મારે સ્કૂલે જવું નથી – ડૉ. વીરબાળા ર. ઉમરાજવાલા

[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.]

વેકેશનમાં છોકરાઓ રોકટોક વિના હર્યાફર્યા હોય, રમ્યા હોય, ખેલ્યા હોય, વિવિધ વાનગીઓ આરોગી હોય, મજા માણી હોય, કોઈ બંધન નહીં અને કશી ચિંતા નહીં. પણ વેકેશન પૂરું થવા આવે એટલે એમના મનમાં ચિંતા સવાર થઈ જાય છે. વળી પાછી એ જ રોજિંદી રફતાર શરૂ થવાની. નવો અભ્યાસક્રમ, હોમવર્ક, પ્રોજેકટ-વર્ક બધું જ પાછું ચાલુ થવાનું. સમય નહિ મળે. ના મિત્રોની સાથે ગપસપ થાય કે ના મિત્રો સાથે રમત રમાય.

નીરવે મમ્મી આગળ હૈયાવરાળ કાઢતાં કહ્યું : ‘મમ્મી….! ઓ મમ્મી….. મારી હજી બે ચોપડીઓ લાવવાની બાકી છે. જે ચોપડીઓ આવી ગઈ છે તેને પૂંઠાં ચઢાવવાનાં બાકી છે. આલેખની મમ્મીએ તો કેટલાય દિવસોથી પુસ્તકોને પૂંઠાં ચઢાવીને વ્યવસ્થિત કરી દીધાં. વળી યુનિફોર્મ, બૂટ, બેગ વગેરે પણ નવાં લઈ આવ્યાં… આલેખને તો શાંતિ થઈ ગઈ. કોઈ ચિંતા નથી. પણ મને તો નવી સ્કૂલમાં જવાની ખૂબ બીક લાગે છે. મને થાય છે કે હું એ નવી સ્કૂલમાં જાઉ જ ના…..’ આ મૂંઝવણ માત્ર નીરવની નથી. કેટલાયે વિદ્યાર્થીઓની છે. ‘નવી સ્કૂલ કેવી હશે ? નવો વર્ગ કેવો હશે ? નવા ટીચર કેવાં હશે ? ગયા વર્ષના ટીચર જેવા કડક તો નહીં હોય ને ? જૂના ભાઈબંધો પાછા કલાસમાં ભેગા મળશે કે નહીં ? નવા વર્ષનો કોર્સ કેવો હશે ? બહુ અઘરો તો નહીં હોય ને ? છોકરાઓ મને સ્વીકારશે કે નહીં ?

પહેલાંના સમયમાં તો માબાપ બાળકને પહેલા ધોરણમાં એક સ્કૂલમાં દાખલ કરે એટલે બારમા સુધી ત્યાં જ ભણે. કોઈ ચિંતા નહીં. પરંતુ આજે તો માબાપ છાશવારે સ્કૂલો બદલાવે છે. સારી સ્કૂલમાં બાળકને દાખલ કર્યો હોય છતાં બીજી સ્કૂલનાં વખાણ સાંભળે તો એમાં બાળકને મૂકવા માટે માબાપ આકાશ ને ધરતી એક કરે છે. ‘ડોનેશન આપીને પણ છોકરાને હવે આ નવી સ્કૂલમાં જ દાખલ કરવો છે. પૈસાથી શું નથી થતું ? આપણે વળી ક્યાં બે-પાંચ છોકરાં છે ?’ છોકરાના ભવિષ્ય આગળ પૈસાનો વિચાર માબાપ કરતાં નથી. સ્કૂલની ભારે ફી ભરવા માટે પૈસાની સગવડ ના હોય તો બેંકમાંથી લોન લઈને પણ માબાપ સારી સ્કૂલમાં છોકરાને ભણાવવાનો આગ્રહ રાખે છે. પરંતુ વારંવાર સ્કૂલ બદલવાથી બાળકના મનમાં અસલામતી ઊભી થાય છે, એનો વિચાર માબાપ ક્યારેય કરે છે ખરાં ? નવું વાતાવરણ બાળકના મનમાં અજંપો અને મૂંઝવણો ઊભાં કરે છે, જે એના વિકાસમાં એક બહુ મોટો અવરોધ ઊભો કરે છે. વારંવાર સ્કૂલ બદલવાથી બાળકમાં આત્મીયતાની ભાવાના જ નષ્ટ થઈ જાય છે. આ મારી સ્કૂલ, મારા શિક્ષકો, મારા મિત્રો – એ ભાવના જ પેદા ના થાય તો બાળકને ત્યાં રોજના છ-છ કલાક ભણવાનું ક્યાંથી ફાવે ? પછી એ બાળક સારી રીતે ભણી શકે ખરો ? માબાપ ફરિયાદ કરે કે, ‘આવી સરસ સ્કૂલમાં ડોનેશન આપીને મહાપરાણે એડમીશન લીધું છે. આટલી ભારે ફી ભરીએ છીએ તો પણ છોકરાના ભણવામાં બરકત આવતી નથી.’

