છૂપા રુસ્તમ – બકુલ દવે

[ સંપૂર્ણ સત્યઘટના પર આધારિત આ કૃતિ ‘શબ્દસૃષ્ટિ’ સામાયિક (ઑગસ્ટ-2010)માંથી સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ માટે પરવાનગી આપવા બદલ શ્રી બકુલભાઈનો (સુરેન્દ્રનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 2752 223500 સંપર્ક કરી શકો છો.]

અઠવાડિયામાં એક-બે વાર મારે ધીરુભાઈને મળવાનું અચૂક બનતું. મ્યુનિસિપાલિટી સંચાલિત પુસ્તકાલયમાં ધીરુભાઈ નોકરી કરે. પુસ્તકાલયમાં પ્રવેશતાં જ લાકડાની હચમચી ગયેલી ખુરશી પર બિરાજમાન ધીરુભાઈનાં દર્શન થાય. ઊભા ઓળેલા આછા થઈ ગયેલા વાળ, લાંબા ચહેરા પર ત્રણ-ચાર દિવસની ખીચડી દાઢી, બેસી ગયેલા ગાલ અને અણીશુદ્ધ નાક. જડબાંનાં હાડકાં અને લમણાંની નસો ઊપસી આવેલી. આંખોમાં ગજબની ચમક. વાત કરતાં અકારણ હસતા જાય અને ક્યારેક તાળી દેવા માટે હાથ લંબાવતા રહે. હસે ત્યારે આગળના બે દાંતની અનુપસ્થિતિમાં થયેલી જગ્યા દેખાઈ આવે. પહેરવેશમાં લાંબી બાંયનું સફેદ શર્ટ અને સફેદ લેંઘો. કધોયા પડી ગયેલાં. શર્ટનું એકાદ બટન લગભગ ગાયબ હોય. બાંયનું બટન હોય તો પણ ન બીડે. ખુલ્લી બાંયો લટકતી હોય.

ખુરશી જેમ જ ખખડી ગયેલા ટેબલ પર લાલ પૂંઠાનાં રજિસ્ટર પડ્યાં હોય. ઢાંકણા વગરની સસ્તી બૉલપેનથી ધીરુભાઈ રજિસ્ટરનાં પાનાં પર ગરબડિયા અક્ષરોમાં નોંધ કરે. નાનકડા પુસ્તકાલયમાં ધીરુભાઈ ગ્રંથપાલ અને પટ્ટાવાળા પણ એ પોતે જ. દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી. વન મેન આર્મી. લાયબ્રેરી સાયન્સનો કોર્સ તો એમણે ક્યાંથી કર્યો હોય ? માંડ લખવા-વાંચવા જેટલું ભણેલા. પણ કોઠાસૂઝ ઘણી. પોતાના કામને પૂરા સમર્પિત. નિષ્ઠાવાન. અજાણપણે કર્મયોગ કર્યા કરે. લેખકોના નામના આધારે, કક્કાવારી પ્રમાણે પુસ્તકોની નોંધ રજિસ્ટરમાં વ્યવસ્થિત રાખે. ભરવાડ એનાં ઘેટાંને ઓળખે તેમ એ પણ લગભગ દરેક પુસ્તકને ઓળખે. કોઈ પુસ્તક જડતું ન હોય તો તરત મદદે આવે ને જણાવે, ‘ચૌદ નંબરના કબાટમાં બીજા ખાનામાં જુઓ.’ ….ને પુસ્તક ત્યાંથી મળી જાય.

ધીરુભાઈ પોતાના માટે જરા બેધ્યાન પણ પુસ્તકાલયને ચોખ્ખું ચણાક રાખે. રોજ સવારે સાવરણી લઈ સફાઈકામ કરવા લાગે. ખૂણેખૂણો વાળે. ફર્શ પર એક તણખલું ન રહેવા દે. ફિનાઈલ નાંખેલા પાણીથી દર બે-ત્રણ દિવસે પોતાં કરે. સભ્યો પાસે પણ એ સ્વચ્છતા જાળવવાનો આગ્રહ રાખે. પગરખાં બહાર કઢાવે. કહે, ‘મા સરસતીના મંદિરમાં જોડાં પહેરી ન અવાય.’ ધીરુભાઈને કામ વગર બેસવું ન ગમે. કીડીઓ ચડે. કંઈ ને કંઈ કરતા રહે. પુસ્તક ફાટેલું જુએ કે તરત એને એક તરફ અલગ મૂકી દે. થોડી નવરાશ મળે કે તરત એને રિપેર કરવા લાગી જાય. ગુંદર, સેલોટેપ અને કાતર હાથવગાં રાખે.

