સાચો સમય – કીર્તિદા પરીખ

[ રીડગુજરાતીને આ જીવનપ્રસંગ મોકલવા માટે કીર્તિદાબેનનો (દુબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kirtidasp@rediffmail.com અથવા આ નંબર પર +971 50 1364530 સંપર્ક કરી શકો છો. ]

એ વખતે મારી ઉંમર લગભગ દશેક વર્ષની હશે. મારા પિતાજીનો નાનો એવો ધંધો હતો. એ જમાનામાં તો દીકરીને એક જ શેરી કે ગામમાં પરણાવતાં. તેથી મારી મમ્મી પણ પોતાના મા-બાપની પાસે એક જ શેરીમાં આવીને વસેલી. અમારું ઘર મારા મામાના ઘરની પાસે હતું. મામાના દીકરા-દીકરીઓ સાથે અમારે ખાસ્સો મનમેળ હતો. મામા ખૂબ જ બુદ્ધિશાળી અને ધાર્મિક પણ ખરાં. એમની દૂરંદેશિતાને લીધે સગા-સંબંધીઓના કેટલાયે પ્રશ્નો પળવારમાં ઉકેલાઈ જતાં.

લાંબી શેરીમાં એક છેડે અમારું ઘર અને બીજે છેડે મામાનું વિશાળ ઘર. નાનપણથી મારે દાદા-દાદી નહોતાં પરંતુ નાના-નાની હોવાથી કંઈક સાંત્વના હતી. મારા નાનીને અમે ‘બા’ કહીને બોલાવતાં. તેઓ આખો દિવસ હવેલીમાં રહેતા. તેમને ભગવાનની ભક્તિ સિવાય બીજા કશામાં રસ નહોતો. એમનો મોટા ભાગનો સમય ઈશ્વર સેવા-પૂજામાં વિતતો. અમે રસ્તા પર રમતા હોઈએ અને જ્યારે તેઓ હવેલી જવા નીકળે ત્યારે તેમને જોઈને અમને સ્નેહની સરવાણી ફૂટે. પરંતુ એમની પાસે જઈએ એ પહેલાં જ તેઓ મોટેથી બોલે :
‘જો જે આઘી રે’જે… મારે હવેલીમાં ભગવાનની સેવાના ફૂલ ભરવાના છે… તું મને અડતી નહીં… મારે ફરી નહાવું પડશે…..’ અમારો ‘બા’ શબ્દ ગળામાં ગૂંગળાઈ જતો. ક્યારેક આંખમાં આંસુ આવી જતાં પરંતુ એમને તે જણાતું નહીં. અંત સમય સુધી એમણે આ ક્રમ જાળવી રાખ્યો હતો.

એથી વિપરીત, નાનાજી સાવ જુદી જ માટેના હતા. મામાના વિશાળ ઘરમાં ઉપરનો દાદર ચઢીએ કે તુરંત નાનાજીનો રૂમ આવે. તેઓ કાયમ પલંગ પર સૂતા હોય. સાંજના આછા ઉજાસમાં હું એમને ત્યાં જાઉં ત્યારે તેઓ પલંગમાં આડા પડ્યા હોય કાં તો દાઢી કરતા હોય. મને આવેલી જાણીને તેઓ અરીસામાં જોતા જાય અને બોલતા જાય :
‘શું કરતી હતી ? સ્કૂલમાં બરાબર ભણે છે ને ? તારી મમ્મી કેમ છે ? આજે શું જમી ?’ એમ કહીને પછી ઘરની નાનીમોટી વિગતો પૂછે. પછી ધીમે રહીને મને કહેશે :
‘જો તો મારી ઘડિયાળ બરાબર ચાલે છે ?’
હું એમની ઘડિયાળ બરાબત તપાસીને કહું : ‘હા દાદા, બરાબર ચાલે છે.’ એટલે તુરત જ નાનાજી બોલે : ‘તો જા, બારીમાંથી પેલો ટાવર દેખાય છે ને, એની સાથે મેળવી લે….’ હું બારી બહાર ડોકિયું કરી ટાવરમાં જોઈને એમની ઘડિયાળ મેળવી આપું. કયારેક એમને બહાર જવાનું હોય તો બંડીમાં હાથ નાખીને ચેઈનવાળી ઘડિયાળ મને કાઢી આપે અને પછી કહે : ‘આ ત્રણેય ઘડિયાળને સરખી મેળવી લે…’ ઘડિયાળ મેળવવાનો એમનો રોજનો ક્રમ. તેઓ ખૂબ શાંત સ્વભાવના. અગાઉ તો ક્યારેક મંદિર જવું હોય તો ઘોડાગાડીમાં જતાં પરંતુ ધીમે ધીમે તબિયત બગડતા બહાર જવાનું બંધ થયું. તેથી તેઓ થોડા કંટાળેલા લાગતાં.

