જેટ પ્લૅનનો શોધક : વિલિયમ પોવેલ લિયર – યોગેન્દ્ર જાની

[ જેમની શોધોએ સમગ્ર વિશ્વ બદલી નાખ્યું છે તેવા વૈજ્ઞાનિકોના જીવનપ્રસંગો પર આધારિત પુસ્તક ‘વિશ્વવિખ્યાત વિજ્ઞાની-સંશોધકો’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી યોગેન્દ્રભાઈનો (ન્યુયોર્ક) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે janiyk9@yahoo.com અથવા આ નંબર પર +1 718-468-7576 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

વિલિયમ પોવેલ લિયરની કથા અસામાન્ય છે. તે આર્થિક રીતે તૂટી ગયેલા ઘરમાંથી આવતો હતો અને તેના કુટુંબ પાસે વધારે પૈસા નહોતા. તેની માતા તેને ભૌતિક રીતે અને મોઢામોઢ ગાળો દેતી. આવી પરિસ્થિતિને લઈને લિયર હાઈસ્કૂલ પણ પૂરી કરી શક્યો નહોતો. આ બધા અવરોધોને લિયર પાર કરી ગયો. અગાધ શક્તિ અને દઢ મનોબળથી તેણે ઍરોપ્લેન માટે હજારો સાધનો શોધ્યાં યા સુધાર્યાં. ધંધાદારી યા બિઝનેસની મુસાફરી માટે પહેલવહેલું જેટ પ્લૅન બનાવનાર વિલિયમ લિયર હતો. તેની બીજી અગત્યની શોધોમાં કારનું ટેપ પ્લેયર અને રેડિયાનો સમાવેશ થાય છે.

લિયરે પોતાની શોધો બનાવવા અને ઉત્પાદિત કરવા ઘણી કંપનીઓ સ્થાપી હતી. તેના કર્મચારીઓની પણ એવી છાપ હતી કે તે કામ માટે હંમેશાં તૈયાર રહેતો. જો કે ઉપરી તરીકે તે કર્મચારીઓ પાસેથી વધુમાં વધુ અપેક્ષા રાખનારો હતો. લિયરને ‘વન્ડરફુલ વિઝાર્ડ’ અને ‘ઈન્વેન્ટર ઑફ ધી ઈમ્પોસિબલ’ તરીકે ઓળખવામાં આવતો હતો. તેની સાથે કામ કરનાર લેન્ડીસ કરે કહેતો : ‘તેની પાસે એક જ ગતિ છે. 100 ટકા સીધો. તે કદી ધીમો પડતો નથી, અટકતો નથી, નથી ઊભો રહેતો, નથી આરામ લેતો કે નથી ઊંઘી જતો.’

વિલિયમ પોવેલ લિયર જૂન 26, 1902ના રોજ મિસુરીના હેન્નીબાલ ખાતે જન્મ્યો હતો. ઘર સંભાળતી ગુર્ટ્રુડ લિયર અને બિલ્ડર શ્યુબેન લિયરનું તે એકમાત્ર સંતાન હતો. લિયર કહેતો : ‘મારા પિતા ખૂબ સખત કામ કરતાં છતાં કોઈપણ માણસ કરતાં વધુ પૈસા ગુમાવતા. મારી માતા પ્રભાવશાળી, સામેનાને દાબી દેનારી પણ ઉગ્ર સ્વભાવની સ્ત્રી હતી. અમારે પૈસા માટે ખરે જ ખૂબ મહેનત કરવી પડતી. મારા પહેલાંનાં રમવાનાં રમકડામાં કાઢી નાખેલી બૅટરીઓ, લાઈટના ગોળા અને થોડાક વાયરોનો જ સમાવેશ થતો. મને લાગે છે કે કદાચ તેને લઈને જ મને ઈલેક્ટ્રોનિક્સમાં રસ પડ્યો હશે !’

