- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

રત્નાનો કેસ – હિરલ શાહ

[ રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા:2010માં બીજા ક્રમાંકે પુરસ્કૃત થયેલી આ વાર્તા સત્યઘટના પર આધારિત છે. એક જ કુટુંબના અન્ય તેજસ્વી સંતાનો વચ્ચે એક સામાન્ય દીકરી કેવી મનોવ્યથામાંથી પસાર થાય છે તેનું સચોટ દ્રશ્ય અહીં રજૂ થયું છે. આ સમયે માતા-પિતાની ભૂમિકા કેવી હોવી જોઈએ તેનો ખૂબ ઉપયોગી સંદેશ આ વાર્તામાંથી પ્રાપ્ત થાય છે. વાર્તાના સર્જક શ્રીમતી હિરલબેન B.E. કર્યા બાદ સોફટવેર-ટેલિકોમ ક્ષેત્રે લંડનમાં કાર્ય કરી રહ્યાં છે. હાલમાં તેઓ ભારતની મુલાકાતે છે. આ વાર્તા તેમનો પ્રથમ પ્રયાસ છે. રીડગુજરાતી તરફથી હિરલબેનને ખૂબ ખૂબ અભિનંદન. આપ તેમનો આ નંબર પર +91 9376809288 અથવા આ સરનામે hiral.shah.91@gmail.com સંપર્ક કરી શકો છો. ]

રત્ના હજુ સુધી કેમ આવી નહીં ? – જેવો વિચાર મનમાં ઝબક્યો કે તરત જ સુજાતાબહેને નિરાલીને બૂમ પાડી : ‘તારો ફોન લાગ્યો ? જાને બેટા, જરા તપાસ કર ને ! મને તો એની બહુ ચિંતા થાય છે. કોર્ટે શું ચુકાદો આપ્યો હશે ? રત્ના હેમખેમ તો હશે ને ?’

ક્ષણેક અટકીને પૂરી તળતાં સુજાતાબહેન ફરી બોલ્યાં : ‘નિરાલી, એને ખબર છે કે તું આવી ગઈ છે; તોય ઘેર આવતાં એને આટલી બધી વાર કેમ લાગી ? કંઈક અજુગતું તો નહીં બન્યું હોય ને ? જરા જો ને…’
‘અરે મમ્મી, તું શું ચિંતા કરે છે ? એ તો આવી જશે. રત્ના કંઈ નાની થોડી છે ?’ નિરાલી નિશ્ચિંત સ્વરે બોલી. લગ્ન બાદ નિરાલી થોડા દિવસ માટે ઘેર આવી હતી. રસોડામાં સુજાતાબહેનને મદદ કરાવતાં તેણે આગળ કહ્યું, ‘તને યાદ છે મમ્મી ? રત્ના નાની હતી ત્યારે સ્કૂલેથી પાછાં ફરતાં સ્હેજ મોડી પડે કે તરત તું અમને બધાંને દોડાવતી….!’
‘હવે તું બોલબોલ કર્યા કરીશ કે રત્નાની તપાસ કરીશ ? તું ના જતી હોય તો હું જાઉં છું.’ સુજાતાબેનથી રહેવાયું નહીં. સ્કૂટીની ચાવી લેતાં નિરાલી મનોમન બબડી… ‘અવિ સાચું જ કહેતો હતો કે મમ્મી અને રત્ના એકદમ પેલી વાર્તાના ‘મંગુ અને એની મા’ જેવાં છે. લોહીની સગાઈ અમરતકાકીને બધા છોકરાંઓ સાથે હતી પણ….’
‘મારી જ ભૂલ થઈ ગઈ… મેં વળી ક્યાં તને જવાનું કીધું ? હું જ રીક્ષા કરીને….’ સુજાતાબેન એકદમ ભાવુક બની ગયાં.
‘એ મારી પણ બહેન છે મમ્મી…’ નિરાલીએ કહ્યું, ‘હું જાઉં છું. તું રત્નાની વધારે પડતી જ ચિંતા કર્યા કરે છે…’ નિરાલીનાં ગયા પછી સુજાતાબહેન ફરી રસોઈ કરવામાં લાગી ગયા પરંતુ એમના મનમાં હજુ રત્નાના જ વિચારો ચાલ્યાં કરતાં હતાં. નિરાલીના શબ્દોથી સુજાતાબહેનને ભૂતકાળ યાદ આવી ગયો.

