સાધના વિના સિદ્ધિનો અધિકાર ન હોય – ડૉ. ઊર્મિલા શાહ

[‘જનકલ્યાણ’માંથી સાભાર.]

‘અરે ! આવ આવ આદિત્ય ! શું રિઝલ્ટ આવ્યું ? ઉષાબેન, કેમ આદિત્ય આમ ઢીલો લાગે છે ? તબિયત સારી નથી કે શું ? કેટલા માર્કસ આવ્યા ? બોલ તો ખરો.’
‘બેન બાણું ટકા….’
‘ત્હોય તમને સંતોષ ન થયો ઉષાબેન ? દીકરો આટલા સારા માર્કસ લાવ્યો હોય તો તો માનો હરખ સમાતો ન હોય તેને બદલે તમે મા અને દીકરો બંને જાણે થાકેલાં થાકેલાં ને નિરૂત્સાહી કેમ લાગો છો ? શું થયું એ તો કહો ? પંચાણું ટકા ધાર્યા હતા ને બાણું આવ્યા ? બધું તો ધાર્યું ક્યાંથી પાર પડે ? આટલા સારા માર્કસ આવ્યાં ત્હોય તમારું મ્હોં ઉમંગભર્યું ને હસતું ન હોય એ કેમ ચાલે ! ના ના આવું ન ચાલે… ઉષાબેન…. છોકરાઓને સફળતાનોય આનંદ તો માણવા દેવો પડે ને ! આપણે માબાપોએ તેમાં સામેલ થવું પડે… પણ આપણા માબાપોનીય મહાત્વાકાંક્ષાને ક્યાં મર્યાદા હોય છે ! છોકરાંઓને તો બિચારાને હંફાવી દઈએ છીએ….’

‘બેન ! એવું કંઈ નથી. આદિત્યને બાણું ટકા માર્કસ આવ્યાં એનો અમને બધાંને ખૂબ આનંદ અને સંતોષ થયો છે પણ વાત એવી બની કે ગઈકાલે રાતે એના ટ્યુશનવાળા સાહેબનો ફોન આવ્યો : ‘આદિત્ય, તારા નેવ્યાશી ટકા માર્કસ છે. કોન્ગ્રેચ્યુલેશન્સ.’ અને આદિત્યને ખૂબ ઘેરો આઘાત લાગ્યો. બેન, એ નાનો હતો ત્યારથી એને એક્કેય પરીક્ષામાં નેવું ટકાની નીચે તો માર્કસ આવ્યાં જ નથી અને એસ.એસ.સી.નાય પેપર્સ એવા તો ખરાબ ગયાં જ નહોતાં કે નેવુંની નીચે ટકાવારી જાય એટલે એના ટ્યુશનના સાહેબના આ સંદેશાથી એને એવો તો આઘાત લાગ્યો…. અરે ! સાંજે જમ્યો નહીં…. જઈને રૂમમાં ભરાઈ ગયો…. મને ને એના પપ્પાને તો એવી બીક લાગી કે આ છોકરો આ શોકમાં કંઈ ન કરવાનું તો કરી નહીં બેસે ને ? રડે રડે…. કંઈ રડે… કેમેય કરીને શાંત જ ન રહે…

આટલા વર્ષોમાં મેં એને આવો રડતો જોયો નથી, મારું તો કાળજું કપાઈ જતું હતું. મારાથી સહન જ નહોતું થતું. આપણાં માબાપથી આપણાં દુઃખ સહન થાય છે પણ છોકરાંના દુઃખ આપણાથી જોવાતાંય નથી ને સહન પણ નથી થતાં. આખી રાત એને સમજાવ્યાં કર્યો, ગીતાનો શ્લોક ‘કર્મણ્યે વાધિકારસ્તે માફલેષુ કદાચન’ જીવનમાં ઉતારવો જોઈએ એવું એના હૃદયમાં ઉતારવાનોય ઘણો જ પ્રયત્ન કર્યો પણ આદિત્યએ આખું વર્ષ મન દઈને મહેનત કરી હતી…. પરીક્ષામાં પેપર્સ પણ વ્યવસ્થિત રીતે લખ્યાં હતાં. એને વિશ્વાસ હતો કે બાણું, ચોરાણું જેવા ટકા તો આવવા જ જોઈએ. પણ તેને બદલે સાવ નેવ્યાશી ? કેવી રીતે સહન થાય ? ને એ જ મથામણમાં આખી રાત ગઈ….