જ્યારે તે ખૂબ નાનો હતો, તેનાં માબાપ જુદાં થઈ ગયાં. લિયરે તેની માતા સાથે ચિકાગો, ઈલિનોઈસ જવું પડ્યું. તેની માતા ફરી પરણી. એક યુવાન તરીકે વિલિયમ જેનું બાળપણનું નામ બીલ હતું તેને વસ્તુઓ બનાવવાની ખૂબ ગમતી, પણ તેને ઝાઝુ પ્રોત્સાહન મળતું નહીં. તે યાદો વાગોળતોઃ ‘સ્ક્રેપ ચીજોમાંથી મેં ફોનોગ્રાફ બનાવ્યું હતું…. હું તેવા સ્થાને આવી ગયો તો જ્યારે તે પૂરું થવાની તૈયારીમાં હતું. તે સમયે મારે 50 સેન્ટની જરૂર હતી, જેથી હું તે પૂરું કરી શકું. પણ ન તો હું તે મેળવી શક્યો, ન ઉધાર લઈ શક્યો યા ચોરી કરી શક્યો. પહેલાં તો માતાએ મને સમય બરબાદ કરવા માટે ધમકાવ્યો. પછી મને તેણે તે પૂરું ન કરવા માટે ખખડાવ્યો. જો મેં તેને કહ્યું હોત, કે મારે 50 સેન્ટની જરૂર છે, તો તેણે ઊછળીને મને કહ્યું હોત, ‘જોયું, તું માત્ર તારો સમય જ બરબાદ નથી કરતો, તારે પૈસા પણ બરબાદ કરવા છે.’ બીલ જ્યારે બાર વર્ષનો થયો ત્યારે તેણે ઈયરફોન સાથેનો રેડિયો સેટ બનાવ્યો. તે ઘણા કલાકો લાઈબ્રેરીમાં ગાળતો. તેની પ્રિય ચોપડીઓમાં હોરેશિયો આલ્ગરની લખેલી ચોપડીઓ હતી. તેમાં ગરીબ છોકરાઓ સખત કામ કરી પૈસાદાર થાય છે તેવાં ચિત્રણ હતાં. આ વાર્તાઓ વાંચીને લિયરને થયું કે પોતે પણ ગમે તે કરી શકે છે જો તે માટે પોતે પ્રયત્ન કરે.

આઠમી ગ્રેડ પત્યા પછી શાળા છોડીને તે ઍરોપ્લેન મિકેનિક બન્યો. ઘણી વાર તેને જે પ્લેનમાં રિપેરિંગમાં મદદ કરી હોય તેમાં બેસવા મળતું. સને 1918માં સોળ વર્ષે ઘર છોડી, લિફટ મેળવી તે ડેન્વર કોલોરાડો ગયો. અહીં તે પોતાની ઉંમર છુપાવી અમેરિકન નેવીમાં દાખલ થઈ ગયો. સને 1914માં શરૂ થયેલું વિશ્વયુદ્ધ પહેલું હવે સંકેલાતું જતું હતું. ચિકાગો ખાતે પ્રથમ નેવીના કામમાં તે ગ્રેટલોક ટ્રેઈનિંગ સ્ટેશન ખાતે રેડિયો ટેકનિશિયન રહ્યો અને યુદ્ધની સમાપ્તિ બાદ છ મહિના પછી તેણે નેવી છોડી દીધું. પછી તેને ટેલિગ્રાફ ઑપરેટર તરીકે નોકરી મળી. ‘જેવો હું તેમનો ખૂબ જ ઝડપી ઑપરેટર થયો. મેં તે નોકરી છોડી દીધી.’ તેણે કહ્યું : ‘મારી સફળતાનો, આ એક નિયમ હતો. તમે જેવા નિષ્ણાત થઈ જાઓ કે તરત એ નોકરી છોડી દો. બીજી નોકરી લો જેમાં તમને કાંઈક નવું શીખવા મળે !’

પછીનાં દસ વર્ષમાં લિયરે નિષ્ણાત બની ઘણી નોકરીઓ છોડી દીધી. ચિકાગો ખાતે તે રેડિયો સેલ્સમેન થયો, ત્યારબાદ તે ટુલ્સા, ઓકલેહામા ગયો. અહીં તેની દાદીનું ચર્ચ હતું. ત્યાં તેણે રેડિયોસ્ટેશન બાંધ્યું. ત્યાંથી લિયરે ફરી પાછા ચિકાગો આવી રેડિયો બનાવવાનો પોતાનો ધંધો શરૂ કર્યો. તેની પ્રથમ શોધ રેડિયોનાં ગૂંચળાં (Coil) ની હતી જેને લઈને વધુ સારો ધ્વનિ સંભળાતો. સને 1929માં લિયરે કાર-રેડિયો બનાવવાનો વિચાર કર્યો. બીજી કંપનીઓ તે જરૂર બનાવતી હતી પણ તે લગભગ 200 ડૉલર જેવી મોંઘી કિંમતમાં પડતો. તે સમયે મોટરકાર જ માત્ર 600 ડૉલરમાં મળતી. એક વર્ષમાં તે લિયરે નવો અને સસ્તો કાર-રેડિયો બનાવી દીધો. તેણે રેડિયો રિમોટ કંટ્રોલની પણ શોધ કરી જેને તેણે ‘લેઝી બોય’ એવું નામ આપ્યું. લિયરને આ અને બીજાં સાધનોમાંથી ઘણાબધા પૈસા મળ્યા. પોતાની કમાણીમાંથી તેણે એક ‘બાઈપ્લેન’ ખરીદ્યું. ત્રણ કલાકની તાલીમ પછી લિયરે પોતાના એકલાનું ઉડ્ડયન કર્યું. લિયરે જોયું કે મોટાભાગનાં પાયલોટો રેલવેનાં રૂટને અનુસરીને દેશમાં પ્લૅન ચલાવે છે. સને 1931માં તેણે રિસીવર બનાવ્યું જે ‘રેડિયોએઈરી’ (Radioaire) તરીકે ઓળખાય છે. તે વિદ્યુતના શ્રેણીબદ્ધ ક્લિક અવાજો આપે છે જે પાયલોટોને લક્ષ્ય તરફ લઈ જાય છે. આ માટે પછી તેઓએ બારીમાંથી રેલના પાટા જોવા પડતા નથી.

