- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

બુઢાપો અને બાળપણ – દિનકર જોષી

[‘અખંડ આનંદ’ (સપ્ટેમ્બર-2010)માંથી સાભાર. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ આદરણીય શ્રી દિનકરભાઈનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે dinkarmjoshi@rediffmail.com અથવા આ નંબર પર +91 9969516745 સંપર્ક કરી શકો છો.]

‘બુઢાપો અને બાળપણ બંને સરખાં….’ આવું વાક્ય વહેવારમાં આપણે છૂટથી બોલીએ છીએ. આવું વાક્ય ન સાંભળ્યું હોય એવો ભાગ્યે જ કોઈ ગુજરાતી હશે. અહીં વપરાયેલો બુઢાપો શબ્દ વરિષ્ઠતાની અવમાનના કરવા માટે નથી. બુઢાપો એ કાળક્રમની એક અવસ્થા છે. આ અવસ્થાને જો ઘરડા જેવા શબ્દથી ઓળખીએ તો આ ઘરડાપણામાં દેહના અને મનના ઘસાઈ ગયેલા અંશો તરફ અંગુલીનિર્દેશ છે. બુઢાપામાં આવો અંગુલીનિર્દેશ નથી એવું નથી પણ એમાં વૃદ્ધાવસ્થાની ગરિમા પણ અભિપ્રેત છે. જ્યારે કોઈ વૃદ્ધ માણસ એવું કહે છે કે મારા વાળ તડકામાં તપીને સફેદ નથી થયા પણ અનુભવોને આત્મસાત કરીને થયા છે ત્યારે એને એના વાળની સફેદીનું ગૌરવ છે એવો જ સંકેત મળે છે. યથાસમયે થયેલા સફેદ વાળ મહિમામંડિત છે, પ્રાકૃતિક છે અને કેટલાક સામાજિક અધિકારો માટેનો એ પાસપૉર્ટ પણ છે.

આ બુઢાપાને બાળપણ સાથે જે રીતે સરખાવાયું છે એ થોડુંક સમજવા જેવું છે. દૈહિક રીતે બાળપણમાં દાંત ન હોય અથવા જે દાંત હોય એ પણ દૂધિયા દાંત હોય. બુઢાપામાં પણ દાંત જતા રહે અને જે કંઈ બચ્યા હોય એ નબળા પડ્યા હોય અથવા દાંતનું ચોકઠું આવી ગયું હોય. બાલ્યાવસ્થામાં જાતજાતનું, ભાતભાતનું અને નિત્ય નવું નવું ખાવાનો શોખ રહેતો હોય છે. વૃદ્ધાવસ્થામાં પણ માણસની સ્વાદવૃત્તિ તેજ થઈ જતી હોય છે. બાળકની સ્વાદવૃત્તિને અંકુશમાં રાખીને એને એ જે માંગે તે બધી ખાદ્યસામગ્રી એનાં માતાપિતા આપતાં નથી. એની પાચનશક્તિ અને સ્વાસ્થ્યને લક્ષમાં રાખીને જે કંઈ એને પથ્ય છે એવું જ અને એટલું જ એને આપવું એમાં ડહાપણ છે. પાછલી ઉંમરમાં ડાયાબીટિસ થયો હોય તોય મિષ્ટ પદાર્થો માટે હોઠ ઉપર જીભ ફેરવ્યા કરતા વડીલોને આપણે બધાએ જોયા છે. ઘરના અન્ય પરિવારજનો વડીલનું સ્વાસ્થ્ય લક્ષમાં લઈને એમને ગળ્યા કે તળેલા પદાર્થો ખાતા રોકે ત્યારે ઘણા વડીલોને ઓછું આવી જતું હોય છે. એટલું જ નહિ મેં એવાય વડીલો જોયા છે કે જેઓ સ્વાસ્થ્યને હાનિકારક હોવા છતાં આવા પદાર્થો સહુની નજર ચૂકવીને છાનામાના ખાઈ લેતા હોય છે. બાળક પણ આમ જ કરે છે.

