શિક્ષક-ઉપનિષદ – સં. બબાભાઈ પટેલ

[ પાંચમી સપ્ટેમ્બરના રોજ ‘શિક્ષકદિન’ ઉજવાય છે. આ ઉપલક્ષ્યમાં, શિક્ષક કેવો હોવો જોઈએ એ વિશે મહાનુભાવોના સુંદર વિચારોનો સમાવેશ કરતાં, તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘શિક્ષક-ઉપનિષદ’માંથી કેટલોક અંશ અહીં સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] સમાજના અન્ય લોકો કરતાં શિક્ષકની વિશેષતાઓ કઈ છે ? – પંડિત સુખલાલજી

માબાપ પોતાનાં શિશુઓને ઊઠવા, બેસવા, બોલવા આદિનું શિક્ષણ આપે છે. આસપાસનો સમાજ પોતાની સામાજિક રીતભાતોની એક અથવા બીજી રીતે તાલીમ આપે છે; જુદીજુદી કક્ષાના વ્યવસાયીઓ પોતપોતાના લાગતાવળગતાને વ્યાવસાયિક વૃત્તિના સંસ્કાર આપે છે. આ બધું ખરું, પણ છેવટે એ બધા શિક્ષકનું સ્થાન લઈ શકતા નથી.

શિક્ષક તો શીખનારને ઘર, સમાજ અને વ્યવસાયનાં ક્ષેત્રે જે જ્ઞાન પ્રાપ્ત થયું હોય કે જે સંસ્કારો લાધ્યા હોય તે તમામને સૂક્ષ્મ રીતે વ્યાપકપણે ઊંડાણથી એવા સંસ્કારે છે કે જેને લીધે શિખાઉ વિદ્યાર્થી પહેલાંના સાંકડા અને નાના ચોકમાંથી જ્ઞાન-વિજ્ઞાનના વિશાળ પટ ઉપરથી વિહરતો થઈ જાય છે. આ ઉપરાંત શિક્ષકની વિશેષતા એ છે કે તેની પાસે શિક્ષણ લેવા આવનાર વર્ગમાં નથી હોતો કોઈ જાતિભેદ, પંથભેદ, દેશભેદ કે ઓછીવત્તી શક્તિ ધરાવનારનો ભેદ. શિક્ષક – ખરો શિક્ષક પોતાના વિષયનું શિક્ષણ મેઘ જેવી ઉદારતાથી અને સૂર્ય જેવા અભેદભાવથી આપે છે. તેને લીધે જિજ્ઞાસુ અને પુરુષાર્થી વિદ્યાર્થી કલ્પી ન શકાય તેવું રૂપાંતર પામે છે. શિક્ષકપદની આ વિશેષતાએ જ એને ગુરુપદે સ્થાપ્યો છે. સાચા અને મૌલિક શિક્ષકને મન આ સિદ્ધિ એટલી બધી મોટી છે કે તે આને બદલે બીજી કોઈ ભૌતિક સિદ્ધિને મહત્વ આપતો જ નથી. એનું એકમાત્ર રટણ અને જપ એ હોય છે કે નવુંનવું જ્ઞાન મેળવવું અને તે છૂટથી ભેદભાવ વિના શિશુઓને આપવું. તેથી જ તૈત્તિરીય ઉપનિષદમાં એક ઋષિએ સતત એ જ પ્રાર્થના કરી છે કે બ્રહ્મચારીઓ અર્થાત વિદ્યાર્થીઓ મારી ચોમેર વીંટળાયેલા રહે.

શિક્ષકોની આવી ઊર્ધ્વગામી તપસ્યા વિના માનવજાતિને હજારો વર્ષોનો, હજારો વિષયોમાં, હજારો રીતે જે જ્ઞાન, વિજ્ઞાન, અધ્યાત્મ આદિનો સમૃદ્ધ અને સ્થાયી વારસો મળ્યો છે તે કદી સંભવિત ન બનત. આથી જ આપણે એમ કહી શકીએ કે શિક્ષક જ ખરો સર્જક છે, શિક્ષક જ સાચો વ્યવસ્થાપક છે અને શિક્ષક જ સાચા-ખોટાનો વિવેક કરી ખોટાનો સંહાર કરનાર છે અને સત્યનો પુરસ્કર્તા છે.