એક વાર મેં હસતાં હસતાં કહ્યું : ‘ધીરુભાઈ, ગયા જન્મમાં તમે જરૂર પંડિત હશો.’
‘લે હાલ્ય, ઈ કઈ રીતે ?’
‘પૂર્વજન્મનો ઋણાનુબંધ હોય તો જ તમને આટલાં પુસ્તકો વચ્ચે રહેવા મળે.’
‘તમે અડધા સાચા અને અડધા ખોટા.’ દળદાર ધર્મગ્રંથ પરથી ધૂળની છેપટ ઉડાડતા ધીરુભાઈ બોલ્યા.
‘મને સમજાયું નહીં.’
‘હું સમજાવું તમને….’ ઝાપટિયું યથાસ્થાને મૂકી ધીરુભાઈ કશું રહસ્ય ઉદ્દ્ઘાટિત કરવા જતા હોય તેમ મારી નિકટ સરક્યા, ‘ગયા જનમમાં હું ચોપડિયું વચ્ચે રે’તો હોઈશ ઈ તમારી વાત સાવ સાચી પણ હું પંડિત-ફંડિત નહીં હોઉં….’
‘તો ?’
‘ચોપડીમાં રહી ઈને હોંહરુ ખૈ જતું ઓલું ચળકતું, સફેદ જીવડું હોય છે ને ? ઈવડું ઈ હું હોઈશ…..’ હસીને તાળી લેવા માટે ધીરુભાઈએ હથેળી લંબાવી, ‘ગયા જનમમાં મેં ધરાઈને ચોપડિયું કોરી ખાધી હશે ઈ સારુ મને આ ભવમાં આ સજા મળી, પ્રભુ.’
‘સજા ?!’
‘હા સ્તો. ચોપડિયું વચ્ચાળે રઉં છું પણ વાંચવાનું મન જ થતું નથી. ધણી-ધણિયાણી એક જ ઘરમાં રે’તા હોય પણ બેય માણહને બોલવાનો વે’વાર નો હોય ઈના જેવું.’
હું ખડખડાટ હસી પડ્યો. તાળી લેવા હાથ લંબાવતા ધીરુભાઈ પણ મારી સાથે હસવામાં જોડાયા. કહે, ‘શી ખબર કિમ, પણ વાંચવાનું મન જ થતું નથી.’
‘તો મનને એ માટે કેળવો.’
‘આ ઉંમરે ?’
‘આમાં ઉંમર ક્યાં આવી ?’
‘કિમ નહીં ? હવે પાકા ઘડે કાંઠા નો ચડે. આ કરું છું ઈ કામ બરાબર કરું તોય ઘણું છે.’

એક વાર હું પુસ્તકાલય ઊઘડવાના સમય કરતાં વહેલો પહોંચી ગયો. મુખ્ય દ્વાર બંધ હતું. રિસ્ટવૉચ સામે જોતો હું ઊભો હતો ત્યાં ધીરુભાઈની ઓરડીનું બારણું સ્હેજ ખૂલ્યું. ઊભા વાળ ઓળેલો ધીરુભાઈનો ચહેરો ડોકાયો, ‘લે પ્રભુ, તમે ?’ ધીરુભાઈ કદીયે મને મારા નામથી સંબોધન ન કરે. હંમેશાં ‘પ્રભુ’ જ કહીને બોલાવે. બે’ક વાર મેં એમને કહ્યું પણ ખરું કે એ મને મારા નામથી સંબોધે, પણ વ્યર્થ. જોકે પછી મેં પણ આગ્રહ પડતો મૂક્યો. છેવટે વૉટ ઈઝ ધેર ઈન એ નેઈમ ? સમય જતાં ખબર પડી કે સામે વ્યક્તિ કોઈ પણ હોય, ધીરુભાઈને ફેર નથી પડતો. ‘પ્રભુ’ સંબોધન સૌના માટે એ પ્રયોજે છે. એમને બધાંમાં પ્રભુ દેખાતો હશે એટલે ?
‘બા’ર ક્યાં લગી ઊભા રે’શો ? માલીપા આવોને….’ ધીરુભાઈએ મને વિચારોમાંથી બહાર આણ્યો, ‘હજી અડધી કલાકની વાર છે….’
હું અંદર ગયો.

પુસ્તકાલયની અડોઅડ આવેલી આ ઓરડી હતી ધીરુભાઈનું નિવાસસ્થાન. લગભગ ચૌદ ગુણ્યા બાર ફૂટનું ક્ષેત્રફળ. ઊબડખાબડ ભોંય, બેરંગ દીવાલો અને વિલાયતી નળિયાંથી છાયેલું છાપરું. ઓરડીનો એક તરફનો હિસ્સો સૂવા-બેસવા માટે ઉપયોગમાં લેવાય અને બીજી બાજુનો ભાગ રસોડાની ગરજ સારે. વચ્ચે કોઈ આડાશ નહીં. જરૂરિયાત પ્રમાણે બંને તરફનો વિસ્તાર વત્તો-ઓછો થતો રહે. દીવાલને અઢેલી પાટી ભરેલો ખાટલો છે. એની પર ગોળ વીંટો કરી મૂકેલાં ગોદડાં અને જીર્ણ થઈ ગયેલાં ગલેફવાળાં બે ઓશીકાં. ફાઈબરની એક ખુરશી. કાળું પડી ગયેલું લાકડાનું કબાટ. દીવાલ પર ફૂટેલો અરીસો. મહાલક્ષ્મીના ચિત્રવાળું જૂનું કૅલેન્ડર. વળગણી પર કપડાં લટકે. ડાબી તરફ ભીંતમાં ગોખલો. એમાં દેવદેવીઓના ફોટા. ઝીરોનો બલ્બ ટમટમે, અખંડ દીવાના વિકલ્પ રૂપે ! રસોડું છે તે હિસ્સામાં પતરાનાં – એલ્યુમિનિયમનાં ત્રણેક નાનાંમોટાં ડબલાં, સ્ટવ અને થોડાં ઠામડાં. ઓરડીનું બારણું પુસ્તકાલયમાં પણ ઊઘડે. તે દ્વારા ધીરુભાઈ ઘર અને પુસ્તકાલયમાં આવ-જા કરી શકે એવી સગવડ.
ધીરુભાઈએ તપેલીમાં પાણી કાઢ્યું ને સ્ટવ સળગાવવા લાગ્યા. મેં પૂછ્યું : ‘શું કરો છો ?’
‘અડધી અડધી અડાળી ચા ઠઠાડશું ને ?’
‘ના, ચા ન મૂકશો ધીરુભાઈ.’
‘કિમ ?’
‘હું ચા પીઈને નીકળ્યો છું.’
‘ઈમ તો મેંય ચા પીધી છે, પ્રભુ. પણ એક ડોજ ઓર…..’ ધીરુભાઈએ આદતવશ હાથ લંબાવ્યો. કુલ ત્રણ જોડ કપરકાબી હતાં. સૌથી સારાં જણાતાં હતાં તેને અલગ તારવી ધીરુભાઈએ મને એમાં ચા આપી. બાકી રહેલી ચા એમણે નાકા વગરના કપમાં પોતાના માટે ગાળી. ખુલાસો કરતાં હોય તેમ એમણે કહ્યું : ‘નવાં કપરકાબી લાવવાં છે પણ ટેમ મળતો નથી.’

