રત્નાનો કેસ – હિરલ શાહ

[ રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા:2010માં બીજા ક્રમાંકે પુરસ્કૃત થયેલી આ વાર્તા સત્યઘટના પર આધારિત છે. એક જ કુટુંબના અન્ય તેજસ્વી સંતાનો વચ્ચે એક સામાન્ય દીકરી કેવી મનોવ્યથામાંથી પસાર થાય છે તેનું સચોટ દ્રશ્ય અહીં રજૂ થયું છે. આ સમયે માતા-પિતાની ભૂમિકા કેવી હોવી જોઈએ તેનો ખૂબ ઉપયોગી સંદેશ આ વાર્તામાંથી પ્રાપ્ત થાય છે. વાર્તાના સર્જક શ્રીમતી હિરલબેન B.E. કર્યા બાદ સોફટવેર-ટેલિકોમ ક્ષેત્રે લંડનમાં કાર્ય કરી રહ્યાં છે. હાલમાં તેઓ ભારતની મુલાકાતે છે. આ વાર્તા તેમનો પ્રથમ પ્રયાસ છે. રીડગુજરાતી તરફથી હિરલબેનને ખૂબ ખૂબ અભિનંદન. આપ તેમનો આ નંબર પર +91 9376809288 અથવા આ સરનામે hiral.shah.91@gmail.com સંપર્ક કરી શકો છો. ]

રત્ના હજુ સુધી કેમ આવી નહીં ? – જેવો વિચાર મનમાં ઝબક્યો કે તરત જ સુજાતાબહેને નિરાલીને બૂમ પાડી : ‘તારો ફોન લાગ્યો ? જાને બેટા, જરા તપાસ કર ને ! મને તો એની બહુ ચિંતા થાય છે. કોર્ટે શું ચુકાદો આપ્યો હશે ? રત્ના હેમખેમ તો હશે ને ?’

ક્ષણેક અટકીને પૂરી તળતાં સુજાતાબહેન ફરી બોલ્યાં : ‘નિરાલી, એને ખબર છે કે તું આવી ગઈ છે; તોય ઘેર આવતાં એને આટલી બધી વાર કેમ લાગી ? કંઈક અજુગતું તો નહીં બન્યું હોય ને ? જરા જો ને…’
‘અરે મમ્મી, તું શું ચિંતા કરે છે ? એ તો આવી જશે. રત્ના કંઈ નાની થોડી છે ?’ નિરાલી નિશ્ચિંત સ્વરે બોલી. લગ્ન બાદ નિરાલી થોડા દિવસ માટે ઘેર આવી હતી. રસોડામાં સુજાતાબહેનને મદદ કરાવતાં તેણે આગળ કહ્યું, ‘તને યાદ છે મમ્મી ? રત્ના નાની હતી ત્યારે સ્કૂલેથી પાછાં ફરતાં સ્હેજ મોડી પડે કે તરત તું અમને બધાંને દોડાવતી….!’
‘હવે તું બોલબોલ કર્યા કરીશ કે રત્નાની તપાસ કરીશ ? તું ના જતી હોય તો હું જાઉં છું.’ સુજાતાબેનથી રહેવાયું નહીં. સ્કૂટીની ચાવી લેતાં નિરાલી મનોમન બબડી… ‘અવિ સાચું જ કહેતો હતો કે મમ્મી અને રત્ના એકદમ પેલી વાર્તાના ‘મંગુ અને એની મા’ જેવાં છે. લોહીની સગાઈ અમરતકાકીને બધા છોકરાંઓ સાથે હતી પણ….’
‘મારી જ ભૂલ થઈ ગઈ… મેં વળી ક્યાં તને જવાનું કીધું ? હું જ રીક્ષા કરીને….’ સુજાતાબેન એકદમ ભાવુક બની ગયાં.
‘એ મારી પણ બહેન છે મમ્મી…’ નિરાલીએ કહ્યું, ‘હું જાઉં છું. તું રત્નાની વધારે પડતી જ ચિંતા કર્યા કરે છે…’ નિરાલીનાં ગયા પછી સુજાતાબહેન ફરી રસોઈ કરવામાં લાગી ગયા પરંતુ એમના મનમાં હજુ રત્નાના જ વિચારો ચાલ્યાં કરતાં હતાં. નિરાલીના શબ્દોથી સુજાતાબહેનને ભૂતકાળ યાદ આવી ગયો.

રત્ના ઘરમાં સૌથી નાની એટલે સૌથી વધુ પ્રેમાળ. ભલે તે અભ્યાસમાં નબળી હતી પરંતુ માણસોને ઓળખવામાં, તર્ક-વિતર્ક કરવામાં, દરેકની નાની-મોટી તકલીફ સમજવામાં એની કોઠાસૂઝ ગજબની હતી. ઈતિહાસ-ભૂગોળ અને નાગરિકશાસ્ત્ર એના પ્રિય વિષયો. ટીવી તો જાણે એનાં આરાધ્ય દેવ ! દૂરદર્શન પરની એકપણ સિરિયલ કે ફિલ્મ રત્નાને બાકી ન હોય. રાજ્યસભા, લોકસભાની ચૂંટણી, રાષ્ટ્રપતિનું વક્તવ્ય, દૈનિક સમાચાર, બજેટના સંવાદો – બધું જ ધ્યાનથી જુએ. નિરાલી અને મોટોભાઈ અવિ ટીવી બંધ કરાવે તો પડોશમાં જઈને જુએ ! ક્યારેક અડોશ-પડોશમાં કોઈ કામ હોય તો રત્ના પહેલી પહોંચી જાય. કોઈને પાપડ વણવા હોય કે કાતરી પાડવી હોય તો રત્ના હાજર જ હોય. એને મન તો એક જ વિચાર કે માણસ જ માણસના કામ આવે ને ? એની હાજરીથી સોસાયટીમાં વસ્તી લાગે પરંતુ પરીક્ષાના પરિણામને દિવસે એને ચારેબાજુથી સાંભળવાનું આવે. લગભગ સાઈઠ ટકા તો લઈ આવે પરંતુ નિરાલી અને અવિના એંશી-નેવું ટકા આગળ રત્ના શી રીતે શોભે ? એટલું બાદ કરતાં, રત્ના સ્વભાવે લાગણીશીલ. ઘરમાં કોઈ સાજું-માંદુ થયું હોય તો ખડે પગે ચાકરી કરે. એના પપ્પા હોસ્પિટલમાં હતાં ત્યારે એકલી રત્ના જ એની મમ્મીની મનોવ્યથા સમજી શકી હતી, એમ એનાં દાદી સૌને વારંવાર કહેતાં.

સમય વીતતાં ક્યાં વાર લાગે છે ? રત્ના જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તે ધીમે ધીમે અભ્યાસમાં આત્મવિશ્વાસ ગુમાવવા લાગી. ખાસ તો દસમા ધોરણની પરીક્ષા પછી એણે મનથી સ્વીકારી લીધું કે પોતે નિરાલી અને અવિ જેટલી હોંશિયાર નથી. જો કે તેને કોઈ પ્રત્યે ઈર્ષ્યા નહોતી. નિરાલી અને અવિ માટે તો એને ગર્વ હતો. તેને મન સૌ સમાન હતાં. છેવટે શાળામાં આર્ટ્સના વિષયો ન હોવાથી એણે કોમર્સમાં એડમિશન લીધું. આસપાસના લોકો તેને ઘણી વાર પૂછતાં કે, ‘તારાં બેઉ ભાઈ-બહેન સરસ ભણ્યા, તુંયે સી.એ. થઈશ, હેં ને ?’ નાનપણથી ચશ્માં હોવાને લીધે કેટલાંક લોકો તેને ‘ડૉ. રત્ના’ કહીને ચીડવતાં. ‘રત્ના ભણવામાં હોંશિયાર નથી’ એવી અંદરોઅંદર વાતો થવા લાગી હતી. રત્ના આ સૌ પારકી પંચાત કરનાર લોકોને ઓળખી જતી અને તેમને પકડી પાડીને બરાબર જવાબ આપતી. આથી, નિરાલીના પ્રમાણમાં રત્નાની છાપ ‘એક જબરી છોકરી’ તરીકે પડતી. બીજી તરફ અભ્યાસમાં તે નબળી પડી રહી હતી. ઘરમાં બા-દાદા ક્યારેક એને ‘થાંથી’ કહી સંબોધતાં એટલે રત્નાના આત્મવિશ્વાસને વધારે ઠેસ પહોંચવા લાગી. એવામાં એક દિવસ સુધીરભાઈ થાકેલાં ઑફિસેથી આવ્યાં. એમનાં મોં પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી.
‘પપ્પા શું થયું ? ચા બનાવું ?’ એમ લાગણીવશ થઈને રત્નાએ પૂછ્યું ત્યાં તો સુધીરભાઈનો ઑફિસનો ગુસ્સો રત્ના પર ઠલવાઈ ગયો. એ દિવસે સુધીરભાઈ આવેશમાં રત્ના પર ગુસ્સે થઈને બોલી ગયાં કે, ‘તારે તો નથી જ મૂકવાની ચા… તું હંમેશા મારા દુઃખમાં ઉમેરો કરે છે. તું શું કરીશ મોટી થઈ ને ? તારામાં છે જ શું ? નિરાલી અને અવિમાંથી કંઈક શીખ….’ રત્નાને એ દિવસે લાગી આવ્યું. તે ખૂબ રડી. બધાં એ ઘણું સમજાવ્યું પરંતુ એ ઘટના પછી રત્નાએ ધીમે ધીમે ઘરમાં બોલવાનું ઓછું કરી નાખ્યું. પડોશમાં પણ હવે તે ક્યારેક જ જતી.

