ઉપરવાળાની શરમ ! – વ્રજેશ આર. વાળંદ

[ જાણીતા વાર્તાકાર તેમજ ગઝલકાર શ્રી વ્રજેશભાઈના તાજેતરમાં એક સાથે ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે જેમાં ‘અલવિદા’ વાર્તાસંગ્રહ, ‘બે ઘડીની જિંદગી’ કાવ્યસંગ્રહ અને ‘જય હો જોઈતારામ’ હાસ્યનિબંધસંગ્રહનો સમાવેશ થાય છે. ‘જનકલ્યાણ’, ‘અખંડ આનંદ’ જેવા પ્રતિષ્ઠિત સામાયિકોમાં પ્રકાશિત થયેલી તેમની અનેક વાર્તાઓ આપણે અહીં માણી છે. તેમના તાજેતરના વાર્તાસંગ્રહ ‘અલવિદા’માંથી આજે એક કૃતિ માણીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ વ્રજેશભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9723333423 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાને અંતે આપવામાં આવી છે.]

મધ્યરાત્રિની નીરવતાને ચીરતી લકઝરીબસ રાજ્ય ધોરી-માર્ગ પરથી સમસમ કરતી તીરવેગે વહી રહી હતી. તારાપુર પછીનો નિર્જન, ખારો પાટ બિહામણો ને ભેંકાર ભાસતો હતો. ક્યારેક આવતું-જતું એકલ-દોકલ વાહન આંખના પલકારામાં પસાર થઈ જતું ને પુનઃ કારમી શાંતિ છવાઈ જતી. એકધાર્યાવેગે વહેતી બસ પોતાની વિશિષ્ટ ઘરઘરાટીથી માર્ગને ગજવી રહી હતી.

એમાં બેઠેલી-ચંચળ પંખિણીઓ સમી કૉલેજકન્યાઓનો તરુણી સહજ શોર શમી ગયો હતો. એમના ટોળા-ટપ્પામાં હવે ઓટ આવી ગઈ હતી. અંતાક્ષરીના લહેકાય વિરમી ગયા હતા. નિદ્રાએ જાણે એમના પર પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું હોય એમ સૌ એકમેકને સહારે પોતપોતાની બેઠકો પર જામી ગઈ હતી. પેલી કહેવત છે ને ‘ઊંઘ ન જુએ તૂટી ખાટ’. ક્યારેક હળવો આંચકો આવે ત્યારે એકલ-દોકલ કન્યા સહેજ-સાજ આંખ ઉઘાડી લેતી ને ફરી પાછી નિદ્રાની સોડમાં લપાઈ જતી. એમના વયોવૃદ્ધ ગૃહપતિ, નિવૃત્ત શિક્ષક શંકરલાલ ત્રિવેદી અને એમનાં પત્ની પણ ઝોકે ચડ્યાં હતાં. શંકરલાલે નિવૃત્તિ પછી સમય પસાર કરવા માટે વડોદરાના આદર્શ કન્યાછાત્રાલયનું ગૃહપતિ પદ સ્નેહીઓના કહેવાથી સ્વીકાર્યું હતું.

વટામણ ચોકડીથી બસ લીમડી તરફના હાઈવે પર જવા સાંકડા માર્ગે ફંટાઈ. આ રસ્તો જરા ઉબડખાબડ હતો. ટ્રાવેલ્સનો અનુભવી ડ્રાઈવર ખૂબ સતર્કતાપૂર્વક બસ ચલાવી રહ્યો હતો. એનો સહકર્મી પોતાની બેઠક પર ઝપકી લઈ રહ્યો હતો. અચાનક એક જોરદાર આંચકા સાથે બસ થોભી ગઈ. જોરદાર હડદોલો લાગવાથી પ્રવાસિકાઓ સફાળી જાગી ગઈ. કેટલીક હળવી ચીસો સંભળાઈ. આંખો ચોળતાં ચોળતાં, ભયત્રસ્ત ચહેરે તેઓ એકમેકને પૂછી રહી હતી, ‘શું થયું ? બસ અચાનક કેમ ઊભી રહી ?’
ને ત્યાં જ બહારથી કડપદાર અવાજ આવ્યો, ‘ચાલો, બધા નીચે ઊતરો ! અમારે બસનું ચેકિંગ કરવાનું છે !’ સાપ સૂંઘી ગયો હોય એમ કન્યાઓ મૂંગીમંતર થઈ ગઈ. થડકતે હૈયે ગૃહપતિ પોતાની બેઠક પરથી ઊભા થઈ ગયા. પોલીસને જોઈને ડ્રાઈવર પણ હબકી ગયો. ડરતાં ડરતાં એણે દરવાજો ખોલ્યો.

