એક હતો ‘અ’…. – અભય દેસાઈ

[વાર્તાલેખનમાં એક પ્રકાર એવો છે જેમાં સર્જક વાચકની સામે જાણે કે એક ચિત્ર મૂકી આપે છે. વાર્તામાં કશું જ સીધું કે સ્પષ્ટ કહેવામાં આવતું નથી (પિપલી [લાઈવ]ની જેમ). તેના પ્રસંગોનું અર્થઘટન વાચકે જાતે કરવાનું રહે છે. પાત્રોના મનોભાવની લિપિ વાચકે જાતે ઉકેલવી પડે છે. જેને તે લિપિ સમજાતી નથી તેને વાર્તા અધૂરી લાગે છે. ઘણીવાર એકથી વધુ વાર વાંચવામાં આવે ત્યારે આ સ્તરની વાર્તાઓનો સંદેશ સ્પષ્ટ થતો હોય છે. સૈદ્ધાંતિક રીતે આ રીતની વાર્તાઓ લખવી કઠીન છે. રીડગુજરાતી વાર્તા-સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલી પ્રસ્તુત વાર્તા એ પ્રકારની છે. ‘ગુજરાતી નવલકથામાં પાત્ર નિરૂપણ’ વિષય પર જેમણે પી.એચ.ડી. કર્યું છે તેવા સ્પર્ધાના નિર્ણાયકો પૈકી શ્રી રમેશભાઈ દવે એ જણાવ્યું હતું કે ‘આ વાર્તાનો પટ બહુ વિશાળ છે. તે વ્યક્તિના સમગ્ર જીવનને આવરી લે છે. એથી વાર્તાકારે એમાં ‘દશ્ય’ પદ્ધતિથી લખવાની રીત અજમાવી છે. કારણ કે એ રીતે લખવાથી લેખક ‘સ્થળ’ અને ‘સમય’ દર્શાવીને લાંબા વર્ણનોમાંથી વાર્તાને બચાવી લે છે. જેમ કે ‘સ્થળ : લીલોછમ બગીચો, સમય : સાંજ’ એમ લખ્યા પછી એ સાંજનું વર્ણન કરવાનું રહેતું નથી. આ રીતે આ વાર્તામાં ‘ટૂંકીવાર્તા’ અને ‘એકાંકી’ એમ બંને સાહિત્યપ્રકારોનું મિશ્રણ થાય છે. વળી, વાર્તામાં કોઈ એક પાત્ર સાથે અમુક ઘટના ઘટે છે એવું લેખકને બતાવવું નથી. લેખકનો ઉદ્દેશ છે કે આ સર્વસામાન્ય ઘટનાઓ દરેકના જીવનમાં ઘટે છે. તેથી તેણે પાત્રનું નામ પણ રાખ્યું નથી. ‘અ’નામના પાત્રમાં દરેકને પોતાનું પ્રતિબિંબ દેખાય છે.’ વાર્તાના સર્જક શ્રી અભયભાઈએ જણાવ્યું છે કે : ‘આ વાર્તામાં મેં એક મધ્યમવર્ગના માનવીનો ચિતાર રજૂ કર્યો છે. સમય અને સંજોગો પ્રમાણે તેના વિચારો અને હાવભાવ કેવા બદલાતા રહે છે તેના આ દશ્યો છે. જૂની પેઢી અને નવી પેઢી વચ્ચે તે કેવો ભીંસાય છે તેનું આ આલેખન છે. વળી, એક સમયે માતા તેના જીવનમાંથી વિદાય લે છે, બીજી તરફ નોકરીમાંથી નિવૃત્ત થાય છે અને ત્રીજી તરફ દીકરો પરદેશ ભણવા જતો રહે છે… આ બધી ધીમે ધીમે બનતી ઘટનાઓના સમયે વ્યક્તિ અંદરથી શું અનુભવે છે તેનું પ્રતિબિંબ ઝીલવા પ્રયાસ કર્યો છે.’ ટૂંકમાં, આટલા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને આપણે વાર્તામાં પ્રવેશવાનું છે. આપણે નિર્ણાયકોનો નિર્ણય કેટલો સાચો તે મૂલવવાનો નથી, આપણે વાર્તા માણવાની છે અને તે માણતાં માણતાં તેની લિપિને ઉકેલવાની છે. વાર્તાના સર્જક શ્રી અભયભાઈ વડોદરા નિવાસી છે. હાલમાં તેઓ મુંબઈ સ્થિત એક ટેલિકોમ કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવે છે. શ્રી અભયભાઈને ખૂબ ખૂબ અભિનંદન. આપ તેમનો આ નંબર પર +91 9833871028 અથવા આ સરનામે shitalabhay@hotmail.com સંપર્ક કરી શકો છો. – તંત્રી.]

એક વાત આજે મારે માંડવી છે. એક માણસની વાત…. એ મારા, તમારા, આપણા જેવો જ એક માણસ છે. હા, કદાચ બાહ્ય રીતે જુદો લાગે. પણ મૂળે તો આપણા જેવો જ. માણસ જેવો માણસ વળી… આ તો એક હતો ‘અ’. જોકે આપણે તેને ‘અ’ કે ‘ક’ કે ‘ડ’ કંઈ પણ કહી શકીએ. તેનાથી કોઈ ફેર પડતો નથી. તેને પણ નહીં અને આપણને પણ નહીં. આપણા મહાન વાલ્મિકીજીએ કહ્યું છે ને કે, નામમાં વળી શું રાખ્યું છે ?
હેં ! શું કહ્યું ? શેક્સપિયરે કહ્યું છે ? વાલ્મિકીએ નહીં, એમ ને ?
હા, ભાઈ, ભલે એમ રાખીએ. પણ ભાઈ, જ્યાં ઉક્તિ જ નામમાં શું રાખ્યું છે હોય તો તે કહેનારનું નામ વાલ્મિકી હોય કે શેક્સપિયર, શું ફરે પડે ? હેં શું કહ્યું ? મૂળ વાત શરૂ કરું ? તો સાંભળો, એક હતો ‘અ’. એ કોણ છે ? શું કરે છે ? જાણવું છે ? તો ચાલો, મારી સાથે સફર કરવા….

[દશ્ય:1] સ્થળ : લીલોછમ બગીચો, સમય : સાંજ

‘અ’ થોડી થોડી વારે ઘડિયાળમાં જુએ છે. તેના ફૂટડા ચહેરા પર અધીરાઈ ચોખ્ખી વરતાઈ આવે છે. ફરી વાર તેણે બાઈકના અરીસામાં જોઈ વાળ સરખા કર્યાં. તે દર બે મિનિટે ઈન-શર્ટ બરાબર છે કે તે તપાસી લે છે. થોડી થોડી વારે બેલ્ટનાં બક્કલને આમળી લે છે. પહેલી નજરે જોતાં જ ગમી જાય એવા આ ‘અ’ ને એવાં તે શું દુઃખ પડ્યા છે કે તેની અકળામણ ક્ષણે ક્ષણે વધતી જાય છે ! ત્યાં જ કોઈ નિશાળિયાને આકસ્મિક કારણસર વહેલી રજા મળે અને જે આનંદ થાય તેવો આનંદ ‘અ’ના ચહેરા પર દેખાયો. તેનો ફૂટડો ચહેરો વધારે સુંદર દેખાવા લાગ્યો. કેમ ? સામે છેડેથી હાંફળી-ફાંફળી લગભગ દોડતી એક યુવતી આવી રહી હતી. તો એમ વાત છે ત્યારે ! તેના નમણા ચહેરા પર પરસેવાનાં મોતી ઝગમગે છે. આમ તો બહુ દેખાવડી ન કહેવાય, પણ તેના ઘાટીલા નાક-નકશાવાળા ચહેરાની પાણીદાર આંખો, સાચું કહું છું, ભલભલી ઐશ્વર્યાને ઝાંખી પાડી દે તેવી છે ! ‘અ’ મોઢું ફેરવી, નમણીથી વિરુદ્ધ દિશામાં અદબ વાળી ઊભો રહ્યો. અરે, નવા જમાનામાં રિસાવાનો હક્ક યુવકોએ લઈ લીધો કે શું ? પણ એ કળા યુવકોને આવડે તો ને ? બે જ મિનિટમાં નમણીએ કોણ જાણે શું કહ્યું કે સમાધાન થઈ ગયું અને બંનેનાં હોઠ પર ગુલાબ ખીલી ઉઠ્યા.

ત્યાર પછી તેમના વચ્ચે જે ગોષ્ઠિ થઈ તે સાંભળવાની ચેષ્ટા તો સૂરજે પણ ન કરી, ને આંખ આડા કાન કરી ચૂપચાપ અસ્તાચળ તરફ પ્રયાણ કરવા માંડ્યો. પણ બાગનાં ચોકીદારને વાંધો પડ્યો. તે કંઈક બબડતો ગયો અને ‘અ’ તરફ જોઈ મોટેથી દંડા પછાડવા લાગ્યો. થોડીવારે બંને ઊભા થયા. તેમનું ‘આવજો… બાય…. ટેક કેર…. સી યુ…..’ સામાન્ય કરતાં ઘણા લાંબા સમય સુધી ચાલ્યું. આગળ જઈ નમણીએ પાછા વળી જોયું. ‘અ’ તો હજુ વધારે ડગલા આગળ ગયો જ ન હતો. તેઓ બંને ફરી આવજો કરવા લાગ્યા. જ્યાં સુધી બંને એકબીજાની દષ્ટિમર્યાદામાં માત્ર ટપકું બની ગયા, ત્યાં સુધી હાથ ઊંચો રાખી…. ‘બાય’ કહેવાનો કાર્યક્રમ ચાલુ રહ્યો…..