રત્ના નછૂટકે બી.કોમ કરી રહી હતી. સુજાતાબેન એને પ્રોત્સાહિત કરતાં કહેતાં કે, ‘બેટા, જીવનના દાખલા ઉકેલવામાં ફક્ત ગણિત-વિજ્ઞાનનું જ્ઞાન કામે નથી લાગતું. એ વખતે તો તારા જેવી કોઠાસૂઝ, અવલોકનશક્તિ, તર્કશક્તિ અને વિશાળ વાંચન જોઈએ… તું હોંશિયાર જ છે. તું પોતાને નબળી ન સમજીશ. તને બી.કોમ ન ગમતું હોય તો કારકિર્દીનું બીજું કોઈ ક્ષેત્ર શોધ. પરંતુ હિંમત ન હારીશ…’ ઘરનાં અન્ય લોકો તેને પાર્ટટાઈમ કૉલસેન્ટરની નોકરી કે કોમ્પ્યુટર કોર્સ અથવા ટ્યૂશન કરવાની સલાહ આપતાં રહેતાં પરંતુ રત્ના પર એની કોઈ અસર નહોતી. સગાંવહાલાં જ્યારે બી.એડ કરીને લેકચરર બનવાની સલાહ આપતાં ત્યારે એને ખૂબ ગુસ્સો આવતો. મનોમન એને થતું કે અહીં ભણવાનું ગમતું નથી ત્યાં વળી ભણાવવાનું શી રીતે ગમે ? કેટલીક બહેનપણીઓને સંગીત, નૃત્ય કે હોમસાયન્સમાં રસ હતો, પરંતુ રત્નાને એમાંય રસ નહોતો. તેઓની લગ્ન, ઘરેલૂ બાબતો અને ચીલાચાલુ ફેશનની વાતોથી રત્ના કંટાળી જતી. નિરાલી અને અવિ તો આખો દિવસ કોમ્પ્યુટરમાં જ ખોવાયેલા રહેતાં. ભાતભાતની ‘ઈ-બુક્સ’ ડાઉનલોડ કરીને વાંચતા રહેતાં. રત્નાને મન એ બધું નિરર્થક હતું. એકમાત્ર સુજાતાબહેન રત્નાની મનોદશા જાણતા હતાં. એ તેને પૂરો સાથ આપતાં. દીકરીને સાથ આપવા માટે તેમણે પોતાનું વાચન વધારી દીધું હતું. બંને મા-દીકરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અનેક મુદ્દાઓ પર રસપૂર્વક કલાકો સુધી ચર્ચા કરતાં. સુજાતાબહેન રત્નાના અલગ સ્વભાવને કારણે ચિંતિત રહેતાં પરંતુ બી.કોમ પછી કોઈ સરકારી નોકરીની પરીક્ષા આપીને રત્નાનું જીવન થાળે પડી જશે તેમ વિચારી મન મનાવી લેતાં.

રત્નાએ બી.કોમ પૂરું કર્યું એ સાથે તેના જીવનમાં સમસ્યાઓના બીજા તબક્કાની શરૂઆત થઈ. હવે શું કરવું તે બહુ મોટો પ્રશ્ન હતો. રત્નાએ સાયન્સ ન લીધું એટલે સુધીરભાઈએ તો તેના નામ પર ચોકડી જ મારી દીધી હતી. તેમણે મનોમન એવું નક્કી કરી લીધું હતું કે રત્ના કશું જ કરી શકવાની નથી. ગણિત, વિજ્ઞાન અને કોમ્પ્યુટર એ કારકિર્દીની સીડી છે. એને છોડીને રત્ના કોમર્સમાં શું ઉકાળી શકશે ? સુજાતાબહેન સિવાય ઘરના બધા સભ્યો અભ્યાસની બાબતમાં રત્નાને ગણતરીમાં નહોતાં લેતાં એ હકીકત હતી. અંદરખાને બધા સમજતાં હતાં કે રત્ના આત્મવિશ્વાસ ગુમાવી બેઠી છે. એને પોતાને શું કરવું તેનો ખ્યાલ નથી.

આ કપરાં સમયમાં સુજાતાબહેન એને સાથ આપતાં. તેઓ માનતા કે માતાની પહેલી ફરજ એ છે કે પોતાનું બાળક આત્મવિશ્વાસુ અને આત્મનિર્ભર બને. એમનાં જીવનનો યોગ્ય વિકાસ થાય એ તેમને મન વધારે મહત્વનું હતું. તેઓ હંમેશા વિચારતાં કે ‘જન્મ, લગ્ન અને મરણ તો કુદરતને હાથ છે પરંતુ જો મારું સંતાન ખુશ નથી, તેની કારકિર્દી પાટે નથી ચઢતી કે તે આત્મવિશ્વાસની કસોટીમાંથી પાર નથી ઊતરતું તો હું પોતાની જાતને એક સફળ મા તરીકે કેવી રીતે ગણી શકું ?’ સુજાતાબહેન માતા તરીકેની એમની વ્યાખ્યા અને ફરજોમાં એકદમ સ્પષ્ટ હતાં. તેઓ ગૃહિણી હતાં. સંજોગોવશાત લગ્નબાદ તેમણે નોકરી છોડવી પડેલી. પરંતુ મહેનત, પ્રમાણિકતા, નિયમિતતા, આધ્યાત્મિક વાંચન-મનન-ચિંતનથી તેમણે પોતાના જીવનનું ઉત્તમ ઘડતર કરેલું. ઘરના દરેક સભ્ય પર તેમનો ઘણો પ્રભાવ હતો. તેમ છતાં રત્નાની બાબતમાં માતૃસહજ ચિંતા એમને કોરી ખાતી. દરેક બાળકો પોતાની મહેતન અને નસીબના બળે આગળ વધશે એમ માની તેઓ પોતાની ફરજ નિભાવતાં પરંતુ જ્યારે રત્નાની વાત આવે ત્યારે એમને મનમાં થતું કે દેખીતી રીતે હોંશિયાર દેખાતા નિરાલી અને અવિને ડાળે વળગાડીને મેં નવું શું કર્યું ? મારે તો રત્નામાં જે હોંશિયારી છે એ બહાર લાવવી જ રહી.

હવે સુજાતાબહેને મક્કમ બનીને ઘરમાં રત્નાનું ઉપરાણું લેવાનું શરૂ કર્યું. અવિ ક્યારેક રત્નાને અને સુજાતાબહેનને ‘મંગુ અને તેની મા’ કહીને ચીડવતો ત્યારે સુજાતાબહેન ઈંટનો જવાબ પથ્થરથી આપતાં. ઘરમાં પોતાના વર્ચસ્વનો સદુપયોગ કરીને તેમણે રત્નાને આદરભર્યું સ્થાન મળે એ માટે પૂરતાં પ્રયત્નો કર્યાં. વાતો વાતોમાં તે ‘દાંડીની યાત્રા’, ‘1857નો વિપ્લવ’ તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વર્તમાન પ્રવાહોની વાતો સામે ચાલીને કાઢતાં. એમને ખબર હતી કે આ બધા રત્નાના રસના વિષયો છે. જેવી આ બાબતોની ચર્ચા નીકળતી કે રત્ના સોળે કળાએ ખીલી ઊઠતી. તેના દાખલા-દલીલો સામે કોઈ ટકી ન શકતું. આ બધા વિષયોમાં રત્ના નિરાલી અને અવિ કરતાં કેટલીયે વધારે જાણકાર હતી. ઘરના સભ્યોને પણ રત્નાના આ અન્ય પાસાઓનો પરિચય થવા લાગ્યો. સુજાતાબહેને બધાના મનમાં ઠસાવી દીધું કે ગણિત, વિજ્ઞાનની જાણકારી અને મેરિટ-લીસ્ટના આંકડા જ કંઈ હોંશિયારીનું પ્રમાણપત્ર નથી. માણસની કોઠાસૂઝ અને આંતરશક્તિનો પણ આદર કરવો જોઈએ. સુજાતાબહેનના પ્રયત્નોથી ધીમે ધીમે ઘરમાં બધા રત્નાનું માન જાળવતાં થયાં. એમને મનોમન થયું કે રત્ના પણ કંઈ કમ નથી.