પોતાનાં સંતાનની પ્રગતિ અને કારકિર્દી માટે માબાપ મહત્વાકાંક્ષી બને તેમાં કાંઈ જ ખોટું નથી. આજની આ કારમી મોંઘવારી અને સ્પર્ધાના જમાનામાં બાળક છે એના કરતાં કંઈક આગળ અને આગળ વધતો રહે એવી મથામણ માબાપ કરે એ સ્વાભાવિક છે. પરિણામે, રેસિડેન્સીઅલ સ્કૂલ કે હોસ્ટેલમાં મૂકવાનું પણ માબાપ વિચારે છે. પરંતુ આ બધાંની કુમળાં બાળકોના મન ઉપર શી અસર થાય છે તેનો વિચાર માબાપ તરીકે કરતાં નથી. બાળક નવા વાતાવરણમાં માંડ ગોઠવાતું હોય ત્યાં સિદ્ધિ-સફળતાની તો વાત જ ક્યાં કરવી ? ખરેખર તો માબાપે બાળકને નવા વાતાવરણ માટે તૈયાર કરવાં જોઈએ. નવા મિત્રો, નવા શિક્ષકો, નવાં પુસ્તકો-ભણવાની કેવી મજા આવશે એ ખ્યાલ બાળકના મનમાં આવવો જોઈએ. બાળકનું દફતર, યુનિફોર્મ, નોટો, ચોપડીઓ વગેરે સમયસર તૈયાર કરી દેવાં જોઈએ. સ્કૂલના સમયે દોડાદોડી નહીં. ખાસ કરીને માતાએ આ તૈયારીમાં સંતાનને પૂરેપૂરો સાથ અને સહકાર આપવો જોઈએ. સંતાનોને પ્રોજેક્ટ-વર્ક અને એસાઈન્મેન્ટમાં મદદ કરવી જોઈએ તો બાળક કામ સારું કરી શકે. માતાએ આ જવાબદારીનો ખ્યાલ રાખવો જોઈએ.

માબાપે નવી સ્કૂલ, નવા શિક્ષક, નવા મિત્રો માટે હકારાત્મક છાપ સંતાનના મનમાં ઊભી કરવી જોઈએ. શિક્ષિત માબાપ પણ કે.જી.ના એડમિશન માટે ઑફિસમાં બાળકને લઈને આવે ને બાળક ક્યાંક અડે તો કહે છે : ‘જો આ ટીચર છે. તને મારશે.’ આપણા સમાજમાં છોકરીને નાનપણથી જ ‘સાસરામાં સાસુ લડશે.’ની બીક અને બાળકને નાનપણથી જ ‘ટીચર લડશે’ની બીક ઠસાવીએ છીએ, જે બાળકના મન ઉપર માઠી અસર ઊભી કરે છે. આના બદલે બાળકના મગજમાં એવો વિશ્વાસ ઊભો કરવો પડે કે શિક્ષક તેને ખૂબ જ ચાહે છે અને જરૂર પડે ત્યારે મદદ કરશે. અહીં કશું ભય જેવું નથી. જરૂર લાગશે તો માને પણ તરત જ બોલાવી લેવાશે. આમ, બાળકને જરા પણ અસલામતી ના લાગવા દેવી જોઈએ. નાનાં બાળકો સ્કૂલે જતાં રડે છે. તેની પાછળનું આ જ કારણ છે. ‘માને છોડીને સ્કૂલમાં જઈશ…. તો ત્યાં મા મળે નહીં તો મારું શું થશે ?’ આ વિચારથી બાળક મૂંઝાય છે. એટલે માતાએ ઘરનાં સૌ કામ પડતાં મૂકીને બાળક સ્કૂલે જાય ત્યાં સુધી એને કંપની આપવી જોઈએ. ‘Child should be the priority of your life after you become a mother.’

