બુદ્ધિની કસોટી – જ્યોતીન્દ્ર દવે

[ શ્રી વિનોદ ભટ્ટ દ્વારા સંપાદિત ‘હાસ્યેન્દ્ર જ્યોતીન્દ્ર’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

ઘણા સમર્થ વિચારકો કહી ગયા છે કે મનુષ્યનું મન એવું ચંચળ છે, કે તે એક વસ્તુ તરફ લાંબો વખત અભિમુખ થઈ શકતું નથી. એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદતા શાખામૃગની પેઠે મન પણ એક વિષય પરથી બીજા વિષય પર હંમેશા કૂદ્યા કરે છે. સ્થિરતાથી એક વિષયના વિચાર એ કરી શકતું નથી. સમર્થ વિચારકોએ, એકાગ્ર મનથી વિચાર કરીને કહ્યું છે એટલે આ વાત છેક ખોટી છે એમ તો ન કહેવાય, પણ એક વખત મેં એક વાંદરું જોયું હતું. તે એક ઝાડની શાખાએ પૂંછડી ભેરવી રહ્યું હતું અને ગમે એટલા પ્રયત્નો કરવા છતાં તેનાથી બીજા ઝાડ પર જવાતું નહોતું. એ વાંદરાની પેઠે મન કવચિત એક વિષય પર એવું ચોંટી જાય છે, કે ત્યાંથી એ ખસી શકતું જ નથી. આવો અનુભવ મને થોડા જ વખત પર થયો હતો.

હું આરામખુરસી પર પડ્યો પડ્યો અપચા પર ભીંડાનું શાક નડે કે નહિ, તેના વિષયમાં મશગૂલ થઈ ગયો હતો. એટલામાં મારાં સહધર્મચારિણી હાથમાં એક ‘સ્ત્રી-ઉપયોગી’ માસિક લઈ આવ્યાં ને મને કહ્યું :
‘આનો જરા જવાબ કહોની.’
‘ના, નહિ નડે.’ મેં જવાબ દીધો.
‘શું નહિ નડે ?’ એણે પૂછ્યું.
‘કેમ ? ભીંડા.’ મેં કહ્યું.
‘ભીંડા ? ભીંડા ક્યાંથી આવ્યા ?’
‘કેમ ? અપચા પર ભીંડા નડે કે નહિ, એમ તેં મને પૂછ્યું ને ?’
‘મેં વળી એમ ક્યારે પૂછ્યું ?’
‘બરાબર, બરાબર. એ તો હું વિચાર કરતો હતો કે અપચા પર ભીંડા નડે કે નહિ, એટલામાં આવીને તેં જવાબ માગ્યો એટલે હું એમ બોલ્યો. બોલ, હવે તારો શો પ્રશ્ન છે ?’

એણે ‘સ્ત્રી-ઉપયોગી’ માસિકમાં જોઈને પૂછ્યું : ‘બોલો, હું કોણ છું ?’
‘તું ? તું કોણ છે ? તું મારી પત્ની, ભાર્યા, દારા, સહધર્મચારિણી, જીવનસંગિની, ધણિયાણી, ગૃહિણી, ઘરવાળી, પરણેતર ઈત્યાદિ ઈત્યાદિ છે.’
‘મજાક શું કરો છો ?’
‘મજાક નહિ, ખરું જ કહું છું કે તું મારી ગૃહિણી, પત્ની વગેરે વગેરે છે. છતાં તને આવો સાપેક્ષ સંબંધ ન રુચતો હોય, ને ઉચ્ચ, આધ્યાત્મિક ભૂમિકાએ જવું હોય તો તત્વમસિ (‘તું તે છે’). તે તે કોણ એમ પૂછતી નહિ. તે તે કોઈ નહિ, નેતિ નેતિ, આ નહિ, પેલું નહિ, પેલો નહિ. સંતોષ થયો, હવે ?’
‘અરે સાંભળો તો ખરા, બરાબર ! હું કોણ એટલે હું નહિ.’
‘વાહ ! હું કોણ એટલે હું નહિ, એ જ્ઞાન બહુ દુલર્ભ છે અને તને એવા દુર્લભ જ્ઞાનની અધિકારિણી થયેલી જોઈને મને ઘણો આનંદ થાય છે.’
‘બળ્યું ! જેમાં તેમાં તમને તો મજાક જ સૂઝે છે. સીધો જવાબ ન દેવો હોય તો હું આ ચાલી !’