બીજી તરફ રત્ના અભ્યાસની બાબતમાં સાવ દિશાવિહીન હતી. બી.કોમ બાદ કોઈ સખીઓએ એને એમ.કોમ અને સી.એ.નું ભૂત ભરાવ્યું એટલે તેણે એમ.કોમ શરૂ કરી દીધું. કારકિર્દીના પ્રશ્ને તે એટલી સંવેદનશીલ બની ગઈ હતી કે કોઈ કશું કહે તો વારંવાર ચિડાઈ જતી. નિરાલી એને કંઈક સમજાવે તો ‘તું સાયન્સમાં છે, તને અમારી લાઈનની ખબર ન પડે’ એમ કહીને એને તોડી પાડતી. એક વાર તો એણે ગુસ્સામાં આવીને અવિ સાથે મારામારી કરી ! નિરાલી એને શાંત પાડવા ગઈ તો ‘તારે મને કશું કહેવાનું નહીં. તું મોટી એન્જિનિયર છે તે મને ખબર છે…’ એમ કહીને નિરાલી સાથે ઝઘડી પડી. રત્નાની અંદર જાણે જ્વાળામુખી ધરબાયેલો પડ્યો હતો. આમ છતાં સુજાતાબહેનનો હંમેશા એ પ્રયત્ન રહેતો કે રત્ના લઘુતાગ્રંથિનો શિકાર ન બને. એમને મન એમ હતું કે તે મહેનત કરે છે એટલે એમ.કોમમાં પાસ થઈ જ જશે… પરંતુ એમના માથે વજ્રઘાત થયો જ્યારે રત્ના એમ.કોમમાં બે વાર નાપાસ થઈ. રત્ના વધારે ને વધારે હતાશ થતી જતી હતી. છેવટે એણે ‘મને એકાઉન્ટ જરાયે નથી ફાવતું…’ એમ કહ્યું ત્યારે તો સુજાતાબહેન સાવ ઢીલાં પડી ગયાં. આ છોકરીનું હવે કરવું શું ? કોઈ રસ્તો દેખાતો નહોતો. દિશાઓ ધૂંધળી હતી.

પરંતુ એમ હાર માને તો સુજાતાબેન શાનાં ? એમને દીકરીની હારમાં પોતાની મા તરીકેની નિષ્ફળતા દેખાતી. તેઓ અંદરથી મક્કમપણે માનતાં હતાં કે આ છોકરીમાં ગણિત-વિજ્ઞાન સિવાય બીજાં ઘણાં ગુણો છે. એ સમજતાં હતાં કે ઘરના લોકોની રત્ના અને અન્ય સંતાનો સાથેની સરખામણી જ રત્નાને હતાશા તરફ લઈ જઈ રહી છે. તે છતાં એમણે રત્નાની સારી બાજુઓને મજબૂત કરવાનું સતત ચાલુ રાખ્યું. એમને ખાત્રી હતી કે રત્ના એક દિવસ જરૂર આગળ આવશે. અત્યારે એમનું કામ ખરાબ પરિણામોની વચ્ચે રત્નાની છાપને ટકાવી રાખવાનું હતું. પોતાના આ કાર્યમાં કંઈક અંશે તો તેઓ સફળ થઈ રહ્યાં હતાં. રત્ના ક્યારેક ચિડાઈ ઊઠે તો પણ નિરાલી અને અવિ હવે તેને ઉતારી નહોતાં પાડતાં. તેઓને રત્નાની ક્ષમતામાં કંઈક વિશ્વાસ બેઠો હતો. સુજાતાબહેનને એ જ જોઈતું હતું.

એક રાતે સુજાતાબહેન રત્ના માટે બીજો શો વિકલ્પ શોધી શકાય તેનો વિચાર કરતાં હતાં ત્યાં તેમણે નિરાલી અને રત્નાને વાત કરતાં સાંભળ્યાં.
‘રત્ના, મારી વાત સમજ. બીજા લોકોને તું એમ.કોમ કે સી.એ. કરવા દે. તું એલ.એલ.બી શરૂ કર. એમાં તું ઓછી મહેનતે પાસ થઈ જઈશ. આપણે ખાલી લોકોને બતાવવા નહીં પરંતુ આપણા પોતાના આત્મવિશ્વાસ માટે ભણીએ છીએ એ તું હંમેશા યાદ રાખ, બકા !’ નિરાલી પ્રેમથી રત્નાને સમજાવી રહી હતી. સામાન્યરીતે નિરાલી કંઈક કહે તો રત્નાને ભાષણ લાગતું પરંતુ આજે રત્ના ધ્યાનપૂર્વક નિરાલીની વાત સાંભળી રહી હતી. સુજાતાબહેનને બંને બહેનો વચ્ચે ભેદભાવની ખાડી પૂરાતી જોઈને આનંદ થયો. રત્ના નિરાલીની વાતને ગંભીરતાથી વિચારી રહી હતી. નિરાલી પણ પોતાના ઉચ્ચ અભ્યાસનો અહમ બાજુએ મૂકીને રત્નાને હિંમત આપી રહી હતી.

જોગાનુજોગ બે દિવસ બાદ જજની નિમણૂંક અંગેની જાહેરાત સુજાતાબહેનના નજરે પડતાં તેમણે રત્નાને બોલાવીને નિરાલીની વાત પર વિચાર કરવા કહ્યું. રત્નાને પ્રેમથી સમજાવતાં તેમણે કહ્યું : ‘બેટા, હું ક્યારેય કોણે શું ભણવું એ બાબતમાં રોકટોક કરતી નથી. તમારી પોતાની વિચારશક્તિ અને નિર્ણયશક્તિ ખીલે એવા મારા પ્રયત્નો હોય છે. પરંતુ એક મિત્ર તરીકે આજે તને વિચારવામાં અને નિર્ણય લેવામાં મદદ કરવી એ મારી ફરજ છે એમ સમજીને હું તને આ એલ.એલ.બી. વિશે વાત કરી રહી છું.’ રત્ના એકીટશે સુજાતાબહેનનો દ્રઢ વિશ્વાસ અને હિંમતવાળો ચહેરો જોઈ રહી. રત્નાની મનોસ્થિતિ સમજીને સુજાતાબહેન ખાલી એટલું જ બોલી શક્યાં કે, ‘હિંમતથી કામ લે, બેટા ! એક નહીં તો બીજો રસ્તો. મારી રત્ના કોઈથી કમ નથી…’ રત્ના કંઈક વિચારતી મમ્મીના ખોળામાં માથું રાખીને ફરતા પંખા પર નજર સ્થિર કરી સુનમુન જોઈ રહી. એ સૂઈ ગઈ ત્યાં સુધી સુજાતાબહેનનો મમતાભર્યો હાથ એનાં માથા પર ફરતો રહ્યો અને હિંમતથી કામ લેવાનાં આશીર્વાદ આપતો રહ્યો.