[2] આજે બાળકના શિક્ષણની શરૂઆત જ ખોટી રીતે થાય છે. શિક્ષણ તેના માટે આનંદને બદલે બોજાનું પ્રતીક બની ગયું છે. જીવન અને શિક્ષણ બંને જોડાયેલાં રહેવાને બદલે વિખૂટાં પડી ગયાં છે. બાળક જ્યાં સુધી કોઈ ખાસ હેતુ વિના, ભાર વિના પ્રવૃત્તિ કરે છે ત્યાં સુધી અહોરાત તેમાંથી નવુંનવું શીખ્યા જ કરે છે. પરંતુ જ્યારે તેના પર કશુંક શીખવાનો ભાર નાખવામાં આવે છે, તેને ફરજિયાત કાંઈક શીખવું પડે છે, ગોખવું પડે છે, યાદ રાખીને ફરી બોલવું કે લખવું પડે છે ત્યારે તેના મનને ધક્કો પહોંચે છે. ફરજિયાત ભણવા જેવું નીરસ બીજું કશું નથી. પરિણામે મોટા ભાગના લોકોને કુમારાવસ્થાથી જ અભ્યાસ તરફ સૂગ જન્મે છે અને જ્યારે તેઓ શાળા કે કૉલેજનો અભ્યાસ પૂરો કરે છે ત્યારે હાશકારો અનુભવે છે, છુટકારાની લાગણી અનુભવે છે. – મોહમ્મદ માંકડ.

[3] જેનામાં શિક્ષણની શક્તિ છે, વૃત્તિ છે, એને બદલે જેમને બીજે ક્યાંય નોકરી મળી હોતી નથી એવા જ શિક્ષક થવા આવે છે. આનું પરિણામ એ આવે છે કે એવા શિક્ષક પછી સદાને માટે પગાર સામે જ દષ્ટિ રાખે છે અને વધારે પગારની શોધમાં ભટકે છે. શિક્ષક પોતે ક્રોધી અને અધીરો બને છે ત્યારે વિદ્યાર્થીઓને એ ઘણું નુકશાન કરી બેસે છે…. શિક્ષક જો એની માઠી લાગણીઓથી જાગ્રત ન રહે, ચીડિયો અને અધીરો થઈ વિદ્યાર્થીઓ પ્રત્યે વર્તે તો એની એ અધીરાઈ અને ક્રોધનાં બીજ વિદ્યાર્થીઓમાં વવાઈ જાય છે. શિક્ષક જ્યારે એના સ્વાભાવ ઉપરનો સંયમ ખોઈ બેસે છે ત્યારે એ વિદ્યાર્થીને અન્યાય કરવા માંડે છે. વિદ્યાર્થીનો એની ઉપરનો વિશ્વાસ ઊઠી જાય છે. એ જિદ્દી બનવા માંડે છે. વડીલોના ન્યાયમાં એની શ્રદ્ધા રહેતી નથી, પરિણામ એ આવે છે કે વિદ્યાર્થી પોતાની પ્રગતિ કરી શકતો નથી. શાળાજીવનમાં અને અભ્યાસમાં એને રસ રહેતો નથી. વિદ્યાર્થીઓ હંમેશાં એમના શિક્ષકોનું નિરીક્ષણ કરતા હોય છે.

શિક્ષક જો પોતાના વિદ્યાર્થીઓ પાસેથી માનની આશા રાખતો હોય અને પોતાને જો વિદ્યાર્થીઓ માટે માન જ ન હોય તો સ્પષ્ટ છે કે એમાંથી અભાવ અને અનાદર જ જન્મશે. મનુષ્યજીવન માટે સદભાવ ન હોય તો આવું જ્ઞાન વિનાશ અને દુઃખ જ વધારે છે. બીજા માટે સન્માનવૃત્તિ ખીલવવી એ સાચા શિક્ષણનું મહત્વનું અંગ છે. પણ જો શિક્ષકમાં જ એ ગુણ ન હોય તો પોતાના વિદ્યાર્થીઓને સંપૂર્ણ જીવન તરફ એ દોરી શકશે નહિ. – જે. કૃષ્ણમૂર્તિ