સવાર પડી, રિઝલ્ટનો ટાઈમ થયો. કાગને ડોળે આદિત્ય અને એના પપ્પા ઈન્ટરનેટ ચાલુ કરીને રિઝલ્ટની રાહ જોઈને બેઠા હતા, ને જેવું રિઝલ્ટ આવ્યું તો આદિત્યના 92.45%, વૉટ અ સરપ્રાઈઝ ! આદિત્ય તો જે કૂદ્યો છે ! હું તો બાજુના રૂમમાં હતી. મને થયું કંઈ ધરતીકંપ થયો કે શું ! પણ આદિત્ય તો આનંદથી ઘેલો ઘેલો થઈ ગયો હતો. બેન ! એની આખા વર્ષની મહેનત, સાધના ફળી હતી. આનંદ કેમ ન થાય ! અમને એવી તો હાશ થઈ પણ ગઈકાલની આખી રાતનો જે સ્ટ્રેસ સહન કર્યો હતો તેનો થાક ને ભાર હજી મન અને શરીર પરથી હળવા થતાં નથી અને એટલે તમને એવું લાગે છે કે આટલું સારું રિઝલ્ટ હોવા છતાંય એનો આનંદ કેમ નથી દેખાતો…. બેન ! પણ એ બધી અસર જતાં હજી થોડી વાર લાગશે. આદિત્યની આખા વર્ષની સાધનાની આ સિદ્ધિનો આનંદ મને કેમ ન હોય ! હું તો એની મા છું ને ! પણ જો પેલા સાહેબનો રાતે ફોન ન આવ્યો હોત તો આ કશુંય ન થયું હોત.
‘પણ તમને વિચાર ન આવ્યો કે સાહેબ રિઝલ્ટ લાવે ક્યાંથી ? એમ કંઈ બોર્ડના રિઝલ્ટ વહેલાં ઓછાં જ બહાર લીક થાય ? એ સર પર તમે એવો વિશ્વાસ કેવી રીતે રાખી શક્યાં ! હંમેશા કોઈનુંય સાંભળતાં પહેલાં કેટલું શક્ય અને સાચું હોઈ શકે એનો તો આપણે વિચાર કરવો જોઈએ ને ?’

મને યાદ છે કે વર્ષોથી પરીક્ષા વખતેય જુદા જુદા વિષયોના પેપરો ફોડવાનાં તોફાનો ચાલતાં જ હોય છે. અરે ! શહેરની જાણીતી હોસ્પિટલનાં ઝાંપે તો ત્યારે રાતનાં બાર વાગે બેઠું પેપર જાણે બહાર પડતું હોય એવી ગરમ હવા ફેલાતી અને જેનાં સંતાનો દસમા બારમામાં હોય એના માબાપો ત્યાં ગાડી લઈને રાતના દોડાદોડ કરતાં હોય. મારો દીકરો બારમામાં હતો ને ત્યારે રાતના સાડા બાર વાગે એ વાંચીને સૂઈ ગયો પછી એના ભાઈબંધનો ફોન આવ્યો કે ‘માસી, કાલના સાયન્સના પેપરનું બેઠું સજેશન છે. નિમિષને ઉઠાડો ને !’ મેં કહ્યું : ‘બેટા, હવે મારે એને ડીસ્ટર્બ નથી કરવો. એ વાંચીને સૂતો છે. પાછો અપસેટ થઈ જાય. હવે જે થવાનું હશે તે થશે. ઉજાગરો કરે તો કાલે પેપરમાં ધ્યાનપૂર્વક લખી ન શકે અને પેપરમાં કંઈ ન કરેલું પૂછાયું હોય તો વળી વધુ અપસેટ થઈ જાય… જવા દે ને વાત… જે થશે તે ખરું…’ એમ કહી મેં ફોન મૂકી દીધો.