એક દિવસ હું એમની પાસે થોડી મોડી ગઈ કારણ કે મમ્મીને તાવ આવેલો. બીજે દિવસે નાનાજીએ મને બોલાવીને કહ્યું : ‘મને તારી ઘેર લઈ જા….’ એ લાકડી લઈને તુરંત ઊભા થયાં. ધીમે ધીમે દાદર ઊતરીને નીચે રોડ પર આવ્યાં. રોડ પર આવતાંની સાથે જ એમણે મારો હાથ પકડી લીધો. એમના ઉષ્માભર્યા હાથનો સ્પર્શ થતાં જ હું ખૂબ ખુશ થઈ ગઈ. ઘડીક તો મને એમ લાગ્યું કે નાનાજી મારી એકલીના જ છે ! અમારી ઘરે આવીને મમ્મીની હાલત જોતાં તેઓ રડી પડ્યાં. મમ્મી સાથે ઘણો લાંબો સમય બેસીને વાતો કરી. નાનાજીને કૉફી અને પાપડ ખાસ ભાવે. મમ્મી સાથે બે કલાક બેસીને એમણે કૉફી-પાપડની મજા લીધી. એ વખતે નાનાજીના ચહેરા પર ચમક દેખાતી હતી, પરંતુ મને લાગ્યું કે એ ચમક દીકરી સાથે વાતો કર્યાની નહીં પરંતુ ઘણા દિવસે ઘરની બહાર નીકળ્યાની હતી. એ જમાનામાં અમારી ઘરે સોફાસેટ નહોતાં. પલંગ ઉપર દિવાલને અઢેલીને બે ઓશિકા ગોઠવી નાનાજીને બેસાડેલા. જવાનો સમય થયો એટલે મેં હાથ પકડીને એમને ઊભા કર્યાં. બારણા પર લટકાવેલી લાકડી આપી અને ફરી એમનો હાથ પકડીને રોડ વચ્ચેથી ધીમે ધીમે ચાલતા હું એમને મામાના ઘર ભણી લઈ ગઈ. નાનાજીનો આવો હૂંફ ભર્યો સાથ મેળવીને હું રોમાંચિત થઈ ગઈ.

બસ, એ પછી તો નાનાજીને લઈ જવા-લાવવાનો મારો રોજનો નિત્યક્રમ બની ગયો. સાંજ પડે એટલે નાનાજી સાથે રોડ પર ચાલતાં ચાલતાં વાતો કરવાની, કૉફી-પાપડનો નાસ્તો કરવાનો અને નાનાજીની વાતો સાંભળવાની. મારી મમ્મી અને નાનાજીને મેં આટલી ઉત્કટતાથી વાતો કરતાં ક્યારેય જોયા નહોતાં. નાનાજી વાતવાતમાં મારી મમ્મીને ફરિયાદ પણ કરી દેતાં કે : ‘તારી બા તો હવેલીના કામમાં એટલી ગળાડૂબ છે કે મારી સામે જોતી યે નથી.’ નાનાજીની વાત સાચી હતી. બા એમના ભગવાનની જોડે નીચેના રૂમમાં અને નાનાજી એકલા ઉપરનાં રૂમમાં રહેતાં હતાં. મેં ક્યારેય બંનેને વાતો કરતાં જોયા નહોતાં. બા હંમેશા ભગવાનને ઝંખતા અને નાનાજી હંમેશા બાને ઝંખતા. બા નાનાજીને ક્યારેય જાણી ન શક્યા. પરંતુ હું તો નાનાજી સાથે બરાબર ભળી ગઈ હતી. એમના સુખદુઃખનો મને પૂરો ખ્યાલ રહેતો. રોજ સાંજ પડે એમને લેવા-મૂકવા જવાનું કામ તો મારું સૌથી વહાલું !

