પ્રેમથી રહો – પ્રવીણભાઈ મહેતા ‘બાલપ્રેમી’

[ રીડગુજરાતીને આ બાળવાર્તા મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર.]

એક વિશાળ જંગલમાં કરસન બાવા સુંદર ઝૂંપડી બનાવીને રહેતા હતા. ઝૂંપડીની ચોતરફ ઊંચા ઊંચા ઝાડો હતાં ને નજીકમાં નાના બગીચામાં જાતજાતનાં રંગબેરંગી ફૂલો ખીલ્યા હતાં. વાતાવરણ સુગંધભર્યું હતું. થોડે દૂર એક સુંદર સરોવર હતું. એક ઝાડ ઉપર ચકલી માળો બાંધતી હતી, અને એ જ ઝાડ નીચે બખોલમાં ઘર બનાવી એક બતક રહેતું હતું.

એકવાર બતકભાઈને સરોવરમાં તરતાં તરતાં ઝાડ ઉપર આરામથી બેઠેલી ચકલીબેનને પૂછ્યું : ‘ચકલીબેન, અરે ! ચકલીબેન, તમે મારી જેમ સરોવરમાં તરી શકો ? જુઓ, હું કેવો મઝાથી તરું છું. જે સરોવરમાં તરી શકે તે મોટા ! તમને તો પાણીમાં તરતાંય નથી આવડતું !’
ત્યાં તો ચકલીબેન તુરત જ બોલ્યાં : ‘બતકભાઈ ! પણ હું તો આકાશમાં ઊંચે ઊંચે ઊડી શકું છું. તમે ઊડી શકો છો ? જે આકાશમાં ઊંચે ઊંચે ઊડી શકે તે મોટા ! માટે હું મોટી !’ આમ બંને ઝઘડી પડ્યાં !

એ વખતે ઝાડ પાછળ સંતાઈને આ ઝઘડો એક લુચ્ચું શિયાળ સાંભળી રહ્યું હતું. તે ધીમેથી બહાર આવ્યું ને બોલ્યું, ‘અરે, અરે ! તમે શા માટે ઝઘડો છો ? ચાલો, હું તમારો ન્યાય કરી આપું કે તમારામાંથી કોણ મોટું ?’ શિયાળને આમ અચાનક આવેલું જોઈ બતકભાઈ ગભરાઈ ગયા ને ચકલી મૂંઝાઈ ગઈ ! અરે, આ ક્યાંથી ટપકી પડ્યું ? શિયાળ ભારે લુચ્ચું હતું. કહે, ‘મારાથી શા માટે ડરો છો ? હું તો તમારો ન્યાય કરવા આવ્યો છું. તમો બંને પથ્થર ઉપર બેસી જાવ. હું હમણાં તમારો ન્યાય કરી આપું છું.’

ચકલીબેન, બતકભાઈ બંને ધીમેથી પથ્થર ઉપર બેસી ગયાં. આ બધું બાજુના ઝૂંપડામાંથી કરસન બાવા જોતા હતા. તેને થયું, નક્કી આ લુચ્ચું શિયાળ આ બંનેને એક પછી એક ખાઈ જશે ! મારે બંનેને બચાવવાં જોઈએ. તેઓ પછી દોરડું લઈ ધીમેથી બાજુના ઝાડ ઉપર ચઢી ગયા અને દોરડાનો ગાળિયો બનાવી, શિયાળ શું કરે છે તે જોવા ત્યાં બેઠા. શિયાળ બોલ્યું : ‘જુઓ, તમારે આંખો બંધ કરીને મારી સાથે ભગવાનને પ્રાર્થના કરવાની છે. હું પ્રાર્થના દરમિયાન ભગવાનને પૂછીશ કે તમારામાંથી મોટું કોણ છે ? ને ભગવાન શું કહે છે તે તમને પછી કહીશ. જો જો પ્રાર્થના સાચા હૃદયથી, આંખો બરાબર બંધ કરીને કરવાની છે.’ કરસન બાવા પ્રાણીભાષા જાણતા હતા. તે સમજી ગયા કે બંને જેવી આંખો બંધ કરી પ્રાર્થના કરવા લાગશે કે શિયાળ ધીમેથી બંનેને એક પછી એક ખાઈ જશે. શિયાળની લુચ્ચાઈ હું જાણું છું. શિયાળ એટલે લુચ્ચાઈનો સરદાર !

