પ્રાણીઓની ઊંઘવાની આદતો – મેનકા ગાંધી

[‘જન્મભૂમિ’ અખબારમાંથી સાભાર. આપ લેખિકાનો (નવી દિલ્હી) આ સરનામે gandhim@parlis.nic.in પર સંપર્ક કરી શકો છો.]

છેલ્લાં ત્રીસ વર્ષ દરમિયાન હું કદી પાંચ કલાકથી વધારે ઊંઘી નથી. અમારાં લગ્ન થયાં ત્યારે અમારો પાળેલો આઈરિશ વુલ્ફહાઉન્ડ કૂતરો, જે કદમાં ગધેડા કરતાં થોડોક જ નાનો હોય છે તે સાથે આવીને સૂઈ જતો. મારા પતિના મૃત્યુ પછી અમારાં ત્રણ કૂતરાં મારા પલંગમાં સૂવા આવ્યાં છે. એમને થોડા કલાકો પછી ઊઠીને થોડું ફરવા જોઈએ. તેમની હલનચલનથી, ઊંઘમાં સ્વપ્ન જોતાં તેઓ પગ હલાવે તેનાથી જાગીને હું ઘણી વાર પથારીના એક ખૂણે ચાલી ગઈ હોઉં છું ને ફરી આરામથી સૂઈ જાઉં છું. હમણાં મને એક નવી ટેવ પડી છે. સૂવા માટે મારે અવાજ જોઈએ છે, તેથી મારું ટીવી આખી રાત ચાલતું રહે છે.

સૂવાની આવી વિચિત્ર ટેવ ફક્ત મને છે ? આપણે મનુષ્યજાતિના છીએ. આપણને 8 કલાકની ઊંઘ જોઈએ છે. પ્રાણીઓની તંદુરસ્તી માટે પણ ઊંઘ જરૂરી છે. તેમની ઊંઘની આદતો વિશે જાણીએ. સસ્તન પ્રાણીઓમાં જિરાફને સૌથી ઓછી 1.9 કલાકની ઊંઘ જોઈએ છે. તે એકસાથે પાંચ મિનિટથી વધારે ઊંઘતું નથી. બીજી તરફ કથ્થાઈ રંગનું ચામાચીડિયું (બ્રાઉન બેટ) દિવસના 19 કલાક ઊંઘે છે. (મારા કૂતરાની જેમ, તેઓ ફક્ત ખાવા, રમવા, લડવા અને અજાણ્યાઓનો પ્રેમ આકર્ષિત કરવા પૂરતાં જ જાગે છે !)

એશિયાનો હાથી 3.1 કલાક સૂએ છે, હરણ પણ. ગધેડો 4 કલાક, ચિમ્પાન્ઝી 11 કલાક, ખિસકોલી અને પાળેલી બિલાડી 12.5 કલાક અને સિંહ એકાદ કલાકથી વધારે સૂએ છે. કૂતરાને 13 કલાકની ઊંઘ જોઈએ. કૂતરાંને સૂતાં પહેલાં ચક્કર મારવાની ટેવ હોય છે. જંગલમાં તેઓ લાંબા ઘાસ કે બીજી વનસ્પતિને ખેંચી લાવી પથારી જેવું બનાવે છે. તેઓ ગાઢ નિદ્રામાં છે તેની ખબર તેમનાં પોપચાં પરથી, મૂછોના ભાગના સ્નાયુના અને પગના હલનચલન પરથી પડે છે. સામાન્ય બિલાડી 13થી 16 કલાકની ઊંઘ ખેંચે છે. આટલી લાંબી ઊંઘ લેવા છતાં તે કદી આખી રાત એકીસાથે સૂતી નથી, કેમ કે એ સમયે તેને શિકાર પણ શોધવાનો હોય છે. ચામાચીડિયાં ઊંઘા લટકે છે અને એ જ મુદ્રામાં ઊંઘે છે, તેઓ ઊંધાં એટલા માટે લટકે છે કે તેમની પાંખો નબળી હોવાથી તેઓ જમીન પરથી સીધા આકાશમાં ઊડી શકતાં નથી. લટકવાની મુદ્રામાંથી ઊડવું સહેલું પડે છે. તેમના પગના આંકડાવાળા નહોર એકબીજા સાથે ‘લૉક’ થઈ જાય છે, તેથી લટકવું તેમને માટે સુગમ છે.