જાન્યુઆરી સને 1935માં લિયરે એક નવું દિશાશોધક શોધ્યું જેનું નામ પાડ્યું લિયર-ઓ-સ્કોપ. આ સાધન ઓછી તરંગલંબાઈના હવાના તરંગો વાપરીને પાયલોટને જમીન પરનાં સ્થળને શોધવામાં મદદ કરે છે. સને 1930ના અંત સુધીમાં લિયરે 15 પેટન્ટ માટે અરજી કરી હતી. તેની કંપની ઍરોપ્લેન રિસીવર, ટ્રાન્સમીટર્સ અને દિશાસૂચક બનાવતી થઈ ગઈ હતી. ઘણી વાર લિયર પોતનાં શોધેલાં સાધનોની પોતાનાં વિમાનમાં જ જાતે ચકાસણી કરતો હતો. સને 1940માં લિયરે 17 પેટન્ટની અરજી ફાઈલ કરી. તેની શોધોમાં ફાસ્ટોપ કલચ તથા લિયરમેટિક નેવીગેટરનો સમાવેશ થતો હતો. કલચ પ્લૅન પર વપરાતાં એ સાધનોને અટકાવી દેતી હતી જે હાઈસ્પીડ ઈલેક્ટ્રિક મોટર્સ વડે ચાલતાં હતાં. નેવીગેશન સાધન મૂળભૂત ફલાઈટ વિશે માહિતી પૂરી પાડે છે. તે પાયલોટને પોતાની કામગીરી ચાલુ રાખવાની સાથે રેડિયોપ્રસારણ પણ સંભળાવે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પ્રત્યેક અમેરિકી ફાઈટર, બૉમ્બર તથા કાર્ગો પ્લેનમાં મોટે ભાગે ઓછામાં ઓછું એક લિયર સાધન તો અચૂક રહેતું.

જાન્યુઆરી 5, 1942ના રોજ લિયર મોયા ઓલ્સેનને પરણ્યો જે વિખ્યાત કૉમેડિયનની દીકરી હતી. ડિસેમ્બર, 1942માં તેમને ત્યાં પુત્ર જ્હૉનનો જન્મ થયો અને બે વર્ષ પછી દીકરી શાન્ડા જન્મી. પુત્ર ડૅવિડ સન 1949માં અને ત્યારબાદ પુત્રી ટીના સન 1954માં જન્મી. સને 1944માં લિયરે ઍરફોર્સ તથા નેવીનાં પ્લેન્સ માટે રેડિયો ઉત્પાદન કરવા માટે પ્રયોગો કરવા માંડ્યા. તે માનતો હતો કે ફાઈટર પ્લૅન માટે ઑટોપાયલોટ સિસ્ટમ જરૂરી છે. આ સાધન અમુક ચોક્કસ રૂટ પર પ્લેનને આપોઆપ ઉડાડી શકે છે. આથી ફાઈટર પાયલોટ્સને ઉડ્ડયન દરમિયાન આરામ મેળવી ફરી પાછા લડવા માટે તાજા બનાવી દે છે. બે વર્ષ પછી તેનાં પ્રયોગો શરૂ થયા અને લિયરે તેની ઑટોપાયલોટ સિસ્ટમ પૂરી કરી. સને 1950માં તેની શોધ માટે તેને ‘કોલીયર ટ્રોફી’ (Collier Trophy) મળી. આ ટ્રૉફી પ્રતિવર્ષે ‘નાસા’ દ્વારા અમેરિકાના વિમાની સેવામાં શ્રેષ્ઠ પ્રાપ્તિ માટે આપવામાં આવે છે. સને 1950થી 1953નાં કોરિયન યુદ્ધ દરમિયાન અમેરિકી લશ્કરે પોતાના જેટ ફાઈટરોને લિયરની ઑટોપાયલોટ સિસ્ટમથી સજ્જ કર્યાં હતાં. અમેરિકાના પ્રથમ જાસૂસી વિમાન U-2 ને પણ તેનાથી સજ્જ કરાયેલું. સને 1950નાં વર્ષ દરમિયાન લિયર રિસીવર્સ, ટ્રાન્ઝિટર્સ, ઓટોમેટિક ડાયરેકશન ફાઈન્ડર તથા ડિસ્પ્લે સાધનોનાં ઉત્પાદનમાં વ્યસ્ત રહ્યો. આ બધાં સાધનોએ ઉડ્ડયનો વધુ સલામત બનાવી દીધાં.