માબાપે બાળકને સારામાં સારું શિક્ષણ મળે એ ભાવના રાખીને સ્કૂલો વારંવાર બદલવી જોઈએ નહીં. કમળ કાદવમાં ખીલે છે. જેનામાં કંઈક સત્વ છે તે તો એની મેળે જ ઊગી નીકળશે. નવા નવા પ્રયોગો કરવા કરતાં બાળક શાંતિથી ભણે, ચિંતામુક્ત થઈને ભણે એ જોવાની માબાપની ફરજ છે. તો જ બાળક હોંશે હોંશે સ્કૂલમાં જશે અને હસતો હસતો ઘેર પાછો આવશે. માબાપે સલામતીની ભાવના બાળકના મનમાં દ્રઢ કરવી જોઈએ. તેથી ખાસ કરીને માતાએ બાળક સ્કૂલે જાય ત્યાં સુધી તેની સાથે હળીભળી જવું જોઈએ. અને એની શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિઓમાં રસપૂર્વક ભાગ લેવો જોઈએ. તો, બાળક નિશ્ચિંત બની જશે. ‘પહેલાં બાળક… પછી કામ….’ – એને માતાએ મંત્ર બનાવીને ચાલવું જોઈએ. બાળક શારીરિક અને માનસિક મજબૂત થાય એ જરૂરી છે. શારીરિક અને માનસિક રીતે જેનો વિકાસ થયો છે એ બાળક નવા વાતાવરણને, નવા શિક્ષકોને કે નવા મિત્રોને સહેલાઈથી અપનાવી શકે છે. એને સ્કૂલ માટે લગાવ થશે. સ્કૂલે જવાનું એને મન થશે. પછી એ નહીં કહે કે ‘મારે સ્કૂલે જવું નથી.’

નવી સ્કૂલમાં જવાનું શરૂ કરે તે પહેલાં જ એ સ્કૂલનો પ્રાથમિક પરિચય બાળકને કરાવવો જોઈએ. એ સ્કૂલનો સમય, વર્ગ, વ્યવસ્થા, શિસ્તના નિયમો, પાઠ્યપુસ્તકો, રમતગમત, પુસ્તકાલય, ઈતર પ્રવૃત્તિઓ વગેરેથી માહિતગાર કરવા એ શાળામાં એને બે-ચાર વાર લઈ જવો જોઈએ.
[1] શાળાના શિક્ષકોને મળીને એમની સાથે વાતચીત કરવી જોઈએ.
[2] શાળાના સમગ્ર વાતાવરણથી બાળક પરિચિત થાય તે માટે માબાપે બાળકને શાળા જોવા પણ લઈ જવા જોઈએ.
[3] શાળામાં કઈ રીતે જવાનું છે અને કઈ રીતે આવવાનું છે – તેનો ખ્યાલ માબાપે બાળકને આપવો. જાહેર બસ, સ્કૂલ બસ, રિક્ષા વગેરે વાહનોના માર્ગ અને બસસ્ટોપ વગેરેથી માહિતગાર કરવો જોઈએ.
[4] પોતાના ઘરની આસપાસની શાળામાં અભ્યાસ કરતાં બાળકો હોય તો તેનો પરિચય પણ પોતાના બાળકને કરાવવો.

આનો અર્થ એ થયો કે ફક્ત ડોનેશન આપીને એડમીશન લેવાથી કે ભારે ફી હોય તેવી શાળામાં દાખલ કરવાથી બાળકનો વિકાસ થશે જ એમ માનીને માબાપથી હાથ જોડીને બેસી રહેવાય નહિ. બાળકને માટે સમય આપો, એ જ તમારી ભવિષ્યની મૂડી છે. પરંતુ આપણે ક્યારેક નકારાત્મક સૂચનો જ આપ્યા કરીએ છીએ. તેથી બાળક વધારે ગભરાઈ જાય છે.
‘જો, તું હવે બહુ પ્રખ્યાત સ્કૂલમાં ભણવા જવાનો છું. તો તું ત્યાં સરખો રહેજે.’
‘કોઈ છોકરા સાથે મારામારી કરતો નહીં.’
‘આ સ્કૂલમાં સારા ઘરના છોકરાઓ આવે છે. માટે લઘરવઘર જવાય નહીં.’
‘અહીં કડક શિસ્ત છે. તું નિયમનો ભંગ કરશે તો અમે તને છોડાવવા નહીં આવીએ.’
‘અમે તારા ભલા માટે જેમ તેમ કરીને આટલી ભારે ફી ભરાવાની તૈયારી કરી છે. તો તું ભણવામાં ધ્યાન રાખજે.’ – આવી કેટલીયે સૂચનાઓનો ઢગલો બાળક સમક્ષ આપણે ખડો કરી દઈએ છીએ. પરિણામે બાળક જતાં પહેલાં જ મનમાં મૂંઝાય છે. માટે શાળા અંગેની હકારાત્મક વાતો જ બાળક સમક્ષ રજૂ કરવી જોઈએ, જેવી કે :
‘આવી સરસ સ્કૂલમાં તને ભણવાનું મળ્યું તે આપણું નસીબ કહેવાય.’
‘શાળાનું મકાન, વર્ગખંડો, રમતનું મેદાન વગેરે ખૂબ સરસ છે. તને ભણવાની મજા આવશે.’
‘શાળાની શિસ્તનું બધા વિદ્યાર્થીઓ પાલન કરે છે. તેથી હિંસાત્મક પ્રવૃત્તિ કે અનિયમિતતા તને જોવા જ મળે નહિ.
‘નવી નવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું મળશે.’
‘હોંશિયાર છોકરાઓ સાથે ભણવાની તક મળશે.’
‘અનુભવી આચાર્ય અને શિક્ષકોનો તને સંપર્ક થશે.’
‘સ્કૂલમાં ભણી ગયેલ સારી નામાંકિત વ્યક્તિઓ વિશે જાણવાનું મળશે.’ – આમ સ્કૂલ વિશે બાળકના મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન કરવી જોઈએ. એ સ્કૂલમાં ભણવા જવાથી થતા ફાયદા વિશે એના મનમાં વિચારો દઢ થશે, અને ‘મને અહીં નહીં ફાવે’ ‘મને અહીં નહીં ગમે’ એવા વિચારો-પૂર્વગ્રહો એના મનમાંથી નીકળી જશે.