બાળકને બહાર હરવા-ફરવામાં માતા-પિતાએ વિશેષ ધ્યાન આપવું પડે છે. બાળક ક્યાંય પડે આખડે નહિ, ક્યાંય વાહનની અડફેટે આવી ન જાય, કોઈ જગ્યાએ અકારણ કુતૂહલ વૃત્તિથી ઈજા ન પામે આ બધું ધ્યાન રાખવું પડે છે. આ બાળસહજ વૃત્તિના પ્રમાણમાં વડીલો વધુ સમજદાર જરૂર હોય છે પણ કેટલાક વડીલો મનોમન, પોતે વડીલ થઈ ચૂક્યા છે એ પ્રાકૃતિક નિયમનો સ્વીકાર કરી શકતા નથી. સીલિંગ ફેન, ઈલેક્ટ્રિક, કનેકશન, નળની પાઈપ લાઈનો આવા આવા રિપૅરિંગ માટે ઊંચા ટેબલ ઉપર ચડવું, ડગમગતી સીડી ચડીને ઉપર જવું, પાઈપ રિપૅરિંગ માટે ખોદેલા ખાડામાં ઊતરવું, આવાં કામોમાં વડીલો પોતાની શક્તિનું માપ કાઢવામાં ઘણી વાર ખત્તા ખાઈ જતા હોય છે. આમ આ મુદ્દે પણ વધતા ઓછા અંશે બાલ્યાવસ્થા સાથે એનું સામ્ય તો છે જ.

પણ બુઢાપો અને બાળપણ બેય એકસરખાં છે એવી જે અનુભવ વાણી ઉચ્ચારાય છે એ કંઈ માત્ર શારીરિક અવસ્થાને જ લક્ષમાં રાખીને કહેવાઈ નથી. બાળક કેટલીક વાર પોતાનું ધાર્યું ન થાય ત્યારે જીદ કરે છે, હઠીલું થઈ જાય છે અને મોટે મોટેથી આક્રોશ પણ વ્યક્ત કરે છે. વધતી જતી વયને કારણે શારીરિક ક્ષમતામાં જે ઓટ આવતી જતી હોય છે એને કારણે કેટલાક વડીલોમાં પણ, જેને આપણે જીદ ભલે ન કહીએ પણ આગ્રહ તો અવશ્ય પ્રવેશી જતો હોય છે. આગ્રહ એ કેટલીક વાર જીદનું જ સૌમ્ય સ્વરૂપ હોય છે. બે-ચાર વાર આગ્રહ કર્યા છતાં જો એમાં સંતુષ્ટિ ન મળે તો એ જીદ બની જતો હોય છે. આવી જીદને શક્ય હોય ત્યાં સુધી વડીલે રોકવી જોઈએ. વડીલ એક કે બે વાર પોતાની ઈચ્છા વ્યક્ત કરી દે, ચોક્કસ પરિસ્થિતિ વિશેનો પોતાનો અભિપ્રાય આપી દે, ક્યાં શું કરવું જોઈએ અને ક્યાં શું ન કરવું જોઈએ એ વિશે યથાશક્તિ, યથામતિ પોતાનો મત પણ પ્રદર્શિત કરવો જોઈએ. એ પછી એને આગ્રહની સીમારેખા ઓળંગીને જીદના પ્રદેશમાં પ્રવેશ ન થઈ જાય એની તકેદારી રાખવી જોઈએ. બાળક જ્યારે આવી જીદ કરે છે ત્યારે એની જીદ અલ્પજીવી હોય છે. થોડા જ સમયમાં બીજી કોઈક દિશામાં એનું ચિત્ત દોરવાઈ જાય છે અને પેલી જીદની વાત એ સદંતર ભૂલી જાય છે. વડીલોએ બાળક પાસેથી આ લક્ષણ શીખવા જેવું છે.

