કથાસરિતા – હરિશ્ચંદ્ર

[‘ભૂમિપુત્ર’ સામાયિક (1987)માંથી બે ટૂંકી વાર્તાઓ સાભાર.]

[1] બરાબર પકડી પાડ્યો !

ઉંદર-બિલાડીની રમત ચાલતી હતી. પારુબહેન બિલાડીની તત્પરતાથી શિકાર પકડવાનાં વેંતમાં રહેતા, પણ ચંદુ સિફતપૂર્વક છટકી જ જતો. ગમે તેટલી ચોકીદારી છતાં દાળ-શાક ઓછાં થઈ જતાં, લોટ-ચોખાના ડબ્બા ગણતરી કરતાં વહેલા જ ખખડી ઊઠતા. પારુબહેનની શાંતિ આ ચોકીદારી ને પકડદાવના ખેલમાં હરાઈ જતી. ક્યારેક એમને થતું, નોકરો ઉપર નભવાનું હોય ત્યારે આવું તો ચલાવી લેવું પડે. ક્યારેક થતું કે સાવ ભલોભોળો દેખાતો ચંદુ આવું કરે ? હું નાહકની ખોટી શંકા તો નહીં કરતી હોઉં ને ? પણ ફરી પાછી ચોરી પકડવાની વૃત્તિ જોર કરી આવતી.

ઘરમાં પિતાંબરદાસ ને પારુબહેન બેઉ એકલાં. પિતાંબરદાસ નિવૃત્ત અને બ્લડપ્રેશર, દમ વગેરેથી ગ્રસ્ત. પારુબહેન વા-સંધિવાથી પીડાતાં અને ભારે સ્થૂળકાય. એટલે બધો આધાર ચંદુ પર. ઘરમાં સાફસૂફી એ કરતો. ચા-પાણી એ કરતો. રસોઈ એ કરતો. ઘરના કમ્પાઉન્ડમાં જ એક નાનકડા ખોરડામાં કુટુંબ સાથે રહેતો. કામ તો એનું બહુ ચોખ્ખું. પણ હાથનો એટલો ચોખ્ખો નથી એવી શંકા પારુબહેનને રહ્યા કરે. એને કશું પૂછે તો ધીર ગંભીર ચહેરો રાખી મૂંગો રહે.

એક દિવસ પારુબહેને ઓચિંતો છાપો મારવાનો વિચાર કર્યો. ચંદુ ચા આપીને ગયો કે પારુબહેન પાણી લેવાના બહાને એકદમ રસોડામાં ધસી ગયાં. ગૅસના ચૂલા પાસે દૂધનું ભરેલું તપેલું અને તેની પાસે બે-ત્રણ ચમચા ખાંડ નાખેલો ગ્લાસ. ‘અમને ચા પીતાં કરી બેટમજી દૂધ ગટગટાવવાના !’ પણ એ જોયું ન જોયું કરી પારુબહેન પાણી લઈને પાછાં વળી ગયાં. દસેક મિનિટમાં ફરી રસોડામાં ગયાં ત્યારે પેલો ગ્લાસ નહોતો.
‘હમણાં ગ્લાસમાં અહીં ખાંડ હતી ને ?’
‘હા, ચા બનાવવા માટે રાખેલી. પણ પછી ખાંડમાં લીંબુ નાખીને પી લીધું.’ પારુબહેન એની હાજરજવાબી પર ચકિત થઈ ગયાં. પણ જરીક કડકાઈ સાથે કહ્યા વિના રહી શક્યાં નહીં : ‘કાંઈ લેતો-કરતો હોય તે તો ઠીક, પણ પૂછવું તો જોઈએ ને !’ પણ સામે અકળાવતું ગંભીર મૌન. આવું અવારનવાર થયા કરતું. ક્યારેક કોઈ જૂનું લૂગડું ગાયબ થઈ જાય, ક્યારેક કોઈ નાની ચીજવસ્તુ. કોઈ મોટી ચોરી નહીં, જે ચોરી થાય તે એની પહોંચ જેવડી. પણ પારુબહેનને મનમાં ચચરાટ થયા કરે.

