ઓગણીસમો અધ્યાય – ગુણવંતરાય ભટ્ટ

[તાજેતરમાં પ્રકાશિત થયેલ ટૂંકીવાર્તાઓના પુસ્તક ‘લપસતી સડકો’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

વસુબહેને તેમના નાના બંગલામાં એક સુંદર દેવસ્થાન બનાવડાવ્યું હતું. સુપ્રભાતે સ્નાનાદિ પતાવીને ત્યાં બેસી પૂજા કરવાનો તેમનો નિત્યનિયમ હતો. દેવસ્થાનમાં રાખેલી ભગવાનની છબીઓ તે ત્યાં રાખેલા કપડાથી લૂછ્યા પછી કંકુના ચાંદલા કરવા, ઘીનો દીવો પ્રગટાવવો, અગરબત્તી કરવી અને તેના સાંનિધ્યમાં આસન પર બેસી ગાયત્રીની એક માળા જપવી. પછી ગીતાના પાઠના એક અધ્યાયનું વાચન કરવું. આ તેમની દેવપૂજા હતી.

પૂજામાંથી પરવારીને ઈશ્વરનામોચ્ચાર કરતાં ઊભા થતાં ધનવંતભાઈને સંભળાવતાં બોલ્યાં, ‘ગીતાપાઠ કર્યા પછી ગીતામાહાત્મય વાંચીએ નહિ તો ગીતા વાંચ્યાનું ફળ મળે નહિ. માહાત્મય તો વાંચવું જ જોઈએ.’ તેમણે ચશ્માં કાઢી ઘરામાં મૂકીને ટિપોઈ પર મૂક્યાં.
‘માહાત્મય તો વાંચવું જ જોઈએ, સાચી વાત છે.’ ખુરશીમાં બેસીને છાપું વાંચતા ધનવંતભાઈએ પ્રતિભાવ આપ્યો. પછી ઉમેર્યું, ‘ગીતા વાંચીએ તે પણ શ્રદ્ધાથી વાંચવી જોઈએ, તેમાંની કોઈ વાત ગળે ઊતરે તેવી ન હોય તો શંકા લાવવી જોઈએ નહિ. ભાવાર્થ સમજવા પ્રયત્ન કરવો જોઈએ. ગીતાનો એકેએક શબ્દ આપણને કાંઈકનું કાંઈક જ્ઞાન આપે છે. તે જ્ઞાન જીવનમાં ઉપયોગી થઈ પડે છે. શ્રદ્ધાથી વાંચીને સમજવું જોઈએ આપણે.’
‘દરરોજ વાંચતાં હોઈએ એટલે સમજીએ તો ખરાં જ ને. અને માહાત્મય વાંચીએ એટલે ફળ તો મળવાનું જ છે. પછી માણસને શું જોઈએ ? વસુબહેને તારણ કાઢ્યું. તે સામેના દીવાન પર બેઠાં.

‘આ “મળવું જોઈએ”ની વૃત્તિ છે ને, તેમાંથી જ નિરાશા જન્મે છે. બસ, કાંઈક હોય તો મેળવવાની વાત પહેલી. દરેક કાર્યમાં મળવાની ગણતરી માંડી જ દીધી હોય. નિરપેક્ષ ભાવે કોઈ કામ થાય જ નહિ ?’ ધનવંતભાઈએ છાપું નીચે મૂકી દીધું. વસુબહેનને કાંઈક કહેવાની તક મળી હોય તેવી સજ્જતાથી બોલ્યા :
‘સારું કે ખોટું કાંઈક ફળ તો આવે જ ને કામ કર્યું હોય તેનું ? સારું કામ કર્યું હોય તો સારું ફળ મળે અને ખોટું કર્યું હોય તો ખોટું મળે. કર્યાં તેવાં ભોગવવાનાં હોય. વાવો તેવું લણો.’ વસુબહેને તેમનું જ્ઞાન પ્રદર્શિત કર્યું.
‘મારું કહેવું સમજી નહિ તું. ફળ મળે ન મળે. કેવું મળે તે વાત જુદી છે, મહત્વ ફળની ઈચ્છાનું છે. ગીતા વર્ષોથી કહેતી આવી છે તે આ છે. મેં કહ્યું ને કે ઈચ્છાવૃત્તિમાંથી જ નિરાશા જન્મે છે. તું નથી સમજી હજુ મારી વાતનું હાર્દ. ગીતા શું કહે છે તે સમજ્યા વિના વાંચવાનો કાંઈ અર્થ ખરો ? હા, ઈશ્વર-સ્મરણ થાય, પરંતુ ગીતાનો ઉપદેશ સમજાય નહિ ત્યાં સુધી તેનું વાચન નિરર્થક રહે. માત્ર શબ્દાર્થ નથી કરવાનો, કેટકેટલી વાતો કહી જાય છે ગીતા ? કાયરતાને દૂર કરે છે, નિરાશાને ખંખેરી નાખે છે, મનોબળ વધારે છે, મનુષ્યની ફરજ પ્રત્યેનું ભાન કરાવે છે, અહિંસા ક્યારે નબળાઈ ગણાય અને હિંસા આચરવી ક્યારે જરૂરી છે તેવાં ગૂઢ રહસ્યો ગીતા સમજાવે છે. વિરોધાભાસી વિચારો ગીતા વ્યક્ત કરે છે અને તેનું સમાધાન કરે છે. તેમાંથી જેટલું મેળવો તેટલું ઓછું છે.’