નાનાજીને ઘડિયાળ મેળવવાની સાથે એક બીજો ગજબનો શોખ તે સમાચારનો. સવારથી સમાચાર અચૂક સાંભળે. રેડિયો સાથે પણ ઘડિયાળનો સમય મેળવે. એક સરખા સમય મેળવવા એ એમનું મુખ્ય કામ. સમય મેળવવામાં જ એમનો સમય જાય. વળી, એ કામ તેઓ બીજા પાસે પણ કરાવે ! મને તો જો કે તેમની આ પ્રવૃત્તિ ખૂબ ગમતી. મારા માટે તો તેઓ એકલા જ દાદા-દાદી, નાના-નાની – જે ગણો તે બધું હતાં. એમની હાજરીથી મને હૂંફ મળતી. એમનો હાથ પકડું ત્યારે મારું બાળમન પુલકિત થઈ જતું. મને એમની માટે ખૂબ લાગણી હતી. રોજ સાંજે એમના રૂમમાં જાઉં ત્યારે તુરંત કહે : ‘આવી ગઈ ?’ મને એમનું એ મીઠું વાક્ય ખૂબ ગમતું. એમના બધા જ કામો હું ફટાફટ કરી આપતી.

ટાવરના ટકોરે હું અચાનક ઝબકી. આજે નાનાજી યાદ આવી ગયાં. એમની સાથે વિતાવેલી પળો યાદ આવી. એમનો પ્રેમાળ વ્યવહાર યાદ આવ્યો. એમ લાગ્યું કે જાણે બધી ઘડિયાળનો સમય થોડીવાર માટે થંભી ગયો છે. એ સમયે બાળપણની રમતો છોડીને હું એમને બહાર લઈ જતી. મારો રમવાનો સમય એમને આપતી. એમ શા માટે હશે ? આજે વિચારું છું તો સમજાય છે કે મારું બાળપણ કંઈક માંગતું હતું અને મારા નાનાજી મારામાં રહેલી દાદા-દાદી અને નાનીની ખાલી જગ્યાને પૂરતાં હતાં. ત્યારે આ સમજાય તેવી ઉંમર નહોતી. એ સમયનો તાળો આટલા વર્ષે જ્યારે મળે છે ત્યારે એવું લાગે છે કે સાચો સમય આજે મેળવાયો છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઝઘડો લોચન-મનનો – દયારામ ભટ્ટ
પડઘો – સંકેત વર્મા Next »   

23 પ્રતિભાવો : સાચો સમય – કીર્તિદા પરીખ

 1. ખુબજ સુન્દર વાત

 2. સાચે જ દાદા દાદી કે નાના નાની સાથે ની સ્નેહાળ પળો ક્યારેય ભૂલાતી નથી.

 3. shruti.maru says:

  દાદા-દાદી નાના-નાની સાથે વિતાવેલી પળો અમુલ્ય છે જે જીવન માં ક્યારેય ભુલાતી નથી અને જ્યારે યાદ કરીયે ત્યારે મુખ પર સ્મિત આવે છે

 4. trupti says:

  કિર્તીદા બહેન,

  ખરેખર, ખુબજ ભાવનાત્મક કથા.

  મને મારા નાના-નાની અને દાદા-દાદી યાદ આવિ ગયા. દાદી ને કોઈ દિવસ જોયા નથી, દાદા ગામ રહેતા માટે તેમનો પણ બહુ ઉંડો પરિચય નહીં કારણ તેઓ મુંબઈ બહુ ઓછુ આવતા ને તેમના ગામ અમને બહૂ ગમતુ નહીં કારણ પપ્પા તેમના મોસાળ ના ગામે મોટા થયા, માટે તેઓ પણા રજા પડે તેમના મોસાળ ના ગામે જ જવાનુ પસંદ કરતા,અને તેઓ પણ હુ જ્યારે ૧૦ વરસની હતી ત્યારે અવસન પામ્યા, પણ નાના-નાની ( અમે તેમને દાદા-દાદી જ કહેતા) યાદ આવી ગયા.