આજે પારુબહેન કમ્પાઉન્ડમાં ટહેલી રહ્યાં હતાં. નવા નવા વરસાદે વાતાવરણ ખુશનુમા હતું. ટહેલતાં ટહેલતાં પારુબહેનની નજર છેડે આવેલ ચંદુના ખોરડા પર પડી. બારણું ઠેલી અંદર ગયાં તો સામે ચંદુ ! હજી હમણાં તો એને નાસ્તાની તૈયારી કરવાનું કહીને આવેલાં. ચંદુ થોથવાઈ ગયો : ‘ઈચ્છા બાજુમાં ઝાડુ-વાસીદું કરવા ગઈ છે એટલે હું છોકરાંવને નાસ્તો આપવા આવ્યો.’ બે છોકરાં નીચે બેસી એલ્યુમિનિયમના ઠીબરામાં કશુંક ખાઈ રહ્યાં હતાં. એમનાં માયકાંગલા શરીર જોઈ પારુબહેનને સહેજ ધ્રુજારી છૂટી ગઈ. હજી હમણાં જ બહાર સરસ ખાતર-પાણી મેળવીને કાઠું કાઢી રહેલ છોડો જોઈ આવેલાં, તેની સામે આ માનવછોડોની કંગાલિયત એમને ખૂંચી. અને ઈચ્છાને તો હજી દસ-બાર દિવસ પહેલાં જ સુવાવડ આવેલી. આટલી વારમાં ફરી કામેય ચઢી ગઈ ? અંધારા ખૂણામાં ફાટી-તૂટી ગોદડીમાં દસ-બાર દિવસની નવજાત બાળકી પડી હતી. માંડ વેંત જેવડી લાગતી હતી. તેને ઓઢાડેલ ફાટેલું લૂગડું પોતાનું હતું તે પારુબહેન ઓળખી ગયાં. ચંદુની અને એમની આંખ મળી. ચંદુ નીચું જોઈ ગયો. આજુબાજુના પરિવેશની જેમ એ પણ દીન-હીન લાગતો હતો. આખુંયે ખોરડું એક વિચિત્ર ગંધથી ભરેલું હતું. જ્યાં-ત્યાં ખાડા-ખબડાવાળી ભોંય. ક્યાંક પાણીયે ભરાયેલું. છાપરું દસ-બાર જગ્યાએથી ચૂતું હતું. દોરી ઉપર ફાટ્યાં-તૂટ્યાં ગંધાતાં કપડાં લટકતાં હતાં. એક ખૂણામાં ચૂલો અને તેની આસપાસ મરચા-મસાલાના ભંગાર ડબ્બા. કેટલાક ઢાંકણવાળા, કેટલાક ઢાંકણ વિનાના. બીજી ખાસ કોઈ ઘરવખરી જણાતી નહોતી. ગાદલાંને બદલે ફાટીતૂટી એક જૂની રજાઈ છોકરાંવના મુત્રથી ગંધાતી એક ખૂણામાં પડી હતી. પોતાની એકાદ રજાઈ બેએક વરસ પહેલાં ખોવાઈ હતી એ પારુબહેનને યાદ આવ્યું.

પારુબહેન વધુ વખત ત્યાં ઊભાં રહી શક્યાં નહીં. ચૂપચાપ બહાર નીકળી ગયાં. ઘરમાં આવ્યાં તો પિતાંબરદાસ છાપું વાંચવામાં તલ્લીન હતાં. થોડી વારે ન રહેવાયું ત્યારે એમનું છાપું બાજુએ કરી પારુબહેન કહેવા લાગ્યાં : ‘હું કહું છું, ચંદુના ખોરડાની મરામત કરાવી દઈએ. વરસાદના દિવસોમાં આવા છાપરે શેં રહેવાય ?… નીચેય પથ્થર બેસાડીએ તો ? કેટલો ભેજ હોય છે…! અને એની વહુ પણ આપણે ત્યાં જ કામ કરશે… પગાર પણ વધારીએ…. છોકરાંવ નાનાં છે. એમને થોડું દૂધ આપ્યું હોય તો ?’ પિતાંબરદાસ આંખો ફાડીને જોઈ જ રહ્યા. પણ પારુબહેનના હૈયે આજે ભારે હાશ થયેલી. આજે એમણે ચંદુને બરાબર પકડી પાડ્યો હતો ને !
(શ્રી સરયૂ શર્માની હિન્દી વાર્તાને આધારે…)

[2] મીઠડા મહેમાનો

નીરવ કૉલેજ જવા ઊપડ્યો. નયના હાથમાં રૂમાલ આપતાં બોલી, ‘મોટીબહેનના પત્ર બાબત શું વિચાર્યું ?’
‘લખી દે ને, નહીં ફાવે ! અમે જ રજામાં ક્યાંક જવાનું વિચારીએ છીએ.’
નયના કાંઈ બોલી નહીં. એણે તો તાર કરી દીધો હતો કે : ‘છોકરાંવને ભલે મોકલ !’
નીરવના ગયા પછી એણે પત્ર ફરી વાંચ્યો : ‘અમે બંને પંદર દિવસના પ્રવાસે જઈએ છીએ. નણંદબા સુવાવડમાં છે. સાસુ નહીં સાચવી શકે. બેઉ બાળકોને તારે ત્યાં મોકલું ? એ બંને તો તારે ત્યાં દિવાળી થશે, જાણી રાજી રાજી છે.’