બાળકના માનસિક સ્તરો હજુ પ્રમાણમાં નિર્ભેળ હોય છે. વડીલો પાસે વર્ષોથી જામી ગયેલા અપાર માનસિક સ્તરો પડ્યા હોય છે. આના કારણે એમનાથી બાળકની જેમ ઝડપથી વિસ્મૃતિના પ્રદેશમાં દાખલ થઈ શકાતું નથી. આ મર્યાદા હોવા છતાં વડીલોએ જીદના પ્રદેશમાંથી બને ત્યાં સુધી પોતાની જાતને ઉગારી લેવી જોઈએ. બાળકને નારાજ થઈને હાથપગ પછાડતું કોણે નથી જોયું ? કશુંક ખાવા માટે, કશુંક નહિ ખાવા માટે, કોઈક પદાર્થ પ્રાપ્તિ માટે, ટી.વી. ઉપર કશુંક ચોક્કસ જોવા માટે, ચોક્કસ વસ્ત્ર પહેરવા કે ન પહેરવા માટે, આમ વિવિધ રીતે બાળકને વાંધો પડી જતો હોય છે. કેટલાક બાળકો પ્રકૃતિએ શાંત હોય છે એટલે પોતાને અણગમતી લાગતી વાત પણ મમ્મી પપ્પાના કહેવાથી મોં ફુલાવીને સ્વીકારી લે છે પણ બધાં બાળકો આવા હોતા નથી. તેઓ પ્રતિકાર કરે છે, રડે છે, હાથપગ પછાડે છે, બાચકાં ભરે છે. હાથમાં જે કંઈ હોય એનો ઘા કરે છે…. આમ એ પોતાની તમામ શક્તિથી રોષ વ્યક્ત કરે છે. પણ સમજુ મા-બાપ એના રોષને થોડી જ મિનિટોમાં બીજી દિશામાં વાળી દે છે. અચાનક કોઈ અણધારી વાત કરીને એનું ધ્યાન અન્યત્ર ખેંચી લે છે અને આ નવી દિશામાં પેલું બાળક આગલી વાત તદ્દન ભૂલી જાય છે. થોડી વાર પહેલાં જેની સાથે એણે ઝનૂનપૂર્વક હાથાપાઈ કરી હતી એની આંગળી પકડીને તરત જ રમવા માંડે છે. ક્રોધનો આવેશ શમી જાય છે.