ઉર્વશીના વિયોગે ઘેલા થઈ ગયેલા પુરુરવાની સ્થિતિ મને સાંભરી આવી ને બોલી ઊઠ્યો :
‘ના, ના ! જતી ના રહે. બિલકુલ મજાક નહિ. બોલ, તારે શું પૂછવું છે ?’
‘જુઓ, આમાં ‘બુદ્ધિની કસોટી’ એ નામે એક સવાલ આપ્યો છે.’
‘બુદ્ધિની કસોટી ? – હા, એ કામ મારું. શરીરની કસોટી કરવી હોય, મહેનતનું કામ હોય, ગધ્ધાવૈતરું કરવું હોય તો મારું કામ નહિ. નીતિની કસોટી કરવી હોય, લાલચથી દૂર રહેવાની વાત હોય તો એ મારું કામ નહિ; પણ બુદ્ધિની કસોટી કરવી હોય, કૂટ પ્રશ્નોને ઉકેલવા હોય, મગજમારીનું કામ હોય, તો સેવક તૈયાર છે.’
‘આ માસિકમાં ‘બુદ્ધિની કસોટી’ એ નામે આ ચોથો પ્રશ્ન છે તેનો જવાબ દો, જોઉં !’
‘તું જ વાંચી બતાવની.’
‘બોલો, હું કોણ છું ? – હું પાંચ અક્ષરનો બનેલો છું ને એક જાણીતા શહેરનું નામ છું. મારા પહેલા બે મળીને મૂળ થાય છે; મારો ત્રીજો ને પહેલો મળીને દવામાં વપરાતી ને જંતુ દ્વારા તૈયાર થતી એક સ્વાદિષ્ટ વસ્તુ થાય છે. ચોથો ને બીજો મળીને શહેર થાય છે.’
‘ફરીથી બોલ, જોઉં.’
‘લો, વાંચી જુઓની.’ એણે માસિક મને આપ્યું.
મેં વાંચી જોયું. પહેલો ને બીજો મળીને મૂળ થાય છે. ત્રીજો ને પહેલો સ્વાદિષ્ટ વસ્તુ. ચોથો ને બીજો શહેર, આખું એક જાણીતું શહેર. હું મનમાં પાંચછ વાર ગણગણ્યો. ફરીથી વાંચી જોયું. આ કૂટ પ્રશ્ન તંત્રી પર પ્રસિદ્ધિ માટે મોકલનાર ‘એક બહેન’ કોણ હશે તેનો વિચાર મને આવ્યો. શું એને ઘરમાં કંઈ કામ નહિ હોય ? આવા આવા મૂર્ખાઈભરેલા પ્રશ્નો બનાવવાનો એને વખત ક્યાંથી મળતો હશે ?