પણ મને યાદ છે એ આખી રાત હું પોતે પણ ઊંઘી શકી ન હતી. આજના આટલા કોમ્પીટીશનના યુગમાં હું મારા નિમિષનું હિત કરી રહી છું કે અહિત કરી રહી છું એ મને જ સમજાતું ન હતું. મને ડર હતો કે કાલે એમાંથી જ બધું પૂછાશે તો ? એનો ભાઈબંધ એને કહેશે કે મેં તો તને ફોન કર્યો હતો કે બેઠું પેપર આવ્યું છે પણ તારી મમ્મીએ તને આપ્યું નહીં – તો એને મારા માટે કેવો ગુસ્સો ચડશે ? મારી નૈતિકતાને એ ધિક્કારશે તો ? ચારે તરફ ઘેરાયેલા આ પ્રદૂષણ વચ્ચે ટકવું કેટલું બધું અઘરું છે ! છતાંય મેં મક્કમતાપૂર્વક એ રાતે મારા મન સાથે ખૂબ મથામણ કરી અને મારા સંતાનોના ઘડતરમાં આ નૈતિક પરિબળો કેટલાં બધાં મહત્વનાં છે તેનો આખી રાત વિચાર કર્યાં જ કર્યો. મારે મારા દીકરાને સારો જીવંત નાગરિક અને ચારિત્ર્યવાન માનવ બનાવવો હતો. માત્ર પરીક્ષાનાં માર્કસ એ જ મારે માટે છોકરાંઓને માપવા માટેની પારાશીશી નથી. સંતાનોનું જો ઘડતર સારું થયું હશે તો, કદાચ ભણતર ઓછું થયું હશે તો પણ દુનિયામાં ક્યાંય જઈને તે ઊભા રહેશે તો ગૌરવભેર ડોક ઊંચી રાખી જીવી શકશે. એની સામે કોઈ ક્યારેય આંગળી નહીં ચીંધી શકે. જીવનમાં શોર્ટ કટ્સ શોધી લાભ મેળવવાની વાત સંતાનોને ક્યારેય શીખવવાની વાત જ ખોટી છે.

આપણા મહાન લેખક શ્રી ધૂમકેતુ જે દિવસે લખી ન શક્યા હોય એ દિવસે એ જમવા બેસે તો એમનાં પત્નીને દુઃખ સાથે કહેતા : ‘આજે આ કોળિયો મને ગળે ઉતારવાનો અધિકાર નથી.’ માણસના અંતઃકરણને પણ નાનપણથી જ એ રીતે કેળવવાની જરૂર છે કે ‘મહેનત કર્યા વિના ક્યારેય એનું ફળ મેળવવાનો તને અધિકાર નથી જ…’ અત્યારે તો આપણું સંતાન દસમામાં હોય એટલે માબાપ સલાહ આપે કે બેટા ! એક વિષય પી.ટી. લઈ લે ! એટલે એક વિષય ભણવાનું કે વાંચીને યાદ રાખવાનું ભારણ તો ઓછું થઈ જાય અને સ્કોર કરી શકાય…. ઓછી મહેનતે કેવી રીતે વધુ માર્કસ મેળવી શકાય એવા જ રસ્તે આપણે માબાપ થઈને સંતાનોને ચીંધવાના હોય ? આપણે માબાપ તરીકે આ શું કરી રહ્યાં છીએ ? અને પછી આપણે કહીએ છીએ કે કામચોરીનું દૂષણ આ દેશમાં ચારે બાજુ વ્યાપેલું છે, પણ વ્યાપેલું જ હોય ને ! એને માટે જવાબદાર તો આપણે પોતે જ છીએ… એ જ સંતાનને આપણે સોસાયટીના નાકા સુધી ચાલીને જઈને કોઈ વસ્તુ લાવવાનીય ટેવ સુદ્ધાં પાડતાં નથી. એ શું પી.ટી. કરવાનો ? ફકત માર્કસ માટે ? પણ કેવી રીતે ? અનીતિ આચરીને જ ને ! સંતાનોના હૃદયમાં ‘સાધના કર્યા વિના સિદ્ધિ મેળવવનો અધિકાર જ નથી’ એ જીવનનું સનાતન સત્ય દઢીભૂત કરવાની ખૂબ જરૂર છે અને માબાપ તરીકે એ આપણી મહત્વની ફરજ છે, એ આપણે કેમ ભૂલીએ ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મહાભારતની ઉપકથાઓ – યશવન્ત મહેતા
છૂપા રુસ્તમ – બકુલ દવે Next »   

