મને યાદ છે, લગભગ બાર-પંદર વર્ષ પહેલાં અહીં આવ્યો ત્યારે તારું આ ઘર નવું ચણાયું હતું. ઉજ્જડ-ખરાબાની આ સસ્તી જમીન જોઈને તું ગામથી આટલે દૂર રહેવા આવ્યો જોઈને મેં ટીકા કરેલી કે…..’
‘એ બધું પછી. પહેલાં અંદર આવ.’

હર્ષદે મને અંદર પ્રવેશ કરાવ્યો અને પછી ફ્રીજમાંથી પાણીનો જગ લઈ આવ્યો. પાણીના બે-ત્રણ ગ્લાસ ગટગટાવી પૂછ્યું :
‘કેમ, હમણાં એકલો છે ?’
‘ના, તારી ભાભી ને છોકરાંઓ સૂતાં છે બધાં. અમે બંને ડૉક્ટર રહ્યાં એટલે માંડ એક રવિવાર મળે, જો કોઈ ઈમરજન્સી વિઝિટનો ફોન ન કરે તો. આજે રવિવાર એટલે રસ-પોળીનું જમણ જમીને સૂઈ ગયાં હતાં. તારી ભાભીને ભારેખમ ભોજનનો મીણો ચડ્યો હશે એટલે….’
એટલામાં અંદરથી જયશ્રીભાભી આવ્યાં. મને જોઈને બોલ્યાં : ‘ક્યારે આવ્યાં ?’
‘બપોરના મેલમાં.’
‘કંઈ કાગળ-ખબર લખી જણાવ્યું હોત તો સ્ટેશને તેડવા આવતને ! અહીં આવતાં કંઈ મુશ્કેલી તો નથી પડી ને ?’
‘હા, થોડી મુશ્કેલી પડી હતી ખરી !’ મેં હસતાં હસતાં કહ્યું.
‘ખરેખર ?’ જયશ્રીભાભીએ પૂછ્યું.
‘હા. ગયે વખતે હર્ષદે આ જૂનું વિઝિટીંગ કાર્ડ આપ્યું ત્યારે એમાં સાકેત સોસાયટી છપાયેલું છે, પણ….’
‘પણ હવે એ નામે આ સોસાયટીને કોઈ ઓળખતું નથી. માત્ર પોસ્ટલ ડિપાર્ટમેન્ટ પૂરતું જ એનું ઓફિશિયલ નામ છે. બાકી હવે બધા એને લીલીછમ્મના નામે જ ઓળખે છે… જમ્યા ખરા કે નહીં ? ક્યાંથી જમ્યા હો ? ઊભા રહો, તમારે માટે કશુંક બનાવીને લાવું છું…..’ જયશ્રીભાભી અંદર ગયાં કે હું ને હર્ષદ વાતોએ વળગ્યા.

હર્ષદ અને હું સાથે ભણ્યા હતા, જ્યારે સ્કૂલમાં ભણતાં હતાં ત્યારે સાથે જ લેસન કરતાં અને સાથે ગિલ્લી-દંડા રમતાં. એ મિત્રતા કોલેજની હોસ્ટેલમાં પણ ચાલુ રહી. ઈન્ટર પાસ કરીને એ મેડિકલ કોલેજમાં ગયો કે અમારા રાહ બદલાયા. વર્ષો પછી જ્યારે આ નાનકડા શહેરમાં જવાનું થયું ત્યારે હર્ષદને ત્યાં જ ગયો. એ હવે ડૉક્ટર બનીને એના આ ગામમાં જ પ્રેક્ટીસ કરતો હતો. એના પિતાનું જ્યાં હેર-કટીંગ સલૂન હતું ત્યાં જ એણે પિતાના ધંધાનું બોર્ડ ઉતારી પ્રેક્ટીસ શરૂ કરી દીધી હતી. નાનકડા શહેરનો જનરલ પ્રેક્ટીશનર મોટા શહેરના સર્જન કે કન્સલ્ટન્ટ જેટલું તો ન જ કમાઈ શકે પણ ધીમે ધીમે હર્ષદે પ્રેક્ટીસ જમાવી. એની સાથે જ ભણતી એક ક્રિશ્ચિયન છોકરી જોડે એણે લગ્ન કરી લીધાં. બંને જણાં અહીં જ કમાયાં. એમાંથી ગામને છેડે આવેલો જમીનનો એક પ્લોટ લીધો.