‘હું રોજ એક અધ્યાય વાંચું છું. અઢારઅઢાર અધ્યાય મેં કેટલીય વાર વાંચ્યા.’
‘પણ….’ બોલીને ધનવંતભાઈ મુસ્કાયા.
‘શું પણ ? સાચું કહું છું. લગભગ મોઢે જેવા થઈ ગયા છે. પણ ગુજરાતીમાં હો. કેમ હસ્યા તમે ?’
‘જરૂર છે ઓગણીસમા અધ્યાયની !’
‘ઓગણીસમો ? ગીતાના અધ્યાય જ અઢારને બધા મળીને !’ આટલું કહ્યા પછી વસુબહેનને કાંઈક યાદ આવ્યું અને બોલ્યાં, ‘તન્વીનાં સાસુ કહેતાં હતાં કે વારેઘડીએ પિયર નહિ જવાનું. બોલો, મહિનામાં માંડ બે-ચાર વાર આવતી હશે બિચારી. ભાગ્યે જ રાત રોકાય તોય આવું બોલે. જોકે એ કહેતી હતી કે હમણાંહમણાં એમનો સ્વભાવ થોડો વિચિત્ર થઈ ગયો છે. સાસુપણું વધારે કરવા માંડ્યાં છે હમણાં.’
ધનવંતભાઈએ ગીતોપદેશ બાજુમાં મૂક્યો અને વાતોમાં જોડાયા : ‘કંઈ બન્યું હતું એવું ? તેમને નારાજ થવાનું કારણ આપણે આપવું નહિ. કોઈની ભલમનસાઈનો દુરુપયોગ ન કરવો.’
‘શું કર્યો દુરુપયોગ ? પિયરમાં ન આવે છોકરી ? તેય ક્યાં રોજ ઊઠીને આવે છે ? માણસની છોકરીઓ તો દિવસ ઊગે ને પિયર સામું મોં વાળે છે. તન્વીનું તો એવું નથી ને.’
‘તું માણસની છોકરીઓની વાત કરે છે તો શું આપણે માણસ નથી ?’
‘તમે હસવામાં કાઢી ન નાખો.’
‘તો શું કરું ?’
‘મારે જયાબહેનને એક વખત કહેવું છે કે આ ઠીક ન ગણાય. તમે જ્યારે ત્યારે તન્વીને ટોકો તે. કહેતાં હતાં કે ગામમાં પિયર ન હોત તો ક્યાં જાત ? આપણી પ્રણાલીને ક્યાં ગામમાં પિયર છે ? પણ બહાર જવાની એને નવાઈ છે ? સુલયનો દોસ્ત હોય કે પોતાની બહેનપણી હોય, પ્રણાલીને કાંઈક કારણ મળવું જોઈએ. મહિનામાં ત્રણચાર વખત તો જવા આવવાનું બને જ. એ તો ભલેને ફરતી પણ સુલયને સાથે લે. તેને બિચારાને રવિવારનો આરામ મળતો હોય તે પણ ન મળે. વિશદને ઘેર મૂકીને જવાની ઈચ્છા હોય છે એને, પણ મારે સાચવવો ન પડે ? કહું કે લઈ જા. એનેય હડદો લાગે. પછી કહે છે કે સાજોમાંદો રહે છે. પછી એનાં દવાદારૂ ચાલે. પોતાની દવા તો ભેગી ને ભેગી જ હો. કહે કે દાકતર બહુ સારા છે. સારા જ રહે ને. એમને તો ધંધો કરવાનો છે. દાકતર સલાહ આપે છે કે મન આનંદમાં રાખો. લો, અહીં શું દુઃખ છે તે આવી સલાહ આપતા હશે ? મારે આચાર્યભાઈને કહેવું છે કે તમે વળી વાંદરાને દર્પણ ક્યાં આપો છો ?’