13 પ્રતિભાવો : સાધના વિના સિદ્ધિનો અધિકાર ન હોય – ડૉ. ઊર્મિલા શાહ

 1. trupti says:

  હાલની પરિસ્થીતિ ને ચિતાર આપતો સુંદર અને સમજવા જેવો લેખ.

  આપણે જ આપણા બાળકો ને પાંગળા બનાવિ દઈએ છિએ. જે જોઈએ તે અને ન જોઈતી વસ્તુ ઓનો ખડકલો કરી દઈ એ છીએ, અને અપેક્ષા રાખીએ છીએ કે પૈસા નુ તેઓ મહ્ત્વ સમજે. શું આપણે તેમને તે સમજાવવાની કોશિષ કરી છે કે સમજવા દિધુ છે? ના. આપણા બધા માથી મારા મતે દરેક વ્યક્તિ જોઈતા સ્થળે ચાલતા પહોંચ્યા હશે, કારણ જયારે આપણે ભણતા હતા ત્યારે પોકેટમની ઓ રિવાજ નહતો, જ્યાં ચાલી ને જઈ શકાય ત્યાં ચાલી ને કે જો બસ નિ સગવડ હોય તો બસ મા જવુ. રિક્ષા તો બહુજ અરજંટ હોય તો જ લેવાની. મારા ધરેથી મારી સ્કુલ ૫ થી ૭ મિનીટ ના રસ્તે હતી અને કોલજ ૧૫ મિનીટ ના રસ્તે, મને યાદ નથી કે અમે કદી પણ રિક્ષા મા ગયા હોઈએ. એટલે સુધી કે અમારા સગા જુહુ સ્કીમ રહેતા જ્યાં ચાલતા જતા ૪૦-૪૫ મિનીટ લાગતી પણ ત્યાં પણ અમે ચાલી ને જતા. જયારે હું અત્યાર ના જનરેશન ને જોઉ છું ત્યારે લાગે છે કે તમેને ચાલવુ ગમતુ જ નથી. પાર્લા સ્ટેસન થી મિઠીબાઈ કોલેજ ફક્ત ૧૫ મિનીટ ના રસ્તે છે પણ તો પણ તેઓ ચાલી ને નહીં જઈ શકે, રિક્ષા મા ટ્રાફિક મા ફસાઈ ને અને વન વે ને લીધે ફરી ને ૧૫-૨૦ મિનીટે પહોંચશે પણ ચાલી ને નહીં જાય. પછિ પાતળા થવા અને કસરત કરવા જીમ મા જરુરથી જશે!!!!!!!!