એક પડછંદ બાંધાનો, મોટો પોલીસ અધિકારી જેવો લાગતો ગણવેશધારી બસમાં પ્રવેશ્યો. વર્ષોના અનુભવી શંકરલાલે નમ્ર સ્વરે પૂછ્યું : ‘શું વાત છે, ઈન્સ્પેક્ટરસાહેબ ! બસ કેમ અટકાવી ?’ જોકે એમના સ્વરમાં રહેલો કંપ સ્પષ્ટ વર્તાઈ આવતો હતો.
‘બધાંએ નીચે ઊતરવું પડશે. અમને પાકી બાતમી મળી છે કે આ બસમાં હેરોઈન કેરિયર તરીકે કામ કરતી કેટલીક યુવતીઓ છે. અમારે તમામ સામાનની અને જરૂર પડે તો એમની જડતી લેવી પડશે !’ અધિકારીના અવાજની કરડાકીએ બધી તરુણીઓના હોશકોશ હરી લીધા. ગૃહપતિનું હૈયુંય થડકો ચૂકી ગયું. છતાં હિંમત દાખવીને બોલ્યા :
‘સાહેબ, આપની કાંઈક ગેરસમજ થતી લાગે છે. આ બધી વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની સંસ્કારી વિદ્યાર્થીનીઓ છે. એક પ્રતિષ્ઠિત કન્યાછાત્રાલયની છાત્રાઓ છે. હું એમનો ગૃહપતિ છું. અમે વીરપુર-સોમનાથના પ્રવાસે જઈ રહ્યાં છીએ. આપ વડોદરા પુછાવીને ખાતરી કરી શકો છો !’ આટલું કહેતાં તો એમના ભાલ પર પ્રસ્વેદબિંદુઓ ફૂટી નીકળ્યાં. એમના ‘ખાતરી કરાવી શકો છો’ના પ્રતિસાદ રૂપે કેટલીક કન્યાઓએ પોતાના મોબાઈલ ફોન સાથેના કોમળ કર ઈન્સ્પેકટર તરફ લંબાવ્યા. અલબત્ત, એમની આંખોમાં ભયનો ઓથાર હજીય સળવળી રહ્યો હતો.

પેલા અધિકારીએ એમના તરફ જોયું ન જોયું ફરી પુનઃ ધમકીભર્યા સ્વરે કહ્યું : ‘મારે કાંઈ જ સાંભળવું નથી. મળેલી બાતમી મુજબ અમારે તપાસ કરવી જ પડશે. ઉપરથી ઑર્ડર છે !’ એની કડકાઈ ઉત્તરોત્તર વધી રહી હતી. ત્યાં જ ‘સાહેબ, બધાં ઊતરે છે કે પછી અમે એમને કાયદો શિખવાડવા અંદર આવીએ ?’ નીચે ઊભેલાઓમાંથી એકે બસમાં પ્રવેશી, કન્યાઓ તરફ વિચિત્ર નજરે જોતાં અભદ્ર ભાષાનું પ્રદર્શન કર્યું. અધિકારીએ એને ઈશારાથી નીચે જ રહેવા કહ્યું.

એ દરમિયાન ગૃહપતિનાં પત્ની પોતાના ચશ્માંના જાડા કાચમાંથી એ અધિકારીને ધારી ધારીને જોઈ રહ્યાં હતાં. એક આછો સિસકારો કરી એમણે ગૃહપતિને પાસે બોલાવ્યા. એમના કાનમાં કશુંક ગણગણ્યાં, ‘હેં…અ ! શું ઉ ઉ ! ના, ના, એ ના હોય !’ ગૃહપતિ અધિકારી સામે વિસ્ફારિત આંખે જોતાં, માથું ધુણાવી હળવેકથી બોલ્યા.
‘પણ જરા પૂછો તો ખરા !’ પત્નીએ એમના પડખામાં કોણી મારતાં, સ્ત્રીસહજ છણકાથી પણ સંયમિત સ્વરે કહ્યું. ને ગૃહપતિમાં હિંમત આવી.
‘સાહેબ, આપ હીરાપરવાળા વેલજી તરગાળાના દીકરા ત્રંબક તો નહિ !’ આટલું કહેતામાં એમણે એના કરડાકીભર્યા ચહેરામાંથી એની શૈશવરેખાઓ ગોતી નાખી હોય એમ પુનઃ આત્મવિશ્વાસપૂર્વક બોલ્યા, ‘બોલ બેટા, તું વેલજીનો ત્રંબક જ છે ને !’ પેલો એક પળ માટે અવાક થઈ ગયો.
પછી દબાયેલા સાદે બોલ્યો : ‘હા, હું ત્રંબક જ છું, પણ તમારી ઓળખાણ ન પડી !’
‘અરે બેટા ત્રંબક !’ ગૃહપતિના સ્વરમાં ઉત્સાહ છલકાયો, ‘તારા આ શંકરલાલસાહેબને ભૂલી ગયો ! મારા હાથ નીચે તો તું ભણ્યો છે ! યાદ કર ! એસ.એસ.સીની પરીક્ષા વખતે, તારા પિતાજીની બીમારી વખતે તારા આખા કુટુંબને ત્રણ ત્રણ મહિના પોતાને ઘેર રાખી કોણે પાલવ્યું હતું ? તને પરીક્ષામાં સફળતા મળે એ માટે કોણે જહેમત ઉઠાવી હતી ? અને હા, આ તારાં મુક્તામાસી ! તારી સાથે ઉજાગરા કરી અડધી રાતે તને ચા મૂકી દેનાર તારાં માસી આ રહ્યાં.’ ને એમની પત્ની તરફ હાથ લંબાવ્યો.

