ઝઘડો લોચન-મનનો – દયારામ ભટ્ટ

લોચનમનનો રે ! કે ઝઘડો લોચનમનનો !
રસિયા તે જનનો રે ! કે ઝઘડો લોચનમનનો !

પ્રીત પ્રથમ કોણે કરી, નંદકુંવરની સાથ ?
મન કહે, ‘લોચન ! તેં કરી’, લોચન કહે, ‘તારે હાથ.’ ઝઘડો…..

‘નટવર નિરખ્યા નેન ! તેં સુખ આવ્યું તુજ ભાગ;
પછી બંધાવ્યું મુજને, લગન લગાડી આગ !’ ઝઘડો……..

‘સૂણ ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન’ !
નિગમઅગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયું મન. ઝઘડો…..

‘ભલું કરાવ્યું મેં તને, સુંદરવરસંજોગ.
મને તજી તું નિત મળે, હું રહું દુઃખવિજોગ !’ ઝઘડો…..

‘વનમાં વ્હાલાજી કને, હું ય વસું છું નેન !
પણ તુંને નવ મેળવે, હું નવ ભોગવું ચેન !’ ઝઘડો…..

‘ચેન નથી મન ! ક્યમ તને, ભેટ્યે શ્યામશરીર ?
દુઃખ મારું જાણે જગત, રાતદિવસ વહે નીર !’ ઝઘડો…..

મન કહે, ‘ધીખું હૃદે, ધુમ પ્રગટ ત્યાં હોય.
તે તુજને લાગે રે નેન ! તેહથકી તું રોય’ ! ઝઘડો……

એ બેઉ આવ્યાં બુદ્ધિ કને, તેણે ચૂકવ્યો ન્યાય;
‘મન ! લોચનનો પ્રાણ તું, લોચન તું મન કાય. ઝઘડો….

સુખથી સુખ દુઃખ દુઃખથી, મનલોચન ! એ રીત.
દયા પ્રીતમ શ્રીકૃષ્ણશું બેઉ વડેથી પ્રીત.’ ઝઘડો…..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જૂનું પિયરઘર – બળવંતરાય ઠાકોર
સાચો સમય – કીર્તિદા પરીખ Next »   

3 પ્રતિભાવો : ઝઘડો લોચન-મનનો – દયારામ ભટ્ટ

  1. i mean 2 say કાવ્ય,,,

  2. nayan panchal says:

    મન અને નયન વચ્ચેનો સુંદર મજાનો ઝઘડો. આંખોને જો કે ક્યારેક મનની ઇર્ષા થાય એવુ બની શકે ખરું.

    ખૂબ આભાર,
    નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.