લૉટરી – નાનાભાઈ હ. જેબલિયા

[ અમરેલીથી પ્રકાશિત થતા ‘છાલક’ સામાયિકમાંથી સાભાર.]

હમણાં તો એ ચાહી ચાહીને બજારમાં નીકળતાં અને ચાલને એવી ચૂપ રાખતા કે ન પૂછો વાત. હાથમાં રહેતો નેતરનો ડંડો પણ અવાજ ન કરતો ! પોતાનો ખાંચો પૂરો થાય, બજાર શરૂ થાય કે એક ચિકિત્સક નજરથી આગળ પાછળ જોઈ લેતા.

એમને ખબર હતી કે પોતે લીંબડાવાળા ચોકમાં પગ મૂકશે કે ત્યાં એમની ભરપૂર નિંદા થતી હશે. છતાં એ લીંબડાવાળા ચોકમાં પગ મૂકતા. ધોળાવાળના લચકાવાળા એમના કાન એ સરવા કરતાં અને એ સાથે જ લોકો એમની ગુસપુર શરૂ કરી દેતા :
‘શું બોલો છો… આણે પોતે ?’
‘હા હા એણે પોતે. ગામ આખું જાણે છે…’
‘ગજબ કર્યો…. ડોસાએ. એવું કામ !’
‘અરે, ફટ્ય કે’વાય… ભલા માણહ….’
‘હાળા નવરા !’ એ પોતાનો ડંડો ધૂળમાં પછાડીને લાલચોળ થઈ જતાં. પણ વળી પાછા એ ભાનમાં આવતા સંયમ કેળવી લેતાં. નિંદકોને તુચ્છ દેખાડવા અને સ્વસ્થ બની જવાં સમર્થ પ્રયાસ કરતા. દુનિયા વાતો કરે છે એ સાથે પોતાને કોઈ નિસ્બત નથી એવું પ્રતીતિ કરાવવા એ બોખા મોં પર હાસ્ય ઓઢી લેતાં અને પછી ધીમેથી ચાલવા માંડતા. પરંતુ એમની ચાલમાં ગડમથલ થઈ જતી. ઓખાઈ પગરખાં રાંટાંફાંટાં થઈ જતાં અને પાઘડીનો એકાદ આંટો ઊખળીને ગળામાં લટકી પડતો…. અને ઉછીની આવેલી એમની સ્વસ્થતા જતી રહેતી. રીસભર્યા શબ્દોની એમના બોખા મોં માંથી પછી ધાણી ફૂટવા માંડતી : ‘હવે આખી દુનિયા લ્યે છે. એમ મેં પણ લીધી છે. અને એ પણ ક્યાં રામજી ભામજીની છે. મરદ મુછાળા પંજાબ સરકારની છે. ખાસ્સા રૂપિયા ત્રણ લાખ.. ત્રણ લાખ રૂપિયા એટલે ! સાત પેઢીનું દાળદર કાઢી નાખે, બેટાવ !’

