ગાય તેનાં ગીત – ધ્રુવ ભટ્ટ

[‘ગાય તેનાં ગીત’ની નવી આવૃત્તિમાંથી કેટલાક ગીતો સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ શ્રી ધ્રુવભાઈનો (કરમસદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9426331058 અથવા આ સરનામે dhruv561947@yahoo.com સંપર્ક કરી શકો છો.]

[1]
બાર બાય બાર જેવી બાથરૂમો હોય અને પચ્ચી બાય ચોવીના ઓરડા
એવી મોટી મહેલાતુંને ટક્કર મારે તે મારાં ચાર પાંચ નળિયાનાં ખોરડાં
………………………………………………મારાં ચાર પાંચ નળિયાનાં ખોરડાં

ખોરડાંને આડ નહીં ફરતે દીવાલ નહીં નજરુંની આડે નહીં જાળિયું
તકતીમાં નામ જેવી ખોટી જંજાળ નહીં ચોપન દિશામાં એની બારિયું
બંધન ગણો તો પણે આંબલીના ઝાડ હેઠ છોકરાંએ ટાંગેલાં દોરડાં
………………………………………………મારાં ચાર પાંચ નળિયાનાં ખોરડાં

ઘરમાં બેસું ને તોયે સૂરજની શાખ દઈ ચાંદરણાં તાળી લઈ જાય છે
કેમનું જિવાય રીતે મરાય એવી વાયરાઓ વાતો કહી જાય છે
એક વાર ફફડે છે હોઠ અને ગહેકે છે ભીંતે ચિતરેલ બધા મોરલા
………………………………………………મારાં ચાર પાંચ નળિયાનાં ખોરડાં

[2]
ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ
જેવું કંઈ આપણી વિશે
આપણામાં કોઈ હળ જોડે કે કોઈ બે જણા જાય ભીંજાતા ખેતરો
ભણી જાય ભીંજાતાં વાવણી મિષે

આપણે તો આકાશ ભરીને આવવું અને છલકી જવું એવડું
વનેવન
નાગડા નાતાં છોકરાંને જોઈ થાય તો આખા ગામને એની જેમ
નાવાનું મન
હોય એવું તો થાય ગણીને આપણે તો બસ વરસી જાવું ગામને
માથે સીમને માથે, ઉગમણે આથમણી દિશે
ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ
જેવું કંઈ આપણી વિશે

સાવ ધોળાં કે સાવ કાળાં જેમ ચાહીએ એવા ફૂલ-ગુલાબી
રંગની રેલમછેલ
આપણી મોજે આપણાં ચિત્તર કાઢીએ એવું આયખું મળે
દેહની તૂટે જેલ
આપણામાંથી આપણે તો બસ નીકળી જાવું ઝરમરીને
કોઈ અજાણી ઝાકળ ઘેલી પાંદડી વિશે
ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ
જેવું કંઈ આપણી વિશે

[3]
એક દરવાજો ફરી ખોલ્યો અમે
હા સનાતન કાળ ઢંઢોળ્યો અમે

આ નિહાળો બ્રહ્મના વિસ્તારને
આંગળી પર શબ્દને તોળ્યો અમે

હા તમે, આકાશગંગા, સંચરો
લો વહો, બોલી કળશ ઢોળ્યો અમે

હે સજીવન સૃષ્ટિઓ જાગો હવે
ક્ષીરસાગર હાથ ઝબકોળ્યો અમે

મુજ સકળ નામો હવે ઓળખ બનો
તું તમે પેલાં બધાં ઓલ્યો અમે

કોક દિ’ પાછું સમેટીશું બધું
એક દરવાજો હશે ખોલ્યો અમે

[કુલ પાન : 88. કિંમત રૂ. 30. પ્રાપ્તિસ્થાન : ધ્રુવ ભટ્ટ, 1 ગોપાલ નગર, રેલ્વે સ્ટેશન રોડ, કરમસદ. આણંદ. ફોન : +91 2692 222662.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રાણીઓની ઊંઘવાની આદતો – મેનકા ગાંધી
વિવા-વાજન – ડૉ. ઈન્દુ રામબાબુ પટેલ Next »   

4 પ્રતિભાવો : ગાય તેનાં ગીત – ધ્રુવ ભટ્ટ

 1. manvant says:

  ચારપાઁચ નળિયાઁનાઁ ખોરડાઁ….ગમ્યુઁ. આભાર !

 2. Dipti Trivedi says:

  ગહન કાવ્યો.
  બીજી કવિતા ફરી ફરી વાંચીને તાગ મેળવવા પ્રયત્ન કર્યો. સ્વથી શરુ કરીને અફાટ પ્રકૃતિ સમા ફેલાઈને શાશ્વત ( દેહની તૂટે જેલ
  આપણામાંથી આપણે તો બસ નીકળી જાવું ) થઈ જવાની વાત છે એવુ મને લાગ્યું. જો આ કાવ્ય પાઠ્યપુસ્તકમાં હોય તો મોટા ભાગના શિક્ષક ગાઈડ પ્રમાણે જ ભણાવે.
  કવિતાની રચના કેવી હોઈ શકે તેનુ માર્ગદર્શન પણ મળ્યું.
  મૃગેશભાઈ,
  કેમનું જિવાય રીતે મરાય એવી વાયરાઓ વાતો કહી જાય છે——અહીં મને એક શબ્દ રહી ગયો હોય એમ લાગે છે.
  કેમનું જિવાય કેવી રીતે મરાય એવી વાયરાઓ વાતો કહી જાય છે. —-કદાચ એવુ ન પણ હોય .
  કઈ

 3. preeti dave says:

  એક દરવાજો ફરી ખોલ્યો અમે
  હા સનાતન કાળ ઢંઢોળ્યો અમે

  આ નિહાળો બ્રહ્મના વિસ્તારને
  આંગળી પર શબ્દને તોળ્યો અમે..

  ati sundar- arthapurn,,, har hamesh ni jem..

  Dhruvdada ne જેટલા વાઁચિયે એટલા ઓછા..જેટલા માણિયે એટલા ઓછાં.. અથવા તો એમ કહીયે કે યથાશક્તિ તેમ્ના લેખન નો આસ્વાદ લઈએ…

 4. nayan panchal says:

  ધ્રુવજીનુ પદ્ય પણ તેમના ગદ્ય જેવુ જ છે. ખૂબ જ ઊંડુ પરંતુ ઝટ ન સમજાય તેવું.

  ત્રીજી રચનામા પૂરેપૂરી સમજણ નથી પડતી.. શું તેમણે અહીં સર્જનહારની વાત કરી છે?

  ખૂબ આભાર,
  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.