બબૂન વાનરો ઝાડ પર સૂએ છે. આને લીધે ઊંઘમાં પણ તેઓ આક્રમકોથી સાવધ રહી શકે છે. ‘હેઝલ ડોરમાઉસ’ જાતિના ઉંદર ઝાડની પાતળી ડાળીને વળગીને સૂએ છે. ડાળીનું આકસ્મિક હલનચલન તેમને જોખમથી સાવચેત કરે છે. ચિત્તો પણ ઝાડ પર સૂએ છે. ગાય અને ઘોડા ઊભાં-ઊભાં ઊંઘે છે ને ઘણી વાર તો આંખ પણ ખુલ્લી રાખી ઊંઘી જાય છે. ઘણાં પક્ષીઓ પણ ઊભાં ઊભાં ઊંઘે છે કે પછી સળિયો કે ડાળ પકડીને સૂઈ જાય છે. ‘ફિઝન્ટ’ કે ‘પાર્ટ્રિજ’ જેવાં પક્ષીઓ જમીન પર સૂએ છે. ‘વૉટર ફાઉલ’ તરતાં તરતાં ઊંઘ ખેંચી લે છે. પોપટની અમુક જાત ઊંઘતી વખતે ઊંધી થઈ લટકે છે. ડૉલ્ફિન અને બીજા અમુક વિશાળકાય દરિયાઈ સસ્તન પ્રાણીઓ એક આંખ ખુલ્લી રાખી ઊંઘે છે તે વખતે તેમના મગજનો અડધો ભાગ જાગૃત હોય છે, જેથી શ્વસનક્રિયા ચાલુ રહે અને આક્રમણખોરો પર નજર રહે. ડોલ્ફિન તેની ઓછી ઊંઘ માટે જાણીતી છે. તેનું બચ્ચું જન્મે ત્યાર પછીના થોડા મહિના મા અને બચ્ચું ઊંઘતા જ નથી ! બતક જેવાં પક્ષીઓ પણ એક આંખ ખુલ્લી રાખીને અને અડધું મગજ જાગૃત રાખીને સૂએ છે. ‘માલાર્ડ’ લાઈનમાં સૂએ છે. છેડે રહેલા ‘માલાર્ડ’ સંત્રીનું કામ કરે છે જેથી વચ્ચે સૂતેલાં આરામથી ઊંઘી શકે. ‘સ્વાઈનશન્સ થ્રશ’ દિવસ દરમિયાન સેંકડો નાનાં ઝોકાં ખાય છે. યાયાવર પક્ષીઓ પોતાના ઉડ્ડયન દરમિયાન થોડી સેકન્ડો માટે ઊંઘી લે છે. ‘આલ્બેટ્રોસ’ પક્ષીઓ કલાકના 25 માઈલની ઝડપે ઊડતાં ઊડતાં પણ આવાં મીની ઝોકાં ખાઈ લે છે. (દારૂ પીધેલા પુરુષો પણ આવો પ્રયોગ ડ્રાઈવિંગ દરમિયાન કરે છે અને મોટે ભાગે નિષ્ફળ જાય છે !)

દરિયાઈ ઘોડો ઊંઘતાં ઊંઘતાં તરી શકે છે. તે પાણીની નીચે કે સપાટી પર ગમે ત્યાં ઊંઘી શકે છે. તે પાંચ મિનિટ સુધી શ્વાસ રોકી શકે છે, એ દરમિયાન એક ઝોકું ખાઈ લે છે. તેનાથી વધારે વાર ઊંઘવું હોય તો તે પોતાના શરીરમાં રહેલી ખાલી જગ્યાઓ (ફેરિંગલ્સ) હવાથી ભરી દે છે. તેના શરીરમાં 13 ગૅલન જેટલી હવા સમાય છે. તેનાથી તે લાઈફ જેકેટ જેવા હળવા બની, હવામાં નાક ઊંચું રાખી પાણીના તરંગો પર તરતા રહે છે અને ઊંઘતા રહે છે. હજુ વધારે સૂવું હોય તો તે પોતાના લાંબા દાંત બરફની શિલામાં ભરાવી દે છે કે પછી જમીન પર સૂવા ચાલ્યા જાય છે અને એકસાથે ઓગણીસ કલાક ઊંઘી જાય છે. તેને રોજરોજ સૂવા જોઈતું નથી હોતું અને તેઓ સતત ત્રણ દિવસ સુધી તરતા રહી શકે છે. હિપોપોટેમસ પણ પાણીમાં ઊંઘી શકે છે.