થોડીવારે ચકલીબેને અને બતકભાઈએ પોતાની આંખો બરાબર બંધ કરી, પ્રાર્થના શરૂ કરી. હવે શિયાળભાઈએ પોતાની એક આંખ ધીમેથી ખોલીને જોયું કે બંને પ્રાર્થના કરી રહ્યાં છે. તે સાવચેતીથી તેમની તરફ સરક્યું ને જેવું કૂદકો મારી બતકભાઈને પકડવા ગયું ત્યાં જ કરસનબાવાએ ઝાડ પરથી દોરડાનો ગાળિયો શિયાળના ગળામાં ભેરવી દીધો ! શિયાળભાઈનું ગળું આ ગાળિયામાં પકડાતાં, દબાતાં તે ચીસ પાડી ઊઠ્યું ! તેનો શ્વાસ રુંધાવા લાગ્યો ! આ ચીસ સાંભળી બતકભાઈ ને ચકલીબેનની આંખો પટ કરતી ખુલી ગઈ ! બંનેએ જોયું કે શિયાળભાઈના ગળામાં દોરડું ગોઠવાઈ ગયું છે ને તે તેમાંથી છૂટવા ફાંફાં મારે છે !

ત્યાં તો કરસન બાવા ઝાડ ઉપરથી ઉતર્યા અને બંનેને કહે, ‘આ શિયાળભાઈએ તમને બંનેને ખાઈ જવા યુક્તિ રચી હતી !’ તેમણે બધી વાત તેમને સમજાવી ! ચકીબેન અને બતકભાઈ કરસનબાવાએ તેઓનો જાન બચાવ્યો તે બદલ તેમણે તેમનો ખૂબ આભાર માન્યો. હવે કરસન બાવા શિયાળભાઈ પાસે આવ્યા ને બોલ્યાં : ‘જંગલમાં બધાં સાથે રહેવું ને લુચ્ચાઈ કરી બીજાને ખાઈ જવા તે બરાબર નહીં ! આપણે બધાં પડોશી છીએ. એકબીજાને મદદ કરીએ-પ્રેમથી રહીએ-સુખશાંતિથી રહીએ. તને મારી વાત કબૂલ હોય તો હું તને છોડું, નહીં તો અહીં પડ્યું પડ્યું એકલું એકલું ભૂખે-તરસે મરી જઈશ, અને તે તેનું ફળ હશે ! હું તને ઝાડ સાથે જ બાંધી દઈશ !’
ચકલીબેન બોલ્યાં : ‘શિયાળભાઈ, આપણે બધાં પડોશી છીએ.’
બતકભાઈ બોલ્યાં : ‘આપણે તો મિત્ર બનીને રહેવું જોઈએ.’

બધાંની વાત સાંભળી શિયાળભાઈને પોતાની ભૂલ સમજાઈ. તેણે બધાંની માફી માગી. ભવિષ્યમાં આવું ખોટું કામ ન કરવાની પ્રતિજ્ઞા લીધી. બધાં પાછાં સુખશાંતિથી કરસન બાવા સાથે રહેવા લાગ્યાં. કરસન બાવા રોજ રોજ આ પ્રાણીઓને સારી-સુંદર વાતો કરે છે. પ્રભુ પ્રાર્થના કરાવે ને બધાં પ્રેમથી રહે, કોઈને દુઃખ ના દો. પ્રભુ તેમાં રાજી તેથી આપણે પણ રાજી રાજી !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઓગણીસમો અધ્યાય – ગુણવંતરાય ભટ્ટ
મારે સ્કૂલે જવું નથી – ડૉ. વીરબાળા ર. ઉમરાજવાલા Next »   

5 પ્રતિભાવો : પ્રેમથી રહો – પ્રવીણભાઈ મહેતા ‘બાલપ્રેમી’

 1. પ્રેમથી રહો, આમતો બાળવાર્તા છે પણ સંપ ત્યાં જંપ નું સુત્ર આપી જાય છે.
  આભાર.
  વ્રજ દવે

 2. Dipti Trivedi says:

  શિયાળ અને કાગડો બહુ જાણીતી વાત છે. આ શિયાળની લુચ્ચાઈની નવી વાર્તાવાંચવા મળી. વળી એમાં સુંદર બોધ છે. આપણે જે કરીએ છીએ તેમા શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરીએ તો ઘણું, એને બદલે બીજાથી ચઢિયાતા સાબિત થવા જઈએ પછી બધી સમસ્યા શરુ થાય છે.

 3. arpit says:

  આ વાર્તા સુંદર છે.મને વાર્તા વાચવિ ગમે છે.

 4. PAYAL says:

  prem thi rahevanu sutra j jivan ne sarthak banave che…..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.