બીજે દિવસે રત્ના વહેલી તૈયાર થઈને બહાર જઈ રહી હતી.
‘ક્યાં જાય છે, બેટા ?’
‘હું થોડીવારમાં આવું છું….’
‘પણ ક્યાં ?’
‘એ તો કૉલેજમાં એક-બે પ્રોફેસર જોડે વાત કરવા જાઉં છું….’ રત્ના સડસડાટ દોડી ગઈ. લગભગ ત્રણ કલાક વીતી જવા છતાં રત્ના પાછી ન ફરી એટલે સુજાતાબહેનને ચિંતા થવા લાગી. રત્નાની નિષ્ફળતાથી એ પોતે વધારે દુઃખી હતાં. મા તરીકે ઊણા ઊતર્યાનો વસવસો એમને હતો. એમને અવિની વાત સાચી લાગી રહી હતી કે રત્ના ભલે મંગુ નથી પરંતુ એમની દશા તો ‘લોહીની સગાઈ’નાં અમરતકાકી જેવી જ હતી. અમરતકાકીનું પાત્ર યાદ આવતાં એમણે પોતાના મનને મક્કમ કર્યું. બધી નબળાઈઓને ખંખેરી નાંખી. અત્યારે મનની સકારાત્મક શક્તિ સિવાય રત્નાને મદદરૂપ થઈ શકે એવું એમની પાસે બીજું કશું જ નહોતું. સુજાતાબેનની નજર ઘડિયાળ પર પડી. કૉલેજ તો સાંજના પાંચ-છ વાગ્યે બંધ થઈ જાય. અત્યારે સાત થવા આવ્યાં તોય હજુ રત્ના ન આવી ? ક્યાં ગઈ હશે ?…. જેવા એ નિરાલીને ફોન કરવાં ગયાં ત્યાં જ રત્ના દોડતી આવી ચડી અને સુજાતાબેનને ભેટી પડી. ઘણા દિવસો પછી તે આટલી ખુશ હતી. તેના ચહેરા પર ખુશી જોઈને તેમની આંખમાંથી આંસુ સરી પડ્યાં. રત્ના એલ.એલ.બી અને જજ બનવા માટેની પરીક્ષાની વિગતો લઈને આવી હતી. સુજાતાબેનના હરખનો પાર ન રહ્યો.

રત્નાએ સુજાતાબેનનો હાથ પોતાના હાથમાં લઈ કહ્યું : ‘મમ્મી, નિરાલીની વાત સાચી હતી કે મારી દલીલ કરવાની ક્ષમતા સારી છે. હું હંમેશા ગાંધીજીથી લઈને ચિદમ્બરમ સુધી દરેકની વાતો મારા વક્તવ્યમાં ટાંકતી હોઉં છું. પરંતુ તે છતાં મને વકીલ બનવાનું તો ક્યારેય સૂઝ્યું જ નહીં ! આપણા સગાંવહાલામાં બધા ડૉક્ટર, એન્જિનિયર અને સી.એ. છે એથી એમની સાથે તુલના કરવામાં મેં મારો ખોટો સમય બગાડ્યો. ક્યારેક લઘુતાગ્રંથીનો શિકાર બનવાને કારણે “હું પણ સી.એ. થઈને બતાવીશ” એમ કહી મેં મારી ક્ષમતાઓને ઓળખવા તરફ ધ્યાન જ ન આપ્યું. સારું છે કે હું એમ.કોમ નથી કરી શકી, નહિં તો એ પછી આગળ સી.એ.નું ગોખી ગોખીને મારો દમ નીકળી જાત ! મારો મનગમતો વિષય તો સમાજશાસ્ત્ર છે. વળી, લોકો પાસે કેવી રીતે કામ લેવું, દરેકના દુઃખ-તકલીફને સમજવી એ તો મને ભગવાને આપેલું વરદાન છે. આ બધા ગુણોનો સમાવેશ અભ્યાસક્રમમાં નથી થતો હોતો એટલે દેખીતી રીતે જ મારું મેરિટ નીચું છે. પણ તેથી શું ? બોર્ડવાળાના વાંકે હું લઘુતાગ્રંથિનો શિકાર શું કામ બનું ?……’ રત્ના આજે ઘણા દિવસો પછી દિલ ખોલીને બોલી રહી હતી તેથી સુજાતાબેન એને એકધારું સાંભળી રહ્યાં હતાં.
‘મમ્મી, તારી વાત સાચી છે કે જીવન નદીની જેમ વહેતું હોવું જોઈએ. રસ્તામાં ખાડા-ટેકરાં આવે અને વહેવાનું છોડી દે એને નદીના કહેવાય. નદી તો બધા અવરોધોને ઓળંગી જાય. એક દિવસ હું પણ આ બધા અવરોધોને પાર કરીને તને લાલબત્તીની ગાડીમાં ફેરવીશ. સેન્ટ્રો તો ઘણાં ફેરવે પણ લાલબત્તી વાળી ગાડીની તોલે કોઈ ના આવે ! હે નેં મમ્મી ? પરંતુ આ બધું હું ફક્ત તારા વિશ્વાસને કારણે વિચારી શકી. તેં હંમેશા મારી પર વિશ્વાસ રાખ્યો. બધા લોકો જ્યારે મારી તુલના કરતા હતાં ત્યારે પણ તેં મારી પરનો તારો ભરોસો ઓછો ન થવા દીધો. હું પરીક્ષામાં તો નાપાસ થઈ શકું પરંતુ વહાલી મમ્મીના વિશ્વાસને કેમ નાપાસ કરી શકું ? હું તને નહીં સમજું તો કોણ સમજશે ?’ કહીને રત્ના સુજાતાબહેનને વળગી પડી. બંનેની આંખો લાગણીથી ભરાઈ આવી.

એ પછી તો રત્ના નામની નદી જે એમ.કોમના ખાડાટેકરામાં અટવાઈ પડી હતી તે સડસડાટ વહેવા માંડી. સમય વીતતો રહ્યો અને નિરાલીના લગ્ન, અવિનું એમ.ટેક. અને રત્નાનું જજ બનવાનું સ્વપ્ન પૂરું થયું. સુજાતાબેનને એક મા તરીકે સફળ થયાનો ખરો આનંદ ત્યારે જ થયો જ્યારે તેમણે રત્નાને જજ તરીકે જોઈ. ભારે મથામણનો અંત આવ્યો.

લાલબત્તીવાળી સરકારી ગાડીના અવાજથી સુજાતાબહેનની વિચારતંદ્રા તૂટી. હાથમાં કાળો કોટ અને નાની બેગ લઈને ગાડીમાંથી ઊતરતી રત્નાને સુજાતાબહેન, સુધીરભાઈ અને અવિ ગર્વથી જોઈ રહ્યાં. કોર્ટ પછીના સમયમાં તે ઘણી સામાજિક સંસ્થાઓમાં કાર્યરત હતી એટલે તેને ઘરે આવતાં ક્યારેક મોડું થઈ જતું પરંતુ સુજાતાબહેન કંઈક બોલે એ પહેલાં જ તે હંમેશા વકીલની અદાથી પોતાનો પક્ષ રજૂ કરી દેતી ! આજે પણ એમ જ બન્યું. એટલામાં રત્ના શોધમાં ગયેલી નિરાલી સ્કૂટી લઈને પરત ફરી. જમવાનાં ટેબલ પર આજના અટપટા કેસ વિશેની વિગતો રત્ના પાસેથી સાંભળીને સુજાતાબહેન બોલ્યાં :
‘જો રત્ના ના હોત તો ગણિત-વિજ્ઞાનના પ્રોફેશનલ લોકો વચ્ચે આપણું ઘર મશીન બની જાત ! જાતજાતનાં કેસ અને માનવસંબંધોની આંટીઘૂટીવાળી રત્નાની વાતોએ આ ઘરમાં માનવતાનું મૂલ્ય જાળવી રાખ્યું છે.’
‘એ વાત ખરી….’ તક મળતાં જ સુધીરભાઈ બોલ્યાં, ‘પણ રત્નાનો કેસ તો તેં જ સોલ્વ કર્યો છે ને ?’
અવિ પણ વચ્ચે રમૂજ કરતાં કૂદી પડ્યો : ‘હા ભાઈ હા, આ તો નવી પેઢીનાં અમરતકાકી છે….’ પછી ચોખવટ કરતાં બોલ્યો : ‘આખરે આપણા આ સુજાતાબહેને રત્નાને પોતાની નાતમાં વટલાવી જ દીધી !!….’ અને બધાં ખડખડાટ હસી પડ્યાં….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બુદ્ધિની કસોટી – જ્યોતીન્દ્ર દવે
લૉટરી – નાનાભાઈ હ. જેબલિયા Next »   

61 પ્રતિભાવો : રત્નાનો કેસ – હિરલ શાહ

 1. RUPAL says:

  Very nice story. Congrats to Hiralben for the giving us such a good story. Keep writing.

 2. Ankur Barvaliya says:

  Brilliant…Never under estimate anyone..!

 3. ખુબજ સુન્દર મનોવૈગ્યાનિક વાત અભિ ન્દન

 4. kumar says:

  ખુબ સરસ્…

 5. JIM says:

  ખુબજ સુન્દર મનોવૈગ્યાનિક વાત અભિ ન્દન

 6. ખુબ સુંદર….