‘કેમ, જડ્યું ?’ મારી સ્ત્રીએ પૂછ્યું.
‘છે તો બહુ સહેલું, પણ આપણે આ માથાકૂટ કરવાની શી જરૂર ?’
‘એમ કહોને કે નથી જડતું !’
‘ના, ના. એવું તો નહિ, પણ તું જાણે છે કે પ્રેમાનંદ ને કાલિદાસ શામળ કરતાં મોટા કવિ ગણાય છે.’
‘હા, પણ એનું અહીં શું કામ છે ?’
‘તેનું કારણ ખબર છે ?’
‘શું ?’
‘શામળની નાયિકા નાયકને આવા કૂટ પ્રશ્નો પૂછે છે. એની પ્રેમકથાઓમાં નાયક ને નાયિકા પ્રેમાલાપ કરવાને બદલે એકમેકને ઉખાણાં પૂછે છે. ને પ્રેમાનંદ ને કાલિદાસનાં નાયક-નાયિકા સાચા પ્રેમીઓને છાજે એમ પ્રેમસંવાદ કરે છે. આથી જ કાલિદાસ ને પ્રેમાનંદ જેટલી મહત્તા ને લોકપ્રિયતા શામળ સંપાદન કરી શક્યો નથી.’
‘પણ એ બધા પીંજણની અહીં શી જરૂર ?’
‘આ લાંબી ભૂમિકા વડે હું એમ દર્શાવવા માંગું છું કે આપણે પતિ-પત્ની છીએ,….’
‘એ તો તમારી ભૂમિકા વિનાયે હું ક્યાં નહોતી જાણતી ?’
‘સાંભળ તો ખરી. આપણે પતિપત્ની છીએ, માટે આપણી વચ્ચે વિદ્યાર્થી ને શિક્ષકની માફક આવા કૂટ પ્રશ્નોની આપ-લે ના હોય. આપણા વચ્ચેનો વાર્તાલાપ પ્રેમાનંદ ને કાલિદાસનાં નાયક-નાયિકાના પ્રેમસંવાદ જેવો જ હોવો જોઈએ – શામળનાં નાયક-નાયિકા જેવો નહિ. ટૂંકામાં કહું, તો વરવહુ વચ્ચે વાત કરવાનો વિષય તેં શોધ્યો છે તે નથી.’
‘હા-હા-હા ! આટલું બધું લાંબું લાંબું બોલ્યા વગર જ કહી દેવું હતું ને કે નથી સૂઝતું ?’
‘શું નથી સૂઝતું ?’
‘આનો જવાબ.’
‘ઓહો ! હજી એ વાત તારા મગજમાંથી નથી જતી ? એમાં શું ? નાનું છોકરું પણ એનો જવાબ દઈ શકે.’
‘ત્યારે તો તમને શો વાંધો છે ?’
‘વાંધો બીજો કાંઈ નહિ, પણ આ માસિકનો અધિપતિ મારી બુદ્ધિની કસોટી કરનાર કોણ ?’
‘એ માસિકના અધિપતિએ આ સવાલ નથી શોધી કાઢ્યો.’
‘હં. અધિપતિ નહિ તો એ ‘એક બહેન’ તે એવાં મોટાં કોણ છે કે તેના આગળ હું મારી બુદ્ધિની કસોટી થવા દઉં ?’
‘જુઓની, આ થાય જ છે ને ?’
‘કેમ ?’
‘તમારાથી જવાબ નથી દેવાતો એટલે તમારી કસોટી એની મેળે જ થાય છે ને ?’
‘મારાથી જવાબ નથી દેવાતો એમ નથી. હું ધારું તો દઈ શકું. પણ હમણાં મને વખત નથી.’
‘એમ કે ? ત્યારે પછી, વખત મળે ત્યારે દેજો.’
‘પણ આ વસ્તુ એવા તે શા મહત્વની છે કે એનો જવાબ દીધે જ છૂટકો ?’
‘વારુ, ત્યારે ન દેશો. એ તો તમારી ‘બુદ્ધિની કસોટી’ થઈ !’
‘એમ ? જા ત્યારે, આજે કયો વાર ?’
‘રવિવાર.’
‘રવિવાર માતાનો વાર છે. એટલે તે દિવસે વિચાર કરવો એ નિષિદ્ધ છે.’
‘અને સોમવાર મહાદેવનો વાર છે !’
‘બરાબર. એટલે તે દિવસેય વિચાર ન કરાય. મંગળવાર મને નડે છે. ‘અવિદ્યા બુધસોમયોઃ’ અર્થાત સોમ ને બુધવાર અવિદ્યાના વાર છે, એવું શાસ્ત્રનું કે જ્યોતિષશાસ્ત્રનું વચન છે. એટલે હું ગુરુવારે તને આનો જવાબ દઈ શકીશ.’
‘વારુ, જોજો હોં. ગુરુવારે જવાબ આપવો પડશે.’ કહી એ કૂટપ્રશ્ન સમી મારી સ્ત્રી ત્યાંથી ચાલી ગઈ.

એના ગયા પછી ફરી પાછું મેં એ ‘સ્ત્રી-ઉપયોગી’ માસિક ઉઘાડ્યું. મોઢે થઈ જાય એટલી વાર એ પ્રશ્ન ફરી ફરી વાંચ્યો. કાંટાળી જાય એટલી મગજને તસ્દી આપી, પણ એનો ઉકેલ મને ન સૂઝ્યો. ‘સ્ત્રી-ઉપયોગી’ માસિકના આધિપતિને આ પ્રશ્નમાં એવું શું ‘સ્ત્રી-ઉપયોગી’ તત્વ જણાયું હશે કે એને પોતાના પત્રમાં પ્રસિદ્ધિ આપી ? માસિક, અઠવાડિક ને દૈનિકના અધિપતિઓ આવા કૂટપ્રશ્નો પોતાના પત્રમાં દાખલ શા માટે કરતા હશે ? વાચકની ‘બુદ્ધિ કસોટી’ કરવા એ લોકો આવા આતુર કેમ રહેતા હશે ? અને આવાં કચરા જેવા પત્રો વાંચી પોતાની બુદ્ધિના અભાવનું દર્શન કરાવનારાઓની બુદ્ધિની કસોટી કરવાની જરૂર પણ શી છે ? – આવા આવા અનેક વિચારો, પ્રશ્નના ઉકેલને સહેલો કરવાને બદલે અઘરો બનાવે એવા, મારા મનમાં આવ્યા. આખરે થાકીને, કંટાળીને, હવે એનો વિચાર જ ન કરવો એવો મેં નિશ્ચય કર્યો. પણ રોગને આપણે છોડવા માગીએ તોય રોગ આપણને છોડતો નથી, તેમ મેં આ પ્રશ્નને પડતો મૂકવા નિશ્ચય કર્યો, પણ એ પ્રશ્ને તો મારા મનનો કબજો લઈ લીધો.