[દશ્ય:2] સ્થળ : હોસ્પિટલ, સમય : મધરાત

‘અ’ લોબીમાં આંટા મારે છે. તેના ફૂટડા પણ હવે ભરાયેલા ચહેરા પર અકળામણ નહીં, ચિંતા છે. અત્યારે પણ તે વારેવારે ઘડિયાળ તરફ જુએ છે અને પછી વોર્ડનાં બંધ બારણા તરફ જોયા કરે છે. થોડી થોડી વારે હાથની મુઠ્ઠી વાળે છે અને ખોલે છે. સહેજ ખખડાટ થાય, ત્યાં નજરનાં સસલા વોર્ડનાં બંધ બારણા તરફ દોડે છે.
‘બારણું ખૂલ્યું કે શું ?’ અને હૃદય જાણે ધબકાર ચૂકી જાય છે. અચાનક જ ‘અ’ ને કાને શબ્દો પડે છે : ‘કોન્ગ્રેટ્સ…. બાબો જન્મ્યો છે.’
‘અ’ને થયું તેના કાન સૂમ થઈ ગયા કે શું ? પ્રતિક્ષા તો અતિ આતુરતાથી કરી… પણ બધું હજી સ્વપ્નવત ભાસતું હતું. તે જાણે પોતાના મનને પૂછી રહ્યો હતો : ‘હું ખરેખર ! ડેડી બની ગયો ? આહા !’

[દશ્ય:3] સ્થળ : ઘરનું કંપાઉન્ડ, સમય : વહેલી સવાર

‘અ’ હિંચકા પર બેઠો છે. તેની બાજુમાં જ ‘અ’નાં જેવો ચહેરો ધરાવતા જાજરમાન મહિલા વર્તમાનપત્રનાં પાના ઉથલાવતા બેઠા છે. ત્યાં જ અંદરથી નમણી જે હવે ધીમે ધીમે બમણી થતી જાય છે, તે ચા લઈને બહાર આવે છે. ‘અ’ જલ્દી ઉઠી કોગળા કરવા ગયો. ‘અ’નો આ નિત્યક્રમ હતો. સૂરજ ઉગવાની તૈયારી કરે તે સાથે જ ઉઠતો. ગમે તેટલા મોડો સૂવે તો પણ. તે નિરાંતે જીવે આંગણામાં અડધો-પોણો કલાક બેસતો. તેનું બ્રશ-ચા બધું જ આ હિંચકા પર થતું. તેણે નમણીને કહ્યું :
‘એક મિનિટ…. નિધિ, બેસ ને બહાર થોડી વાર…..’
‘અરે, તમને સવાર સવારમાં બહાર ‘બેસવા’નો શું મહિમા છે ?’
‘નિધિ, તું વધારે નહીં ફકત દસ મિનિટ સ્પેર ન કરી શકે ? બસ થોડી વાર, મારા માટે, તારા માટે….. આ લાલમાંથી સોનેરી થતા જતા ઉગતા સૂરજ માટે… આ પીળા ફૂલને ચાંચ મારતી કાળી ચકલી માટે….’
‘બસ, બસ મહાશય….’
‘કંઈ નહીં તો તારા મનની પ્રસન્નતા ખાતર…..’
‘હું ચાલી, તમે બેસોને, મા સાથે…’ છેલ્લા બે શબ્દો પરનો ભાર ‘અ’થી અછતો ન રહ્યો. આ સ્ત્રીઓને સવાર સવારમાં શું ભૂત પાછળ પડતું હશે ? તેણે મારા માટે બનાવેલા ટિફિન કરતાં મારી સાથે લીધેલી ચાની ચૂસકી મને વધારે ગમે છે, તે કેમ નિધિ સમજતી નથી ?

હવે ‘અ’ ઘડિયાળ પહેરતો દેખાય છે. હવે તે સેલફોન ખિસ્સામાં મૂકે છે. કંપનીનું કાર્ડ ગળામાં ઝૂલાવે છે. બહાર નીકળી, કંપાઉન્ડનાં હિંચકા પર બૂટ પહેરવા બેસે છે. પેલા ‘અ’ જેવા દેખાતા જાજરમાન મહિલા ઝીણો કાતરેલો સોપારીનો ભૂકો ‘અ’ને આપે છે….
‘બેટા, હવે તો કોઈ સ્પેશિયાલિસ્ટને આજકાલ બતાવે જ છૂટકો છે. આ કમરનો દુઃખાવો તો કેમે કર્યે મટતો નથી… એક દિવસ તું જો સમય કાઢે તો….’
‘હા મા, એમ કરોને તમે અને નિધિ….’ બાકીનું વાક્ય ‘અ’ ગળી ગયો. સામે જ રૂમાલ લાવીને નિધિ ઊભી હતી.
‘હા, તે કોણ ના પાડે છે ? મને ખબર છે ખરી ? કહેવું જોઈએ ને ચોવીસ કલાક સાથે રહેતી વહુને..’ એવા નિધિનાં નહીં બોલાયેલા શબ્દો ‘અ’ એ તેના ચહેરા પર વાંચી લીધા ને તેણે વાક્ય પૂરું કર્યું : ‘કાલે સાંજે જ આપણે જઈ આવીશું. સાત વાગ્યા પછીની જ એપોઈન્ટમેન્ટ લે જે, મા.’

[દશ્ય:4] સ્થળ : ઘરનો દિવાનખંડ, સમય : રાતના નવ

પેલી ભરાવદાર ચહેરાવાળી સ્ત્રી મેથીની ભાજી વીણી રહી છે. બાજુમાં બેઠેલ પુરુષ રિમોટ હાથમાં લઈ ચેનલ બદલ્યા કરે છે. થોડી વારમાં ન્યૂઝ ચેનલ તો થોડીવારમાં બિઝનેસ ચેનલ એમ ટી.વી. જોયા કરે છે. ધ્યાનથી જુઓ, આ તો ‘અ’ જ. વાળ થોડા ઘટ્યા છે અને ફરી ધ્યાનથી જુઓ, માથામાં બરાબર વચ્ચે નાનકડું ચાંદરણું પડવાની શરૂઆત થઈ ગઈ છે.

‘તમે ચેનલ સર્ફ કર્યા કરો છો, તે ખરેખર ટીવી જુઓ છો ?’ ભરાવદાર ચહેરાવાળી નિધિએ થોડાક વજનદાર અવાજ સાથે કહ્યું :
‘હેં…. હા….’ ‘અ’ એ જોયું ન જોયું કે સાંભળ્યું ન સાંભળ્યું કર્યું.
‘કાલે બિટ્ટુની સ્કૂલમાં પેરન્ટસ મિટિંગ છે.’
‘હેં…હા….’ ફરી એ જ પ્રતિભાવ આવ્યો. ‘અ’ બોલ્યો : ‘આ સ્ત્રીઓમાં આટલું બધું બોલવાની તાકાત ક્યાંથી આવતી હશે ?’ અલબત્ત મનમાં જ બોલ્યો.
‘તમને કહું છું…..’
‘અ’ ને અવાજ થોડો મોટો થયો હોય તેમ લાગ્યું. તેણે રિમોટની દિશા નિધિ તરફ ફેરવી બટન દાબ્યું. ‘હું ટીવી જોઉં ત્યારે જ શા માટે નિધિ વાતો કરતી હશે ?’ ‘અ’ ને થયું… પણ ત્યાં તો સંભળાતા અવાજની તીવ્રતા ટોચ પર પહોંચી.
‘આ ઘરમાં કોઈને મારી પડી જ ક્યાં….?’
‘અ’ને હવે સાચી પરિસ્થિતિનું ભાન થયું. ફટાફટ ટીવી મ્યૂટ કરતાં કહ્યું : ‘અરે મજાક કરું છું, મારાથી તારી સાથે મજાક પણ ન થાય ? કહેતી હોય તો ટીવી બંધ કરી દઉં, બસ ?’

‘અ’ ને ખબર હતી કે આમ ન કહે તો મોટો ભડકો જ થાત. અલબત્ત આ ભડકામાં પેટ્રોલ પોતાની કૌટુંબિક પરિસ્થિતિ જ પૂરું પાડતી હતી, તે ‘અ’ જાણતો હતો.
‘નાઉ નો ટીવી, નો ફોન, નો મેગેઝિન… બોલ શું કહેતી હતી ?’ ‘અ’ એ ધીમા સાદે કહ્યું.
‘બિટ્ટુની સ્કૂલમાં કાલે પેરેન્ટ્સ મિટિંગ છે, જવાશે ?’
‘તું જ જઈ આવે તો વધારે સારું….’
‘હું જ જવાની હતી, પણ મા ને સવારથી મીતેષનાં લગ્નમાં લઈ જવાના છે અને તેમણે આખો દિવસ ત્યાં જ રહેવું તેવો આગ્રહ છે.’ મિતેષ ‘અ’ની બહેનનાં જેઠનો દીકરો હતો. ‘અ’ને થયું કે માને સમજાવે કે નિધિ બિટ્ટુની સ્કૂલમાં જઈ આવે પછી 11-12 વાગે જજે. પણ તેને મા નો જવાબ ખબર જ હતી :
‘બેટા, હું તો ક્યાં ક્યાંય જઉં છું ? આ તો એકલા ક્યાંય જવાતું નથી એટલે…. નાહક કોઈને ત્રાસ આપવો ને ? પણ આ તો વેવાઈ કહેવાય, સંબંધ રાખવો પડે ને ?’ ‘વેવાઈ’ એટલે દીકરીનાં સાસરા જ, દીકરાના નહીં – તેવું નિધિનું અર્થઘટન હતું.