પેલાની આંખ સામે એનો અતીત તરવરી રહ્યો. એ કારમી કંગાલિયત યાદ આવી. આ ભોળા દંપતીએ નિસ્પૃહભાવે એને પાંખમાં લીધો હતો. એની કારકિર્દી ઘડવા દિન-રાત એક કર્યાં હતાં. આ બધું એક ક્ષણમાં એની આંખો સમક્ષ તાદર્શ થયું. એનાથી અનાયાસ એ દંપતી સામે હાથ જોડાઈ ગયા. શંકરલાલ કૃતકૃત્ય થઈ ગયા. એમની આંખોમાંથી હર્ષાશ્રુ છલકી રહ્યાં. એ ગળગળા સાદે બોલ્યા, ‘બેટા ત્રંબક ! આજે આ પોશાકમાં તને જોઈ મારી છાતી ગજગજ ફૂલે છે. તેં મારી વિદ્યા ખરે જ દીપાવી છે. હું તારા કર્તવ્યપાલનની આડે નહીં આવું. બધી જ કન્યાઓને હું નીચે ઉતારું છું. તું બેધડક તપાસ કર.’ પેલાનું મનોમંથન ચરમ સીમાએ હતું. અંદરથી એ હચમચી ગયો હતો. એણે પુનઃ ભાવપૂર્વક બંનેને વંદન કર્યાં. કન્યાઓ ફાટી આંખે આ નિહાળી રહી હતી. અચાનક પેલાને શું સૂઝ્યું કે, ‘આવજો સાહેબ !’ કહી એક ઝાટકે એણે ગર્દન ફેરવી. ડ્રાઈવરને તાબડતોબ બસ ઉપાડવાનો આદેશ આપ્યો. નીચે ઊભા રહેલા સાથીઓના રોષમય ચણભણાટની પરવા કર્યા વિના એ બસમાંથી નીચે ઊતરી પડ્યો. ધડાકા સાથે બારણું બંધ કર્યું. શંકરલાલના અનેક આશીર્વચનો મોઢામાં જ રહી ગયાં.

બસ ઊપડતાંની સાથે જ એના સાથીઓ એના પર વરસી પડ્યા, ‘આ તમે શું કર્યું ? હાથમાં આવેલો મોકો ગુમાવ્યો ! તમારો તો ઠીક, અમારો વિચાર તો કરવો’તો ! કેટલો મોટો ખજાનો હાથ લાગ્યો હતો ! બધા માલામાલ થઈ જાત !’ એણે બધા તરફ એક ધારદાર નજર કરી. ભીતરમાં ધરબાઈ ગયેલી કરડાકી આંખમાં અને સ્વરમાં પુનઃ ઊભરાઈ. એણે ત્રાડ નાખી :
‘ખબરદાર જો એક હરફેય આગળ બોલ્યા તો ! આહીંનું આહીં ઢીમ ઢાળી દઈશ !’ સાથીઓ એના રૂપથી ફફડી ઊઠ્યા. સહેજ થોભીને એ ફરી બોલ્યો, ‘તમને ખબર છે ? આ બંનેએ મને પેટના દીકરા કરતાંય ઝાઝો જાળવ્યો હતો. મારા કંગાળ કુટુંબને આશરો આપ્યો હતો. એમનો આ પાડ હું કેમ ભૂલી શકું ?’ એનો સ્વર વધુ કૂણો બન્યો, ‘ને એમને જો જરા જેટલીય ગંધ આવી હોત કે હું ખરેખરો પોલીસ ઈન્સ્પેકટર નહીં પણ એનો સ્વાંગધારી, ધોરીમાર્ગનો નામીચો લૂંટારો ટમકો ડફેર છું, તો એ બંને પાણીપોચા જીવોનું ત્યાં ને ત્યાં જ હાર્ટફેઈલ થઈ જાત ! ને હું ક્યા ભવે એ પાતકમાંથી છૂટત ! ઉપરવાળાની કંઈક શરમ તો ભરવી પડે ને ભાઈ ?’
આટલું બોલતાં એનો સાદ ભારે થઈ ગયો. એની આંખના ખૂણા પર બે અશ્રુબિંદુ ઝળકી રહ્યાં અને હા, ચહેરા પરની કરડાકી પણ અદશ્ય થઈ ગઈ.