હવામાન બદલાય અને ખોરાકની સુલભતા ઓછી થાય ત્યારે શક્તિ બચાવવા ઘણાં પ્રાણીઓ લાંબી ઊંઘ ખેંચે છે. તેને માટે શિયાળામાં ‘હાઈબરનેશન’ નિષ્ક્રિયતા અને ઉનાળામાં ‘એસ્ટિવેશન’ એ શબ્દો વપરાય છે. ‘ડોરમાઉસ’ની નિષ્ક્રિયતા હાઈબરનેશન છ મહિના જેટલી હોય છે. જો શિયાળો લાંબો કે આકરો હોય તો આ અવધિ હજી લંબાય છે. સરકતાં પ્રાણીઓ પાનખરમાં નિષ્ક્રિય બને છે, પણ એ દરમિયાન તેઓ જાગી પાણી પી પાછાં સૂઈ જાય એવું ઘણી બધી વાર કરે છે. દેડકાં તળાવોના તળિયે કે બરફની સપાટીની નીચે આખો શિયાળો નિષ્ક્રિય બને છે. દેડકાંના શરીરમાં અમુક પ્રાકૃતિક ‘એન્ટિફ્રીઝ’ ક્રેઝ રસાયણો બનતાં હોય છે. ‘પુરવિલ’ નામનું પક્ષી અજબ રીતે નિષ્ક્રિય થાય છે. મહિનાઓ લાંબી નિષ્ક્રિયતા દરમિયાન તે પથ્થરો વચ્ચે પોતાને પૂરી દે છે. જાડી પૂછડીવાળું નાનું લેમર સતત સાત મહિના ઊંઘે છે.

ઘણા પ્રાણીઓ બગાસાં ખાય છે, પણ એ બગાસાં ઊંઘનાં જ હોય તેવું જરૂરી નથી. કૂતરું બગાસું ખાઈને પોતાનો પ્રેમ બતાવે છે. સિયામિઝ લડાકુ માછલી બીજી લડાકુ માછલીને જુએ ત્યારે બગાસું ખાય છે અને પછી આક્રમણ કરે છે. તે પોતાનું પ્રતિબિંબ જુએ તો પણ બગાસું ખાય છે. પેંગ્વિન સંવનન દરમિયાન બગાસું ખાય છે. સર્પ જમ્યા પછી જડબાંને આરામદાયક સ્થિતિમાં લાવવા માટે બગાસું ખાય છે.

બધાં પ્રાણીઓ ઊંઘે છે. આપણે શા માટે ઊંઘીએ છીએ તેનો અભ્યાસ 40 વર્ષ પહેલાં શરૂ થયો. એ અભ્યાસ મુજબ પ્રાણીઓ કેટલું ઊંઘે છે તેના પરથી તેઓ શિકાર છે કે શિકારી તે સમજાય છે. શિકાર હોય તે ઓછું સૂવાની ટેવ ધરાવતાં હોય છે, કારણ ઊંઘ તેમની સલામતીની દુશ્મન હોય છે. નાનાં સસ્તન પ્રાણીઓને મોટાં પ્રાણીઓ કરતાં વધુ ઊંઘ જોઈએ છે, કેમ કે તેમના શરીરમાં ચરબીનું પ્રમાણ ઓછું હોવાથી તેઓ શક્તિનો સંચય ઓછો કરી શકે છે. છતાં એક હકીકત બધાં જ પ્રાણીઓને લાગુ પડે છે કે ઊંઘ શરીરની શક્તિનું સંવર્ધન કરે છે. તેનાથી શરીરના કોષોને રિપૅર થવાનો સમય મળે છે. મગજને આરામ મળવાથી સ્મૃતિ અને સંકલનની શક્તિ વધે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હિંદ સ્વરાજના શિલ્પી : મહાત્મા ગાંધી – પ્રવીણ ક. લહેરી
ગાય તેનાં ગીત – ધ્રુવ ભટ્ટ Next »   