રત્ના ઘરમાં સૌથી નાની એટલે સૌથી વધુ પ્રેમાળ. ભલે તે અભ્યાસમાં નબળી હતી પરંતુ માણસોને ઓળખવામાં, તર્ક-વિતર્ક કરવામાં, દરેકની નાની-મોટી તકલીફ સમજવામાં એની કોઠાસૂઝ ગજબની હતી. ઈતિહાસ-ભૂગોળ અને નાગરિકશાસ્ત્ર એના પ્રિય વિષયો. ટીવી તો જાણે એનાં આરાધ્ય દેવ ! દૂરદર્શન પરની એકપણ સિરિયલ કે ફિલ્મ રત્નાને બાકી ન હોય. રાજ્યસભા, લોકસભાની ચૂંટણી, રાષ્ટ્રપતિનું વક્તવ્ય, દૈનિક સમાચાર, બજેટના સંવાદો – બધું જ ધ્યાનથી જુએ. નિરાલી અને મોટોભાઈ અવિ ટીવી બંધ કરાવે તો પડોશમાં જઈને જુએ ! ક્યારેક અડોશ-પડોશમાં કોઈ કામ હોય તો રત્ના પહેલી પહોંચી જાય. કોઈને પાપડ વણવા હોય કે કાતરી પાડવી હોય તો રત્ના હાજર જ હોય. એને મન તો એક જ વિચાર કે માણસ જ માણસના કામ આવે ને ? એની હાજરીથી સોસાયટીમાં વસ્તી લાગે પરંતુ પરીક્ષાના પરિણામને દિવસે એને ચારેબાજુથી સાંભળવાનું આવે. લગભગ સાઈઠ ટકા તો લઈ આવે પરંતુ નિરાલી અને અવિના એંશી-નેવું ટકા આગળ રત્ના શી રીતે શોભે ? એટલું બાદ કરતાં, રત્ના સ્વભાવે લાગણીશીલ. ઘરમાં કોઈ સાજું-માંદુ થયું હોય તો ખડે પગે ચાકરી કરે. એના પપ્પા હોસ્પિટલમાં હતાં ત્યારે એકલી રત્ના જ એની મમ્મીની મનોવ્યથા સમજી શકી હતી, એમ એનાં દાદી સૌને વારંવાર કહેતાં.

સમય વીતતાં ક્યાં વાર લાગે છે ? રત્ના જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તે ધીમે ધીમે અભ્યાસમાં આત્મવિશ્વાસ ગુમાવવા લાગી. ખાસ તો દસમા ધોરણની પરીક્ષા પછી એણે મનથી સ્વીકારી લીધું કે પોતે નિરાલી અને અવિ જેટલી હોંશિયાર નથી. જો કે તેને કોઈ પ્રત્યે ઈર્ષ્યા નહોતી. નિરાલી અને અવિ માટે તો એને ગર્વ હતો. તેને મન સૌ સમાન હતાં. છેવટે શાળામાં આર્ટ્સના વિષયો ન હોવાથી એણે કોમર્સમાં એડમિશન લીધું. આસપાસના લોકો તેને ઘણી વાર પૂછતાં કે, ‘તારાં બેઉ ભાઈ-બહેન સરસ ભણ્યા, તુંયે સી.એ. થઈશ, હેં ને ?’ નાનપણથી ચશ્માં હોવાને લીધે કેટલાંક લોકો તેને ‘ડૉ. રત્ના’ કહીને ચીડવતાં. ‘રત્ના ભણવામાં હોંશિયાર નથી’ એવી અંદરોઅંદર વાતો થવા લાગી હતી. રત્ના આ સૌ પારકી પંચાત કરનાર લોકોને ઓળખી જતી અને તેમને પકડી પાડીને બરાબર જવાબ આપતી. આથી, નિરાલીના પ્રમાણમાં રત્નાની છાપ ‘એક જબરી છોકરી’ તરીકે પડતી. બીજી તરફ અભ્યાસમાં તે નબળી પડી રહી હતી. ઘરમાં બા-દાદા ક્યારેક એને ‘થાંથી’ કહી સંબોધતાં એટલે રત્નાના આત્મવિશ્વાસને વધારે ઠેસ પહોંચવા લાગી. એવામાં એક દિવસ સુધીરભાઈ થાકેલાં ઑફિસેથી આવ્યાં. એમનાં મોં પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી.
‘પપ્પા શું થયું ? ચા બનાવું ?’ એમ લાગણીવશ થઈને રત્નાએ પૂછ્યું ત્યાં તો સુધીરભાઈનો ઑફિસનો ગુસ્સો રત્ના પર ઠલવાઈ ગયો. એ દિવસે સુધીરભાઈ આવેશમાં રત્ના પર ગુસ્સે થઈને બોલી ગયાં કે, ‘તારે તો નથી જ મૂકવાની ચા… તું હંમેશા મારા દુઃખમાં ઉમેરો કરે છે. તું શું કરીશ મોટી થઈ ને ? તારામાં છે જ શું ? નિરાલી અને અવિમાંથી કંઈક શીખ….’ રત્નાને એ દિવસે લાગી આવ્યું. તે ખૂબ રડી. બધાં એ ઘણું સમજાવ્યું પરંતુ એ ઘટના પછી રત્નાએ ધીમે ધીમે ઘરમાં બોલવાનું ઓછું કરી નાખ્યું. પડોશમાં પણ હવે તે ક્યારેક જ જતી.

