- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

ક્ષણોનાં શિલ્પ – હરિત પંડ્યા

[ ‘ક્ષણોનાં શિલ્પ’ લઘુકથા સંગ્રહમાંથી કેટલીક લઘુકથાઓ આપણે અગાઉ માણી હતી. આજે માણીએ કેટલીક વધુ કૃતિઓ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] પ્રગતિ !

શહેરમાંનું એનું કામ ધાર્યા કરતાં વહેલું પતી ગયું. હજુ એના ગામની બસને ઊપડવાને ઘણી વાર હતી. એણે પલ્લવને મળવાનું વિચાર્યું. પલ્લવને દેશમાં આવ્યે ત્રણેક મહિના થયા હતા, છતાં એનાથી મળી શકાયું નો’તું. એણે પલ્લવના ફલૅટ તરફ જતી બસ પકડી.

પલ્લવનો ફલૅટ જોઈને એ દંગ રહી ગયેલો. આરસ જડેલી ફર્શ, રજવાડી સ્ટાઈલનું ફર્નિચર, છતથી લટકતાં કલાત્મક ઝુમ્મરો… વિદેશમાં રહ્યો એ દરમિયાન એણે સારી પ્રગતિ કરી લાગે છે. પલ્લવનો આવકાર એને જરા મોળો લાગ્યો. ગામની નિશાળમાં એની સાથે ભણતો પલ્લવ ક્યાં અને ક્યાં આજનો….!
‘ચા પીવી છે કે કૉફી ?’ શરૂઆતની ઔપચારિકતાઓ પત્યા પછી પલ્લવે એને પૂછ્યું.
‘રહેવા દો ને યાર !’
‘પીવી હોય તો બોલ.’
‘તો ચા જ પીએ.’ ચા વિના રહી જવાશે એ બીકે તેણે ઝટ કહી દીધું.
‘નાસ્તો કરવો છે ચા સાથે ?’
‘ના…ના….’ એનાથી વિવેકમાં જ ના પડાઈ ગઈ.
‘તો તું જાણે. આવને, બાલ્કનીમાં જ બેસીએ.’

બન્ને પાછળની બાલ્કનીમાં આવ્યા. બાલ્કનીમાંનો હિંચકોય મજાનો હતો. એની પિત્તળની સાંકળો ઝગારા મારતી હતી. થોડી વારે પલ્લવની પત્ની ચા આપી ગઈ. પલ્લવે પરિચય કરાવ્યો હોત તો ભાભી સાથે બે-ચાર શબ્દો બોલવાની હિંમત કરત. ચાના ઘૂંટ ભરતાં ભરતાં એણે આજુબાજુ નજર દોડાવી. પલ્લવના ફલૅટથી સહેજ દૂર થોડા આંબા એની નજરે પડ્યા. ગામની શાળામાં ભણતા ત્યારની, ગામના આંબાવાડિયાંઓમાંની એમની રખડપાટો એને યાદ આવી ગઈ. કેરીઓના ભારથી લચી પડતી ડાળીઓ, કેટલીક તો એટલી નીચી કે ભોંય પર સૂતાં સૂતાંય હાથ લાંબો કરીએ તો થોડી-ઘણી હાથમાં આવી જાય. એ આંબાઓની ઘટામાં કોયલોનો વાસ. એમના ટહુકાઓથી આખો વગડો ગાજી ઊઠતો. કોયલોને શોધવા બન્ને મંડી પડતા ને એકાદી નજરે પડતી ત્યારે રાજીના રેડ થઈ જતા. પલ્લવ તો કોયલના ટહુકાની આબાદ નકલ કરતો. ક્યારેક તો એના ને કોયલના સંવાદો ક્યાંય સુધી ચાલતા રહેતા. ત્યારે કયો અવાજ પલ્લવનો અને કયો કોયલનો, એ કહેવું અઘરું થઈ પડતું.