‘મારા પહેલા બે મળીને મૂળ થાય. મારો ત્રીજો ને પહેલો દવામાં વપરાતી સ્વાદિષ્ટ વસ્તુ, મારો ચોથો ને બીજો મળીને શહેર : હું આખું એક શહેરનું નામ છું, પાંચ અક્ષરનું. હું કોણ છું ?’ આ પ્રશ્ન સનાતન યૌવન પામીને હસતો, નાચતો, કૂદતો, મારી ઠેકડી કરતો આખા ઓરડામાં ઘૂમવા લાગ્યો. ‘હું કોણ છું ?’, ‘હું કોણ છું ?’ એમ ચીસ પાડી પાડીને એણે મારા કાન બહેરા બનાવી મૂક્યા. મેં કંઈ વાંચવાનો પ્રયત્ન કર્યો, પણ મારે માટે આ દુનિયામાં એ પ્રશ્ન સિવાય બીજું કંઈ પણ રહ્યું હોય એમ લાગ્યું નહિ. ‘હું કોણ ? હું કોણ ?’ કરતો એ પ્રશ્ન મારાં મનોનયન સમક્ષ આખો વખત ખડો જ રહેતો. ખાવાપીવાનું મારું ઝેર થઈ ગયું. ભાતમાંથી ભભક ગઈ ને પાણીમાંથી સ્વાદ ગયો, ઘીમાંથી ચીકાશ ગઈ ને પાણીમાંથી ઠંડક ગઈ ! રહ્યો માત્ર એ પ્રશ્ન – કારમો ને કંપાવતો !

રવિવારનો દિવસ તો મેં જેમ તેમ પસાર કર્યો. બીજે દિવસે ઑફિસમાં ચા પીવા ભેગા થએલા મારા મિત્રોએ મારું મુખ જોઈ પૂછ્યું :
‘કેમ ? ભાભી કંઈ માંદાબાંદાં છે કે શું ?’
‘ના રે !’ મેં કહ્યું.
‘ત્યારે આમ ઘુવડ જેવા કેમ થઈ ગયા છો ?’
‘વિચારમાં છું.’
‘બહુ દિવસે કંઈ ?’
‘શું બહુ દિવસે ?’
‘બહુ દિવસે વિચાર કરવા માંડ્યો ?’
‘જુઓ, તમારી મજાકમશ્કરી સાંભળવાના મૂડમાં હું આજે નથી.’
‘પણ છે શું ?’
‘કંઈ નહિ.’ મેં કહ્યું. મારા મિત્રોને આ પ્રશ્ન પૂછ્યો હોય તો કેમ, એમ મને થયું. પણ એ જવાબ શોધી કાઢે, તે જવાબ મારી સ્ત્રી આગળ હું આપું તે મારા જેવા પ્રામાણિક માણસને ન છાજે, એમ વિચાર આવ્યો. પણ પછી એમને ઠઠ્ઠામશ્કરી કરતાં ખૂબ મજા મારતા જોઈ મને અદેખાઈ આવી. આ બધા આનંદ કરે ને મારે એકલાએ જ શા માટે દુઃખ ભોગવવું ?
‘જુઓ’ મેં કહ્યું : ‘હું એક સવાલનો જવાબ શોધું છું.’
‘શા સવાલનો ?’
‘હું કોણ છું ?’ વાક્ય પૂરું કરું તે પહેલાં ચારપાંચ મિત્રો નીચે મુજબ બોલી ઊઠ્યા :
‘બબૂચક !’
‘ઘુવડ !’
‘બોચિયું !’
‘ગર્દભાધિરાજ.’
‘અંધેરી નગરીનો ગર્ધવસેન !’
‘તમે જરા મૂંગા રહેશો ? આ તો એક ઉખાણું છે, કોયડો છે. એક ‘સ્ત્રી-ઉપયોગી’ માસિકમાં એ મેં વાંચ્યો હતો.’
‘સ્ત્રી-ઉપયોગી માસિક વાંચવાની તમને શી જરૂર પડી ?’
‘તમારે સાંભળવું ન હોય તો હું ન કહું.’
‘ના, ના. બોલો જોઈએ.’
‘જુઓ, એ ઉખાણું આમ છે : હું પાંચ અક્ષરનો બનેલો છું, ને એક જાણીતા શહેરનું નામ છું. મારા પહેલા બે મળીને મૂળ થાય છે; મારો ત્રીજો ને પહેલો મળીને દવામાં વપરાતી એક સ્વાદિષ્ટ વસ્તુ બને છે, મારો ચોથો ને બીજો મળીને શહેર થાય છે. હું કોણ છું ?’

