- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

હિંદ સ્વરાજના શિલ્પી : મહાત્મા ગાંધી – પ્રવીણ ક. લહેરી

[ગાંધીજીના જીવન અને જીવનપ્રસંગો પર આધારિત સુંદર પુસ્તક ‘હિંદ સ્વરાજના શિલ્પી : મહાત્મા ગાંધી’ માંથી ગાંધીજીના મુખે બોલાયેલા કેટલાક સુવાક્યો સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય’ નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

[1] હું હિંદના એક છેડાથી બીજા છેડા સુધી એ વાતનો પત્તો મેળવવા ફરી રહ્યો છું કે પ્રજામાં ખરો પ્રજાકીય જુસ્સો આવ્યો છે કે નહીં. પ્રજા રાષ્ટ્રવેદી ઉપર પોતાના ધન, પોતાના સ્ત્રી-પુત્ર અને પોતાના સર્વસ્વનું બલિદાન આપવા તૈયાર છે કે નહીં, અને પ્રજા જો કશું બાકી રાખ્યા વગર પોતાનું સર્વસ્વ હોમી દેવા આજે તૈયાર હોય તો આ જ ક્ષણે સ્વરાજ હું તમારા હાથમાં મુકાવી દેવડાવવા તૈયાર છું.

[2] જે કેળવણીકાર વિદ્યાર્થીઓનાં મગજને અગણિત હકીકતો ભરી મૂકવાનું કબાટ બનાવી મૂકે છે તે પોતે કેળવણીનો પહેલો પાઠ જ નથી શીખ્યો.

[3] ગમે તેવી મુશ્કેલીથી ન ડરતાં આપણે આદર્શોને આંબવાની કોશિશમાં મંડ્યા રહેવું. અંગ્રેજી બીજીની ચોપડીમાં આવતી લ્યુસીની વાત હશે. પોતાના ધ્યેય સુધી પહોંચી ત્યાં લગી પોતાની કોશિશ તેણે કેવી ચાલુ રાખી હતી ! અને ડેમોસ્થિનિસની વાત યાદ કરો. તે બોલતાં તોતડાતો, પણ મોઢામાં કાંકરા રાખી નદીકાંઠે જઈ મોટેથી ભાષણ આપવાનો તે મહાવરો કરતો. આખરે મથતાં-મથતાં તે પોતાના જમાનાનો મહાન અને મશહૂર વક્તા બન્યો હતો.

[4] જુઓ, ગૌતમની દયા; તે મનુષ્યજાતને ઓળંગી બીજાં પ્રાણીઓ સુધી ગઈ. ઈશુના ખભા ઉપર રમતા ઘેટાનો ચિતાર આંખો સામે આવતાં જ તમારું હૃદય પ્રેમથી નથી ઊભરાતું ? પ્રહલાદને રામનામ લેવાની મના કરવામાં આવી તે પહેલાં તે શાંત રીતે રસ્તે ચાલ્યો જતો હતો, પણ મના થઈ ત્યારે તે સામો થયો અને અત્યંત ક્રૂર સજા હસતે ચહેરે સહી લીધી. ડેનિયલ પ્રથમ તો ઘરના ખૂણે પૂજા કરતો, પણ તેને મનાઈહુકમ કરવામાં આવ્યો કે તરત તેણે ઘરના બારણાં ઉઘાડાં મેલી દીધાં અને જગજાહેર દેવપૂજા કરવા માંડી. તેને સાવજની ગુફામાં ઘેટું ધકેલે તેમ ધકેલી દેવામાં આવ્યો. હઝરત અલી પોતાના જુલમગાર કરતાં જોરાવર હતા. જુલમગાર તેમની ઉપર થૂંક્યો ત્યારે તેમણે તેનો હાથ ચૂમ્યો.

[5] માણસે જીવન-મરણ સરખાં જ ગણવાં જોઈએ. બને તો મોતને આગળ મૂકે. આ કહેવું કઠણ ભાસે, તે પ્રમાણે કરવું તેથી પણ કઠણ લાગે. બધાં યોગ્ય કામો કઠણ હોય છે. ચઢાણ હંમેશાં મુશ્કેલ હોય છે. ઉતરાણ સહેલું અને કેટલીક વાર લપસણું હોય છે. સ્વમાન ખોવા કરતાં હિંમતવાન મોતને ભેટશે.

[6] મારી સલાહ શૂરા, હિંમતવાળા, નિઃસ્વાર્થી અને ઈશ્વરથી ડરીને ચાલનારા લોકો માટે છે. વ્યક્તિઓ શું કે પ્રજાઓ શું, સૌને તેમની પોતાની કરણીથી નુકશાન થાય છે. બહારનું બીજું કોઈ તેમને નુકશાન કરી શકતું નથી. અંગત લોભ-લાલચ, અંગત સ્વાર્થ અને નામર્દાઈથી આપણે આપણી સ્વતંત્રતા કેવી રીતે ગુમાવી તેના પાર વગરના દાખલાઓ આપણા દુઃખદ ઈતિહાસમાં ભરેલા છે.