બુઢાપાએ પણ બાળપણ પાસેથી આ વાત શીખવા જેવી છે. ક્યારેક ક્રોધ સવાર થઈ જાય છે, ક્યારેક વિષાદ વ્યાપી જાય છે, ક્યારેક અવસાદમાં ચિત્ત ડૂબી જાય છે. ઘરમાં પડોશમાં કે સમાજમાં હવે એવું કેટલુંય બને છે કે જે આપણને ગમતું નથી, આપણે જેને વાજબી પણ માનતા નથી. એટલું જ નહિ, પણ જે પાયાના મૂલ્યનિષ્ઠ સિદ્ધાંતોથી સાવ ઊતરતું છે એની પણ આપણને ગળા સુધી ખાતરી હોય છે અને આમ છતાં એને બનતું રોકી શકાતું નથી. એવું પણ બને છે કે તમે જેને પાયાની મૂલ્યનિષ્ઠ વાત માનો છો એ જ વાત બદલાયેલાં મૂલ્યોને કારણે પાયામાંથી જ બદલાઈ ગઈ હોય. હજુ તો શાળાનું શિક્ષણ પણ જેમણે પૂરું ન કર્યું હોય એવાં ચૌદ કે પંદર વર્ષના છોકરા છોકરીઓ મોબાઈલ અને મોબાઈલ સાથે વળગેલાં દોરડાંઓને કાનમાં ખોસીને ફરતાં હોય છે ત્યારે હવે તમારે સ્વીકાર કરવો જોઈએ કે મૂલ્યો ધરમૂળથી બદલાઈ ગયાં છે. મારા અત્યંત અલ્પજીવી કૉલેજ કાળની એક ઘટના મને યાદ આવે છે. સ્લીવલેસ કહી શકાય એવું બ્લાઉઝ પહેરીને એક મોટા ઘરની કન્યા જ્યારે કૉલેજમાં આવતી ત્યારે એ ભારે મોટું જોણું બની જતી. એના પ્રત્યે અણગમાથી જોવામાં આવતું. એટલું જ નહિ, કૉલેજના વાર્ષિક મેળાવડામાં પરસ્પરની જાહેર મશ્કરી કરવાનો ‘ફીશ પોન્ડ’ નામનો જે કાર્યક્રમ યોજાતો હોય છે એમાં આ કન્યાને અર્ધો વાર કાપડની ભેટ આપવામાં આવી હતી. સંકેત સાફ હતો. સ્ત્રીઓએ બાંય ખુલ્લી ન રાખવી જોઈએ. હવે જો આ જ ‘ફીશ પોન્ડ’ની રમત આજે રમવા જઈશું તો હિંદુસ્તાનની બધી મિલોનું કાપડ કદાચ આપણે ભેટ રૂપે કરોડો કન્યાઓને વહેંચવું પડે એવી પરિસ્થિતિ છે. એ જ રીતે, આખી કૉલેજમાં એક જ કન્યા પોતાના હોઠ ઉપર લિપ્સ્ટીક લગાડીને આવતી હતી. સૌંદર્યનું આ પ્રસાધન ત્યારે હજુ સન્માન્ય બન્યું નહોતું. આખી કૉલેજ ખાનગીમાં ત્યારે એને ‘a lady with lipstick looks like a letter box’ આવું કહીને એની મજાક કરતા. હવે આજે જે સૌંદર્ય પ્રસાધનોનો કેટકેટલા અંગો ઉપર કેટલા પ્રમાણમાં વિનિયોગ થાય છે એ જોઈએ તો 1955ની પેલી મૂલ્યનિષ્ઠા બદલવી જ પડે.

આ બધું લક્ષમાં લેતા પ્રત્યેક વડીલે પેલા બાળક જેવા જ બનવું પડશે. એમણે પોતાનું ધ્યાન જાતે જ બીજે આકૃષ્ટ કરવું પડશે. બાળક પાસેથી જે સહુથી મોટી શીખવા જેવી વાત છે એ એની નિર્દોષતા છે. સમાજે પેદા કરેલાં કોઈ પણ દૂષણોનો હજુ એને સ્પર્શ થયો હોતો નથી. મોટા ઘરના પરિવારજનો પોતાના માની લીધેલા સંસ્કારોને કારણે પોતાના બાળકોને, પોતાના નોકરોનાં બાળકો સાથે રમતાં રોકે છે. એટલું જ નહિ, પડોશના કે શેરીના અન્ય બાળકોના સંસ્કારો હીણા છે એવું માનીને બાળકોને ટપારતાં હોય છે – ‘જો જે આની સાથે નહિ રમવાનું, પેલાની સાથે નહિ રમવાનું, જેની તેની ભાઈબંધી નહિ કરવાની વગેરે. બાળકને આ પ્રતિબંધો સમજાતા હોતા નથી. એને ખેલ-પ્રવૃત્તિની નિર્દોષતામાંથી આપણે દૂષિત હવામાનમાં લઈ જઈએ છીએ. આમ છતાં આવું બાળક જ્યારે મોકો મળે છે ત્યારે ધર્મ, ભાષા, જ્ઞાતિ, સામાજિક દરજ્જો, કશુંય ખ્યાલમાં લીધા વિના જે રીતે હળીમળીને આનંદ માણે છે એ દશ્ય જોવા જેવું હોય છે.

