વિવા-વાજન – ડૉ. ઈન્દુ રામબાબુ પટેલ

[આપણા પરંપરાગત લગ્નગીતો અને તેના ઢાળ સહિતના પુસ્તક ‘વિવા-વાજન’માંથી કેટલાક ગીતો આજે માણીએ. ચાર-પાંચ દાયકા પૂર્વે ગ્રામીણ નારીસમુદાય દ્વારા ગવાતાં લગ્નગીતો, ધોળમંગળ ગીતો અને લોકગીતોનો ભંડાર આ પુસ્તકમાં ભર્યો છે. તેમાં કુલ 437 ગીતોનો સમાવેશ થાય છે. આ ગીતો જુદી જુદી વિધિ પ્રમાણે જેમ કે સગાઈવિધિ, મંડપમુહૂર્ત, મોસાળું, પીઠી, લગ્નના વધામણાં, રાંદલ તેડવા, ઉકરડી નોતરવી, દીકરાનું ફૂલેકું, જાનપ્રસ્થાન, સામૈયાં, અલવો-કલવો, વરઘોડો, પોંખણાં, મંગળફેરા, વિદાયવેળા જેવા વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગુર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તકપ્રાપ્તિની વિગત લગ્નગીતોના અંતે આપવામાં આવી છે.]

[1] ભીંતે બેઠી ગરોળી

જેમ જેમ ગરોળી ચટકા ભરે, હાંહાં રે
તેમ તેમ કંચનવહુ લટકાં કરે, હાંહાં રે
કહો કંચનવહુ શા માટે………..હાંહાં રે
દેરી પરણે તે માટે………………હાંહાં રે

[ફરતાં ફરતાં સૌ વહુઓએ આ રીતે ગાવાનું. સૌજન્ય : ચંપાબેન સુતાર]

[2] બાજોઠ ઉપર સોગઠડાં મેલાવો

રે મેં તો કોડ્યે પગરણ આદર્યાં….
બાજોઠ ઉપર પરવાળાનાં પાસા રે મેં તો…
રમશે તે રમશે શાહપુર ગામનાં રાજા રે મેં તો….
રમશે રે રમશે વસંતભાઈ થઈ રાજી રે મેં તો…..
સામે તે રમશે મનુભાઈ વેવાઈ પાજી રે મેં તો….
જીત્યાં જીત્યાં વસંતભાઈ થઈ રાજી રે મેં તો….
હાર્યા હાર્યા મનુભાઈ વેવાઈ પાજી રે મેં તો…..
જીત્યાં ઉપર જાંગીનાં વગડાવો રે મેં તો….
હાર્યા ઉપર ગધેડાં ભૂંકાવો રે મેં તો…..

[ આ રીતે યથાયોગ્ય નામ મૂકીને ગાઈ શકાય. સૌજન્ય : બાલુબહેન પરમાર]

[3] નાણાવટી રે સાજન બેઠું માંડવે

જેવા ભરીસભાનાં રાજા એવા અમ્લાનભાઈનાદાદા,
નાણાવટી રે સાજન બેઠું માંડવે….
જેવા વીંટીમાંયલા આંકા, એવા વસંતભાઈના કાકા,
નાણાવટી રે સાજન બેઠું માંડવે….
જેવા હાર માંયલા હીરા, એવા શ્રીકાન્તભાઈના વીરા,
નાણાવટી રે સાજન બેઠું માંડવે….
જેવા અજોધાના રામ એવા શરદભાઈના મામા,
નાણાવટી રે સાજન બેઠું માંડવે….
જેવી ગુલાબની વેલી, એવી કિશોરભાઈની બહેની,
નાણાવટી રે સાજન બેઠું માંડવે….

[ આ રીતે યોગ્ય નામ જોડીને વધુ પંક્તિઓ બનાવી શકાય. સૌજન્ય : શાંતાબહેન પુ. પટેલ]

[4] પીળો પીળો તે વાનો મેં સૂણિયો રે

પીળો રે હળદરડીનો રંગ, સોય રે વાનો મેં નીરખિયો રે….
ગોરા વરરાજાને પીઠી ચોળશું રે, જેમ જેમ સાજન સંતોષાય… સોય રે….
રૂપ દેખી દુરીજન હૈડે બળે રે, દોખીડા દાઝીદાઝી જાય…. સોય રે….