પત્ર વાંચતાં- વાંચતાં નયના વિચારોમાં ખોવાઈ ગઈ… ઘરમાં નાસ્તો રાખવો પડશે. છોકરાંવ તો હરતાં-ફરતાં ખાય. ચકરી, ગાંઠિયા, સેવ, સુખડી….. પોતે ચકરી તળી રહી છે અને સુલુ પાછળ ખભા પર લટકી ચકરી માગે છે. પોતે ફૂંકી ફૂંકીને ઠંડી કરી એને ચકરી આપે છે…. કલ્પના માત્રથી નયનાને રોમાંચ થઈ આવ્યો. છોકરાંવને ગોળના લાડુ ભાવતા હશે કે ખાંડના ? મને ને મોટીબહેનને તો ગોળના જ ભાવે છે. નીરવને ખાંડના જ જોઈએ. આ ભાવવું વગેરે પણ આનુવંશિક હશે ? પોતાનાં છોકરાં થયાં હોત તો એમને ક્યા લાડુ ભાવત ? કાંઈ નહીં, ગોળના ને ખાંડના બેઉ કરીશ….’
રાતે ફરી નીરવ પાસે એણે વાત ઉપાડી : ‘છોકરાંવને આવવાની શા માટે ના કહી ?’
‘મારે દિવાળી અંકો માટે લખવું છે. કેટલાક લેખ આ અઠવાડિયે જ પોસ્ટ થવા જોઈએ. ઘરમાં છોકરાંવની ધમાચકડી હોય તો આપણું બધું ખોરવાઈ જાય.’ નયના મૂંગી રહી. એ કેમ સમજાવે કે આજનું નિરસ રૂટિન ખોરવાઈ જાય એવું જ તો એ તીવ્રતાથી ઝંખે છે ! એ ધીરેથી બોલી, ‘મેં તો છોકરાંવને મોકલવાનો તાર કરી દીધો છે.’

નીરવ મૂંગો રહ્યો. થોડી વારે એને પટાવતાં બોલ્યો : ‘નયના ! આપણને બાળક નથી તેમાં આપણો કાંઈ વાંક-ગુનો ? શું એટલા માત્રથી આપણે જીવવાલાયક નથી રહેતાં ? જિંદગીમાં તેના સિવાય બીજું ઘણુંય….’ નયનાનાં મોં સામે જોતાં એ વાક્ય પૂરું ન કરી શક્યો. નયના મૂંગી રહી. નીરવ હાડનો પ્રાધ્યાપક. પોતાની વાત મુદ્દાસર સમજાવવાનો. પણ શબ્દની મર્યાદા છે. શબ્દથી એકમેકને પૂરા ન સમજી શકાય, ન સમજાવી શકાય. તે માટે તો એકમેકનાં મનમાં પેસવું પડે.

છોકરાંવ આવ્યાં અને ઘર કિલ્લોલતું થઈ ગયું. નયનાએ એમને કેટલી બધી વાર્તાઓ કરી ! એમને જાતજાતનું ખાવાનું ખવડાવ્યું. એમની સાથે રમી, સિનેમા જોવા ગઈ, એમને પ્રાણીબાગ જોવા લઈ ગઈ, નવાં કપડાં, વાર્તાનાં પુસ્તકો લાવી. નીરવ એક-બે દિવસ તો થોડો અતડો રહ્યો. પણ પછી એય થોડોઘણો રસ લેતો થઈ ગયો. ‘જમ્યાં કે ?…… સૂઈ ગયાં ?….. રમતાં પડી ન જાય, હોં !…..’ એના લેખન-વાંચનમાં પડતો વિક્ષેપ પણ હવે એને બહુ કઠતો નહીં. બલકે, લેખન-વાંચન બાજુએ મૂકી ક્યારેક છોકરાંવને કોઈક કવિતા કે પાઠ સમજાવવાનું એને ગમતું. નયનાની જેમ છોકરાંવ સાથે ઓતપ્રોત એ થઈ શકતો નહીં. પણ એમની કાલી-ઘેલી વાતો અને રમતો એય માણતો. નયના પૂરી તરબોળ હતી. આટલા દિવસથી છુપાઈ રહેલ વાત્સલ્યની સરવાણી એકદમ ફૂટી નીકળી હતી.