તેટલી વારમાં મા એ મંદિરથી આવી દિવાનખંડમાં પગ મૂકતાં જ કહ્યું :
‘બેટા, પરમ દિવસે મિતેષનું રિસેપ્શન છે… તને આજથી કહી રાખું તો સારું ને ! કોઈ કામ કે મિટીંગ કે એવું બધું રાખતો નહીં તે દિવસે… તારી સરળતા ખાતર અમસ્તી જ કહું છું હોં…..’ મા ફ્રેશ થવા અંદર ચાલ્યા અને નિધિ બબડી :
‘હું…. મારો ભાણો હોય તો ઠીક… ચાલે… આ તો વાત જ જુદી….’
‘અ’ ચૂપ રહ્યો. જો કે તેને મોટેથી પોકારવાનું મન થયું : ‘હે નારીવાદીઓ ! તમે ક્યાં છો ? હે સ્ત્રી સમાનતાનાં ઝંડાધારીઓ ! તમારી નજર આ તરફ ક્યારેય જશે ખરી ?’ વ્યવહાર સાચવવા આખો દિવસ કે બે-ત્રણ દિવસો દરેકે દરેક નાની વિધિમાં હાજરી કેમ આપવી પડે, તે ‘અ’ના દિમાગમાં ક્યારેય બેસતું નહીં. તેને થયું કે લોકોને કામધંધા હોય કે નહીં ?
તેણે વાતને સમેટી લેતાં કહ્યું :
‘ભલે. ટીચરને જરા ફોન કરી પૂછી લેજે કે એક દોઢ વાગે ચાલશે ? લંચટાઈમમાં સ્કૂલ જઈ આવીશ.’
‘પછી તમારું લંચ…..?’
‘એ હું ફોડી લઈશ… મારા લંચની કે મારી ચિંતા ન કરીશ.’ ‘અ’ એ છૂપાવવા મથ્યા છતાં તેની ચીડ ઉભરાઈ આવી.

[દશ્ય:5] સ્થળ : સ્કૂલનો ખંડ, સમય : દોઢેક વાગ્યે

ફૂલવાળી ડિઝાઈનનું કૂર્તુ અને ચૂડીદાર પહેરેલી રૂપકડી યુવતી ખુરશી પર બેઠી છે. સામે ટેબલ પર કેટલાંક કાર્ડ અને કાગળ પડ્યા છે. ‘અ’ એ પોતાની ઓળખાણ આપી. ચહેરા પર સ્મિત સાથે રૂપકડીએ બિટ્ટુનું કાર્ડ કાઢી ‘અ’ ને કહ્યું :
‘હી ઈઝ ડુઈંગ વેરી વેલ ઈન સ્ટડીઝ……’ અને ચપડચપડ આઠ દસ વાક્યો ઈંગ્લીશમાં બોલી ગઈ.
‘ઈઝ ધેર એનીથીંગ વી શુડ ટેક કેર ઓફ ?’ ‘અ’એ તેની વાકઘારા સહેજ જ અટકતાં પૂછ્યું.
‘નોટ મચ, બટ હી ઈઝ અ બીટ ઈન્ટોવર્ટ. હવે ના સમયમાં યૂ નો, થોડું ઈન્ટરેક્ટ કરે, વધારે એક્સપ્રેસીવ બને તે જરૂરી છે… થોડો સુધારો….’
‘રાઈટ….. ઓ કે, થેંક્સ..’ ‘અ’નાં હોઠ પરથી શબ્દો સર્યા, પણ હૈયું તો કહેતું હતું, ‘એનો બાપ અડધી જિંદગી ગઈ ને સુધર્યો નહીં, એ શું સુધરશે ?’ ત્યાં જ રિસેષનો બેલ પડ્યો. સામેથી દોડતો બિટ્ટુ આવ્યો :
‘પપ્પા, પપ્પા આવી ગયા ને ?’ બિટ્ટુની ખુશી તેના અવાજમાં છલકાતી હતી.
‘હા બેટા, તારો પ્રોગ્રેસ સારો છે….’
‘હોય જ ને ! તમારી જેમ જ મોટો થઈને મો….ટો એન્જીનિયર બનીશ….’ બિટ્ટુની ખુશી હવે તો સાતમા આસમાને ઉડી રહી હતી. ‘અ’હસ્યો. આટલું સરસ તે ભાગ્યે જ હસતો.

[દશ્ય:6] સ્થળ : ‘અ’ની ઑફિસ ચેમ્બર, સમય : સાંજના પાંચ

‘અ’ની સામે પી.સી. ખુલ્લુ પડ્યું હતું. તે લેન્ડલાઈન પર વાત કરી રહ્યો છે. તેના મસ્તક પરનું ચાંદરણું હવે ચાંદ બનવાની તૈયારી કરી રહ્યું છે. ત્યાં જ ‘અ’નો સેલફોન રણકે છે. તેના સ્ક્રીન પર નંબર જોઈ ‘અ’ એ કહ્યું : ‘એક ઈમ્પોર્ટન્ટ કોલ છે, પછી વાત કરું.’ લાઈન કટ કરતાં જ તેણે સેલફોનનો કોલ રિસીવ કર્યો. ત્યાર પછી થોડીક જ વારમાં બે ત્રણ આસિસ્ટન્ટને બોલાવી તેણે પૂરા પ્રોજેકટની સ્ટ્રેટેજીની ચર્ચા કરી… સાથીઓનાં મત પણ પૂછ્યા… તેઓ પાછા ફરતાં અંદર અંદર બોલતા હતા…. ‘ગજબ’ ! સરનું નોલેજ તો કહેવું પડે ! હજી તો પ્રપોઝલ આવી ત્યાં તો તરત જ પ્રોજેક્ટની આઉટલાઈન તૈયાર થવા માંડી…. કેટલી બધી નાની નાની ટેકનીકલ બાબત વિશે વિચારે છે !’

[દશ્ય:7] સ્થળ : ઑફિસ કેન્ટિન, સમય : સવા-દોઢ

‘અરે ભાઈ ! રાત-દિવસ કામ ભલે કરો, પણ લંચ લેવા તો પધારો. મિત્રએ ‘અ’ને ધબ્બો મારતાં કહ્યું.
‘અરે આપ કો નહીં ખાના હૈ તો કોઈ બાત નહીં, હમેં તો ખાંડવી ખાની હૈ ના ? ઔર વો દૂસરા….’
‘બસ નયન, હવે જમવા દઈશ કે વાતો જ કરીશ ?’ ‘અ’ એ તેને અટકાવ્યો, ‘મુંહ ખાના ખાને કે લિયે હૈ, બાતે બનાને કે લિયે નહીં, સમઝા ?’

સહુ હસી પડ્યા. જબરુ હતું આ તારામંડળ. તારામંડળ ? એ શું વળી ? હું તો કહેવાનું ભૂલી જ ગયો. ચાર મિત્રોની આ ટોળી તારામંડળના નામે ઓળખાતી. કંપની તરફથી દરેકને પોતાના કાર્ય માટે ‘સ્ટાર’નો એવોર્ડ મળી ચૂક્યો હતો એટલે આ બધાને ‘સ્ટાર કલબ’ અને ‘તારામંડળ’ એવા ઉપનામો મળ્યા હતા. ચારેયનાં ડિપાર્ટમેન્ટ અલગ હતા, પણ લંચટેબલ પર તેઓ નિશ્ચિત સમયે અને મોટા ભાગે નિશ્ચિત ટેબલ પર ભેગા થાય જ. આ તારાઓ એકબીજાથી એટલા નજીક હતા કે તેઓ ઓફિસની બહારનાં આકાશમાં પણ ઘણીવાર સાથે દેખાતાં.

‘આ બિટ્ટુ એચ.એસ.સી.માં સારી રીતે પાસ થઈ જાય એટલે શાંતિ….’ ‘અ’એ ધીમેથી કહ્યું.
‘અરે, ચિંતા શા માટે કરે છે ? ભલે એચ.એસ.સી. એટલે કંઈ એટલી સહેલી પરીક્ષા નથી, પણ વારંવાર વિચાર્યા કરવાથી શું વળે ?’
‘અરે યે તો બેટેસે જ્યાદા બાપ કો ચિંતા હૈ !’ નયન ટહુક્યો.
‘તને શું ખબર પડે ? તારા દીકરાને એચ.એસ.સી.માં આવવા દે, પછી કહેજે…’
‘હમ તો એચ.એસ.સી. ક્યા એમ.એસ.સી.મેં ભી ચિંતા નહીં કરનેવાલા… બોલ દેતા હું….’