અને ડંડો ઠપકારતા ઠપકારતા પછી એ શંકરના દેવળ ભણી આગળ વધતા. ત્યાં બે ઘડી બેસીને સત્સંગની વાતો કરવા એ ઉત્સુક બનતા. પરંતુ ત્યાં પણ આઠ દસ નવરાઓ એમને તિરસ્કારથી જોઈ રહેતા અને પછી એમાંનો એકાદ જણ મૂછમાં હસી લઈને પૂછી બેસતો : ‘શિવજી અદા ! લૉટરી લીધી ને તમે… પણ જોજો ક્યાંક લાગે નૈ…’
‘અને લાગે તો ?’ વા ઝડીમાં કુમળું વૃક્ષ અમળાઈ પડે, એમ શિવજીભાઈ એની સામે અમળાઈને બોલી જતાં : ‘તો શું થાય બોલની !’
‘લાગે તો પછી સીતારામ !’ પેલો મોટેથી હસી પડતો અને પછી ઉમેરતો : ‘ડાગળી ચસકી જાય… અદા ! મુંબઈમાં એક સુતારને લાગેલી. એ સાતમે માળે કામ કરતો હતો ત્યાંથી ‘હેં’ કહેતાં ત્રાટક્યો હેઠો !’
‘અને શિવજી અદા !’ બીજો જણ તરત જ પૂર્તિ કરતો : ‘કલકત્તામાં લોખંડની ભઠ્ઠીમાં કામ કરતા એક મજૂરને લાગેલી. તે માથું ખોસી દીધું ભઠ્ઠીમાં. સળગી ગ્યો સમૂળગો.’
ત્રીજાએ વળી ત્રીજો દાખલો રજૂ કર્યો : ‘ને શિવજી અદા ! તમારા જેવા એક ગામડિયાને લાગેલી, તે લીંબડે ચડીને દુહા ગાવા માંડ્યો’તો.
‘તમે બધા ઈર્ખાથી બળો છો, દીકરાવ !’ શિવજીભાઈ પોતાનો ડંડો ધૂળમાં ઘસવા માંડતા અને પછી ગૌરવભેર પોતાના વ્યક્તિત્વ ઉપર ભાષ્ય આપવા માંડતા : ‘હું શિવજી હરજી ગોપાણી છું, સમજ્યાં ? જેણે ગીતા, યોગવસિષ્ઠ, પાતંજલ અને શાસ્ત્રનાં પોથાં ઉથલાવ્યાં છે. જેનું મન પાણીમાં રહેતા કમળ જેવું છે….’
‘ડંફાશ મારોમાં અદા !’ પેલા ટીકાકારોને તક મળી જતી : ‘જેણે શાસ્ત્રના પોથાં વાંચ્યા હોય, મન જેનું કમળ જેવું હોય, એવાં જ્ઞાની માણસ આવી લૉટરી ખરીદે ? આવો જુગાર ખેલે !!’ – ને ખરેખર, શિવજીભાઈ એ પ્રશ્નથી ચૂપ બની જતાં. એમનાં બોખા મોમાં કોરાશ આવી જતી. ઉત્તર માટેનો એક પણ શબ્દ તેમની પાસે ન રહેતો ને એ ચૂપચાપ ત્યાંથી ચાલ્યા જતાં. પહેલા ટીકાકારો ખૂબ હસતાં.

શિવજીભાઈ એકાંતમાં પોતાના મનને એ જ પ્રશ્ન પૂછતાં અને આત્માનો ઊધડો લઈ નાખતાં, ‘તેં આ શું કર્યું જીતવા ! – શિવજી હરજી ગોપાણીને તેં આ માર્ગે ચડાવ્યો ! – અને એ પણ જિંદગીને છેલ્લે આરે ?’ વાત સાચી હતી. લોટરીની ટિકિટ લીધી એ પહેલાના શિવજી હરજી ગોપાણી ગામ આખામાં ઉપડ્યાં પણ ક્યાં ઉપડતાં ? પરોઢિયામાં સ્નાન કરીને ગીતાના પાઠ કરનાર અધ્યાત્મવાદના ઉપાસક એવાં શિવજીભાઈના પવિત્ર આચાર વિચારે ગામમાંથી કેટલીય બદીઓને રૂખસદ આપેલી, શિવજીભાઈના દેખતાં ખોટું કામ કોઈથી થાય જ શાનું ?