‘…… આ પ્લોટ લીધો અને ઘર ચણાવ્યું ત્યારે તું અહીં આવેલો. તે વખતે તેં તારો અભિપ્રાય આપેલો કે આવી ખરાબાની જગા કેમ પસંદ કરી ?’ સાંજે લીમડાના ઝાડ નીચેના ઓટલે ગાદી-તકિયા બિછાવી અમે વાતો કરતાં બેઠાં હતાં ત્યારે હર્ષદે સંસ્મરણો ઉખેળ્યા.
‘પણ એ વખતે અમારી પાસે એટલા પૈસા ન હતા. સરકારે રૂપિયે વારવાળી આ જગા વેચવા કાઢી ત્યારે મેં આ એક પ્લોટ લઈ લીધો. એ વખતે આ પ્લોટમાં એક ઠૂંઠો લીમડો હતો. એનાં પાંદડાં-ડાળીઓ સૌ કાપી ગયેલા. હોળી પ્રગટાવવા માટે દર વર્ષે આ ઠૂંઠા લીમડા પર અત્યાચાર થતો. એની એક પછી એક બધી ડાળીઓ કપાઈ ગયેલી. અહીં જ્યારે મકાન ચણાવવાનું શરૂ કર્યું ત્યારે અમારા પ્લોટમાં આવેલા આ ઠૂંઠા લીમડાને મેં જીવતદાન આપવાનું નક્કી કર્યું. આમેય મૂળ હું ડૉક્ટર. બીમાર મરીઝની સારવાર કરવી તે અમારો ધર્મ. એ ધર્મ અમે બજાવ્યો. એક બાજુ આ ઘર ઊભું થતું જાય અને બીજી બાજુ આ લીમડાને ખાતર-પાણીની દવા થતી જાય. ઘર તો છ-આઠ મહિનામાં ચણાઈ ગયું પણ લીમડો એમ કંઈ જલદી વધે ? પૂરાં બે વરસ લાગ્યા એને ઉછેરતાં. જ્યારે એને કૂંપળો ફૂટી ત્યારે અમને થયું કે હાશ, હવે એ જીવી ગયો. આજે આપણે આ જ લીમડાના ઓટલે બેઠાં છીએ…..’