રત્ના નછૂટકે બી.કોમ કરી રહી હતી. સુજાતાબેન એને પ્રોત્સાહિત કરતાં કહેતાં કે, ‘બેટા, જીવનના દાખલા ઉકેલવામાં ફક્ત ગણિત-વિજ્ઞાનનું જ્ઞાન કામે નથી લાગતું. એ વખતે તો તારા જેવી કોઠાસૂઝ, અવલોકનશક્તિ, તર્કશક્તિ અને વિશાળ વાંચન જોઈએ… તું હોંશિયાર જ છે. તું પોતાને નબળી ન સમજીશ. તને બી.કોમ ન ગમતું હોય તો કારકિર્દીનું બીજું કોઈ ક્ષેત્ર શોધ. પરંતુ હિંમત ન હારીશ…’ ઘરનાં અન્ય લોકો તેને પાર્ટટાઈમ કૉલસેન્ટરની નોકરી કે કોમ્પ્યુટર કોર્સ અથવા ટ્યૂશન કરવાની સલાહ આપતાં રહેતાં પરંતુ રત્ના પર એની કોઈ અસર નહોતી. સગાંવહાલાં જ્યારે બી.એડ કરીને લેકચરર બનવાની સલાહ આપતાં ત્યારે એને ખૂબ ગુસ્સો આવતો. મનોમન એને થતું કે અહીં ભણવાનું ગમતું નથી ત્યાં વળી ભણાવવાનું શી રીતે ગમે ? કેટલીક બહેનપણીઓને સંગીત, નૃત્ય કે હોમસાયન્સમાં રસ હતો, પરંતુ રત્નાને એમાંય રસ નહોતો. તેઓની લગ્ન, ઘરેલૂ બાબતો અને ચીલાચાલુ ફેશનની વાતોથી રત્ના કંટાળી જતી. નિરાલી અને અવિ તો આખો દિવસ કોમ્પ્યુટરમાં જ ખોવાયેલા રહેતાં. ભાતભાતની ‘ઈ-બુક્સ’ ડાઉનલોડ કરીને વાંચતા રહેતાં. રત્નાને મન એ બધું નિરર્થક હતું. એકમાત્ર સુજાતાબહેન રત્નાની મનોદશા જાણતા હતાં. એ તેને પૂરો સાથ આપતાં. દીકરીને સાથ આપવા માટે તેમણે પોતાનું વાચન વધારી દીધું હતું. બંને મા-દીકરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અનેક મુદ્દાઓ પર રસપૂર્વક કલાકો સુધી ચર્ચા કરતાં. સુજાતાબહેન રત્નાના અલગ સ્વભાવને કારણે ચિંતિત રહેતાં પરંતુ બી.કોમ પછી કોઈ સરકારી નોકરીની પરીક્ષા આપીને રત્નાનું જીવન થાળે પડી જશે તેમ વિચારી મન મનાવી લેતાં.