[દશ્ય:8] સ્થળ : ‘અ’નો બેડરૂમ, સમય : રાતના દસ

‘અ’એ પથારીમાં લાંબા થતાં કહ્યું : ‘હાશ, પ્રોજેક્ટ સારી રીતે પત્યો…. હવે થોડા દિવસ આ…રામ… હવે થોડું ફ્રી રહેવાશે….’
‘અરે વાહ !’ નિધિ ખુશ થઈ ગઈ, ‘તો આપણે ગાડી લઈ અંબાજી જઈ આવીએ તો ?’
‘અંબાજી ? કેમ ? કંઈ માનતા-બાનતા છે ? હું એવામાં નથી માનતો…. તને ખબર તો છે ને….’
‘ના…ના.. આ તો ઘણા વખતથી ક્યાંય ગયા નથી ને એટલે… વળી તમને પણ લોંગ ડ્રાઈવ પસંદ છે…’ નિધિ થોડી થોથવાઈ.
‘અ’ રીતસર ભડક્યો, ‘લોંગ ડ્રાઈવ ? ના, ડ્રાઈવર બોલાવી લો અને જેને જવું હોય તે બધા જઈ આવો…’
‘કેમ તમને શું થયું છે ? પહેલાં તો બહુ શોખ હતો લોંગ ડ્રાઈવ પર રખડવાનો… અને ગાડી માટે ડ્રાઈવર તો શું, મારો ભરોસો પણ ક્યાં હતો ?’
‘અ’ અકળાયો. આને શું કહેવું ? લોકો સમજતા કેમ નહીં હોય ? પહેલાં શોખ હતો તો હતો, હવે નથી. શોખ નથી, ઈચ્છા નથી કે મૂડ નથી. જો કે નિધિને તેણે માત્ર એટલું જ કહ્યું : ‘ના ભાઈ….. મારે શાંતિથી ઘરમાં રહેવું છે…. અને ખૂબ ઊંઘવું છે….’

[દશ્ય:9] સ્થળ : દવાખાનું, સમય : રાતના નવ.

‘ડોક્ટર પ્લીઝ, તમે મને તદ્દન સાચી વાત જ કહેજો.’
‘આપણે સોડિયમ ટેસ્ટ કરી તે પ્રમાણે દવા આપીએ છીએ, પણ એમને પાછું બી.પી. પણ ખરું ને ? એટલે મુશ્કેલી….’
ડૉક્ટર વાતને ગોળગોળ ફેરવતા હતા. છેલ્લા પંદર દિવસથી મા દવાખાનામાં હતી. ‘અ’ સાંજે ઑફિસથી છૂટી હોસ્પિટલ આવતો. ડૉક્ટર રાઉન્ડમાં આવી જાય પછી તેને મળી લેતો. ત્યારબાદ જ ઘેર જતો. મા સાવ પથારીવશ ન હતી. પણ જુદાજુદા રિપોર્ટ ટેસ્ટ અને ચેકઅપ પછી પણ તેની હાલત ‘જૈસે થે’ હતી.
‘જે શ્રી કૃષ્ણ બા’ ડૉક્ટરની વાણીમાં મધપૂડો હતો. બાની આસ્થા લાલજીમાં એટલે આ ડૉક્ટર તો જાણે બીજા દીકરા જેવો જ લાગે.
‘જે શ્રી કૃષ્ણ’ બા મલક્યા. આ ‘જે શ્રી કૃષ્ણ’ ‘જે શ્રી કૃષ્ણ’ કરી કરી ડૉક્ટર બિલ ચડાવતો જાય છે, તેવું મા કેમ સમજતી નથી ? ‘અ’ એ એક દિવસ મા ને કહી જ દીધું : ‘મા, અહીં ઘણા દિવસ થયા, આપણે સેકન્ડ ઓપીનિયન લઈ જોઈએ….’
‘આ ડૉક્ટર કેટલો સારો છે ! બા, બા કહેતાં જીભ સૂકાતી નથી અને પાછો વૈષ્ણવ પણ ખરો ને…’

આખરે મા ને સમજાવવાનું છોડી દઈ, ‘અ’ એ બીજા દિવસે ડૉક્ટરને કહી જ દીધું :
‘મા ની સ્થિતિમાં બહુ સુધારો નથી. તો હવે અમે એને ઘેર જ લઈ જઈએ.’
‘પણ ઘરમાં ટ્રીટમેન્ટ બરાબર ન થાય, ઈમરજન્સી આવી પડે તો મુશ્કેલી…’ ડૉક્ટરે બહાના બતાવવા માંડ્યા.
‘એ તો ફૂલટાઈમ નર્સ રાખીશું, ડૉક્ટર.’ ‘અ’ના અવાજમાં દઢતા આવી.
‘હજુ આજે જોઈએ તેટલું બરાબર નથી. એક દિવસ બરાબર સ્થિતિ તપાસી લઈએ…. પછી કાલે વિચારીએ..’ ડૉક્ટરે મુદત પાડી. આખરે આજકાલ કરતાં કરતાં બે દિવસ પછી ડૉક્ટર અને માની અનિચ્છા છતાં મા ઘેર આવી. મા બીજા કોઈ ડૉક્ટરનાં દવાખાને આવશે જ નહીં, તેની ‘અ’ને ખાતરી હતી….
તેણે ડૉક્ટરને ઘેર બોલવ્યા : ‘મા, આ આપણા સુમિતનાં ખાસ મિત્ર ડૉક્ટર છે. તો જરા એ ભલે તપાસી લે.’
માનું મોઢું વંકાયું. ‘અ’ એ હસી લીધું.
ફરી જાતજાતના ચેક-અપ, મસમોટા બિલ અને મા નાં છણકાનું ચક્કર ચાલ્યું.
જો કે નવા ડૉક્ટરની દવાથી સુધારો થયો. મા માં ચેતન અને શક્તિ આવી…. તે મા ખુદ અનુભવતી હતી.. પણ તેણે ક્યારેય આ બાબત ‘અ’ પાસે સ્વીકારી નહીં.

[દશ્ય:10] સ્થળ : ડ્રોઈંગરૂમ, સમય : સાંજના સાડા સાત

‘ના, ના પપ્પા…. એમ કંઈ ગમે ત્યાં એડમિશન નથી લેવું. એવી નાના ગામની કૉલેજમાં થોડું જવાય ?’ બિટ્ટુ અકળાયો. આને થયું છે શું ? ‘અ’ એ વિચાર્યું.
‘જા ને મોટી કૉલેજમાં, તારા ટકા અને તાકાતના જોરે…’ અકળામણ પોતાને થવી જોઈએ. બિટ્ટુનાં પાસ થયાની પાર્ટી કાલે જ પતી હતી. માર્કસ તો 78% હતા… સારા કહેવાય…. પણ આ વર્ષે રિઝલ્ટ પણ ઘણું સારું હતું. નિધિ હજી દીકરાની સફળતાના નશામાં જ હતી. ‘અ’ ના માથે એડમિશન અપાવવાની જવાબદારી હતી. મેરિટલિસ્ટમાં બિટ્ટુની રેન્ક પાછળ હતી. તપાસ કરતાં નજીકની નવી જ ખૂલેલી પણ સારું નામ પામેલી કૉલેજમાં એડમિશનની શક્યતા હતી. ‘અ’ને છાતી પરથી સવામણિયું થોડું ખસતું લાગ્યું. પણ ત્યાં જ બિટ્ટુએ ધડાકો કર્યો :
‘એમ કંઈ સિવિલમાં એડમિશન થોડું લેવાય ? પપ્પા, હવે જો બેસી રહેશું તો મેનેજમેન્ટ કવોટા પણ ભરાઈ જશે.’ બિટ્ટુને એડમિશનની ઉતાવળ હતી. ભલે પૈસા જાય, પણ સીટ સિક્યોર થઈ જાય ને ? નિધિ પણ ટાપસી પૂરતી : ‘આ બધું છોકરા માટે જ છે ને ? એ ભણશે તો સારું કમાશે જ ને ? અને વળી આપણા સ્ટેટસ પ્રમાણે તો ભણાવવો પડે ને ?’

બિટ્ટુને તો એમ જ હતું કે પપ્પા સારું કમાય છે એટલે ગમે તેટલો ખર્ચો થાય જ. તે તો બાળક છે, પણ નિધિ ? તે તો જાણતી જ હતી ને કે ‘અ’ થોડા વર્ષોમાં રિટાયર થશે, મા ની બિમારીનો ખર્ચો વધતો ચાલ્યો છે, બિટ્ટુની હાયર એજ્યુકેશનની ફીનાં આંકડામાં મીંડાઓ વધતાં જાય છે, વ્યવહારો પહોળા થતા જાય છે, જીવનશૈલી ઊંચી થતી જાય છે, મહિનાનો ઘરખર્ચ પરીકથાની રાજકુંવરીની જેમ દિવસે નહીં, તેટલો રાતે અને રાતે નહીં તેટલો દિવસે વધતો જાય છે અને છતાં મેનેજમેન્ટ કવોટામાં પૈસા પાણીના મોલે વેડફવાની વાત કરતી હતી ? આ નિધિ… કે જેણે ક્યારેક વાકબાણો છોડ્યાં છતાંયે હૃદયથી આ ઘર અને ઘરનાઓને પોતાના માન્યા હતા. ઘર સાચવ્યું, પરિવાર અને સંસાર સાચવ્યો. નાની-મોટી દરેક વાતમાં સહભાગી બની. તે નિધિ જ આટલી સ્પષ્ટ જણાતી વાત ન સમજે ?