શિવજીભાઈએ લૉટરી લીધી છે, એવી કોઈએ વાત કરી ત્યારે સાંભળનારે એને તતડાવી નાંખેલો : ‘જા, માળા ગાંડિયા ! શિવજી અદા લૉટરી ખરીદે ? પાપમાં શીદ ને પડછ ?’ પરંતુ લોટરીની ટિકિટો વેચનાર ખુદ અલીએ જ્યારે શિવજીભાઈના નામનું અડધિયું સૌને દેખાડ્યું ત્યારે જ સૌને ખાતરી થઈ. અલબત્ત, અલી આવી જાહેરાત કરી બેસશે એવી શિવજીભાઈને એ વખતે કલ્પના પણ નહોતી. અલીને એણે ધર્મના સોગન પણ આપેલા. પરંતુ શિવજીભાઈ જેવા પવિત્ર અને પ્રામાણિક માણસ પોતાના ધંધાનું ગ્રાહક બને, એ વાત અલીના ધંધા માટે કાંઈ ઓછા ગૌરવની નહોતી. અલીએ આ વાતને બહોળી પ્રસિદ્ધિ અપાવવા દૈનિક પત્ર સમા તુલજાશંકર ગામોટીને આ બાતમી આપી દીધી. આધ્યાત્મવાદી શિવજીભાઈએ તુલજાશંકર ઉપર કંઈ ઓછી નહોતી વિતાડી. તુલજાશંકર વારંવાર લોટરી ખરીદતાં અને શિવજીભાઈ એને બ્રાહ્મણપણું ખોઈ નાખ્યાનું મહેણું પણ વારંવાર મારતા.

યજમાનવૃત્તિ ઉપર લાચાર જીવન જીવતા તુલજાશંકરે આજ સુધી એ સહ્યું હતું, પણ હવે એનો બદલો લેવાનો એને અવસર મળ્યો હતો… પોતાના ગામમાં તો જાણે ઠીક, પરંતુ આસપાસનાં દસદસ ગામોમાં ય તુલજાશંકરે ઢોલ પીટી નાખ્યો કે શિવજીઅદાએ જાતી જિંદગીએ જુગાર ખેલ્યો…લોટરી લીધી છે…! અને આ બહોળા પ્રચારે શિવજીભાઈનું સર્વ સુકૃત શેષ થઈ ગયું. માન મરતબો જતાં રહ્યાં. વરલી મટકાના આંકડાવાળા પણ હવે તો શિવજીભાઈને કહી નાંખતા, ‘અદા, રસ્તો તો તમે સારો લીધો હોં…’ શિવજીભાઈ શું બોલે ? એ બધાને ભૂતકાળમાં એમણે પોતાને ઘેર બોલાવી બોલાવીને ઝાટકી નાંખેલા :
‘અલ્યા, તમે કાં આ રસ્તો મૂકો ને કાં ગામ મૂકો. આવા પાપના રસ્તા લઈને ગામનું નિકંદન કાં કાઢો ?’
વરલીના આંકડાવાળા નીચાં માથાં રાખીને સાંભળી રહેતાં. શિવજીભાઈ જેવાં કાંચન માણસને એ શો જવાબ આપે ? અરે, વરલીવાળા એકલાની જ ક્યાં વાત, ગામના ભલભલા વેપારીઓ પણ પોતાનો માલ ખપાવવાની તરકીબરૂપે કોઈ પણ જાતની ઈનામી યોજનાઓ કાઢી નહોતા શકતા. જેણે કાઢેલી એણે તુર્ત જ બંધ કરેલી. શિવજીભાઈ એને કહી નાખતા : ‘આવો અનીતિનો ધંધો !’