  મારા નાના મુંબઈ ના હાર્દ સમા ચિરાબજાર વિસ્તાર મા રહે અને અમે પાર્લા અમારુ ઘર ૭ મા માળે. એક વખત ઉત્તરાણ વખતે તેઓ અમારે ત્યાં રહેવા આવ્યા. તે દિવસો મા પાર્લા એક હિલ સ્ટેસન થી કમ નહતુ. અમારુ મકાન સૌથી ઉંચા મા ઉંચુ મકાન અમાર વિસ્તાર મા હતુ, કારણ એવિએસન ડિપાર્ટમેન્ટ વધુ ઉંચાઈ ની પરવાનગી નહોતી આપતિ. શિયાળા મા તો જાણે માથેરાન-મહાબળેશ્વર જેવી ઠંડી લાગે. પવન તો એવો વાય કે દરવાજા ત ધડાધડ અથડાય. ઉત્તરાણ ના દિવસે મારો ભાઈ મકાન ના બીજા ભધા છોકરાઓ જોડે અગાસી મા પતંગ ચગાવવા ચઢ્યો. મારા દાદા તેની પાછળ પાછળ અગાસી મા તેનુ ધ્યાન રાખવા ઉપર ચઢ્યા, તેમને ચીંતા કે કાંઈ મારો ભાઈ ઉપર ન ચઢે અને પડિ ન જાય. આખો દિવસ તેઓ મારા ભાઈની પાછળ અગાસી મા બેસી રહ્યા અને પરીણામ એ આવ્યુ કે તેમને છાતી મા પવન ભરાઈ ગયો અને માંદા પડ્યા અને તેમની ૮૦ વર ની વયે પહેલ-વહેલા પથારી વસ થયા. જ્યારે અમે તેમના ઘરે જઈએ ત્યારે બહુ બોલવાની આદત નહીમ એટલે બોલે તો નહી પણ મુંગા રહી ને પણ તેમનો પ્રેમ વ્યકત કરે.
  ધડીયાળ મેળવવાની અને સમાચાર સાંભળવા ની તમારા નાના(દાદા)ની ટેવ મારા પપ્પા ને મળતી આવે છે, તેઓ પણ સવાર પડે ઘરની બધિ ઘડીયાળો લઈ ને બેસી જાય અને બરાબર ટાઈમ મેળવે, લુસે અને તેમા ઠેકાણે પાછી મુકે. દરેક સમાચાર સાંભળે ખાસ કરી ને આકાશવાઈ પર આવતા સવાર ના ૭.૪૫ અને સાંજના ૭.૫૦.
  તમે તો પાછુ બાળપણ યાદ કરાવી દીધુ.

  • Nidhi Shah says:

   ખુબ સરસ કહું, તૃપ્તિબહેન !!….. તમે તો મારી આંખોમાં આસું લાવી દીધા.

 5. તૃપ્તીબેન
  તમારી વાતો વાચીંને ખુબ આનંદ થયો. આપણી અમુક યાદો એવી હોય છે જે સમયે સમયે સ્મૃતિમાં આવે છે અને આપણને આનંદ આપે છે. જીવનનો આ જ બહુ મૂલ્ય ખજાનો છે જે આપણને ફરી એજ સમયમાં લઈ જાય છે. આપનો આભાર્ .
  કીર્તિદા

 6. sunil shah (YOG SIR ) says:

  very very nice

 7. Sandhya Bhatt says:

  દાદા-દાદીનો મમતાળુ સ્પર્શ આજીવન સાથે રહે છે અને તેમની હૂંફમાં પાંગરેલું જીવન ગમે તે પરિસ્થિતિમાં આપણને ટકાવી રાખે તેવી રીતે આપણને ઘડે છે.

 8. nayan panchal says:

  કીર્તિદાબેન,

  સુંદર પ્રસંગ. દાદા-દાદી વિનાનુ બાળપણ કદાચ થોડું અધૂરુ રહી જતુ હશે.