ધીરુભાઈ લિજ્જતથી ચાના સબડકા ભરવા લાગ્યા. પણ હું મૂંઝાયો. લાકડા જેવી કડક અને મીઠી ચા પીવાનું મારા માટે અઘરું બની ગયું. જેમતેમ કરી હું ઘૂંટડા ઉતારી ગયો. ધીરુભાઈએ કબાટ ઉઘાડ્યું. સૂડી-સોપારી કાઢી એ પગ પર પગ ચડાવી ફર્શ પર બેઠા, ‘સોપારી ખાશોને ?’ ચાનો સ્વાદ દૂર કરવાનું જરૂરી હતું. મેં હા પાડી. સોપારી ઝીણી કાતરી મારી હથેળીમાં મૂકતાં ધીરુભાઈએ જણાવ્યું :
‘ખાવ, અસ્સ્લ સેવર્ધની છે, પ્રભુ. મોંમાં મૂકતાં જ ઓગળી જાય.’
મેં ચૂરો મોંમાં મૂક્યો. તરત ખબર પડી ગઈ કે આ સેવર્ધની સોપારી નથી. ધીરુભાઈને કોઈએ છેતર્યા હતા.
‘આ ક્યાંથી લાવ્યા ?’ મેં પૂછ્યું.
‘મારો એક દોસ્તાર છે. ખાસમખાસ. ઈ મને પડતર ભાવે આપે છે.’ ધીરુભાઈએ સગર્વ જણાવ્યું ને મને પૂછ્યું, ‘છે ને અસ્સ્લ સેવર્ધની ?’ મને સાચું બોલવાનું મન ન થયું. ફક્ત માથું ધુણાવી સંમતિ દર્શાવી. ધીરુભાઈનો ચહેરો હસું હસું થઈ ગયો : એમ વાત છે ! – નાનીશી વાતમાં ખુશ થઈ જવાનું ધીરુભાઈને સાવ સહજ. એમણે આનંદ શોધવા જવું પડતું નહીં. એ હસતા-હસાવતા રહેતા તો પણ કોને ખબર કેમ, પણ એમના હાસ્યમાં મને વિષાદની છાંટ જણાતી.
‘પ્રભુ, તમારે આ સોપારી લેવી હોય તો મને કે’જો. હું લાવું છું ઈ ભાવમાં તમને લાવી આપીશ.’ ધીરુભાઈએ મને ઓબ્લાઈજ કરવાની હાર્દિક ઈચ્છા દર્શાવી. મેં ના પાડી. કહ્યું : ‘હું ક્યારેક જ સોપારી ખાઉં છું. મને એની ટેવ નથી.’

એક દિવસ હું વાર્ષિક ફી ભરવા માટે પુસ્તકાલય ગયો. એક વાગી ગયો હતો. પુસ્તકાલય બંધ થઈ ગયું હતું. પુસ્તકાલય સાડાબાર સુધી જ ખુલ્લું હોય. હું ધીરુભાઈની ઓરડીમાં ગયો. થયું, એમને મળીને જાઉં. એ જમવા બેઠા હતા. મને જોઈ ઊભા થવા ગયા. મેં એમને રોક્યા : ‘જમી લો નિરાંતે…’ ગોબાવાળી, ખડખડ થતી થાળીમાં જાડી રોટલી, રીંગણાં-બટેટાનું ખાસ્સું મરચું નાખેલું લાલચટ્ટક શાક અને ઝીણી કાપેલી ડુંગળી. શાકમાં તેલ કરતાં પાણી ઝાઝું. રસો ફેલાઈ ન જાય તે માટે થાળી નીચે સાણસીનો ટેકો મૂક્યો હતો.
‘હાલો, જમવા…..’ ધીરુભાઈએ કપાળ પરથી પરસેવો લૂછતાં આગ્રહ કર્યો.
‘ના, તમે જમી લો.’ ખાટલા પર બેસતાં મેં જણાવ્યું, ‘હું સભ્ય ફી ભરવા માટે આવ્યો હતો પણ મોડું થઈ ગયું.’
‘એક કામ કરો. તમે મને પૈસા આપી દો. હું પહોંચ બનાવીને રાખીશ.’ છેલ્લો કોળિયો ખાઈ ધીરુભાઈએ હાથ ધોયા.
મેં અઢીસો રૂપિયા આપ્યા.
ધીરુભાઈ ખિસ્સા ફંફોસવા લાગ્યા.
‘શું શોધો છો ?’
‘સભ્ય ફી મહિનાના વીસ લેખે બાર મહિનાના બસો ચાલીસ રૂપિયા થાય. મારે તમને દસ રૂપિયા દેવાના.’
‘જવા દો. દસ રૂપિયા તમે રાખી લો.’
‘હોય કાંઈ. વગર મે’નતના પૈસા લઉં તો મારે ઉપરવાળાને જવાબ દેવો પડે.’ કબાટમાંથી ચોવડી વાળેલી દસ રૂપિયાની નોટ શોધી ધીરુભાઈએ મારા હાથમાં મૂકી, ‘લો, હિસાબ પૂરો.’