[દશ્ય:11] સ્થળ : દવાખાનું, સમય: સાંજના સાત

ડૉક્ટરે ‘અ’નું બી.પી. ચેક કરતાં પૂછ્યું : ‘બીજી કોઈ તકલીફ ?’
‘થાક લાગે છે. પગમાં, પીંડીમાં દુઃખાવો થાય છે, ખાસ તો રાતના સમયે… ઘણી વાર રાતે ઊંઘ ઊડી જાય પછી ઊંઘ આવતી જ નથી અને લગભગ કાયમ પરસેવો રહ્યા કરે છે….’
ડૉક્ટરે કંઈક ટેકનિકથી પગ દબાવી જોયો. પછી એક કાગળ પર પંખીડા ઉડાડતો હોય તેમ હાથ હલાવી કંઈક લખ્યું… વળી બીજા કાગળ પર પંખીડા ઉડાડ્યા…
‘આ દવા લખી આપી છે. આમ તો ખાસ કંઈ લાગતું નથી. કદાચ સ્ટ્રેસનાં કારણે હોય. આમાં લખેલા ટેસ્ટ કરાવી લો. આમ પણ 40-45 પછી નિયમિત ચેક-અપ જરૂરી છે. બસ, થોડા દિવસ ભૂલ્યા વિના દવા બરાબર લેજો…. એવું હોય તો નિધિબેનને જ દવાનું કામ સોંપી દેજો… તે તો ધ્યાન રાખી, યાદ કરી દવા આપશે જ.’
‘પણ મેં તો ઘરમાં કોઈને કહ્યું જ નહીં, નકામી ચિંતા કરાવવી…. નાનું મોટું તો ચાલ્યા કરે…’ ‘અ’એ ધીમે રહીને કહ્યું.
‘નાનાને નિગ્લેક્ટ કરવાથી જ મોટું બને. કંઈ નહીં તો કમ સે કમ માણસે પોતાના બેટરહાફને તો બધી વાત કરવી જોઈએ ને !’ ડૉક્ટરે ફિલસૂફની અદાથી કહ્યું. સાચી વાત. માણસે બેટરહાફને બધી વાત કરવી જોઈએ. બધી એટલે બધી જ. આ વાત નિધિ માટે સાચી હતી. નિધિ કોણે શું પહેર્યું, શું કર્યું અને પોતે શું પ્રતિભાવ આપ્યો વગેરે બધું જ કહે. અરે પોતે દિવસમાં કેટલી છીંક ખાધી તે પણ નિધિ કહે જ. પણ ‘અ’ને આવી બધી વાત કરતાં ફાવતી જ નથી. ફાલતુ સમય પસાર કરવાનો કે બીજું કંઈ ? આ ડૉક્ટર કેમ સમજતા નથી ? તેઓ ખુદ કહે છે કે ખાસ કંઈ તકલીફ નથી, તો પણ મારે સહુ સગાવહાલા, ઈષ્ટમિત્રોને ઢોલ વગાડી વગાડીને જાણ કરવી ?

[દશ્ય:12] સ્થળ : મા નો બેડરૂમ, સમય : રાતના નવ

‘બેટા, તને તો મારી પાસે બેસવાનો જાણે સમય જ નથી.’
‘રોજ તો બેસું છું મા….’
‘કાલે ફરી ડૉક્ટરને બોલાવવા પડશે.’
‘અરે પણ ગઈકાલે તો ડૉક્ટર તપાસી ગયા છે. દવાની અસર સાવ ઈન્સ્ટન્ટ ન થાય. એક-બે દિવસ તો રાહ જોવી પડે ને ?’
‘ના ભાઈ, મને બહુ દુઃખાવો થાય છે, તેનું શું ? આ બધા ડૉક્ટરો નકામા છે. કંઈક કહીએ એટલે ‘ઉંમરની અસર’ એમ કહ્યા કરે. તેને અમારી પીડા ક્યાં સમજાય છે ?’
‘અરે મા, હજી કલાક પહેલા તું ભાણિયા સાથે ટોળ ટપ્પા મારતી હતી અને અચાનક કંઈ થોડું થાય ?’
‘હા. જો ને જરા તાવ છે ?’ ‘અ’ એ માના કપાળ પર હાથ મૂક્યો. પણ તેના હાથમાં સમ ખાવા પૂરતી યે ગરમી ન જણાઈ. ‘અ’ હવે ખરો કંટાળ્યો હતો. રોજ રોજ ડૉક્ટરનું ચક્કર ચાલ્યા કરતું. રોજ રોજ સાચી-ખોટી બિમારી વધ્યા કરતી. નિધિ સમજાવતી :
‘હોય, એ તો બિચારા…. બિમાર છે… અને ઉંમર થઈ…’ મા અને નિધિ વચ્ચે સમાધાન ક્યારે અને કેમ થઈ ગયું તેની તો ‘અ’ ને ખબર જ ન હતી. માત્ર ‘અ’ જ નહીં, ડૉક્ટર પણ કહેતા : ‘મા’ની તકલીફ શારીરિક કરતાં માનસિક વધુ હતી.
‘સારું ત્યારે, હવે શાંતિથી સૂઈ જા… હું જાઉં..’ મા એ ‘અ’ જાણે ગુનેગાર ન હોય તેવી રીતે જોયું. ‘અ’એ હસી લીધું. પણ મનમાં મનમાં ખૂબ ધૂંધવાયો : ‘કોઈ માણસ બીજા માણસની આગળપાછળ આખો દિવસ ફરી શકે નહીં, તે વાત વડીલો કેમ સમજતા નહીં હોય ?’

[દશ્ય : 13] સ્થળ : ‘અ’ની ઑફિસ, સમય : બપોરે ચાર.

પહેલાં કરતાં વધારે મોટી ફર્નિશ્ડ ચેમ્બરમાં ‘અ’ બેઠો છે. તેના નામ અને હોદ્દાની નેઈમ-પ્લેટ બહાર ઝૂલે છે. તેની સલાહ-સૂચના અને માર્ગદર્શન લેનારાઓની સંખ્યા વધી છે. તેના ઈન્ટરકોમ પર રૂપકડો અવાજ સંભળાયો : ‘સર, યોર ઓલ્ડ ફ્રેન્ડ શર્મા….’
‘યસ લેટ હીમ કમ ઈન…’ ‘અ’ લગભગ ઉછળ્યો. શર્માને સત્કારવા ઊભો થઈ ગયો.
‘ક્યાં હતો યાર આટલા દિવસો સુધી…. ?’
‘અરે, તેરા ચહેરા તો પૂરા બદલ ગયા… એકદમ બડા બડા સા દિખતા હૈ… દેખતો, મેરા કૈસા લગતા હૈ ? બડા લગતા હૈ કિ બરાબર હૈ ?’ શર્મા ભડભડિયો હતો.
‘નહીં યાર, તુ તો અભી જવાં હૈ….’ ‘અ’ એ કહ્યું બંનેએ એકબીજાને તાળી આપી…. શર્મા અને ‘અ’ નવાનવા બી.ઈ. થઈ એક જ કંપનીમાં સાથે કામ કરતા હતા. બંનેએ એક પ્લેટ સમોસા કેટલીયે વાર શેર કર્યા હતા એ દિવસોમાં….
‘બસ અબ તો રિટાયર હોને મેં થોડે હી દિન રહ ગયે…’ ‘અ’નો અવાજ સપાટ હતો.
‘ફિર હમ સાથ મિલ કે બિઝનેસ કરેંગે…. અગર કોઈ દેગા તો….’ શર્માએ ફરી તાળી માટે હાથ લંબાવ્યો.

[દશ્ય:14] સ્થળ : ‘અ’ની ઑફિસ, સમય : સવારના દસ

ફોન પર નિધિ અધીરી થઈ બોલે જતી હતી, ‘આ મા ક્યારના ઉઠતા જ નથી. કંઈ હાલતા-ચાલતા પણ નથી. ઢંઢોળું તો પણ જવાબ નહીં…. જલદી આવો…’
‘અ’ દોડ્યો…
‘મા, હવે નહીં ઊઠે.’ ડૉકટરે નિદાન કર્યું.
કાકા, મામા, ફૂઆ, પિતરાઈ, પડોશી સહુ અને તેના સલાહસૂચનોથી ‘અ’ ઘેરાઈ ગયો. ‘અ’ની આંખ સાવ કોરી જ હતી. આંખમાં આંસુનું એક ટીપું પણ નહીં. ‘અ’ ને શું થયું કે શું થાય છે, તેની ખબર જ પડતી ન હતી. અગ્નિદાહ… બારમું.. તેરમું… તે જાણે યંત્રવત વિધિ કરે જતો હતો.
‘અ’ કાળજાનો ઘણો કઠણ છે… નાનપણથી જ હોં ! કાકાએ ધ્રુવવાક્ય ઉચ્ચાર્યું, ‘દીકરો હોય તો આવો… ‘અ’ ના જેવો….’, ‘મા પૂરું સુખ-સંતોષ લઈને ગયા…’ લોકો કહેતા.
‘અ’ની નજર સામે માની વેધક આંખો જ તરવરતી હતી.

[દશ્ય:15] સ્થળ : મા નો બેડરૂમ, સમય : સવારનાં દસ

આજે મા ના ગયે પંદર દિવસ થયા. સગાઓ ધીમેધીમે સ્વસ્થાને પહોંચી ગયા હતા. છેલ્લે આજે બેન પણ પોતાને ઘેર ચાલી. ‘અ’ એકલો પડ્યો. તેણે રીતસરનો રાહતનો દમ ખેંચ્યો. તે મા ના બેડ પાસે આવ્યો અને જાણે સતત તાકી રહ્યો… અચાનક જ તેને કંઈક થયું. ને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. નિધિ ચૂપચાપ તેની પાસે આવી ઊભી રહી… ‘અ’ને શું થયું ? આટલા દિવસ તો સાવ સ્વસ્થ હતો… નિધિને પ્રશ્ન થયો. પણ ‘અ’ને ખુદને જ ક્યાં ખબર હતી, તેને શું થાય છે ?