[7] તમારે વિદ્યાર્થીઓએ શુદ્ધ ચારિત્ર્ય અને ચિત્તશુદ્ધિ ઉપર તમારી કેળવણીનો પાયો નાખવો હોય તો નિત્ય, નિયમિત પ્રાતઃકાળે અને સંધ્યાકાળે પ્રાર્થના જેવો સરસ ઉપાય બીજો એકે નથી. જો કે આપણે અમુક પ્રવૃત્તિઓનાં પરિણામ સ્પષ્ટ જોઈ શકતાં નથી. તે છતાં શુદ્ધ ચિત્તથી થયેલી પ્રવૃત્તિનું પરિણામ શુભ આવે છે, પછી તે દશ્ય હોય કે અદશ્ય – એ અંગે સત્યાગ્રહી તરીકેની મારી શ્રદ્ધા પ્રગટ કરી. મૃત્યુ આજ આવે કે કાલ, તેનો ભય રાખ્યા વિના આપણે આપણો ધર્મ પાળવો, ફરજ બજાવવી એ શુદ્ધ પુરુષાર્થ છે.

[8] અંતરના ભાવોને છાજે તેવો બહારનો દેખાવ હોવો જોઈએ. એટલે જેનું અંતર સાદું છે તેનો પહેરવેશ પણ ખાદી હશે. જેનું અંતર સ્વદેશી હશે તેનો પહેરવેશ પણ ખાદી હશે. જ્યાં સુધી જગતમાં મૂરખ અથવા તો અજ્ઞાની પડ્યા છે ત્યાં સુધી ધુતારાનો ધંધો ચાલ્યા જ કરશે… ઘઉં પવિત્ર અન્ન છે, તે સંન્યાસી પણ ખાય છે તેમ જ ચોર પણ ખાય છે. એ જ રીતે પવિત્ર ખાદી પાખંડી પણ પહેરે અને પુણ્યવાન પણ પહેરે. જેમ ખાદીને વિષે બધા ગુણોનું આરોપણ ન કરવું ઘટે તેમ ખાદીને પહેરનારા પોતાનાં અપલક્ષણોની ખાદીને વગોવે તેથી આપણે ભડકવાનું પણ નથી.

[9] ગીતા એ મહાભારતનો એક નાનકડો વિભાગ છે. મહાભારત ઐતિહાસિક ગ્રંથ ગણાય છે, પણ આપણે મન મહાભારત અને રામાયણ ઐતિહાસિક ગ્રંથ નથી પણ ધાર્મિક ગ્રંથ છે. તેને ઈતિહાસ કહીએ તો તે આત્માનો ઈતિહાસ છે અને હજારો વર્ષ પૂર્વે શું થયું તેનું વર્ણન નથી, પણ આજે પ્રત્યેક મનુષ્યદેહમાં શું ચાલી રહ્યું છે તેનો ચિતાર છે. મહાભારત અને રામાયણ બંનેમાં દેવ અને અસુરની – રામ અને રાવણની – વચ્ચે રોજ ચાલતી લડાઈનું વર્ણન છે…. ગીતાનો અર્થ શ્રીકૃષ્ણે અર્જુનને આપેલો બોધ એમ થયો…. આપણા દેહમાં અંતર્યામી શ્રીકૃષ્ણ ભગવાન આજે બિરાજે છે, ને જ્યારે જિજ્ઞાસુ અર્જુનરૂપે થઈને ધર્મસંકટમાં અંતર્યામી ભગવાનને પૂછીએ, તેનું શાસન લઈએ, ત્યારે તે આપણને આપવા તૈયાર જ છે. આપણે સૂતા છીએ. અંતર્યામી તો નિત્ય જાગતો છે. આપણામાં જિજ્ઞાસા થાય તેની તે વાટ જોઈને બેઠો છે.

[10] ગાયનું શુદ્ધ દૂધ સસ્તું મળી શકે એવો પ્રયત્ન વિશાળ પાયા પર થવો જોઈએ. ગાયની દૂધ દેવાની શક્તિ બહુ વધી શકે છે. ગાયના દૂધમાં ઘીની વૃદ્ધિ કરી શકાય છે. આ બધી વસ્તુને યુરોપમાં, મુખ્યત્વે ડેન્માર્કમાં, શાસ્ત્રરૂપે બતાવી છે. ત્યાંની ગાય આપણી ભેંસો કરતાં વધારે ઉત્તમ દૂધ આપે છે. વૈદો પાસેથી સાંભળ્યું છે કે, જે કેટલાક સૂક્ષ્મ રોગનાશક અને આરોગ્યવર્ધક ગુણો ગાયના દૂધમાં છે તે ભેંસના દૂધમાં હોતા નથી અને કોઈ પ્રકારે આવી શકતા નથી. ધર્મજ્ઞ પુરુષોના મુખેથી સાંભળ્યું છે કે ગાયનું દૂધ સાત્વિક છે, જ્યારે ભેંસનું દૂધ તામસી છે… એક હિંદુસ્તાનમાં ગાયને પૂજવામાં આવે છે છતાં અહીં ગાય અને તેનાં બચ્ચાં સામે જેવું વર્તન રાખવામાં આવે છે તેનાથી વધારે બૂરું વર્તન દુનિયામાં કોઈ પણ મુલકમાં રાખવામાં આવતું નહિ હોય.