કામ પૂરું થયું એટલે હું જવા માટે ઊભો થયો. પણ ધીરુભાઈએ મને હાથ પકડી બેસાડી દીધો, ‘શું ઉતાવળ છે, ભલા માણહ ? જવાય છે….’
‘તમારે આરામ કરવો હશે ને ?’
‘લે હાલ્ય, આરામ કેવો ?’ ખૂણામાં ચોકડી જેવું હતું ત્યાં વાસણ એકઠાં કરતાં ધીરુભાઈ બોલ્યા, ‘હવે અપના હાથ જગન્નાથ.’
‘તમે વાસણ માંજશો ?’
‘તો બીજું કોણ આ ધીરિયાને હાથ દેવા આવવાનું છે ?’ ધીરુભાઈ હસ્યા.
હું ન હસી શક્યો. મેં કહ્યું : ‘ધીરુભાઈ, તમે રસોઈ બનાવવાની ઝંઝટમાં શા માટે ઊતરો છો ?’
‘તો શું કરું ?’
‘લોજમાં જમો અથવા ટિફિન બંધાવો…..’
‘ઈ મને નો પોસાય, પ્રભુ.’ કહી બીજી જ ક્ષણે ધીરુભાઈએ લપસી પડેલી જીભને સંભાળી લીધી; ‘ખરી વાત ઈ છે કે મને બા’રનું ખાવાનું ફાવતું નથી. હું રાંધું ઈ મારા ટેસ્ટ પરમાણે હોય.’ ધીરુભાઈ શું ખાય છે, કેવું ખાય છે તે મેં થોડી વાર પહેલાં જોયું હતું. એમાં એમને કયો ટેસ્ટ સમાયેલો હશે ?
‘તમને કેટલાં વર્ષ થયાં ?’ મેં પૂછ્યું.
‘મને ?!’
‘હા.’
‘સિત્તેરમાં બે ઓછા.’
‘આ ઉંમરે તમે આ બધાં કામ કરો તે કરતાં…..’
‘ઈ કરતાં પૈણી જાવું સારું કિમ ?’ ધીરુભાઈએ તાળી લેવા હાથ લંબાવ્યો. પછી આંખ મીંચકાવી એમણે કહ્યું, ‘છે કોઈ ધિયાનમાં પ્રભુ ?’ શું જવાબ આપવો. હું મરક મરક રંગ બદલતા ચહેરાને જોઈ રહ્યો. ધીરુભાઈએ ઊંડો શ્વાસ લઈ કહ્યું : ‘તમારા ધિયાનમાં કોઈ હોય તોય શું કામનું ? આ ઉંમરે હું બીજી દાણ પૈણવા હાલી નીકળું તો ભૂંડો ન લાગું ?’
‘એટલે ?!’ મને આશ્ચર્ય થયું, ‘એટલે તમે…. મને તો એમ હતું કે….’
‘કે હું વાંઢો છું. પણ ઈમાં તમારો વાંક નથી, પ્રભુ. સંધાય ઈમ જ હમજે છે. પણ હું પૈણેલો છું, ભૈશાબ. મારે સંતાનો છે, ભગવાનનાં દીધેલાં બે દીકરા અને એક દીકરી.’
‘ને તમારાં પત્ની ?’
‘ઈ ? ઈ તો…..’ ક્ષણ બે ક્ષણ અટકી ધીરુભાઈએ જણાવ્યું : ‘ઈ તો દેવ થઈ ગઈ, પાંચેક વરહ પે’લાં….’
‘તમારાં સંતાનો ક્યાં છે ?’ મારું કુતૂહલ વધતું જતું હતું.
‘એક દીકરો – સંધાયથી મોટો છે ઈ અમેરિકા છે. ઈ અને ઈની વઉ બેય નોકરી કરે છે. બીજો દીકરો ઑસ્ટ્રેલિયા છે. ઈય પૈણેલો છે, ગોરી છોકરીને. દીકરી સંધાયથી નાની છે. ઈ દુબઈમાં છે. ઈનો વર ડાગટર છે….’