મારા મિત્રોએ બેચાર વાર ફરી ફરીને એ પ્રશ્ન મારી કને બોલાવ્યો ને પછી દરેકે એનો જવાબ શોધવા પ્રયાસ કરવા માંડ્યો. નિરભ્ર આકાશમાં એકાએક વાદળાં ચઢી આવે એમ શાંત સ્મિત કરતાં એમનાં મુખ પર કાલિમા વ્યાપી ગઈ. ચા પીને વીખરાયા પછી પણ મારા મિત્રો એક પછી એક મારી પાસે આવીને એ ઉખાણું લખાવી ગયા. તે દિવસે ઑફિસના બધા જ માણસોનું એકાએક માથું દુખવા આવવાથી અમારે ઑફિસ વહેલી બંધ કરવી પડી. જતાં જતાં મારા મિત્રો ‘જવાબ જડશે કે નહિ ?’ એમ એકબીજાને પૂછતા ગયા. એક મિત્રે મને સૂચના કરી : ‘એ કોઈ જાણીતા શહેરનું નામ છે કેની ? તો તમે સ્ટેશન પર જઈ ટિકિટકલેકટર કે બીજા કોઈને પૂછી જુઓની ! એ લોકો અનેક શહેરનાં નામ જાણતા હોય છે.’

એ સૂચના મને ગમી. હું સ્ટેશન ગયો, પણ આ પ્રશ્ન પૂછવો કોને અને શી રીતે ? આખરે હું થર્ડ કલાસની ટિકિટઑફિસ આગળ ગયો ને મેં ટિકિટ માગી. ટિકિટ આપનાર પારસી હતો. એણે પૂછ્યું :
‘કાંની ટિકિટ જોઈયેચ, બાવા ?’
‘આ શહેરની.’
‘ટે સું અહીં મહોલ્લાની બી ટિકિટ મલેચ કે ?’
‘નહિ. એ શહેર પાંચ અક્ષરનું બનેલું છે. એના પહેલા બે મળીને મૂળ થાય છે; એનો ત્રીજો ને પહેલો અક્ષર મળીને દવામાં વપરાતી એક સ્વાદિષ્ટ વસ્તુ…’
‘આય ચેરાં સું કરોચ ?’ થોડી વાર મારી સામું તાકી રહીને એ પારસી બોલી ઊઠ્યો.
‘નહિ બાવાજી, એ તો એક ઉખાણું છે.’
‘અરે ! કંઈ કાંતરિયું ગેપબેપ થઈ ગીયુંચ કે શું ? જાયચ કે પોલીસને બોલાવું ?’
ત્યાંથી હું સેકન્ડ કલાસની ટિકિટઑફિસ આગળ ગયો. ત્યાં ટિકિટ આપનાર કોઈ ગુજરાતી હિંદુ જેવો હતો. તેને મેં કહ્યું : ‘મારે એક શહેરની ટિકિટ જોઈએ છે.’
‘ક્યા શહેરની ?’
‘હું શહેરનું નામ ભૂલી ગયો છું. પણ એ નામ પાંચ અક્ષરનું છે. તેના પહેલા બે મળીને….’
‘ઊભા રહો.’ એણે કહ્યું : ‘તમે કંઈ ઉખાણું પૂછતા હોય એમ લાગે છે.’
‘હા, ઉખાણું છે.’ મેં કહ્યું.
‘ઊભા રહો ત્યારે, મને લખી દેવા દો.’
મેં એને ઉખાણું ઉતરાવ્યું. એ વિચારમાં પડી ગયો. ધીરે ધીરે ટિકિટ માગનારાઓ આવવા માંડ્યા, પણ કોઈને ટિકિટ આપવાને બદલે એ તો વિચારમાં ને વિચારમાં બેઠો રહ્યો. લોકોએ સમજાવીને ધમકાવીને એને કહ્યું ત્યારે જાગ્રત થઈને તેમને ટિકિટ આપીને એણે પતાવ્યા ને પાછો વિચારમાં ડૂબ્યો. બીજા ટિકિટ માગનારા આવ્યા. ફરી એને બૂમ પાડી જાગ્રત કીધો. તેમને પતાવ્યા ને પાછો પડ્યો વિચારમાં. આમ કલાકેક વીત્યા પછી એણે મને કહ્યું : ‘તમે કાલે સવારે આવજો.’