રત્નાએ બી.કોમ પૂરું કર્યું એ સાથે તેના જીવનમાં સમસ્યાઓના બીજા તબક્કાની શરૂઆત થઈ. હવે શું કરવું તે બહુ મોટો પ્રશ્ન હતો. રત્નાએ સાયન્સ ન લીધું એટલે સુધીરભાઈએ તો તેના નામ પર ચોકડી જ મારી દીધી હતી. તેમણે મનોમન એવું નક્કી કરી લીધું હતું કે રત્ના કશું જ કરી શકવાની નથી. ગણિત, વિજ્ઞાન અને કોમ્પ્યુટર એ કારકિર્દીની સીડી છે. એને છોડીને રત્ના કોમર્સમાં શું ઉકાળી શકશે ? સુજાતાબહેન સિવાય ઘરના બધા સભ્યો અભ્યાસની બાબતમાં રત્નાને ગણતરીમાં નહોતાં લેતાં એ હકીકત હતી. અંદરખાને બધા સમજતાં હતાં કે રત્ના આત્મવિશ્વાસ ગુમાવી બેઠી છે. એને પોતાને શું કરવું તેનો ખ્યાલ નથી.

આ કપરાં સમયમાં સુજાતાબહેન એને સાથ આપતાં. તેઓ માનતા કે માતાની પહેલી ફરજ એ છે કે પોતાનું બાળક આત્મવિશ્વાસુ અને આત્મનિર્ભર બને. એમનાં જીવનનો યોગ્ય વિકાસ થાય એ તેમને મન વધારે મહત્વનું હતું. તેઓ હંમેશા વિચારતાં કે ‘જન્મ, લગ્ન અને મરણ તો કુદરતને હાથ છે પરંતુ જો મારું સંતાન ખુશ નથી, તેની કારકિર્દી પાટે નથી ચઢતી કે તે આત્મવિશ્વાસની કસોટીમાંથી પાર નથી ઊતરતું તો હું પોતાની જાતને એક સફળ મા તરીકે કેવી રીતે ગણી શકું ?’ સુજાતાબહેન માતા તરીકેની એમની વ્યાખ્યા અને ફરજોમાં એકદમ સ્પષ્ટ હતાં. તેઓ ગૃહિણી હતાં. સંજોગોવશાત લગ્નબાદ તેમણે નોકરી છોડવી પડેલી. પરંતુ મહેનત, પ્રમાણિકતા, નિયમિતતા, આધ્યાત્મિક વાંચન-મનન-ચિંતનથી તેમણે પોતાના જીવનનું ઉત્તમ ઘડતર કરેલું. ઘરના દરેક સભ્ય પર તેમનો ઘણો પ્રભાવ હતો. તેમ છતાં રત્નાની બાબતમાં માતૃસહજ ચિંતા એમને કોરી ખાતી. દરેક બાળકો પોતાની મહેતન અને નસીબના બળે આગળ વધશે એમ માની તેઓ પોતાની ફરજ નિભાવતાં પરંતુ જ્યારે રત્નાની વાત આવે ત્યારે એમને મનમાં થતું કે દેખીતી રીતે હોંશિયાર દેખાતા નિરાલી અને અવિને ડાળે વળગાડીને મેં નવું શું કર્યું ? મારે તો રત્નામાં જે હોંશિયારી છે એ બહાર લાવવી જ રહી.

