પંચાજીરી – સંકલિત

[1] બોધકથા – સં. સુરેશ પ્રા. ભટ્ટ

આપણા માણસો કે બાળકો અંગ્રેજી મિડિયમમાં ભણે કે એકાદ વર્ષ વિદેશ રહી આવે એટલે ગુજરાતી ભાષા-રીતભાત-લહેકા ભૂલી જ જાય છે. બોલવામાં જીભ કરતાં ખભા-ડોકા વધારે હાલે છે ! ગુજરાતી વ્યક્તિ સાથે પણ ‘છાપ’ પાડવાના અભરખામાં અંગ્રેજી બોલે ત્યારે ‘યા…’ અને ‘યો…’ તો વિના કારણે આવ્યા કરે ! માણસે પોતાપણું ન ખોવું જોઈએ.

ગુજરાતી ભાષાના વિદ્વાન કવિ-વિવેચક શ્રી બળવંતરાય ઠાકોરે 1918માં, હજી સ્વાતંત્ર્યની ભૂમિકા બંધાતી હતી, ત્યારે ગાંધીજીને એક પત્ર લખ્યો. એ સમયે મોહનદાસ કરમચંદ હજુ વકીલ હતા, ‘ગાંધી’ થયા ન હતા. પરંતુ ત્યારે પણ તેમનામાં ‘મહાત્મા’ જીવતો હતો. એ અંગ્રેજી પત્રનો ઉત્તર ગાંધીજીએ તા. 24-07-1918ના લખ્યો અને એમાં લખ્યું : ‘જ્યારે આપણી પાર્લામેન્ટ થશે ત્યારે ફોજદારી કાયદામાં એક કલમ દાખલ કરવાની મારે હિલચાલ કરવી પડશે, એમ જોઉં છું. બન્ને હિંદુસ્તાની એક જ ભાષા જાણતા હોય છતાં બીજાને અંગ્રેજીમાં લખે અથવા બોલે તેને ઓછામાં ઓછી છ માસની સખત મજૂરી સાથેની સજા કરવામાં આવશે – આવી કલમ બાબતે તમારો અભિપ્રાય મને વળતી ટપાલે જણાવશોજી, અને સ્વરાજ મળ્યા પહેલાં થયેલા આવા ગુના માટે શું ઈલાજ કરવો તે પણ જણાવશો.’ પછી બ.ક.ઠાએ ગાંધીજીને ટપાલ જ ન લખી. (‘સુપ્રભાતમ’ પુસ્તકમાંથી સાભાર.)

[2] ઈ હંધુય ભૂલી જવાનું – પ્રદ્યુમ્ન સૂરિ

સાંજનો સમય હતો. સુંદરિયાણા ગામથી બસમાં ચાર પાંચ પેસેન્જર ચડ્યા. તેમાં સુઘડ સ્વચ્છ કપડાં પહેરેલા ત્રણ શિક્ષક હતા. સીટ પર ગોઠવાયા. બાજુની સીટ પર જગ્યા ખાલી હતી. એક વૃદ્ધ માડી અને તેમનો ત્રણ વર્ષનો પૌત્ર સાથે હતો. પૌત્રને બેસાડવા માટે માડીએ શિક્ષકોને રીતસર વિનવ્યા : ‘આ દીકરાને બેસવા જરા જગા આપો…’ પણ શિક્ષકોમાં સુપિરિયારીટી કોમ્પ્લેક્ષ હતો. ગંદા-ગોબરા દેખાતા છોકરાને બેસાડવા તેઓ હરગીજ તૈયાર ન થયા. વડચકું ભરીને માડીને કહી દીધું : ‘ત્યાં જ આઘા ઊભા રહો….’