હું આશ્ચર્યચકિત. મને નિઃશબ્દ જોઈ ધીરુભાઈ મરક મરક થતા રહ્યા : આમ વાત છે !
‘તમે તો છૂપા રુસ્તમ નીકળ્યા, ધીરુભાઈ.’
‘લે હાલ્ય, આમાં સંતાડવા જેવું શું હતું ? તમે પૂછ્યું એટલે મેં કીધું.’
‘એક પ્રશ્ન પૂછું ?’
‘પૂછોને, ભૈશાબ.’
‘આટઆટલી મુશ્કેલીઓ વેઠી તમે સાવ એકલા રહો છો તે કરતાં તમે તમારા કોઈ દીકરા પાસે જઈને ન રહી શકો ?’
‘ઈવડા ઈ તો ઘણુંય બોલાવે છે. દીકરી અને જમાઈ પણ તાણ કરે છે કે હું ન્યા જઈને રઉં પણ….’
‘પણ શું ?’
‘મને પરદેશનું હવામાન માફક આવતું નથી. એક દાણ ગ્યો’તો પણ ખોટા રૂપિયા ઘોડ્યે આંઈ પાછો આવી ગ્યો’તો. બીજું દખ ઈ કે ન્યાં આખો દિ ઘરમાં પુરાઈ રે’વાનું. હુતોહુતી કામે જાય પછી આપડે નવરાધૂપ. મારી ઉંમરના, ઓછું ભણેલાને ન્યા કામ કોણ દે ?’
‘એ પણ સાચું.’ મેં કહ્યું.
જોકે હજી મને એક વાત સમજાતી ન હતી. ધીરુભાઈને એમના દીકરા આર્થિક મદદ કેમ નહીં કરતા હોય ? ધીરુભાઈ માટે નાનું-સગવડવાળું મકાન ખરીદી એ પોતાનું શેષ જીવન શાંતિથી વ્યતીત કરી શકે એવું એ લોકો કેમ નહીં વિચારતા હોય ? મારી ભીતર શું ચાલી રહ્યું છે તે સમજી ગયા હોય તેમ ધીરુભાઈએ ધીમેથી કહ્યું :
‘મારા બેય દીકરા રામ-લખમણ જેવા છે. વારે ઘડીએ મને આ નોકરી મૂકી દેવાનું કીધા કરે છે પણ નોકરી મૂકી દૈ હું શું કરું ? મારો ટેમ કિમ જાય ? મેં તો કહી દીધું કે મને હું જિમ કરતો હોઉં ઈમ કરવા દો. તમારે મને પૈસા મોકલવાનીય જરૂર નથી. કપાણ હશે તો હું સામેથી મંગાવી લૈશ.’
‘પૈસા મોકલવાની તમે શા માટે ના પાડો છો ? પૈસા હોય તો તમને પણ રાહત રહે.’
‘મારે ઝાઝા પૈસા શું કરવા છે ? આ પુસ્તકાલયમાં કામ કરવાનો પગાર મળે છે ઈમાં થૈ રે છે.’
પૂછવું ન હતું તો પણ મારાથી સવાલ થઈ ગયો : ‘તમારો પગાર કેટલો ?’
‘એક હજારમાં બહેં ઓછાં. ને આંઈ આ મકાનમાં રઉં છું ઈ મફતમાં….’ ધીરુભાઈએ તાળી લેવા હાથ લંબાવ્યો. મેં એમની હથેળીમાં હાથ મૂક્યો. અવાજ ન થયો. આ કાળઝાળ મોંઘવારીમાં ધીરુભાઈ આઠસો રૂપિયામાં કેવી રીતે જીવતા હશે ? મને સમજાતું ન હતું.

એક બપોરે ધીરુભાઈએ મને ફોન કર્યો : ‘પ્રભુ, મને તાત્કાલિક મળી જાવ. મારે તમારી હાર્યે વાત કરવી છે…’ ધીરુભાઈ અમસ્થો જ ફોન ન કરે. જરૂર કોઈ અગત્યની વાત હશે. એમને શું વાત કરવી હશે ? પણ હું બહારગામ હતો, વ્યવહારિક કામસર. મેં એમને એ જણાવ્યું ને કહ્યું : ‘કાલે ત્યાં આવી તરત જ તમને મળીશ.’
‘કાલે ?’ ધીરુભાઈના સ્વરમાં નિરાશાનો પુટ હતો. ક્ષીણ અવાજે એમણે ઉમેર્યું : ‘ભલે ઈમ રાખો.’ મારા મનઃચક્ષુ સામે ધીરુભાઈનો ચહેરો સતત કામ વચ્ચે પણ – કોઈ ગીતની તરજમાં પ્રગટતા વાયોલિનના કરુણ સૂર જેમ વારંવાર ડોકાતો રહ્યો.

બીજે દિવસે સવારે હું પુસ્તકાલય જવા નીકળ્યો ત્યારે તપ્ત મરુભૂમિ શા મારા મનમાં પ્રશ્નોની વણઝાર ચાલી જતી હતી : ધીરુભાઈ કશી મુશ્કેલીમાં હશે ? શું મુશ્કેલી હશે ? વાત કરતા હતા ત્યારે ફોનમાં એમનો અવાજ શિથિલ-સાવ પડી ગયેલો કેમ જણાતો હતો ? પુસ્તકાલયના દ્વાર પાસે મારા પગ થંભી ગયા. દ્વાર બંધ હતું, આજે રજાનો દિવસ ન હતો તો પણ. ધીરુભાઈ ઘરમાં હશે, મેં વિચાર્યું. પણ ઓરડીનેય તાળું હતું. મેં આસપાસ જોયું. મને મળવા બોલાવી ધીરુભાઈ ક્યાં જતા રહ્યા ? ખરા છે !
નજીકમાં જ કરિયાણાની એક હાટડી છે. એનો માલિક ધીરુભાઈને ઓળખે. ધીરુભાઈની ત્યાં બેઠક છે તે હું જાણતો હતો. ત્યાં જઈ પૂછ્યું : ‘ધીરુભાઈ ક્યાં ગયા છે ?’
‘એમને તો હૉસ્પિટલ લઈ ગયા છે.’
‘કેમ ?! ક્યારે ?’
‘આજે સવારે અચાનક તબિયત બગડી. એમના કાકાના દીકરા રમણભાઈને બોલાવી લીધા. 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયા.’