સમાજમાં વાડાઓ નથી એવું નથી. ધર્મ, ભાષા કે જ્ઞાતિના વાડાઓ ઉપરાંત અનેક પૂર્વગ્રહો આપણા મનમાં હોય છે. હવે આ પૂર્વગ્રહોને ઓગાળી નાખવાનો અવસર વડીલોને મળ્યો છે. પૂર્વગ્રહ પ્રેરિત જે કંઈ દૂષિત માન્યતાઓ પ્રાણમાં પ્રતિષ્ઠિત થઈ ગઈ હોય એને હળવી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોય છે. પૂર્વગ્રહો, અનુભવોને કારણે ઘડાયા હોય છે એ સત્યનો સ્વીકાર કરીએ તો પણ, આવા અનુભવો વ્યક્તિગત હોય છે એ ભૂલવું ન જોઈએ. પૂર્વગ્રહો જેટલા વધુ દઢ હોય છે, માનસિકતા એટલી જ વધુ બંધિયાર થઈ જતી હોય છે. બાળક પૂર્વગ્રહ રહિત હોવાને કારણે એનામાં નિર્દોષતા છે. હવે વડીલોએ બને ત્યાં સુધી આવી નિર્દોષતાનો સંગાથ કરવાની કોશિશ કરવી જોઈએ.

પચ્ચીસથી પિસ્તાળીસ વચ્ચેના વય જૂથનાં જે સ્ત્રી-પુરુષો આજે સમાજમાં કાર્યરત છે એમનું માનસ વધુ ને વધુ પદોન્નતિ, ધન-પ્રાપ્તિ, પ્રતિષ્ઠા અને શક્ય હોય તો સત્તા સુદ્ધાં પ્રાપ્ત કરી લેવાં એવું થઈ ચૂક્યું છે. હવે, પૈસાથી બધું જ પ્રાપ્ત થઈ શકે છે એવી એક ઘેલછા સર્વવ્યાપક થઈ ચૂકી છે. આ બધું મેળવવા માટે સ્ત્રી-પુરુષોની આ પેઢી પોતાનાં સંતાનોને સુદ્ધાં બૅંકની પાસબુકથી જ મૂલવે છે. પોતાનાં સંતાનોને મોંઘા ભાવના રમકડાં અપાવી દેવાથી, એમને જરૂરી હોય એ કરતા સંખ્યાબંધ વધુ વસ્ત્રોથી લાદી દેવાથી, એમને મોંઘામાં મોંઘી શૈક્ષણિક સંસ્થામાં દાખલ કરી દેવાથી અને છેલ્લે આયાના હાથમાં સોંપી દઈને એમની સંભાળ લેવાથી પોતે ભારે મોટી જવાબદારીનું વહન કરી લીધા હોવાનો સંતોષ મેળવે છે. કેટલીક વાર તો, મોટી ઉંમર સુધી બાળકો થાય જ નહિ એવા અણસમજુ પ્રયત્નો પણ કરે છે તો કેટલીક વાર ભૂલેચૂકેય બાળક પોતાના આગમન વિશે દરવાજે દસ્તક દે છે ત્યારે એને તબીબી સહાયથી વિદાય કરી દેવામાં આવે છે. આમાં ક્યાંય માતાપિતા તરીકે જવાબદારીનું વહન થતું નથી ઊલટું એનું હનન થાય છે. આ પાયાનું સત્ય પણ પચ્ચીસથી પીસ્તાળીસ વચ્ચેની વય જૂથનાં માતાપિતાઓ સમજી શક્યાં નથી. જેઓ આ સમજે છે તેઓ પણ સંતાનો પાછળ વધુ સમય ખર્ચવાથી વધુ મેળવવાની આ સમાજવ્યાપી દોટમાં પોતે પાછળ રહી જશે એવા ભયથી દુઃખપૂર્વક પણ દોડે છે. આ પરિસ્થિતિનું પ્રત્યેક વરિષ્ઠ નાગરિકે અવલોકન કરવું જોઈએ. આ માબાપો બાળકોના ભવિષ્ય માટે જે અને જેટલું અનિવાર્ય છે એ અને એટલું નથી કરતાં પણ સમાજમાં પોતાનો મોભો જળવાય એ માટે, પોતાને જે ગમે છે એ અને એટલું જ કરે છે. ટી.વી.ના કાર્યક્રમ જોવાથી માંડીને મેકડોનાલ્ડના બર્ગર સુધી નાની મોટી દરેક વાતમાં આ માબાપો એમના સંતાનોને સાંસ્કૃતિક ભૂમિમાંથી જડમૂળમાંથી ઉખેડી નાખે છે.