હવે સુજાતાબહેને મક્કમ બનીને ઘરમાં રત્નાનું ઉપરાણું લેવાનું શરૂ કર્યું. અવિ ક્યારેક રત્નાને અને સુજાતાબહેનને ‘મંગુ અને તેની મા’ કહીને ચીડવતો ત્યારે સુજાતાબહેન ઈંટનો જવાબ પથ્થરથી આપતાં. ઘરમાં પોતાના વર્ચસ્વનો સદુપયોગ કરીને તેમણે રત્નાને આદરભર્યું સ્થાન મળે એ માટે પૂરતાં પ્રયત્નો કર્યાં. વાતો વાતોમાં તે ‘દાંડીની યાત્રા’, ‘1857નો વિપ્લવ’ તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વર્તમાન પ્રવાહોની વાતો સામે ચાલીને કાઢતાં. એમને ખબર હતી કે આ બધા રત્નાના રસના વિષયો છે. જેવી આ બાબતોની ચર્ચા નીકળતી કે રત્ના સોળે કળાએ ખીલી ઊઠતી. તેના દાખલા-દલીલો સામે કોઈ ટકી ન શકતું. આ બધા વિષયોમાં રત્ના નિરાલી અને અવિ કરતાં કેટલીયે વધારે જાણકાર હતી. ઘરના સભ્યોને પણ રત્નાના આ અન્ય પાસાઓનો પરિચય થવા લાગ્યો. સુજાતાબહેને બધાના મનમાં ઠસાવી દીધું કે ગણિત, વિજ્ઞાનની જાણકારી અને મેરિટ-લીસ્ટના આંકડા જ કંઈ હોંશિયારીનું પ્રમાણપત્ર નથી. માણસની કોઠાસૂઝ અને આંતરશક્તિનો પણ આદર કરવો જોઈએ. સુજાતાબહેનના પ્રયત્નોથી ધીમે ધીમે ઘરમાં બધા રત્નાનું માન જાળવતાં થયાં. એમને મનોમન થયું કે રત્ના પણ કંઈ કમ નથી.

બીજી તરફ રત્ના અભ્યાસની બાબતમાં સાવ દિશાવિહીન હતી. બી.કોમ બાદ કોઈ સખીઓએ એને એમ.કોમ અને સી.એ.નું ભૂત ભરાવ્યું એટલે તેણે એમ.કોમ શરૂ કરી દીધું. કારકિર્દીના પ્રશ્ને તે એટલી સંવેદનશીલ બની ગઈ હતી કે કોઈ કશું કહે તો વારંવાર ચિડાઈ જતી. નિરાલી એને કંઈક સમજાવે તો ‘તું સાયન્સમાં છે, તને અમારી લાઈનની ખબર ન પડે’ એમ કહીને એને તોડી પાડતી. એક વાર તો એણે ગુસ્સામાં આવીને અવિ સાથે મારામારી કરી ! નિરાલી એને શાંત પાડવા ગઈ તો ‘તારે મને કશું કહેવાનું નહીં. તું મોટી એન્જિનિયર છે તે મને ખબર છે…’ એમ કહીને નિરાલી સાથે ઝઘડી પડી. રત્નાની અંદર જાણે જ્વાળામુખી ધરબાયેલો પડ્યો હતો. આમ છતાં સુજાતાબહેનનો હંમેશા એ પ્રયત્ન રહેતો કે રત્ના લઘુતાગ્રંથિનો શિકાર ન બને. એમને મન એમ હતું કે તે મહેનત કરે છે એટલે એમ.કોમમાં પાસ થઈ જ જશે… પરંતુ એમના માથે વજ્રઘાત થયો જ્યારે રત્ના એમ.કોમમાં બે વાર નાપાસ થઈ. રત્ના વધારે ને વધારે હતાશ થતી જતી હતી. છેવટે એણે ‘મને એકાઉન્ટ જરાયે નથી ફાવતું…’ એમ કહ્યું ત્યારે તો સુજાતાબહેન સાવ ઢીલાં પડી ગયાં. આ છોકરીનું હવે કરવું શું ? કોઈ રસ્તો દેખાતો નહોતો. દિશાઓ ધૂંધળી હતી.

પરંતુ એમ હાર માને તો સુજાતાબેન શાનાં ? એમને દીકરીની હારમાં પોતાની મા તરીકેની નિષ્ફળતા દેખાતી. તેઓ અંદરથી મક્કમપણે માનતાં હતાં કે આ છોકરીમાં ગણિત-વિજ્ઞાન સિવાય બીજાં ઘણાં ગુણો છે. એ સમજતાં હતાં કે ઘરના લોકોની રત્ના અને અન્ય સંતાનો સાથેની સરખામણી જ રત્નાને હતાશા તરફ લઈ જઈ રહી છે. તે છતાં એમણે રત્નાની સારી બાજુઓને મજબૂત કરવાનું સતત ચાલુ રાખ્યું. એમને ખાત્રી હતી કે રત્ના એક દિવસ જરૂર આગળ આવશે. અત્યારે એમનું કામ ખરાબ પરિણામોની વચ્ચે રત્નાની છાપને ટકાવી રાખવાનું હતું. પોતાના આ કાર્યમાં કંઈક અંશે તો તેઓ સફળ થઈ રહ્યાં હતાં. રત્ના ક્યારેક ચિડાઈ ઊઠે તો પણ નિરાલી અને અવિ હવે તેને ઉતારી નહોતાં પાડતાં. તેઓને રત્નાની ક્ષમતામાં કંઈક વિશ્વાસ બેઠો હતો. સુજાતાબહેનને એ જ જોઈતું હતું.