‘સરસ, પણ હર્ષદ, આ સોસાયટી લીલીછમ કઈ રીતે બની ?’
‘વાત માનવ-સ્વભાવની છે. હું અહીં આવીને એકલો વસ્યો ને આ પ્લોટની સૂકી ધરતીને લીલીછમ કરી કે કોઈને અહીં આવી વસવાનું મન થયું. મારી બાજુના બંગલાવાળા શિક્ષકે જ્યારે પ્લોટ લઈ મકાન ચણાવવાનું શરૂ કર્યું કે હું એની પાસે પહોંચી ગયો. એના મકાનનો પ્લાન જોઈ એના કમ્પાઉન્ડમાં લીમડાની બે ડાળીઓ એની પાસે જ વવાવી દીધી. બકરાં-ગાયથી બચાવવા મેં મારા એક લુહાદ-દર્દી પાસેથી બે જાળીઓ બનાવી એની ફરતી મૂકી. એ શિક્ષકભાઈ પણ મારા જેવા. પૂરી માવજતથી છોડ-પાન ઉછેરે. પછી, જ્યારે જ્યારે કોઈ નવું મકાન અહીં બંધાવે કે અમે બંને એની પાસે પહોંચી જઈએ. એના બંગલાની બાજુમાં એક-બે ઝાડ રોપવાની મંજૂરી લઈ અમે એને પાણી સિંચતા, ઉછેરતા. આજુબાજુના રખડતા છોકરાઓ ઘણી વખતે આ કૂમળા છોડ ઉખેડી જાય. બપોરે બધા સૂતા હોઈએ ત્યારે ઘેટાં-બકરાંને ખવરાવવા ભરવાડના છોકરાઓ છાનામાના આ છોડ ખેંચી જાય. પણ અમે હિંમત હારતા નહીં. જે જે છોકરાઓએ આ ઝાડ પર જુલમ ગુજાર્યા છે એમના જ છોકરાઓ હવે અહીં એની શીતળ છાંયામાં ગોટી-લખોટી-ભમરડા રમવા આવે છે. ખેર, અહીં રહેવા આવનાર તમામને અમે મળતાં, સમજાવતાં ને ઝાડપાન રોપવાની સલાહ આપતાં…..’
‘હું નથી ધારતો કે બધાએ તમારી સલાહ માની હોય. કોઈકે તો વિરોધ કર્યો હશે.’
‘તમારી વાત ખરી છે.’ જયશ્રીભાભીએ કહ્યું, ‘લોકોને પોતાના મકાનની દીવાલોની જેટલી પડી હોય છે એટલી ઝાડપાનની પડી નથી હોતી. પણ જો કોઈ રોપા લઈ આવે, ખાતર-પાણી કરે ને એની માવજત કરે તો વાંધો ન ઉઠાવે. ખરી સંભાળ માત્ર એક-બે વર્ષ પૂરતી જ લેવાની હોય છે. ઝાડ જેવું પાંચ-સાત ફૂટ ઊંચું થયું કે પછી એ જ એની સંભાળ લેતું થઈ જાય છે. જેમ જેમ અહીં સૌ મકાન બનાવે ને અમારું લીલુછમ્મ ઘર જુએ કે એવા જ ઘરની કલ્પના કરવા મંડી જાય. બસ, એમની ઈચ્છાને પછી અમે પાળીએ, પોષીએ ને ઉછેરીએ…. આજ તમે અમારી સોસાયટીમાં પ્રવેશ કરશો તો બંને બાજુ ઝાડની હારમાળાઓ છે. સૌના ઘરમાં એક નાનકડો બગીચો છે. આ સોસાયટીમાં બગીચા વિનાનું ઘર કલ્પવું હવે મુશ્કેલ છે.’

‘બધા રહેવા આવ્યા પછી અમે એક સોસાયટી બનાવી’ હર્ષદે કહ્યું, ‘સોસાયટીના બંધારણમાં એક ઠરાવ પણ દાખલ કરી દીધો કે દરેક સભ્યે ઓછામાં ઓછાં બે વૃક્ષો તો રોપવાં. આ ઠરાવને કારણે જ અમારી સોસાયટીનું મૂળ નામ હવે ભુલાઈ ગયું છે. ગામલોકો હવે એને ‘લીલીછમ્મ સોસાયટી’ કહીને જ બોલાવે છે.’

આ લીલીછમ્મ સોસાયટીમાં જે બે રાત રહ્યો એની ભીની સુગંધ આજ સુધી હું ભૂલ્યો નથી. રાત્રે હર્ષદની અગાસીમાં ગાદલાં પાથરી અમે ઠંડા વાયરાની મોજ માણી રહ્યા હતા ત્યારે હર્ષદની મોટી પુત્રી રીન્કીએ મને કહ્યું :
‘અંકલ, સાડા આઠ સુધી તમને તડકો નહીં નડે. નિરાંતે પડ્યા રહેજો.’
‘કેમ ?’
‘ઝાડને કારણે તડકો તમારી પથારી પર નહીં આવે. તમે ઊઠશો ત્યારે ઉનાળો હોવા છતાંય તમને બધું એરકન્ડિશન્ડ લાગશે. અમારી આખી સોસાયટી એરકન્ડિશન્ડ સોસાયટી છે…..’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઝરૂખો – વિકાસ નાયક
ઓગણીસમો અધ્યાય – ગુણવંતરાય ભટ્ટ Next »   

24 પ્રતિભાવો : એરકન્ડિશન સોસાયટી – ગિરીશ ગણાત્રા

 1. sima shah says:

  અરે વાહ…..બહુ સરસ અને અપનાવવા જેવુ પણ ખરુ,
  જોકે મુશ્કેલ તો છે જ.
  સીમા

 2. Mukesh Pandya says:

  વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. અમારા નાનકડા ફ્લેટની બાજુમાં પણ અમે ૧૦ વૃક્ષો વાવ્યાં છે.