‘બેસવાની જગા સરસ છે.’ એણે ચાનો કપ ખાલી કરતાં કહ્યું.
‘હા. નવરો પડું ત્યારે અહીં જ બેસું છું.’
‘ચાલ જાઉં ત્યારે ?’
‘બસ ! રોકાવું નથી ?’
એને કશુંક કહેવાનું મન થઈ આવ્યું, પણ પછી માંડી વાળ્યું. થોડી વાર પછી એણે કહ્યું, ‘આવીશ ફરી ક્યારેક નિરાંતે લઈને. તુંય ભાભીને લઈને આવજે.’
‘ટાઈમ જ ક્યાં મળે છે ?’ પલ્લવે કહ્યું.
એ હિંચકેથી ઊભો થયો. બાલ્કનીમાંથી રૂમમાં પ્રવેશતાં એની નજર બારીની ફ્રેમ પાસે પડેલા થોડા પાણા પર પડી.
‘આ કેમ ? અહીં પણ વાંદરાઓનો ત્રાસ ખરો કે ?’
‘ના. વાંદરાં તો નથી. પણ પેલા આંબાઓ પરની કોયલો સવારના પાંચ વાગ્યાથી કાગારોળ મચાવીને અમારી ઊંઘમાં ખેલલ પહોંચાડે છે.. તે એમને ઉડાડવા આ પાણાઓ….’
સાંભળતાં જ એણે હળવો આંચકો અનુભવ્યો.
થોડી વારે સ્વસ્થ થઈ એ ફલૅટની બહાર આવ્યો અને બસ-સ્ટૅન્ડ ભણી ચાલવા માંડ્યો.

[2] મારે પક્ષે

રિંકુનાં મમ્મી-પપ્પા એને એનાં કાકા-કાકી પાસે મૂકીને વિદેશ ઊપડી ગયેલાં, બેયને ત્યાં, નાની-મોટી નોકરીય મળી ગયેલી. સ્કૂલમાં મોકલવા માટે રિંકુ નાનો હતો. ને બેબી-સિટિંગનો ખર્ચ તો, એનાં મમ્મી-પપ્પાને વિદેશમાં કેમનો પોષાય !

દિવસમાં એકાદ વાર તો રિંકુ અમારી ખબર લેતો જ રહે. શાંતાને તો એ આવતાંની વારમાં બાઝી જ પડે.
‘આ કોનાં બા છે ?’ હું ક્યારેક એને પૂછું.
‘મારાં…’ એ ફટ જવાબ આપી દેવાનો.
‘ના, એ તો મારાં બા છે.’ હું એને પજવવા કહું. એ સાથે જ એ ભેંકડો તાણતો.
‘સારું, સારું, એ તારાં બા છે, બીજા કોઈનાં નહીં. બસ ?’ શાંતા પરનો એનો અબાધિત એકાધિકાર મારે માન્ય રાખ્યે જ છૂટકો થાય. શાંતા એને રોજ શિંગ, ચણા, મમરા જેવું કંઈક આપતી રહે. ક્યારેક એ ‘પાર પાર’ પણ કહી દે. ઘરમાં કદી એને આપવા લાયક કશું ન હોય ત્યારે એ મુશ્કેલી ઊભી ન કરે એવી ગણતરીએ. શાંતા ‘પાર પાર’ કહે ત્યારેય એ કશી જિદ્દ ન કરે. એના નાસ્તાની વાટકી લઈને એ મારી પાસે આવે અને મારા ખોળામાં બેસીને નાસ્તો ઉડાવતો રહે. એ આવે એટલે મારે મારું વાંચવા-લખવાનું ઊંચું મૂકી દેવું પડે. ખાતાં ખાતાં એ વાતે વળગે.
‘દાદા, તમારે ત્યાં ટીવી નથી ?’
‘ના.’ હું એને પજવવા જ ના કહું.
‘ઘડિયાળ પણ નથી ?’
‘ના ભૈ.’
‘પંખો છે ?’
‘એય નથી.’
મારા જવાબો સાંભળીને એ મારી સામે જુએ અને હસે. એના કાકાને એક ખાનગી પેઢીમાં નોકરી, ને કાકીને એનાં પોતાનાં બે બાળકો, તે રિંકુ સાથે માથાઝીંક કરવાનો સમય બેમાંથી એકેને ક્યાંથી મળે ?

ક્યારેક તો એ દોડતો આવીને મારે ગળે વીંટળાઈ જાય, ને પછી રટવાનું શરૂ કરી દે, ‘મારા દાદા છે આ તો…’ એ સાથે જ મારા હાથ પણ એના નાનકડા શરીર ફરતે વીંટાઈ જાય. એને છાતી સરસો જડી દઈને હું એને માથે હાથ ફેરવતો રહું. એક વાર એણે મને પૂછી નાખ્યું :
‘દાદા, તમારે ઘેર રિંકુ નથી ?’
એના પ્રશ્ને, દૂર દેશાવરમાં રહેતા પૌત્રનું સ્મરણ તાજું થઈ આવ્યું. એ સાથે જ બન્ને આંખોમાં ભીનાશ લીંપાઈ ગઈ. રિંકુએ ફટ મારી સામે જોયું.
‘દાદા, તમે રડો છો ? આટલા મોટા છો તોય ! ચાલો છાના રહી જાઓ. આજથી હું તમારા એકલાનો રિંકુ, બીજા કોઈનો નહીં.’ એ સાથે જ મેં એને ઊંચકી લીધો ને મારા બાહુપાશમાં જકડી લીધો. મારા બાહુઓમાં એ એનાં માતા-પિતાની હૂંફ માણી રહ્યો..
તો મારા પક્ષે, હુંય…..