એક રાતે સુજાતાબહેન રત્ના માટે બીજો શો વિકલ્પ શોધી શકાય તેનો વિચાર કરતાં હતાં ત્યાં તેમણે નિરાલી અને રત્નાને વાત કરતાં સાંભળ્યાં.
‘રત્ના, મારી વાત સમજ. બીજા લોકોને તું એમ.કોમ કે સી.એ. કરવા દે. તું એલ.એલ.બી શરૂ કર. એમાં તું ઓછી મહેનતે પાસ થઈ જઈશ. આપણે ખાલી લોકોને બતાવવા નહીં પરંતુ આપણા પોતાના આત્મવિશ્વાસ માટે ભણીએ છીએ એ તું હંમેશા યાદ રાખ, બકા !’ નિરાલી પ્રેમથી રત્નાને સમજાવી રહી હતી. સામાન્યરીતે નિરાલી કંઈક કહે તો રત્નાને ભાષણ લાગતું પરંતુ આજે રત્ના ધ્યાનપૂર્વક નિરાલીની વાત સાંભળી રહી હતી. સુજાતાબહેનને બંને બહેનો વચ્ચે ભેદભાવની ખાડી પૂરાતી જોઈને આનંદ થયો. રત્ના નિરાલીની વાતને ગંભીરતાથી વિચારી રહી હતી. નિરાલી પણ પોતાના ઉચ્ચ અભ્યાસનો અહમ બાજુએ મૂકીને રત્નાને હિંમત આપી રહી હતી.

જોગાનુજોગ બે દિવસ બાદ જજની નિમણૂંક અંગેની જાહેરાત સુજાતાબહેનના નજરે પડતાં તેમણે રત્નાને બોલાવીને નિરાલીની વાત પર વિચાર કરવા કહ્યું. રત્નાને પ્રેમથી સમજાવતાં તેમણે કહ્યું : ‘બેટા, હું ક્યારેય કોણે શું ભણવું એ બાબતમાં રોકટોક કરતી નથી. તમારી પોતાની વિચારશક્તિ અને નિર્ણયશક્તિ ખીલે એવા મારા પ્રયત્નો હોય છે. પરંતુ એક મિત્ર તરીકે આજે તને વિચારવામાં અને નિર્ણય લેવામાં મદદ કરવી એ મારી ફરજ છે એમ સમજીને હું તને આ એલ.એલ.બી. વિશે વાત કરી રહી છું.’ રત્ના એકીટશે સુજાતાબહેનનો દ્રઢ વિશ્વાસ અને હિંમતવાળો ચહેરો જોઈ રહી. રત્નાની મનોસ્થિતિ સમજીને સુજાતાબહેન ખાલી એટલું જ બોલી શક્યાં કે, ‘હિંમતથી કામ લે, બેટા ! એક નહીં તો બીજો રસ્તો. મારી રત્ના કોઈથી કમ નથી…’ રત્ના કંઈક વિચારતી મમ્મીના ખોળામાં માથું રાખીને ફરતા પંખા પર નજર સ્થિર કરી સુનમુન જોઈ રહી. એ સૂઈ ગઈ ત્યાં સુધી સુજાતાબહેનનો મમતાભર્યો હાથ એનાં માથા પર ફરતો રહ્યો અને હિંમતથી કામ લેવાનાં આશીર્વાદ આપતો રહ્યો.