  મોટેભાગે બાળકના કુમળા મન ને સમજવા કરતા એમના મન પર ખોટી વાતો લાદી દેવાની કુટેવ ઘણા ખરાને હોય છે. રંગ ભેદ, જાતિ ભેદ, કે ક્ષમતા ભેદ મોટેભાગે થાય છે ને બાળક પોતાનો વિશ્વાસ ગુમાવી દે છે.

 7. અભિનંદન હિરલબેન સરસ વાર્તા.
  સંદેશાત્મક વાર્તા.
  કીર્તિદા

 8. trupti says:

  અતિસુંદર અને આજના ઘણા બાળકો અને મા-બાપ ને સતાવતા પ્રશ્નો નો સરસ ચિતાર આપત કથા.

  ઘણીવાર આપણ ને થાય કે આપણુ બાળક એજ ભણે કે કરે જે કદાચ આપણે ન ભણી શક્યા હોઈ એ કે કરી શ્ક્યા હોઈ એ. પણ દરેક બાળકની એક અલગ પ્રતિભા હોય છે અને જો દરેક બાળક જો ફક્ત ડો., એન્જી. સી.એ. કે સી. એસ કે બિજી કોઈ પ્રોફેસનલ ડિગ્રિ ઓ જ મેળવશે તો બીજા ક્ષેત્ર મા કોણ જશે? જરુરી નથી કે ફક્ત પ્રોફેસન્લી ક્વોલીફાઈડ વ્યક્તિ જ જીદગી મા આગળ આવે. રોજીદા જિવન ને જીવવા માટે પુસ્ત્કિયા જ્ઞાન કરતા અનુભવો અને પ્રેટીકલ નોલેજનુ હોવુ બહુ જરૂરી છે. ઘણી વાર જોવા મા આવ્યુ છે કે માણસ ભણેલુ હ્શે પણ ગણેલુ નહીં હોય અને તે વ્યક્તિ જીદગી ની લડાઈ મા જીતી નહી શકે. પેપર મા આપણે ઘણિ વાર વાંચિ એ છીએ કે ફલાણા I.I.T ના કે એનજી. કે ડોકટરી નુ ભણતા વિધ્યાર્થી એ હતાશા ને લીધે આત્મહત્યા કરી. આટલુ ભણેલુ ગણેલુ બાળક હતાશા નો શિકાર!!
  હાલ મા હુ સુધા મુર્તી લિખિત ને સોનલ મોદિ અનુવાદિત એક ચોપડિ નામે મનની વાતો વાચુ છું તેમા ઘણી કથા ઓ મા ભણેલી વ્યક્તિ ને આત્મવિશ્વાસ નિ કમી વાળિ અને જીદગી નુ ભણતર લિધેલી વ્યક્તિ ને આત્મવિશ્વાસ થી ભરપુર બતાવવા મા આવી છે અને તેમની દરેક કથા ઓ સ્ત્ય હકિકત પર આધારીત છે.

  • Viren shah says:

   આપણા સમાજમાં રીસોર્સીસ ઓછા અને લોકો વધુ. એટલે તમામ ચીજોમાં તીવ્ર હરીફાઈ જોવા મળે. એટલે માં-બાપો બાળકોને શકાય એટલા વધુ પ્રોફેશનલ કોર્સમાં મોકલે જેથી એ લોકોને ગમે કે ના ગમે પણ સ્વતંત્ર રીતે કમાણી કરી શકે. આને કારણે મધ્યમ કક્ષાના બાળકોની પથારી ફરી જાય. આ પરિસ્થિતિમાં શ્રેષ ઉપાય રત્નની મમ્મી એ કાર્યો એ જ છે. તમને ગણિત ના આવડે તો દુખી ના થવું જોઈએ. એને બદલે જે આવડે છે એ શોધી એના પ્રત્યે ધ્યાન આપવું. એવું શીખવનારી શાળાઓ આ દુનિયાની કોઈ પણ સમાજમાં નથી જે તમને જીવન જીવવાનું જ્ઞાન પદ્ધતિસર આપે. ત્યારે માતા અને પિતા આવું સમજીને બાળકોને હિંમતપૂર્વક શું કરવું એ શીખવે એ ખુબ જ આવકાર્ય છે.

   • trupti says:

    આ. ઈ.સી.એસ.સી. બોર્ડ ઘોરણ ૯ થી જે બાળક ને ગણિત અને વિજ્ઞાન મા રુચી ન ધરાવતુ હોય તેને તે વિષયો ના બદલા મા કોમર્સ અને ઈકોનોમિક્સ ના વિષય ભણવાની છુટ આપે છે અને ઘણા બાળકો તેનો ફાયદો પણ લે છે. મુંબઈ મા એવિ પણા શાળા ઓ છે જે છોકરા ઓ બીજા બધા છોકરા ઓ ની સરખામણી મા થોડા ધિરા હોય તેમને S.S.C. level
    નુ ભણતર પુરુ પાડે છે. આ કોર્સ NIOS – The National Institute of Open Schooling offered by the Ministry of Human Resource Development, New Delhi , India દ્વ્રારા સંચાલીત છે અને જમનાબાઈ નરસી સ્કુલ જે જુહુ વિલેપાર્લે નિ બહુજ પ્રતિષ્ઠીત શાળા છે તેમા આ કોર્સ ઉપલબ્ધ્ધ છે. સવાલ resource નો નથી પણ માતા-પિતા ની જુઠી પ્રતિષ્ઠા નો છે, કારણ કોઈ મા-બાપ પોતાનુ છોકરુ નબળુ છે તે માનવા જ તૈયાર જ નથી માટે આવા કોર્સો મા મુકતા ડરે છે. તેમને એમ થાય છે કે ફલાણા કે ઢિકણાને આ વાત ની ખબર પડશે તો શું કહેશે? ભારત મા resources નિ કમી નથી પણ આપણો સમાજ સંકુચીત છે કારણ આપણે જે ધીરુ હોય તેને encourage કરવા ને બદલે discourage કરિએ છીએ અને ગાંડો ન હોય ર્તેને પણ ગાંડા મા ખપાવી દઈ એ છીએ.

    એક દાખલોઃ

    મારા એક દુર ના માસી ના બધ્ધા જ બાળકો હોશિયાર, એક ડોકટર, બીજો એન્જી. અને ત્રિજુ ડબલ ગ્રેજ્યુએટ પણ સૌથી મોટી દિકરી બહુ ભણી શકી નહીં. તેમના લગ્ન પણ થોડુ ઓછુ ભણેલા ભાઈ જોડે થયા. મા-બાપ બેવ થોડા અબલા-ગબાલા કહેવાય તેવા. કુવા મા હોય તો હવાડા મા આવે તે ઉક્તિ તેમના બાળક ને બરાબર બંધ બેસે. બહેન ના લગ્ન નવસારી જેવા ગામ મા થયા હતા. બધા ભાઈ-બહેનો ભણિગણિ ને અમેરિકા મા સ્થાયી. ફક્ત આ બહેન જ નવસારી રહે. માસી અને માસા પણ તેમના છોકરા જોડે અમેરિકા સ્થાયી, ભાઈઓ બહુ સારા અને પ્રેમાળ. તેમને આ ગરિબ બહેન ને અમેરિકા મા સ્થાયિ કરવા નુ નક્કી કર્યુ. બહેન ને ૩ છોકરી અને ૧ છોકરો. છોકરો જરા કમ અક્કલ, અને નવસારી જેવા ગામ મા રહી થોડો વધુ કારણ ત્યા બધા છોકરાઓ ગાંડો-ગાંડો કહી ને ચિડવે. જ્યારે બહેન ના વિઝા આવ્યા તે સહ કુટુંબ અમેરિકા આવી ગઈ. છોકરાઓ ને ત્યાની શાળા મા ભણવા મુક્યા. છોકરો અને એક છોકરી લગભગ ૧૦-૧૨ વરસ ના. નવસારી મા ગુજરાતી માધ્યમ મા ભણેલા છોકરા ઓ ને અંગ્રેજી મા કંઈ સમજ ન પડે. તેમા છોકરો તો થોડો કમ અક્કલ પણ ત્યાં ની સમાજ વ્યવસ્થા અને શિક્ષણ પધ્ધતિ એ, એ છોકરા ને તારી દિધો. તેમના માટે શાળા એ ખાસ ગુજરાતી સમજતા શિક્ષક ની વ્યવસ્થા કરી અને છોકરા એ પણ પોતાનૂ હિર બતાવ્યુ અને તે ભણ્યો, પરણ્યો અને ન્યુજર્સી એરપોર્ટ ઓથોરિટી મા કામે પણ લાગ્યો. જો તે ભારત મા રહ્યો હોત તો તે પણ તેના મા-બાપ ની જેમ અબલા-ગબલા મા ખપી ગયો હોત.
    જરુર છે આપણે આપણા માનસ ને બદલવાની.