 3. nayan panchal says:

  સરસ લેખ. મુંબઈ જેવા શહેરોમાં તો આવી સોસાયટીની કલ્પના ન થઈ શકે, પરંતુ ઘરમાં પણ નાના છોડ રાખ્યા હોય તો..

  નાના શહેરોમાં અને પોતાની જમીન હોય તો વૃક્ષો વાવવા જ જોઈએ.

  ગિરીશભાઈની વાર્તા હોય એટલે એક કરતા વધુ સંદેશાઓ હોવાના જ.

  ખૂબ આભાર,
  નયન

 4. અશોક જાની 'આનંદ' says:

  પર્યાવરણનું મહત્વ સમજાવતી આ વાર્તા વરસો પહેલં જ્ન્મભૂમિની પુર્તિમાં ‘ગોરસ’ વિભાગ્માં વાંચેલી, અહિં ફરી વાંચી આનંદ થયો.

 5. Vibhavari says:

  મારા ફ્લેટન મા વાવેલા છોડ ને કૂંપળો ફૂટૅ ત્યારે મને ખુબ આન્ન્દ થાય છે.
  વૃક્ષો તો આપણુ જિવન છે.
  ગિરીશભાઈની વાર્તા ની વાર્તા ઓ હંમેશા બોધપાઠ સાથે જ હોય છે.

 6. Ritu says:

  અમે દર રવિવારે ગામડે જઈએ છીએ ત્યારે ખુબ રમણિય વાતાવરણ જોઈને મનને આનંદ આનંદ થઈ જાય છે. મારા ગામડાના ઘરે મોટો વાળો છે. અને તેમાં અમે એટલા બધા છોડ અને ઝાડ રોપ્યા છે. ત્યા જઈને દિલને ઠંડક વળી જાય છે અહીં સુરતમાં તો ફ્લેટમાં રહીએ છીએ એટલે ઝાડ રોપવાની જગ્યા જ નથી. પણ ઓફીસ પુરી લીલીછમ છે. ત્યા જ્યા જુઓ ત્યા ગ્રીનરી જ ગ્રીનરી છે. અને વરસાદની સાથે મોરલાનો ટહુકો ઓફિસમાં કામ કરવાની મઝા લાવે દે છે.

 7. Harish S. Joshi says:

  આ લેખ દ્વારા વર્ત્માન સમાજ ને એક અતિ સુન્દર ” મેસેજ્ મલે છે.માનવે સ્વસ્થ અને દિર્ઘ જિવન મહાન્વુ હોય્ર તો તેણ કુદરત્ ના ખોળે જ્
  આળોટ્વુ પદ્શે. ગિરિશ ભાઈ ની કસબિ કલમ હ્રુદય ને જન્કુત કરી જાયે છે.,જે માટે તેવો સાધુવાદ ને પાત્ર છે.

 8. અમે પણ રાજકોટ માં પણ જે મકાન લીધું એનું કારણ જ હરિયાળી હતી. એક વખત હતો કે આકાશ જોવું હોય તો આઘાપાછા થાવું પડે . પણ ખબર નહિ આજે ત્યારના ૩૦ માંથી ૫ કહેવાય એવા વૃક્ષો છે. બાકી તો ….
  કહીએ એ નાં કાપો પણ તો કારણ આપે કચરો થાય છે, મૂળિયાં ઘર માં આવે છે( ગુલ મહોર ના મૂળિયાં આવે !!! ) . તમારા ઘર પાસે છે ?. આને શું કહેવું?