બીજે દિવસે રત્ના વહેલી તૈયાર થઈને બહાર જઈ રહી હતી.
‘ક્યાં જાય છે, બેટા ?’
‘હું થોડીવારમાં આવું છું….’
‘પણ ક્યાં ?’
‘એ તો કૉલેજમાં એક-બે પ્રોફેસર જોડે વાત કરવા જાઉં છું….’ રત્ના સડસડાટ દોડી ગઈ. લગભગ ત્રણ કલાક વીતી જવા છતાં રત્ના પાછી ન ફરી એટલે સુજાતાબહેનને ચિંતા થવા લાગી. રત્નાની નિષ્ફળતાથી એ પોતે વધારે દુઃખી હતાં. મા તરીકે ઊણા ઊતર્યાનો વસવસો એમને હતો. એમને અવિની વાત સાચી લાગી રહી હતી કે રત્ના ભલે મંગુ નથી પરંતુ એમની દશા તો ‘લોહીની સગાઈ’નાં અમરતકાકી જેવી જ હતી. અમરતકાકીનું પાત્ર યાદ આવતાં એમણે પોતાના મનને મક્કમ કર્યું. બધી નબળાઈઓને ખંખેરી નાંખી. અત્યારે મનની સકારાત્મક શક્તિ સિવાય રત્નાને મદદરૂપ થઈ શકે એવું એમની પાસે બીજું કશું જ નહોતું. સુજાતાબેનની નજર ઘડિયાળ પર પડી. કૉલેજ તો સાંજના પાંચ-છ વાગ્યે બંધ થઈ જાય. અત્યારે સાત થવા આવ્યાં તોય હજુ રત્ના ન આવી ? ક્યાં ગઈ હશે ?…. જેવા એ નિરાલીને ફોન કરવાં ગયાં ત્યાં જ રત્ના દોડતી આવી ચડી અને સુજાતાબેનને ભેટી પડી. ઘણા દિવસો પછી તે આટલી ખુશ હતી. તેના ચહેરા પર ખુશી જોઈને તેમની આંખમાંથી આંસુ સરી પડ્યાં. રત્ના એલ.એલ.બી અને જજ બનવા માટેની પરીક્ષાની વિગતો લઈને આવી હતી. સુજાતાબેનના હરખનો પાર ન રહ્યો.

રત્નાએ સુજાતાબેનનો હાથ પોતાના હાથમાં લઈ કહ્યું : ‘મમ્મી, નિરાલીની વાત સાચી હતી કે મારી દલીલ કરવાની ક્ષમતા સારી છે. હું હંમેશા ગાંધીજીથી લઈને ચિદમ્બરમ સુધી દરેકની વાતો મારા વક્તવ્યમાં ટાંકતી હોઉં છું. પરંતુ તે છતાં મને વકીલ બનવાનું તો ક્યારેય સૂઝ્યું જ નહીં ! આપણા સગાંવહાલામાં બધા ડૉક્ટર, એન્જિનિયર અને સી.એ. છે એથી એમની સાથે તુલના કરવામાં મેં મારો ખોટો સમય બગાડ્યો. ક્યારેક લઘુતાગ્રંથીનો શિકાર બનવાને કારણે “હું પણ સી.એ. થઈને બતાવીશ” એમ કહી મેં મારી ક્ષમતાઓને ઓળખવા તરફ ધ્યાન જ ન આપ્યું. સારું છે કે હું એમ.કોમ નથી કરી શકી, નહિં તો એ પછી આગળ સી.એ.નું ગોખી ગોખીને મારો દમ નીકળી જાત ! મારો મનગમતો વિષય તો સમાજશાસ્ત્ર છે. વળી, લોકો પાસે કેવી રીતે કામ લેવું, દરેકના દુઃખ-તકલીફને સમજવી એ તો મને ભગવાને આપેલું વરદાન છે. આ બધા ગુણોનો સમાવેશ અભ્યાસક્રમમાં નથી થતો હોતો એટલે દેખીતી રીતે જ મારું મેરિટ નીચું છે. પણ તેથી શું ? બોર્ડવાળાના વાંકે હું લઘુતાગ્રંથિનો શિકાર શું કામ બનું ?……’ રત્ના આજે ઘણા દિવસો પછી દિલ ખોલીને બોલી રહી હતી તેથી સુજાતાબેન એને એકધારું સાંભળી રહ્યાં હતાં.
‘મમ્મી, તારી વાત સાચી છે કે જીવન નદીની જેમ વહેતું હોવું જોઈએ. રસ્તામાં ખાડા-ટેકરાં આવે અને વહેવાનું છોડી દે એને નદીના કહેવાય. નદી તો બધા અવરોધોને ઓળંગી જાય. એક દિવસ હું પણ આ બધા અવરોધોને પાર કરીને તને લાલબત્તીની ગાડીમાં ફેરવીશ. સેન્ટ્રો તો ઘણાં ફેરવે પણ લાલબત્તી વાળી ગાડીની તોલે કોઈ ના આવે ! હે નેં મમ્મી ? પરંતુ આ બધું હું ફક્ત તારા વિશ્વાસને કારણે વિચારી શકી. તેં હંમેશા મારી પર વિશ્વાસ રાખ્યો. બધા લોકો જ્યારે મારી તુલના કરતા હતાં ત્યારે પણ તેં મારી પરનો તારો ભરોસો ઓછો ન થવા દીધો. હું પરીક્ષામાં તો નાપાસ થઈ શકું પરંતુ વહાલી મમ્મીના વિશ્વાસને કેમ નાપાસ કરી શકું ? હું તને નહીં સમજું તો કોણ સમજશે ?’ કહીને રત્ના સુજાતાબહેનને વળગી પડી. બંનેની આંખો લાગણીથી ભરાઈ આવી.