મોટાં મોટાં શહેરોમાં તો નવી નવી શાળાઓ ખૂલતી જ જાય છે. શિક્ષણનો ધીકતો વ્યાપાર શરૂ થઈ ગયો છે. માબાપને બાળકની કારકિર્દી વિશે અધિરાઈ આવતી જાય છે. પરિણામે, એ પૈસાની સામે જોતા નથી અને સારામાં સારી શાળામાં બાળકને મોકલવા તૈયાર થઈ જાય છે. દેખા-દેખીથી પ્રેરાઈને પણ માબાપ આવું પગલું ભરે છે. પરંતુ માસૂમ બાળક એમાં પિસાઈ ના જાય તે જોવું જોઈએ. માબાપે એટલું તો યાદ રાખવું જ જોઈએ કે ‘School should be the second home for the child’ બાળક માટે શાળા એ બીજું ઘર બનવી જોઈએ. ઘરના જેવી પ્રસન્નતા અને આનંદકિલ્લોલ બાળકને શાળામાં મળે તો શાળા પ્રત્યેનો એનો અણગમો દૂર થશે અને એ બાળક જ કહેશે કે ‘મા, થોડી ઉતાવળ કર, મને સ્કૂલમાં જવાનું મોડું થાય છે.’ , ‘મને તો સ્કૂલમાં બહુ મજા પડે છે. તું ચિંતા કરીશ નહિ.’, ‘મા મારે સ્કૂલમાં જવું છે…’

ટૂંકમા, માબાપે બાળકની નાનામાં નાની વાતને ધ્યાનમાં રાખીને, બાળકની મુશ્કેલીનો ઉકેલ લાવવા તત્પર રહેવું જોઈએ. સમજુ માબાપે બાળકના મનમાંથી બીક કાઢી નાંખવી જોઈએ અને નવી સ્કૂલ માટે એને પ્રેમથી તૈયાર કરવો જોઈએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રેમથી રહો – પ્રવીણભાઈ મહેતા ‘બાલપ્રેમી’
ચોમાસું – ભૂપેન્દ્ર શેઠ ‘નીલમ’ Next »   

5 પ્રતિભાવો : મારે સ્કૂલે જવું નથી – ડૉ. વીરબાળા ર. ઉમરાજવાલા

 1. અશોક જાની 'આનંદ' says:

  પ્રાથમિક શાળાના વિદયાર્થીના માતા-પિતાને આ લેખમાંથી ઘણુ જાણવા મળશે.

 2. Ritu says:

  આજે ભણવા માટે એટલો હાઉ ગણાય છે કે કેટલાંક મા બાપ તો બાળકને રમવા જવા દેવાનાં બદલે કલાસીસમાં મુકી દેતા હોય છે તેમાં તેનું બાળપણ ક્યા નીકળી જાય તે બાળક્ને જ ખબર હોતી નથી. બાળક ભણતર વચ્ચે પોતાનું બાળપણ ગુમાવી બેસે છે.

 3. Jagruti Vaghela USA says:

  ખૂબજ સરસ દરેક માબાપે જેમના બાળકો સ્કૂલમા હોય તેઓએ સમજવા જેવો આ લેખ છે.

 4. Hitesh Mehta says:

  આજ ના સમયમા દરેક મા બાપ દેખા દેખી મા પોતના સન્તાન માટે કઈ કરતા નથી પણ પોતનુ સન્તાન સારી સકુલ મા ભણે
  ચે તેવી મોટાઈ દેખાડ્વા શાળા નો ફેરફાર કરી પોતાના સન્તાન્ નુ ભવિશ્ય બગાડે

 5. tamanna says:

  આ લેખ ખરેખર દરેક મ-બાપે સમજવા જેવો ૬એ….આજનેી ઉગતિ પએધિ ને ત્.વ્ નુ ગ્નન ૬એ પન પુસ્તકો વન્ચવ કોઇ ને ગમ્ત નથિ..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.