બીજે દિવસે સવારે હું ગયો, ત્યારે માથે હાથ દઈને એ બેઠો હતો. મને જોઈને એણે કહ્યું : ‘આજે અહીં ટિકિટ નહિ મળે. જાઓ, પેલી બાજુથી લો.’
મેં કહ્યું : ‘હું ટિકિટ લેવા નથી આવ્યો. હું તો પેલા ઉખાણાનો જવાબ મળ્યો કે નહિ તે પૂછવા આવ્યો છું.’
‘ઓહો ! તમે છો ? આવોની અંદર.’
હું અંદર ગયો. એણે ટિકિટ આપવાની બારી બંધ કરીને પછી એમની સાથેના બેત્રણ મિત્રોને લઈ મારી પાસે આવી બેઠો.
‘ગઈ કાલના અમે બધા એનો જ વિચાર કરીએ છીએ, પણ હજી જડતું નથી. આમાં ભૂલ તો નથી ને ?’
‘ના.’ મેં કહ્યું.
‘ત્યારે એનો શો જવાબ છે ?’
‘તે હું જાણતો નથી; માટે જ તમને પૂછ્યું.’
‘આમ જુઓ, કોઈ પણ ઠેકાણેથી જવાબ મેળવી આવો, નહિ તો તમને બ્રહ્મહત્યાનું પાપ લાગશે !’
‘એટલે ?’
‘હું બ્રાહ્મણ છું. આ જવાબ નહિ જડે ત્યાં સુધી મારાથી કંઈ ખવાશે, પિવાશે કે ઊંઘાશે પણ નહિ, ને ઝૂરી ઝૂરી હું મરી જઈશ. તેની હત્યા તમારે માથે.’
‘ઠીક, હું ગુરુવારે ગમે ત્યાંથી પણ લાવીને તમને કહી જઈશ.’
‘જરૂર, જીવતો હોઈશ, તો હું અહીં જ હોઈશ.’
*******

‘આજે ગુરુવાર થયો. જવાબ જડ્યો ?’ મારી સ્ત્રીએ ગુરુવારે મને પૂછ્યું.
‘ના, કંઈ ભૂલ હોય એમ લાગે છે.’
‘શેમાં ?’
‘ઉખાણામાં.’
‘શા ઉપરથી એમ કહો છો ?’
‘એનો કંઈ જવાબ આવતો જ નથી ને ! મારા મિત્રોને પૂછ્યું, તેમને પણ કંઈ સમજાતું નથી.’
‘તમારા મિત્રો પણ તમારા જેવા જ….’
‘એટલે ?’
‘કોઈને જવાબ ન જડ્યો ?’
‘ના.’
‘એવું અઘરું તો કંઈ નથી.’
‘તે શું જાણે એમાં ?’
‘કેમ ?’
‘દેની ત્યારે તું જ જવાબ, જોઉં ?’
‘દઉં ?’ પત્ની બોલી.
‘પ્રયત્ન કરી જો.’
‘ધરમપુર.’
‘શું ?’
‘ધ-ર-મ-પુ-ર.’
‘કેવી રીતે ?’
‘જુઓ, ‘ધરમપુર’ એ જાણીતું શહેર છે. અક્ષર કેટલા, પાંચ જ છે ને ?’
‘હા, પણ તેથી શું ? એમ તો ‘અમદાવાદ’ પણ પાંચ અક્ષરનું શહેર છે !’
‘સાંભળો તો ખરા. એનો પહેલો ને બીજો અક્ષર મળીને ‘ધર’ એટલે મૂળ થાય છે. ત્રીજો ને પહેલો મળીને દવામાં વપરાતી સ્વાદિષ્ટ વસ્તુ ‘મધ’. ચોથો ને બીજો મળીને ‘પુર’ એટલે શહેર થાય છે. છે બરાબર ?’

