ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો – સંપાદન

[જેમનું આ જન્મશતાબ્દીવર્ષ ઉજવાઈ રહ્યું છે તેવા ગુજરાતી ભાષાના વીસમી સદીના પ્રમુખ કવિ શ્રી ઉમાશંકર જોશીના શ્રેષ્ઠ કાવ્યોનું આ પુસ્તક તાજેતરમાં પ્રકાશિત થયું છે. આ પુસ્તકનું સંપાદન શ્રી નિરંજન ભગત, શ્રી ચિમનલાલ ત્રિવેદી અને શ્રી ભોળાભાઈ પટેલે કર્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ગૂર્જર પ્રકાશનનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત કાવ્યોના અંતે આપવામાં આવી છે.]

[1] ચોખૂણિયું મારું ખેતર

ચોખૂણિયું મારું ખેતર નાનું,
કાગળનું એક પાનું.
વાવાઝોડું કોઈ ક્યાંથી આવ્યું;
ક્ષણનું બીજ ત્યાં વાવ્યું.

કલ્પના કેરાં પીને રસાયણ
………….બીજ ગળી ગયું છેક.
શબ્દના અંકુર ફૂટ્યા, સુપલ્લવ-
………….પુષ્પનો લચ્યો વિશેષ.

લૂમ્યાં-ઝૂમ્યાં ફળ, રસ અલૌકિકઃ
………….અમૃતધારાઓ ફૂટે.
વાવણી ક્ષણની, લણો અનંતતાઃ
………….લૂટતાં લેશ ન ખૂટે.

રસનું અક્ષયપાત્ર સદાનું
ચોખૂણિયું મારું ખેતર નાનું.

[2] માનવીનું હૈયું

માનવીના હૈયાને નંદવામાં વાર શી ?
……………….. અધબોલ્યા બોલડે,
……………….. થોડા અ બોલડે,
પોચાશા હૈયાને પીંજવામાં વાર શી ?

……………….. સ્મિતની જ્યાં વીજળી,
……………….. જરીશી ફરી વળી,
એના એ હૈયાને રંજવામાં વાર શી ?
એવા તે હૈયાને નંદવામાં વાર શી ?

માનવીના હૈયાને રંજવામાં વાર શી ?
એના એ હૈયાને નંદવામાં વાર શી ?

[3] દળણાના દાણા

ખરા બપોર ચઢ્યે દાણા રે કાઢવા
ઊંડી કોઠીમાં ડોશી પેઠાં રે લોલ.
કોઠીમાં પેઠાં ને બૂંધે જઈ બેઠાં,
ભૂંસી-લૂછીને દાણા કાઢ્યા રે લોલ.
સાઠ સાઠ વર્ષ લગી કોઠી રે ઠાલવી
પેટની કોઠી ના ભરાણી રે લોલ.
સૂંડલી ભરીને ડોશી આવ્યાં આંગણિયે,
દળણાના દાણા સૂકવ્યા રે લોલ.

સૂકવીને ડોશી ચૂલામાં પેઠાં,
થપાશે માંડ એક ઢેબરું રે લોલ.

આંગણે ઊગેલો ગલકીનો વેલો,
મહીંથી ખલુડીબાઈ નીકળ્યાં રે લોલ.
કરાને ટોડલે રમતાં કબૂતરાં
ચણવા તે ચૂપચાપ આવિયાં રે લોલ.
ખાસી ખોબોક ચણ ખવાણી ત્યાં તો
મેંડી હરાઈ ગાય આવી રે લોલ.
ડોશીનો દીકરો પોઢ્યો પલંગમાં,
હરાઈ ગાય કોણ હાંકે રે લોલ ?
હાથમાંનો રોટલો કરતો ટપાકા
દાણા ખવાતા ન જાણ્યા રે લોલ.

રામા રાવળનો ટીપૂડો કૂતરો
ડોશીનો દેવ જાણે આવ્યો રે લોલ.
ઊભી પૂંછડીએ બાઉવાઉ બોલિયો
ડોશી ત્યાં દોડતી આવી રે લોલ.
આગળિયો લઈને હાંફળી ને ફાંફળી
મેંડીને મારવા લાગી રે લોલ.

ચૂલા કને તાકી રહી’તી મીનીબાઈ
રોટલો લઈને ચપ ચાલી રે લોલ,
નજરે પડી, ને ઝપ ટીપૂડો કૂદિયો,
ડોશીની નોકરી ફળી રે લોલ.

છેલ્લું ઢેબરું તાણી ગ્યો કૂતરો,
દયણું પાશેર માંડ બાકી રે લોલ.
‘એ રે પાશેર કણ પંખીડાં કાજે
મારી પછાડે નખાવજો રે લોલ.
કોઠી ભાંગીને એના ચૂલા તે માંડજો.
કરજો વેચીને ઘર, કાયટું રે લોલ.’

[4] જઠરાગ્નિ

રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા !
મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
રંગે ઉડાવો જળના ફુવારા !

રચો, રચો ચંદનવાટિકાઓ,
ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા
રચો ભલે !

…………. અંતર-રૂંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે ?
દરિદ્રની એ ઉપહાસલીલા
સંકેલવા, કોટિક જીભ ફેલાતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ન લાધશે !

[કુલ પાન : 160. કિંમત રૂ. 110. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન. 202, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હું એટલે અત્યારે…. – શ્રીકાન્ત શાહ
વાચકોની રચનાઓ – સંકલિત Next »   

3 પ્રતિભાવો : ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો – સંપાદન

 1. સુંદર…

  “ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
  ખંડેરની ભસ્મકણી ન લાધશે !”

  આ પંક્તિ શાળામાં હતા ત્યારે નિબંધો માં ટાંકતા હતા.

 2. Rajesh Joshi says:

  જેને ન ખાવું કે ન ભુખ્યા થાવું, એને ધરો પતરાળી,
  એના કરતાં તો જીવતાં ને લિયોને જુવારી.

  દેવજીભાઈ મોઢા ની આ પંક્તિ યાદ આવી ગઈ.

 3. Anila Amin says:

  ખૂબજ સરસ અને આસર્કારક

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.