[કુલ પાન : 182. કિંમત રૂ. 115. પ્રાપ્તિસ્થાન : આદર્શ પ્રકાશન. સારસ્વત સદન, ગાંધીમાર્ગ, બાલાહનુમાન સામે, અમદાવાદ-380001.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હવાફેરની તૈયારી – જ્યોતીન્દ્ર દવે
હિંદ સ્વરાજના શિલ્પી : મહાત્મા ગાંધી – પ્રવીણ ક. લહેરી Next »   

14 પ્રતિભાવો : ઉપરવાળાની શરમ ! – વ્રજેશ આર. વાળંદ

 1. kiri Hemal says:

  ખુબ જ સુંદર લેખ!!!!!!!!!

 2. nayan panchal says:

  સારી વાર્તા છે. ત્રંબક જેવા એન્ટીહીરોને વધુ ગ્લોરીફાય ન કર્યો તે ગમ્યુ.

  કર ભલા સો હો ભલા.આભાર,
  ાનયન

 3. trupti says:

  કોઈ પણ માનવિ જનમ થી ખરાબ નથી હોતો. ખરાબ તેને તેના હાલત બનાવે છે. શું ખબર ત્રંબક ને શંકરલાલ જેવા સારા શિક્ષક નો સહકાર મળ્યો છતા કેમ અવળા માર્ગ ચઢી ગયો? તેમા તેની શું મજબુરી હતિ? જો તે જન્મજાત ઢીટ હોત તો તેને શંકરલાલ ના ઉપકાર નો બદલો અપકારથી વાળ્યો હોત. ખરાબ રસ્તે ચઢી ને પણ તેને તેના સંસ્કાર ન ખોયા અને તેના શિક્ષક નુ માન રાખ્યુ તેજ મોટી વાત છે.

 4. સરસ વાર્તા છે. આખું પુસ્તક તો બહુ સરસ હશે.

  ખરાબ માણસો પણ પોતાના પર ભુતકાળમાં થયેલો ઉપકાર યાદ રાખે છે. અમે સમય આવ્યે તેનો બદલો પણ વાળી દે છે.

 5. Dipti Trivedi says:

  જકડી રાખે એવી વાર્તા . અંતમાં અણધાર્યો ઘટસ્ફોટ. એની કારકિર્દી ઘડવા દિન-રાત એક કર્યાં હતાં તોય ક્યા સંજોગોમાં ત્ર્યંબક, ટમકો ડફેર બની ગયો હશે?

 6. Dhruti Amin (USA) says:

  સંજોગો મણસ ને અવળા રસ્તે લઈ જાય પણ કોઈ એક ક્ષણ જ પુરતી હોય છે તેની આંખો ખોલવા માટે..

 7. Ankur B Sheth says:

  શ્રી વ્રજેશભાઈના તાજેતરમાં એક સાથે ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે જેમાં ‘અલવિદા’ વાર્તાસંગ્રહ, ‘બે ઘડીની જિંદગી’ કાવ્યસંગ્રહ અને ‘જય હો જોઈતારામ’ હાસ્યનિબંધસંગ્રહ ત્રને પુસ્તકો તો બહુ જ સરસ છે.

 8. Ketan Sheth says:

  ખુબજ સરસ મજા નો સન્દેશ આપ્યો છે પ્રસ્તુત વાર્તા દ્વારા.

 9. Colonel Vinod Z Sharma(VALAND) says:

  I am touched by the short story written by you which conveys a very important message to the society in so many words. Present society is undergoing a change in trends and it is the requirement of the day to educate our next generation youth about values, beliefs, culture and ethics. Unless veterans like you give them such nice exposure, I think we will not be doing justice to our duty. Thanks and wish you all the luck.

 10. આવું પણ બને છે.

 11. meeta says:

  ખુબ સરસ વર્તા

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.