શિવજીભાઈ આવી પ્રવૃત્તિઓને અનીતિ કહેતાં…સૌને એની ખાતરી હતી. એમણે નવાં મકાન ચણેલાં. નાણાકીય ખેંચ ઊભી થતાં મકાનનાં બારી-બારણાં અને વાસ્તુ બાકી રહી ગયેલા. છોકરાઓએ એક વાર પિતા પાસે વાત મૂકી કે ભીમઅગિયારસ કે ગોકુળઆઠમે નવા મકાનમાં આપણે જુગાર રમવાં દઈએ તો આપણો પ્રશ્ન ઉકલી જાય… આટલું સાંભળતાં શિવજીભાઈ છોકરાઓ ઉપર ધૂંઆપૂંઆ થઈ ઊઠેલા : ‘નવાં ઘરમાં હું જુગાર ખેલવાં દઉં ? ઘર તો મંદિર છે. મંદિરમાં અનીતિ. તમને આવી કમતિ સૂઝી જ કેમ ?’ અને પાંચ વર્ષથી નવાં મકાન બારી બારણાં અને વાસ્તુ વગરના હજુય પડ્યા છે. નહિ નહિ તોય રૂપિયા પાંચ હજારની ધરખમ આવક એમણે જુગારના નામ ઉપર જતી કરેલી.. અને હવે એ જ શિવજીભાઈએ લૉટરી ખરીદી. ગામ આખાને માટે ગજબ જ હતો આ….!

પરંતુ ખરું રહસ્ય તો શિવજીભાઈ અને એનો ઈશ્વર જ જાણતાં હતાં. કોઈને કલ્પના પણ ક્યાંથી આવે કે લોટરીની ટિકિટે જ શિવજીભાઈ માટે અધ્યાત્મ પડકાર ઊભો કરેલો. એ પડકાર તુલજાશંકર ગામોટીએ ફેંક્યો હતો…. સાતમી વાર તુલજાશંકરે જ્યારે લૉટરી ખરીદી ત્યારે શિવજીભાઈએ સાતમી વેળા પણ બ્રાહ્મણપણું ખોયાનું મહેણું માર્યું અને આ વેળા તુળજાશંકરની ધીરજ ખૂટી ગઈ. એણે પાંસરો જ સવાલ કર્યો : ‘તમે યોગવસિષ્ઠ વાંચો છો, ખરું ને અદા !’
‘હા’ શિવજીભાઈએ સગર્વ કહ્યું.
‘પાતંજલ ?’
‘એ પણ વાંચ્યું છે.’
‘તો, તો તમારી વૃત્તિઓ સ્થિર થઈ ગણાય.’
‘થઈ જ હશે ને, ગામોટી !’
‘ખાત્રી કરી છે અદા ?’
‘શાની ખાત્રી ?’
‘સ્થિરતા આવી છે કે કેમ એની ?’
‘સ્થિરતા જ હોય ગામોટી… શિવજી હરજી ગોપાણીનું મન કદી ડગે નહીં… મેરું ભલે ડગે પણ….’
‘તો લઈ જુઓ લૉટરીની ટિકિટ !’
‘અને લઉં તો શું થાય ? બોલોને… શું થઈ જાય ?’
‘ચિત્ત ભમી જાય… એટલાં બધા રૂપિયા જીરવવા છોકરાની રમત નથી. અદા, ભલભલાનાં ચસકી જાય….’
‘પણ લૉટરી તો જુગાર ગણાય, મા’રાજ !’
‘પણ શાનો જુગાર ? રાજ સરકારની યોજના છે. જુગાર હોય તો ભારત સરકાર કે દાંઈ ? લોટરીના નાણામાંથી આપણા દેશની હજારો કલ્યાણ યોજનાઓ થાય છે. ગરીબોને રોજીરોટી મળે છે.’ તુલજાશંકરે વાત એવી મલાવી મલાવીને કરી કે શિવજીભાઈ ઢીલા પડ્યા અને ઢીલા પડ્યા છે એવું લાગતાં તુલજાશંકરે ગર્વભેર કહ્યું : ‘આમાં તો બે ય વાત છે અદા ! ઈનામ લાગશે તો તમારા ચિત્તની કસોટી થશે અને નહિ લાગે તો રૂપિયો દેશના કલ્યાણમાં વપરાશે.’