[4] જીવ નાનો હોય એટલે એને ગમો-અણગમો નથી હોતો તેવું કોણે કહ્યું ? નાનું એવું અળસિયું પણ અનુકૂળતાથી વધે છે, પ્રતિકૂળતાથી પીડાય છે, તો આ તો માનવબાળ, થનગનતું કોડભર્યું, નિર્દોષ – તેને સ્વમાન કેમ ન હોય ? તેને તો ઊલટું અપમાનના ઘા ઊંડા પડે. જીવનભર ન ભુલાય, ન રૂઝાય. નાનું છે માટે સ્વમાન નથી તેવું ન માની લો. તેની જોડે હસો, તેને હસાવો, તેની કાલી-કાલી વાતોમાં વેદનું રહસ્ય ભાળો. તેની પાટીના આડાઅવળા લીટામાં ચિત્રકળાની ઝંખના જુઓ. તેનાં માટીનાં રમકડાંમાં તાજમહલ નીરખો, તો તેનામાં દેવત્વની ધીમે ધીમે ઝાંખી થશે. જીવનનું પ્રાણબળ આત્મવિશ્વાસ છે. તેના વિકાસની બે જ ચાવી છે : બાળકને અપમાન અને નિરાશા ન મળવાં જોઈએ. આપણે બાળકોને ચાહી શકીએ તો સારું, પણ ન ચાહી શકીએ તોપણ તેમને અપમાનિત ન કરીએ. ‘તું શું સમજે ? કુંભાર કરતાં ગધેડાં ડાહ્યાં.’ – આવાં વાક્યો બાળકોનાં હૃદય પર જે અસર મૂકી જાય છે તે ડામ જેવી છે. ડામ કદી ભૂસાંતા નથી. જ્યારે જ્યારે આપણે બાળકોને અપમાનિત કરીએ છીએ કે નિરાશાનો અનુભવ કરાવીએ છીએ ત્યારે તેની આત્મવિશ્વાસની એકએક ઈંટ ખેરવીએ છીએ. જીવનનો પાયો આત્મવિશ્વાસ છે, તે વિનાનો માણસ કે તે વિનાની પ્રજા હવા વિનાના ફૂટબૉલ જેવાં છે. – મનુભાઈ પંચોળી (દર્શક)

[5] બાળકોને પહેલાં કદી અક્ષર લખતાં શીખવવા નહીં. પહેલાં ચિત્રકળા શીખવવી. રેખા, વર્તુળ, જાતજાતના આકાર, આકૃતિ વગેરે ચીતરતાં શીખવવું. તેની સાથે સહેલાં-સહેલાં ગીતો, કવિતા, અભંગ, સંસ્કૃતના શ્લોકો વગેરે શીખવવાં. અલબત્ત, આ બધું રમતાં-રમતાં તેમાં ‘ધર્મં ચર’, ‘માતૃદેવો ભવ’, ‘પિતૃદેવો ભવ’ આવાં સંસ્કૃત વચનો તો એમને રમતાં-રમતાં યાદ રહી જાય. આમ થોડી ચિત્રકળા અને થોડું યાદ રાખવાનું થઈ જાય પછી એ યાદ કરેલાં વચનો જે ચોપડીમાં હોય તે એમની સામે ધરો. પછી એમને જે યાદ છે, તેને તે સામે જુઓ તેથી અક્ષરો તેમની આંખોમાં ઠસશે. – વિનોબા