‘એવું કહેતી નહિ આચાર્યને.’
‘ભલેને આચાર્ય દાકતર રહ્યા. પણ આપણો તો ઘરનો સંબંધ ને ?’
‘છતાં એવું ન કહેવાય. તો શું પ્રણાલીની તબિયત બરાબર નથી રહેતી ? બહુ દવા નહિ સારી.’
‘વગર સારી તબિયતે બધે ફરાતું હશે ? ખવાય છેય મજાનું. જમાનો જ એવો આવ્યો છે ને કે કાંઈ કહેવા જવું જ નથી રહ્યું. સુલય તો પ્રણાલીના બધા શબ્દો જાણે માથે ચઢાવે છે. અલ્યા, ભણતર ક્યાં ગયું તારું. કોઈક વખત કહેવાનું મન થઈ જાય છે કે જુદાં રહો, અહીં ભેગાં મન આનંદમાં રહેતું ન હોય અને તબિયતો ખરાબ રહેતી હોય તો. મેં તો એક વખત પ્રણાલીને કહી સંભળાવી દીધું હતું કે ખોરાક કરતાં દવાઓ તારા પેટમાં વધારે જતી હશે.’
‘ખોરાક નથી લેતી બરાબર ?’
‘લે છે. ખાસ્સો લે છે, પણ એમ જ કહેવાય ને. બહારના નાસ્તા નહિ કરવાના ? પછી ભૂખેય શું રહે. પછી ચટકી ગઈ. મને સામે થઈને કહે છે કે હું શોખની દવા નથી લેતી. જરૂર પડે લેવીય પડે. તમે આ ચૂર્ણને તે ચૂર્ણના બાટલા ભરીને રાખો છો અને ફાકડા મારો છો તે દવા નથી તો બીજું શું છે ?’
‘તને આવું કહ્યું ?’
‘હા, મેં તમને જાણીજોઈને વાત નહોતી કરી કે તમને દુઃખ થાય. તમારા મોઢે મીઠી છે પણ….’
‘એમ નહિ, સાચી પરિસ્થિતિ શું છે તેનો વિચાર કરવો જોઈએ.’
‘તો શું હું ખોટું બોલું છું ?’
‘સાચાખોટાની વાત નથી. તેનું મન…. તે લોકોનાં મન જુદાં પડી ન જાય તે અગત્યનું છે. હંમેશાં ‘પોઝિટિવ’ વિચાર કરવો.’
‘કેમ પોઝિટિવ ? સાચી વાત કહીએ તે કોઈને ન ગમે.’
‘સાચી તો સૌને ગમે, પરંતુ તે કહેવાની આપણી રીતમાં ક્યાંક ખામી હોય છે.’

‘જેવું માણસ તેવું કહેવું પડે. આ બબીબહેનનો જ દાખલો આપું. સ્વભાવનાં બહુ આકરાં. તેમની વહુને એવો ત્રાસ આપે છે ને….’
‘કયાં બબીબહેન ?’
‘સામેવાળાં. ફર્સ્ટ ફલોર પર રહે છે તે. વહુની દયા ખાઈને મેં તેમને એક દિવસ બે શબ્દો કહ્યા ત્યારનાં મારી સાથે બોલતાં નથી.’
‘તારે કહેવાની શી જરૂર પડી, ત્યાં ફર્સ્ટ ફલોર સુધી ?’
‘આ તો સાચી વાતની વાત કરું છું.’
‘તેથી તો કહું છું કે કહેવાની રીત પર બધો આધાર છે. પરિસ્થિતિની અનુકૂળતા જોવી પડે. દરેક ચીજની સીમા હોય છે.’
‘ના બોલે તો કાંઈ નહિ. હું ક્યાં એકલી બેઠી છું. પણ મારી વહુનાં વગોણાં કરે કે કાલ ઊઠીને તેને ચઢાવે તો…’
‘મગજ વધારે પડતું ફળદ્રુપ હોય તે પણ નહિ સારું. ગીતાને જીવનમાં ઉતારવાથી તો ઘણાં દૂષણો દૂર થઈ જાય.’
‘ગીતાની વાત સાચી પણ વાંચીએ તેટલું બધું થોડું અંદર ઊતરે છે ? પણ દુનિયામાં કેવું છે, જોયું ને. મને એની નવાઈ લાગે છે !’
‘દુનિયા એટલે શું ?’
‘દુનિયા એટલે દુનિયા. ભાતભાતના લોકો વસે એનું નામ દુનિયા.’
‘હં ત્યારે, તુંડે તુંડે મતિર્ભિન્ના.’