સને 1959માં તેણે પોતાની કંપની વેચી દીધી અને પોતાનાં કુટુંબ સાથે જીનિવા, સ્વિટ્ઝર્લેન્ડ ગયો. ત્યાં તેણે ધંધાદારી ઍક્ઝિક્યૂટિવ્સ માટે ઍરક્રાફટ ડિઝાઈન કરવાનું શરૂ કરી દીધું. લિયરે કદીયે આખું પ્લૅન તૈયાર કર્યું નહોતું. તેને એવું પ્લૅન બનાવવું હતું જે બીજા કોઈપણ પ્લૅન કરતાં વજનમાં ઓછું થાય. હલકું વિમાન ઝડપથી ઊડી શકે છે અને તેને ઉતારવા અને પાર્ક કરવા ખર્ચ પણ ઓછો લાગે છે કારણ કે તેની ફી વજન ઉપર આધાર રાખે છે. સને 1962ના ઉનાળામાં લિયર વિચિટા, કેન્સાસ ખાતે ગયો અને ત્યાં તેણે વિમાન બાંધવાની નવી કંપની ખોલી. તે અને તેનો સ્ટાફ રાતદિવસ કામ કરતો. જ્યારે તેઓએ પતાવી દીધું ત્યારે લિટરનું જેટ હલકું, ઝડપી અને બીજા કોઈપણ પ્લૅન કરતાં ઓછું ખર્ચાળ હતું. લિયરજેટનાં બીજાં ઘણાં નવાં ફિચર્ચ હતાં – તેના બારણા બહારની બાજુ અને ઉપરની બાજુ ખૂલે છે અને નહીં કે અંદર. આ નવાં બારણા બહાર જતા મુસાફરોને માથે છત્રી બનાવે છે અને ચીલાચાલું બારણાં કરતાં તે વજનમાં પણ હલકાં હોય છે. લિયરે ફર્નિચર વગેરે નાનું બનાવ્યું જેથી પ્લૅનની કૅબિન વિશાળ લાગે. કોકપીટની બારીઓ મોટી બનાવી જેથી પાયલોટને બહુ બંધિયાર ન લાગે. સાથે સાથે ઈલેક્ટ્રોનિક સિસ્ટમ પણ સુધારી. લિયરજેટનું પ્રથમ ઉડ્ડયન 8મી ઑક્ટોબર, 1963ના રોજ હતું.

મોટી હસ્તીઓ માટે લિયરજેટની પ્રથમ પસંદગી થઈ હતી. ઍક્ટર ફ્રેન્ક સિનાત્રા, ટેલિવિઝન પર્સનાલિટી જ્હોની કારસન, રાજકારણી રિચાર્ડ નિકસન, ગાયક રોજર મિલર તથા ટીવી ન્યૂઝ રિપોર્ટર્સ હોવર્ડ કે. સ્મિથ તથા પીટર જેનિંગ્સ લિયરજેટની સફર કરનારાઓમાંના હતા. વળી લિયરજેટ પ્રથમ અમેરિકન જેટ હતું જે બિઝનેસ ઍક્ઝિક્યૂટિવો માટે ડિઝાઈન થયેલું અને ગવર્મેન્ટે તેને માન્ય કર્યું હતું. તેના પ્લૅનના પ્રથમ ઉડ્ડયનને વરસ થાય તે પહેલાં લિયરે એઈટ-ટ્રેક-પ્લેયર તરીકે ઓળખાતું નવું કાર સ્ટિરીઓ ટેપ પ્લેયર બજારમાં મૂક્યું. આઠ ટ્રેકને લઈને બે કલાક સુધી સંગીત સાંભળી શકાતું, પહેલાનામાં ચાર જ ટ્રેક રહેતા. લિયરની ટેપમાં જે ટેપ કાર્ટીજ આવતી તે અંતવિહીન આવતી આથી કારચાલકને ડ્રાઈવિંગ દરમિયાન રિવાઈન્ડીંગ કે બીજી ઝંઝટ રહેતી નહીં. આ ટેપ પ્લેયર કાર માટે આદર્શ ગણાય છે.