[11] હું માત્ર એક જ ગુણનો દાવો ઈચ્છું છું – સત્ય અને અહિંસાનો. દૈવી શક્તિ ધરાવવાનો મારો દાવો નથી. તેવી શક્તિ મારે જોઈતી પણ નથી. ક્ષુદ્રમાં ક્ષુદ્ર માણસના જેવું માંસ-રુધિરનું ખોળિયું મને પણ મળ્યું છે અને તેથી ક્ષુદ્રમાં ક્ષુદ્ર પ્રાણીના જેટલો હું પણ દોષને પાત્ર છું. મારી સેવામાં પુષ્કળ ત્રુટિઓ છે, પણ એ બધી અપૂર્ણતા છતાં પરમેશ્વરે આટલા દિવસ મારી સેવાને અમીદષ્ટિએ જ નિહાળેલી છે. શરીરની સ્થિતિ અહંકારને લઈને જ સંભવે છે. શરીરનો આત્યંતિક નાશ એ મોક્ષ. અહંકારનો આત્યંતિક નાશ જેનામાં થયો છે એ તો સત્યની મૂર્તિ થઈ રહે છે…. તેથી ઈશ્વરનું રૂડું નામ તો દાસાનુદાસ છે.

[12] જિસસ, મહંમદ, બુદ્ધ, મહાવીર, નાનક, કબીર, ચૈતન્ય શંકર, દયાનંદ, રામકૃષ્ણ વગેરે હજારો માણસો ઉપર અત્યંત કાબૂ ધરાવતા હતા અને તેઓનાં ચારિત્ર્ય ઘડવામાં નિમિત્તભૂત થયા હતા. તેઓનાં જીવનથી જગત વધારે સંપન્ન બન્યું છે. આ બધાઓએ બુદ્ધિપૂર્વક દરિદ્રતાનો સ્વીકાર કર્યો હતો.

[13] મોટી જવાબદારીનો હોદ્દો ભોગવવાને સારુ અંગ્રેજી ભાષાનું કે બીજું ભારે અક્ષરજ્ઞાન હોવાની જરૂર હોય છે તેના કરતાં ઘણી વધારે જરૂર તો સચ્ચાઈ, શાંતિ, સહનશીલતા, દઢતા, સમયસૂચકતા, હિંમત અને વ્યવહારબુદ્ધિની હોય છે. આ ન હોય તો સારામાં સારા અક્ષરજ્ઞાનની સામાજિક કામમાં આનીભાર પણ કિંમત નથી હોતી.

[14] સંતોષપૂર્વક પવિત્ર રહીને, સત્ય જાળવીને, ગરીબીમાં ઘરસંસાર ચલાવવો, પરસ્ત્રીને મા-બહેન સમાન જાણવી. પોતાની સ્ત્રી સાથે પણ મર્યાદામાં રહીને જ ભોગો ભોગવવા. શાસ્ત્રાદિનો અભ્યાસ કરવો અને યથાશક્તિ દેશ સેવા કરવી, એ કાંઈ નાનીસૂની દીક્ષા નથી. દીક્ષાનો અર્થ છે આત્મસમર્પણ. આત્મસમર્પણ બાહ્યાડંબરથી નથી થતું. એ માનસિક વસ્તુ છે અને તેને અંગે કેટલાક બાહ્યાચાર આવશ્યક થઈ પડે છે. પણ તે જ્યારે આંતરશુદ્ધિ અને આંતરત્યાગનું ખરું ચિહ્ન હોય ત્યારે જ શોભી શકે. તે વિના તે કેવળ નિર્જીવ પદાર્થ છે.

[15] મારી માતૃભાષા ગમે તેવી અધૂરી હોય, તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં…. સૌ કોઈ સ્વીકારે છે કે, અંગ્રેજી આજે આખી દુનિયાની ભાષા બની છે, તેથી હું તેને નિશાળના નહિ, પણ વિદ્યાપીઠના અભ્યાસક્રમમાં મરજિયાત શીખવવાના વિષય તરીકે બીજી ભાષાનું સ્થાન આપું… મેં સાંભળ્યું છે કે મા-બાપ આપણા શિક્ષણક્રમથી કાયર છે. છોકરાને માતૃભાષા દ્વારા શિક્ષણ અપાય છે તે તેમને સાલે છે ! આ સાંભળી હું હસ્યો, દુઃખ તો પાછળથી થયું કે આ કેટલી બધી અધોગતિ ! મા-બાપને ભય છે કે છોકરાં અંગ્રેજી સારું નહીં બોલી શકે. ખરાબ ગુજરાતી બોલશે તે તેમને નથી સાલતું. ગુજરાતી ભણશે તો કેળવણી કાંઈક ઘરમાં પણ લાવશે એનો એમને વિચાર શેનો હોય ?

[કુલ પાન : 258 કિંમત રૂ. 200. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380 001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]