હું ચકિત થઈ ગયો. અમારાથી કોઈથી ન થયું, તે આણે આટલી વારમાં શી રીતે શોધી કાઢ્યું ? એની બુદ્ધિ માટે મને માન ઉત્પન્ન થયું.
‘પણ તેં શોધી શી રીતે કાઢ્યું ?’
‘હું જાણતી જ હતી !’
‘કેવી રીતે ?’
‘મેં જ એ બનાવી ‘માસિક’માં છાપવા માટે મોકલેલું !’
‘એટલે ?’
‘એ માસિકમાં અવારનવાર આવા બુદ્ધિની કસોટી કરનારા સવાલો આવે છે. ને તંત્રી હંમેશા લખે છે કે : ‘કોઈ બહેન આવાં ઉખાણાં રચીને અમને મોકલશે તો અમે ખુશીથી છાપીશું. મને પણ એક દિવસ એવું ઉખાણું બનાવીને મોકલવાનું મન થયું ને મોકલ્યું.
‘મને પહેલેથી કહ્યું કેમ નહિ ?’
‘મારે જોવું હતું કે તમારાથી થઈ શકે છે કે નહિ.’
‘વારુ, હશે. પણ હવેથી એવું કંઈ મોકલીશ નહિ. પણ ચાલ પેલા ‘ટિકિટ માસ્તર’ને જવાબ કહી આવું. નહિ તો બ્રહ્મહત્યા લાગશે !’
‘ટિકિટ-માસ્તર, કયો ?’ મારી સ્ત્રી પૂછતી રહી ને વિશ્વની વિચિત્રતા વિશે વિચાર કરતો હું ‘ટિકિટમાસ્તર’નો જીવ બચાવવા ચાલ્યો.

[કુલ પાન : 263. કિંમત રૂ. 165. પ્રાપ્તિસ્થાન : ઈમેજ પ્રકાશન પ્રા. લિ. 1-2, અપર લેવલ, સેન્ચૂરી બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006 ફોન : 91-79-26560504. ઈ-મેઈલ : info@imagepublications.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અડકો દડકો – લતા ભટ્ટ
રત્નાનો કેસ – હિરલ શાહ Next »   

31 પ્રતિભાવો : બુદ્ધિની કસોટી – જ્યોતીન્દ્ર દવે

 1. JIM says:

  ફક્ત એટલું જ કેહવુ છે કે સાહેબ મજા આવિ ગઈ.

 2. Upen Valia says:

  વાહ વાહ્…

 3. Kamal Lukha says:

  બહુ સરસ

 4. riddhi says:

  બહુ સરસ હાસ્ય લેખ.

 5. dipen says:

  વાહ વાહ, મજા આવિ ગઇ………….

 6. જ્યોતીન્દ્ર દવે અને હાસ્ય એ બન્ને એકબીજાના પય્રાય છે.

  બહુજ સંદર લેખ.

  આભાર!

 7. yash says:

  ખુબજ સરસ વારતા હતિ

 8. Amit Trivedi says:

  ખુબજ સરસ લેખ

  મજા આવિ ગઇ…………

 9. nayan panchal says:

  મજા આવી ગઈ. દર સોમવારે આવો એક લેખ તો હોવો જ જોઈએ.

  ખૂબ આભાર,
  નયન

 10. trupti says:

  નાના હતા ત્યારે સ્કુલ ના ભણવા મા જ્યોતિન્દ્ર દવે ના પાઠ આવતા. તેમના કદ ને લઈ ને તેમેને પોતે પોતાની જે રીતે મઝાક ઉડાવિ ને રમુજ પેદા કરી છે તેવી રમુજ ભાગ્યેજ કોઈ હાસ્ય લેખકે કરી હશે કે કરી શકશે.

  ઘણા વખતે જયોતિન્દ્રભાઈ ને વાંચવાનિ મઝા આવી ગઈ. નયનભાઈ જોડે સંમત દર સોમવારે આવો એક લેખ તો હોવો જ જોઈએ, સોમવાર નો દિવસ એટલે શનિ-રવિ ની મઝા માણ્યા પછિનો પહેલો વર્કીગ ડે, આમ પણ બહુ બોરિંગ હોય છે માટે આવા લેખો સુસ્તી ઉડાવવા માટે રામબાણ શાબિત થાય.