સને 1967માં લિયરે કંપની વેચી દીધી. તે 65 વર્ષનો થઈ ચૂક્યો હોવા છતાં નિવૃત્ત થવાના મૂડમાં નહોતો. તેની એક નવી યોજના હતી કાર અને બસ માટે વરાળથી ચાલતા સ્ટીમ એન્જિનો, જે બળતણ પણ બચાવે અને પ્રદૂષણરહિત હતાં. બનાવ્યા પછી ખબર પડી કે સ્ટીમ એન્જિન બળતણ ખૂબ વાપરે છે. સને 1964માં તેણે આ યોજના પડતી મૂકી. છેલ્લાં થોડાંક વર્ષો લિયરે નવા પ્રકારનું પ્લૅન બનાવવા પાછળ ગાળ્યાં. સને 1978માં તેની તબિયત બગડી અને નિદાન થયું લોહીનું કૅન્સર – લ્યૂકેમિયા. સને 1978ના મે ની 14મીએ રિનો, નેવાડા ખાતે એક મહિના પછી તેની 76મી વર્ષગાંઠ આવે તે પહેલાં અવસાન થયું.

બે માસ પછી તેને ‘એવિયન હોલ ઑફ ફેમ’નું સન્માન મળ્યું. 1993માં તેને ‘નેશનલ ઈન્વેન્ટર્સ હોલ ઑફ ફેમ’નું માન મળ્યું. લિયર જાતે પોતાની કલ્પના અને ધારણાઓની શક્તિથી વાકેફ હતો. એક વાર જ્યારે મોયા લિયરે તેને પૈસા બાબત ટકોર કરી ત્યારે તેણે જવાબ આપેલો : ‘પ્રિયે, તારે પૈસાની ચિંતા કરવી નહીં કારણ કે તેઓ મારું મગજ જપ્ત કરી શકવાના નથી. અને તેમાં અનંત સમય સુધી ચાલે તેટલા આઈડિયા ભરેલા છે, મારે જે કરવાનું છે તે તો માત્ર તેમાં ડૂબકી જ મારવાની છે.’ લિયરને જિનિયસ શોધક તરીકે હંમેશા યાદ રખાશે.

[કુલ પાન : 232. કિંમત રૂ. 160. પ્રાપ્તિસ્થાન : આદર્શ પ્રકાશન. ‘સારસ્વત સદન’. 1760, ગાંધી માર્ગ, બાલા હનુમાન સામે, અમદાવાદ-380001.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પંચાજીરી – સંકલિત
…તને મોડેથી સમજાશે – જિગર જોષી ‘પ્રેમ’ Next »   

6 પ્રતિભાવો : જેટ પ્લૅનનો શોધક : વિલિયમ પોવેલ લિયર – યોગેન્દ્ર જાની

 1. પ્રેરણાદાયી.

  “‘પ્રિયે, તારે પૈસાની ચિંતા કરવી નહીં કારણ કે તેઓ મારું મગજ જપ્ત કરી શકવાના નથી. અને તેમાં અનંત સમય સુધી ચાલે તેટલા આઈડિયા ભરેલા છે, મારે જે કરવાનું છે તે તો માત્ર તેમાં ડૂબકી જ મારવાની છે”………………………ધન કોઇ ચોરી જશે…પણ વિધા કોઇ ચોરી શકવાનું નથી.

  • કલ્પેશ says:

   દુનિયામા કઇ એવી વસ્તુ છે જે તમે સામેવાળાને આપો તો પણ તમારી પાસે રહેશે અને વધશે?

   • જય પટેલ says:

    શ્રી કલ્પેશ

    જ્ઞાન.
    જ્ઞાન વહેંચવાથી વધે.
    જ્ઞાનના સરવાળા હોય ભાગાકાર નહિ.

 2. sima shah says:

  સરસ પ્રેરણાદાયી લેખ,
  આભાર

 3. Jagruti Vaghela USA says:

  પ્રેરણાદાયી લેખ
  દ્રઢ મનોબળ અને મહેનતથી વ્યક્તિ કેટલી બધી પ્રગતિ કરી શકે છે.
  Where there is a will , there is a way.

 4. Sunil Bhimani says:

  સારુ નોલેજ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.