વાચકોની રચનાઓ – સંકલિત

[1] કેટલાય વર્ષો તું… – કુન્દન લંગાળિયા

[ ‘મા’ વિશેના સુંદર કાવ્યોની નાનકડી પુસ્તિકા ‘ઝંકૃતિ’માંથી પ્રસ્તુત રચના સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તિકા ભેટ મોકલવા માટે શ્રીમતી કુન્દનબેનનો (ભાવનગર) ખૂબ ખૂબ આભાર. (પુસ્તિકા વેચાણ માટે ઉપલબ્ધ નથી.) આપ તેમનો આ નંબર પર +91 278 2567747 સંપર્ક કરી શકો છો.]

કેટલાય વર્ષો તું
હમસફર રહી મારી
તાત, માત, ભ્રાત, સખી
બનીને સાથે
સાવ લગોલગ રહી…
આવ અડોઅડ ચાલી
જીવતરના વિષ તે પીધા
અમને તો અમરત પાયા
ધગધગતા તાપ સામે
તું પથરાઈ થઈ છાયા
કવચ થઈ-લપેટાઈ
મા… અવનવા રૂપ તારાં જોયાં
છતાં ન પરખાયા
લાગે છે બાળક માટે
તું જ ધરતીનો દેવ
બાળક માટે જ
તું ધરતી દેહ !

[2] જળધારા – અસ્મિતા ધોળકિયા

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે અસ્મિતાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. પ્રસ્તુત કૃતિ તેમના ‘મન વણઝારું’ પુસ્તકમાંથી લેવામાં આવી છે. આપ તેમનો આ સરનામે dholakiaasmita@gmail.com સંપર્ક કરી શકો છો.]

હિમગિરીના ખોળે રહેતી
રમતી આવી, વહેતી આવી…
ચાંદી શી ચમકતી, રૂમઝૂમ કરતી,
નાનકડી જળધારા….
………. એકલવાટે, લાંબા પંથે સાગરનું આકર્ષણ…
……………….. રે મન ! આ તે કેવું ઘર્ષણ…
…………સરીતા શોધે સાગરતટને….
………….દૂર ઘૂઘવતા એ નટખટને…
………………….રણ….રસ્તામાં આવી અટવાયું….!
…………………..જળધારાના રસ્તે રેતી થઈ છવાયું….
કાયા સંકોરી… નાનાં નાજુક ઉપવન રચતી,
સ્વપ્ન સમેટી આંખોમાં…
……………આગળ-આગળ વધતી… નાનકડી જળધારા…
…………………….સ્વપનાં જોતી સાગરનાં,
……………..રણની રેતીમાં જીવન વહાવતી…
………………કેવી એ જળધારા… કંઠે તરસ વસાવી…
અરમાનોની આંગળી ઝાલી,
સાગર રસ્તે ચાલી, નાનકડી જળધારા….

[3] રક્ષાબંધન – શ્રી જનક હરિભાઈ ઝીંઝુવાડિયા

[ તાજેતરમાં જે પર્વ ઉજવાયું તેનું આ સુંદર કાવ્ય છે. વ્યવસાયે એન્જિનિયર એવા શ્રી જનકભાઈનો (અમદાવાદ) આ કાવ્ય મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે janakhari@rediffmail.com સંપર્ક કરી શકો છો.]

અદકેરું બંધન ,રક્ષાબંધન
ભાવ સ્નેહનું સતત સર્જન
…………….અદકેરું બંધન ,રક્ષાબંધન.

રેશમનો તાર એક અનોખો સાર
ભીંજાય એમાં આખો સંસાર,
હરિએ આંજેલું અંજન
……………..અદકેરું બંધન ,રક્ષાબંધન.

શબ્દોમાં જ બધું સાકાર
ભાવની વર્ષા અહીં શ્રીકાર
જગમાં મોઘુમુલું આ ધન
……………અદકેરું બંધન ,રક્ષાબંધન.

[4] આતમના અજવાળાં – ગોવિંદ શાહ

[ રીડગુજરાતીને આ રચના મોકલવા માટે શ્રી ગોવિંદભાઈનો (વલ્લભ વિદ્યાનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9375012513 અથવા આ સરનામે sgp43@yahoo.co.in સંપર્ક કરી શકો છો.]

શ્યામ !
મારે વૃન્દાવન નથી જાવું
મંદિરોની ભીડભાડથી,
કુંજગલીઓના ઘોંઘાટથી,
અને યમુનાના પ્રદૂષણથી,
હું ગૂંગળાઈ જઈશ.

ચાલ ! આપણે જઈએ…
સાગર અને શશી પાસે,
જ્યાં ખડકનું મૌન હોય અને
તારાઓની સંગત હોય.

પછી અવનિ અને અંબરમાં
‘હું’પદની હોળી કરીને,
અહમને ઓગાળીને,
અનુકંપાને આત્મસાત કરી,
અમૃતની અનુભૂતિ કરીને,
પ્રગટાવીશું આતમનાં અજવાળાં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો – સંપાદન
અડકો દડકો – લતા ભટ્ટ Next »   

1 પ્રતિભાવ : વાચકોની રચનાઓ – સંકલિત

 1. nayan panchal says:

  માતા વિશેનુ એક સુંદર કાવ્ય. નીચેની પંક્તિઓ ખૂબ સરસ.
  જીવતરના વિષ તે પીધા
  અમને તો અમરત પાયા

  જળધારા-નદી વિશેનું ખૂબ સુંદર અર્થસભર કાવ્ય.

  રક્ષાબંધનની ભાવનાનુ સચોટ નિરૂપણ કરતુ સુંદર કાવ્ય.

  છેલ્લા કાવ્યનો છેલ્લો ફકરો અતિસુંદર.

  ઘણો આભાર,
  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.