ધીરુભાઈને કઈ હોસ્પિટલમાં લઈ ગયા છે તે જાણી લઈ ત્યાં ઝટ પહોંચવા માટે મેં સ્કૂટરને કિક મારી ભગાવ્યું. શોધતા શોધતા, બીજા માળે વીસ નંબરની રૂમમાં હું શ્વાસભેર પ્રવેશ્યો કે તરત જ મારા પગ જમીન સાથે ખોડાઈ ગયા. થોડી વાર પહેલાં જ ડૉક્ટરે ધીરુભાઈને તપાસી કહી દીધું હતું : ‘હી ઈઝ નો મોર.’ રૂમમાં વજનદાર શાંતિ હતી. મૃત્યુનો મલાજો રાખી, સૌ સ્તબધ હતાં. સિલિંગ ફેન ફરવાનો અવાજ સ્પષ્ટ થઈ ગયો હતો. કદાચ, એની બેરિંગ્ઝ ઘસાઈ ગઈ હતી.
હું રમણભાઈ પાસે ગયો, ‘શું થયું એકાએક ?’
‘હાર્ટ ફેઈલ થઈ ગયું.’
થોડી ક્ષણો શાંતિમાં પસાર થઈ ગઈ. મને એકાએક યાદ આવ્યું. રમણભાઈને પૂછ્યું, ‘તમે ધીરુભાઈનાં સગાંઓને જાણ કરી દીધી ?’
‘સગાંઓમાં એમને જે ગણો તે હું છું. કોને જાણ કરું ?’
‘એમનાં સંતાનોની વાત કરું છું. એમનાં દીકરા અને દીકરીને જાણ કરી ?’
રમણભાઈ વિચિત્ર નજરે મને જોઈ રહ્યા. ખાતરી કરતાં હોય તેમ એમણે મને સામે સવાલ કર્યો : ‘તમે કોનાં દીકરા-દીકરીની વાત કરો છો ?’
‘ધીરુભાઈનાં જ સ્તો.’
ભારઝલ્લા વાતાવરણમાં પણ રમણભાઈના ચહેરા પર આછું સ્મિત આવી ગયું, ‘તમેય આવી ગયાને ધીરુની વાતમાં ?’
‘કેમ ? મને સમજાયું નહીં….’
‘ધીરુએ લગન જ નહોતા કર્યા. પણ એ બધાને કીધે રાખતો’તો કે ઈ પૈણેલો છે. ઈને છોકરાં છે એવું બધું….’

હું અવાક થઈ ગયો. અંતઘડી નજીક જણાવા લાગી હશે ત્યારે પોતે જેનીતેની સાથે જૂઠ્ઠાણું ચલાવ્યું તેનો ખુલાસો કરવા માટે ધીરુભાઈ મને મળવા ઈચ્છતા હતા ? જે હોય તે, પણ એ છૂપા રુસ્તમ નીકળ્યા. પોતે સાવ એકલા જ છે એની કોઈને જાણ થવા ન દીધી. હું એમના નિશ્ચેત ચહેરા સામે જોઈ રહ્યો. પંખા હેઠળ એમના વિખરાયેલા સફેદ વાળ ઊડતા હતા સહેજ. હું મૃતદેહની નિકટ સરક્યો. મને લાગ્યું કે ધીરુભાઈ મલકી રહ્યા છે : ‘કાં કિમ રિયું, પ્રભુ ?’ હમણાં જ એમનો લટકતો હાથ તાળી લેવા માટે લંબાશે એવો વિચાર આવી ગયો ત્યાં જ એક કર્મચારીએ એમના પાર્થિવ શરીર પર સફેદ કપડું ઓઢાડી દીધું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સાધના વિના સિદ્ધિનો અધિકાર ન હોય – ડૉ. ઊર્મિલા શાહ
હું એટલે અત્યારે…. – શ્રીકાન્ત શાહ Next »   

34 પ્રતિભાવો : છૂપા રુસ્તમ – બકુલ દવે

 1. hiral says:

  સત્યઘટના!, પ્રભુ ધીરુભાઇના આત્માને શાંતિ આપે. બકુલભાઇનો આભાર, ધીરુભાઇનું આટલું સરસ પાત્રાલેખન કરવા માટે. નિષ્કામ કર્મ જે ગીતામાં કહ્યું છે એવું સરસ જીવન જીવ્યા એકલતા વચ્ચે પણ હંમેશા હસતા રહ્યા અને બીજાને હસાવતા રહ્યા.

 2. trupti says:

  ધીરૂભાઈ નુ પાત્ર ગમ્યુ. આવા તો ઘણા ધીરૂભાઈઓ આપણા સમાજ મા જિવતા હશે.