[3] એનું એ

નિશીથની બદલી ભુજ થઈ છે એની જાણ થતાંની વારમાં નિમિષાનું મોં લેવાઈ ગયેલું. જે દિવસે નિશીથને જવાનું હતું એ આખો દિવસ નિમિષાની આંખો ઝરમરતી રહેલી. નિશીથને સ્ટેશને મૂકીને ઘેર આવ્યા પછી પલંગમાં પડીને એ ક્યાંય સુધી રડ્યા કરી. ત્યાં બારણું ખખડ્યું. એણે પાલવના છેડાથી મોં લૂછી નાખ્યું અને બારણું ઉઘાડ્યું.
‘આવો ઈલાબહેન.’ એણે બાજુમાં રહેતી એની બહેનપણીને આવકારી.
‘મૂકી આવ્યાં સ્ટેશને નિશીથભાઈને ?’
‘હા.’ કહેતાં એણે ફરી મોં પર પાલવ ફેરવી લીધો.
‘હવે થોડું એકલું એકલું લાગવાનું. શરૂમાં તો અઘરું લાગશે.’
‘શું કરીએ ? દીકરીનું બારમાનું વર્ષ ન હોત તો અમેય એમના ભેગાં ભુજ ઊપડી ગયાં હોત.’
‘ભુજ તો છેક રાત્રે પહોંચવાનાં, નહીં ?’
‘હા, હજુ તો અડધેય નહીં પહોંચ્યા હોય.’ એણે કહ્યું.
‘ત્યાં કોઈ ઓળખીતું કે સગું ખરું કે ?’ ઈલાબહેને પૂછ્યું.
‘ના. હમણાં તો એકાદ હોટલમાં ઊતરશે. જોકે, હૉટલમાં એમને ઝાઝું નહીં ફાવે. તમને તો ઈલાબહેન એમનો સ્વભાવ ખબર છે ને ! એ તો ધીમે રહીને એકાદ મકાન ભાડે રાખી લેશે, ત્યાં એકલા રહેવાનું એમને અઘરું તો પડવાનું. ઑફિસનું કામ, ઉપરાંત ઘરનું… કેમના પહોંચી વળવાના ? થોડું રાંધતાં આવડે છે એટલું સારું છે.’

‘એ તો, કોઈ ઘરકામ કરનારું મળી જાય તો વાંધો ન આવે.’
‘હા, પણ એમને કામવાળીનું કામ અનુકૂળ નહીં આવે તો ! આ હું કેટલી કાળજી રાખું છું ! તમે જુઓ છો ને. તોય મને ટોક્યા વિના એમનાથી રહેવાતું’તું ? એમના આવા સ્વભાવને લીધે તો કોઈ કામવાળી મારે ઘેર ઝાઝું ટકતી નથી. ક્યારેક દાળ-શાકમાં જરા સરખુંય મરચું-મીઠું ઓછું-વત્તું પડી ગયું હોય ત્યારે મારું આવી બનતું. દિવસમાં એકાદ વાર તો મને રડાવે જ.’ એણે કહ્યું.
‘હું ક્યાં નથી જાણતી !’ ઈલાબહેને કહ્યું.
‘બાકી એમને અમારે માટે લાગણી ખૂબ. મને કે દીકરીને સહેજ તાવ જેવું જણાય ત્યારે એવા આકળવિકળ થઈ જાય ! અમને ડૉક્ટર પાસે લઈ જવાની જિદ્દ લઈને બેસે, એ તો હું કહું, કે સીઝન બદલાય એટલે શરદીય થાય ને તાવેય આવે. ત્યારે માંડ એમની જિદ્દ છોડે. એકાદ દિવસથી વધારે, મને કે દીકરીને તાવ રહે ત્યારે ઑફિસમાંથી રજા લઈ લે, ને અમને પલંગમાંથી ઊઠવાની મના ફરમાવી દે. ભુજથી આવશે ત્યારે, જોજો ને, મારે ને દીકરી માટે કેટલુંય લેતા આવશે.’ કહેતાં એની આંખો ફરી ચૂવા લાગી.
‘એટલે નિમિષાબહેન, તમારે તો નિશીથભાઈ ઘેર હોય તોય અને ન હોય તોય, એનું એ.’ ઈલાબહેને કહ્યું.

[ કુલ પાન : 194. કિંમત રૂ. 110. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર સાહિત્ય ભવન. રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]