ધૂળ ઉડાડતી બસ ધોળકા પહોંચી. બસમાંથી બધા ઉતર્યા, ત્રણે શિક્ષકો પણ. બસ સ્ટેન્ડે પૂછ્યું : ‘રૂપગઢ જવાનું છે. બસ ક્યારે મળશે ?’ થોડીવારે જવાબ આવ્યો : ‘બસ હવે આવતી કાલે સવારે આવશે.’ ત્રણે જણા એકબીજાના મોઢાં જોવા લાગ્યા. એમનો મૂંઝારો જોઈ, કાંખમાં તેડેલા દીકરા સાથે માડી નજીક આવ્યા. કહે : ‘ચિંતા ન કરશો. મારે રૂપગઢ જ જવાનું છે. દીકરો ટ્રેક્ટર લઈને તેડવા આવતો જ હશે.’ માડીના શબ્દોના પડછાયે જ ટ્રેક્ટર આવ્યું. માડી અને પોતરો તો ટ્રેકટર ઉપર ચડી ગયા. શિક્ષકો વિમાસણમાં મૂકાયા. જે માડીને બસમાં એક છોકરા માટે જગ્યા બાબતે આનાકાની કરી હતી, તેમનાં વાહનમાં કેમ બેસાય ?’
માડીએ કહ્યું : ‘વયા આવો…’
શરમિંદા બનેલા ત્રણે શિક્ષકો ટ્રેક્ટરમાં ચઢ્યા. થોડીવારે રૂપગઢ આવ્યું. માડી તો મોટા મકાનની પડસાળમાં પેઠાં. ચાની રકાબીઓ ફરવા લાગી. માડીએ જ ત્રણે શિક્ષકોને ચા માટે આમંત્ર્યા.
શિક્ષકો ફરી અવઢવમાં ! ચા કેમ પીવાય ?
માડી પામી ગયા, કહે : ‘ઈ હંધુય ભૂલી જવાનું.’
ત્રણે માંડ અંદર ગયા. મને કમને ચા પીધી. ત્રણેના મનમાં અપરાધભાવ હતો.
માડી કહે : ‘ચિંતા ન કરો. તમારે જેને ઘરે લૌકિકે જવાનું હોય ત્યાં અમારા ભાઈ પહોંચાડશે. રાત્રે સુવા માટે પણ અહીં જ આવજો. હંધિયે સગવડ છે.’ માડીનો માણસ સાથે ગયો.

કોણ શિક્ષિત ? બધું ભૂલીને સદવ્યવહાર કરનાર માજી કે આ ત્રણ શિક્ષકો ? (‘અતીત’ પુસ્તક [સંપાદક : ડૉ. જન્મેજય શેઠ]માંથી સાભાર.)

[3] કરકસરથી સંપત્તિવાન બનેલ કર્મચારી – રસિકલાલ એલ. વ્યાસ

અમેરિકામાં બંદરની એક ગોદીમાં કારકુની કરતા બિલ હ્યુજીસ પાસે એંશી હજાર ડૉલરની સંપત્તિ છે એવી જાણ થતાં આવકવેરાના અધિકારીઓને આશ્ચર્ય થયું. તેમણે વિચાર્યું કે આ વ્યક્તિએ આવક છુપાવી હશે અથવા અન્ય માર્ગે મેળવેલી રકમ દર્શાવી નહીં હોય. આટલી મોટી બચત માટે ખુલાસો માગવામાં આવ્યો ત્યારે તેમણે એના પરના આરોપોનો અસ્વીકાર કર્યો અને હ્યુજીસે અદાલતને કહ્યું કે મેં ક્યારેય કોઈ બીજો ધંધો કર્યો નથી કે મોટી સંપત્તિ મેં છુપાવી નથી. પરંતુ મારી આટલી મોટી બચતનું કારણ આપને જણાવવા માગું છું.

અદાલત એક ધ્યાનથી બિલ હ્યુજીસની વાત સાંભળવા લાગી. એણે કહ્યું, હું અપરણિત છું, બીડી કે સિગારેટનું વ્યસન નથી. શરાબને જીવનમાં હાથ લગાડ્યો નથી. મારો ભાઈ શેવિંગ કરવાની બ્લેડ એક વખત વાપરીને ફેંકી દે છે, એનાથી હું મારી દાઢી કરું છું. મારા પિતાના જૂનાં પગરખાં પહેરી શકાય તેવા છે માટે તે પહેરીને હું નોકરી કરવા જાઉં છું. નવાં કપડાં ભાગ્યે જ સિવડાવું છું. મોટે ભાગે જૂનાં કપડાંથી અને ફાટી જાય તો ક્યારેક થીંગડાં મારીને પણ કામ ચલાવું છું. બહુ લાંબા અંતરે જવાનું હોય તો થોડુંક ચાલી નાખું છું. ત્રણ ડૉલરથી વધુ ભાડું થતું હોય તેવી મુસાફરી મેં કરી નથી. આ છે મારી જીવનશૈલી, જેને કારણે હું આટલી બચત કરી શક્યો છું.’ ન્યાયાધીશ બિલ હ્યુજીસની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા અને એની કરકસર માટે એની પ્રશંસા કરી. આવકવેરા અધિકારીઓએ એની ક્ષમાયાચના કરી. (‘અખંડ આનંદ’માંથી સાભાર.)