‘છે જ ને. કૃષ્ણાબહેનને ત્યાં મોટરગાડી આવી ત્યારથી એમની આંખો બોચીએ આવી ગઈ છે.’
‘કેમ, બોચીએ આંખો ?’
‘ત્યારનાં ઓળખતાં જ મટી ગયાં છે. એક દિવસ મોટરમાં અહીંથી નીકળ્યાં ત્યારે મને કહે કે આવવું છે બહાર ? મંદિરે જઈએ છીએ યોગેશ્વરના. જાણે એમને એકલાને જ મોટર ન હોય ! અને આપણે નવરાં હોઈએ તેમ એ કહે ત્યારે બેસી જઈએ તરત મોટરમાં.’
‘વિવેક કર્યો, તેમાં ખોટું શું કર્યું ? વિચાર આવ્યો હશે કે ત્યાંથી નીકળીએ અને પૂછતાં જઈએ. આવે તો કંપની રહેશે. આવું કેમ નથી વિચારતી ?’
‘કહેતાં’તાં તો ખરાં, કે ખાસ આ બાજુથી નીકળ્યાં.’
‘તો પછી ?’
‘હું તો સુલયને કહું છું કે તું મોટર લાવી દે ને. કંપની લોન આપે છે અને એલાવન્સ આપશે અને ન ફાવે તો પછી ક્યાં કાઢી નખાતી નથી. કૃષ્ણાબહેન જેવાની આંખ ઊઘડે.’
‘લાવે, આપણી ક્યાં ના છે.’
‘પ્રણાલી તો ઘણી વખત કહી સંભળાવે છે જેનેતેને કે મોટર તો લાવીએ પણ ખાસ જરૂર હોય તો ઠીક, ખોટો ખર્ચ વધારવાનો ને. એના મનમાં થોડું હુંપદ આવી ગયું છે કે તે મોટર લાવી શકે તેવો છે, પણ આ બધું કોને સંભળાવે છે ? કોને આભારી છે આ ? સુલય ભણ્યો ત્યારે ને. અમસ્તું ભણાયું છે ? આવી નોકરી ત્યારે મળી છે. ગાડી લાવ્યા પછી એ ભેગી રહે નહિ હો, મને ખાતરી છે. હું તો એની વાતને મન દેતી જ નથી. જુઓ, ફરવા નીકળી પડ્યાં છે તે ચાર દિવસે આવશે. હવે ગાડી લાવે તો બાકી રાખે કાંઈ પ્રણાલી ?’
‘એ તો ના કહે છે ગાડી લાવવાની. ખોટા ખર્ચા છે એમ તો કહે છે. જોકે સર્કલ એવું હોય તેથી લાવવી પણ પડે. દરેકમાં ખર્ચા ન જોવાના હોય. આમાં પ્રણાલીને નિંદવાનો કોઈ અર્થ ખરો ?’
‘આ ભદ્રકુમાર ઘણા સાદા હો.’
‘કેમ ?’
‘તેમની સ્થિતિ સારી ન ગણાય ?’
‘સારી છે. તે ?’
‘તન્વી કહીકહીને થાકી, પણ ગાડી લાવવાની વાત કરતા નથી. નહિ તો તેમને તો પાલવે અને શોભે એવું છે. એમની ઈચ્છા ન હોય પણ તન્વીને તો નાની ઉંમરે ગાડીમાં ફરવાનું મન થાય ને. ન લાવવા દેનાર એનાં સાસુ જ છે હો. કાંઈ ઓછા નથી એ.’