 11. hiral says:

  જ્યોતિન્દ્ર દવે ના હાસ્ય લેખ. વાહ વાહ મજા આવી ગઇ.

 12. Jagruti Vaghela USA says:

  લેખ વાંચતા વાંચતા હું પણ ઉખેણાનો ઉકેલ શોધવા મંડી પડીતી! ‘મધ’ શબ્દ મગજમાં આવી ગયો હતો પણ માથુ દુખે તે પહેલા લેખમાથી જવાબ મળી ગયો. મજા આવી.

  • મિત says:

   લેખકે જયારે ત્રીજી વાર ઉલ્લેખ કર્યો, ત્યારે મને જવાબ મળી ગયો હતો. પહેલી clue મધ મળી, અને એના પરથી જવાબ મળ્યો.
   લેખ બહુ સરસ તો ના કહી શકાય, પણ પુરુષની ભાગેડુ પ્રકૃતિનો આમાં અણસાર આવી જાય છે.
   “મિયાં પડે, પણ તંગડી તો ઊંચી જ”, એ મુજબ, આવડતું નથી, એમ કહેવાને બદલે આટલા 9 yards ની શી જરૂર હતી?
   ખેર, હાસ્ય ઉપજાવવાનો આ એક પ્રયત્ન હતો, જેનો અનાદર ન કરી શકાય અને એ પણ જ્યોતીન્દ્ર દવે, એટલે પૂછવું જ શું?

 13. Hetal says:

  LOL.. I had so much fun reading this one…The lady put her husband, his friends and ticket-master in funny trouble. LOL

 14. Ankit says:

  વાહ,બહુ સરસ હાસ્ય લેખ.

  ખુબ ખુબ મજા આવી ગઈ….

 15. after a very long time some good article for laughing i got —was bored with tv and news paper jokes but got this original one –thank u so much for this article !!!!!!!!!

 16. महत् हास्य प्राप्तवान् … बहवः धन्यवादाः

 17. yogesh says:

  મને હસવુ નહી પરન્તુ મને જ્યોતીન્દ્ર આવી ગયુ. 😉
  ાભાર્

  યોગેશ્.

 18. gohil shaktisinh says:

  thats y i m a big fan of jyotindra saheb!!!!!

  જ્યોતીન્દ્ર દવે અને હાસ્ય એ બન્ને એકબીજાના પય્રાય છ
  વાહ,બહુ સરસ હાસ્ય લેખ.

  ખુબ ખુબ મજા આવી ગઈ….

 19. માર્દવ વૈયાટા says:

  વાહ ભાઇ વાહ ખુબજ મજા આવી ગઇ આ વાર્તા વાચી ને.

 20. અશોક જાની 'આનંદ' says:

  જ્યોતીન્દ્ર દવેનું બીજું નામ જ હાસ્ય એ ફરી એક વખત સિદ્ધ થયું, જો કે ઉખાણાનો જવાબ તેમના કર્તં મને પહેલાં જડી ગયેલો.

 21. મસ્ત હાસ્યલેખ છે. વાર્તા થોડી લાંબી છે પણ છેવટે સસ્પેંસ ખુલતા ઘણી મજા આવી.

 22. Krutika says:

  awesome yar…………..bhare kari……….end lagi maja avi gay……………..

 23. sunil shah says:

  મજા આવિ ગઈ, દીલ ખુશ થઈ ગયુ

 24. ketan patel says:

  ખુબજ મજા આવિ ગઇ. હસ્ય વિનાનુ જિવન સ્મશાન ચે.

 25. Jay Pandya says:

  જ્યોતિન્દ્ર સાહેબ ખરેખર હસ્યેન્દ્ર ચ્હે એનો ઉત્તમ પુરાવો….!

 26. harshad patel says:

  parsi bava ni style ma katariyu gap bep thayi gyuch k su?ema maza avi gai.mara saheb pan parsi hata etle temani yad pan avi gayi

 27. Parita says:

  Really nicely narrated. khubaj maja aavi read kervani..:) It made my day!

 28. jayeshsh says:

  વાહ !!!!! !!!!જયોતિન્દ્રભાઈ સાહેબ મઝા આવિ ગઈ.

 29. NEHA says:

  હા હા હા મજ અવિ ગઈ……હવે હુ આજ પ્રશ્ન થિ મમ્મિ ને હેરાન કરિશ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.