[4] તમને યોગ લાગે ઈ ઉંમર લખી નાખો – મિત્તલ પટેલ

વિચરતા સમુદાયના લોકોને મતદાર ઓળખપત્ર મળે તે માટે અરજીપત્રક ભરવા 40 વસાહતોમાં જવાનું થયું. આ વસાહતોમાં રહેતા મોટેરામાંથી એક પણ વ્યક્તિને વાંચતા-લખતા આવડે નહીં. કેટલીક વસાહતોમાં બાળકોનું શાળામાં જવાનું પણ હમણાંથી શરૂ થયું હતું. ડફેર સમાજમાં સહી કરવાનું કેટલાક જેલમાં શીખ્યા. જ્યારે મદારી, વાદી, સરાણિયા, ગાડલિયા સમુદાયની વસાહતોમાં નાતમાં વટ પડે એટલે સહી કરવાનું કેટલાક શીખેલા.

થરાદના શિવનગર વિસ્તારમાં નાથાવાદી વર્ષોથી રહે, પરંતુ તેમની પાસે મતદાર ઓળખપત્ર નહીં. આ વસાહતના પુખ્તવયના લોકોને મતદાર ઓળખપત્ર મળે તે માટેના અરજીપત્રક ભરવાની શરૂઆત કરી. વસાહતના સૌ કતારમાં બેસી ગયા. તેમણે વારાફરતી ઊભા થઈને અમારી પાસે આવવાનું ગોઠવ્યું. સૌ પ્રથમ એક યુવાન ઊભો થઈને આવ્યો. મેં પૂછ્યું :
‘નામ શું ?’
‘જાનુનાથ.’
‘બાપાનું નામ ?’
‘રૂમાલનાથ’
‘જન્મસ્થળ ?’
જાનુનાથે જવાબ ન આપ્યો. ફરીથી પૂછ્યું : ‘જન્મ ક્યા થ્યો’તો ?’ થોડી દ્વિધા પછી તે બોલ્યો :
‘ખબર નઈ !’
‘તમારી માને પૂછી લો ને !’
તેણે કતારમાં બેઠેલી એક બાઈની સામે જોઈને પોતાના જન્મસ્થળ વિશે પૂછ્યું. પેલી બાઈ પણ આ સવાલથી મૂંઝાઈ. તેણે એક પુરુષ સામે જોયું. તે એનો ઘરવાળો હતો. ત્રણેયે એકબીજા સામે જોયું અને વાદીભાષામાં વાત કરી, પણ મારા સવાલનો જવાબ તેમની પાસે નહોતો તેવું તેમના ચહેરાના હાવભાવથી લાગ્યું. તેઓ ઊભા થઈ મારી પાસે આવ્યા અને બોલ્યા :

‘બેન, જલમ ક્યાં થ્યો’તો ઈ તો ઉપરવાળો જાણે.’
‘તોય આશરે કહી શકાય તો ?’
થોડી વિમાસણ પછી તેમણે એક વૃદ્ધને પૂછ્યું, પરંતુ તેમની પાસેથી પણ કંઈ આશા જન્માવે તેવો જવાબ તેમને મળ્યો નહીં. તેમણે કહ્યું :
‘બેન, તમને યોગ લાગે ઈ લખી નાખો.’
‘તમે જે વિસ્તારમાં ફરતા હોવ ત્યાંનું કોઈ ગામ કો’તો એ લખી નાખું.’
‘અમે તો આખા દેશમાં ભમિયે. તમતમારે હૈયે બેહે ઈ લખી નાખો.’
મેં દિયોદર લખી નાખ્યું. તે પછી ઉંમરની માહિતી ભરવાની હતી. મેં જાનુનાથને તેની ઉંમર પૂછી. તેણે કહ્યું : ‘ 18 વર્ષ.’ જાનુનાથ દેખાવે 18 વર્ષનો લાગતો નહોતો. એટલે પૂછ્યું :
‘તમે 18 વર્ષ કરતાં મોટા લાગો છો, લગ્ન થઈ ગયાં છે ?’
‘હા, ચાર છોકરા છે.’
‘તો તમે 18 વર્ષના ના હોવ.’