શિવજીભાઈએ અલબત્ત એ વખતે તો નનૈયો ભણેલો પણ વિગતે વિચારતાં એમને પોતાના ચિત્તની કસોટીની વાત ઘા સમી વસમી લાગી : ‘મારા ચિત્તની કસોટી ? શિવજી હરજી ગોપાણીના ચિત્તની ?’ અને એ અલી પાસે પહોંચી ગયાં : ‘આપી દે એક ટિકિટ. ઈનામ-બિનામની મારે કાંઈ પડી નથી.’
‘અરે, ઈનામ લાગ્યું જ સમજો, અદા !’ ટિકિટ કાપતી વેળા અલીએ આંકડા દેખાડ્યા : ‘જુઓ, ટિકિટને છેડે ત્રણ પાંચડા છે. ત્રણ પાંચડાવાળી ટિકિટો કદી ખાલી જતી નથી….’ અને આમ ત્રણ પાંચડા લઈને શિવજીભાઈ પોતાને ઘેર પહોંચ્યા અને અલી ગામોટીને ઘેર પહોંચ્યો…. ગામોટીએ વાતને મલકમાં છતરાઈ કરી દીધી. ને, ત્રણ પાંચડા વાળી ટિકિટને ઈનામ લાગે જ છે એવી અફવાએ લોકોમાં ઈર્ષા પણ પેદા કરી. લોકોએ ઈર્ષાભાવે શિવજીભાઈને ચીડવવા શરૂ કર્યા : ‘તમારી કમાન છટકી જવાની, અદા !’
શિવજીભાઈ પણ પછી તો વટ માથે ગયાં : ‘મેં ચાઈને લોટરી લીધી છે, સમજ્યાં ! પૈસા મળવાથી ડગળી કઈ રીતે ચસકે છે, એ મારે જોવું છે.’
અને લોક નિંદા તો ય ના અટકી ત્યારે શિવજીભાઈએ છેવટે ગામમાં જવાનું માંડી વાળ્યું. મનને શાંત રાખવા એ વાડીએ જવા માંડ્યા પણ વાડીને રસ્તે જ અલીની દુકાન આવે. અલી એને અવશ્ય બોલાવે, લોટરી અંગેની વાતો કરે. શિવજીભાઈ ખાસ મહત્વ આપ્યા વગર સાંભળ્યા કરે.

એક દિવસ અલીએ વળી નવી જ વાત કરી.
‘શિવજી અદા ! તમને જો ત્રણ લાખ મળે તો મને ય ત્રીશ હજાર કમીશનના મળે’ ને પછી ઉમેરી બેઠો : ‘તમારું તો કોણ જાણે પણ બાકી મારું તો ખસી જવાનું. ત્રીસ હજાર રૂપિયા ? ઓ મારા બાપ ! આટલા બધાં રૂપિયા ગામમાં છે કોની આગળ ?’
‘મૂરખો માળો !’ વાડીને રસ્તે વળેલાં શિવજીભાઈ મનોમન હસતા : ‘ત્રીસ હજારમાં ચસકી જાય ?’ અને પછી અનાયાસે એનું મન તુલના કરવા લાગી જતું : ‘ત્રીસ હજારની તુલનામાં ત્રણ લાખ રૂપિયા કઈ ઓછા ન ગણાય…. કેટલાં બધાં !’ ને એકી સાથે આટલી બધી સંખ્યા ક્યાંય હોઈ શકે કે કેમ ? એ માટે એ વાડીના ઝાડ સામે જોઈ રહેતા. આંબો, જાંબુડો, ગુંદો – ખરેખર એકી સાથે ત્રણ લાખ પાંદડા પણ ત્યાં નહોતા ! ને, શિવજીભાઈની આંખો આસ્તે આસ્તે આશ્ચર્યથી પહોળી થતી. એની આંખ સામે નોટોનો મોટો ડુંગર દેખાતો. એ ડુંગર ઉપર પહેલા ટીકાકારો જોરશોરથી હસતાં હતાં. ત્યાંથી મુંબઈનો પહેલો મિસ્ત્રી નીચે પડીને છૂંદો થતો હતો… ત્યાં લોખંડની ભઠ્ઠી પણ હતી અને ટોચ ઉપર લીંબડાના ઝાડે પેલો ગામડિયો પાગલપણામાં દુહા લલકારતો હતો.