 9. મુર્તઝા પટેલ says:

  પહેલી વાર્તા અમેરિકાથી ને બીજી લંડનથી…દોસ્તો, જુઓ તો ખરા…ગુજરાતી ભાષા ક્યાં ક્યાંથી વહી અને વસી રહી છે.

  મૃગેશભાઈ, ગુજરાતીનો સરસ ફેલાવો કરવા બદલ અભિનંદન. જય હો ગરવી ગુજરાત!

 10. Mital Parmara says:

  ખુબ જ સરસ…

 11. ખુબ સુંદર રજૂઆત ! વાર્તાની ભાષા અને તેના પત્રોનું મનોવિશ્લેષણ વાંચીને એવું બિલકુલ ના લાગે કે આ લેખિકાની પ્રથમ વાર્તા છે ! દરેક વ્યક્તિમાં કોઈને કોઈ કળા હોય જ છે. જરૂર છે ફક્ત તેને ઓળખવાની અને તેને પાંગરવા માટે પુરતી તક આપવાની..

  હીરલ, આ તો ફક્ત શરૂઆત છે. તમારા લેખન કાર્યનો લાભ સહુને મળતો રહેવાનો જ છે…

 12. કલ્પેશ says:

  સરસ પ્રયાસ.

  મોટેભાગે લોકોને કઇ વસ્તુમા રસ છે, કઇ વસ્તુમા કારકિર્દી બનાવી શકે છે એ માટે યોગ્ય માર્ગદર્શન નથી મળતુ.
  અને આ બાબતને વૈજ્ઞાનિક રીતે વિચારવામા આવતી નથી. તેથી કોલેજ પછી પણ લોકોને ખબર નથી હોતી કે આગળ શુ કરવુ?

  કોમર્સ વાળા સી.એ/એમ.બી.એ કરે, સાયન્સ વાળા ડૉક્ટર/એન્જીનીયર વગેરે બને.
  એમ.બી.એની ડિમાન્ડ છે, સોફ્ટ્વેરની ડિમાન્ડ છે. ચલો, એ કરીએ.

  વિક્લ્પો પણ હજી એટલા આપણે ઊભા નથી કર્યા. દશ વર્ષ પહેલા કોઇ બેડમિંટન/ટેનિસ અથવા નૃત્ય/ડાન્સ ને કારકિર્દી તરીકે વિચારે તો બધા કદાચ કહ્યુ હોય કે – આમા વળી શુ થવાનુ? અને આજે, ઉંદરદોડ ચાલુ છે. ફલાણાનો છોકરો/છોકરી ટેનિસ/ડાન્સ શીખે છે. ચલો, હુ કેમ પાછળ રહી જાઉ.

  આપણને (મા-બાપને પણ) પ્રતિભા ઓળખતા આવડતુ નથી અને એવી સંસ્થાઓ પણ ઊભી નથી કરી.
  કેટલા લોકો એવા છે જેણે પોતાનુ મન મારીને એવુ કામ કરવુ પડે છે જે એમની પોતાની પસંદગીનુ નથી.

 13. કુણાલ says:

  અભિનંદન… ખુબ સુંદર વાર્તા . અને ખુબ જ મહત્વનો મુદ્દો ..

  સાહિત્યમાં આ મુદ્દાને તર્ક-વાદ-વિવાદથી આગળ વધીને કદાચ પહેલી વાર કંઈક અલગ રૂપ મળ્યું છે…

  મારા મતે તો ઉચ્ચ-માધ્યમિક સ્તરની દરેક શાળાઓમાં આ વાર્તા પહોંચવી જોઇએ અને શાળાઓએ એમના વિદ્યાર્થિઓના વાલીઓ સુધી આ વાર્તા પહોંચાડવી જોઈએ.. …

 14. ખૂબ જ સરસ વાર્તા… સુજાતાબહેન અને અમરતકાકી ની સરખામણી ખૂબ જ સરસ લાગી… અભિનંદન હીરલબેન …

 15. Nidhi Shah says:

  આવા જજ્ શું કાયદો અને વ્યવસ્થા જાળવવાનાં હતા…હવે ખબર પડી કેમ દેશની પ્રગતિ નથી થતી !!!

  મજાક કરું છું……ખુબ સુંદર વાર્તા છે.

 16. અશોક જાની 'આનંદ' says:

  દરેક બાળકમાં કંઇ ને કંઇ વિશિષ્ટતા હોય જ છે, જરૂર છે માત્ર પારખુ નજરથી જોવાની, જે સુજાતાબેનમાં હતી તેમના પ્રોત્સાહ્નન અને માર્ગદર્શનથી રત્ના કયાં પહોંચી શકી ?!! મજાનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરતી સચોટ અને સુંદર વાર્તા…!!!!

 17. nayan panchal says:

  સરસ મજાની વાર્તા. ગઈકાલે જ ૩ ઇડિયટ્સ ફરી એક વાર જોયુ. જે મનને ગમે છે તે કરો, તો ભણતર કે નોકરી બોજારૂપ નહીં લાગે અને તમે તે વિષયના નિષ્ણાત બની જશો. પછી સફળતા તો આપોઆપ તમને શોધતી આવી જ જશે.

  અને આ વાર્તામાં શિક્ષણ કરતા કેળવણી પર વધુ ભાર મુકાયો છે જે એકદમ યોગ્ય છે.

  હિરલબેન ને અભિનંદન. ખૂબ આભાર,
  નયન

 18. Navin N Modi says:

  એ સાચું કે આ વાર્તાના નાયિકા સુજાતાબેન છે, છતાં એ વાતની સૌએ નોંધ લેવી જોઈએ કે રત્ના કાયદાના વિષયમાં કાઠું કાઢી શકે એમ છે એ સર્વ પ્રથમ સમજનાર અને રત્નાને એ કહેનાર તેની બેન નિરાલી છે. આપને શું લાગે છે?

 19. Moxesh Shah says:

  ખુબ સુંદર વાર્તા અને ખુબ જ મહત્વનો મુદ્દો.
  મોટેભાગે લોકોને કઇ વસ્તુમા રસ છે, કઇ વસ્તુમા કારકિર્દી બનાવી શકે છે એ માટે યોગ્ય માર્ગદર્શન નથી મળતુ.
  દરેક વ્યક્તિમાં કોઈને કોઈ કળા હોય જ છે. જરૂર છે ફક્ત તેને ઓળખવાની અને તેને પાંગરવા માટે પુરતી તક આપવાની…..

  Every parent needs to understand this very important/vital point and not to force their children to select the career as per their (parent’s) wish. Instead, parents should identify the skill and interest of their child and accordingly support him/her to go ahead and explore more and more.

 20. neetakotecha says:

  ખૂબ જ સરસ વાર્તા.આજ નાં બધા જ માતા પિતા અને બહેન ભાઈ ઓ એ વાંચવા જેવી વાત…

 21. Viren shah says:

  કથાબીજ ખુબ જ સરસ.
  વાસ્તવમાં મૂળ વાત એ છે કે જીંદગીમાં જાત જાતના પ્રયોગો સમી છે. દરેક જણ પોતાની રીતે પ્રયોગો કરે રાખે છે. અગત્યનું એ છે કે પ્રયોગો દરમિયાન તમારે માનસિક રીતે સ્ટ્રેસમાં આવી ના જવું.

  આ વાત બિલકુલ એ જ રીતે આહી રજુ કરી છે. કથાબીજ ખુબ જ સરસ.

 22. Ramesh Desai. USA says:

  જનનિનિ જોડ સખિ નહિ જડે રે લોલ. Sujataben proved it. Thanks to Hiralben for writing award winning story. Ramesh

 23. Hetal says:

  Nice true story but I am wondering did it deserve 2nd place? Ratna did a great job and so did her mother but I don’t know how did writer did a great job in writing this story?

  • Viren shah says:

   Why not?

   વાર્તામાં જે કથાબીજને વાળી લેવામાં આવ્યું છે તે ખુબ જ સરસ છે અને ઉત્તમ રીતે રજુ પણ કરાયું છે. ખાસ કરીને આપણે ત્યાં ગુજરાત બોર્ડનું પરિણામ જયારે દરેક વર્ષે 35-50% આવે છે ત્યાં અર્ધાથી ઉપરાંત વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. એ પરિસ્થિતિમાં ભણવામાં તેજસ્વી ના હોવું અને એનું ફ્રસ્ટ્રેશન ખુબ સામાન્ય છે.