[6] માતા બાળકોને ધવરાવે ત્યારે જો ક્રોધ કરે કે ગુસ્સામાં, ચિંતામાં, દુઃખમાં હોય તો તે દૂધ બાળકને પચતું નથી, પણ ઊલટું ઝેરરૂપ બની જાય છે, તેથી માતા બાળકને પ્રેમથી ધવરાવે છે; અને જ્યારે પ્રેમથી ધવરાવશે ત્યારે તે દૂધ સાથે પ્રેમ પણ બાળક પીશે. એવી જ રીતે શિક્ષક બાળકને પ્રેમથી શીખવે. ગમે તેટલો બુદ્ધિશાળી શિક્ષક હશે પણ જો તેના વિદ્યાર્થીઓને જોતાં ભણાવવાનો રસ નહીં જાગે તો તે સારું ભણાવી શકશે નહીં અને ભણાવશે તો બાળકને તે ભણતર પચશે નહીં. માતા બાળકને જુએ છે અને તેનામાં પ્રેમ છૂટે છે. ગાય કે ભેંશ જેવા પશુમાં પણ તેના વાછરડાને જુએ છે ત્યારે એનામાં પ્રેમ છૂટે છે અને તે પ્રેમથી ધવરાવે છે. તેમ શિક્ષકનું થવું જોઈએ. લૂખું ભણતર પચવું અઘરું હોય છે. લૂખો ખોરાક ઝટ ગળે નથી ઊતરતો, પણ જરા ઘી કે તેલથી સુંવાળો થાય છે ત્યારે ઝટ ગળે ઊતરી જાય છે, તેમ સ્નેહથી ભરેલું ભણતર ઝટ પચે છે. – શિવભાઈ ગોકળદાસ પટેલ

[7] શીખનારા શીખે છે તે માત્ર વર્ગમાં ? ચોપડીઓ ભણાવીએ છીએ તે દ્વારા ? વિચક્ષણ શિક્ષક જોઈ લે છે કે જબરા છે આ મારા વિદ્યાર્થીઓ. હું શીખવવાનો ખેલ કરું છું તેમાં તે જોડાય છે – પૂરા કે અરધાપરધા મનથી, પણ તેઓ તો શીખે છે અવલોકન દ્વારા – ખાસ કરીને શિક્ષક કેમ જીવે છે તેના અવલોકન દ્વારા.

શિક્ષક એટલે શિખવાડનાર. માણસનું બાળક જન્મે એ પછી એને મનુષ્યજાતિએ આજ સુધી ખીલવેલી અનેક કરામતોમાંથી થોડીઘણી ધીમેધીમે હસ્તગત કરવાની રહે છે. આમાં જે આગળ વધેલા હોય તેમની પાસેથી તાલીમ મેળવવાના પ્રયત્નો, સમુદાયગત-સંસ્થાગત પ્રયત્નો પણ ગોઠવવા પડે. જેઓ કોઈ ઈલમમાં બહુ આગળ વધેલા હોય તેઓનું વજન પડે એટલે તેઓ ગણાય ગુરુ. ‘શિક્ષક’ અને ‘ગુરુ’ બે શબ્દ કરતાં આપણો એક ત્રીજો શબ્દ બહુ અર્થસૂચક છે. એ શબ્દ છે ‘આચાર્ય’. આચારમાં જેને રસ છે, જે નવુંનવું શોધે છે, મેળવે છે અને પોતાની પર પહેલાં અજમાવીને એટલે કે પોતાના આચારમાં ઉતારીને પછી બીજાઓ આગળ રજૂ કરે છે તે આચાર્ય. વિદ્યાર્થીઓ શીખવનારના આચારમાંથી એટલે કે એની ખરેખરી આચાર્ય-તામાંથી શીખે છે. – ઉમાશંકર જોશી