લીલો લીલો વાનો મેં સૂણ્યો રે, લીલાં રે નાગર વેલનાં પાન… સોય રે….
દેશું તંબોળ રાયવરના મુખમાં રે, જેમજેમ સાજન સંતોષાય… સોય રે….

ભીનો ભીનો વાનો મેં સૂણિયો રે, ભીની રે કાજળ કેરી રેખ…. સોય રે…
આંજું રે રાયવરનાં રૂડાં નેણલાં રે, જેમ જેમ સાજનિયા સંતોષાય… સોય રે…
રૂપ દેખી દુરીજન હૈડે બળે રે, દોખીડા દાઝી દાઝી જાય… સોય રે….

રાતો રાતો તે વાનો મેં સૂણિયો, રાતા રે કાંઈ કંકુડાના રંગ… સોય રે…
રૂપાળા રાયવરને તિલ્લક તાણશું રે, જેમ જેમ સાજન સંતોષાય… સોય રે…
રૂપ દેખી દુરીજન હૈડે બળે રે, દોખીડા દાઝી દાઝી જાય…. સોય રે….

[સૌજન્ય : જયાબહેન ભુવા, શાંતાબહેન સોની.]

[5] ગાગર ઉપર બેઠો લીલો હંસ રે

કહો હંસરાજા કેમ કરી જાશો પરદેશ રે, આ કેમ કરી દરિયો ડોળશો રે ?
પાંખે તે ઊડી જાશું પરદેશ રે, આ ચાંચે તે દરિયો ડોળશું રે… ગાગર…

કહો રામચંદર કેમ કરી જાશો પરદેશ રે
આ કેમ કરી લાડડી લાવશો રે….
ઢોલ નગારે જાશું પરદેશ રે,
આ હરખે તે લાડડી લાવશું રે…..

કહો વસંતભાઈ કેમ કરી જાશો પરદેશ રે
આ કેમ કરી લાડડી લાવશો રે….
જાડી તે જાને જાશું પરદેશ રે
ગાજવાજે લાડડી લાવશું રે…..

ઢોલ ધડૂક્યે જાશું પરદેશ રે,
આ ધમકે લાડડી લાવશું રે…
લાવ લશ્કરીએ જાશું પરદેશ રે,
આ ગરથે લાડડી લાવશું રે…

[ આ રીતે વિવિધ સંબંધીઓના નામનો ઉપયોગ કરીને લંબાવી શકાય….. સૌજન્ય : ઈન્દુબા ચુડાસમા.]

[કુલ પાન : 354. (પાકું પૂઠું) કિંમત રૂ. 300. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380 001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગાય તેનાં ગીત – ધ્રુવ ભટ્ટ
તે અમે તો નથી ને – વિજયસિંહ ચાવડા Next »   

5 પ્રતિભાવો : વિવા-વાજન – ડૉ. ઈન્દુ રામબાબુ પટેલ

 1. harikrishna patel says:

  wah wah,maja avi gai

 2. Anila Amin says:

  પરમ્પરાગત ગીતો વાચવાની મજ આવી ગઈ

 3. બધા ગીતો તો મુકાઇ થોડા ! મજા પડી જાય.
  વ્રજ દવે

 4. manvant says:

  અધુરાઁ ગીતોથી અધુરો આનન્દ માણ્યો !

 5. Dipti Trivedi says:

  ડૉ. ઈન્દુ રામબાબુ પટેલ દ્વારા ઘણી મહેનતનું કામ થયું છે. હવે અમારામાં તો કોઈ ખાસ ગીતો ગાતું જ નથી. લગ્નની વિડિઓ/ ડીવીડી માં હોય છે તેમાં પણ અમુક જ ગીતો પુનરાવર્તિત થતા હોય છે. આ પણ એક સાહિત્યનો પ્રકાર છે અને તેનુ જતન થયેલું જોઈ આનંદ થયો.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.