   આવું કેટલાયે ઘરોમાં જોવા મળે છે. હકીકતે આ પરિસ્થિતિને સ્વીકારીને એનો આટલો સુંદર રસ્તો કાઢવો એ પોઈન્ટ જ અગત્યનો છે. અને વાર્તાનો પ્રવાહ કોઈ રીતે ખંડિત થતો હોય એવું લાગતું નથી.

   જયારે વાતને તમે સ્વીકારી લો ત્યારે ઊંડે ઊંડે પણ રહેલુ ફ્રસ્ટ્રેશન ઉડી જાય છે. એ વાત જ આ વાર્તાનો મુખ્ય મુદ્દો છે અને વાર્તાના અંતે એ મુદ્દો બરાબર ગળે ઉતરે છે. એ પોઈન્ટ જ આ વાર્તાને નંબર આપવી રહ્યો છે.

  • you are right. story is too lengthy and bit boring too.

 24. Veena Dave. USA says:

  અભિનંદન.
  સરસ વાર્તા.

 25. yogesh says:

  This story to me dont deserve second prize. I mean, the way the story begins, middle part is too weak. The writer has not gone in the detail how ratna got her life back. Its just more explanation and long write up takes lots of momentum. Basically, to me, a nice story is, like a movie rolling in front of my eye, a nice art of story telling, which is missing here.
  Surely it does teach us about not all fingers r the same kind of message.
  thanks
  yogesh.

 26. Siddharth Shah says:

  ખુબ સરસ…. રત્ના હજિ પણ ખુબ આગળ વધશે…

 27. Bansari Trivedi says:

  Nice Story…my cousins also suffer from same problem.Now i will surely forward this to them.

 28. Dharrmendra says:

  ધન્ય છે સુજાતાબેન તમને ! દરેક માં બાપે વાંચવા અને સમજવા જેવી વાર્તા !

 29. ઈન્દ્રેશ વદન says:

  ખૂબ સરસ.

 30. manvant patel says:

  કૃતિ ગમી.આત્મસૂઝ બધે કામ આવે છે.

 31. raj says:

  congrats,
  The way it is presented, that is more intrested.
  We are waiting for more stories like this.
  thanks to
  Mrugeshbhai,
  who gave oppertunity to all story writers.
  very good
  raj

 32. hiral says:

  બધાનો ખૂબ ખૂબ આભાર.

  રીડગુજરાતીનો અને મૃગેશભાઇનો ખૂબ આભાર કે એમણે વાર્તા-સ્પર્ધાના આયોજન દ્વારા નવા સર્જકો તૈયાર કર્યા.


  આ વાર્તા દ્રારા એક બીજો પણ સંદેશો આપવો હતો.
  આપણે બધા કહીએ છે કે દેશમાં સારા નેતા, ન્યાયાધીશો કે આઇ.એ.એસ ઓફીસરો નથી. પણ એનું મૂળ કારણ આ જ છે કે દરેક મા-બાપ આજે કોર્પોરેટ વર્લ્ડની ચમકદમક માટે જ બાળકોને તૈયાર કરે છે. બાળક સમાજશાસ્ત્ર જેવા વિષયોમાં જાણકાર હોય તો એની ક્યારેય કોઇએ નોંધ સુધ્ધા ના લીધી હોય એવા રત્ના જેવા ઘણાં બાળકો હશે.

  સારા નેતા, ન્યાયાધીશ કે આઇ.એ. એસ ઓફીસર બનવા માટે સૌથી પહેલાં ઉત્તમ માનવ ર્હ્યદય હોવું જોઇએ અને પછી સમાજશાસ્ત્રના વિષયોની ઉંડી જાણકારી.
  રત્નાએ ક્યારેય ક્લાસ-ટ્યુશન નથી રખાવ્યા. જાણીને આશ્ચર્ય થશે. પણ એનું કહેવું હતું કે હું સાઇઠ ટકા તો લાવું જ છું અને વધારે સારી જાણકારી માટે શાળાનાં પુસ્તકો સિવાય ઘણું વાંચવાનું હોય છે. એ વાતે પણ એને ઘણી વઢ પડતી કે માર્કસ લાવવા વધુ જરુરી છે.
  દા.ત.
  ધો. ૧૦ માં ભારત-ચીનની સંધિ વિશે ભણવામાં આવશે. પણ એ સંધિ ૧૯૮૫ ની હશે. રત્નાને એ વાત વાંચીને વર્તમાન સંધિમાં અને બીજી દરેક સંધિમાં વધારે રસ જાગે પણ એના સવાલોના જવાબ આપી શકે એવા સાહેબો કેટલા?શાળામાં કે ટ્યુશનમાં તો આઇ.એમ.પી સવાલો ગોખી શકે એ જ ઉત્તમ વિધ્યાર્થી!

  રત્નાને નાનપણમાં માત્ર સમાચાર પત્રો, ટી.વી ને જ દોસ્ત બનાવેલા અને મોટા થયા પછી સુજાતાબેનને. ઘરમાં ભાઇ-બહેન પણ અજાણતાં રત્નાને એકલી પાડી દેતાં હશે. કોઇ અંગ્રેજી માધ્યમની દોડ વગર, કે કોઇ પણ મોટા ક્લાસ-ટ્યુશનોના ખર્ચા વગર દેશને એક સારા કાયદાશાસ્ત્રના જાણકાર વકીલ કે ન્યાયાધીશ મળ્યા એ માટે સુજાતાબેનનો પણ ખૂબ ખૂબ આભાર. બે વખત એમ.કોમ માં છોકરી નાપાસ થાય અને છતાં છોકરીનાં લગ્ન બાબતે નહિં પણ એની કારકિર્દી બાબતે કે છોકરીનાં આત્મવિશ્વાસ બાબતે ચિંતિત રહે અને એમાં રસ્તા કાઢે એ વાતે મા થઇને કે પતિના સાથ સહકાર વગર પણ દિકરીને સાથ આપીને એનાં જીવનનું ઘડતર કરે એ વાત કેટલું દ્રઢમનોબળ બતાવે છે?

  બીજી એક બાબત, ૩ ઇડિયટમાં બતાવે છે કે સંતાન ને જે કરવું છે તે કરવા દો. પણ એક મહત્વની વાત અહિં સમજવા જેવી છે કે દરેક સંતાનને પહેલેથી પોતાની કારકિર્દી શેમાં બની શકે એ વિશે એકદમ સ્પષ્ટ ખ્યાલ નથી આવતો. એમને માર્ગદર્શકની જરુર પડે છે. ત્યારે ખરેખર એમનાં પથદર્શક બનવું જરુરી છે એમની સાચી પ્રતિભા ઓળખીને.

  ફરીથી બધાનો આભાર કે આ સત્યઘટનાના મુખ્યમુદ્દા વિશે તમે બધાએ આટલું દિલથી વિચાર્યું. મારું લખેલું સફળ થયું. રત્ના હજુ વધારે આગળ જરુરથી વધશે જ.

 33. nilam doshi says:

  hiral…congratulations..am very happy for this.
  nice story..keep on writing…

  nice subject too..
  like ending style.. which is much more important…

  all the best for many more…

 34. Sonia says:

  Congratulations, Hiral!! 🙂

 35. Sujal Shah says:

  અભિનંદન… ખુબ સુંદર વાર્તા.
  વાચતા વાચતા એવુ જ લાગે કે રત્ના નુ પાત્ર આપની આજુ બાજુ મા રહેતુ જ કોઇ હશે.

  ખુબ સરસ રજુઆત.

  આભાર.

 36. Ritesh says:

  Let we start this kind of school…. anybody come up with me….

  U Can write me at ritesh.dudakiya@gmail.com; 098790-46998

 37. વાર્તા સારી છે પણ દ્વિતિય ઈનામ જીતવાને લાયક નથી. વાર્તાનું કથાબીજ ઘણું જ મજબુત છે. પણ તેનું વર્ણન સચોટ નથી. અને છેલ્લે ઘણી જ લાંબી વાર્તા છે અને મધ્ય ભાગમાં થોડી કંટાળાજનક બની રહે છે.

 38. Sandhya Bhatt says:

  સરસ વાર્તા. આજના વિષયોને લઈને આવતી વાર્તાઓની સાચે જ જરૂર છે.