[દશ્ય:16] સ્થળ : કેન્ટિન, સમય : એક વાગે

પેલું તારામંડળ સાથે જમી રહ્યું છે. ‘અ’એ ધીમે રહી, અન્યની થાળીમાંથી કેપ્સીકમનો ટૂકડો ઉપાડતાં કહ્યું : ‘હવે તું જરા સમજાવી જો. તો કદાચ અસર થાય. આ બિટ્ટુ પરદેશ જવાની રઢ લઈને બેઠો છે.’
‘હા યાર હવે પહેલા જેટલી ઓપર્ચ્યુનિટી ત્યાં ક્યાં રહી છે ?’ તેણે ‘રિસેશન’ શબ્દ જાણી જોઈને ન વાપર્યો.
‘તે તું અને હું સમજીએ છીએ. આ છોકરાની આંખમાં ડોલરિયા દેશનું પડળ બાઝ્યું છે, તેનું શું ?’
‘અરે ઉસમેં ક્યા ? જાને દે ના….’ નયન ટહુક્યો.
‘મારી બધી બચત તેના વિદેશગમન અને પોસ્ટ ગ્રેજ્યુએટ પાછળ ખર્ચી નાખવી પડે…. અને જો નિષ્ફળ થઈ પાછો આવે તો ?’
‘ત્યારે આપણે પણ રિટાયર થઈ ગયા હોઈએ.’
‘એ જ તો કહું છું ને !’ ‘અ’ એ લાંબુ વિચાર્યું હતું. એ ઉંમરે ગમે તેટલી એકસપર્ટાઈઝ હોય તો પણ યોગ્ય પગારની નોકરી ન મળે કે ઊંચી કન્સલ્ટેશન ફી કોઈ આપણને ન ચૂકવે. માર્કેટમાં યુવાન, ઉત્સાહી છોકરાઓ જોઈએ તેટલા મળે. તેમને ટ્રેઈન કરવા સસ્તા પડે…. છોકરાઓને ઘરની જવાબદારી ઓછી હોય એટલે એ દોડે પણ વધારે….’
‘અરે તુમ જ્યાદા સોચો મત. વો મેનેજ કર લેગા. ઔર નહીં કરેગા, તો મરેગા…’ નયન બોલ્યો.
‘અરે એમ ‘મરેગા’ ચાલે ?’ પોતાનો ખાસ મિત્ર હોવા છતાં નયન કેમ સમજતો નથી ?

[દશ્ય:17] સ્થળ : ‘અ’ની ઑફિસ, સમય : બપોરે બાર વાગે

એમ.ડી. સાથેની મિટીંગ બાદ ‘અ’ એ પોતાનાં સ્ટાફની મિટીંગ બોલાવી હતી. તે પોપટ માફક રટવા લાગ્યો અને મિટીંગનો અહેવાલ આપવા માંડ્યો.
‘હવે આપણે સ્ટ્રેટેજી બદલ્યા વિના છૂટકો જ નથી. માર્કેટમાં જબ્બર કોમ્પિટિશન થઈ રહી હોય ત્યારે વી હેવ ટુ બી એલર્ટ’ તેણે વાતને સમજાવતાં કહ્યું : ‘સમય પ્રમાણે માંગ બદલાય એટલે ડાઈવરસીફીકેશન કરવું પડે… અલગ અલગ દિશામાં વિચારવું પડે…. બિઝનેસ લાવવો પડે…. માર્કેટિંગ પણ જબરજસ્ત થવું જોઈએ…. વધુ ને વધુ બિઝનેસ એ જ હવેની નીતિ રહેશે….’ ‘અ’ને એમ.ડી. સાથેની મિટીંગ નજર સામે દેખાઈ રહી હતી.
‘સર, આપણી તો સંપૂર્ણપણે એન્જીનિયરિંગ કંપની છે એટલે તેના સંબંધિત ક્ષેત્રમાં જ સારું કામ મળે, તો…’
‘તે તો ઠીક, પણ કોરી ટેકનિકાલિટીથી ઉદ્ધાર ન થાય. બિઝનેસ થતો હોય તો કોઈ પણ ક્ષેત્રમાં ઝંપલાવી શકાય. જ્યાંથી, જેમ, જે રીતે મળે તે રીતે બસ બિઝનેસ મળતો જોઈએ.’

એમ.ડી. વાતનો આ જ સાર હતો. કંપનીનું મૂળ ધ્યેય અને મુખ્ય પોલિસી શું છે, તે આ બુદ્ધિશાળી માણસ કેમ સમજતો નહીં હોય ? ‘અ’ સમસમી જતો. પણ એ શું કરે ? એ લાચાર હતો.

[દશ્ય:18] સ્થળ : એરપોર્ટ, સમય : રાતના બાર.

ટેક્સીમાંથી ‘અ’, બિટ્ટુ, નિધિ અને કાકા ઉતરે છે. હાસ્બાર પહેરેલ બિટ્ટુ તો જાણે વરરાજા જ લાગે છે. નિધિ તો બિટ્ટુનાં વિદેશગમનથી ફૂલી નથી સમાતી…. થોડી વારમાં તો સ્નેહીઓ-મિત્રોની વણઝાર એકઠી થઈ જાય છે. ‘અ’ સહુને સ્મિતભેર આવકારે છે. સહુનાં સલાહ-સૂચન, પરદેશ વસતા સગા વગેરેનો રેફરન્સ સતત ચાલુ જ હતા. બસ, હવે ચેક-ઈન ની જાહેરાત થઈ. જ્યાં સુધી જવાની છૂટ હતી, ત્યાં સુધી સહુ ચાલ્યા. વાંકો વળી બિટ્ટુ નિધિને પગે લાગ્યો. નિધિનાં હસતા ચહેરાની આંખો બોઝિલ હતી. હવે તે ‘અ’ ને પગે લાગ્યો….
‘અ’ જાણે દિગ્મૂઢ બની ગયો…. બિટ્ટુ પાછળ વળી હાથ હલાવતો રહ્યો.
‘અ’ને ખબર ન પડી તેને શું થાય છે ! સહુ હાથ હલાવતા રહ્યા…. આવજો કહેતા રહ્યા… અચાનક કંઈ ભાન આવ્યું હોય તેમ ‘અ’ એ બિટ્ટુની દિશામાં હાથ થોડો ઊંચો કર્યો.

[દશ્ય:19] સ્થળ : એરપોર્ટ, ટેક્સી સ્ટેન્ડ, સમય : રાતના ત્રણ.

‘અ’ ધીમે ધીમે કંઈક બોલતો હતો…
‘આખર એ ગયો. ન જ….’
‘શું કહ્યું ?’ કાકાએ કાનનું બટન ઠીક કરતાં મોટા અવાજે પૂછ્યું. ‘અ’ એ જવાબ ન આપ્યો. અચાનક જ ‘અ’ને પરસેવો થવા લાગ્યો. તેની આંખમાં આંસુ ઉભરાતાં હોય તેમ લાગ્યું. પણ થોડાક આંસુ હજી છાતીમાં ભીંસ લેતા હતા અને ગળે ડૂમો બની બાઝ્યા હતા. તે કંઈક બોલવા ગયો અને કોઈકનું ધ્યાન ગયું :
‘અરે, શું થયું ? બેસો, બેસો…’
કોઈ ‘અ’નો વાંસો થાબડતું હતું, તો કોઈ પાણીની બોટલ ધરતું હતું… ત્યાં ક્યાંકથી કોઈના હાથમાંથી મેગેઝિન ઝૂંટવી કાકા પંખો નાંખવા લાગ્યા. ‘અ’ના આંસુનો બંધ હવે જાણે ધોધ બની વહેવા લાગ્યો….
‘બાપનું દિલ છે ને ! આ તો હરખનાં આંસુ.’ લોકોએ નિદાન કર્યું.

[સમાપ્ત]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પંચામૃત – દેવેન્દ્ર એલ. ત્રિવેદી
વાતોનું વર્તુળ – સંકલિત Next »   

48 પ્રતિભાવો : એક હતો ‘અ’…. – અભય દેસાઈ

 1. hardik says:

  અ એટલે અભયભાઈ તૉ નહીને?
  ખુબ સરસ વાર્તા, એકાંકી. પ્રથમ ઈનામ ને યોગ્ય..

  • Moxesh Shah says:

   અ એટલે અભયભાઈ, હર્દિકભાઈ, મોક્ષેશભાઈ, ………..બધા જ આવી ગયા.

   અલગ રીતે લખાયેલી હશે, પણ ખુબ સરસ વાર્તા.

   ઍમ જ કઈ, જીવન / જીન્દગી પર સૌથી વધુ ગીતો બન્યા હશે?

   • hardik says:

    હા હા મૉક્ષેશ ભાઈ. આપે સાચું કહ્યું.
    ઘણાં ‘અ’ બનવાનાં રસ્તા પર છે તૉ ઘણાં ‘અ’ બની ચુક્યા છે. બહુ ઓછાં ‘અ’ ની જગ્યા એ ‘મ’ બની શક્યા છે. મ = મહાન

    • Navin N Modi says:

     કેટલાક એવા પણ છે જે ‘અ’ બનવાના આ રસ્તે નથી ગયા. પરંતુ બીજા કોઈ પ્રસંગોએ એમને આવી હાલતમાં મુક દીધા છે.
     ત્યારે પણ લોકોનું નિદાન એ જ આવેલું છે – આ તો હરખના આંસુ.

     • abhay desai says:

      લોકો કોને કહ્યા??….નિદાન માગ્યા વગ્રર ક્રરે….આભાર્…

  • Dushyant says:

   Most boring stuff I have read so far…Feeling very heavy headache.
   I am sure everyone life is not so boring like this. There is always up and down in life.

   Let me have pain killer.

 2. kalpana desai says:

  નવીન માવજતવાળી સુન્દર વાર્તા……અભિનન્દન

 3. અકાંકી દ્રશ્યો સાથેનો નવો પ્રયાસ.. નિયમોને અનુરુપ વાર્તા હશે ,
  આમ વ્યક્તિની વાત સરસ દર્શાવિલ છે.
  સંપૂર્ણ પણે વાર્તા ગમી એવું કહી ન શકાય્.
  કીર્તિદા

 4. ખુબ સુંદર…..