  ખૂબ આભાર,
  નયન

 9. ફક્ત દાદીમાને જ જોયાછે. અને નાનાજીને પણ જોયા છે. કથાનક અને પ્રતિભાવ વાંચી ફરી આનંદ.
  આવજો.
  વ્રજ દવે

 10. Ramesh Patel says:

  સંયુક્ત કુટુમ્બ એટલે નાના બાળગોપાળ માટે જીવનનું યાદગાર સંભારણું.
  કિર્તીદાબેન આજે રીડ ગુજરાતી પર આ સરસ સત્ય જીવન વાર્તા વાંચી
  ખૂબ જ આનમ્દ થયો.

  રમેશ પટેલ(આકાશદીપ)

 11. sunita thakar (UK) says:

  મારા માટે મારા નાની જ દાદા દાદી અને નાના ની ખોટ પુરે છે પણ અફસોસ કે અત્યારે હુ એમના થી ઘણી દુર છુ.

 12. Veena Dave. USA says:

  સરસ .

 13. Vaishali Maheshwari says:

  Heart-touching story. This story reminded me about my childhood days that I spend with my dadaji. I miss him a lot. May his soul rest in peace.

  Thank you Ms. Kirtida Parikh for writing this emotional story and sharing it with us.

 14. hardik says:

  તમારૉ ૩૪/૪ નૉ લેખ વાંચવાની રાહ જૉવું છું.

  સેંટ ઝેવીયર્સ, મિર્ઝાપુર મારી સ્કુલ એટલે ૩૪/૪ કે ૩૪/૫ સુખિપુરા થી પકડવાની અને ૩૪ ધુમકેતુ ના બંગલા ના બસ સ્ટૉપ(વસંતકુંજ) આગળ થી. ધુમકેતુ ના બંગલા ની ગલી માં અમારું ઘર. સવાર ની ૬.૩૦ ની બસના મિત્રૉ એટલે અમુક દાદા અને ડ્રાઈવર અને કંડક્ટર. આ બહુ હવે ના જમાનાં માં શક્યનથી તદ ઊપ્રાંત હવે તૉ ખબર પણ નથી કે આ બસ ચાલે છે કે નહી. લાસ્ટ ટાઈમ ઈન્ડિયા ગયૉ ત્યારે રુપાલી ની સામે ના બસ સ્ટૉપ પર તૉ જાણે કાગડા ઊડતાં હતા. શિયાળાની ઠંડી માં જ્યારે સ્કુલે થી ઘરે આવિયે એટલે મમ્મી બા કાકી અને દાદા રાહ જૉઈને બેઠા હૉય. કૉબી/ફ્લાવર નું શાક, આંબળા નૉ જ્યુસ વિ.જમવાં માં પછી પુછે શું કર્યું, કેમ રહ્યું વિ. ત્યાર બાદ દાદા ના બેડ સુઈ જવાનું પર એમની જૉડેજ બેસીને ટીવી જૉવાનું “સ્વાભિમાન” આવે ત્યારે. ત્યાર પછી રમવાં જવાંનું, હૉમ વર્ક કરી અને કાકા અને પપ્પા આવે ઍટલે ચોક્લેટ ટેક્ષ લઈને જ ઘરમાં આવા દેવાનાં, જૉડે જમ્યાં પછી પ્રાર્થના અને પત્તા રમવાનાં, સુઈ જવાનું.

  હવે આ બધી વાતૉ યાદ આવે છે ત્યારે એમ થાય છે કે શું દિવસૉ હતાં પરંતુ આ જ તૉ માનવ મન છે. ત્યારે કાઈનેટીક લઈને સ્કુલે જવાની ઈચ્છા થતી અને હવે જે છે તૉ પેલાં દિવસૉ યાદ આવે છે. આ જ તૉ જીંદગી છે..સોના ના ચોખા થી વધાવેલી..

  • હાર્દિકભાઈ
   ૩૪/૪ એ એમ ટી એસ બસ જે વેજલપૂર થી શરૂ થઈ ને લાલ દરવાજા સુધી જાય છે તે સફરની વાર્તા છે .
   રાહ જુઓ આપને જરુર ગમશે.
   કીર્તિદા

 15. harshad brahmbhatt says:

  દાદા દાદી કે નાના નાની સાથે ની સ્નેહાળ પળો ક્યારેય ભૂલાતી નથી.