  • biren says:

   ખોટી વાત…..આવા ધિરુભાઈ આજના સમાજ મા ભાગ્યે જ જોવા મળે છે…..અને એમનો ભેટો પણ નસીબ વાળા ને જ થાય છે…..

   • VANDANA says:

    aa vaat jarur sachi hashe, karanke lagbhag 5 6 varas pellani vaat chhe amari off. ma ek Pushottam Kamath(PK)namna uncle lagbhag 55-60 varshni emni age hashe as a Pion avya hata, humesha amne keta hata ke bacche bade ho gaye hai, retire ho gaya hun ghar pe pura din baithe baithe kya karu, mere dono bate bahot acchi job pe hai mujhe kaam karneki jarurat nahi, lekin baithe baithe bor ho jata hun, is liye yahan aata hun thoda time paas ho jata hai, i humesha husta rehta, joks kehta ane hasavta, divasma ek vaar to emna છોકરા ni vaat jarur karta roj.

    Ek vaar achanak emne laambi raja lai lidhi chinta thai etle emna gharno number shodhi ph. karyo, janwa malyu ki e bimar chhe, thoda divas pachi paacho ph karyo to emni wife e ph. upadyo ane kahyun ke 3 divas pehlaj e to off. thi gaya chhe, ane have hun desma mara bhai paase jaun chhu, karanke ahinya have maru koij nathi.

    mane ek vaar ichha thai ke છોકરાં mate puchhu pan jibh na updi, thoda divas pachhi emna ek padosi-mitra amari off. pase mane malya, PK hata tyare e humesha koi ne koi kaam mate athwa amasta amari off. ma aavta etle hun emne janti hati, me emne bolavi, emni jode PK mate vaat chit kari, ane vaat ma ne vaatma emne puchyu PK ke bachhe Kahan rehte hai unki biwi kyun gaon ja rahi hai, tyare amne kahyun konse bachhe unko to bacche the hi nahi woh aur unki biwi akalehi rehte the, aur woh gharbhi bhade ka tha, aa sambhli ne hun stabdha thai gai ke aa shun? PK kevi rite khotu boli ne atlu khush rahi shake, emne kareli ekke ek vaato enma છોકરાં mate ni mari aankhoni saame tari vali.

    me manma kahyun PK aap sach much great ho.

    Aa article vanchi mane pachhi emni yaad aavi gayi.

    thank you Bakulbhai.

 3. કુણાલ says:

  મુઠ્ઠી ઊંચેર માણસ કદાચ આને જ કહેતાં હશે…..

  બે પૈસા આવી જતાં જમીનથી બે વેંત ઊંચે ચાલતાં માણસો અને આવા મુઠ્ઠી ઊંચેરા માણસો વચ્ચે કેવો ગજબનો ફેર તે આ વાર્તા વાંચતા દિવસના અજવાળા જેવું સ્પષ્ટ થઈ જાય છે…

  આવા વ્યક્તિત્વની ઓળખાણ થઈ એ અહોભાગ્ય.. !!

 4. ઘણો સરસ લેખ!

  અભિનંદન!

 5. Mital Parmara says:

  ધીરૂભાઈ નુ પાત્ર ગમ્યુ…ખુબ સરસ

 6. Moxesh Shah says:

  શ્રી બકુલભાઈ,

  વાહ્ ! વાહ્ ! જેટલુ સુન્દર ધીરુભાઈ નુ વ્યક્તિત્વ તેટલુ જ અથવા તેનાથી પણ વધુ સુન્દર અને ભાવાવાહી, તમારા દ્વારા તેમનુ પાત્રાલેખન.

  વાચન થી સન્તરુપ્ત પણ સત્યઘટના થી સમ્વેદિત થઈ જવાય તેવુ આલેખન.

 7. sima shah says:

  ધીરુભાઈનું વ્યક્તિત્વ ઘણું ગમ્યું.કોઈ પોતાની દયા ના ખાય તેવા જ હેતુથી તેમણે પોતાના લગ્ન તેમજ સંતાનોની વાત ઉપજાવી કાઢી હોવી જોઈએ. જોકે આવા ઘણા ધીરુભાઇઓ સમાજમાં જીવતા હશે, પણ જોવા, પારખવા માટે નજર પણ હોવી જોઈએને!
  આટલા સુંદર પત્રાલેખન માટે બકુલભાઇને અભીનંદન
  સીમા

 8. TARANG HATHI says:

  ધીરુભાઇ યાદ રહી ગયા. આજે આવા લોકો બહુ ઓછા જોવા મળે છે. આભાર બકુલભાઇ.

 9. Himansu shah says:

  Thanks a lot BakulBhai Khub saras lekh chhe … ,mjha padi gai….

 10. nayan panchal says:

  ધીરૂભાઈને શત શત પ્રણામ. બકુલ ભાઈની કલમમાં એવો જાદુ છે કે મેં ધીરૂભાઈ જેવા એક પણ વ્યક્તિને આજ સુધી જોયા નથી તો પણ આ વાંચતી વખતે તેમનુ કાલ્પનિક ચિત્ર મનમાં રચાતુ ગયુ.

  હવે તો ધીરૂભાઈ ઉપરવાળા પ્રભુ પાસે તાળી લેવા હાથ લંબાવતા હશે.