  સાવ અલગ રીતે લખાયેલી વાર્તા.

 5. Vipul Panchal says:

  ખુબજ સુન્દર એકાકી, નવો પ્રયાસ સફલ રહ્યો.

 6. કલ્પેશ says:

  માણસના હૃદયના ભાવોને સરસ રીતે વર્ણવ્યા છે.

  ત્યાં જ અંદરથી નમણી જે હવે ધીમે ધીમે બમણી થતી જાય છે

  આ સ્ત્રીઓને સવાર સવારમાં શું ભૂત પાછળ પડતું હશે ? તેણે મારા માટે બનાવેલા ટિફિન કરતાં મારી સાથે લીધેલી ચાની ચૂસકી મને વધારે ગમે છે, તે કેમ નિધિ સમજતી નથી ?

  હું ટીવી જોઉં ત્યારે જ શા માટે નિધિ વાતો કરતી હશે ?’
  ‘અરે મજાક કરું છું, મારાથી તારી સાથે મજાક પણ ન થાય ? કહેતી હોય તો ટીવી બંધ કરી દઉં, બસ ?’

  ‘હે નારીવાદીઓ ! તમે ક્યાં છો ? હે સ્ત્રી સમાનતાનાં ઝંડાધારીઓ ! તમારી નજર આ તરફ ક્યારેય જશે ખરી ?’

  ‘એ હું ફોડી લઈશ… મારા લંચની કે મારી ચિંતા ન કરીશ.’

  એનો બાપ અડધી જિંદગી ગઈ ને સુધર્યો નહીં, એ શું સુધરશે ?’

  ‘કેમ તમને શું થયું છે ? પહેલાં તો બહુ શોખ હતો લોંગ ડ્રાઈવ પર રખડવાનો… અને ગાડી માટે ડ્રાઈવર તો શું, મારો ભરોસો પણ ક્યાં હતો ?’ ‘અ’ અકળાયો. આને શું કહેવું ? લોકો સમજતા કેમ નહીં હોય ? પહેલાં શોખ હતો તો હતો, હવે નથી. શોખ નથી, ઈચ્છા નથી કે મૂડ નથી.

  જો કે નવા ડૉક્ટરની દવાથી સુધારો થયો. મા માં ચેતન અને શક્તિ આવી…. તે મા ખુદ અનુભવતી હતી.. પણ તેણે ક્યારેય આ બાબત ‘અ’ પાસે સ્વીકારી નહીં.

  માણસે બેટરહાફને બધી વાત કરવી જોઈએ. બધી એટલે બધી જ. આ વાત નિધિ માટે સાચી હતી. નિધિ કોણે શું પહેર્યું, શું કર્યું અને પોતે શું પ્રતિભાવ આપ્યો વગેરે બધું જ કહે. અરે પોતે દિવસમાં કેટલી છીંક ખાધી તે પણ નિધિ કહે જ. પણ ‘અ’ને આવી બધી વાત કરતાં ફાવતી જ નથી. ફાલતુ સમય પસાર કરવાનો કે બીજું કંઈ ? આ ડૉક્ટર કેમ સમજતા નથી ? તેઓ ખુદ કહે છે કે ખાસ કંઈ તકલીફ નથી, તો પણ મારે સહુ સગાવહાલા, ઈષ્ટમિત્રોને ઢોલ વગાડી વગાડીને જાણ કરવી ?

  ‘બેટા, તને તો મારી પાસે બેસવાનો જાણે સમય જ નથી.’

  હોય, એ તો બિચારા…. બિમાર છે… અને ઉંમર થઈ…’ મા અને નિધિ વચ્ચે સમાધાન ક્યારે અને કેમ થઈ ગયું તેની તો ‘અ’ ને ખબર જ ન હતી.

  ‘કોઈ માણસ બીજા માણસની આગળપાછળ આખો દિવસ ફરી શકે નહીં, તે વાત વડીલો કેમ સમજતા નહીં હોય ?’

  ‘અ’ કાળજાનો ઘણો કઠણ છે… નાનપણથી જ હોં !

  ‘અ’ને શું થયું ? આટલા દિવસ તો સાવ સ્વસ્થ હતો… નિધિને પ્રશ્ન થયો. પણ ‘અ’ને ખુદને જ ક્યાં ખબર હતી, તેને શું થાય છે ?

  કંપનીનું મૂળ ધ્યેય અને મુખ્ય પોલિસી શું છે, તે આ બુદ્ધિશાળી માણસ કેમ સમજતો નહીં હોય ? ‘અ’ સમસમી જતો. પણ એ શું કરે ? એ લાચાર હતો.

  ‘બાપનું દિલ છે ને ! આ તો હરખનાં આંસુ.’ લોકોએ નિદાન કર્યું.

  સ્ત્રીઓ વિષે ઘણુ લખાય છે. પુરુષના વિચારો વાંચવાની ખૂબ જ મજા આવી.
  બિચારો માણસ!!

  • abhay desai says:

   આપે પારખી છે. મારા તમે બહુ આબાદ ઝીલ્ય છે. એટલી તન્મયતાથી કૃતિ વાંચવા અને સમજવા માટે અભાર.અભય
   દેસાઈ

 7. kumar says:

  ખુબ સરસ …ખરેખર ખુબ સરસ

 8. અશોક જાની 'આનંદ' says:

  આપણા સહુના જ જીવનના દર્પણ સમી સાવ નોખી શૈલીમાં લખાયેલી વાર્તા, ટુંકી વાર્તાના સ્વરૂપમાં પ્રેમલગ્નથી પુત્ર વિદેશગમનનો ચિતાર સુપેરે આલેખાયો છે. જોકે વાર્તામાં અપેક્ષા મુજબ જ પ્રસંગો આવતાં જાય છે, ક્યાં ય પણ રહ્સ્યનું તત્વ વર્તાતું નથી એટલી ઉણપ લાગી છતાં ઉલ્લેખનીય પ્રયાસ જરૂર ગણી શકાય્…….

 9. sima shah says:

  ખુબ જ સરસ, નવી રીતે લખાયેલી વાર્તા……….
  બહુ જ ગમી, સામાન્ય માણસની નાની નાની વાતો, મનોભાવો બહુ સુંદર રીતે દર્શાવ્યા છે.
  ખરે જ પ્રથમ ઈનામને યોગ્ય વાર્તા.
  અભીનંદન અભયભાઇ,
  સીમા

 10. Margesh says:

  Beautiful Story…Truely deserves the First Prize..

 11. Rajesh Joshi says:

  ‘અ’ ની ડાયરીના પાના વાંચવાની મજા આવી..
  આ ખરેખર એક [લાઈવ] વાર્તા છે.
  અભયભાઈને અભિનંદન..,

  મૃગેશભાઈ,
  જતન ડી. પંડ્યાની ‘પ્રેમ…એક વિશ્વાસ’ વાંચવાની ખૂબ જ ઇચ્છા થઈ આવી કારણ કે તેને બે નિર્ણાયકો તરફથી પણ વિરોધાભાસ કહી શકાય તેવા ગુણ (રમેશ દવે – ૮૦, ડૉ.રેણુકા પટેલ – ૨૮) મળ્યા છે. એ વાર્તામાં ‘કઈક’ તો હશે જ.

 12. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ જ સરસ વાર્તા. જાણે દરેક વાંચનારને પોતે જ આ ‘અ’ હોય એવી પ્રતિતિ થયા વગર રહે નહિં.

 13. Paresh says:

  ખુબ જ સરસ. Best way to put thoughts, presonal experience, and imagination together.. I wonder why this story did not get 1st prize. Actually,, all the story for me is the 1st prize winner..

 14. ખુબ જ સરસ .. એક્દમ નવા પ્રકારે લખાયેલી આ વાર્તા ખુબ ગમી… સ્ત્રિઓ ના દ્રષ્ટિકોણ થી તો ઘણી વાર્તાઓ વાંચી છે પણ પુરુષ ના દ્રષ્ટિકોણ થી વાંચવા નુ ક્યારેક જ બન્યુ છે… અભય ભાઈ ને અભિનંદન સાથે આભાર કે આવો નવો સાહિત્ય-પ્રકાર જાણવા ને માણવા મળ્યો….

 15. nayan panchal says:

  વાર્તા છે તો મજાની. આ વાર્તા વાંચતા વાંચતા દરેક પુરુષ વાચકની આંખ સામે પોતાનુ જીવનચક્ર ઉલટી દિશામાં ફરવા માંડશે.

  વાર્તાની શરૂઆત ‘અ’ સંબંધમાં પડે ત્યારથી થાય છે. શું આનો ગૂઢાર્થ એવો સમજવો કે આ માયાજાળમાં તેના ફસાવાની શરૂઆત ત્યારથી જ થઈ.

  અભયભાઈને હાર્દિક અભિનંદન.
  નયન

 16. yogesh says:

  અભય ભાઈ,

  ખુબ જ સુન્દર ક્રુતિ.

  મારા મતે, આ ક્રુતિ, પ્રથમ ઇનામ ની હક્દાર છે.

  આભાર્

  યોગેશ્.

  • abhay desai says:

   આભાર્. તમારા જેવા વાચ્કો ના સહ્કાર વ્ગર લેખક અધુરા .. એ ક અ…..

 17. harikrishna patel says:

  very good story.