આમ ને આમ મહિનો ક્યાં નીકળી ગયો, ખબરેય ન પડી. મોટીબહેન પ્રવાસેથી પાછી આવી ગઈ. એનો પત્ર આવ્યો તે નયનાને કડવો લાગ્યો. પણ બીજો ઉપાય નહોતો. મીઠડા મહેમાનો એમના માળામાં પાછા ફર્યાં. પણ મહિના સુધી એમણે માસીનું આંગણું ભર્યું ભર્યું કરી દીધું હતું. એ ભર્યા ભર્યા આંગણાંની મધુર યાદોમાં માસી કેટલાય દિવસો સુધી ખોવાયેલી રહી, અને એ યાદોને તાજી કરતી કરતી ફરી એ મહેમાનોની વાટ જોતી રહી.

નયના મનોમન ઘણીવાર વિચારતી, ‘મોટીબહેન ફરી ક્યાંય જશે, તો બંને છોકરાંવ અહીં આવવાની જ હઠ પકડશે… નક્કી જ….’ આ સુખદ કલ્પનાથી એની આંખમાં પાણી આવી જતાં. નીરવ આ બધું જોયા કરતો. એના મનમાંયે ગડમથલ ચાલ્યા કરતી. અગાઉ કેટલીયે વાર નયનાએ કોઈ અનાથ બાળકને દત્તક લેવાની વાત કરી હતી. પણ નીરવે માન્યું નહોતું. જાતજાતની દલીલોથી એ નયનાને ચૂપ કરી દેતો. પણ એણેય જ્યારે બાળકોથી કિલ્લોલતા ઘરનો રોમાંચ સાક્ષાત અનુભવ્યો, ત્યારે એના મનમાંયે આવા મીઠડા મહેમાનોની ઝંખના જાગી. છેવટે એક દિવસ એણે જ નયનાને પાસે બેસાડી કહ્યું : ‘ચાલ, કોઈ બાળકને માતાપિતાની હૂંફ આપીએ અને આપણીયે ગોદ ભરી ભરી કરીએ !’
(શ્રી વૃંદા દિવાણની મરાઠી વાર્તાને આધારે…)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પડઘો – સંકેત વર્મા
મન થયું ને નીકળી પડ્યા ! – પ્રવીણ શાહ Next »   

17 પ્રતિભાવો : કથાસરિતા – હરિશ્ચંદ્ર

 1. બંને વાર્તાઓ સરસ લાગી. ખાસ કરીને પ્રથમ વાર્તા આપણને ઘણું કહી જાય છે…

 2. સુંદર વાર્તાઓ.

  પહેલી વાર્તામાં સુખ કે કે જરુરિયાતની ઝંખના ને બીજીમાં બાળકની.

 3. kumar says:

  બહુ સરસ

 4. riddhi says:

  ખુબ સરસ વાર્તાઓ. ‘sometimes we are responsible for other other person’s behaviour’- I think thats what the first story tells.

 5. બંને વાર્તાઓ ખુબ જ સરસ છે. વાંચવાની મજા આવી.

 6. Veena Dave. USA says:

  હરિશ્ચંદ્રની ટૂંકી વારતાઓ એટલે સરસ વારતાઓ જ હોય્.

 7. raj says:

  very good stories,
  first one is very touchy
  thanks
  raj

 8. sima shah says:

  બંને વાર્તાઓ ખૂબ જ સરસ, પણ પહેલી વાર્તા વધારે હ્રદયસ્પર્શી લાગી………
  આભાર………..
  સીમા

 9. Jagruti Vaghela U.S.A. says:

  બંને વાર્તા સરસ.

 10. maitri vayeda says:

  બંને વાર્તા ઓ ખૂબ સરસ…
  બીજી વાર્તા જેવો જ એક પાઠ આવતો’તો ગુજરાતી માં… કયુ ધોરણ હતુ એ તો યાદ નથી.. એમાં જો કે બાળક ની ઝંખના નહોતી પણ માસી અને ભાણિયાઓ વચ્ચે નો પ્રેમ આ જ રીતે આલેખાયો હતો…

 11. Sanni Jain says:

  First story is very nice… Teaching us many things.

 12. Ketan Sheth says:

  બન્ને વાર્તા ખૂબ સરસ !!!

 13. kira thakkar says:

  True whatever we look is not only fact, what we had feel is truth.
  First story inpiered to give others and second one says share life with own.

  Keep it continue

 14. aniket telang says:

  બંને વાર્તાઓ ખુબ જ સરસ છે. વાંચવાની મજા આવી. હ્રદયસ્પર્શી હતિ

 15. nayan panchal says:

  દિવસની શરૂઆતમાં અને દિવસના અંતે આવા સુંદર લેખો વાંચવા મળી જાય તો માનસિક સ્વાસ્થય સારુ રહે છે.

  ખૂબ આભાર,
  નયન

 16. બંને વાર્તાઓ સરસ છે. અભિનંદન.

 17. Vaishali Maheshwari says:

  Good stories. Enjoyed reading. Thanks for sharing.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.