તે અમે તો નથી ને – વિજયસિંહ ચાવડા

[‘ગુજરાત’ સામાયિક (દીપોત્સવી અંક)માંથી સાભાર.]

આપણે
એક સાથે
સપનાના જે ચણી દીધેલા મહેલ
કાળની થાપટો ખાઈખાઈને જે
આજે બની ગયા ખંડેર
તે
અમે તો નથી ને ?

તમે
ભર્યા સરોવરનાં કાંઠા
જે હીલ્લોળાતા જાય છલોછલ
હીલ્લોળાતી મૃદુ મત્ત લહેર.
ઉપર આસમાની તેજ ઝળાહળ
ભીતર આસમાની તેજ ઝળાહળ
ભીતર ધરબાયેલા વ્હેણ.
કમળ પાંદડીએ
સાવ અડોઅડ મોતીનાં અમીયલ હેત.
કુણા તડકાનાં’યે સ્પર્શ વગર
જે થઈ જાતું અદશ્ય સવારે
તે
અમે તો નથી ને ?

અજવાળી રાત્યુંમાં
મનના ગોરંભેલા વાદળ
કાંઈ વરસે અનરાધાર
નીંદર વિહોણી કાયાને વાગે ટકોરા
વાગે માઝમ રાત
પડખા ફરતી શૈયા પર
ચુવા થઈને દડી પડેલા જે
મોતી જેવા દાણા
અમે તો નથી ને ?

તમારી બંધ આખ્યુંમાં અફાટ
સહારાનું એક રણ
અડાબીડ વાંસવાને ઝંખતું
ઝંખતું લીલોછમ ટહૂકાર
તમારી એક જ નજરુએ
વાદળીઓમાં વિંધાતુ આકાશ
અમે તો નથી ને ?

તમે
પરસાળે ઢાળીને ઢોલિયા
ખેડો અતીતનું ઉંડાણ
તમને ગોટમોટ કરી ઢબૂરે કણસતી
એક વેદના
તે
અમે તો નથી ને ?

કમખે બાંધીને આઠે પ્હોર
તમે ઝંખ્યા’તા કોઈનાં હૃદય અડોઅડ
શ્વાસ
અંધારે
અધખુલ્લા દ્વાર પછવાડે
કોઈ હોય નહીં તો’યે છાના છપના
કોઈના ઊભા રહ્યાનો તમને ભાસ
તે
અમે તો નથી ને ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વિવા-વાજન – ડૉ. ઈન્દુ રામબાબુ પટેલ
ડંખીલો છે – ભગવતીકુમાર શર્મા Next »   

2 પ્રતિભાવો : તે અમે તો નથી ને – વિજયસિંહ ચાવડા

  1. nayan panchal says:

    ખૂબ જ સુંદર. લાગે છે કે તે અમે જ છે ઃ-(

    ઃ(

    આભાર,
    નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.