  ખૂબ આભાર,
  નયન

 11. ખૂબ જ સરસ. ધીરુભઐનું પાત્ર બહુ જ સરસ રીતે શબ્દો દ્વારા ઉપસાવ્યું છે.

 12. KINJAL MUSCAT says:

  આવુ પણ બનતુ હોય છે નવાઈ નિ વાત છે.

 13. ધીરુભાઈનું પાત્ર અને તેમના વ્યક્તિત્વના રંગો ખુબ ગમ્યા. આવા ઝિંદાદિલ માણસો સહેલાઈથી જોવા મળતા નથી.

 14. Hetal says:

  excellent story…Bravo Dhirubhai!!

 15. Jagruti Vaghela USA says:

  આવા ધીરુભાઈ આ જમાનામાં બહુ ઓછા જોવા મળે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.
  આ સત્યઘટના શૅર કરવા બદલ શ્રી બકુલભાઈનો ખૂબ આભાર.

 16. Veena Dave. USA says:

  આંખ ભિંજાઈ ગઈ.
  કાલ્પનિક સુખથી બીજાને પણ ખુશ રાખવા ઇચ્છતા મુઠ્ઠી ઉંચેરા માનવી ધીરુભાઈ.
  કાઠિયાવાડી ભાષામાં શ્રી બકુલભાઈએ ખુબ સરસ વણૅન કર્યુ છે.

 17. jay says:

  potana jivan ni cchelli ghadi sudhi koi vyakti aapadne yaad rakhe toh ek ajib lagni thay……

 18. ઈન્દ્રેશ વદન says:

  ખૂબ જ સરસ બકુલભાઈ. અભિનંદન.

  મૃગેશભાઈને આટલી સુંદર ને અલગ વાર્તા શોધી લાવવા બદલ, આભાર.

 19. સરસ વાર્તા આપી. હવે તો પુસ્તકાલયો પણ થોડા સમય પછી ગોતવા પડશે.
  આભાર.
  વ્રજ દવે

 20. sapana says:

  i think no one in this world like dhiru bhai…

 21. જય પટેલ says:

  સત્યઘટના પર આધારિત વાર્તાના પાત્ર કર્મઠ સ્વ.શ્રી ધીરૂભાઈને ભાવભરી શ્રધ્ધાંજલિ.

  સદભાગ્યે મારા સંપર્કમાં આવા ઘણા કર્મઠ ધીરૂભાઈઓ સંપર્ક આવેલા છે.
  મારા ગામ કરમસદ માં વિદ્યાર્થી સમાજ પુસ્તકાલયના કર્મઠ શ્રી મેકવાનભાઈની ચીવટતા અને પુસ્તકાલયને
  ઑર્ગેનાઈઝડ રાખવાની દ્રષ્ટિને કારણે ઘણા યુવાનો (ખાસ કરીને ભાડૂઆતો) નિયમીત મુલાકાત લેતા અને
  તેમના બાદ આવેલા સુશ્રી કલ્પનાબેન પંચાલ પણ તેટલાં જ કર્મયોગી.
  સુશ્રી કલ્પનાબેનનો સદાય હસતો ચહેરો અને મીઠો આવકાર ભુલાય તેમ નથી.

  કરમસદનું સદભાગ્ય કે શ્રી મેકવાનભાઈ અને સુશ્રી કલ્પનાબેન પંચાલની સેવાઓ મળી…ધીરૂભાઈની જેમ જ..!!

 22. Dhruti Amin (USA) says:

  ખૂબ જ સુંદર લેખ….પુસ્તકલય માં જ્યારે પણ જાઇશ ત્યારે હવે નજર આવા ધીરુભાઇ ને શોધશે.

 23. PAYAL SONI says:

  ખુબ જ સરસ વર્તા છે. ધિરુભાઇ નુ પાત્ર ખુબ જ સચોટ રિતે વણૅવ્યુ છે.

 24. Harish parmar says:

  this is wonderful story touch any body’s heart, we should identify dhirubhai’s characters from our society and help them, realy it is wondeful story. congrates to writer

 25. અરે વાહ !! ધીરુભાઈ ની વાત બહુ ગમી… સુંદર પાત્રાલેખન …

 26. Hasmukh says:

  Mane Dhirubhai Nu Patra Varnan Khubaj Saru Lagyu. Bakulbhai, Atlu Saru Lakha va mate tamane khubaj Abhinandan. Mane emaj lagyu ke mari same a jivant banav hoy. Tame na ma nani vastu sankali lidhi chhe. Farithi Tamane amara lakh lakh vandan. Bhagwan tamari Shankti ma khubaj vadharo kare.

 27. Ashish Dave, Sunnyvale, California says:

  બકુલભાઈ,

  આપ ખુબજ સુન્દર લખો છો. ખરેખર વાચવાની મજા આવી ગઈ.

  Ashish Dave

 28. payal says:

  dhiru bhai nu vyaktitva khub j saru lagyu……. No. 17 ma je abhipray apayo che e sacho che …..potana jivan ni cchelli ghadi sudhi koi vyakti aapadne yaad rakhe toh ek ajib lagni thay……khub saras….

 29. Vaishali Maheshwari says:

  May Dhirubhai’s soul rest in peace. Very nice description of an interesting personality by Mr. Bakul Dave. Thank you for writing this.

 30. himaxi vyas says:

  ખુબ જ સરસ લેખ.

 31. Vijay Patel says:

  ખુબ સુન્દર લેખ આભાર્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.