[8] શિક્ષકના જ્ઞાન કરતાં એના પોતાના ચારિત્ર્ય દ્વારા જ શિક્ષણ વિશેષ અસરકારક સાબિત થાય છે, કારણ કે પચાવેલા અને એકરૂપ બની ગયેલા જ્ઞાનનો જ પરિપાક ચારિત્ર્ય છે. શિક્ષક સંનિષ્ઠ અને સત્યપ્રિય હોવો જોઈએ અને તેનું ઉદાહરણરૂપ જીવન વિદ્યાર્થીઓ માટે ખુલ્લા પુસ્તક જેવું હોવું જોઈએ. એ સાદાઈના નમૂનારૂપ હોવો જોઈએ અને એણે પોતાની જરૂરિયાતો ઓછી કરતાં શીખવું જોઈએ. શિક્ષક જેમ વધારે સાદો તેમ તેને ભૌતિક સગવડોની ચિંતા ઓછી અને ફુરસદનો સમય વધારે – જેનો ઉપયોગ તે જ્ઞાનવૃદ્ધિ માટે કરી શકે. સૈનિક યુદ્ધમાં લડે છે અને પોતાના દેશને માટે ઝનૂનથી પોતાની જિંદગી કુરબાન કરી દે છે; ઓછો પગારદાર શિક્ષક પોતાના દેશની સેવા કરે છે કિન્તુ પ્રાણત્યાગ કરીને નહિ, પણ જીવનની અનુકૂળતાઓ અને સુખ-સગવડનો ત્યાગ કરી. ઈતિહાસનાં પાનાં પર શિક્ષકે વેઠેલું દુઃખ લોકોની નજરે ઘણું ઓછું લાગે છે, પણ એ તો ધીમેધીમે ઓગળી જઈ આત્મવિલોપન કરી દેતી, પણ બીજાને સતત પ્રકાશ આપ્યા કરતી મીણબત્તી જેવું છે. પરિણામ કે પગાર નહિ પણ સેવાભાવના અને સમર્પણથી જ હંમેશાં સાચું કાર્ય થાય છે. કોઈ પણ સંનિષ્ઠ કાર્યની જેમ શિક્ષકના કામને પણ સમાજસેવા કરવા માટે કુદરતે આપેલી તક જ સમજવાનું છે, નહિ કે સમાજને ભોગે પોતાનું હિત સાધવા માટેની સગવડ.

[કુલ પાન : 133. (મોટી સાઈઝ) કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન. 202, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મન થયું ને નીકળી પડ્યા ! – પ્રવીણ શાહ
ચકલીનો માળો – જયવતી કાજી Next »   

8 પ્રતિભાવો : શિક્ષક-ઉપનિષદ – સં. બબાભાઈ પટેલ

 1. શિક્ષણ વિષે એકદમ સચોટ વાતો !

  શિક્ષણ બાળક માટે આનંદને બદલે બોજાનું પ્રતીક બની ગયું છે. જીવન અને શિક્ષણ બંને જોડાયેલાં રહેવાને બદલે વિખૂટાં પડી ગયાં છે. બાળક જ્યાં સુધી કોઈ ખાસ હેતુ વિના, ભાર વિના પ્રવૃત્તિ કરે છે ત્યાં સુધી અહોરાત તેમાંથી નવુંનવું શીખ્યા જ કરે છે. પરંતુ જ્યારે તેના પર કશુંક શીખવાનો ભાર નાખવામાં આવે છે, તેને ફરજિયાત કાંઈક શીખવું પડે છે, ગોખવું પડે છે, યાદ રાખીને ફરી બોલવું કે લખવું પડે છે ત્યારે તેના મનને ધક્કો પહોંચે છે. ફરજિયાત ભણવા જેવું નીરસ બીજું કશું નથી.

  જેનામાં શિક્ષણની શક્તિ છે, વૃત્તિ છે, એને બદલે જેમને બીજે ક્યાંય નોકરી મળી હોતી નથી એવા જ શિક્ષક થવા આવે છે.

  બાળકોને પહેલાં કદી અક્ષર લખતાં શીખવવા નહીં. પહેલાં ચિત્રકળા શીખવવી.

  ઓછો પગારદાર શિક્ષક પોતાના દેશની સેવા કરે છે કિન્તુ પ્રાણત્યાગ કરીને નહિ, પણ જીવનની અનુકૂળતાઓ અને સુખ-સગવડનો ત્યાગ કરી.
  -> મને લાગે છે કે સારા શિક્ષકોને પ્રોત્સાહન આપવા તેમનો પગાર વધારવો જ જોઈએ. શિક્ષકો કે જે કોઈ પણ દેશ ના વિકાસનો પાયો છે તેઓને શ્રેષ્ઠ પગાર આપીને પ્રતિભાવંત શિક્ષકો તૈયાર કરવા જોઈએ. જ્ઞાન વિકાસ માટે પુરતી અનુકુળતાઓ મળવી જોઈએ. શિક્ષણ અને તબીબી વ્યવસાયને સહુથી વધુ પવિત્ર વ્યવસાય માનવામાં આવે છે. મને રાહ છે એ સમયની કે જયારે ઉત્તમ પ્રતીમાંવંત વિદ્યાર્થીઓ મેડીકલની જેમ જ શિક્ષણ ક્ષેત્રમા જોડાવા ઉત્સુક થશે. અત્યારે પણ એવા વિદ્યાર્થીઓ છે પણ તેમની સંખ્યા બહુ થોડી છે.