 39. Sanni Jain says:

  ખરેખર સરસ વાર્તા. હિરલ બહેને સરો પ્રયાસ કર્યો.
  Being an engineer i can say, people like us often thinks whatever field we are in is the great one. Actually it is not ture. You can not judge any person, by what educational qualification they have… it goes to intelligent not the degree…

 40. Viren shah says:

  જે લોકો ઈજનેર હોય છે એ લોકો આવું અહંકારી વિચારીને એમની જાતને વિશાલ દ્રષ્ટિથી કુંઠિત કરી નાખે છે. એટલે દરેક વસ્તુ અને ઘટના નિયમ પ્રમાણે થવી જોઈએ એવી ભ્રામક માન્યતામાં જીવે છે. આને કારણે થાય એવું કે પાણી શૂન્ય ડીગ્રીએ બરફમાં રૂપાંતરિત ના થાય તો એ લોકો વ્યાકુળ થઇ જાય. પાણી ભલે શૂન્ય ડીગ્રીએ બરફ બને પણ વાસ્તવ જીવનમાં હજારો ઘટનાઓ નિયમો વગર થાય કારણકે માનવ જીવન કોમ્પ્લેક્ષ્ છે.

  એટલે ઈજનેરી મેન્ટાલીટી વાળા લોકો આઉટ ઓફ વે ઘટનામાં એવા ગૂંચવાય કે એમને skilled labor સિવાયની કોઈ જ વસ્તુ કરવાની ફાવે નહિ. સાહેબની નીચે જોબ કાર્ય કરાવામ વાંધો નહિ કારણકે પગાર ની ચોક્કસતા છે. અને ઇજનેરો દલીલ કરીને પોતાની વાત સાચી ઠરાવે ત્યારે એ ભ્રામક માન્યતા વધુ બળવત્તર બનવે છે.

  જે ઇજનેરો બીજા પ્રોફેશનને પોતાના કરતા ઉતરતા અને અક્કલ વગરના માને છે એ એમનું લેવલ બતાવે છે.

  (મારી પાસે ઈજનેરીની માસ્ટર્સ ડીગ્રી છે)

 41. હિરલબેનઅભિનંદન . સરસ પ્રેરણાત્મક વાર્તા તમે લખી છે .

 42. Vaishali Maheshwari says:

  Thank you so much for this wonderful story and my hearty congratulations to you for winning II prize in the story competition. This story that you have written is very simple and has a deep moral in it. Enjoyed reading it.

  I wish a very good luck to Ratna for all her future endeavors and my hats off to her mother Sujataben. She has also done a great job in showing the right path to her daughter and by being besides her at all times.

  Keep writing Ms. Hiral Shah!

 43. જય પટેલ says:

  સત્ય ઘટના પર આધારિત વાર્તા આજની ચમક દમકની ઘોડદોડમાં અટવાયેલા માબાપ માટે દિવાદાંડી રૂપ.

  અભ્યાસમાં થોડી નબળી દિકરી એમ.કોમમાં બે વાર ના-પાસ થતાં સુજાતાબહેનનું
  માતૃત્વ કસોટીની એરણે ચઢ્યું. માની કોઠાસૂઝે દિકરી રત્નાની ડોલતી નૈયા પાર લગાવી દીધી.

  માણસ પોતાની રૂચી-રસ પ્રમાણે આગળ વધે તો સમય વેળફાતો અટકે અને ધાર્યું
  પરિણામ હાંસલ કરી શકાય. રત્નાનો કેસ વાર્તા ગુજરાતના દરેક સ્ત્રી મેગેઝિનમાં પ્રગટ થવી જોઈએ.

  પહેલી વાર્તા…રૂપાની ઝાંઝરીમાં વાર્તાના અંતે Peacefull transition of Power આપણે જોયું જે સાધારણ રીતે
  ગુજરાતી પરિવારોમાં અકલ્પય છે અને બીજી વાર્તાનો સંદેશ….Work on your strength.

  આભાર સહ.

 44. હિરલ,
  ખુબ અભિનંદન,ઉત્તમ વાર્તા!ઉત્તમ કથાબીજ!માટેજ હું કાયમ કહું છું કે પિતાશ્રીઓ હવે દશરથ બનવાનું છોડો.પણ રત્ના ની માતા ઉત્તમ માતા પુરવાર થઇ.જો કે બધા નાં નસીબ એવા હોતા નથી.એક ખુબ સરસ સંદેશો આજના યુગ માટે જરૂરી એવો આ વાર્તા દ્વારા આપ્યો તે બદલ ફરી થી ધન્યવાદ.અને હા!ટૂંકી વાર્તાઓ ઉપર હાથ અજમાવો,તમારું હીર અમે જાણી ચુક્યા છીએ.

 45. keyur m pandya says:

  હિરલ અભિનન્દન આપનિ આ ક્રુતિ ખુબ સરસ અને ઉમદા લાગિ

 46. Rasik Thanki says:

  ખુબજ પ્રેરના દાયક વાર્તા

 47. Pravin V. Patel [USA] says:

  ”લોહીની સગાઈ” ની યાદ આપતી, આધુનિક આવૃત્તિ. ત્યાં કરુણ અંત છે અહીં આનંદનો શ્રાવણ છે.
  માતાનો પ્રેમ એકસરખો.
  બાળકોની રુચિ જાણી માબાપે જાગ્રત થઈ જે જરુરી છે, તે દિશામાં પગલાં ભરવાં અત્યંત જરુરી બને છે.
  ઉમદા સંદેશ.
  સાથે સાથે શ્રી ઈશ્વર પેટલીકરને પ્રેમાળ શ્રધ્ધાંજલિ આપતી ‘ હિરલ’નું હીર પ્રગટાવતી સત્યકથા.
  જજ ”રત્ના” સાચા સ્વરુપે દર્શન આપી પ્રેરણા પરબ બની અનેક જિંદગીઓ નવપલ્લવિત કરે તો!!!!!!!!!!!!!!!
  હિરલબેન અભિનંદનનાં સાચાં અધિકારી.
  આભાર. સુંદર પ્રસ્તુતિ બદલ.

 48. Dipti Trivedi says:

  બીજા ક્રમાંકે આવવા બદલ અભિનંદન.
  વાર્તાની ગૂંથણી સારી પણ રત્નાને આગળ લાવવા સતત પ્રયત્નશીલ એવી એની મમ્મી કરતા એની બહેન એના માટે વધુ યોગ્ય નિર્ણય લઈ શકી..
  છેવટે શાળામાં આર્ટ્સના વિષયો ન હોવાથી એણે કોમર્સમાં એડમિશન લીધું.—-પણ જે શહેરમાં બીજા ભાઈ બહેન એન્જિનિયર અને એમ ટેક કરતા હોય ત્યાં આર્ટ્સ કોલેજ તો હોય જ. શાળામા કોમર્સમા બારમુ કર્યા પછી કોલેજમા આર્ટ્સ લઈલે એવા ઘણા દાખલા જોયા છે.—
  લાલબત્તીવાળી સરકારી ગાડીના અવાજથી સુજાતાબહેનની વિચારતંદ્રા તૂટી. હાથમાં કાળો કોટ અને નાની બેગ લઈને ગાડીમાંથી ઊતરતી રત્નાને સુજાતાબહેન, સુધીરભાઈ અને અવિ ગર્વથી જોઈ રહ્યાં. કોર્ટ પછીના સમયમાં તે ઘણી સામાજિક સંસ્થાઓમાં કાર્યરત હતી એટલે તેને ઘરે આવતાં ક્યારેક મોડું થઈ જતું—–નોકરી સિવાયના સ્થળોએ પોતાના રસ રુચિ માટેના સામાજિક કામોમાં સરકારી ગાડી વાપરે એ હકિકત નહી પણ વાર્તાનો પ્લોટ છે એમ માનુ છું.
  બાકી સત્ય ઘટના હોવાથી વાર્તાના વિષયવસ્તુની ઉપર જણાવેલ ઊણપ એ લેખિકાની ઊણપ ના કહેવાય.

 49. Ashish Dave, Sunnyvale, California says:

  Hiralbahen,

  Congratulations for winning the second price. Hope you will write many more stories in future. You could have but you did not and that is what I liked in the story… No melodrama.

  On a side note…

  Some how we are judgmental people. Without reading all the entries we want to give our verdict. I don’t get that.

  Ashish Dave

 50. mili says:

  બો જ સારાસ, મા બાપ નિ આદ્ભ્ત ભુમિકા

 51. Shaishav says:

  Really nice story. I really like this story. Thanks for writting like this story.

 52. SNehal says:

  Excellent. I remind Kiran Bedi while reading this article. If anybody is interested, please go through this link:

  http://www.ted.com/talks/lang/eng/kiran_bedi_a_police_chief_with_a_difference.html

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.