શિવજીભાઈ સૌની નાદાનિયત પર હસતાં હતાં : ‘હત સાલાવ ! નોટું ભાળીને આટલાં બધાં ચળી ગયાં !’ અને પોતે રૂપિયા ત્રણ લાખ કઈ રીતે પચાવી શકે એની તરકીબમાં લાગી જતાં. ગુંદાનાં, આંબાનાં, જાંબુડાનાં સૂકા ખરેલાં પાંદડાંની થપ્પીઓ કરવા માંડતા, ગણવા માંડતા અને છાતી ફુલાવીને પછી વચમાં ઊભા રહીને બોલતાં : ‘હવે એમાં તે કઈ મોટી વાત છે ? આ પાંદડા જેટલી નોટો થાય. નોટો અને પાંદડા મારે મન સરખા છે.’ પરંતુ વળતી જ પળે એમના સામે ધ્રાસકો આવીને ખડો થઈ જતો : ‘પણ આ કાંઈ નાની-સૂની સંખ્યા નથી. પાંદડાં જ્યાં આટલાં બધાં છે, ત્યાં નોટો….! નોટો….!
‘આ તમે શું કરો છો, બાપા ?’ ચોથે કે પાંચમે દિવસે શિવજીભાઈને પાંદડાની થપ્પી કરતા જોઈને છોકરાઓને પિતાની બાલિશતા ઉપર ધ્રાસકો પડ્યો. શિવજીભાઈને પણ ધ્રાસકો પડ્યો : ‘મેં આ શું કર્યું ! પૈસા ખરેખર ખતરનાક ચીજ છે. જીવનમાંથી શાંતિ અને સંતોષનું નિકંદન કાઢે છે. મને આ શું સૂઝ્યું ?’

શિવજીભાઈની ઊંઘ ઘટવા માંડી. આંખ બડાક દઈને ઉઘડવા માંડી, જીવ ગભરાવા માંડ્યો, પ્રભુ સ્મરણ વીસરાવા માંડ્યું….ચોપાસ નોટો જ નોટો ઊભરાવા માંડી. ‘હે પ્રભુ’ એ રહેંસાવા માંડ્યાં : ‘હાથ જોડીને વીનવું છું કે મને લોટરી ન લાગે તો સારું… મારું ચિત્ત… ભગવાન ! મારું ચિત્ત…..’
‘શિવજી અદા, કાલ સવારે જ ડ્રૉ છે હો !’ વળતા દિવસે અલીએ એમને બોલાવ્યા : ‘મને ખુદાએ સપનામાં નોટો દેખાડી છે, તમારી લોટરી લાગી ચૂકી માનો…. મારે પણ રૂપિયા ત્રીશ હજાર, અ હાહાહા…. ! ત્રીશ હજાર…!’
શિવજીભાઈને પસીનો વળી ગયો. નોટોથી ભરેલાં સો મીટર ઊંડા ખાડામાં એમને જાણે કોઈએ ફેંકી દીધા હતાં. નોટોમાં ખૂંપતા જતાં હતાં, ગૂંગળાતા હતાં, રીબાતા હતાં, અકળાતાં હતાં….! ન હવા હતી, ન પ્રકાશ હતો, ન દષ્ટિ હતી ! એ દિવસે એમને વાળું ન ભાવ્યું. અંદરથી કશુંક સળવળતું હોય, ખેંચાતું હોય એવું એમને લાગ્યું. માળા લીધી પણ મણકામાંય એક પ્રકારનો દાહ હતો. માથા પર એમણે ગોદડું ઓઢ્યું અને વળી પાછી નોટો…. ઊભરાવા લાગી, ગોદડામાં નોટો, ગાદલામાં નોટો, ખાટલામાં, ઓશીકામાં, શ્વાસમાં….નોટો…! નોટો…! નોટો !…