હવે જેઓ પોતાનાં સંતાનોની જવાબદારી સુદ્ધાં સાચી રીતે લઈ શકતાં નથી એમની પાસેથી આ વડીલોએ પોતાની જવાબદારીઓનું વહન કરવાની અપેક્ષા ઓછી કરી નાખવી જોઈએ. એ તો સાવ સહજ છે કે કોઈ પણ વ્યક્તિને પોતાનાં સંતાનો માટે અધિક લગાવ હોય કેમકે સંતાનો એમનાં પોતાના દેહનું વિસ્તરણ છે. આ સંતાનો સુદ્ધાં એમના જનક-જનેતા પાસેથી શાશ્વતીએ ચીંધેલી સારસંભાળ પામતાં ન હોય અને નર્યા રૂપિયા પૈસાથી જ સંભાળના ઈતિશ્રી થઈ જતાં હોય તો માબાપોએ પેલી પ્રાચીન પરંપરા અનુસાર પોતાની સંભાળની અપેક્ષા રાખવી એમાં બુદ્ધિનો અભાવ છે.

નવી પેઢીનાં આ માબાપોએ વર્તમાન સામાજિક વ્યવસ્થા અનુસાર પોતાનાં સંતાનોની બાલ્યાવસ્થા આંચકી લીધી છે. દોઢ કે બે વર્ષના બાળકને, જે બાળકને છી છી પી પીનું પણ પૂરતું ભાન નથી – પ્લે-ગ્રૂપ કે નર્સરીમાં મોકલી દઈને આધુનિક બનાવવાની દોડમાં ઊતરતા આ માબાપો એટલું પણ નથી જાણતાં કે તેઓ કેવું ઘોર પાપ આચરી રહ્યાં છે. પાંચ વર્ષની વય સુધી જે બાળકને માતાપિતા અને માત્ર માતાપિતાની જ સોબત મળવી જોઈએ એને પગારદાર શિક્ષકો અને સરકારી અધિકારીઓએ નિયત કરેલાં ધારાધોરણો વચ્ચે ધક્કેલી દીધું હોય છે. એને અંગ્રેજી શિક્ષણ સંસ્થામાં મોકલવા માટે ટાઈ બાંધી દેતો બાપ જાણતો નથી કે એ એના સંતાનના ગળે ટાઈ નહીં ફાંસીનું દોરડું બાંધી રહ્યો છે. બાળક અત્યંત દયનીય પરિસ્થિતિમાં શાળાએ જાય છે. હોમવર્ક કરે છે, ટ્યૂશનમાં બેસે છે પણ એને ક્યાંય દોડાદોડી કરવા માટે કે પડી આખડીને છોલાઈ જવા માટે મેદાન પણ મળતું નથી કે સમય પણ મળતો નથી.