 16. Jagruti Vaghela USA says:

  કિર્તિદાબેન, તમે ખૂબ નસીબદાર છો કે તમને તમારા નનાજી સાથે આવી પળો વિતાવવા મળી છે. મને તો મારા દાદા દાદી કે નાના નાની યાદ પણ નથી કારણકે હું ફેમિલિમાં સૌથી નાની છું. હું સમજણી થઈ તે પહેલા જ તે લોકો દેવલોક પામ્યા હતા. મારા મોટા ભાઈબહેન ને એ લ્હાવો મળ્યો છે.
  લેખમા બીજી એક સરસ વાત એ છે કે પહેલાના જમાનામાં એકજ ગામમાં અને એકજ શેરીમા છોકરા છોકરીના લગ્ન થતા ત્યારે દરરોજ બધા એકબીજાને મળી શકતા અને સુખદુખની વાત કરી શકતા. મારા મમ્મીનું પિયર અને સાસરુ(દાદાનું ઘર) બંને ભાવનગરમા જ એકજ એરિયામા હતા. અને મારા માસીનું સાસરુ પણ એજ એરિયામાં. મારા બે કાકીનું પિયર પણ ભાવનગરમાં જ એટ્લે એ બધાને દરરોજ પોતાના માબાપ, ભાઈબહેન, નાના નાની.દાદા દાદી ને મળી શકાતુ.

 17. Jigar Shah says:

  મને પણ મારા નાના ને નાની યાદ આવી ગયા..મારી મમ્મી, તેમની એક ની એક દીકરી એટલે, વ્યાજ તો વહાલુ હોયજ!! અને તેમાં પણ હું મોટો દિકરો, એટલે મને તો એટલું વ્હાલ મળે એમનું…પણ મારી જ કમ નસીબી…હું અમદાવાદ બહાર ભણતો હતો ને કોલેજ ના ડીને સામેથી ઘરે જવાનુ કહ્યું, જે સમજ બહાર નુ હતું પંણ ઘરે ગયા પછી ખબર પડી કે મેં નાના ને ખોઈ દીધાં છે… અને પછી તો ફક્ત ૬ જ મહિના માં નાની પણ પોતાની સમજ ગુમાવી, અમને ભુલી, કોઈ અજબ દુનિયા માં ચાલી ગયા..બસ્, કોઈ વાર અમે યાદ આવી જઈએ તો બોલી ઉઠે, જીગર તું છે?…જે મારા માટે અસહ્ય હતું…અને દિવસ ફરી આવ્યો…મને ફોન આવ્યો…આવી જા….નાની..કોમા માં…ફરી એક વખત્…સમય રમત રમી ગયો…જે દિવસે પાછો કોલેજ પહોંચ્યો ને, બીજા દિવસે ફોન્…નાની નથી રહ્યાં…અત્યારે પણ…આંખો વહી રહી છે..પણ્…..એ નથી..એ બન્ને નથી..જેમને..અમારુ ભવિષ્ય જોવાની સૌથી વધુ તાલાવેલી હતી…એ જ નથી અમારી સાથે…..

 18. Ankit D. Nagrecha says:

  Really heart-touching story. This story reminded me about my childhood days that I spend with my dadaji. I miss him a lot. May his soul rest in peace. Nice and emotional story. Thanks for sharing this story with us.

 19. vaishali says:

  KIRTIDABEN U R VERY LUCKY. KARAN KE MARE NA TO DADA DADI HATA KE NANA NANI PAN NAHI. AMNE KHABAR NATHI KE TE KEVO PREM KARTA HASE.

 20. prit says:

  ક્રિતિદા આપે ખુબજ સારિ વાર્તા લખિ ચે ધન્યવાદ

 21. Ashish Dave, Sunnyvale, California says:

  Hearttouching… વડીલોને ગુમાવવાનો અફ્સોસ તો થય જ પણ જો તેમની સાથેનો સમય જો ખુબ સરસ રીતે ગાળ્યો હશે તો કાયમ માટે એક સંતોષ રહી જશે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.