12 પ્રતિભાવો : પ્રાણીઓની ઊંઘવાની આદતો – મેનકા ગાંધી

 1. @ મેનકાબહેન,
  ખુબ સરસ અવલોકન કરેલુ છે આપે…દરેક વાક્ય મારા માટે નવુ છે.
  ખાસ કરીને મારા પ્રિય એવા કુતરા વિશેની વાતો વાંચવાની મજા આવી…

 2. Kamakshi says:

  Very interesting and informative. Thanks for such a unique artical

 3. MMARDAV VAIYATA says:

  ખુબ જ જ્ઞાન દાયક લેખ છે.

 4. વિવિધ પ્રાણીઓની ઉંઘવાની રીતો વિશે જાણી ખુબ મજા આવી. આવા બીજા જ્ઞાનવર્ધક લેખો મુકાય તો મજા આવે.

 5. Dipti Trivedi says:

  ઘણી અવ્નવી વાતો જાણવા મળી.—- યાયાવર પક્ષીઓ પોતાના ઉડ્ડયન દરમિયાન થોડી સેકન્ડો માટે ઊંઘી લે છે. ‘આલ્બેટ્રોસ’ પક્ષીઓ કલાકના 25 માઈલની ઝડપે ઊડતાં ઊડતાં પણ આવાં મીની ઝોકાં ખાઈ લે છે.—-આવી તો ખબર જ નહતી..
  વળી આવા લેખ વાર્તા સ્વરુપ ન હોવા છતાં રસિક હોય છે. આ લેખ બતાવે છે કે મેનકા ગાંધીએ પ્રાણીઓનો ખરેખર તલસ્પર્શી અભ્યાસ કર્યો છે.

 6. pradip shah says:

  બહુજ સરસ લેખ !

 7. Ami says:

  different!! I can see how usual reader and commenters are not writing here. I think everybody has their own interests.

 8. Chintan says:

  ખુબ મજાનો અને માહિતિસભર લેખ.

 9. કલ્પેશ says:

  પ્રાણીઓની દુનિયા વિષે બહુ ઓછા લોકો જાણે છે અને જાણવાનો પ્રયાસ કરે છે.
  સ્ટીવ અર્વીન (ક્રોક હંટર) જે હવે જીવીત નથી એ માનનીય છે જેઓએ મગર અને સર્પ વિષે ઘણુ જ્ઞાન બધાને આપ્યુ છે.

  • કલ્પેશ says:

   અમેરિકામા રહેતા લોકો “ધ ડોગ વ્હીસ્પરર” (the dog whisperer) નામનો પ્રોગ્રામ જુઓ તો જરુર ગમશે.
   જેમા એક માણસ શ્વાનની મનસ્થિતિ અને શ્વાનનુ વર્તન વ્યવ્સ્થિત કરી બતાવે છે.

 10. માહિતી સાથેનો લેખ.સરસ .

 11. nayan panchal says:

  મેનેકાજી, તમારા જેવી જ સૂવાની ટેવ મારા પૂજ્ય માતાશ્રીને છે. સૂવા માટે તેમને પણ ટીવી ચાલુ કરવુ પડે છે. સૂવામાં તો હું ચિમ્પાન્ઝી જેવો છું તે આજે ખબર પડી.. સૂતેલી અવસ્થામાં પણ જેઓ અર્ધજાગ્રત અવસ્થામાં હોય છે તેમને પ્રણામ. કેટલાક મનુષ્યોના મસ્તિષ્ક તો જાગ્રત અવસ્થામાં પણ પૂર્ણ સૂતેલા હોય છે.

  લેટેસ્ટ સફારીમાં સૌથી આળસુ પ્રાણી સ્લોથ વિશે ખૂબ જ સરસ મજાનો લેખ છે. આળસને શત્રુ સમજનાર લોકો ખાસ વાંચે.

  ઊંઘનુ સર્જન કરીને ભગવાને જીવમાત્ર પર ખૂબ કૃપા કરી છે. ઊંઘના શારીરિક કરતા માનસિક ફાયદાઓ કેટલા બધા છે !!

  ખૂબ આભાર,
  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.