ગોદડું એમણે માથા પરથી ફેંકી દીધું. ફળીમાં ગયાં. આકાશ સામે મીટ માંડી. એકાદ તારોડિયો ખડ્યો… શિવજીભાઈને લાગ્યું કે સાતમે માળેથી પેલો સુતાર નીચે પડ્યો. મંગળના ચાંદરણામાં એમને લોખંડની ભઠ્ઠી દેખાઈ. મૃગશીર્ષમાં એમને લીંબડાનું ઝાડ લાગ્યું… જ્યાં પેલો ગામડિયો દુહા લલકારતો હતો.
‘હું પાગલ થઈ જઈશ….!’ એમના ચિત્તના સમજણાં ભાગમાં એક કિકિયારી ઊઠી.
‘બાપા, આ શું ગાંડપ.’ એકાદ છોકરો જાગી ગયો. બાપાને એમણે બાવડે પકડ્યા : ‘આ દંડો કોની સામે ઉગામો છો ? આમ આંટા શીદને મારો છો ? સૂઈ જાવ…..’
‘હું ગાંડો નથી.’ શિવજીભાઈ અર્ધાભાનમાં બોલ્યા અને છોકરાના દોર્યા ખાટલામાં જઈને સૂઈ ગયાં. છોકરાએ ગોદડું ઓઢાડ્યું. ગોદડામાં શિવજીભાઈની આંખો સ્થિર થઈ ગઈ, આંખો સામે ડ્રોનું પીપ ફરતું હતું…. ચપોચપ આંકડા નીકળતાં હતાં…. ટપોટપ નોંધાતા હતા. થોડીવારે કોઈ મોટા અમલદારે રૂપિયા ત્રણ લાખની જાહેરાત કરી. શિવજીભાઈ જોઈ રહ્યાં. જાહેરાત વાયુ વેગે દોડવા લાગી. પંજાબ, હરિયાણા, યુ.પી, એમ.પી, રાજસ્થાન, સૌરાષ્ટ્ર…. સૌરાષ્ટ્રમાં શિવજી હરજીનું આંગણું… નોટો નાચવા માંડી… ઉછળવા માંડી… ઊડવા માંડી.. માણસોના ટોળાં ને ટોળા દોડવા લાગ્યાં… કિલકારીઓ થવા માંડી : ‘શિવજી અદાને લોટરી લાગી…. શિવજી અદાનું ચસકી ગયું… ! કમાન છટકી ગઈ… !
‘ઊભા રહો…!’ શિવજીભાઈએ ગોદડું ફેંકી દીધું, દંડો લીધો, જોડાં પહેર્યાં, ખાંચો વળ્યાં, બજારમાં ગયાં…..

પ્રભાતનો આછો ભૂરો અંધકાર બજારમાં હજી ય લેટ્યો હતો.
‘એલા ક્યાં ગ્યાં બધાં ?’ ચોકમાં જઈને એમણે દંડો પછાડ્યો. પછી જોરથી પડકારો માર્યો : ‘લોટરી લાગી બેટાવ, પણ જોઈ લો હું હજી એવોને એવો છું…. હું પાગલ બની જાઉં એમ ? ક્યાં છે ગામોટી ? ક્યાં છે વરલીનાં આંકડાવાળા ? મને કોઈ ભાળો છો કે નહીં ? ઊભા રહેજો. તમે મને એમ નહિ ભાળો. એમ નહિ ભાળો…’ કડેકાટ કરતા શિવજી હરજી ગોપાણી ચોકના લીંબડા પર ચડ્યા. એકાદ બે પડકારા માર્યા અને પછી શૂન્ય થઈ ગયેલી દુનિયા ઉપર એમણે દોહાની રમઝટ શરૂ કરી…..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રત્નાનો કેસ – હિરલ શાહ
વાચનની વૈજ્ઞાનિક કલા – સં. પ્રા બહેચરભાઈ એમ. પટેલ Next »   