  ટકા નૂ પણ એવુ જ છે. જો બધાને ૯૦-૯૭% માર્કે આવશે તો તેનુ શું મહ્ત્વ રહેશે? બધાની જ બુધ્ધી મતા સરખી નથી હોતિ. તેમ તમે દરેક બાળક ને ફક્ત ટકાવારી પર થી જ જજ ના કરી શકો. જેમ પાંચ આંગળિઓ સરખિ નથિ હોતી તેમ દરેક બાળક પણ સરખુ નથી હોતુ. દરેક બાળક મા કોઈ ને કોઈ પ્રતિભા છુપાયલી હોય છે. તે કદાચ સારા ટકા ન લાવી શકતુ હોય પણ બીજા ઘણા ક્ષેત્ર મા અવ્વલ આવતુ હોય ઘણિ વાર એવુ પણ જોવા મળ્યુ છે કે સારા ટકા લાવેલા બાળક નુ સામાન્ય જ્ઞાન ઓછા ટકા લાવેલા બાળક કરતા અડધા કરતા પણ ઓછુ હોય છે.

  બદલાવ આપણી શિક્ષણ પધ્ધતિ મા લાવવાનિ જરૂર છે.

 2. Jigar Bhatt says:

  સાવ સાચી વાત…..

  ગીતાનો શ્લોક ‘કર્મણ્યે વાધિકારસ્તે માફલેષુ કદાચન’ જીવનમાં ઉતારવો જ જોઈએ…

 3. nayan panchal says:

  એકદમ સાચી વાત અને ખૂબ જ પ્રસ્તુત લેખ.

  મુશ્કેલી આપણા ધારાધોરણોમાં છે. સ્કૂલમાં જે વધારે ટકા લાવે તે વધુ હોશિયાર. આ લેખમા તો હાસ્યાસ્પદ અને સાથે કરૂણાજનક વાત એ છે કે ૯૨ ટકાએ જે ખુશ છે તે જ ૮૯ ટકાએ ભરપૂર રડે છે. નંબરનો આટલો બધો મોહ !!! કોચિંગ ક્લાસીસવાળાઓ પેપરમાં પાના ભરી ભરીને પોતાના ‘તેજસ્વી તારલાઓ’ની જાહેરખબર આપશે. એક બહુ વિચિત્ર દુષ્ચક્ર ચાલી રહ્યુ છે.

  વધુ તો શુ કહું, સ્કૂલ કોલેજોમાં આવા લેખો વંચાવવા જોઈએ.
  નયન

 4. Hardik Desai says:

  ખુબજ સરસ લેખ. એક લેખ માં ઘણી સંપ્રદ સમસ્યા ને સચોટ રીતે પ્રસ્તુત કરી છે
  ૧) માર્ક ની આંધળી દોડ પરીક્ષા માં સફળતા અપાવી શકે, જિંદગી માં નહીં.
  ૨) લક્ષ્મી અંને સરસ્વતી ને સીધો સંબંધ નથી, પણ આજકાલ સરસ્વતી એ લક્ષ્મી ને પામવાનું સાધન બની છે. અંગ્રેજી ની કહેવત યાદ આવે છે , Even if you win rat race, you are still a rat…
  ૩) બીજા ની વાતો માં આવી જવું આજકાલ ઘણું જ સહજ થઇ ગયું છે. ઘણી વાર, આજનું ધંધાદારી મીડિયા બળતા માં ઘી હોમવાનું કાર્ય કરે છે .
  ૪) પેહલા ના સમય માં ખોટા કામ કરનાર ને રાત્રે ઊંઘ નહોતી આવતી, આજકાલ નૈતિકતા ના માર્ગે ચાલનાર ને રાત્રે ઊંઘ નથી આવતી.
  ૫) આજ ની જનરેશન ને બધું ફટાફટ જોઈ એ છે , ધીરજ નો ગુણ તેમને કયું શિક્ષણ આપશે ?