 18. Jagruti Vaghela USA says:

  “અ” ની આત્મકથા વાંચવાની ગમી. સાથે અમુક વાતોને સરસ રીતે વણી લીધી છે જેવી કે
  વડીલો ની ખોટી ખોટી તબિયત ની ફરિયાદો , મીઠુ મીઠુ બોલીને બીલો બનાવતા ડૉક્ટરો વિગેરે…

  અભિન્ંદન શ્રી અભયભાઈ

 19. hiral says:

  સરસ રીતે ટૂંકમાં(ટૂકા ટૂંકા એપિસોડમાં) ઘણું કહી દીધું છે અભયભાઇએ.

  પુરુષોની વ્યથા-કથા ઘણી સરસ રીતે વર્ણવી છે.

  સાચી વાત છે કે આપણે બધા ‘અ’ છીએ. દરેક ‘અ’ ક્યાંકને ક્યાંક કોઇ ઘટમાળમાંથી પસાર થઇ રહ્યો છે.

 20. રોજીંદા અને આસપાસ જોવાતાં-અનુભવાતા એવા પોતીકા લાગતા ઘટનાક્ર્મમાં વાર્તાકાર એમની કથન શૈલિથી વાચકને જકડી શકવામાં સફળ નીવડ્યા છે. ટૂંકી વાર્તા અને એકાંકી સદૃશ સંયોજનની મૌલિકતાને ભારોભાર બિરદાવવી જ રહી. ભવિષ્યમાં અભયભાઈ દેસાઈ પાસેથી આપણને સુંદર વાર્તાસંગ્રહ મળે એ આશા અસ્થાને નથી.

 21. Veena Dave. USA says:

  અભિનંદન.
  સરસ વાર્તા. દરેકને ક્યાંક અહિ પોતાનામાં ‘અ’ કે નિધિ દેખાતા હશે.
  આમ જ લખતા રહેજો અભયભાઈ.

 22. Viren shah says:

  ઘણી જ સરસ વાર્તા. વેરી વેલ પ્રેસેનટેડ. માણસની જીંદગી આમે જ ચાલી જાય છે. ખાલી એક વાત જે ના ગમી એ કે આ જ વાર્તાને પોઝીટીવ સ્પીન આપ્યો હોત તો વધારે સુખદ લાગત. અ અહી સક્સેસફુલ વ્યક્તિ છે તો એને એટલો દુખી કેમ બતાવ્યો છે? હમેશા ટેન્શન અને દુખ લઈને માથે ફરવાની જરૂર નહિ, એટલે અ પોતે પણ સુખી જીવન જીવી શકે અને એવા ખુશ અને સુખી હોય જેમને તમે અંગત રીતે જનતા હોવ એવા અ જેવા લોકો હોય છે, એવું નથી કે એ વાત વાસ્તવિકતાથી દુર છે.

 23. Hetal says:

  very nice story- I really liked the story but I did not understand why “a” lived such a poor life? He was not able to balance- live any relationship properly- all he did fine was his job and nothing else- He kept his mouth shut most of the times and hid his feelings and such- but it didn’t make anyone happy- looks like neither his wife, son or mom were able to understand him and happy with him- he could have done better than just worrying about money and future- one must plan and think about those necessary issues of life but it can not be center of your life. The story is very very nicely narrated but I did not like negativity all the way through.
  Congrats Abhaybhai!

 24. (પિપલી [લાઈવ]ની જેમ)

  આ ગમ્યુ..

 25. Mital Parmara says:

  સરસ વાર્તા ..

 26. Jatan says:

  ખુબ જ સરસ વાર્તા ! ક્યારેય આવી રીત નું લેખન નથી વાંચ્યુ. ખરેખર પ્રથમ ઈનામ ને યોગ્ય.

 27. Vinod Patel says:

  એ હકીકત છે કે પુરુષ કરતા સ્ત્રી વધારે જીવે છે. આ વાર્તામાં બઘાજ કારણો છૂપાયલો છે. સરસ વાર્તા. લેખક ને અભિનંદન!

 28. ઈન્દ્રેશ વદન says:

  અભયભાઈ, સુંદર વાર્તા.
  તમે સ્ક્રીનપ્લે લખવાની પેરવીમાં લાગો છો. કારણકે વાર્તા લગભગ એ જ ફોરમેટમાં લખાઈ છે.

  વારુ, અદભૂત. You’ve captured the nuances cleverly.

 29. prathmesh patel says:

  excellent! the story looked like a “time-lapse photography” .of life. .. showing the mirror of our life in plain simple language.

 30. trupti says:

  અભયભાઇ, ખુબ જ સરસ વારતા. Short and sweet but wonderful story.You have done minute observations of day to day life activites and found meaning in it. It is an innovative way of writing.Expect more from you.

 31. વાર્તાનો વિષય ગમ્યો સુઁદર રેીતે નિરૂપણ થયુઁ છે થોડુઁ ટુઁકાવેી શકાયુઁ હોત તો વધુ અસરકારક બનેી હોત ! અઁત ગમ્યો !

  “‘બાપનું દિલ છે ને ! આ તો હરખનાં આંસુ.’ લોકોએ નિદાન કર્યું.”

 32. nilam doshi says:

  અભિનઁદન…એકંદરે સફળ પ્રયોગ..
  ખાસ કરીને અંતનું છેલ્લું વાકય ચોટદાર રહ્યું..જેને લીધે જ કદાચ વાર્તા બની શકી છે…

  .

 33. Nidhi Shah says:

  ખુબ જ સરસ વાર્તા …અભયભાઈને અભિનંદન!

 34. Jagat says:

  વાચકને વાર્તા માં તરબોળ કરી મૂકે તેવી કૃતિ છે.તદુપરાંત વાર્તાકારનું ઝીણવટસભર અવલોકન અને તેને વ્યક્ત કરવાની સચોટતા અભિનંદનીય છે. “અ…” ને કેન્દ્રસ્થાને રાખી સમાજની વચ્ચે પીસાતા લાગણીશીલ “બિચારા પતિઓ -પિતાઓ અને પુત્રો ” નો ચિતાર આપી દીધો.આડકરતી રીતે લોકો (સમાજ-society) પરનાં કટાક્ષથી થયેલો અંત — ‘બાપનું દિલ છે ને ! આ તો હરખનાં આંસુ.’ લોકોએ નિદાન કર્યું – વાર્તા ને સુંદર ઉઠાવ આપે છે.આગળની કોમેન્ટ માં શ્રી. પંચમભાઈ એ કહ્યું તેમ – ” ભવિષ્યમાં અભયભાઈ દેસાઈ પાસેથી આપણને સુંદર વાર્તાસંગ્રહ મળે એ આશા અસ્થાને નથી” ,વાતમાં હું પણ ટાપસી પૂરાવું છું.

  વંદન અને અભિનંદન સહ,
  જગત

 35. Vaishali Maheshwari says:

  Thank you for this different kind of story Mr. Abhay Desai. You have mentioned different stages of a man’s life very well. Congratulations for being a winner of the story competition. Keep writing!

 36. Akhil Patel says:

  I enjoyed it very much and recalled the a moments when I left the india 1.5 month back for job. Really its cool and touching moments for everyone.

 37. Ashish Dave, Sunnyvale, California says:

  Very well written story… Heartiest congratulations… The last line is the master stroke.

  Ashish Dave

 38. Dipti Trivedi says:

  બિટ્ટુની ખુશી હવે તો સાતમા આસમાને ઉડી રહી હતી. ‘અ’હસ્યો. આટલું સરસ તે ભાગ્યે જ હસતો———-આખી વાર્તામાં મને આ ભાવ સૌથી વધુ સ્પર્શી ગયો. તંત્રીશ્રીથી માંડીને ઘણાએ લખ્યા પ્રમાણે વાર્તા આપણા સૌની છે એટલે રહસ્ય નથી રહેતુ પણ માનવમનના વિચારો જે રીતે રજૂ કર્યા છે તે અને વાર્તા જે બીબામાં ઢાળી છે તે પ્રથમ પ્રયાસ તરીકે પ્રશંશનીય છે.

 39. ખૂબ સુંદર વાર્તા…સાહિત્યનાં બે પ્રકારોનું કરાયેલું સમાયોજન પ્રશંસનીય તેમજ અનુકરણીય છે. બિચારી સ્ત્રી તો ઘણીવાર આલેખાયેલું અને વંચાયેલું છે પણ બિચારો પુરુષ વાંચી કાંઇક જુદું નિષ્પન્ન થયું. ખૂબ ખૂબ અભિનંદન અભયભાઇ
  આવા અનોખા પ્રયોગોયુક્ત રચનાઓ સત્વરે વાર્તાસંગ્રહ સ્વરુપે પ્રાપ્ત થશે તેવી અપેક્ષા રાખું છું.

 40. MEGHA says:

  સરસ ……If u can’t share and express your views and feelings …..atleast among nearestones….then no one can help u . one should work but should not become workiollic ………….
  I always belive that ” those who don’t change himself acording to time…..time will leave them behind…………………”
  If one don’t have time 4 child or to talk or to go out or to ask about his wish and needs…………….child will not give time when he growup…………..
  વાર્તા મા એક વાર બિન્દુ કહે ચે………..પાપા હુ મોટો થૈ તમારા જેવો એન્જિેનિઅર બનિશ્………………તે બાપ જેવો જ બન્યો………………….જેવુ વવો તેવુ લનો…………..ગુજરાતિ કહેવત ચે.

 41. Ashok Vaishnav says:

  ઘણા બધા પ્રતિભાવો પછીથી વધારે લખવું ઉચિત ન કહેવાય.
  માત્ર એટલું જ ઉમેરૂં કે – ‘Men are from Mars’ and ‘Women are from Venus’.
  એક લાગણી રોકી નથી શકતોઃ અભયભાઇને અભિનંદન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.