17 પ્રતિભાવો : લૉટરી – નાનાભાઈ હ. જેબલિયા

 1. DHIREN says:

  ખુબ જ સુન્દ્ર્ર વાર્તા.
  “તો તમારી વૃત્તિઓ સ્થિર થઈ ગણાય.” આ અદ્યાત્મ નુ સાર બતાવે છે.

  DHIREN

 2. ખુબ સુંદર.

  નોટોની વચ્ચે જીવતા, નોટોમાટે જ જીવતા માણસોની આજ દશા છે……આસપાસ ચોપાસ નોટો જ નોટો…..અને મન એની પાછળ ગાંડું થઇ જાય.

  શિવજી અદા ના પાત્ર માં આપણે સૌ આવી જઇએ, નોટોના મોહમાં આપણે જિંદગીનો જુગાર હારી જઇએ છીએ.

 3. Mital Parmara says:

  ખુબ સરસ .. પૈસા માણસને પાગલ બનાવે છે …

 4. કુણાલ says:

  કંઈ ખાસ દમ ન લાગ્યો ….

  માલામાલ વિકલી મુવી પરથી લખી હોય એવું લાગ્યું …

 5. gohil shaktisinh says:

  ખુબ જ સરસ !
  દુનિયાનુ માનો તો આવુ જ થાય !!!!

 6. સારી વાર્તા છે. પૈસા પાછળ પાગલ ન થનારા લોકોને દુનિયા ઘણી વાર કહી સંભળાવે છે. ક્યારેક એ માણસ પણ પોતાની પ્રામાણિકતા છોડી અનીતિ કરવા પ્રેરાય છે.

 7. mahendra says:

  ઘનિ સરસ વાર્તા લગિ

  ખરેખ્રર માનસ પૈસા પાચલ પાગલ થૈ સકે ચે

  અને એના વિચરો બદલએ સકે ચ્

 8. Mukund Patel says:

  સુંદર કથા.

 9. kantibhai says:

  I liked this story as I have seen such one man in my life

 10. nayan panchal says:

  વાર્તાનો સંદેશો છે તો સારો પરંતુ વાર્તા અષ્ટંપષ્ટં બની જાય છે. પોતાની જાતને સ્થિતપ્રજ્ઞ માનતો માણસ આવા સંજોગોમાં જ પોતાની સ્વસ્થતા ટકાવી શકે કે નહી તેના પરથી તેની કસોટી થઈ જાય છે. વળી વાર્તામાં માનવસ્વભાવની અન્ય નબળાઈઓને પણ વણી લેવામાં આવી છે.

  ખૂબ આભાર,
  નયન

 11. Hetal says:

  good one- too much wealth is dangerous- hard to keep your “sthirta”

 12. Jagruti Vaghela USA says:

  વાર્તાનું શિર્ષક’ ચિત્તની કસોટી’ હોવુ જોઈતુ હતુ.
  શિવજીભાઈના ગાંડપણ માટે ફક્ત લોટરી જ જવાબદાર નથી. ઈર્ષ્યાખોરો, ટીકાખોરો, અને તેમની ચિત્તની સ્થિરતાને ચૅલેન્જ કરનાર તુળજાશંકર પણ જવાબદાર છે.

 13. આધ્યાત્મના માર્ગે જનાર કદી પાગલ બનતા નથી, પછી નાણાની વાત હોઇ કે બીજી કોઇ.

  વ્રજ દવે

 14. Vaishali Maheshwari says:

  Good story. Nice moral. Thank you Author.

 15. Lawanya Velani says:

  Simply Amazing………!!!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.