 9. Jagruti Vaghela USA says:

  લેખ વાંચતા એવું લાગ્યું કે હમણા જ મને થયેલો અનુભવ આ લેખમાં છે. આ સમર વેકેશનમાં અમે ઇન્ડિયા ગયા હતા. અમને તો ખુબ મજા આવી. લેખમા વર્ણવેલી અસહ્ય અને અકળામણભરી ગરમી નો અનુભવ કર્યો. અને રિક્ષાની રાઈડની પણ ખૂબ મજા લીધી.
  તબિયત બગડવાની બીકે કેરીનો રસ અને બીજા ભાવતા ભોજનનો સ્વાદ ના લીધો. ઘણા પોઝિટિવ સુધારા જોવા મળ્યા.

  લેખમાં સાંકેત સોસાયટી ને લીલીછમ સોસાયટી બનાવી છે જ્યારે હવે પહેલા જ્યાં લીલાછમ ખેતરો અને ખુલ્લા પ્લોટો હતા તેમાં મોટા મોટા બિલ્ડિંગ્સ્, ફ્લેટ્સ અને શોપિંગ સેન્ટર બની ગયેલા જોયા. ‘ 81 માં અમે વલ્લભ વિદ્યાનગર રહેવા ગયા ત્યારેનું અને અત્યારનું વલ્લભ વિદ્યાનગર સાવ બદલાય ગયું છે. ત્યાં દસ વર્ષ રહી છુ પણ અત્યારે ભૂલા પડી જવાય. આણ્ંદ-વિદ્યાનગર-કરમસદ-બાકરોલ બધુ લગભગ એકજ થઈ ગયુ છે. પ્રશ્ન એજ થાય કે આજ રીતે જો કન્શ્ટ્રક્શન ડેવેલપ થતુ રહેશે તો ખેતીની જમીન રહેશે ખરી?
  એક્ વાત તો છે કે મને મારુ ઇન્ડિયા ગમ્યું.
  વાર્તાનો સંદેશ ખૂબ જ સરસ છે.

 10. Veena Dave. USA says:

  ખુબ સરસ .
  લેખમાં અનેક સરસ મેસેજ્……હેરકટીંગ નુ બોડૅ ઉતારી ડૉકટરનુ બોડૅ, ક્રિચિયન સાથે લગ્ન, ઝાડ રોપવા……
  અગાસીમા સુવાનુ ગુજરાત સિવાય દુનિયામા ક્યાંય નહિ હોય્ . અમેરિકામા તો એ વાત કરીએ તો આઠમી અજાયબી લાગે છે.
  જ્યારે અમે ગાંધીનગર રહેતા ત્યારે કોમન પ્લોટમા લીમડો રોપવાનો પ્રસ્તાવ મુક્યો તો બધાએ ‘ લીમડા નીચે પત્તા રમવા આવશે અને ના પાડો તો ઝગડા /મારામારી થશે…….’ કહી એ પ્રસ્તાવ રીજેક્ટ કર્યો.

 11. Hetal says:

  very good one… When I was in Pune, we used to samll terrace- where my mom had brought many small plants and such ony our society had 3 tress of Asopalav- even though there was not enough sapce for parking. In mega cities- one can not have big trees but small plants still make your home look beautiful. Here in America also, I have seen lots of Indians with big houses and big backyard- plant various trees mainly for vegetables and fruit , but even that shuld be appreciated. At least they get home grown , fresh Indian vegetables that you dont get in American groceray stores. Nice article makes me dream about having my own house with lots of big and small trees in my backyard.

  • Ashish Dave, Sunnyvale, California says:

   Where do you stay Hetalbahen? We get all kinds of Indian groceries in Sunnyvale, California… We have over 25 Indian grocery stores in 10 miles radius.

   Ashish Dave

 12. Mital Parmara says:

  ખુબ જ સરસ લેખ….

 13. જય પટેલ says:

  ચોમાસાની મધ્યે વૃક્ષોની મહત્તા દર્શાવતી સમયસરની વાર્તા.

  આજે ગુજરાતમાં અગણિત ભટ્ટીઓની જરૂર છે.
  વૃક્ષોના સાનિધ્યમાં અને ઘરના નાના બગીચામાં હિંચકાને હળવી ઠેસ મારી
  મંદ મંદ પવનની લહેરખીઓ માણવાની કોને ના ગમે ?
  કૉંક્રિટના જંગલમાં હવે વૃક્ષો ખોવાઈ ગયા છે.
  ફ્લેટમાં રહેતા રહીશો નાના નાના પ્લાંટસ લગાવી આંખોને હરિયાળી આપી શકે.