‘બસ, હવે ઘણું થયું. હું સનતભાઈને ત્યાં જઈ આવું જરા. તેમને થોડું કામ છે મારું.’
‘સનતભાઈને ત્યાં ? શું કામ છે એમને ?’
‘એક જગ્યાએ ભલામણ કરવા માટે સાથે જવાનું છે.’
‘જાવ ત્યારે, જલદી આવજો પાછા. આમ જુઓ તો…..’
‘શું ?’
‘આ તો વાત છે કે કામ એમનું અને સામે પગલે તમારે જવાનું ? વાંધો નહિ, જાવને. દોસ્ત છે ને તમારા તો.’ ધનવંતભાઈ ઝભ્ભો પહેરીને તૈયાર થયા અને વસુબહેને પૂછ્યું, ‘પેલા ઓગણીસમા અધ્યાયની શું વાત કરતા હતા ? એ તો રહી જ ગયું.’
ધનવંતભાઈ હસી પડ્યા પછી બોલ્યા, ‘અત્યાર સુધી ચાલ્યો તે.’
‘હં…. મને વળી થયું કે એ કયો અધ્યાય.’
‘અઢાર અધ્યાય ગમે તેટલી વખત વાંચ્યા હોય છતાં તેના પર મનન ન થાય, તેમાંથી સાર ગ્રહણ ન કરીએ ત્યાં સુધી તેનો અર્થ રહેતો નથી. મનુષ્યમાં અહમ, દ્વેષ, આળસ, કાયરતા, અશ્રદ્ધા, વાસના…. કેટલીય નબળાઈઓ રહેલી છે. આ દરેક માટે ગીતાના અઢાર અધ્યાયમાં કહેવાયેલું છે. પરંતુ આ અઢાર અધ્યાય વાંચ્યા પછી તેના ચિંતનરૂપે મનનપઠન ન થાય ત્યાં સુધી કાંઈ ગ્રહણ કરી શકાતું નથી. ગીતામાં રહેલા સારનો ઉપયોગ જીવનમાં કેવી રીતે કરવો તે ત્યારે સમજી શકાય જ્યારે વિચારરૂપી ઓગણીસમા અધ્યાયનું મનન કરવામાં આવે. મનની સાચી શાંતિ મેળવવાનું અમોઘ શસ્ત્ર છે આ ઓગણીસમો અધ્યાય !’ બોલીને ધનવંતભાઈ હસતા-હસતા ચંપલ પહેરીને ચાલી નીકળ્યા.

થોડા દિવસ પછી વસુબહેને પૂછ્યું : ‘સનતભાઈનું કામ પતી ગયું ?’
‘ના. હવે પતી જશે.’
‘ટેકો કરતા રહેજો હો બિચારાને. બે ધક્કા ખાવા પડે તોય ખાવા.’
વસુબહેનના હમણાંથી બદલાયેલા સ્વભાવ માટે ધનવંતભાઈને આશ્ચર્ય તો થતું હતું. તેમણે પૂછ્યું, ‘તારા વિચારોમાં હમણાંથી કાંઈ પરિવર્તન આવ્યું હોય તેવું નથી લાગતું ?’
‘શાનું પરિવર્તન ! છું તેવી જ છું.’ વસુબહેન સક્ષોભ બોલ્યાં.
‘મને એમ લાગે છે કે તેં ઓગણીસમો અધ્યાય વાંચવા માંડ્યો લાગે છે.’
વસુબહેને સ્મિત વેર્યું. ધનવંતભાઈ તેને પુરસ્કારતા હસી પડ્યા.

[કુલ પાન : 248. કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એરકન્ડિશન સોસાયટી – ગિરીશ ગણાત્રા
પ્રેમથી રહો – પ્રવીણભાઈ મહેતા ‘બાલપ્રેમી’ Next »   

15 પ્રતિભાવો : ઓગણીસમો અધ્યાય – ગુણવંતરાય ભટ્ટ

 1. Nidhi Shah says:

  ખુબ જ સુંદર લેખ !! “દરેક કાર્યમાં મળવાની ગણતરી માંડી જ દીધી હોય. નિરપેક્ષ ભાવે કોઈ કામ થાય જ નહિ ?” ખાસ કરીને આ બાબત વાચકોએ અહીં કોમેન્ટ કરતા પહેલા ધ્યાન રાખવા જેવી છે.

 2. સુંદર વાર્તા.

  વાંચવું સહેલું છે, પચાવવું અઘરું છે.

 3. Jigar Bhatt says:

  સાવ સાચી વાત…. સહુએ શીખવા – સમજવા જેવો છે આ ઓગણીસમો અધ્યાય

  Everyone has to get rid of from expectation & comparison for better life.

 4. nayan panchal says:

  એકદમ બોધપ્રદ વાર્તા.
  આજે મોટા ભાગનાની હાલત વસુબહેન જેવી છે. આપણે ક્રિયાકાંડોને જ ધર્મ સમજી બેઠા છે.