એ પછી તો રત્ના નામની નદી જે એમ.કોમના ખાડાટેકરામાં અટવાઈ પડી હતી તે સડસડાટ વહેવા માંડી. સમય વીતતો રહ્યો અને નિરાલીના લગ્ન, અવિનું એમ.ટેક. અને રત્નાનું જજ બનવાનું સ્વપ્ન પૂરું થયું. સુજાતાબેનને એક મા તરીકે સફળ થયાનો ખરો આનંદ ત્યારે જ થયો જ્યારે તેમણે રત્નાને જજ તરીકે જોઈ. ભારે મથામણનો અંત આવ્યો.

લાલબત્તીવાળી સરકારી ગાડીના અવાજથી સુજાતાબહેનની વિચારતંદ્રા તૂટી. હાથમાં કાળો કોટ અને નાની બેગ લઈને ગાડીમાંથી ઊતરતી રત્નાને સુજાતાબહેન, સુધીરભાઈ અને અવિ ગર્વથી જોઈ રહ્યાં. કોર્ટ પછીના સમયમાં તે ઘણી સામાજિક સંસ્થાઓમાં કાર્યરત હતી એટલે તેને ઘરે આવતાં ક્યારેક મોડું થઈ જતું પરંતુ સુજાતાબહેન કંઈક બોલે એ પહેલાં જ તે હંમેશા વકીલની અદાથી પોતાનો પક્ષ રજૂ કરી દેતી ! આજે પણ એમ જ બન્યું. એટલામાં રત્ના શોધમાં ગયેલી નિરાલી સ્કૂટી લઈને પરત ફરી. જમવાનાં ટેબલ પર આજના અટપટા કેસ વિશેની વિગતો રત્ના પાસેથી સાંભળીને સુજાતાબહેન બોલ્યાં :
‘જો રત્ના ના હોત તો ગણિત-વિજ્ઞાનના પ્રોફેશનલ લોકો વચ્ચે આપણું ઘર મશીન બની જાત ! જાતજાતનાં કેસ અને માનવસંબંધોની આંટીઘૂટીવાળી રત્નાની વાતોએ આ ઘરમાં માનવતાનું મૂલ્ય જાળવી રાખ્યું છે.’
‘એ વાત ખરી….’ તક મળતાં જ સુધીરભાઈ બોલ્યાં, ‘પણ રત્નાનો કેસ તો તેં જ સોલ્વ કર્યો છે ને ?’
અવિ પણ વચ્ચે રમૂજ કરતાં કૂદી પડ્યો : ‘હા ભાઈ હા, આ તો નવી પેઢીનાં અમરતકાકી છે….’ પછી ચોખવટ કરતાં બોલ્યો : ‘આખરે આપણા આ સુજાતાબહેને રત્નાને પોતાની નાતમાં વટલાવી જ દીધી !!….’ અને બધાં ખડખડાટ હસી પડ્યાં….