 5. Hetal says:

  Very true- major changes needs to be done is educations standards- specially Indian schools( educations overall) majors are to get higher percentages at any cost. It does not matter if you understand the subject or not and if you can imply theory into practical or not. All it matters is you have memorized it or able to write it down in the exam paper. Also, in schools, only smart and talented students are praised by everyone- students themselves as well as teachers and parents- where as in foreign countries everyone is equal. When someone asks question or doubt in the class- he/she is not looked upon as idiot or dumb even though it is the simplest question was asked- teachers do not answer them as don’t you know even this? and insult the student in front of whole class. Test papers leaking, cheating and helping the kids in doing so by parents and teachers is a shock to schools abroad, where as it is common in various places in India. We surely have lots of bright students- who really work hard and become successful on their own merits and work for foreign companies but what I don’t like is average or lesser students are considered dumb and not much attention is given to them and so they think they do not deserve much as they are not as smart as somebody else in their class. This needs to be changed, and then we will have more and more individuals with confidents to work hard and good morals.

 6. Veena Dave. USA says:

  સરસ લેખ.
  દિકરાને જીવંત નાગરીક અને ચારિત્ર્યવાન માનવ બનાવવો છે …….દરેક માતાએ સમજવા જેવી સરસ વાત.

 7. prathmesh patel says:

  we all know that the Indian education system is now a business and corrupted with no values and we all express our frustration about it. but we do not know who or how we can change it. it is easy to speak from a parents perspective, but ask a student who misses admission in medical because of 1 mark difference. is student to blame? he just has to force himself to follow the croud.Imagine middle class parents – can they find alternate solutions? no – they have to take loans and send their kids to tution – as teachers dont teach in school. and the tuition system is the worse. it is easy to take so called high ranking students and get them to be toppers in board. The goal of coaching is to convert weaker or average students to higher grades. what does a tuition teacher achieve if he can get a student 95% marks when he is already capable of getting 90%. shame on those tuition teachers.. there is need for money, but then there is lot of greed.

 8. Hitesh Mehta says:

  આજ ના સમયમા ભણતર ને મહત્વ આપતા મા બાપ સ’સ્કાર તરફ ધ્યાન આ૫તા નથી કે આપી શકતા નથી.
  ખરેખર પહેલા શિશ્ત,સ;સ્કાર શિક્ષણ એ જીવન નો પાયો બની શકે.દરેક બાળક મા કોઈ ને કોઈ પ્રતિભા છુપાયલી હોય છે. તે કદાચ સારા ટકા ન લાવી શકતુ હોય પણ બીજા ઘણા ક્ષેત્ર મા અવ્વલ આવતુ હોય ઘણિ વાર એવુ પણ જોવા મળ્યુ છે કે સારા ટકા લાવેલા બાળક નુ સામાન્ય જ્ઞાન ઓછા ટકા લાવેલા બાળક કરતા અડધા કરતા પણ ઓછુ હોય છે.
  ખુબ જ સરસ લેખ….
  હિતેશ મહેતા

 9. Nisarg kanitkar says:

  Excellent work is done…

 10. Nisarg kanitkar says:

  સરસ ખુબજ મઝા
  આવી

 11. Ashish Dave, Sunnyvale, California says:

  સાધના કર્યા વિના સિદ્ધિ મેળવવનો અધિકાર જ નથી… આ વાક્યમાજ બધો સાર આવી જાય છે.

  ભૂગોળમા સો માથી નેવુ માર્ક લાવનાર મારો મિત્ર એરપોર્ટ જતા કાયમ બે વાર ભુલો પડે છે અને આકાશમા સૂર્ય જોઈને ખ્યાલ નથી આવતો કે ખોવાયા પછી પોતાને કઈ દિશામા જવુ જોઈઍ. આ આપણુ ભણતર છે.

  Ashish Dave

 12. lalu says:

  સાધના કર્યા વિના સિદ્ધિ મેળવવનો અધિકાર જ નથી… આ વાક્યમાજ બધો સાર આવી જાય છે

 13. Nisha says:

  I guess in today’s world, Smart work is overtaking Hardwork.

  I am not saying that people shouldn’t work or act towards their character. But from my point of view Smartwork is more required than Hardwork. And you may have to learn how to do Smartwork by Hardwork.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.