  સોસાયટીમાં સામસામે લીમડાના વૃક્ષોની હરોળ ડોકટરને સોસાયટીમાં પ્રવેશતા અટકાવશે..!!

 14. સાવ સાચી વાત એ છે કે હવે કોંક્રિટ ના જંગલોમાં જીવન ખોવાય ગયું છે. અગાઊ ઝાડના ઉછેર પછી તેને સરસ ઓટલાથી થારું બનાવતા જેથી ગમેતે વટેમાર્ગુ વિસામો ખાય શકે.
  સરસ લેખ આપ્યો.
  આભાર.
  વ્રજ દવે

 15. maitri vayeda says:

  બહુ સરસ …

 16. trupti says:

  હું જે સોસયટી મા રહુંછું તેના નામ ની પાછળ ‘a clean and green society’ એવુ લખેલુ છે. જ્યારે મારે આ ઘર લેતા પહેલા લોન લેવાની હતી અને પ્રોપેર્ટી ફાઈનલ થઈ એટ્લે મે લોન એંજંટ ને મારા જુના ઘરે બોલાવેલો, અને જ્યારે મે મારી પ્રપોસ્ડ પ્રોપેર્ટી નો લેટર હેડ પર લખેલ પ્રોપેર્ટી ને લગતુ લ્ખાણ હતુ તે આપ્યુ, તરત એજંટે સવાલ ક્રર્યો કે કેમ a clean and green society’ એવુ લખ્યુ છે? ત્યારે મે જવાબ આપેલો કે તે મકાન મા ઘણા ફુલ ઝાડ છે. પછી તો અહી. રહેવા આવી ને ૪ વરસ થઈ ગયા. હજી પણ અમારા મકાન મા ઘણા ઝાડ છે અને નાનો એવો બગિચો પણ છે જે મુંબઈ જેવા શહેર મા ને તે પણ પાર્લા જેવા સમ્રુધ્ધ પરા મા નશિબ થી મળે. મે પણ મારી બારી મા ઘણા છોડ જેવા કે જાશુદ, તુલસી, મરચા, ગુલાબ વિ.. જેવા છૉડ વાવ્યા છે.

 17. nidhi says:

  we had very good garden at our palce. with lots of trees, plants.
  But neighbours did not like it (just jealous). They said they get levaes litter and do not get enough light. so complained always. we had to cut everything now. It is just a barren land now. People in India need to understand importance of tress in our life.

 18. Ashish Dave, Sunnyvale, California says:

  મારા પપ્પાએ વાવેલા ૩ લીમડા, ૨ આસોપાલવ, ૧ પીપળો હજુ પણ અમદાવાદના અટીરા વીસ્તારમા અડીખમ ઊભા છે.

  Ashish Dave

 19. Pravin shah says:

  ખુબ સરસ વાર્તા

 20. Vaishali Maheshwari says:

  Planting trees made the society so beautiful. Very nice story. Thank you Mr. Girish Ganatra.

 21. Anila Amin says:

  સરસ વાર્તા, ભારતમા હતી ત્યારે જન્મ ભૂમિ પ્રવાસી કાયમ મન્ગાવતી અને તેના બધા લેખો વાચતી હતી અમેરિકા
  આવ્યા પછી ગુજરાતી વાચવાનુ બહુ ઓછુ મળેછે. હમણા સિનિયર સીટીઝનના કો. ક્લાસમા વેકેશનમા રવિવાર થી રવિવાર ના પાચ દિવસ ના ક્લાસ કરિને થોદુઘણુ કો. આવડયુ એટ્લે હવે રીડ ગુજરતી.કોમ ઉપર તમારા લેખ વાચવા મળેછે
  અને ઘણોજ આનન્દ થાયછે.

 22. Mayur says:

  બધા માણસો આ રિતે ઝાડ વાવે તો global warming નો question જ solve થૈ જાય્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.