જાનુનાથના જન્મસ્થળની વિગત માટે તેની બા ઊભા થઈને અમારી પાસે આવ્યાં હતાં. તેમણે અમારી વાતચીતમાં પોતાનો સૂર પુરાવ્યો : ‘એ તો શરીર કાઠ્યું છે ને એટલે વધારે લાગે બાકી મારા છો છોકરામાં હૌવથી નાનો છે.’ શું કરવું તે સમજાતું નહોતું. આશરે લખી નાખવું એકદમ ઠીક નહોતું લાગતું. ત્યાં તો મારા સાથીદાર સંદીપભાઈએ જાનુનાથનાં બાને તેમની ઉંમર પૂછી અને બાએ કહ્યું : ‘40 વર્ષ !’ ખૂબ આશ્ચર્ય થયું. સમગ્ર સ્થિતિ જોયા પછી સમુદાયના લોકોને ઉંમર પૂછવી યોગ્ય ન લાગી. જાનુનાથને તેના સૌથી મોટા છોકરાને બોલાવવા કહ્યું. તેણે ‘દેવનાથ….’ એમ બૂમ પાડી. દેવનાથ તેનો સૌથી મોટો છોકરો જે આશરે 14 વર્ષનો લાગ્યો. દેવનાથને જોઈ જાનુનાથની ઉંમર આશરે નક્કી કરી લખી નાખી. નાથવાદી વસાહતમાં આશરે 90 લોકોના મતદાર ઓળખપત્ર મેળવવા માટેના અરજીપત્રક ભર્યા. દરેક અરજદારની ઉંમર તેના મોટા છોકરાને જોયા પછી લખી. નાથાવાદીની આ વસાહત જેવો જ અનુભવ બાકીની 40 વસાહતોમાં થયો ! વિચરતી જાતિની દુનિયા પણ અનોખી હોય છે ! આપણે તો આપણા જન્મદિવસે આખું ગામ ગજાવી મૂકીએ છીએ જ્યારે આ જાતિને મન તો જન્મ કરતાં જીવવું જ મહત્વનું છે. ( લોકસાહિત્યના સામાયિક ‘રીતિ’માંથી સાભાર.)

[5] બધા જ એવા નથી હોતા – સંજીવ શાહ

કેટલાકને એવી ટેવ હોય છે કે અમુકને જોઈ-મળીને તરત જ તેઓ કહેશે કે ‘આ તો ફલાણા જેવો છે.’ અને ‘આવા લોકોને હું બહુ સારી રીતે ઓળખું છું’ વગેરે. મનુષ્યોને હંમેશાં અમુક-તમુક વિભાગોમાં વહેંચી નાખવા કે તેમને લેબલ આપવાની આ ટેવ છેવટે વ્યક્તિ અને સમાજ, બન્ને માટે હાનિકારક છે. આપણને બીજા લોકોનાં વિચાર અને વર્તનમાં તરત ભેદ દેખાય છે અને તરત આપણે તેમને ‘દંભી’નું લેબલ પણ મારી દઈએ છીએ. પણ આપણે પોતે જેટલું વિચારીએ છીએ, સમજીએ છીએ, તેટલું બધું આચરી શકીએ છીએ ખરા ? તો બીજા મનુષ્યો પણ આપણા જેવા જ માનવો નથી ? તેમનું જીવન પણ આપણા જેવું જ રહસ્યમય અને પેચીદું, સંકુલ નથી ?

આપણે દરેક મનુષ્યને આદરપૂર્વક નિહાળીએ, સન્માનપૂર્વક તેમની સાથે વ્યવહાર કરીએ તે આપણને જ એક સારા મનુષ્ય તરીકે છાજે તેવી બાબત છે. અને આમ કરવું તે પ્રેમના સરળ પાઠોમાંનો એક છે. પ્રેમ આપણને શીખવે છે કે દરેક વ્યક્તિ માનવ હોવાના નાતે હંમેશાં આપણા પ્રેમને લાયક હોય છે જ. દરેક વ્યક્તિ પોતાની રીતે અનન્ય હોય છે; દરેકની પોતાની શક્તિઓ ને નબળાઈઓ હોય છે; અને દરેકનાં પોતાનાં સંઘર્ષો અને સમસ્યાઓ હોય છે. દરેક મનુષ્યને તેમની અનન્યતાના દષ્ટિકોણથી સમજીએ તો આપણે ધીમે ધીમે મનુષ્યોને લેબલ મારીને જોવાની કે એક બીબામાં ઢાળવાની આદત છોડી શકીશું.