વરિષ્ઠ નાગરિકો એટલે કે આવાં બાળકોનાં દાદાદાદીઓ આ કરુણતાને રોકવા માટે હવે ખાસ કશું કરી શકે એમ નથી. આવાં બાળકોનાં જે માતાપિતાઓ છે તેઓ જ આ વરિષ્ઠોનાં સંતાનો છે. આ નઠોર સત્ય વરિષ્ઠોએ યાદ રાખવું જોઈએ. આ માતાપિતાઓએ એમનાં સંતાનોની બાલ્યાવસ્થા આંચકી લીધી છે પણ તમારી વૃદ્ધાવસ્થા કોઈ આંચકી ન જાય એની સંભાળ તો તમારે જ લેવી પડશે. દાયકાઓની ટેવને કારણે હજુય જો તમે સમય ખૂટાડવા માટે કોઈ ઑફિસમાં પાર્ટ-ટાઈમ કર્મચારી બનીને પગાર જ મેળવતા રહેશો તો તમે તમારી વૃદ્ધાવસ્થા જાતે જ ખોઈ નાખી છે એવું અર્થઘટન થશે. આમાં જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય એમને અપવાદ રૂપે ગણવા જોઈએ. કેટલીક મોટી કંપનીઓમાંથી ઊંચા હોદ્દે નિવૃત્ત થયેલાઓ પૂરતું પેન્શન અને બચત હોવા છતાં પોતાનો હોદ્દો જાળવી રાખવા માટે નવા નવા વિઝિટિંગ કાર્ડ લઈને ફરતા હોય છે ત્યારે એવું જ લાગે છે કે આ હોદ્દેદારોએ પાછલી ઉંમરે પણ ભલે હોદ્દો જાળવી રાખ્યો પણ બુદ્ધિ તો ખોઈ જ નાખી છે. વૃદ્ધાવસ્થાની ગરિમા સતત પ્રવૃત્તિશીલ રહેવામાં અવશ્ય છે. પણ આ પ્રવૃત્તિ એટલે માત્ર હોદ્દો કે રૂડાંરૂપાળાં વિઝિટિંગ કાર્ડમાં મર્યાદિત થવી ન જોઈએ. આમ કરવાથી જે રીતે પેલા બાળકે બાલ્યાવસ્થા ગુમાવી દીધી એ રીતે તમે તમારી વૃદ્ધાવસ્થા જાતે જ ખોઈ નાખશો.

બુઢાપો અને બાળપણ એ બે વચ્ચે બીજું એક અદ્દભુત અને અત્યંત રસપ્રદ સામ્ય પણ છે, બાળક ઈશ્વર પાસેથી છૂટું પડીને હજુ હમણાં જ આ પૃથ્વી ઉપર આપણી પાસે આવ્યું હોય છે. પરમાત્મા અને એની વચ્ચેનું અંતર માંડ બેપાંચ વર્ષનું જ હોય છે. આમ બીજા કોઈ કરતાં એ ઈશ્વરની વધુ લગોલગ હોય છે. બરાબર એ જ રીતે કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ પણ ઈશ્વરથી હવે બહુ દૂર નથી હોતી. પરમાત્માના જમણા હાથથી પેલું બાળક થોડા જ અંતરે છૂટું પડ્યું હોય છે. એ જ પરમાત્માના ડાબા હાથની આંગળી પકડી લેવા માટે વૃદ્ધ વ્યક્તિ પણ હવે થોડા જ અંતરે રહેલી હોય છે. જાણે કે આખું એક વર્તુળ પૂરું થઈ રહ્યું છે, એ સાથે જ પેલા બાળકથી નવું વર્તુળ શરૂ થઈ રહ્યું છે. આમ બુઢાપો અને બાળપણ બંને લગભગ એકસરખાં જ પરમાત્માની પાસે છે. બાળકને પરમાત્માએ અહીં કેટલાંક નિશ્ચિત કર્મો સોંપીને મોકલ્યું હોય છે. હવે જેનું વર્તુળ પૂરું થયું છે એવો વૃદ્ધજન જ્યારે પરમાત્મા પાસે પહોંચી જશે ત્યારે પરમાત્મા એને અવશ્ય પૂછશે – ‘તને પણ મેં કેટલાંક ચોક્કસ કર્મો સોંપીને મોકલ્યો હતો. બોલ, તું શું કરીને આવ્યો છે ?’ – આ પ્રશ્નનો ઉત્તર દેવાની તૈયારી હવે પ્રત્યેક વરિષ્ઠ નાગરિકે કરી રાખવી જોઈએ.