 2. गत शिक्षकदिनस्य शुभाशयाः (Belated greetings for the Teacher’s Day)

 3. Dipti Trivedi says:

  બધા જ સંકલન વિચારણીય છે.
  દર્શક, વિનોબા, મોહમ્મદ માંકડ, ઉમાશંકર જોશી, શિવભાઈ વગેરેએ બહુ જ સરળ શબ્દોમાં શિક્ષકનુ ચરિત્ર આલેખ્યું છે.
  નાનપણમાં જ્યારે આદર્શ શિક્ષક વિશે વક્તૃત્વ સ્પર્ધા હોય ત્યારે અમે શિક્ષકની વ્યાખ્યા આમ આપતા—શિક્ષક એટલે શિસ્ત , ક્ષમા અને કળાનો અવતાર.

 4. Hetal says:

  I do not agree with no# 1. I have seen many people who are well educated and have a great job and good money and everything but they still have exact same thinking like their parents had- for example- if their parents thought certain cast is bad then they also think the same way- if their parents- elders thought that certain other samaj is not acceptable for marriagees , then they also follow it and stick to it without understanding why they think it that way. If he needs to marry his son- daughter in that samaj to a better person but since his parents ( or samaj) does not allow then they wont do it and let his daugther or son marry into their samaj with less credited person in all way then this other one from different samaj. This was just one example but I have seen many of them. To me- who you are is – what your parents and samaj and surrounding has tought you and not what degree and education you had from your teachers.

  • Ashish Dave, Sunnyvale, California says:

   I agree with you Hetalbahen. The true education opens up the mind with broader thinking and many so called educated people truly do not have it.

   Ashish Dave

 5. hiral says:

  શિક્ષકોનું આપણાં જીવનમાં ખરેખર કેટલું બધું યોગદાન હોય છે!. શિક્ષકદિન નિમિત્તે બધા શિક્ષકોને સૌ પ્રથમ વંદન.

  દરેક બાળકને જેમ પોતાની માતા જ શ્રેષ્ઠ લાગે તેમ મને હંમેશા મારી શાળાના શિક્ષકો જ શ્રેષ્ઠ લાગ્યા છે. અફસોસ કે મેં એમને ક્યારેય એવું જણાવ્યું નથી. . ખાસ કરીને મારી શાળાના ગણિતના સાહેબ મારા પ્રિય શિક્ષક. એક વખત એમના માટે મોટો કાગળ લખીને લઇ પણ ગઇ હતી. પણ એમની બીક એટલી લાગે કે એમને એ લેટર આપવાની હિંમત ના કરી શકી. હવે તો ખબર નંઇ કે સાહેબ ક્યાં હશે?
  કાશ, આપણી પાસે એ વખતે ઇંટરનેટ હોત તો? હું એમને ઇ-મેઇલ લખવાની હિંમત તો કરી જ શકત.
  હા, પણ જો હું શિક્ષક થાઉં તો એમનાં જેવી જ શિક્ષક થવાનું પસંદ કરું.

  સાચે જ શિક્ષણના વ્યવસાયમાં ટ્યુશન પ્રથા ઘર કરી ગઇ એ પહેલાં જ જો એને અટકાવી શકાય એવા પગારવધારા કે બીજાં અમુક ભથ્થા જેવા યોગ્ય પગલાં લીધા હોત તો? આપણી આજની પેઢીને વધુ સારા અને ધગશથી ભણાવવા વાળા શિક્ષકો મળત.

 6. Chintan Oza says:

  ખુબ સરસ અને અસરકારક રજૂઆત.

 7. Vijay says:

  Education is a profitable business in India. So this article is nice on paper, but don’t expect any change in current business. By the way there is one solution, if anyone wants to pursue. Home school your own kids. One of the nice books is : Teach Your Own – John Holt.

  Vijay

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.