પ્રેમની દષ્ટિ હંમેશા સ્વસ્થ હોય છે, પૂર્વગ્રહિત નહીં. (‘જીવવું એટલે ચાહવું એટલે શીખવું !’ પુસ્તકમાંથી સાભાર.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઉદ્ધવગીતા – શ્રીમદ ભાગવત મહાપુરાણ
જેટ પ્લૅનનો શોધક : વિલિયમ પોવેલ લિયર – યોગેન્દ્ર જાની Next »   

17 પ્રતિભાવો : પંચાજીરી – સંકલિત

 1. સંતોષ' એકાંડે says:

  પંચાજીરીની પાંચે પાંચ વસ્તુઓ તાજી
  પંચાજીરી એકદમ સ્વાદિષ્ટ
  સંતોષ ‘ એકાંડેનાં
  વંદે માતરમ્

 2. સુંદર પ્રસાદી.

  ૨, ૩, ૫ સૌથી સુંદર

 3. સરસ બોધ કથા.
  બિજી વાતમાં કોણ શિક્ષિત ?
  અને ત્રિજી બોધ કથા સ્પષ્ટ દરશાવે છે કે બિલ હ્યુજીસ ભારતિય ફેમેલિનો મિત્ર હશે.
  બહુજ સરસ. નાની વાતમાં સુંદર સંદેશ છે.

  આપનો આભાર મૃગેશભાઈ આપ વિવિધ સાહિત્ય આપો છો..
  કીર્તિદા

  • કલ્પેશ says:

   ત્રિજી બોધ કથા સ્પષ્ટ દરશાવે છે કે બિલ હ્યુજીસ ભારતિય ફેમેલિનો મિત્ર હશે.

   મનુષ્યોને હંમેશાં અમુક-તમુક વિભાગોમાં વહેંચી નાખવા કે તેમને લેબલ આપવાની …. 🙂

   No pun intended.

 4. કુણાલ says:

  કથા ક્રમ ૨ માંની વાત ખુબ જ અસરકારક…

  શિક્ષણ અને કેળવણી જ્યારે માત્ર કથિત જ્ઞાનના પટારા તરીકે રહી જાય ત્યારે આ શિક્ષકો જેવો હાલ થાય…
  સાચુ શિક્ષણ એ કે જ્યારે માણસની અંદર humility અને compassion જન્માવે.. નહિ કે પોતાના જ્ઞાનના પટારાના વજનથી સમાજમાં પોતાનું સ્થાન માની લેવાનો દંભી હક પેદા કરે..

  ડિગ્રીઓની સંખ્યા અને મગજની અંદર કરેલા પુસ્તકિયા જ્ઞાનના ડુંગરોની ઊંચાઈઓથી માણસ જ્યારે અન્યો પ્રત્યે અને સમાજ પ્રત્યેની ફરજો ભૂલી જાય તો સમજવું કે શૈક્ષણિક જીવનના એના કિંમતી વર્ષો એળે ગયા…

 5. Mahesh says:

  ખૂબ જ મજા આવી !!!

 6. aniket telang says:

  ખુબજ સરસ, બીજી બોધવાર્તા તો ઘણી જ પ્રશંસનીય રહી, ખરેખર ભણેલું કોણ એ બરાબર સમજાયું.

 7. ખુબ સારી નવી જીવન-ઉપયોગી બોધપાઠની ફ્લેવરવાળી પંચજીરી પ્રસાદરૂપે મળી.

  (1) બોધકથામાં ગાંધીજી જે કલમ વિશે વાત કરે છે તે આજે આપણા બંધારણમાં કેમ નથી? તે ક્યા વિસરાઈ ગઈ?

 8. Jagruti Vaghela USA says:

  સરસ પંચાજીરી ના પ્રસાદથી પારણા કરાવ્યા.

 9. Veena Dave. USA says:

  સરસ પંચાજીરી.