  પૂજા પાઠ, ભજન કે માત્ર થોથાં વાંચવાથી કંઈ ફળ નથી મળી જતુ. ફળની ચિંતાથી પ્રાર્થનાનો મૂળ હેતુ જ મરી જાય છે.

  મુંબઈમાં દર વર્ષે ગણપતિમાં લોકો લાલબાગચા રાજાની માનતાની લાઈનમાં ૨૪-૩૬ કલાક લાઈનમાં ઉભા રહે છે. કોઈ ધર્મસ્થાનનુ સત પ્રખ્યાત થઈ જાય તો લોકોના ટોળેટોળા ઊમટી પડશે.

  અગાઊ પણ એક લેખમાં કોમેન્ટ કરી હતી કે આપણે Religious નહીં પણ Spiritual બનવુ જોઈએ. ગીતા એક ઉત્તમ આધ્યાત્મિક પુસ્તક છે. ઓગણીસમો અધ્યાય આવી જ આધ્યાત્મિકતાથી ભરપૂર હોવો જોઈએ.

  ખૂબ આભાર,
  નયન

 5. Veena Dave. USA says:

  સરસ સરસ.
  પભુકૃપાથી આપણા મનમાં ઓગણીસમો અધ્યાય લખાય્ , વંચાય અને જીવનમાં ઉતારાય એવી પ્રાથૅના કરીએ.
  દરેક સાસુ પોતાના વરે પોતાને માથે ચડાવી છે એવુ કેમ નહિ વિચારતી હોય ?

 6. Hetal says:

  too good…Once again i’ll try to implement in real life. May be it will last for only couple days but hopefully, my trying again and again will make it last lifetime. Its very very hard to live with that understanding but it is not impossible. Thank you for reminding me how I should be living my life.

 7. વસુબેનને ફ્ળ્યો તેવો ઓગણીસમો અધ્યાય દરેકને ફળે.
  શરુઆત મારાથી થાય.
  આભાર.
  વ્રજ દવે

 8. Pravin V. Patel [USA] says:

  સીધી સાદી વાસ્તવિક વાત.
  કહેવા કહેવાની રીત જુદી. એમાંજ ગેરસમજના ગોટા ગબડે છે. વાતનું વતેસર થાય છે.
  મહાભારત સર્જાય છે.
  કહેનાર અને સાંભળનાર બન્નેની ધીરજની કસોટી છે.
  લેખકશ્રીએ વાસ્તવિકતા હળવી રીતે રજુ કરી સહુને વિચારતા કરી દીધા છે.
  એજ એમની સફળતા.
  અભિનંદન અને આભાર.

 9. MARDAV VAIYATA says:

  આ વાર્તા વાચી ને ખરેખર લાગે છે કે દરેક વ્યકિતી એ જીવન મા શ્રિ ગીતાજી ના ૧૮ અધ્યાય વાન્ચ્યા બાદ ૧૮ મો અધ્યાય હમેશા જિવન મા ઉત્તારવો જોઇએ.

  આભાર અને અભિનન્દન શ્રિ ગુણવન્તભાઈ ભટ્ટ ને.

 10. MARDAV VAIYATA says:

  આ વાર્તા વાચી ને ખરેખર લાગે છે કે દરેક વ્યકિતી એ જીવન મા શ્રિ ગીતાજી ના ૧૮ અધ્યાય વાન્ચ્યા બાદ ૧૯ મો અધ્યાય હમેશા જિવન મા ઉત્તારવો જોઇએ.

  આભાર અને અભિનન્દન શ્રિ ગુણવન્તભાઈ ભટ્ટ ને.

 11. Deval Nakshiwala says:

  આજકાલ ઘણા ઘરડા માણસો આખો દિવસ પ્રભુ-સ્મરણ કરે છે છ્તા લોકોની કુથલી કરવાનું છોડતા નથી. તેઓને ગીતા કે રામાયણ લગભગ કંઠસ્થ હોવા છતાં તેનો ભાવાર્થ સમજીને પોતાના જીવનમાં તેનો અમલ કરવાનું વિચારતા નથી.

 12. Vaishali Maheshwari says:

  Very inspiring story. We should not just read or do something just for the sake of reading or doing, but we should actually try to grasp the real essence of it. Thank you Mr. Gunvantray Bhatt for this beautiful story with a deep moral.

 13. tilumati says:

  આ ૧૯મો અધ્‍યાય જીવનમાં ઉતારવા જેવો છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.