 10. Chintan Oza says:

  પ્રસાદ એક્દમ સરસ છે મૃગેશભાઈ. ખાસ કરીને નં ૨…કદાચ આજ ખરૂ ગ્રામ્ય ભારત છે અને આજે પણ તે તેટલુજ યથાર્થ લાગે છે.

 11. જય પટેલ says:

  પંચાજીરીનો આસ્વાદ માણતા માણતા સાહિત્યીક પંચાજીરી પણ માણી…અદભુત.

  શિક્ષીત શિક્ષકો વિદ્યાર્થીઓને માનવતાના પાઠ ભણાવતા હશે પણ આચરણમાં પોતે જ ના મૂકી શક્યા..!!.
  ધૃણાનાં આવરણો શિક્ષકોના ચક્ષુઓ પર છવાઈ જતાં
  વડચકું ભરીને માડીને કહી દીધું….ત્યાં જ આઘા ઉભા રહો.

  માડી શિક્ષકો કરતાં વધારે દિક્ષીત નિકળ્યાં.
  ધૃણા નામની ઉધઈથી મુકત એવાં મૂઠી ઉંચેરા માડીએ કહ્યું…
  ઈ હંધુય ભુલી જવાનું..!!

 12. raj says:

  very good
  everybody should read it.
  thanks
  raj

 13. maitri vayeda says:

  પાંચેય રચનાઓ સરસ … પણ સૌથી સુંદર બીજી રચના લાગી…

 14. Dipti Trivedi says:

  ખૂબ સરસ્.
  બીજી વાત તો ક્યારેય ભુલાય ના એવી. ભણતર કરતાં ગણતર ચઢે તે આનુ નામ.
  ચોથી વાતમાં–‘તમે 18 વર્ષ કરતાં મોટા લાગો છો, લગ્ન થઈ ગયાં છે ?’
  ‘હા, ચાર છોકરા છે.’
  ‘તો તમે 18 વર્ષના ના હોવ.–બાની ઉંમર ૪૦ વરસ અને સૌથી મોટો ૧૪નો લાગ્યો—અંકગણિતના નિષ્ણાત પણ ઊકેલી ના શકે એવો કોયડો . આવી કામગીરી ૪૦ વસાહતોમાં કરનારા પણ અભિનંદનને પાત્ર ગણાય.
  ગુજરાતી ભાષાના વિદ્વાન કવિ-વિવેચક શ્રી બળવંતરાય ઠાકોરે 1918માં, અંગ્રેજીમાં પત્ર લખ્યો. એટલે એ રોગ જૂનો છે અને ગાંધીજીએ એટલા વરસો પહેલાં કદાચ ભાષાનું ભવિષ્ય અંશતઃ જાણી લીધું હતું.

 15. nayan panchal says:

  ઉપયોગી બોધકથાઓ.

  આપણી ભાષાનુ ગૌરવ તો હોવુ જ જોઈએ. કોઈ મને ગુજ્જુ કહે તો મને ક્યારેય ખરાબ નથી લાગતુ.

  ભણતર માણસની માણસાઈ માપવાનો માપદંડ ક્યારેય ન હોવો જોઈએ.

  જે બચાવીએ તે કમાયેલા બરાબર જ છે ને.

  આજે જ વાંચ્યુ કે સાઉદી અરેબિયામાં જન્મદિનની કોઈ પણ પ્રકારની ઉજવણી પર પ્રતિબંધ છે. ખાસ દિવસો પર દેખાડા કરતા પહેલા આવા લોકોને યાદ કરી લેવા જોઈએ.

  પાંચેય આંગળીઓ ક્યારેય સરખી નથી હોતી. જીવનનો એકમાત્ર નિયમ એ છે કે તેને કોઈ નિયમ લાગુ પડતો નથી.

  ખૂબ આભાર,
  નયન

 16. બધીજ વાત ખુબજ સરસ છે
  પણ સૌથી વધારે ગમે એ

  ગાંધીજી અને ઈ હંધુય ભૂલી જવાનું

  ગાંધીજી ની વાત મને ખુબ ગમી. મારા મિત્ર મંડળ માં પણ આ વાત ઘણી ચર્ચાઈ છે.
  બને ગુજરાતી ભાષા જાણતા હોય અને બીજી ભાષા માં માંડ માંડ પગ પહોચતો હોય તોય બોલશે તો બીજી જ !!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.